Posted by: Shabdsetu | માર્ચ 25, 2019

માણસ છે ભાઈ માણસ

 

Manas

આપણે ઉપર જઈએ અને નીચે આપણા વિષે શું બોલાય છે એ જાણવું હોય તો પહેલા આપણે મરવું પડે.
એટલે હું મરી ગયો.

હું મરી ગયો ને શહેર ભરમાં કાગડાઓએ ચાડી ખાધી… ભાઈએ ઉઠામણું કર્યું છે!
ને ઘર આખું કીડી મકોડાથી ઊભરાઈ ગયું.

વર્ષોથી જેમને ટોરાન્ટોમાં શોધતા ફરતા હતા સાથ લેવા
એ બધા જ લેભાગુઓ પધાર્યા હતા અહીં હાથ દેવા
અવસર મારો જ હતો ને આટલા બધા ચાહકો વગર ઇન્વિટેશને!
મારી છાતી સિંહની જેમ ફુલાઈ ગઈ.

ત્યાં કોઈ શિયાળની ઠાવકાઈથી બોલ્યું –
ભાઈએ, આમ અચાનક માયાને છોડી દીધી?  ભાઈ અને માયાને છોડે?
બાજુમાં બેસેલા માયાબેને, ભાઈના કરન્ટ બેટરહાફે
સહુને સંભળાય એવો જોરથી મૂકયો ઠૂંઠવો!

ત્યાં ગરીબડી ગાયની જેમ કોઈ ભાંભર્યું –
ભાઈ, માયાથી તો રૂઠી ગયા પણ સાથે અમને ય લૂટી ગયા
ચપટીમાં પચાસ હજાર ઊઠી ગયા ને અકાળે અમારા નસીબ ફૂટી ગયા

થોડી વારના મૌન પછી એક બટકબોલી બુલબુલ બટકી – ભાઈ, આજે તો ખરેખર જામે છે હોં!
સફેદ સુરવાલ કુડતા અને આંખે કાળા ગોગલ્સ
જાણે ફ્યૂનરલમાં આવતા કોઈ ફેમસ ફિલ્મી મોગલ્સ
ભાઈએ પહેર્યા છે આ દાબડા પણ પૂર્યા છે કોઈના ગાબડા
ભાઈએ કાઢી આપી છે આંખ દૂર કરવા અંધારાની ઝાંખ

ત્યાંજ એક ચિબાવલી ચીબરી ચરકી – પણ ભાઈએ, બીજુ કાંઈ દાનમાં કેમ ન આપ્યું?

અપાય એવું અને લેવાય તેવું બીજુ રહયું શું હોય સારુ, જો ભાઈ દાનમાં આપે? એક દોઢડાહ્યાએ ડબકો મૂકયો –
ભાઈને સ્ટ્રેચેબલ સ્ટમકમાં વારે ઘડીએ કચરો સીંચવાની ટેવ, સવાર સાંજ ઢીંચવાની ટેવ
બબ્બે મિનિટે ફૂંકવાની ટેવ, ઉપરથી બજર ચાવી થૂંક​વાની ટેવ​
હવે તમે જ કહો, આ ઉકરડા જેવા શરીરમાં રહયું શું હોય સારુ, જો ભાઈ દાનમાં આપે?

પણ ભાઈ હતા બહુ શોખીન માણસ હોં! ભાઈનો એક ચાહક આગળ આવ્યો –
ભાઈને ખાવા-ખવડાવવાનો શોખ, પીવા-પીવડાવવાનો શોખ,
નાચવા-નચાવવાનો શોખ, ફરવા-ફેરવવાનો શોખ

ભાઈને આંખ મારવાનો, આઇમીન ઇશ્ક ફરમાવવાનો શોખ ખરો કે? એક વંઠેલ વાંદરો વાચાળ બન્યો

તમને ખબર નથી? ભાઈ, બહુ લકી માણસ!
પહેલી વારની બેટરહાફ જુવાનીમાં જ પ્રભુને પ્યારી થઇ ગઈ અને બીજી વારની કોઈ કેનેડીયનને!
પેલા ખૂણામાં, સફેદ સાડીમાં બેઠા છે ને એ સીમાબેન, ભાઈના અંગત સેક્રેટરી
ભાઈનો એમની જોડે અંગત સંબંધ
અને સામે કાળા સલવાર કમીઝમાં ઊભા છે ને એ સલમાબેન
ભાઈનો એમની જોડે સગવડીઓ સંબંધ
ભાઈ બડા દિલફેંક આદમી, ઉમ્મરની સાથે સાથે શરીર પણ વધારતા જાય અને સંબંધો પણ!

પણ ભાઈ ને આજે જ જવાનુ કેમ સૂઝયુ? એકે અવળચંડા ઊંટની જેમ વાતને વળાંક આપતા ફરિયાદ કરી –
ભાઈ બે દિવસ રોકાઈને, વીકએન્ડમાં ગયા હોત તો આપણો એક દિવસનો પગાર તો બચ્યો હોત ને!

ત્યાં પેલો મશ્કરો વાંદરો ફરી ટપકયો – મોટા ભાઈ, તમે તો વીકએન્ડમાં જ પ્રસ્થાન કરશો ને?

ના, હું લોંગ વીકએન્ડમાં જઈશ

ત્યાં એક નટખટ નવવિવાહિત, ગધેડાની નફ્ફટાઈથી ગુસ્સામાં બોલ્યો –
તમને લોકોને વીકએન્ડ અને લોંગ વીકએન્ડની પડી છે
અરે, અમારો તો વિચાર કરો, અમારુ તો હવાઈમાં હની સાથેનું હનીમૂન હવાઈ ગયું છે
હવે બે ટીકીટો પડી છે ઇન્સ્યોરન્સ વગરની, એના પૈસા શું ભાઇનો બાપ આપશે?

એક વયસ્ક મોટાભાઈએ, હાથીની ધીર ગંભીરતાથી, ભાઈનુ વીલ ખોલી વાંચવા માંડ્યું –
દોસ્તો, જ્યારે હું તમારી જાન છોડુ, ત્યારે મારી જાનનો ખરખરો કરવા,
મારી ફેરવેલ પાર્ટીમાં અચૂક આવવું
આવ​વું, જરૂરથી આવ​વું પણ સાથે ખાવા-પીવાનું યે લાવ​વું
જે ગયા એનુ નામ બહુ રટવું નહીં અને આવનારને બહુ ભેટવું નહીં
જનાર માટે ખોટે ખોટું રડવું નહીં ને પાછળ ભૂલથી પણ સડવું નહીં
ગીતા-બીતાના પાઠ ભણવા નહીં અને ભજન-બજન કરવા નહીં
ભૂલથી યે બ્રાહ્મણને બોલાવવો નહીં ને એક પણ દીવો સળગાવવો નહીં
સદા ભાઈની ભૂલોને ભૂલતા રહેજો ને એમાંથી કાંઈક શોધતા રહેજો
ખાવો પીવો ને કરો ઊજાણી, ભાઈની છે બસ આટલી જ કહાણી!

અંતે ભાઈના ખાસ નજીકના, એક બુદ્ધિજીવી મિત્ર આગળ આવ્યા અને બોલ્યા –
આપણા ભાઈ થોડા સ્વાર્થી પણ ખરા અને નિસ્વાર્થ સેવાભાવી યે ખરા
ભાઈ સાચાબોલા પણ હતા અને થોડા આખાબોલા પણ
ભાઈ આ લોકમાં જ માનતા ને સદા પરલોકને પડકારતા
ભાઈ કદી આસ્તિક નહોતા પણ પૂરા નાસ્તિક યે નહોતા
ટૂંકમાં ભાઈ, સારા માણસ પણ નહોતા અને ખરાબ માણસ યે નહોતા
ભાઇ ફ્કત માણસ હતા માણસ!

કિશોર પટેલ

કિશોર પટેલના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. માણસ છે ભાઈ માણસકાવ્યપઠન

 મારી હસ્તી મારી પાછળ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !

ઓજસ પાલનપુરી

 

Posted by: Shabdsetu | એપ્રિલ 19, 2017

વહેતા સમયની નવી દુનિયા

Dephi

માનવના સ્માર્ટ હાઉસમાં બધુ જ રિમોટ કન્ટ્રોલ
નથિંગ ઇઝ આઉટ ઑફ કન્ટ્રોલ
થર્મોસ્ટૅટ, લાઇટ, સ્ટવ, માઇક્રો, સિક્યુરિટી અલાર્મ, સ્માર્ટલૉક … ઘણું બધું
ઉપરથી પડતો બોલ ઝીલી, પૃચ્છા કરતો, વહાલસોયો, સુમધુર કંઠ

સત્તર વર્ષના માનવે પૂછ્યું: ” હાય ગુગલ, ટેલ મી ઇઝ ઇટ ગોઇંગ ટુ રેઇન ટૂડે?”
“નો, બટ ઇટ ઇઝ કોલ્ડ એન્ડ વિન્ડી” જવાબ મળ્યો
સ્કૂલે જતા પહેલા ફ્રીજમાંથી ડિનર કાઢી, માઈક્રોમાં મૂકી,
ઇ કેટલમાં પાણી ભરીને બોલ્યો: “ગુગલ, કોલ માય મોમ”
“હાય મોમ, આઇ ટુક ફોટો ઓફ યોર ચૅક ઍન્ડ ડિપોઝિટેડ ઓન લાઇન”
“ઓકે બેટા થેન્ક્સ, હેવ ફન, હેવ એ નાઇસ ડે”
“ઓકે મોમ”

રેડી થઈને માનવ ઓટોનોમસ સેલ્ફ ડ્રાઈવ “ડેલ્ફી” માં બેસી બોલ્યો:
“ટેક મી ટુ માય સ્કૂલ, મીનવાઇલ, આય વીલ સ્ટડી ફોર માય ટેસ્ટ”
“ધેર ઇઝ ટ્રૅફિક જામ ઓન સ્ટીલ્સ ઍવન્યૂ, વીલ ટેક ક્વીન સ્ટ્રીટ” જવાબ મળ્યો
“ઓકે”
ડેલ્ફી જેવી બત્રીસ કંપનીઓથી કેટલા બધા ડ્રાઇવરોની નોકરી જશે!

બપોરે સ્કૂલેથી નીકળતા માઇક્રોને ફોન કર્યો: “વૉર્મ માય ડિનર”
સ્ક્રીન પર માનવે કોઈને ઘરની બહાર ફ્લાયર નાખતો જોયો.
ઘરે આવતા પહેલા ગાડીમાંથી ઇ કેટલ અને હીટર ચાલુ કર્યા
જમીને, કોફી પી, 4K TV ઉપર Mission Impossible 10 જોવા લાગ્યો.
વહેતા સમયની નવી દુનિયા જોઈ રહ્યો હું જૂના ચશ્મે!

નિધીશ દલાલ ‘મુસાફિર

સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ ના જીવનમાં?
વિસર્જન થાય છે નિત, નિત નવું સર્જન કરી લઉં છું

અકબર જસદણવાલા

Posted by: Shabdsetu | જૂન 3, 2016

મુઠ્ઠી ઉચેંરો ડૉક્ટર…

Photo-Dr.Kevorkian

3 જૂન! ડૉ. જૅક કેવોર્કિયનનો (Jack Kevorkian) પાચમો સ્મૃતિદિન!

જૂન ૩, ૨૦૧૧ના રોજ રૉયલ ઓક, મિશિગનની બ્યૂમોન્ટ હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેમને લિવરનું કૅન્સર હતું. પણ કિડની અને હાર્ટની સમસ્યા માટે તે મે ૧૮, ૨૦૧૧ ના રોજ હૉસ્પિટલમાં દાખલ થયા હતા. ભારતમાં અચાનક દુરદર્શન ટીવી તથા અખબારોએ પલ્મનરી વેનમાં લોહીની ગાંઠ અટકવાથી તેમનુ અવસાન થયાનાં સમાચાર આપ્યા. મૃત્યુ શંકાસ્પદ હોવાની શક્યતા સાથે! તેમનાં કાર્ય તથા જીવનપ્રણાલીને કારણે શંકામાં તથ્ય જણાતું હતું. જુલાઈ-ઑગસ્ટ માસ પત્યાં પછીય દૂરદર્શન ટીવી અને અખબારોમાં શંકાસ્પદ મરણની ચર્ચા ચાલતી રહી. જાણકારો મરણ ફેફસામાં અટકેલ પરપોટાને (Air bubble) કારણે (Pulmonary embolism) થયું એમ કહેતા હતા. એમણે જ નસમાં પરપોટો ઇંજેક્ટ કર્યાની શંકા સાથે! જૅકની વિચારશૈલી અને કાર્ય એમ હોવાની શક્યતાને બહાલી આપે છે.

પોતાનાં અભિપ્રાયને વળગી રહેવાની તેમની મક્કમતાને સમાજે ગુનો ગણાવી તેમને બહુ તકલીફ પહોચાડી. એમનાં કાર્યમાટે મનમાં અખૂટ આદર હોવાથી તે જેલમાંથી છૂટ્યા ત્યારે મેં એમની ફોનપર મુલાકાત લઈ મરાઠીમાં છપાવી હતી. તેમનાં પાચમાં સ્મૃતિદિને માનવંદનારુપે એ મુલાકાતની આછી તાસીર રજૂ કરવાનું વિચાર્યું.

યુ.એસ.એ.ના પોન્ટિયાક, મિશિગનમાં મે ૨૬, ૧૯૨૮ રોજ જૅક કેવોર્કિયનનો  જન્મ થયો. બુદ્ધિશાળી હોવાથી તે ડૉક્ટર બન્યા. સામાન્યોથી તેઓ બિલકુલ વેગળાં હતા. ડૉક્ટરની સમૃદ્ધ જીવનશૈલીનો ત્યાગ કરી તેમણે કાટાંળો માર્ગ સ્વીકાર્યો. સમાજનાં વિરોધસમક્ષ ઝૂક્યા વિના તે અગ્નિપથપર ચાલતાં રહ્યા. ડૉક્ટર જીવનદાતા ગણાય! વેદના દૂર કરતો જ્ઞાની! તેમણે જ્ઞાન હોડમાં મૂકી ૧૩૨ રોગીઓને અસહ્ય વેદનામાંથી મુક્ત કર્યા. વેદનાભર્યાં જીવનનો અંત આણી, નહી કે સાજા કરીને! પોતાના વિચારો યોગ્ય છે, એવી ખાતરી રાખી તેમણે સમાજનો વિરોધ પચાવ્યો. એમનાં ટિકાકારો હતા તેમ પ્રશંસકોય! જાહેરમાં ચૂપ રહેતા પ્રશંસકો ખાનગીમાં પ્રિય સ્વજનને મરણથી બદત્તર વેદનામાંથી મુક્ત કર્યા તે માટે આભારની લાગણી વ્યક્ત કરતા.

આગવા કાર્યની વિશેષતા સમજવાની ક્ષમતા ન હોવાથી સમાજે તેમનાં ભાણામાં અપમાન ને તકલીફો પીરસી. હત્યાના પ્રયાસના આરોપ હેઠળ તેમને આરોપીનાં પિંજરામાં ધકેલ્યા. ક્ષમાયાચના કરી તેમણે છૂટવાનો પ્રયાસ કર્યો નહી. આઠ વર્ષ કારાવાસ વેઠ્યો પણ નમતું જોખ્યું નહી. નવા વિચારો રજૂ કરતા દરેક માનવીને દુનિયાએ હંમેશ તકલીફ અને અપમાન બક્ષ્યાં છે. સદિઓ માટે સંભારણું બનવાની ક્ષમતા ધરાવતો વિચાર સમાજની ટૂંકી દૃષ્ટિમાં સમાતો નથી. આર્ષદૃષ્ટીને કારણે મહાનુભાવો પ્રતિગામી સમાજ કરતા વધુ જોઈ શકે છે. જૅક કેવોર્કિયન એવા મહાનુભાવ હતા. અસાધ્ય રોગની વેદનાથી છુટકારો મરણદ્વારા આપવાનો તેમનો વિચાર હવે ઇચ્છામરણ, દયામરણ, euthanasia, mercy killing, assisted death  વિગેરે નામ પામ્યો છે. તે લાંબા સમયથી વિચારાધીન છે.

ડૉ. જૅક કેવોર્કિયન માટે મારા મનમાં જબરુ કુતૂહલ! તેઓ માગે તેને મોત બક્ષે છે કે કેમ તે જાણવાંની લાલસામાં હું એમની મુલાકાત ઝંખતી હતી. એ બને કે કેમ તે નહોતી જાણતી. માટે મેં ગેરીલા નીતિ અપનાવી. ફોન કરી, મેં હેલ્થ પ્રૉબ્લેમ કહી, મરણની માગણી કરી. ઝીણવટથી સવાલો પૂછી, તેમણે મારી સ્થિતી મરણને યોગ્ય નથી એમ કહ્યું. યોગ્ય સારવારની ભલામણે કરી. પછી મેં ય અસલિયત છત્તી કરી. દયામરણનો વિચાર દુનિયાભરમાં ફેલાય એ તેમનીય તમન્ના! માટે તેમણે મુલાકાત આપી – થોડીક ભારતીય ભાષાઓમાં વિગતો રજૂ કરવાની પ્રેમાળ વિનંતી સાથે! વાતનો આરંભ મારી મરણની માગણીથી થયો હોવાથી તેમણે પહેલાં માગણી નકારવાનાં ઘણાં કિસ્સા કહ્યા.

તેઓ રોગીનાં હિતનો વિચાર હંમેશ અગ્રક્રમે મૂકતા. ડૉક્ટરપાસે જતા રોગીનાં મનમાં સાજા થવાની આશા હોય છે. અસાધ્ય રોગથી પીડાતો રુગ્ણ સાજો થશે નહી, એ જાણતા એને ડૉક્ટરો પેન કિલર (વેદનાશામક દવા) આપે છે. ધીમેધીમે વેદનાશામક અસર ઓછી થાય ને રોગીની પીડા વધ્યા કરે છે, એ તે જોતા હતા. તેમણે ઘણા રુગ્ણોને ‘નથી સહેવાતું, ભગવાન ઊપાડી લે તો સારુ,’ એમ કહેતાં સાંભળ્યાં હતા. રોગી સાજો થવાની લેશમાત્ર શક્યતા ન હોય તો એના પર વેદનાભર્યું જીવન થોપવું ક્રૂર કામ છે, નહી કે કરુણા, એમ એ વિચારતા થયા. માટે વીસમી સદીનાં આઠમાં દાયકામાં એમણે દયામરણ કે euthanasia પર અભ્યાસ શરૂ કર્યો. ઘણાં પરિક્ષણ-નિરીક્ષણ કરી તેમણે જનજાગૃતીની જરૂર જોઈ. એ વિશે ઘણું લખાણ કર્યું. અસાધ્ય વેદનાથી પીડાતા રોગીને શાંતીથી મરણશરણ થવાની તક શી રીતે આપી શકાય, તે વિશે ઊંડાણમાં અભ્યાસ કર્યો.. જાતમાટે તેમણે મરણ સમુપદેશક અથવા ડેથ કાઉન્સેલર એવી અનોખી ઓળખ પ્રદાન કરી. સારવારનો અપાર ખર્ચ વેઠી વેદનાગ્રસ્ત જીવન પામવાનું તે અર્થહીન ગણતા. રોગીની ઝઝૂમવાની શક્તિ નષ્ટ થાય છતા ડૉક્ટરો સારવાર કરી પીડામય જીવન ચાલુ રાખે છે.

અસાધ્ય રોગની અકળામણથી ત્રાસેલા રુગ્ણોએ અભ્યાસ અને સંશોધનમાં એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને ઓછી તકલીફે અને ઓછાં ખર્ચે મરણપ્રક્રિયા ઝડપી બનાવતાં બે સાધનો નિર્માણ કર્યાં. પારીવારીક જવાબદારી પૂરી થયેલ વૃદ્ધ અને અસાધ્ય રોગથી પીડાતો માનવી મરવાની ઇચ્છા પ્રગટ કરે તો તે પૂરી કરવી હિતમાં હોવાનું એ વિચારતા. છતા સમાજ આમ મરવું એ કુદરતનો વિરોધ કરવાનું પાપ ગણતો, માટે એ કહેતા, “ગઈ સદીમાં ગર્ભવતી સ્ત્રીનું બાળક અટકે તો બાળક સાથે તે મરી જતી. હવે આપણે સિઝરનો ઉપયોગ કરી મા અને બાળકને બચાવીએ છીએ.” If we can aid people coming into the world why can’t we aid them exiting the world? એમ પૂછી તે પોતાનાં કામને ફિજિશિયન આસિસ્ટેડ ડેથ કહેતા. રહી કુદરતા વિરોધ ની વાત! જન્માંધ વ્યક્તિને નેત્રદાનની મદદથી દેખતી કરવી, એ ય કુદરતનો વિરોધ છે અને મરતા દર્દીને દવા આપવી એ ય કુદરતનો વિરોધ જ છે, એમ એ ભારપૂર્વક કહેતા. નદીનો પ્રવાહ ફંટાવી કે ધરણો બાંધી કે એવી અનેક ઘટનામાં માનવી વારંવાર કુદરતનો વિરોધ કરે છે, તો અહી જ હોબાળો કેમ, સૌને અનુત્તર કરવાનો સવાલ એ પૂછતા. તેમની દલીલો યથાર્થ હોવાથી વિરોધ કરવાનું અસંભવ બને ત્યારેય બહુજન સમાજ વિરોધ ચાલુ રાખતો.

મોંઘી સારવારનું ખર્ચ વહોરી કંગાળ બનેલ અને વેદનાની પીડા અસહ્ય થયેલ મરણેચ્છુઓ માટે તેમણે બે જુદી જુદી જાતના મશીનો બનાવ્યા. એકનું નામ “Thanatron” (Death machine) જેની નળી શરીર સાથે જોડ્યા બાદ દર્દી જાતે બટન દબાવીને ઝહેરી દવા ઇંજેક્ટ કરી મૃત્યુને ભેટી શકે. બીજી સાધન-પધ્ધતી “Mercitron” (Mercy machine) માં મોં ઉપર ગેસ માસ્ક લગાવીને કાર્બન મોનૉક્સાઈડ જેવા ઝહેરી ગેસથી મૃત્યુની ગોદમાં નિરાંતે સૂઈ જવાય.. બન્ને સાધનો સસ્તા અને વેદનાવિહિન વેગીલું મરણ બક્ષવામાં તેમજ ઝડપથી આત્મહત્યા કર્યાનો પુરાવોય નષ્ટ કરવામાં સાર્થક હતાં.

Dr. Kevorkian-equiment

ઇચ્છામરણની સંકલ્પના બુદ્ધિનિષ્ઠોને અવશ્ય સમજાતી. પણ કાયદાનાં ઘડવૈયાઓને તેમાં ઘાસ સાથે લીલોતરીય બળવાની શક્યતા દેખાતી. મરણની ઇચ્છા રોગીની છે કે જાયદાદને મોહે તેમને બાળકો યા બીજું કોઈ મજબૂર કરી રહ્યું છે, તે જાણવાનું કામ સહેલું નથી, એમ એ કહેતા. એ ભય ડૉ. કેવોર્કિયન યે જોતા. કામ કરતા પહેલા તેઓ ખાતરી કરાવી લેતા. જેમનાથી પીડા સહન નથી થતી અને જેઓ મરણમાટે તલસે છે, તેઓને રિબાવું પડે તે તેમને પસંદ નહોતું.  તેઓ કહેતા “રોગી સાજો થઈ શકે તેવી એક ટકોય શક્યતા હોય તેને હું મરવામાં મદદ કરતો નથી. રોગી સાજો નહી થાય, એ ખાતરી થયા પછી જ હું એ કામ કરૂ છું. વળી મરણેચ્છુને મરવામાં કોઈ મજબૂર કરતું નથી, એનીય હું ખાતરી કરાવી લઉં છું. મારા જેવો એકલો અટૂલો કંગાળ કરી શકે છે તે કામ સરકારની મદદથી કાયદો કેમ કરી ન શકે?”

જોકે કાયદો સંમતી આપે તેની રાહ જોયા વિના જ તેમણે કામ શરૂ કર્યું હતું. ઇચ્છામરણની બધી તૈયારી ડૉ. કેવોર્કિયન કરી આપે ત્યાર બાદ અંતિમ કાર્ય રોગી જાતે કરતો. વળી હેતુપૂર્ણ આત્મઘાત હોવાનો પુરાવો ઝડપથી નષ્ટ થતો. તેથી વારંવાર હત્યાના આરોપ થયા તોય કોઈ એમને કાયદાની પકડમાં ફસાવી શક્યું નહોતું. પણ એકવાર પીડિત માટે તેમનાં મનમાં રહેતી કરુણાએ સીમા પાર કરી. જેનેટ નામની સ્ત્રી એમનું સાધન પોતે વાપરી શકતી નહોતી. એણે કરગરીને ડૉક્ટરને વિનંતી કરી. ડૉક્ટરનાં દેહમાં શ્વસતા જૅક નામનો માનવ કરુણાસક્ત થતાં એમણે હકાર ભણ્યો… કાયદાતંત્રની બારીક નજર હતી જ. જૂન ૧૯૯૦ માં જેનેટને સ્મૃતીભ્રમની બિમારી હોવાનો ફાયદો ઉઠાવી જૅક હેતુપૂર્ણ હત્યાની (First degree murder) વિકૃત ઇચ્છા બર લાવતો હતો એવો આરોપ મૂકાયો. વકીલનાં પ્રતાપે તેઓ એમાથી છૂટ્યાં. પણ એવા આરોપો વારંવાર થતા રહ્યા. દરેક લડતમાં મિત્ર કમ વકીલ જૉફરી ફાયગરનો તેમને સહકાર હતો. માટે તે નિર્દોષ છૂટતા. પણ વારંવાર થતા આરોપોએ તેમને ડૉ. ડેથ નામ અપાવ્યું. ૧૯૯૧ માં તેમનું મેડિકલ પ્રૅક્ટિસનું લાયસન્સ રદ થયું.

૧૯૯૮ ના સપ્ટેંબર મહિનાની ૧૭ તારીખે આગવી ઘટના બની. મારક રોગ Lou Gehrig’s disease નો શિકાર બનેલ મિશિગનના થૉમસ યૌક નામનાં બાવન વર્ષનાં રોગીનો મૌતને આગોશમાં લેતો વિડિઓ ઉતાર્યો. અને આ વિડિયોમાં ડૉ. કેવોર્કિયને જાતે રોગીના શરીરમાં ઝહેરી રસાયણ ઇંજેક્ટ કર્યું.  નવેમ્બર ૨૨, ૧૯૯૮ ના રોજ CBS News ના અતિ પ્રચલિત 60 Minutes show ઉપર એ વિડિઓ બતાવવામાં આવ્યો. અને સાથે કાયદા અને કોર્ટને ચેલેંજ કરતો.  ડૉ. કેવોર્કિયનો interview. દુનિયાભરમાં આ વાતની ચકચાર ચાલુ થઈ ગઈ અને ડૉ. ડેથ ફેમસ થઈ ગયા. માર્ચ ૨૬, ૧૯૯૯ ના રોજ ડૉક્ટર જૅક કેવોર્કિયન પર second degree murder નો આરોપ મૂકાયો delivery of a controlled substance માટે (administering the lethal injection to Thomas Youk). એપ્રિલ ૧૯૯૯ માં ડૉ. કેવોર્કિયને ૨૫ વર્ષની સજા થઈ પૅરોલની શક્યતા સહિત.

૨૦૦૬માં તેમને હૅપટાઇટિસ સી.એ પથારીમાં પટક્યા. આઠ વર્ષ, અઢી મહિનાનો કારાવાસ સહ્યા પછી ૨૦૦૭ માં તેમનાં સભ્ય વર્તનનાં માનમાં તેમને મુક્ત કર્યા. અર્થાત મરણમાં મદદ ન કરવાની શર્ત સાથે! દયામરણનાં વિચારનો પ્રચાર કરવામાં કાયદાનો વિરોધ નહોતો. માટે એમણે મુક્તી મંજૂર કરી, પ્રચારકાર્ય હાથ ધર્યું.

જેલમાંથી બહાર આવ્યા કે તરત તેમણે વેદનાપીડિત રોગીનાં સંદર્ભમાં  જીવન ટૂંકાવાનો હક મળવો રહ્યો, એ વિચાર સર્વત્ર ફેલાય તે માટે હેતુપૂર્ણ કાર્યક્રમો રજૂ કરવાનો દૉર શરૂ કર્યો. જાણે આગવા આંદોલનનો વંટોળિયો ફૂંકાયો. સામયિકોમાં લેખન, આકાશવાણી તથા દૂરદર્શનપર મુલાકાતો, કૉલેજોમાં વાર્તાલાપનાં કાર્યક્રમો… દરેક રીતે તે ઇચ્છિત કાર્ય કરતા રહ્યા. દૂરદર્શનમાં સંજય ગુપ્તા તેમની મુલાકાત લેતા હતા ત્યારે તેમણે રોષભેર પૂછેલ “વેદનાગ્રસ્ત રોગી મરે કે જીવે તેની સમાજને જાણ સુદ્ધા હોતી નથી! તો કેમ એ નેક કામમાં દખલઅંદાજી કરે છે?”એ સવાલનો જવાબ ન મુલાકાત લેનાર પાસે હતો કે સમાજપાસે!

૨૦૧૦ માં એમના જીવન ઉપર “You Don’t Know Jack” નામની એક ફિલ્મ બનાવવામાં આવી. ડૉ. જૅક કેવોર્કિયનનું પાત્ર ભજવ્યુ Hollywood ના મહા નાયક Al Pacino એ અને એ ફિલ્મને Emmy and Golden Globe awards પણ મળ્યા. ફિલ્મના પ્રિમ્યેઅર સમયે ડૉ. કેવોર્કિયન રેડ કારપેટ ઉપર Al Pacino જોડે ગર્વથી ચાલ્યા..

અથક કામ કર્યે જતાં જૅકની તબિયત કથળે એ સહજ ઘટના હતી. ૧૮ મે ૨૦૧૧ રોજ એ હૉસ્પિટલાઈઝ્ડ થયા. કૃત્રિમ ઉપચાર માટે તેમણે વિરોધ કર્યો. પણ તે મનપર લેવાયું નહી. માટે કદાચ… શંકા પૂર્વગ્રહને કારણે હોય કે તેમણે સારવાર નકારી હોવાથી હોય. દુનિયાનાં રંગમંચપરથી તેમણે એક્ઝિટ લીધી, એમાં બેમત થાય નહી. તેમનાં કાયદાકિય સલાહગાર જૉફરી ફાયરનાં અભિપ્રાયમુજબ તેમનુ વ્યક્તિત્વ અત્યંત અનેરુ હતું. તીવ્ર બુદ્ધી, આત્મવિશ્વાસ, સંતુલિત વિચારપ્રણાલી અને મનને યોગ્ય લાગે તે કરવાની મક્કમતા એવો અનોખો સંગમ ભાગ્યે જ જોવાં મળે, એમ કહેતા જૉફ્રી ફાયગરએ તેમની ભાવુકતા અને સંવેદનશીલતાનો ખાસ ઉલ્લેખ કર્યો.

નવાઈની વાત છે કે સમાજ જેને સનકી હટાગ્રહી કહેતો તે ડૉ. કેવોર્કિયન કળાકારની માનસિકતા ધરાવતું અજબ રસાયણ હતા. ડૉક્ટર હોવું એ એમની બહુમુખી પ્રતિભાનું એક પાસુ હતું. તેઓ જાઝપ્રેમી હતા ને સંગીતકાર પણ! સરસ વાસળી અને ઑર્ગન વગાડનાર! આગવા કાર્યની શરૂઆત પછીય ૧૯૯૦ સુધી તેમણે ઘણાં કૉમ્પઝિશન રચ્યા. વેદનાગ્રસ્ત રુગ્ણોને વેદનામુક્તી બક્ષવાનાં કાર્યમાં જાતને ઝીંકી ન દિધી હોત તો તે વિખ્યાત સંગીતકાર બન્યા હોત.

સંગીત ઉપરાંત તેમને ચિત્રકળા અને પેંટિંગ કરવાનો શૉખ હતો. તે ઉત્તમ ઑઈલપેંટિંગ્જ કરતા. ક્યારેક નદીનાળાંનો કાદવ કે પોતાનું લોહી રંગની જગ્યાએ વાપરવાનું તેમને ગમતું, એવાં પેંટિગ્જનું અનોખું રુપ લોકોને ચકિત કરતું. ઊંચી કક્ષાનાં ચિત્રકાર તરીકેય એમની નામના હતી. સમાજે તેમનાં વિવિધ પાસાં આંખ આડે કરી કેવળ ડૉક્ટર ડેથ એ સંબોધન સ્થાપિત કર્યું. પણ રસિકોએ રૉયલ ઓક, મિશિગન માં તેમનાં ઓરીજિનલ પેંટિંગ્જ મૂકીને અરિયાના ગૅલરીની શોભા વધારી એમની કળાને અનોખી દાદ આપી. એ જ ગૅલરીને તેમનાં ચિત્રોની નકલો વેચવાનો હક મળેલ છે. બહુમુખી પ્રતિભા ધરાવતાં સ્વ. ડૉ. જૅક કેવોર્કિયન નામે અમર થયેલ મહાનુભાવને પાચમાં સ્મૃતિદિને હાર્દીક શ્રદ્ધાંજલી.
ડૉ. જૅક કેવોર્કિયનની જયંતી – ૨૬ મે ૨૦૧૬

સ્મિતા ભાગવત

મરવાનો છે પ્રસંગ અને જીવી રહ્યો છું હું,
મારા નસીબમાંથી કઝા કોણ લઇ ગયું?

મરીઝ

 

Posted by: Shabdsetu | એપ્રિલ 6, 2016

દિલનો દોરો

સમય વહેતો જાય છે અને એક પછી એક….. હવે આપણી આથમતી પેઢીનું આજ સત્ય!

‘શબ્દ્સેતુ’ના જૂના હમસફર જય ગજ્જર, જે છેલ્લા છ વર્ષથી લાંબી માંદગીને કારણે માસિક બેઠકમાં આવી નહોતા શકતા, એમણે ગાંધીનગર, અમદાવાદ મુકામે વિદાય લીધી છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.  ‘શબ્દસેતુ’ની હ્રદયપૂર્વક ભાવભીની શ્રધ્ધાંજલી. એમની એક કૃતિ એમની યાદમાં…

Jay_Gajjar_17_

દિલનો દોરો

બેટા, આજ મને લેવા આવવાનો છે ને? સવારે ઉઠતાં રાયચંદે દીકરા વિવેકને ફોન કર્યો.

કેમ આજ વળી શું છે? જરા ગુસ્સામાં વિવેકે સવાલ કર્યો અને ઉમેર્યું, હા.. હા… ફાધર્સ ડે છે ને? ત્યાંજ વહુ મોટેથી વચ્ચે બોલી, હજુ તો નવ વાગ્યા છે! અમારી ઉંઘ બગાડી! રેસ્ટોરન્ટમાં ખાવાનો બહુ અબળખો છે તો બપોર સુધી રાહ જોવી જોઇએ ને! દીકરા કે વહુનો ગુસ્સો વધે એ પહેલાં રાયચંદ શેઠે ફોન મૂકી દીધો અને ઘડિયાળ સામે આંખ માંડી બાજુની ખુરસીમાં બેસી કંઈક યાદ કરવા લાગ્યા…

ડેડ, વિશાળ બંગલો છે, આંગણામાં બબ્બે મર્સિડિઝ કાર છે, લાખો ડોલર બેંકમાં છે, ધીકતો ધંધો છે, હવે શું જોઈએ? હવે કામનો ભારણ ઓછો કરી ભકિત સાથે સાથે આરામ કરો! ત્રીસ વર્ષના વિવેકે પત્ની નેહાની ચઢવણીથી એના ડેડીને સલાહ આપી. રાયચંદને દીકરાના શબ્દો બાપ પ્રત્યેના પ્રેમના લાગતાં સલાહ ગમી. કશું જ વિચાર્યા વિના બધું વિવેકને નામે કરી દીધું. વેપારની જવાબદારીનો ભાર ઘટતાં મન પ્રફુલ્લિત રહેવા લાગ્યું. સમય કયાં વીતતો હતો એની ખબરે ન પડતી.

વિવેકનો ભાર ઓછો કરવાને બહાને નેહાએ ઘરનો અને વેપારનો કબજો મેળવી લીધો. ઘરમાં જ ઓફિસ કરી. એક પર્સનલ સેક્રેટરી રાખ્યો. સમય જતાં, નિકટતા વધતાં, નેહાનું એની સાથે લફરું વધતું ગયું. વિવેક તો ધંધામાં ડૂબેલો રહે એટલે કશું એની જાણમાં ન આવતું. ઘરમાં રહેતો ડોસો વહુને એક આડખીલી લાગવા માંડયો.

નેહા અવાર નવાર ફરિયાદ કરવા લાગી. તારા ડેડી બપોરે જમીને પ્લેટ પણ સિંકમાં મૂકતા નથી… જમતી વખતે ચારે બાજુ એંઠવાડ પાથરે છે… ટોઇલેટની આસપાસ પાણીના છાંટા ઉડાડે છે… બહારથી ઘરમાં આવે ત્યારે બૂટમાં મણ કચરો લઈને આવે છે… ચારે બાજુ ચોપડાનાં થોથાં પાથરે છે… કામવાળી કંકુ આવે ત્યારે રોજ ફરિયાદ કરે છે… મને લાગે છે એમને માટે ઘરડાંનું ઘર જ સારું! શાંતિ તો ખરી! ત્યાં એ એમની રીતે રહી શકે!

રોજે રોજના કકળાટથી કંટાળી વિવેક અશ્રુભીની આંખે એના ડેડીને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો.

ડેડ દર અઠવાડિયે તમને મળવા આવીશ! કહી સાંત્વન આપ્યું. બેચાર મહિના તો ક્રમ જળવાયો. પછી મહિને… બે મહિને… કે ચાર મહિને ડેડીને મળવા જવા લાગ્યો. છેલ્લે આવેલો ત્યારે કહેતો ગયેલો કે ફાધર્સ ડે ને દિવસે જરૂર આવીશ ડેડ!

દીકરાનું મોઢું જોવા તલસતા રાયચંદે એ યાદ અપાવવા ઉઠતાંજ દીકરાને ફોન કર્યો. રાયચંદ હૈયું ખોલે એ પહેલાં વહુ નેહાના શબ્દો કાને પડતાં ફોન મૂકી દીધો હતો.

રાયચંદને દિલ ખોલવું હતું… મરેલી મા યાદ આવે છે… ને આ જીવતો બાપ… તારી મા વહુનું અર્ધું કામ ઉપાડી લેતી અને આ બાપ ભારરૂપ હતો ખરું ને… વહુએ એવું તે શું ભરાવ્યું છે દીકરા…આજ તો તું આવે ત્યારે બધી જ ચોખવટ કરવી પડશે…. અને તૂટતા જતા શબ્દોની ગડમથલમાં હૈયાનો ભાર વધતો ગયો. ઘડિયાળનો કાંટો રાતના અગિયારે પહોંચી ગયો હતો. દીકરાની રાહ જોતા રાયચંદની આંખો દિલનો દોરો પડતાં મીંચાઈ ગઈ હતી. ચોખવટ કરવા કદી ખુલી જ નહિ!

જય ગજજર – વિદાય… માર્ચ ૩૧, ૨૦૧૬

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ

ઓજસ પાલનપુરી

Posted by: Shabdsetu | માર્ચ 20, 2016

આનંદવાર્તા…..

Smita Bagwat Award

ટોરાંટો કેનેડાની પ્રથમ સાહિત્ય સંસ્થા ‘શબ્દ્સેતુ’ ના સભ્યો તથા વાચકોને આનંદ તથા ગૌરવની લાગણીનો અનુભવ કરાવે તેવી ઘટના આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં સંપન્ન થઈ. ટોરાંટોમાં રહેતાં અને ‘શબ્દસેતુ’ સંસ્થાના સભ્ય સ્મિતાબેન ભાગવતની ‘સાવન ઘન બરસે’ મરાઠી નવલકથાનું મહારાષ્ટ્ર રાજ્ય શાસને ૨૦૧૪ ની સર્વોત્કૃષ્ટ સાહિત્યકૃતી ગણાવીને ગૌરવ કર્યું. એક લાખ રુપિયા નગદ અને સ્મૃતિચિન્હ એવું આ પુરસ્કારનું સ્વરુપ છે.

ઇતિહાસમાં અકબરનાં સરદારોએ કાવતરુ ઘડી તાનસેનને દીપક રાગ ગાવા મજબૂર કર્યાની તથા તેથી તેને અસહ્ય દેહદાહ ઊપડ્યાની વાત છે. એ પ્રકારનાં દેહદાહનું શમન કેવળ મેઘમલ્હાર ગાઈને વરસાવેલ વરસાદ જ કરી શકે છે. એવો સમર્થ ગાયક ન મળે તો રોગી અસહ્ય દાહ જીરવવામાં નિષ્ફળ નિવડી મરણશરણ થાય છે. અણીનાં સમયે ગુજરાતની કન્યાઓએ મેઘમલ્હાર ગાઈ તાનસેનને જીવનદાન બક્ષ્યું. એ કન્યાઓ ભક્તશ્રેષ્ઠ નરસિંહ મહેતાની કન્યા કુવંરબાઈની દૌહિત્રી અને વડગરનાં મંડલેશ્વરની સ્નુષાઓ હતી. ઘણાં વર્ષો સુધી ઐતિહાસિક તથ્યોનુ સંશોધન કરી સ્મિતાબેને ‘સાવન ઘન બરસે’ મહાનવલકથાનું નિર્માણ કર્યું છે. તેમાં એ ઐતિહાસિક ઘટનાનું સાર્થ નિરુપણ પ્રાપ્ત થવા ઉપરાંત ગુજરાતની ભાતીગળ સંસ્કૃતી, નાગરો, સોમનાથ મંદિર તથા વડનગરનાં હટકેશ્વરને લગતી ઘણી મૌલિક માહિતી રસિલી ભાષામાં રજૂ થઈ છે.

આ પુરસ્કાર પહેલાં સ્મિતાબેને ૩૭ અન્ય પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે. તેમાં ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યનાં પુરસ્કારોનો સમાવેશ થાય છે. ‘ભગિની નિવેદિતા’ (ગુજરાતી સાહિત્ય પરિષદ) તથા‘ડૉ. રાજા રામમોહન રૉય ટ્રસ્ટ કલકત્તા’ એ બક્ષેલ પુરસ્કારોનો તેમાં ખાસ ઉલ્લેખ કરવો પડે. ગુજરાતમાં મરાઠી ઘરમાં જન્મેલ સ્મિતાબેન મરાઠી અને ગુજરાતી ભાષામાં સરખી સહજતાથી વ્યક્ત થાય છે. બન્ને ભાષામાં તેમણે નરેશ મહારાજા સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડના ચરિત્રગ્રંથનું લખાણ કર્યું હતું અને બન્ને ભાષાનાં એ ચરિત્રગ્રંથો મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. મરાઠીમાં તેમને વીસમી સદીનાં નવમાં દશકનાં પ્રૉમિસિંગ નૉવેલિસ્ટ ઑફ ડેકેડ (દશકનાં આશાસ્પદ નવલકથાકાર) તરીકે નવાજવામાં આવ્યા હતા.

મરાઠી અને ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં ય તેઓ લખે છે. તેમનાં નામે ૩૦ ગુજરાતી અને ૨૩ મરાઠી પુસ્તકો તથા અનેક હિંદી અને અંગ્રેજી લેખો જમા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કેનેડા, ફ્રાન્સ તથા અમેરિકામાં તેમણે બે હજારથી વધુ સમસ્યાગ્રસ્ત લોકોને કુટુંબ સમુપદેશન (ફેમિલી કાઉન્સેલિંગ) પૂરું પાડ્યું છે. ફ્રાન્સમાં ‘રોલ ઑફ કાઉન્સેલિંગ ઇન ડિક્રિજિંગ પર્સેંટેજ ઑફ ડિવોર્સિસ’ વિષે વિચાર રજૂ કરવા માટે તેમને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. (૧૯૮૭). એ જ અરસામાં એમણે ઑક્સફર્ડની ફેમિનિસ્ટ વિંગમાં સમુપદેશનનાં સંદર્ભમાં એક લેક્ચર અને બે ફ્લોઅર ડિસ્કશન્સમાં (વાર્તાલાપ) ભાગ લીધો હતો. કેનડાની W ચૅનલપર Tell a tale like it is પ્રકલ્પમાં અડધો કલાક સત્યઘટના પર આધારીત પ્રસંગ કહેનાર તેઓ પહેલાં એશિયન છે (સપ્ટેમ્બર ૨૦૦૩).  World Cat Identities માં તેમની ૨૨ ગુજરાતી, ૧૧ મરાઠી, ૭ અંગ્રેજી તથા ૩ હિંદી સાહિત્યકૃતીઓનો સમાવેશ થયો છે. તેમની સમગ્ર સાહિત્યયાત્રા વિષે ‘શબ્દસેતુ’ સંસ્થા ગૌરવ અનુભવે છે. ભવિષ્યમાં તેમનાં હસ્તે હજુ ઘણું લખાણ થતુ રહે અને તેઓ લોકોમાં આનંદનું પ્રસારણ કરતાં રહે, એ જ અભ્યર્થના.

શબ્દ્સેતુ

મંઝિલને ઢૂંઢવા દિશાઓ કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.                 

રવિ ઉપાધ્યાય

Posted by: Shabdsetu | ફેબ્રુવારી 9, 2016

પ્રિયે

Priye

પ્રિયે, તારા વગર જીવી નહીં શકું!
એવું તેં કહેલું અને મને પણ લાગેલું
એ સમયે, જ્યારે તને અને મને
શોખ હતો

કળીઓને ખીલવવાનો
તાજા ફૂલોને સજાવવાનો
ઊર્મિઓને ઉકસાવવાનો
લાગણીઓને બહેલાવવાનો
વળાંકો ઉપર એકદિલી વળવાનો
ગળવાનો, ઢળવાનો ને ડૂબવાનો
આકંઠ આનંદ લૂંટતા રહેવાનો
આજીવન છલોછલ જીવવાનો

તને ખીલવનારા સઘળાં સ્પર્શ
મારી આ આંગળીઓ માણે
મને મરોડનાર મીઠા મટકલાં
તારી તોફાની નજરો જાણે
કેટલા સરળ હતા
એકમેકના સમીકરણોને ઉકેલવા
અને કેટલા સહજ હતા
ઉભયના અહમને સંકેલવા!

પરંતુ આ કાચ-કૉંક્રીટના જંગલમાં
રોજ રોબૉટીક જીવાતા દંગલમાં
સંજોગને આધીન
પારંપરિક પ્રજનન કરતાં
ધન ઉપાર્જન મનન કરતાં
ભૂલકાઓની તરફદારીનું
દોષારોપણ જવાબદારીનું
એકબીજાને માથે ઢોળતાં
શબ્દોનું અર્થઘટન કરતાં
ક્યાંક મહેણાંટોણાં મારતાં
દૂર છતાં સાથોસાથ રહેતાં
અરસપરસ પરાણે સહેતાં

સમયના પ્રવાહમાં
એકમેકની આહમાં
એક જ રાહમાં
તોયે ખબર ન પડી કે ક્યારે પેલો
લાગણીઓને પંપાળવાનો શોખ
લાગણીઓને ચૂંથવાની નિરર્થક
ટેવ બની ગયો
સડેલા માંસને ચૂંથતી ગીધડાની તીક્ષ્ણ ચાંચ જેવો!

મને ગમે હૂંફાળા માળાની સવલત
પણ તારી ઊંચે આકાશે ઊડવાની ટેવ
તને કર્ણપ્રિય શબ્દોના આસવની લત
મને મૌનનો મીઠો નશો માણવાની ટેવ
મારા ભાગ્યે જે જે આવ્યું એમાં હું તુષ્ટ
ને તારી ભાગ્યવિધાતાને ભાંડવાની ટેવ
સામે કિનારે દેખંતું રંગીન મેઘધનુષ જોઈ
એ આભાસી રંગોથી ઘર રંગવાની ટેવ

પછી તો પળે પળે ખંડેરાતી
કચકડાની કતરાતી જિંદગીમાં
તું ‘તું ’ થઇ ગઇ અને હું ‘હું’  બની ગયો
અને છેવટે
ઘસાઇ ગયેલા પગથિયાં જેવા ચહેરા લઈને
એકબીજા સામે ઘૂરકીયાં કરવાની રોજ ઊઠીને
આદત પડી ગઈ

વર્ષો વીત્યાં, પંખી ઊડ્યાં
ને માળે આવ્યો સૂનકાર
ન ટહુકો ન કલરવ આંગણે
ઊતર્યો અબોલો ભેંકાર
બંધ ઓરડા ને ખાલી મકાન
ખાલીપો, ઝુરાપો ને છે ગુમાન
સોગિયું જીવન ને સોરાતો સંબંધ
શું નિયતિનો આજ છે પ્રબંધ?

ભીતરનો ભૂતકાળ ઉલેચતાં
યાદદાસ્તના પોપડા ઉખેડતાં
કડવા મીઠા સ્મરણો કોતરતાં
એકલતામાં અવલોકન કરતાં
બેઉ બંધ ઓરડે ચૂપચાપ જીવે
સાવ એકલાઅટૂલાં આંસુ પીવે

ક્યાંક હળવેકથી પગરવ થાય
ને ઓરડો આખો પડઘાય
બારણે ટકોરા પડશે
ને હમણાં સાદ કરશે
એ આશમાં મન હરખાય
ને શક્યતામાં ઝોલાં ખાય

હૈયે હતી બેઉ તરફ
દિલોજાનથી જીવવાની ચાહ
પણ પ્રથમ કોણ લગાડે
અહંકારના ઉંબરે દાહ?
કાશ, એકવાર, બસ એકવાર કહી શકીએ
પ્રિયે, તારા વગર જીવી નહીં શકું!

કિશોર પટેલ

એવી જગાએ આવી થંભી ગયા છીએ કે,
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.
અનિલ ચાવડા

Rajanikumar

મારા જીવનનો વળાંક​

‘શબ્દ્સેતુ’ સાથે રજનીકુમાર પંડ્યાને ઘરોબો છે. અમારી સાહિત્યિક સંસ્થાનું નામકરણ એમણે જ કરેલું એટલે એ થયા ‘શબ્દ્સેતુ’ના ‘ફોઈબા’.  દૂર દેશમાં વસીએ એટલે પ્રત્યક્ષ સાહિત્ય સમાગમનો લાભ અમને ફક્ત બે વાર જ  મળ્યો છે. અહીં રજૂ કરેલ લેખ રજનીકુમાર પંડ્યાના બ્લોગ “ઝબકાર” માંથી એમની સંમતિ લઈને મૂક્યો છે.

(ત્રણ દાયકાથી જેમાં વસતા હોઈએ એ નિવાસસ્થાન છોડીને બીજે રહેવા જતાં એક ક્યારીમાંથી ઉખડીને બીજી ક્યારીમાં રોપાવા જેવી લાગણી થાય છે. આ મામલા(સિન્ડ્રોમ) વિષે અનેક કવિઓને હૃદયદ્રાવક કાવ્યો પણ લખ્યાં છે. મારા કિસ્સે એવું હૃદયદ્રાવક તો કંઈ બન્યું નથી, પરંતુ જૂના ફોટોગ્રાફ્સની પેટી હાથમાં આવતાં અનેક અનેક ઘટનાની ફિલ્મો ‘રિ-રન’ થઈ. એમાંની એક ઘટના તે ‘સંદેશ’માં મારા ‘ઝબકાર’  શિર્ષકથી થયેલા કટારલેખનનો 1980ના ઑક્ટોબરની 26 મીએ થયેલો આરંભ. એ કટારને સાંપડેલી અભૂતપૂર્વ લોકચાહનાએ આગળ જતાં મારી જીંદગીનો રાહ જ સમૂળો બદલી નાખ્યો. અને મને નોકરી છોડાવીને પૂર્ણ સમયનો લેખક બનવા ભણી ધકેલ્યો.
એ ઘટનાને વર્ણવતો એક લેખ ‘મારા જીવનનો  વળાંક’ મેં નિમંત્રણથી એક સંપાદન માટે લખેલો. એમાં આખી કથા વિસ્તૃત રીતે વર્ણવી હતી. ‘ઝબકાર’માં પ્રગટ થયેલો મારો પહેલો લેખ મુલાકાત આધારિત હતો, અને એ મુલાકાત વેળા કોઈએ અમારી તસ્વીરો પણ ખેંચી હતી. એ પહેલો લેખ બિલકુલ પત્રકારી અંદાજમાં લખાયેલો હતો. એમાં કોઈ સાહિત્યિક બૂ નહોતી. (જે આગળ જતાં આવી અને મારા નામે જ એસ્ટાબ્લીશ્ડ થઇ).

હમણાં જૂનું ઘર બદલતા એ તસ્વીરો પણ હાથવગી થઈ અને પાંત્રીસ વર્ષ પહેલાંનો એ લેખ પણ. ‘મારા જીવનનો વળાંક’ લેખ સાથે એ સામગ્રી પણ મુકી છે.-રજનીકુમાર)

હું પૂર્ણ સમયનો લેખક કેવી રીતે થયો ? હું તો કોમર્સ ગ્રેજ્યુએટ છું.
હા. મારી બાના વાચનશોખે મને પણ વાચનશોખ ભણી સાવ શિશુવયથી વાળ્યો હતો. મુનશી, મેઘાણી, ર.વ.દેસાઈ, ધૂમકેતુ – એ બધાં નામો મારાં માટે છેક મારી સાતઆઠ વરસની વયથી પરિચિત હતાં. મારા પિતા એક જમાનામાં અમરેલીમાં મેઘાણીના સહપાઠી હતા એટલે સાહિત્યકાર તરીકે એમનો ગૌરવભેર ઉલ્લેખ કરતા. મારા વતન જેતપુરમાં ધૂમકેતુ જે દુકાનેથી કરિયાણું ખરીદતા તે દુકાનનો ઉલ્લેખ એમની આત્મકથામાં છે. તે જ દુકાનેથી અમારે ઘેર કરિયાણું આવતું. મકરન્દ દવેના બનેવી બાબુબાઈ વૈદ્ય લેખક હતા અને મારા પિતાના મિત્ર હતા. આ બધી વાતોએ સાહિત્યકારની ગ્લેમર વૅલ્યુ મારા મનમાં પ્રગટાવી હતી. વાંચવાનું આવડતાંની સાથે જ બાળસાહિત્યનાં પુસ્તકો વાંચવાનો નાદ લાગ્યો. એમાં થોડો ફાળો મારા મોટા ભાઈનો પણ અવશ્ય. મફત મળતી દરેક વસ્તુ માટે એ લાલાયિત રહેતા. મફત મળતાં સૂચિપત્રોના પણ લીલી શાહીમાં છપાઈને આવતા બાલજીવન કાર્યાલય, બાજવાડા, વડોદરાનાં સૂચિપત્રો એ જોઈને મૂકી દેતા. ને હું એ પુસ્તકો મગાવવાની પેરવી કરતો – પુસ્તકો વી.પી.થી આવતાં, પણ મારા પિતા મારા સંગીરના નામે મગાવી દેવાની મારી હઠ પોસતા. પુસ્તકો પૅક થઈને આવે અને ત્યારે પટાવાળાને બદલે જાતે કાતરથી દોરી કાપીને ખોલવામાં મને રોમાંચ થતો. પુસ્તકો અઠવાડિયામાં જ હું ‘પી’ જતો – જરા મોટો થયો એટલે ‘ગાંડીવ’, ‘રમકડું’, ‘બાલમિત્ર’ વગેરે વાંચતો થયો. શાળામાં આવ્યો એટલે જીવરામ જોશીનો પાત્રો મિયાં ફૂસકી, બકોર પટેલ, તભા ભટ્ટ, અડકોદડકો મારા સ્વજનો બની રહ્યાં. ‘બાલસંદેશ’ પૂરા કદનું મોટા છાપાના કદનું સાપ્તાહિક કોઈ પુખ્ત વયનો માણસ બે હાથમાં ફેલાવીને રસથી વાંચી જાય તે અદાથી વાંચવામાં મને હુંય મોટો થઈ ગયો હોવાનો અહેસાસ થતો.
એથી મોટો થયો એટલે પછી પહેલવહેલી વાંચી બાબુભાઈ વૈદ્યની નવલકથા ‘ઉપમા’, જે એમણે મારા પિતાને ભેટ આપી હતી – પછી મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’ આકંઠ પી ગયો. ‘સોરઠ તારાં વહેતાં પાણી’ પણ એકડિયા – બગડિયાથી શરૂ થયેલી વાચનયાત્રામાં લેખનનો રંગ ભળ્યો. મારા શાળાજીવનમાં – ‘પંકજ’ નામના હસ્તલિખિત અંકનું સંપાદન – લેખન મને સોંપાયું, કારણ કે એ દિવસોમાં ‘અખંડ આનંદ’ ની ઘાટીમાં પ્રગટ થતા અને એનાથી નીચેની ગુણવત્તા ધરાવતા માસિક ‘વિશ્વવિજ્ઞાન’ માં મારાં એકબે મુક્તકો અને ‘જોયેલું ને જાણેલું’ છપાયાં હતાં. મને “મને સાહિત્યનું ગુલાબ ઉગાડનારો  કુદરતી બક્ષિસવાળો છોકરો” ગણવામાં આવતો મને એનાથી પોરસ ચડતો. વધુ લખવાનું ઉત્તેજન મળતું.
‘કુદરતી બક્ષિસ’વાળા છોકરાની કુદરતી બક્ષિસનું પછીથી શું થયું ? ’
કશું નહીં.
ગુલાબનો છોડ ઠુંઠું જ રહ્યો. સારા અનુકુળ ખાતર પાણી છતાં એ છોડ પર એ વખતે ગુલાબનું ફૂલ ના બેઠું.
1955 માં એસ.એસ.સી. પાસ થયો ત્યારે આગળની લાઈન લેવડાવતી વખતે ‘કુદરતી બક્ષિસ’ને કોઈ ગણનામાં લેવામાં ના આવી. નહીં તો જિંદગીમાં ખરેખરા વળાંકની આ જગ્યા હતી. કોઈ મારો ‘એપ્ટિટ્યૂડ’ રસ-રુચિ પૂછનાર નહોતું. જિંદગીભરનો ‘દાળરોટલો’ (આ મારા પિતાના શબ્દો) શામાં સિક્યૉર્ડ ? જવાબ મળ્યો : ‘કૉમર્સ લાઈનમાં ! તરત સરકારી નોકરી મળે.

**** ***** ****

‘કુદરતી બક્ષિસ’ કૉમર્સ કૉલેજમાં પણ ક્યારેક ક્યારેક માથું કાઢતી હતી. કૉલેજ ભીંતપત્રોમાં છંદોબદ્ધ કાવ્યો માટે પાંચદસ રૂપિયાનાં ઈનામો – હૉસ્ટેલ મૅગેઝિન ‘પગદંડી’ અને કૉલેજ મૅગેઝિન ‘મિસેલીની’નું સંપાદન, કૉલેજની વાર્તાસ્પર્ધામાં મને તો ઈનામ ખરું જ, પણ મિત્રોના નામે આપેલી મારી બીજી વાર્તાઓને પણ ઇનામો….. ‘કુદરતી બક્ષિસ’ના કરમાતા છોડના મૂળમાં પાણી સીંચવામાં ના આવતું; હા, એના ઉપર પાણી અવશ્ય છાંટવામાં આવતું, જેથી ધૂળ ચડેલાં પર્ણો થોડી વાર માટે પણ ચમકીલાં બની રહેતાં.

converted1

હોસ્ટેલ મેગેઝીન ‘પગદંડી’ના સંપાદક તરીકે

1959 માં બી.કૉમ. થઈ ગયા પછી તરત જ નોકરી મળી ગઈ. અને ‘કુદરતી બક્ષિસ’ને બે બાજુથી દટાવાનો યુગ શરૂ થયો. શરૂમાં છ મહિના ખેતીવિકાસ બૅન્કની નોકરી, જે કરી હોત તો કરતાં કરતાં ઍક્સટર્નલ બી.એ. કરવાની થોડી ગણતરી હતી, પણ પિતાની ઇચ્છા ‘પેન્શનેબલ’ નોકરી લેવડાવવાની હતી. જે માત્ર સરકારી નોકરીમાં જ શક્ય હતું. એટલે તરત જ સરકારી ઑડિટરની ગામેગામ ભટકવાની નોકરી લીધી. બીજી તરફ ગાંડી છોકરી સાથેના છેતરપિંડીથી થયેલા લગ્નમાં માત્ર દસ દિવસનો ઘરવાસ અને દસ વરસના કોર્ટ કેસે માનસિક, આર્થિક અને ભાવજગતની બેહાલી નોતરી દેતા કાળા બોગદાની શરૂઆત. ઉંમર બાવીસથી બત્રીસ વચ્ચેનો ઉડાન ભરવાનો ગાળો, જમીન સાથે તરફડાટ ભરેલી અવસ્થામાં જડી રાખનારો ગાળો બની રહ્યો. આ બધામાં પેલી કુદરતી બક્ષિસ ડચકાં ખાતી ખાતી બસ માત્ર જીવતી જ રહી.

જીવતી રાખવામાં માત્ર એને ‘ઑક્સિજન’ પૂરો પાડતા રહેવાની કાર્યવાહીઓ જ જવાબદાર – એ કારવાઇઓમાં એક તે જ્યારે ઑડિટ માટે ગામેગામ ભટકતો ફરતો હોઉં ત્યારે તે તે ગામમાં સાહિત્યના શોખીનોને શોધી શોધીને તેમની સોબત મેળવવી તે, બીજું ‘ચાંદની’, ‘આરામ’, ‘નવચેતન’, ‘સમર્પણ’, ‘નવનીત’ જેવામાં પ્રસંગોપાત લખતા રહેવું તે આ બેમાંથી પહેલીને કારણે મને મોહમ્મદ માંકડ જેવા ગુરુ બોટાદમાં મળ્યા – રમેશ પારેખ જેવો મારી જેમ દિશા પકડવા ફાંફાં મારતો મિત્ર અમેરલીમાં મળ્યો. સાવરકુંડલા – ઊનામાં રતિલાલ બોરીસાગર મળ્યા. તો ગોંડલમાં મકરન્દ દવે મળ્યા. વિનોદ ભટ્ટ (અમદાવાદ), મહેશ દવે (સાબરમતી) જેવાં સાથે થોડો પત્રવ્યવહાર – રાજકોટમાં હસમુખ રાવળ, અને પ્ર.રા. નથવાણી મળ્યા. ગિજુભાઈ વ્યાસ મળ્યા. જે મને રેડિયો ઉપર લઈ ગયા. ‘વારસદાર’ ફિલ્મના હીરો હસમુખ કીકાણી, ઉપરાંત ઇંદુલાલ ગાંધી (કવિ) મારી પાસે રેડિયોનાટકો લખાવવા જેટલા નજીક આવ્યા. પણ આ બધા અલગ અલગ ગામોમાં રહેતા, કવચિત્ મળતા મિત્રો હતા. વાતાવરણનું સાતત્ય જળવાતું નહોતું. મારી બીજી કારવાઈ લખતા રહેવાની. તેના પરિણામે ‘સવિતા’ વાર્તાહરીફાઈમાં બે વાર ગોલ્ડમેડલ મળ્યા. ‘નવચેતન’માં ‘ધૂમકેતુ પારિતોષિક’ મળ્યું. ‘ગુંજન વાર્તાહરીફાઈ’માં ઈનામ મળ્યું – પણ આ બધું દસબાર વર્ષના લાંબા પટ્ટામાં વેરાયેલું. આ લખતી વેળા વાંચનારને બહુ સઘન અને નક્કર લાગશે. પણ એ બધું અફાટ રેતીમાં ભેળાઈ ગયેલા થોડા અન્નના કણો જેવું અને એ રીતે પ્રાપ્ત થતું હોય તેવું હતું. લેખક તરીકે મારામાં કોઈ હુંકાર પ્રગટાવનારું નહોતું – એ અજવાસ મારા જીવનસંગ્રામના ગાઢા અંધકારના પ્રમાણમાં ક્ષીણ જ ગણાય તેવો હતો.

આમાંથી છટકવા, સાહિત્યક્ષેત્રમાં સક્રિય રીતે પ્રવેશવા અને ગુલાબના છોડને પૂરેપૂરો વિકસવાને માટે મોકળું મેદાન આપવા એક મરણિયો છેલ્લો પ્રયત્ન આ જ ગાળામાં કર્યો, તે ઍક્સટર્નલ એમ.એ. કરવાનો – એ કરી શકું તો આ આંકડાની શુષ્ક જાળમાંથી છૂટું ને અધ્યાપકની નોકરી લઈને વાચનલેખન માટે પુષ્કળ સમય અને વાતાવરણ મેળવી શકું. પણ એક વર્ષ એમ.એ. નું કરી લીધા પછી બીજા વરસે રાજકોટથી બદલી થઈ ગઈ ને એ વાત ‘ભૂલ્યો ઘા છત્રીસ જોજન’ બની ગઈ. નહીંતર મારો પ્રયત્ન ‘હોલહાર્ટેડ’ હતો – ઑડિટર તરીકે નોકરી છોડીને મેં થોડા ઓછા પગારની એક કૉ. ઑપરેટિવ બૅન્કની નોકરી માત્ર એટલા માટે જ 1966 માં લીધી હતી કે રાજકોટ સ્થાયી રહી શકાય ને એમ.એ. નું કરી શકાય. એ માટે મેં બી.એ. વિથ ઇંગ્લિશ પણ ફર્સ્ટ ક્લાસમાં પાસ કર્યું હતું.

પણ કુદરતને એ મંજૂર નહોતું કે હું શબ્દને સર્વથા સમર્પિત થવાની મારી કામના સંતોષું. એણે મને એટલી હદે એક પછી એક જંજાળોમાં, લડાઈઓમાં, નોકરીની જવાબદારીઓમાં, સ્થળાંતરોમાં ગૂંચવાતો અને પીડાતાં પીડાતાં આથડતો રાખ્યો કે પેલી ‘કુદરતી બક્ષિસ’ને હું સાવ ભોંયરામાં ભંડારીને માથે પલાંઠી મારીને બેસી ગયો. વચ્ચે એકાદી વાર્તા, કોઈ પરાણે લખાવતું તો લખાતી. 1976 માં મિત્ર ભગવતીકુમાર શર્માએ વારંવારની ઉઘરાણી, પછી છેવટે તાર કરીને ‘ગુજરાત મિત્ર’ ના દિવાળી અંક માટે વાર્તા મારી પાસે લખાવડાવી, તે ‘ચંદ્રદાહ’ (જે આગળ જતાં મારું ઓળખચિહ્ન બની ગઈ, પણ તે વાત જુદી છે.)

એ પછી થોડા જ સમયમાં મોહમ્મદ માંકડે નવી સ્થપાયેલી ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખની હેસિયતથી મને એમાં સભ્ય તરીકે લેવા ચાહ્યો ત્યારે મેં એમને લખ્યું કે, ‘રહેવા દો મને કોઈ ઓળખતું નથી. તમારી ટીકા અને મારી હાંસી થશે. મારા કરતાં રમેશ પારેખને લો.’
મારી વાત એમને સાચી લાગી હતી. એમણે એમ જ કર્યું હતું.

જિંદગીનાં ચાળીસ વર્ષ થવા આવ્યાં હતાં. પગાર, પ્રમોશન, બૅન્ક ડિપૉઝિટો મેળવવાની રેસ – એમાં મળી શકતાં ઈનામ – અકરામો મેળવવાની લાલસા – એમાં ખરા દિલથી પડી ગયો – મિત્ર વિનોદ ભટ્ટ એક વાર્તાકાર તરીકે મને ચાહતો હતો. એટલે એણે જીદ કરીને, પ્રકાશકને નવસો રૂપિયા સામેથી અપાવડાવીને મારો એક વારાસંગ્રહ ‘ખલેલ’ બહાર પડાવ્યો હતો. એને ગુજરાત રાજ્યના ક્યૂરેટર ઑફ લાઇબ્રેરીઝ તરફથી બીજા ક્રમનું ત્રણસો રૂપિયાનું પારિતોષિક મળ્યું હતું. પણ એ વસ્તુએ પણ મારામાં કોઈ ખાસ સંચાર જગાવ્યો નહોતો. હું તો એમ માનતો હતો કે મારામાં કોઈ લાયકાત નહોતી ને વિનોદ ભટ્ટે લગભગ લગાડીને એ ઇનામ અપાવ્યું હશે. જોકે એમ હતું નહીં.
રાષ્ટ્રીયકૃત બૅન્કમાં મૅનેજરના હોદ્દા ઉપર હતો – હવે શું ગુલાબ ખીલે ?

**** **** ****

1980 ની સાલમાં ઑગસ્ટની તેવીસમીએ હું જૂનાગઢથી અમદાવાદ બૅન્કમૅનેજરની મિટિંગમાં આવ્યો હતો. મોહમ્મદ માંકડ એ વખતે મોટા ‘સંદેશ’માં મળતા. તંત્રી ચીમનભાઈ પટેલના એ સલાહકાર હતા.
સંદેશમાં એમને મળવા ગયો ત્યારે લાગલા જ એમણે કહ્યું : ‘સંદેશ’ માટે એક કૉલમ આપો ને !’

હું ઘા ખાઈ ગયો. મને તે વળી કૉલમ લખતાં આવડતું હશે ? મેં હસીને કહ્યું : ‘તમે 1961 માં મને ‘ફૂલછાબ’ માં એક કૉલમ ‘વ્યંગવિનોદ’ અપાવી હતી. બોલો, હું નિયમિત લખી શક્યો હતો ? રહેવા દો, મારું એ કામ નથી. એમાં તો ઘણી અથવા ઘણામાંથી એક આવડત જોઈએ. હાસ્ય, જ્યોતિષશાસ્ત્ર, ગણિતગમ્મત, ક્રિકેટ, આરોગ્ય, ફિલાટેલી, ઇતિહાસ, પ્રવાસ, જનરલ નૉલેજ, વાનગી, સજ્જા – બોલો મારી તો આમાંથી એકેયમાં ચાંચ બૂડે તેમ નથી. “મને એક જ ‘મુષ્ઠી’ નું જ્ઞાન” છે-વાર્તાનું. એય હવે તો કટાઈ ગયું છે ને તેમ છતાંય અઠવાડિયે અઠવાડિયે વાર્તા ના લખાય ને અઠવાડિયે અઠવાડિયે લખાય તે વાર્તા ના હોય, રહેવા દો.’
એ સહેજ ચિડાયા, ‘દુનિયા આખી કૉલમ મેળવવા મારી પાસે લાઈન લગાડે છે, ને એક તમે છો કે સામેથી આપું છું તો કપાળ ધોવા જાઓ છો ! કેવા માણસ છો તમે !’

New Picture

New Picture (1)

‘વાર્તાતત્ત્વ’વાળા લખાણની માંગણી કરતું મહંમદ માંકડનું પોસ્ટકાર્ડ

એમને મારામાં પડેલા ‘કુદરતી બક્ષિસ’વાળા વાર્તાકાર પરત્વે વર્ષોથી પ્રેમ હતો – એ વહેમ હતો એમ હું માનતો હતો. પણ એમણે જક કરી ને મારી પાસે કબૂલ કરાવ્યું કે હું કૉલમ લખીશ. એમણે નામ પણ પાડી આપ્યું ‘ઝબકાર’ – ‘એક ફ્લૅશ થાય ને ફોટો ઝડપાઈ જાય, એમ તમે આ કૉલમમાં એવા પીસ આપો કે જેમાં એક ફ્લૅશમાં જીવનની છબી રજૂ થાય. તમે વાર્તાના જીવ છો, કરી શકશો. ના કેમ કરો ?’ એવું એ બોલ્યા હતા.
પાસ ના થાય એવો ચેક કોઈ પાર્ટીને લખી આપીને મંદીઘેર્યો વેપારી દુકાને પાછો ફરે તેમ હું જૂનાગઢ ઉદાસ પાછો ફર્યો. ને બેમનથી મારી ચૅમ્બરમાં ગોઠવાયો. કેટલાયે વખતથી કાગળમાં અક્ષરેય પાડ્યો નહોતો. મગજ સાવ ખાલીખમ હતું. મોહમ્મદ માંકડે દસ દિવસની મહેતલ આપી હતી. પણ મને તો દસ મહિના લગી અક્ષરેય સૂઝે તેમ નહોતો.

દિવસ એ ખિન્નતામાં જ પસાર થયો. બૅન્કની કામગીરી આટોપી ઘેર જવાની તૈયારી કરતો હતો ત્યાં જ મરચાંમસાલાના વેપારી શિવલાલ તન્ના, ઊંચા, પડછંદ, એક હાથમાં ચાલુ બીડી ને બીજા હાથમાં છુટ્ટો રૂમાલ લટકાવીને ઝભ્ભાલેંઘામાં અંદર પ્રવેશ્યા : ‘સાહેબ, આજ તો મારી દુકાને પધારો !’
શ્રમજીવીવર્ગની વસાહતને નાકે આવેલી છૂટક મરચાંમસાલાની દુકાને ‘પધારી’ને શું મને કોઈ આહ્લાદક વિષયવસ્તુ મળવાનું હતું ! કુદરતનો ખેલેય મજાકભર્યો હતો. એ મેં જોયું – પણ કાંઈક એમના આગ્રહને વશ થઈને, ને કાંઈક પલાયનવૃત્તિનો માર્યો, હું ત્યાં ‘પધાર્યો’ ! પણ મન વધારે ગમગીન થઈ ગયું. શ્રમજીવીઓ દુકાનને બારણે ભીડ લગાવીને બે આનાનું મીઠું, બે આનાનું મરચું-હળદર-તેલ લેવા ઊભા હતા. સ્ત્રીઓની આંગળીએ નાગોડિયાં બાળકો હતાં – આમાં મને લખવાની શી સામગ્રી મળવાની હતી ! અધૂરામાં પૂરું મરચાંમસાલાની ધૂણીથી મને છીંકાછીંક થઈ પડી – એ ઓછું હોય તેમ સેકેરીનવાળી ‘હોમમેઈડ’ પીળી ફૅન્ટા પીવાથી ગળામાં બળતાર ઊપડી.

પણ એ પછી જે બન્યું તેણે મારી જિંદગીનો રાહ પલટી નાખ્યો-

દુકાનમાં બેઠાં પછી નજર ચોતરફ ખડકેલી સૂકાલીલાં મરચાંની ગૂણીઓ સાથે અથડાઈને પાછી ફરતી હતી ત્યાં મેં એક નવતર દૃશ્ય જોયું. ખડકેલી ગૂણીઓની વચ્ચે એક પીળી ચમકતી વસ્તુ દેખાતી હતી ! શું હશે એ ? કુતૂહલ પેદા થયું એટલે મેં એ પ્રશ્ન શિવલાલ તન્નાને પૂછ્યો – જવાબમાં એમણે કહ્યું, ‘એ તો મારું ગૂમડું છે !’ આવો વિચિત્ર જવાબ ? પણ પછી એમણે જે ખુલાસો કર્યો તે અનોખો હતો.

New Picture (2)

મરચાંની ગુણીઓ વચ્ચે બેસીને એવોર્ડ બતાવતા શિવલાલ તન્ના સાથે મારી (રજનીકુમારની) વાતચીત

હા, ખરેખર એમનું ગૂમડું જ હતું. મતલબ કે જખમ ! મરચાંમસાલાના બાપદાદાની વારીના આ ધંધાના આ માલિકને 1968 માં ફિલ્મના જબરદસ્ત શોખે કરીને ગુજરાતી ફિલ્મ બનાવવાનો ચસકો ઊપડ્યો હતો ને એણે પત્નીના દાગીના ગિરવે મૂકીને સોળ હજાર ઊભા કર્યા, બાકીના નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનની લોનમાંથી ! પાછી એને બનાવવી હતી કોઈ નોંધપાત્ર ફિલ્મ. એણે ભવાઈકલાની આજુબાજુ ગૂંથાતી વાતો પ્રાગજી ડોસા પાસે લખાવી. જયરાજ, વિજ્યાલક્ષ્મી, જયંત (અમજદખાનના પિતાઃ સત્યેન કપ્પુ જેવા હિંદી પડદાના કલાકારો લીધા. ઉપરાંત ઉમાકાન્ત દેસાઈ જેવા પીઢ અભિનેતા લીધા. અજિત મર્ચન્ટનું સંગીત લીધું. અત્યારે મશહૂર છે. એવા ગઝલગાયક જગજિતસિંહ પાસે ગુજરાતી ભજન ગવડાવ્યું. વીસનગરના અસલીમાં અસલી ભવાઈ કલાકારો પાસેનો ખજાનો એમાં ઠાલવ્યો. ચિત્ર અફલાતૂન બન્યું, પણ એનએફડીસીનું કર્જ હતું એટલે પ્રિન્ટ એમના કબજામાં ગઈ. માત્ર એક દિવસના પ્રીમિયર માટે રિલીઝ કરાવી, ફિલ્મ ‘બહુરૂપી’ ગુજરાતના સાહિત્ય અને કલાજગતના ધુરંધરોને બતાવી અને ભરપૂર પ્રશંસા મેળવી, પણ ટિકિટબારી પર એ ફિલ્મ કદી ના ચાલી. શિવલાલ દેવાની ગર્તામાં ડૂબી ગયા. અને ફરી આ દુકાનના થડે બેસી ગયા. પાછળથી એ ફિલ્મને ગુજરાત રાજ્યના નવ જેટલા ઍવોર્ડ મળ્યા. જેમાંનો એક નિર્માતા તરીકેનો શિવલાલને મળેલો. જે ભીંતે લગાડેલો ને મરચાંની ગૂણીઓ વચ્ચે દટાઈ ગયો. તેની ઉપર મારું ધ્યાન પડ્યું હતું.

New Picture (3)

એ વાતચીતમાંથી આરંભ થયો લેખનસફરનો

એની આ એક વાતના ફ્લેશમાં જીવનની અંધારી ખીણ જેવી અકળતા મારા ચિત્તમાં અંકાઈ ગઈ. મને કમસે કમ કૉલમના પહેલા પીસ માટે મસાલો તો મળી જ ગયો. એ પછી શિવલાલ તન્ના જ મારી પાસે બીજા એક બેહાલ થઈ ગયેલા જાદુગરને લઈને આવ્યા.
મેં એમની કથા પણ કૉલમમાં લખી. મારામાં રહેલો ‘કુદરતી બક્ષિસ’વાળો વાર્તાકાર જાગી ગયો. આલેખન સત્યઘટનાનું – કોઈ વ્યક્તિના ઇન્ટરવ્યૂ પર આધારિત, પણ એનું લેખન વાર્તાના ઢાંચામાં, માત્ર બાહ્ય ઢાંચો જ વાર્તાનો નહીં, પણ ઘટનામાં જે સૂક્ષ્મ વાર્તાબિંદુ હોય, તેને પણ એમાં અવતારવાનું. આ કાર્ય મારા માટે સહજસાધ્ય હતું, કારણ કે મૂળભૂત રીતે જ હું વાર્તાનો જીવ હતો.

New Picture (4)

૨૬-૧૦-૮૦ના ઽસંદેશઽમાં છપાયેલો ઽઝબકારઽનો સૌ પ્રથમ લેખ, જેના થકી…

New Picture (5)

શરૂ થઈ ખરેખરી લેખનસફર.

‘ઝબકાર’ કટાર સંદેશમાં એટલી બધી લોકપ્રિય, વિવેચકપ્રિય અને તંત્રીપ્રિય બની કે એના લેખને મને એક ચોક્કસ દિશામાં ગતિ પકડાવી દીધી. થોડા જ વખતમાં ચં.ચી.મહેતા જેવા દુરારાધ્યોના મારા પર પત્રો આવવા શરૂ થયા, જે એમાંના કોઈ કોઈ પરથી રેડિયો નાટ્યરૂપાંતર કરવા માંગતા હતા અને કર્યું પણ ખરું. કૃષ્ણવીર દીક્ષિત, સરોજ પાઠક, હીરાલાલ ફોફળિયા જેવાઓના પત્રો આવવા શરૂ થયા અને બહુ જલદી આર.આર.શેઠના માલિક ભગતભાઈ શેઠ મને મળવા નવસારી આવ્યા અને મારા ‘ઝબકાર’ નાં પુસ્તકો છાપવાનો કરાર કરી ગયા.

‘ઝબકાર’ માં બહુ લંબાણથી જીવનચિત્રો આલેખાવા માંડ્યાં. અને ઘણી વાર વ્યક્તિની મિષે સેવાકીય સંસ્થાઓનાં ચિત્રો પણ હું આલેખવા માંડ્યો. તેણે તો ચમત્કાર જ સર્જ્યા. શ્રમમંદિર જેવી સંસ્થાઓને મારા છ લેખની શ્રેણીથી ચાળીસ લાખનું દાન મળ્યું. બીજા અનેક અનેક 1985 માં મને આના જ કારણે ફ્રાન્સ જવાનું નિમંત્રણ મળ્યું. 1989 માં એના જ કારણે મને રાષ્ટ્રીય કક્ષાનો ‘સ્ટેટસમેન’ ઍવોર્ડ કલકત્તામાં મળ્યો.

‘ઝબકાર’ દ્વારા મારા લેખનમાં નવો પ્રાણ ફૂંકાયો. હું વર્ષે એકાદ વાર્તા માંડ લખી શકતો હતો તે અઠવાડિયાના બબ્બે પીસ લખવા માંડ્યો – તંત્રી મારી પાસે નવલકથા માગતા થયા, ને એના કારણે ‘કુંતી’, ‘પુષ્પદાહ’, ‘ફરેબ’ જેવી નવલકથાઓ હું સર્જી શક્યો. નવલકથાલેખનમાં ‘ઝબકાર’ નો શો ફાળો ? હા, મજબૂત ફાળો – ‘ઝબકાર’ને કારણે હું અનેકોના જીવનનું બહુ નિકટનું દર્શન પામ્યો. ને તેમાંથી જ મેં નવલકથાઓનું સર્જન કર્યું – મનુભાઈ પંચોળી ‘દર્શક’ દ્વારા જેની પ્રશંસા કરવામાં આવી છે તે સત્ય ઘટનાત્મક નવલકથા હકીકતે જીવનચરિત્રાત્મક છે. એનું નામ ‘પરભવના પિતરાઈ.’

એ પછી વધુ વાતો લખવા માટે આ પ્લૅટફોર્મ નથી. વળાંક આપનારી ઘટના (અને એનું નિમિત્ત બનનાર મોહમ્મદ માંકડ) ની વાત અહીં પૂરી થાય છે. માત્ર એટલું ઉમેરું કે કટારલેખનના અનુષંગે થયેલા બીજા અનેક પ્રકારના, અને વિપુલ લેખને છેવટે 1989 માં મને રાષ્ટ્રીયકૃત બૅન્કની ઉચ્ચ કક્ષાના મૅનેજર તરીકેની નોકરી છોડી દેવા મજબૂર કર્યો (યા એટલો સક્ષમ કર્યો, કે હું માત્ર લેખન પર જીવી શકું) મારાથી બે ઘોડે ચઢાય તેમ નહોતું. છેવટે મેં મારી એકાવન વર્ષની વયે એમાંથી રાજીનામું આપી દીધું. અને એ રીતે મને અણગમતા નીરસ કામમાંથી મેં છુટકારો મેળવ્યો.

વળાંકની શરૂઆત 1980 માં કૉલમલેખનથી થઈ. 1989 માં એ વળાંકની તીવ્રતા આવી. હું કલમનિર્ભર બન્યો. જે વખતે વી.આર.એસ. કે પેન્શન કાંઈ જ નહોતું, તે વખતે ભારે પગારની નોકરી છોડી દેવાનું સાહસ કરી શક્યો.

ગુલાબના છોડ પર એસ એસ એસ સી પાસ કર્યા પછી છેક ચોંત્રીસ વર્ષે ગુલાબની માત્ર એક કળી ફૂટી ! અને હવે જેવું છે તેવું મારુ ગુલાબનું આ પૂરું સિત્તેર ઉપરાંતના પુસ્તકો અને સર્જનોનું આખું ઉપવન છે.

રજનીકુમાર પંડ્યા

Rajanikumar Pandya’s blog links:

http://zabkar9.blogspot.com/

http://rajnikumarpandya.wordpress.com

દર સોમવારે નિયમિત રજનીકુમાર પંડ્યાનો એક​ લેખ ‘વેબગુર્જરી’ ઉપર પ્રકાશિત થાય છે.

http://webgurjari.in/2016/01/11/at-the-sea-beach-of-div/

થયેલી સાવ જર્જર કોઈ જૂની ચોપડી જેવી –
સૂની શેરી હું વાંચું છું ને વરસો બાદ વાંચું છું!                

કરસનદાસ લુહાર

 

Posted by: Shabdsetu | ડિસેમ્બર 7, 2015

કસોટી તું કરી લે જે

કસોટી તું કરી લે જે

કસોટી તું કરી લે જે

જગતમાં દાવ જીતે છે કપટ છલ ખેલનારાઓ
ગુમાવે હાથની બાજી ઘણાં સચ બોલનારાઓ

ઘરેઘર જાય છે લબ મધ ધરી મત માંગવાને જે
કરે મત લૈ ઉચાપત એ દગલ કર ચોરનારાઓ

શિખાડે જે તને તરકીબ સાગર પાર કરવાની
કિનારે એ ડુબાડે છે છલન કળ જાણનારાઓ

બગલ છૂરી છુપાવી રામનું જે નામ લૈ ચાલે
ઠગાવે વેશધારી એ પરમપદ વેચનારાઓ

કસોટી તું કરી લે જે પ્રણય ને પામવા કાજે
ફસાવે છે વફા નામે હવસ રત ખેલનારાઓ

બાબુ પટેલ

હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ !
તહીંનાં ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ !

કવિ કલાપી

Posted by: Shabdsetu | નવેમ્બર 2, 2015

વાલમ મારો જાણે પહેલો વરસાદ…

Varsad (1)

વાલમ મારો જાણે પહેલો વરસાદ…

મારા કમખાની કોરે ચીતરેલો મોર સખી વાલમની યાદ આવે ને ટહુકે
ને વાલમ મારો જાણે પહેલો વરસાદ કેટલી વાટ્યું જોવડાવે, ના વરસે

હું તો ઝરુખે ગાતી કોયલના કંઠમાં જાત મારી ખોતી
હું તો નેજવે પરોવી પ્રતીક્ષાના મોતી વાટ એની જોતી
ભરમની વેલીએ વીંટાળતા વૈશાખી વાયરે સખી મારું રોમરોમ સળગે
ને વાલમ મારો જાણે પહેલો વરસાદ કેટલી વાટ્યું જોવડાવે, ના વરસે

હરખાતે હૈયે એના આવવાના રસ્તે હું નજરોથી આળોટુ
આ આંખ કાઢતા અજંપાને ઓઢણીએ ગાંઠ વાળી ખોસુ
શ્રાવણીયો ઝરમર મારી આંખોમાં ઉતરેને છાતીએ મારી ઉનાળો ભડકે
ને વાલમ મારો જાણે પહેલો વરસાદ કેટલી વાટ્યું જોવડાવે, ના વરસે

આંગણથી ઉંબર સુધી લંબાતી સાંજ જયારે આથમતી
ત્યારે એના સાદના પડઘાની હેલી હું ડેલીએ સાંભળતી
એના પગરવની અટકળે આંખોની આસપાસ આશાના અજવાળા ચમકે
ને વાલમ મારો જાણે પહેલો વરસાદ કેટલી વાટ્યું જોવડાવે, ના વરસે

એક મને તડપાવે આભનો ચાંદો ને બીજો તું તડપાવે
ભીતરની પ્યાસ સજન ભાગી જાય પળમાં જો તું આવે
તારા આવવાના અણસારે એક તારો તુટેને મારા દિલમાં ચિંગારી ભડકે
ને વાલમ મારો જાણે પહેલો વરસાદ કેટલી વાટ્યું જોવડાવે, ના વરસે

દીપા સેવક

વાલમ તારે ફળિયે હું તો વહાલ થઇને વરસું,
ઝરમર ઝરમર વરસું તોયે સરવર થઇને તરસું.

નલિની માંડગાંવકર

Posted by: Shabdsetu | ઓક્ટોબર 2, 2015

ગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો

Time

ગાંધીજીવનના ત્રણ ત્રણ રત્નો

જીવનમાં ત્રણ વસ્તુ કદાપિ પરત થતી નથી. એક વીતેલો સમય, બે મોંમાથી નીકળેલા શબ્દો અને ત્રણ આવેલી તક. આપણામાંથી ઘણા બધા ભારતને સ્વતંત્ર મળ્યા પછી જન્મ્યા છીએ. એટલે તેઓને ગાંધીયુગવાળા સમયમાં જીવવાની તક મળી નથી. મોહનદાસ કરમચંદ ગાંધી જેમને બધાં “ગાંધીબાપુ” ના હુલામણા નામથી બોલાવે છે, તેઓ જીવનપર્યંત દેશની આઝાદી માટે લડી, જાન્યુઆરી ૩૦, ૧૯૪૮ ની ગોઝારી સાંજે ૫.૧૭ કલાકે છાતીમાં ત્રણ ગોળી ઝીલી, “હે રામ” ઉચ્ચારી ઢળી પડ્યા. દેશ આખો અશ્રુભીની આંખે હૈયાફાટ રુદન કરતો રહ્યો. વિશ્વ વિસ્મિત થઈ અહિંસાના પૂજારીની અંતિમ યાત્રા જોતું રહ્યું. મે ગાંધીબાપુને જોયા નથી પણ એમની અગણિત છબીઓ જોઈ છે. કેટલાંક ગાંધીજીવન પરના પુસ્તકો વાંચ્યા છે. ગાંધીજી વિષે ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે – “૨૪ વર્ષના છોકરા પાસે શું ગજબનાક હિમ્મત હતી. ૬ દિવસ પહેલાં જ દક્ષિણ આફ્રિકા આવ્યો હતો અને ટ્રેનમાં ટિકિટ ચેકરને કહી શકતો હતો કે આ મારી ટિકિટ છે, આ મારી સીટ છે, હું અહીં જ બેસીશ”. અને પછી આફ્રિકામાં શું શું થયું એની આપણને ખબર છે જ. ગુણવંત શાહે લખ્યું છે – “ગાંધીજીની કમર પર લટકતી ઘડિયાળ પર સેકન્ડના નહીં, સદીઓનાં નિશાન હતાં.” જાન્યુઆરી ૨૭, ૧૯૧૫ ને દિવસે ગોંડલના રાજવીએ પ્રથમવાર મોહંનદાસ કરમચંદ ગાંધી માટે “મહાત્મા” શબ્દ વાપર્યો હતો. ચાલો આજે આપણે એવા એ મોહન, ગાંધીજી, મહાત્માના જીવનમાં જુદા જુદા સમયે બનેલી ત્રણ ત્રણ જુદી જુદી મહત્વપૂર્ણ ઘટનાઓને યાદ કરીએ ગાંધીજી અને અન્ય લેખકોના લેખનમાથી વિણેલા મોતીઓનો ત્રણ ત્રણનાં ઘટકમાં સમન્વય કરી સંક્ષિપ્તમાં આ સંગ્રહલેખ તૈયાર કરી વાચકમિત્રો સાથે વહેંચવાનો પ્રયાસ છે.

ગાંધીજીને સૌથી વધારે પ્યારું હતું ત્રણ વાંદરાનું રમકડું. ત્રણે નામો જાપાનીઝ ભાષામાં છે.
(૧) પહેલો વાંદરો નામે કીકાઝારુ (Kikazaru)ના બંને હાથોથી બંને કાનો ઢંકાયેલા હોય છે – ખરાબ સાંભળવું નહીં.
(૨) બીજો વાંદરો નામે મીઝારૂ(Mizaru)ના બંને હાથોથી બંને આંખો ઢંકાયેલી હોય છે – ખરાબ જોવું નહીં.
(૩) ત્રીજો વાંદરો નામે ઈવાઝારુ (Iwazaru)ના બંને હાથોથી મોં ઢંકાયેલુ હોય છે – ખરાબ બોલવું નહીં.

એવું કહેવાય છે કે બાળકેળવણી માતાના ઉદરમાંથી શરૂ થઈ જાય છે અને પછી વિકાસનો આધાર માતાપિતા તેમજ આસપાસના વાતાવરણ પર રહે છે. ગાંધીજી નાના હતા ત્યારે એમના માનસને સ્પર્શી ગઈ હતી એવી મુખ્ય ત્રણ પ્રેરણાદાયક બાબતો:
(૧) “ શ્રવણપિતૃભકિત નાટક” ના વાંચને શ્રવણ જેવા માતૃભક્ત અને પિતૃભક્ત થવાની ભાવના દઢ બનાવી હતી.
(૨) “સત્યવાદી હરિશ્ચંદ્ર” નાટકના ખેલે સત્યધર્મની ભાવના દઢ બનાવી હતી.
(૩) “શામળ ભટ્ટના છપ્પા” ના વાંચને ‘અવગુણ કેડે ગુણ કરે તે જગમાં જીત્યો સહી’ની ભાવના દઢ બનાવી હતી.
પિતાની માંદગી વખતે જુદા જુદા ધર્મના સાધુસંતો અને સદગૃહસ્થો મળવા આવતા હતા ત્યારે થતી ધાર્મિક ચર્ચાઓ સાંભળીને સર્વધર્મસમભાવ ના બીજ રોપાયા હતા

ત્રણ બાબતોથી દૂર રહેવાની પ્રતિજ્ઞા:
૧૮ વર્ષની ઉંમરે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી આગળ વિદ્યાભ્યાસાર્થે હજારો માઈલ દૂર સપ્ટેમ્બર, ૧૮૮૮માં એક બાળકના પિતા ગાંધીજી, એકલા વિલાયત (યુ.કે॰) ગયા હતા ત્યારે એમની પાસેથી માતા પૂતળીબાઈએ ત્રણ બાબતો જેવી કે માંસ, દારૂ અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી અને પછી જ પરદેશગમનની આજ્ઞા આપી હતી. ગાંધીજી ભરયુવાનીમાં પણ ચોરીછૂપીથી માંસ, દારૂ કે સ્ત્રીસંગનું આચરણ કરીને જૂઠું બોલ્યા ન હતા અને માતાની આજ્ઞાનું પાલન જીવનપર્યંત કર્યું હતું.

કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન અધૂરું. પ્રેરણાબળ વિના ઉંચે ચઢી શકાય નહીં માટે મહાન પુરુષોના જીવનચરિત્રો વાંચવા જોઈએ. ગાંધીજી કરોડો લોકોના ગુરુ હતા પણ ત્રણ પ્રેરણાપુરુષો જેમને તેઓ પોતાના ગુરુ માનતા તે હતા – શ્રીમદ્ રાજચંદ્ર (કવિ રાયચંદભાઈ), જ્હોન રસ્કિન અને લિયો ટોલ્સટોય.
(૧) શ્રીમદ્ રાજચંદ્ર: તેમના જીવંત સંસર્ગથી ધર્મમય અને અનેકાન્તવાદ જીવન જીવવાની પ્રેરણા મળી હતી. બ્રહ્મચર્ય પાલનના વિચારનું પ્રાધાન્ય પણ રાયચંદભાઈના પ્રભાવથી હતું.
(૨) જ્હોન રસ્કિન: રસ્કિન લેખિત “અનટુ ધિસ લાસ્ટ (સર્વોદય)” નામના પુસ્તક વાંચનથી સમાજીક ન્યાય, આદર્શ સમાજવ્યવસ્થા અને સાદું જીવન જીવવાની પ્રેરણા મળી હતી.
(૩) લિયો ટોલ્સટોય: ટોલ્સટોય લેખિત “ધ કિંગડમ ઓફ ગોડ ઈઝ વિથઇન યુ (વૈકુંઠ તારા હદયમાં છે)” નામના પુસ્તક વાંચનથી અહિંસાની અનિવાર્યતા અને શ્રમનિષ્ઠ જીવન જીવવાની પ્રેરણા મળી હતી.

ગાંધીજી એમના પુસ્તક “સર્વોદય દર્શન” માં લખે છે કે એમના જીવનમાં તત્કાળ મહત્વનો રચનાત્મક ફેરફાર થયો હોય તો તે જહોન રસ્કિન લેખિત “અનટુ ધિસ લાસ્ટ” પુસ્તકને આભારી છે. એ પુસ્તકના ત્રણ મુદ્દાઓએ ગાંધીજીવન પર ઉડી અસર કરી હતી.
(૧) બધાંના ભલામાં આપણું ભલું રહેલું છે.
(૨) વકીલ કે વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઇએ. આજીવિકાનો હક સહુને એકસરખો છે.
(૩) શારીરિક શ્રમ કરવો શ્રેષ્ઠ છે. સાદું મજૂરીનું જીવન જ ખરું જીવન છે.

ગાંધીજીનું સાહિત્ય ત્રણ પ્રકારે ઉદભવ્યું હતું.
(૧) પત્રો દ્વારા: ગાંધીજી ત્રણ ભાષામાં લખતા અને બોલતા – ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી.
(૨) ભાષણો દ્વારા: ૧૮૮૪ થી ૧૯૪૮ સુધીના જાહેર જીવન દરમ્યાન ગાંધીજીએ કરેલા ભાષણો અને લખેલા લખાણો તથા પત્રો, ગ્રંથમાળા રૂપે ભારત સરકારે પ્રગટ કર્યા છે. એનું નામ છે “ગાંધીજીનો અક્ષરદેહ”.
(૩) લેખો દ્વારા: ગાંધીજીની નિયમિત લેખન પ્રવૃત્તિ સાપ્તાહિકોમા હતી. આફ્રિકામાં વસવાટ દરમ્યાન ઇન્ડિયન ઓપિનિયન(૧૯૦૩), ભારતમાં યંગ ઇન્ડિયા(૧૯૧૯) તથા નવજીવન(૧૯૧૯) અને હરિજનબંધુ(૧૯૩૩) માં શરૂ કર્યાં હતાં.

ગાંધીજીના જીવનમાં ત્રણ રાતો એવી પણ હતી જ્યારે એમની ઉંઘ ઉડી ગઈ હતી.
(૧) “સત્યવાદી હરિશ્ચંદ્ર” નું નાટક જોયા પછી હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી થવાની ધૂન આખી રાત મનમાં ચાલેલી. એ નાટક પોતાના મનમાં કેટલીયે વાર ભજવેલું. એ સમયે એમની ઉંમર માત્ર ૭ વર્ષની હતી.
(૨) આફ્રિકામાં જૂન ૧૮૯૩ ની કડકડતી ઠંડીમાં રાત્રે સેન્ટ પીટર મેરીત્સબર્ગ રેલ્વેસ્ટેશન પર ગોરા રેલ્વે સત્તાવાળાએ ડબ્બામાંથી બહાર ફેંકી દીધા હતા તે રાતે. ગાંધીજીએ પોતાના હક માટે લડવું એવું નક્કી કર્યું, ત્યાર પછી કાળા ગોરાના રંગદ્વેષ સામે લડત ઉપાડી ત્યારે એમની ઉંમર ૨૪ વર્ષની હતી.
(૩) એમના એક ગોરા મિત્ર મિ. પોલકે આપેલું “અનટુ ધિસ લાસ્ટ” પુસ્તક વાંચ્યા પછી. ઊંઘી નહોતા શક્યા. એ વખતે એમની ઉંમર ૩૫ વર્ષની હતી.

દક્ષિણ આફ્રિકામાં હિન્દુઓમાં ફાટી નીકળેલા મરકી દરમ્યાન ‘ઇન્ડિયન ઓપિનીયન’ ચાલુ રાખવા માટે ગાંધીજીના ઘણાં ગોરા મિત્રોમાના ત્રણ ખાસ મદદરૂપ મિત્રો:
(૧) આલબર્ટ વેસ્ટ: જોહનિસબર્ગમાં પોતાનો ધંધો છોડી ડર્બન જઈ નિરાધાર ‘ઇન્ડિયન ઓપિનીયન’ સંભાળ્યું હતું.
(૨) મીલી ગ્રેહામ પોલાક: ડૂબતા સાપ્તાહિક ‘ઇન્ડિયન ઓપિનીયન’ ને બચાવવા માટે જ્યારે ગાંધીજી ડર્બન ગયા હતા ત્યારે જોહનિસબર્ગની ઘણી જવાબદારી સ્વીકારી હતી.
(૩) ફાધર જોસફ ડોક: જ્યારે ગાંધીજી અને પોલાક જેલમાં હતા તે દરમ્યાન ‘ઇન્ડિયન ઓપીનિયન’ ના તંત્રી હતા.

ચંદ્રકાંત બક્ષી લખે છે કે હિન્દુસ્તાનના રાજકારણમાં ત્રણ આંદોલનો મહત્વનું સ્થાન ધરાવે છે:
(૧) બિહારના ચંપારણમાં ગળીનું ઉત્પાદન કરનારા ખેતમજદૂરોનું અંગ્રેજ પ્લાન્ટરો જે શોષણ કરતાં હતા એની સામે ગાંધીજીએ કૃષિ આંદોલન ચલાવ્યું અને રાષ્ટ્રીય ચેતના જાગ્રત થઈ. અહીં ગાંધીજીને રાજેન્દ્રપ્રસાદ મળ્યા.
(૨) ગુજરાતમાં ખેડાના ખેડૂતોએ દુકાળને કારણે ના-કરનું આંદોલન ચલાવ્યું અને સરકાર ચૂપચાપ ઝૂકી ગઈ. અહીં ગાંધીજીને વલ્લભભાઈ પટેલ મળ્યા. જેમને ગાંધીજીએ સરદારનું બિરુદ આપ્યું.
(૩) અમદાવાદના ટેક્ષટાઇલ મજદૂરોની ઔદ્યોગિક હડતાલ એ ત્રીજું આંદોલન. અહીં ગાધીજી ઉપવાસ પર ઉતાર્યા અને ચોથે દિવસે સમાધાન થયું.

૧૯૩૦ ની દાંડીકૂચ એટલે મીઠાના કાયદાનો ભંગ અને સ્વરાજયાત્રાનો પ્રારંભ. દાંડીકૂચની શરૂઆતમાં ગાંધીજીએ ભીષ્મપ્રતિજ્ઞા લીધી હતી કે “હું કાગડાકુતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વગર પાછો નહીં આવું.”
દાંડીકૂચની ત્રણ ઉપલબ્ધિઓ:
(૧) દાંડીકૂચથી મહાત્મા ગાંધીજી દુનિયાની નજરમાં આવ્યા હતા. આ કૂચને યૂરોપ અને અમેરિકન સમાચારપત્રોએ વિગતવાર નોંધ લીધી હતી.
(૨) દાંડીકૂચ પછી રાષ્ટ્રવાદી પ્રવૃતિઓમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લેવાનું શરૂ કર્યું હતું.
(૩) સૌથી મહત્વનું તો અંગ્રેજોને અહેસાસ થયો હતો કે હવે તેમનું રાજ્ય વધારે દિવસો સુધી ટકશે નહીં.

નીચેના ત્રણ કારણોથી દાંડીકૂચ દરમ્યાન ગાંધીજીના સત્યાગ્રહની શક્તિનો પરિચય સૌને થયો હતો.
(૧) ૬૦ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે ૭૯ સત્યાગ્રહીઓ સાથે માત્ર ૨૪ દિવસમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી ૨૪૧ માઇલની પદયાત્રા કરી હતી.
(૨) ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં જનતાને એક કરવા માટે ૧૯૩૦નો નમક સત્યાગ્રહ અને દાંડીકૂચ મુખ્ય હતાં.
(૩) દાંડીકૂચથી દેશભરમાં નોંધનીય સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ હતી.

ગાંધીજી માટે ત્રણ મહાન વ્યક્તિઓ, આલબર્ટ આઈન્સ્ટાઈન, લૂઈ ફિશર અને જ્યોર્જ બર્નાર્ડ શોએ ઉચ્ચારેલા શબ્દો જોઈએ.
(૧) આલબર્ટ આઈન્સ્ટાઈન: આવનારી પેઢીઓ તો ભાગ્યેજ માનશે કે હાડમાંસનો બનેલો આવો માનવી આ પૃથ્વી પર હયાત હતો.
(૨) લૂઈ ફિશર: મરદાનગી એમની વીરાસત છે. સત્ય એમનો બોધ છે. પ્રેમ એમનું શસ્ત્ર છે. એમનું જીવન જ એમનું સ્મારક છે. હવે તેઓ ભારતના નહીં સમગ્ર માનવજાતિના છે.
(૩) એડવર્ડ થોમસન: હિંદની રાષ્ટ્રીય હિલચાલમાં ગાંધીજી જેવા પુરુષ તો એક જ થયા જેમણે હિંદના સ્ત્રીપુરુષના મનમાં એવી લાગણી ઉપજાવી કે અંગ્રેજો આપણાં સહોદર છે; આપણાં જેવા જ હાડમાંસ ને રુધિરવાળા છે.

ગાંધીજીને ત્રણ વ્યક્તિઓ સાથે દારુણ સંઘર્ષ થયો હતો.
(૧) હરિલાલ: ચાર પુત્રો પૈકીના જ્યેષ્ઠ પુત્ર સાથે.
(૨) મહમ્મદ અલી જીણા: પાકિસ્તાનનાં પહેલા વડાપ્રધાન સાથે.
(૩) સર વિન્સ્ટન લીઓનાર્ડ સ્પેન્સર ચર્ચિલ: ગ્રેટબ્રિટનનાં વડાપ્રધાન સાથે.

જાણવા જેવા ત્રણ આંકડાઓ:
(૧) ગાંધીજીએ પોતાના જાહેરજીવનના લગભગ ૭ વર્ષો જેલમાં ગુજાર્યા હતા.
(૨) આફ્રિકામાં કાળા ગોરાના રંગદ્વેષ સામે લડત લડવાનું નક્કી કર્યું ત્યારે ગાંધીજીની ઉમર માત્ર ૨૪ વર્ષની હતી.
(૩) ૧૩ વર્ષની ઉંમરે લગ્ન થયા હતા. મોટા દીકરા હરિલાલના જન્મ વખતે ગાંધીજી ૧૮ વર્ષના હતા. ૩૧ વર્ષની ઉંમરે ૪ દીકરાના પિતા હતા. ૩૭ વર્ષની ઉમરે બ્રહ્મચર્યપાલનનો નિર્ણય લીધો હતો॰ ૭૩ વર્ષની ઉંમરે અંગ્રેજોને ‘હિન્દ છોડો’ની હાકલ કરી હતી.

દક્ષિણ આફ્રિકાની જાણવા જેવી બધી બાબતોમાંની ત્રણ:
(૧) જેલમાં હતા ત્યારે દરરોજ એકાદ કલાક કાઢી કેદીઓ માટે ગાંધીટોપી બનાવતા. ગાંધીજી ગાંધીટોપી પહેરતા ન હતા.
(૨) એમનું રહેઠાણ ટોલ્સ્ટોયફાર્મમાં હતું જે જોહનિસબર્ગથી ૨૧ માઇલના અંતરે આવેલું છે. જ્યારે જોહનિસબર્ગ જવાનું થતું ત્યારે ચાલતા જતા અને ચાલતા પાછા આવતા.
(૩) જેલમાં હતા ત્યારે પોતાના હાથે બનાવેલી ચંપલની જોડ જેલમાંથી છૂટતાં જનરલ સ્મટ્સને ભેટ આપેલી. ત્યાર પછી જનરલ સ્મટ્સે કહ્યું હતું કે “મે ઘણાં વરસ એ ચંપલ પહેર્યાં છે; જોકે મને લાગ્યું છે જ કે હું આવા મહાપુરુષના પગરખાંમાં ઊભો રહેવાને લાયક નથી.

‘નવજીવન ૧૯૨૫ – ૨૭’ માં પ્રકાશિત થયેલી ત્રણ ઉક્તિઓ:
૧) “મને મહાત્મા કહેનાર કે મારો ચરણસ્પર્શ કરનાર પર ઘાતકી ગુનાના આરોપસર કામ ચલાવવામાં આવવું જોઈએ. એવો કાયદો જો કોઈ કરાવે તો તે કાયદો પાસ કરાવવામાં મદદ કરવા હું તૈયાર છુ. જ્યાં મારો કાયદો ચાલે છે ત્યાં – એટલે કે આશ્રમમાં – તો તેમ કરવું ગુનો ગણવામાં આવે જ છે.”
૨) “સત્યને એટલેકે ઈશ્વરને છોડીને હિંદુસ્તાનનું ભલું નથી ચાહતો. કારણ, મને વિશ્વાસ છે કે જે માણસ ઈશ્વરને ભૂલી શકે છે તે દેશને ભૂલી શકે છે, માતાપિતાને ભૂલી શકે છે, પત્નીને પણ ભૂલી શકે છે.”
૩) “મારી આખી જિંદગીમાં મારા બોલવાનો અનર્થ થવા વિષે મને નવાઈ નથી રહી. દરેક અનર્થનો જવાબ આપવો પડે અને ખુલાસો આપવો પડે તો જિંદગી વસમી થઈ પડે. જ્યાં પ્રવુત્તિને ખાતર આવશ્યક હોય તે સિવાયના કોઈ પણ પ્રસંગે અનર્થોના ખુલાસામાં ન ઊતરવું.”

૩૧ મી જાન્યુઆરીએ જ્યારે રાજઘાટ પર ગાંધીબાપુની અંતિમક્રિયા થઈ રહી હતી ત્યારે ત્રણ પુત્રો રામદાસ, મણિલાલ અને દેવદાસ હાજર હતા. મોટા પુત્ર હરિલાલની કોઈજ ખબર ન હતી. કોણ જાણે ક્યાં હતા?

મારો જન્મ ગાંધીબાપુની હત્યા પછી થયો છે. પ્રાથમિક શાળામાં ‘એનું જીવનકાર્ય અખંડ તપો, અમ વચ્ચે બાપુ અમર રહો’ ગાતાં ગાતાં કાંતણકામ અને વણાટકામ કરવાની મને તક મળી છે. જ્યારે પણ મને પ્રાર્થનાસભામાં જતા ગાંધીબાપુનું સ્મરણ થાય છે ત્યારે મારા મોંમાંથી આહભર્યા ત્રણ શબ્દો નીકળી પડે છે.
હે રામ! નાથુરામ! કેમ આમ?

મનુ પટેલ

એણે જીવતાં રામ સદાય રટ્યા, એ તો ‘રામ’ વદીને વિદાય થયા.
લઘુ માનવમાં મહિમા ભરવા, નિજ લોહી અશેષ વહાવી ગયા.

જુગતરામ દવે

Posted by: Shabdsetu | સપ્ટેમ્બર 7, 2015

બીજી મે ૧૯૯૮

May 2-21998

બીજી મે ૧૯૯૮

રે વર્તમાન,
થંભી જજે, થંભી જજે!
ઘડીક તું આજના અમ શુભદિને
કે માણી રહીએ પ્રત્યેક પલ પલને
સુદીર્ઘ બનાવી
કે માણી લઈએ પ્રત્યેક ક્ષણને
અમ સ્મરણીય રીતે
ને પછી
તુજ કાલ કેરા પ્રવાહે
સાથોસાથ ભીડી બાથ, વીંટળાઈ હાથ,
એકમેકમાં લીન
ડુબાડી દેજે તુજ કાલ કેરા ઊછળતા ઓઘમાં,
અમ બંનેના શેષ રહેલા
પુન્યના વરદાનમાં
શેની ઓછપ, શેની ઊણપ
હોય તુજ સામર્થ્યશાલી હસ્તમાં!
આટલું તો નિશ્ચિત અર્પી દેજે
અમારા જીવન-સંધ્યા કાળમાં.

મધુરી ધનિક

દામ્પત્યની એ સુણી સ્નેહગાથા
હુંયે ચહું અન્ય ઉરે ગૂંથાવા.
-રહું વિમાસી ઘડી એક હાવાં:
વ્હેવું જગે એકલ, સાથમાં વા ?

ઉમાશંકર જોશી

 

Posted by: Shabdsetu | ઓગસ્ટ 2, 2015

અનિદ્રા

moon night

અનિદ્રા

ક્વચિત્ જ મળતું, અનિદ્રાતણું
સુખ અચાનક લાધ્યું આજ રાત્રે!

ના વિચાર – વમળો,
ના શરીરે અસુખ જરી,
બસ, મન જંપવાનું જ ગયું ભૂલી.

માણી ખૂબ,
શીતલ, શુભ્ર, નીરવ,
આહ્લાદક રાત્રિ, એકાકીપણે!

ઘટાટોપ વૃક્ષ, બારીએ ઝૂલતું,
અર્ધપ્રકાશમાં વિવિધ આકાર પામે,
મધુર ઉજ્જ્વલ ચાંદની
વૃક્ષથી ચળાઈ બિછાત નાંખે
નિર્જન એકાકી માર્ગમાં.

સ્તબ્ધ હવા, સ્તબ્ધ વૃક્ષો
સ્તબ્ધ આ સઘળાં દૃશ્યો મધ્યે
હું એકલો જ
સુવાંગ રીતે માણતો રૂપરાત્રિને!

રે મૂર્ખ કેવો માનવી
રાત્રિ રૂપાળી નવવધૂશી રૂપ વેરે
ત્યારે જ એ રસહીન, હંમેશ પોઢે?!

શાંતિલાલ ધનિક

એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો.

વેણીભાઈ પુરોહિત

Posted by: Shabdsetu | મે 10, 2015

અંતિમ શ્વાસ

Last breath-New_Picture_28_

અંતિમ શ્વાસ​

આજે મા જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહી હતી.

મા વર્ષો પૂર્વે પરણીને પરદેશ આવી હતી. કેનેડામાં પતિ સાથે નવજીવનનના પગલાં પાડ્યા. બન્નેએ ખૂબ મહેનત મજૂરી કરીને ગૃહસંસાર શરૂ કર્યો. ધીરે ધીરે કાટકસર કરી થોડી બચત કરી. પારંપરિક જીવન આગળ વધાર્યું. વિનયનો જન્મ થયો અને હર્યુંભર્યું ઘર સ્વર્ગ સમું લાગવા લાગ્યું. વિનયના પિતા ખાસ ભણ્યાં નહોતા. મેટ્રિક પાસ કરીને મામાની મદદથી કેનેડા આવીને સ્થાયી થયા હતાં એટલે દિકરાને ખૂબ ભણાવવાનાં સ્વપ્ના જોતા હતાં વિનયને માટે જાતજાતની બુક્સ અને ગેમ્સ લઈ આવતા. પોતાને આવડે એવું વાંચી સંભળાવતા બધા સાથે રમતા, સાથે બહાર ફરવા જતા અને આનંદ કરતા. નાનકડો ઘરસંસાર આગળ વધતો ગયો.

પાંચ વર્ષ બાદ વર્ષા આવી. વર્ષા બીજા બધા બાળકોની સરખામણીમાં થોડી જુદી વર્તાતી હતી. એના મોંમાંથી થોડી વધારે પડતી લાળ પડતી, અપરિચિત ચહેરાઓ જોઈને તુરત રડવા માંડતી. એક દોઢ વર્ષમાં તો બાળક ચાલતા શીખી જાય પણ એ ઘૂંટણિયાં જ ભરતી હતી. ડૉક્ટરો અને સ્પેશલિસ્ટોને બતાવ્યું. થોડા ટેસ્ટ કર્યાં અને છેવટે ડાયગ્નોઝ થયું કે વર્ષા “Autistic child” છે. આપણી વર્ષા મંદ બુધ્ધિનું બાળક છે ને, કાંઈ વાંધો નહીં, થોડું મોડું શીખશે માતા પિતાએ સ્વિકારી લીધું. પણ થોડા સમયમાં જાતજાતના ટેસ્ટ બાદ જાણવા મળ્યું કે વર્ષા એક જાતના Degenerative Central Nervous System (CNS) disorder થી પીડાય રહી છે. ટૂંકમાં એ અપંગ છે અને સમય જતા એની પરિસ્થિતિ વધારેને વધારે બગડતી જશે. વિનયના માતા પિતાના માથે મોટી આફત આવી પડી. પોતાના જિગરના ટૂકડાને આવી પીડા! આ તે કેવી સજા! અને એ પણ આવી નાની બાળકીને! શું ભગવાન છે? અને હોય તો શું એ એના જ ભૂલકાઓને આવી સજા આપી શકે? બન્ને નાસીપાસ થઈ ગયા પણ હિંમત ન હાર્યાં. બન્ને ફૅક્ટરીની શિફ્ટ બદલીને વારાફરતી વર્ષાની ચોવીસ કલાક કાળજી રાખવા લાગ્યાં.

જીવન ધીમે ધીમે રાબેતા મુજબ પસાર થવા લાગ્યું. જિંદગીની ગાડી હવે ફરી પાટા ઉપર આવવા લાગી. વિનય નાનો હતો, સંવેદનશીલ હતો એટલે એના કોમળ મન ઉપર મા બાપને પડતી મુશ્કેલીઓની છાપ અંકાતી ગઈ. નાની ઉમ્મરે સમજદારી પણ આવતી ગઈ. નાની બહેન વર્ષાની સરસંભાળમાં એ પણ ઘણું ધ્યાન આપતો પણ વિધાતાએ કાંઈ જુદુ જ વિચાર્યું હતું. માણસજાતને એરણ પર ચઢાવવામાં કદાચ એને વધારે આનંદ આવતો હશે! અચાનક કાર ઍક્સિડન્ટમાં વિનયના પિતાનું અવસાન થઈ ગયું. એક સોળ વરસના તરવરાટીયા, મૂછ ફૂટડા જુવાને ખૂબ ઢીંચીને ગાડી હંકારી અને એક ક્ષણમાં…! એક જિંદગી નહીં પણ ત્રણ જીવન બરબાદ કરી નાખ્યાં. ખાનાખરાબીની પણ એક હદ હોય…! વિનય અને એની માના માથે આભ ટૂટી પડ્યું. શું કરીશું હવે? ક્યાં જઈશું? મઝધારે અટવાયેલી નૌકાને પાર કેમ ઉતારીશું?

મા માટે હવે આકરા ચડાણ ચઢવાના હતાં. વિનય અને વર્ષા બન્નેને સાચવવાના હતાં, મોટા કરવાના હતાં. વર્ષાને એકલી રાખી શકાય નહીં એટલે મા એ ફૅક્ટરીની જોબ છોડી. કૉલેજમાં ભણતા દેશી વિદ્યાર્થીઓને ઘરમાં ભાડે રાખી, તેમને જમાડવાનું ચાલુ કર્યું. આ રીતે વર્ષાની પણ સંભાળ રાખી શકાય અને વિનયને પણ ભણાવી શકાય. સમય વહેતો ગયો વિનય ભણતા ભણતા મોટો થતો ગયો અને વર્ષાની હાલત ધીમે ધીમે વણસતી ગઈ. કાયા કૃશ થતી ગઈ પણ મા જતનથી વર્ષાને સંભાળતી રહી.

વિનય બહુ જ તેજસ્વી વિદ્યાર્થી, હંમેશા અવ્વલ નંબરે આવે. કૉલેજમાં પ્રોફેસરો એના વખાણ કરતા થાકે નહીં. મિત્રોમાં પણ એ ખૂબ માનીતો. વિનયનું અસાધારણ વ્યક્તિત્વ સૌને આકર્ષતું. કૉલેજના પહેલા વર્ષથી લીન્ડા એની સાથે. વિનય દૂર રહેવાનો ખૂબ પ્રયત્ન કરે પણ જેમ સમય વિતતો ગયો તેમ લીન્ડા એની નજીક આવતી ગઈ અને એને ચાહવા માંડી. વિનયને એની જવાબદારીનું ભાન હતું એટલે એ હંમેશા પોતાના મનને મારતો રહ્યો અને લીન્ડાને સમજાવતો રહ્યો. લીન્ડા વિનયની મા અને બહેનને મળી ચૂકી હતી. બીજા મીત્રોની જેમ વિનયના ઘરે લીન્ડાની આવનજાવન પણ હંમેશા રહેતી. વિનયની માના જીવન સંઘર્ષના એકેએક પાસાઓથી એ વાકેફ હતી. વિનય પાસેથી મા વિષે એ જેટલું વધારે જાણતી ગ​ઈ, તેમ તેમ બન્ને માટે એના મનમાં માન વધતું ગયું.

વિનય એન્જિનિઅર થઈ ગયો. મોટા પગારની નોકરી મળી. મા પાસે વિદ્યાર્થીઓને ભાડે રાખી જમાડવાનું કામ છોડાવ્યું. મા હવે વર્ષાની સંભાળમાં વધારે સમય કાઢી શકતી. વર્ષા પણ ખુશખુશાલ હતી. લીન્ડા હવે વિનયને લગ્ન માટે વિનંતિ કરતી પણ વિનય માનતો ન હતો. વિનય લીન્ડાને કહેતો કે મારો આ જન્મ મારી મા અને બહેનને નામે છે. હું તારા માટે કાંઈ કરી શકુ એમ નથી. લીન્ડા ત્યારે કહેતી પણ તું મને ચાહે છે ને, મારા માટે એટલું બસ છે. હું એ જ ઘરમાં તારી મા અને બહેન જોડે રહીશ. આપણે બન્ને એમની સંભાળ રાખીશું. વાઇટ ફેમિલીમાં જન્મેલી લીન્ડા સાવ અલગ પ્રકારની છોકરી હતી. કોઈ જુદી જ માટીની બનેલી હતી. એ ખરેખર વિનયને જ નહીં, પણ એના ફૅમિલીને પણ ચાહતી હતી જે માનવું અશક્ય લાગતું હતું. લીન્ડાએ વિનયને મનાવવાના બહુ પ્રયત્નો કર્યા પણ વ્યર્થ. અંતે એક દિવસ લીન્ડાએ અલ્ટિમેટમ આપી દીધું કે હું કાલે મા પાસે એમની અનુમતિ માટે આવવાની છું. વિનય શું બોલે? બીજે દિવસે લીન્ડાએ માને બધી વાત કરી. મા એ કહ્યું મને તમારા સંબંધની ખબર છે. મેં આ અગાઉ ઘણી વાર વિનયને કહ્યું કે તમે બન્ને એક થઈ જાઓ પણ એ માનતો નથી. હવે આપણે બન્ને સાથે થઈને એને મનાવીશું અને એ દિવસ પણ આવ્યો.

લગ્ન બાદ મા એ જ બન્નેને જુદા રહેવાનો આગ્રહ સાથે હુકમ કર્યો. બન્ને માનતા ન હતા, પણ મા એ બન્નેને સમજાવ્યા કે થોડા સમય બાદ તેઓ સાથે રહેવા આવશે. માના ઘરની નજીક જ બન્નેએ ઘર લીધું. બન્ને દરરોજ સવાર સાંજ મા અને બહેનને મળવા જાય. ઘરની બધી જ જવાબદારી બન્ને એ ઊઠાવી લીધી હતી એટલે મા માટે વર્ષાની સરસંભાળ સિવાય કાંઈ કામ ન હતું. વર્ષો બાદ સુખના ઝરણ ફૂટ્યાં હતાં. દિવસો આનંદમાં પસાર થતાં હતાં. અને ત્યાંજ સુખદા લીન્ડાએ એક દિવસ માના ખોળામાં ગોરું ગોરું રમકડું મૂકી દીધું. સુખનું ઝરણ નદી બની વહેવા માંડ્યું. નવા રમકડાનું નામ રાખ્યું Jay અને મા બે હાથ જોડીને જયને જે જે કરતા શિખવવા લાગી. મા કરતા પણ વર્ષાને જય જોડે રમવાની મજા આવતી હતી. પોતાની સાથે રમનાર એક સાથી મળ્યો હતો. જય સૌના લાડ પ્યારમાં ધીમે ધીમે મોટો થતો ચાલ્યો. અને જોતજોતામાં તો પાંચ વર્ષનો થઈ ગયો. વિનયે જયને એની પાંચમી બર્થ ડે ની ગિફ્ટમાં “ઍપલ ટૅબલેટ” આપી. ટૅબલેટ ચોવીસ કલાક જયની સાથે જ હોય. ક્યાં એ વિડિયો ગેમ રમતો હોય, ક્યાં દાદી ફોઈ લુક હીયર, એમ કહીને એમના ફોટા પાડતો હોય અથવા તો વિડિયો ઉતારતો હોય.

એક દિવસની વાત છે. જય એની કિન્ડરગાર્ટન સ્કૂલમાં, વિનય અને લીન્ડા એમના જોબ ઉપર, ઘરમાં ફ્ક્ત મા અને વર્ષા. બાથરૂમમાંથી બહાર આવતા એકાએક મા નો પગ લપસ્યો. મા એ બૅલન્સ ગુમાવ્યુ અને દિવાલમાં જોરથી માથું ભટકાયું. માથાની અંદર ગંભીર ઈજા થઈ અને મા બેભાન થઈને ઢળી પડી. વર્ષા પથારીવશ, ઊઠી ના શકે એટલે રડતા રડતા જોરથી બૂમાબૂમ કરતી રહી પણ સાંભળનાર કોઈ નહી. ત્રણ કલાક બાદ સાંજે વિનય ઘરે આવ્યો ત્યારે ખબર પડી. તુરત ઍમ્બ્યુલન્સ બોલાવી માને હૉસ્પિટલ લઈ આવ્યા.

વિનય હૉસ્પિટલમાં માના બેડની પાસે ઊભો હતો. મા જીવન મરણની વચ્ચે લટકતી હતી. માની શ્વસનક્રિયા મેડિકલ વેન્ટિલેટરને આધારે ચાલી રહી હતી. બ્રેન હેમરેજ થતાં મા કૉમામાં ચાલી ગઈ હતી ડૉક્ટરોએ આશા છોડી દીધી હતી. ત્યાગ અને કરુણામૂર્તિનો અર્ધમૃત દેહ બેડ ઉપર પડ્યો હતો. વિનય વિચારતો હતો. માના જીવનમાં દુખ દર્દ પડછાયાની જેમ હંમેશા વળગેલા રહ્યાં છે. કેટલું સહન કર્યું છે એણે! આ તે કેવું દુર્ભાગ્ય! નિપીડિત માની કાયાને એ વધુ જોઈ ના શક્યો. રૂમની બહાર જઈને ખૂણામાં મોં છુપાવી એ આંસુ સારતો રહ્યો. લીન્ડા ઊભી થઈને બહાર આવી વિનયની પીઠ પર માથું મૂકીને મૂક આશ્વાસન આપતી રહી.

માને હૉસ્પિટલમાં લઈ આવ્યા તે દિવસથી વર્ષાને પોતાના ઘરે લાવી એની દેખરેખની જવાબદારી લીન્ડાએ ઉઠાવી લીધી હતી. જ્યારે વિનય અને લીન્ડાને એક સાથે હૉસ્પિટલ આવવું હોય ત્યારે કોઈ એક મિત્રને પોતાના ઘરે બોલાવી વર્ષા અને જયને જોવાની જવાબદારી સોંપીને આવતા. આજે છ દિવસથી માનો નિશ્ચેતન દેહ બેડ ઉપર પડેલો હતો. અને આ છ દિવસમાં ફ્ક્ત બે વાર મા એ પલક ઝબકાવી હતી. માની પરિસ્થિતિમાં સહેજ પણ ફેર પડતો ન હતો. મશીનો ઉપર મા શ્વસતી હતી. મા પીડાઈ રહી હતી અને સૌ લાચાર હતાં હવે તો ભગવાન ઉપાડી લે તો સારુ. બીજા ચાર દિવસ પસાર થયા પણ માની હાલતમાં કાંઈ સુધારો નથી. મા નો જીવ પણ જતો નથી. કદાચ એના પૌત્ર જય ને જોવાની ઇચ્છા બાકી રહી ગઈ હોય એમ વિચારી વિનય જયને લઈ આવ્યો. જય માનો હાથ વારંવાર હલાવીને બોલતો રહ્યો: “દાદી વેક અપ, વેક અપ” પણ કાંઈ વળ્યુ નહીં. બીજા ચાર દિવસ વિત્યાં. મા નો પ્રાણ નિકળતો ન હતો. સૌ પરાધીન થઈ ઈશ્વરને પ્રાર્થી રહ્યા હતાં

જયને ફરી દાદીને જોવા આવવું હતું એટલે વિનય લઈ આવ્યો. જય માને એની ટૅબલેટ બતાવીને બોલતો હતો: “વેક અપ દાદી, વેક અપ, લુક હીયર, આય હેવ મોર પિક્ચરસ, ફોઈઝ પિક્ચરસ ટુ, આય હેવ વિડિયો ટુ”. માની પલક ઝબકી, ધીરેથી આંખ ખુલી. જય ટૅબલેટમાં વિનય, લીન્ડા અને વર્ષાના ફોટા બતાવવા લાગ્યો. મા રસપૂર્વક ફોટા જોતી રહી. ફોટા પૂરા થતાં જ્યએ વિડિયો શરૂ કર્યો. અને મા એકીટસે વિડિયો જોવા લાગી. વિનયનું ઘર​, ઘરનો એક બેડરૂમ​, બેડરૂમમાં બેડ પર ખિલખિલાટ હસતી વર્ષા, સાથે રમતો જય અને પ્રેમથી ખવડાવતી લીન્ડા. મા મટકું માર્યા વગર જોતી જ રહી… જોતી જ રહી… મા ખુલ્લી આંખે લાંબી સફરે નિકળી ગઈ હતી…!

કથાબીજ-પરિકલ્પન – મનુ ગિજુ
આલેખન – કિશોર પટેલ

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી નહી જડે રે લોલ.

દામોદર ખુશાલદાસ બોટાદકર

 

 

Posted by: Shabdsetu | માર્ચ 9, 2015

સંબંધો જડે છે કેટલાં?

Picture for Ketalaa

સંબંધો જડે છે કેટલાં?

માણસો ટોળે વળે છે કેટલાં!
એમ સંબંધો જડે છે કેટલાં?

સૂચનો લોકો કરે છે એટલાં
વાત મારી સાંભળે છે કેટલાં?

એ ઠઠ્ઠાખોરી હસાવે મંડળી
પંડની હાંસી ગળે છે કેટલાં?

ઓ નસીહત આપનારા તારલા
મયકદામાં જો, ખરે છે કેટલાં?

ક્યાં ખુદાઈ છે અને છે પાક ક્યાં
પણ ખુદા જાતે બને છે કેટલાં?

હોય જો બે ચાર વાતો તો કહું
પણ કિસ્સા તો જીવને છે કેટલાં?

હું હજી તો શ્વસતો છું બાપલા!
વારસો મારા લડે છે કેટલાં?

આજ મારે કાજ કૂટે સ્વજનો
કાલ ઊઠી સ્મરણે છે કેટલાં?

આમ તો મોટા બધા છે મારથી
શોધ, તો જોવા મળે છે કેટલાં?

કિશોર પટેલ

જીવ્યાનો અર્થ શું – ।
‘હોવું ગળાય’, છે?

ગુંજન ગાંધી

Posted by: Shabdsetu | ફેબ્રુવારી 6, 2015

સથવારો

Sathavaro

સથવારો

મુગ્ધાવસ્થાની અનેક પ્રતીક્ષાને સાચી ઠેરવી તમે
ફાગણના ફાગ ખેલી, મારી દૃષ્ટિ દિશા ફેરવી તમે
ને થયું મારું જીવન ફૂલગુલાબી એક તમારે સથવારે

કાઢ્યા દિવસો વિપત્તિના, ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નાએ
સીવ્યા ફાટેલાં જીવતર હરરોજ તમે, આશાના બખિયાએ
ખાળ્યા તોફાનો અનેક મધદરિયે ધૈર્યથી તમારે સથવારે

નિભાવ્યા સર્વે સંબંધો નિષ્પક્ષ, ફરજ સમજી પોતાની
ક્યાંક મળ્યો જશ, ને ક્યાંક લાગણી અવગણનાની
તોયે કમળ જેમ રહ્યા નિર્લેપ સદા તમારા સથવારે

બની હિજરતી, હંકારી જીવનનૌકા, આવ્યા ધ્રુવ પ્રદેશે
નીકળી મૃગજળી માયા મહેલની, લીધી કેદ હિમક્ષેત્રે
છતાં જીવન સંગ્રામ બન્યો હર્યોભર્યો તમારા સથવારે

વરસો પુરાણી આ બેલડી આપણી તમારા સથવારે
શોધે કદિક એ સમજણની તાપણી ઉભયના સથવારે
અરજ એટલી અજર રહે જોડી સદા પરસ્પરના સથવારે

રાજેષ પટેલ

મને થતું : ઢળી પડીશ હું અમુક શ્વાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

ગની દહીંવાલા

Posted by: Shabdsetu | જાન્યુઆરી 13, 2015

ભરમ

Bharam-bmp

ભરમ

મને થોડું હસીને લોકોને મળતી જોઈને
તેં પૂછ્યું…યાદ કરે છે હજુ કે ભૂલી ગઈ?
મારી આંખોમાં અસમંજસ જોઈ…
તેં ખુશ થઈ ને કહ્યું…ચાલ સારું થયું
ભૂતકાળ હતું, ભૂલાઈ ગયું.
જો… એમ જ જીવનમાં આગળ વધાય..

પણ સાચું કહું, તારા એ શબ્દોથી
હૃદયમાં તીણી શૂળ ભોકાઈ’તી
કેવી રીતે કહું તને?
તું અજાણ્યો થાય ને મારાથી દુર જાય.
મારાથી ક્યાં જવાય છે?
યાદ એને જ કરાય જે કદી ભૂલાય છે
મારા તો શ્વાસ પણ તારા નામથી લેવાય છે.

અરે… હવે તો કાગળ પર તારી યાદ લખું તો
એનીય આંખ ભીની થાય છે
શબ્દો પર ઉદાસી છવાઈ જાય છે

તને ખબર છે…
તારી આસપાસની હવા ભીની શાને થાય છે?
એમાં મારી આંખનો ભેજ ભળી જાય છે
મારી તડપ ને વેદના એનેય વર્તાય છે
અને તું…એક હાસ્ય જોઈને છેતરાઈ ગયો!
પણ જવા દે ને તને નહિ સમજાય
સ્વાર્થના ચશ્માં પહેર્યા પછી…
આમેય બધું ધૂંધળું જ દેખાય છે
ચાલ તું તારા ભરમમાં ખુશ ને… હું મારા.

દીપા સેવક

ન હું તને જાણું છું ન તું મને જાણે છે,
અટવાયા છે બંને ભરમમાં હું જાણું છું.

ઉર્મિ સાગર

Posted by: Shabdsetu | ડિસેમ્બર 8, 2014

આજ યમુનામાં તરી તો જા

Polluted river-bmp

આજ યમુનામાં તરી તો જા

ધરા પર અવતરી તું આજ યમુનામાં તરી તો જા
પ્રદૂષણથી હળાહળ જળ જરા નિર્મળ કરી તો જા

અકળ લીલાની તારી વાત સૂણી છે ઘણી વેળા
હવે મુરલી થકી ખંડિત વને કલસ્વર ભરી તો જા

ધરી પરવત હથેલી પર તેં ગોપાલો બચાવ્યા ‘તા
જગતના જલપ્રલય ટાણે જરીક છત્તર ધરી તો જા

ધરા આ થરથરે આજે જુલ્મ ને ત્રાસ દેખીને
અસુર કંટક હઠાવી તું ગજબ આતંક હરી તો જા

ભલે મૂરત બની તું હર મહાલયમાં વિરાજે છે
ઘડી એ સ્થાન છોડીને દલિત ઘરમાં જરી તો જા

બાબુ પટેલ​

દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

જલન માતરી

Posted by: Shabdsetu | નવેમ્બર 6, 2014

અભિનય કરી જુઓ – આદિલ મન્સૂરી

New Picture (51)-bmp

છ​ વર્ષ વીતી ગયા પણ હજી ગઈ કાલની જ વાત હોય એમ લાગે છે.  સમય સમયનું કામ કરે, સરક​વાનું.  આપણે આપણું કામ કરીએ, સ્મૃતિઓને સાચવવાનું.

આદિલ સાહેબ એક ઉમદા મોખરેના ગઝલકાર હતા, ગઝલ એમની ઇબાદત હતી.  ગઝલની પઠનશૈલી પર એમનું પ્રભુત્વ અદભૂત હતુ.  મુશાયરામાં એમને સાંભળવા એ એક લ્હાવો હતો.

આદિલ મન્સૂરીના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
માણસ થવાનો આપ અભિનય કરી જુઓ –  કાવ્યપઠન

અજવાળું રંગમંચ ઉપર પાથરી જુઓ
માણસ થવાનો આપ અભિનય કરી જુઓ

પ્રતિબિંબ આંખ ચોળતા જાગી પડે કદાચ
દર્પણના અંધકારને દીવો ધરી જુઓ

એ તો પ્રચંડ ધોધ થઈને પડ્યા કરે
ને ધોધ વચ્ચે આપણું માથુ ધરી જુઓ

દુનિયાએ કાંટા વાવ્યા છે ઘરથી કબર સુધી
ખુલ્લા પગો લઈને બને તો ફરી જુઓ

મુઠ્ઠીમાં ક્યાં સુધી તમે સંતાડી રાખશો
‘આદિલ’ આ છેલ્લો સીક્કો હવે વાપરી જુઓ

આદિલ મન્સૂરી

તું બેઠો બેઠો જન્મનાં વરસો ગણ્યા કરે,
ને મૃત્યુ તારા નામની ચાદર વણ્યા કરે.

Posted by: Shabdsetu | ઓક્ટોબર 5, 2014

મારા સુખના સાથીઓ

Lonely man-small-jpg

મારા સુખના સાથીઓ

ક્યાં ગયું મારું સીમારહિત આકાશ?
ક્યાં વિલીન થઈ ગયા મારા સુખના સાથીઓ,
મારી છાબડીમાં માય નહિ એટલા બધા તારલા

આ આભશકોરું તો ગનીભાઈએ માગેલું.
તે મારા હાથમાં? અને વળી સાવ ખાલી? અશ્રુઓથી ભરવા?

“પ્રશમ”ના ચોતરા પર સૂતાં સૂતાં
તારા ભર્યા આકાશ સાથે બાંધેલી Direct line
ક્યારે તૂટી ગઈ?
કેમ થઈ ગયા મારા વિશાળ આકાશના
ટુકડા ટુકડા, કરચ કરચ?
ફક્ત ૧ x ૧ x ૨ નો બારીએથી ડોકાતો
ત્રિકોણ આકારનો ટુકડો જ રહી ગયો મારા હાથમાં,
અને તેમાં એકેય તારો નહિ!

આવા કરચ જેટલા તારા વિનાના આકાશને
મનભર કેમ કરીને માણીશ હું?

નહિ જોઈએ મને આ તારાવિહીન ટુકડો આકાશ
મળે તો મારું પૂરું નભમંડળ.
નહિ તો
આ મુઠ્ઠીભર આકાશ વિના જ નિભાવી લઈશ.

ક્યાં ગયું મારું સીમારહિત આકાશ?
ક્યાં વિલીન થઈ ગયા મારા સુખના સાથીઓ?

શાંતિલાલ ધનિક.

અહીં સંબંધનાં સોપાન સ્વીકારી જ લેવાના,
પ્રથમ નાતો મહોબ્બતનો પછી સગપણ ઉદાસીનું.

‘ગની’ દહીંવાળા

Posted by: Shabdsetu | સપ્ટેમ્બર 3, 2014

બાકીના આયખાનું શું?

Bakina Aayakhanu shu

બાકીના આયખાનું શું?

ધારો કે એક સાંજ આપણે
બોલ્યાં ચાલ્યાં ને ચડભડ્યાં
ને વઢાવઢ કરી વિખૂટાં પડ્યાં
પણ બાકીના આયખાનું શું?

રાજપાટ છોડીને તમ કાજે તહીં
ઘેલાં ને ગાંડાં થઈ દોડ્યાં અહીં
વિત્યું અર્ધું આયખું એકલું અટૂલું
પણ મૂંગી આ વેદનાનું શું?

વેઠી દુરાગ્રહ અને કર્યા બહુ ઉજાગરા
થથર્યાં ઠંડીમાં ને ગાળ્યા આ હાડ્કાં
કહેવી કોને આ છાનાછાની વારતા?
ને પુત્રપૌત્ર તણી ઝંખનાનું શું?

લોહીની સગાઈ તોડી એક જ ઝાટકે
તમે સંતાયા ધરતીને કોક અજાણ ખૂણે
દીધાંતાં એક દી વચનો લોભામણાં
હવે છેતરામણી વાતોનું શું?

પાનખરે હાર્યા અમે ખજાના ખેરાત કરી
હૈયાને છાને ખૂણે માંહ્યલાને પૂછજો જરી
કે દૂઝણી ગાયને પાટુ મારીને તમે
જીવતરની હોડમાં મેળવ્યું શું?

ભાંગેલા હૈયાની ઉઝરડાતી તિરાડો
કહોને કેમ કરી સાંધવી પ્રેમવિહીન
ઝંખે ને વલવલે કાળજું આ રાતદિન
બોલો, બાકીના આયખાનું શું?

ધારો કે એક સાંજ આપણે વિખૂટાં પડ્યાં
પણ હવે બાકીના આયખાનું શું?

મધુરી ધનિક

હું જેને આંગળી પકડી અહીં ઉંબર સુધી લાવ્યો,
મને ભૂલી ગયા ઘર જોઈને એ દ્વારની આગળ.

અશોક ચાવડા ‘બેદિલ’

Kirtikant -Jpeg

દશ્યના સંકોર્યા પરીઘો, મેળવ્યું શું?

દશ્યના સંકોર્યા પરીઘો, મેળવ્યું શું?
સાધનાનો પામ્યા નતીજો, મેળવ્યું શું?

શોધ તારી ને ધૂંધળો વચ્ચે પટલ પણ
જ્યાં નિહાળું જોઉં અરીસો, મેળવ્યું શું?

હાથ છેવટ મસળી રહ્યા’તા ભાગ્ય નામે
જિંદગીભર પાડી પસીનો, મેળવ્યું શું?

પીંજરે પોપટ રામનો પૂરી ભજ્યા’તા
ઉડવા એ શોધે તરીકો, મેળવ્યું શું?

બાદશાહોના વારસો પૂછે હવે તો
કઇ પ્રકારે લખવો ખલીતો, મેળવ્યું શું?

‘કીર્તિ’ના સહુ સંબંધ આખર રાખ બનતા
એક બસ જોઇએ પલીતો, મેળવ્યું શું?

કીર્તિકાન્ત પુરોહિત

બદલી શકાતું હોય તો બસ આટલું બદલાવ દોસ્ત
તું માપ દંડોનું પુરાણું કાટલું બદલાવ દોસ્ત

અલ્પેશ ‘પાગલ’

 

Posted by: Shabdsetu | જૂન 13, 2014

વધારી દે

Vadhari de-jpg

વધારી દે

માંહ્યલામાં એટલી મિલકત વધારી દે,
છેક ભીતર કોઈની સોબત વધારી દે.

હું પીઉં મૃગજળ કે પીઉં ઓસના બે બુંદ,
પણ છીપે મારી તરસ ધરપત વધારી દે.

આમતો કોઈ લત નથી પાળી જીવનમાં મેં,
પ્રેમ કરવાની છતાં આદત વધારી દે.

દૂર જાવાનો હવે ક્યાં પ્રશ્ન ઉદભવતો,?
થઇ શકે તો થોડી તું કુર્બત વધારી દે.

દોસ્ત, મારી સાથ પાકી દોસ્તી બાંધી,
આ જ રીતે બસ જરા શોહરત વધારી દે.

ક્યા સુધી નફરતના કાયમ પોટલાં બાંધીશ?
એના કરતાં ગજવે તું ચાહત વધારી દે.

એક છે ઈલાજ તું અજમાવી જો, બંધુ..!
ખુશ રહે, ‘આનંદ’ની સંગત વધારી દે.

અશોક જાની ‘આનંદ’

ફિણ મોઢામા આવી જશે મોતનું
તુ ઇચ્છાઓ નાહક વધારી તો જો

જલન માતરી

Posted by: Shabdsetu | મે 23, 2014

અહેસાસ છું

Ehsasa chhu - Jpeg-bmp

અહેસાસ છું

બેજુબાન, માસૂમ ચહેરા પર સળવળતા
કાળા, ધોળા, કે ભગવા ઓળે ઊતરતા
વિશ્વાસુ, વૈરાગી ધર્મધુરંધરના
ચળ કાઢતા હાથોનો અહેસાસ છું.
પળે પળનો શ્વાસ છું, યુગોનો ઇતિહાસ છું!

વિકસતી કળીઓનુ વહાલથી જતન કરતી
રૂપાંતરિત ફૂલગુલાબી નિરખી મગન થતી
બાગના માળીની એકાંતે વિકારાતી
ડંખીલી નજરનો અહેસાસ છું.
પળે પળનો શ્વાસ છું, યુગોનો ઇતિહાસ છું!

વિતેલી વસંતને સ્મરી સ્મરી વિસ્મરતી
એકાકી અંધારકૂપ ભાવીમાં ગરકતી
નિપીડિત, નવવિવાહિત વિધવાની
સ્વપ્નહીન આંખોનો અહેસાસ છું.
પળે પળનો શ્વાસ છું, યુગોનો ઇતિહાસ છું!

સફેદ ગલીએ કાળા, લાલ, પીળા પ્રેમે રંગાતી
જાગતી રાતોની દીર્ઘ, દાસ્તાનો દબાવતી
રોજ રોજ તિમિરે પથરાતી, મુન્નીબાઇની
દીર્ણ, મલિન ચાદરનો અહેસાસ છું.
પળે પળનો શ્વાસ છું, યુગોનો ઇતિહાસ છું!

ન પૂર્ણ નર કે ન બનાવી નારી, વિધાતાએ વેઠ ઉતારી!
વ્યંગ, ફજેતી, ધિક્કાર તોયે તાબોટા પાડી, દુઆ બક્ષતી
હયાતીનો હકક માંગતી, વ્યંડળની
હતભાગી હથેળીનો અહેસાસ છું.
પળે પળનો શ્વાસ છું, યુગોનો ઇતિહાસ છું!

કિશોર પટેલ

વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

મુકેશ જોષી

 

આ વર્ષે, આ શિયાળે, સઘળું અધિક રહ્યું છે. ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. હજી પાનખરને આવવાની તો ઘણી વાર છે. પણ ‘ડાયાસ્પોરા’ ના બે પર્ણો અકાળે, કવેળા ખરી પડ્યાં. હવે આપણી આથમતી પેઢીનું આજ ભાવિ…હકીકત છે…!

પ્રવીણભાઈ પટેલ ‘શશી’ અને સુમનભાઈ અજમેરી, આ બન્ને સાહિત્યરસિક સર્જનકર્તાઓને ‘શબ્દસેતુ’ની હ્રદયપૂર્વક ભાવભીની શ્રધ્ધાંજલી.  પ્રભુ એમના આત્માને શાંતિ આપે.  એમની એક એક રચના એમના સ્મરણમાં…

Pravin Patel 'Shashi'-Jpeg

આઇસ સ્ટોર્મ

શ્વેત, ધોળું, ધવલ, સફેફ, વ્હાઇટ-
સર્વત્ર બસ આવું, ફરી પાછું એવું ને એવું;
ફરીફરી, હા ફરીફરી, ને વળી વણનોતર્યું,
હિમવર્ષા, તૂફાન બર્ફીલું, હા આવ્યું હરીફરી !

ફુટ સ્નો, ને ઉપર આઇસ રેઇન,
વર્તાય એવું જાણે, આઇસ શિલ્પ ઉદ્યાન;
ઘર, ગાડી, ઝાડી, ડાળી, જાળી, ને પાળી,
બર્ફિલું, બરફ ઢંકાયું, અન્યમનસ્ક, ને અમૂર્ત વળી બધું !

રૂડું, રૂપાળું, ને આકર્ષક,
ગમ્યું ? જરાય નહીં, હતું આ, એક તાંડવ;
ઠંડુ, ટાઢું, ઠરેલું, ને ગાત્ર ગાળતું,
ઠપ, ટક, ધકધક, ને અધિક પાછું ડારતું !

તાર, ડાળ, ઝાડ, સઘળું, વળ બરફ વીંટાયું,
ગઇ વિજળી, ને ફટ સાથે બથું જ કટ-
ટીવી, લાઇટ, ક્લોક, રેડિયો, ટેલિફૂન, કમ્પ્યુટર,
ઇગ્લૂ ઘર હવે, ને માત્ર અંદર હું, એક એસ્કિમો!

ફ્રિઝિંગ ડ્રોપ, જાણે સરકતાં કાચ મોતી,
લટકણિયાં નેવે, જાણે ગ્લાસ તોરણિયાં;
તૂટે ડાળીઓ, બરફ વજને, કડડ ભમ્મભૂસ,
ને લાગે મને, થશે બધું, ફડડ ફમ્મફૂસ !

શિર ઝુકાવી ખડો સમય,
સ્થિર, સાયલન્ટ, સ્થિતપ્રજ્ઞ-
અંધ અંધારું, બંધ હું કેદ, મારા જ ગૃહમાં,
હે નાથ નારાયણ ! લઇ જાઓ હવે, મને તિમિરેથી તેજે !

પ્રવીણ પટેલ  ‘શશી’ – ફેબ્રુઆરી ૫, ૨૦૧૪

કોઈ પરપોટો નથી કાયમ અહીં,
આખરે એ સત્ય પણ સમજાય છે.

નીતિન વડગામા

 

Suman Ajmeri-Jpeg

ન હોશમાં આવું

કબરમાં ટાંટિયાં લટકે, હજુ ના હોશમાં આવું
છકીને ખૂબ ખેલ્યો છું, રુકું, ના જોશમાં આવું.

વિતાવી શિશુતા ઘેલી, જવાની રંગરેલી છે
જમીં-જોરુ બધું માણ્યું, છતાં ના તોષમાં આવું.

રસિક, રંગના છાંટે ભરી દિલ ખૂબ રેલ્યો છું
ન રાખું આશ કૂંડાની, જપું, બા-હોશમાં આવું.

જવાનું એક દિ’ તો છે, જવું પડશે ભલા ચાલી
સબૂરી શીખી લૌં શાણી, હવે ખામોશમાં આવું.

હયાતી ખૂટી ગૈ મારી, ન મૂડી શ્વાસની બાકી
ગ્રહીને નામની આભા પરમ આગોશમાં આવું.

સુમન અજમેરી – ઑક્ટોબર ૨૯, ૨૦૦૬

શિશુતા – બાળપણ,  જમીં – જમીન, જાગીર,  જોરુ – પત્ની,  તોષ – સંતોષ,  બા-હોશમાં – હોશ સાથે હો તેવી સ્થિતિ,  સબૂરી – ધીરજ, સહનશીલતા,  ખામોશ – શાંતિ, શાંત,   હયાતી – આયખું, વય,  આગોશ – ખોળો

એમ જર્જર જાત સંકેલાય છે,
ને અચાનક સાંજ ઢળતી જાય છે.

નીતિન વડગામા

 

 

Posted by: Shabdsetu | એપ્રિલ 9, 2014

અફવા પછી – અહમદ ‘ગુલ’

VTS_01_3 010 (1)

અહમદ ‘ગુલ’ના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
અફવા પછી – કાવ્યપઠન

કોઈને ક્યાં ભાન છે અફવા પછી
ભીંતને પણ કાન છે અફવા પછી

આ નગરનું હોશમાં આવી જવું
લોક પણ હેરાન છે અફવા પછી

હું જ છું તાજા ખબર વાંચો મને
એ જ તો પહેચાન છે અફવા પછી

હર ઘડી લડતા જ રહેવાનું અહીં
જિંદગી મેદાન છે અફવા પછી

ચકચકિત આ રોશનીનું શહર પણ
એક જૂઠી શાન છે અફવા પછી

દર્દ ઘાતક કેટલું એ દઈ ગયો
શબ્દને ક્યાં ભાન છે અફવા પછી

છે અવાચક ગામ આખું ક્યારનું
હર ગલી બેજાન છે અફવા પછી

કોઈ અલગારી હશે આ ‘ગુલ’ સમો
કેટલો બેધ્યાન છે અફવા પછી

અહમદ ‘ગુલ’

જોખમી હોવા છતાં હર શક્યતાને અનુસર્યા
હર વળાંકે, શક્યતા સાક્ષાત અફવા નીકળી

ડૉ.મહેશ રાવલ

New Picture -Jpeg

 બિસ્મીલ મન્સૂરીના સ્વમુખે એમની રચના સાંભળવા અહીં ક્લીક કરો.
વિસ્તરતો સંસાર લઈને ઉભી છું – કાવ્ય પઠન

વિસ્તરતો સંસાર લઈને ઉભી છું
સંબંધોનો ભાર લઈને ઉભી છું

રાત્રીનો ખોંખાર લઈને ઉભી છું
સ્વપ્ના અપરંપાર લઈને ઉભી છું

બે અક્ષર વચ્ચેની ખાલી જગ્યામાં
વિચારનો વિસ્તાર લઈને ઉભી છું

રંગબેરંગી મેઘધનુષની વચ્ચોવચ
મનમાં શાનો ભાર લઈને ઉભી છું

મૌન નગરના બિડાયેલા દરવાજે
શબ્દોનો આધાર લઈને ઉભી છું

સવાર સાંજની આવનજાવનમાં બિસ્મિલ
મૃત્યુનો અણસાર લઈને ઉભી છું

બિસ્મીલ મન્સૂરી

દફન કરી ન શક્યું કોઈ લાશ ‘બેદિલ’ની,
એ રોજ રોજ મરાયો જરૂરિયાત મુજબ.

ડૉ. અશોક ચાવડા

Posted by: Shabdsetu | ફેબ્રુવારી 20, 2014

શિયાળો સુકાઇ ગયો છે

JPeg-1

શિયાળો સુકાઇ ગયો છે

ઉત્તર ધ્રુવનાં વાદળ કહે છે

ચૂમવી હતી ધરતી’મા’ને
વર્ષા થઈને વર્ષવું’તું મારે
વર્ષી ન શક્યો
કારણ ઠંડી બહુ વરતાતી હતી

રોકી ન શક્યો
આકર્ષણ ધરતી માને ચૂમવાનું

આકાશે સ્થિર ન થઈ શક્યો
વર્ષી પડ્યો બરફ થઈને
સફેદ ચાદર થઈ પથરાઈ ગયો
ધરતીને લપેટાઈ ગયો

આનંદ અપાર હતો
સાથ ધરતીમાનો લાંબો રહેશે
કારણ શિયાળો સુકાઇ ગયો છે.

કેશવ ચંદરયા

પથરાયો ત્યાં ધવલતર પાથરણ થઈ ફરી ફરી
લપેટાયો આચ્છાદિત ઓઢણ બની ઘડી ઘડી
યુગ્મક સોડ તાણી સૂવે એકમેકને ધરી ધરી
એકત્વ જુએ હિમયુગના સ્વપ્ના વળી વળી

કિશોર નિજાનંદ

VTS_01_2 094

રંગીન ગઝલકાર તરીકે ખ્યાતિ પામેલા, સદાબહાર, દિલથી હંમેશા યુવાન રહેતા, રોમૅન્ટિક ગઝલકાર આસિમ સાહેબને ચાલો આજે યાદ કરીએ. એમને સાંભળીએ.  તેઓ જીવનભર તેમની ગઝલલીલામાં યુવાન હૈયાઓને તરબોળ કરતા રહ્યા. ૧૦૪ વર્ષની ઊંમરે ૦૫-૦૨-૨૦૦૯ ના રોજ રાંદેર, સુરત મુકામે એમણે એમની “લીલા” સંકેલી…
પ્રભુ એમના આત્માને શાંતિ આપે. ખુદા એમની રૂહને જન્નત બક્ષે.

આસિમ રાંદેરીના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
પ્રેમનો મહિમા ગાતા રહેવું, જ્યાં લગી “આસિમ” શ્વાસના અટકે – કાવ્યપઠન

રૂપ સિતમથી લેશ ના અટકે
પ્રેમ ભલેને માથુ પટકે

પ્રેમ નગરના ન્યાય નિરાળા
નિર્દોષો પણ ફાંસી લટકે

બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા
જીવન પણ છે કટકે કટકે

એ જ મુસાફર જગમાં સાચો
જેની પાછળ મંઝિલ ભટકે

દીપ પતંગને કોઈ ના રોકે
પ્રીત અમારી સહુને ખટકે

રૂપના ફંદા ડગલે ડગલે
દિલ-પંખેરુ ક્યાંથી છટકે

નજરોના આવેશને રોકો
તૂટી જશે દિલ એક જ ઝટકે

નજરોના આવેશને રોકો
તૂટી જશે દિલ એક જ ઝટકે

ઊંઘ અમારી વેરણ થઈ છે
નેણ અભાગી ક્યાંથી મટકે

એ ઝૂલ્ફો ને એના જાદૂ
એક એક લટમાં સો દિલ અટકે

એની ઝુલ્ફો માનસરોવર
મોતી ટપકે જ્યારે ઝટકે

પ્રેમનો મહિમા ગાતા રહેવું
જ્યાં લગી “આસિમ” શ્વાસના અટકે

મુઝ પર હજી યે મારો ખુદા મહેરબાન છે
છે એ જ રંગ, એ જ છટા, એ જ શાન છે

Posted by: Shabdsetu | જાન્યુઆરી 7, 2014

ચંદ શેર – ચિનુ મોદી

VTS_01_3 002 (3)

‘ઈર્શાદ’

ચિનુ મોદી ‘ઈર્શાદ’ના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
ચંદ શેર – કાવ્યપઠન

મૈ અપને ઉસૂલોમે ઇતના સખ્ત નહીં
વાપિસ ભી આ સકતા હું મૈ વક્ત નહીં

ખાના પીના કુછ ભી નહી રખ્ખા હૈ પ્યારે
જન્નત હૈ ઓર કોઈ બન્દોબસ્ત નહીં

પહેલેસે હાલાત કહાં
અબ હોતી હૈ બાત કહાં

ચાંદકે ચહેરે પર ઝૂર્રિયા
અબ પહેલેસી રાત કહાં

કાર ચલાતે કાંચ ઊતારે
અબ ઐસી બરસાત કહાં

ભરા સમંદર પી જાનેકી
મછલીકી ઔકાત કહાં

કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

Kalapi Award Picture-JPeg

મુક્તક

ક્યાંક ઊથલ ક્યાંક પાથલ થાય છે
છોકરીનો અર્થ હલચલ થાય છે
બે જણા છાયે કરે છે ગુફ્તગુ
સાંભળીને એક ઝાડ જંગલ થાય છે

કલાપી ઍવોર્ડથી સન્માનિત અદમ ટંકારવીના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે –  કાવ્યપઠન

આ તને જોઈ મને જે થાય છે
બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે

તારા પરથી નજર ખસતી નથી
ને ખસે તો ત્યાંય તું દેખાય છે

આમ જો પૂછે તો તું સંદિગ્ધ છે
આમ તારો અર્થ પણ સમજાય છે

હું યે ક્યાં ક્યાં આવી શોધુ છું તને
તુંયે ક્યાં ક્યાં જઈ અને સંતાય છે

થાય મારાથી શરૂ પણ તે પછી
આ કથા તારા સુધી લંબાય છે

સૌની આંખોમાં આ એક જ પશ્ન છે
અમને મૂકીને બધા ક્યાં જાય છે.

અદમ ટંકારવી

એક તારું નામ લખતાં આવડ્યું,
તે પછી તો સ્લેટ આ કોરી રહી.

Adil Mansuri-JPeg

પાંચ વર્ષ વીતી ગયા પણ હજી ગઈ કાલની જ વાત હોય એમ લાગે છે.
આદિલ સાહેબ આપણી સાથે જ છે. એમના જ શબ્દોમાં-

મને ન શોધજો કોઈ હવે હું ક્યાંય નથી
ને જુઓ તો તમારી જ આસપાસમાં છું    

આદિલ મન્સૂરીના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
પોતાનો કક્કો સાચો કરાવે છે આ નગર – કાવ્યપઠન

પોતાનો કક્કો સાચો કરાવે છે આ નગર
બીજા બધાને ખોટા ઠરાવે છે આ નગર

સપનું બનીને ઊંઘમાં આવે છે આ નગર
આઘું રહીને કેવું સતાવે છે આ નગર

કઠપૂતલી જેમ સૌને નચાવે છે આ નગર
ને કેવાં કેવાં કામ કરાવે છે આ નગર

માણસને જીવતાયે  જલાવે છે આ નગર
પાછળથી ખાંભીઓયે  ચણાવે છે આ નગર

લંગરિયા નાખવા ને કિન્નાથી કાપવા
સૌને પતંગ જેમ ચગાવે છે આ નગર

ઘોંઘાટ, ભીડ, ધૂળ, ધુમાડો ને હુલ્લડો
જેવું છે તેવું લોકને ફાવે છે આ નગર

પડછાયા સાંજે પૂછતા ભઠિયાર ગલીમાં
આદિલ હજીયે આપને ભાવે છે આ નગર

આદિલ મન્સૂરી

પૂછી રહ્યો પડછાયો મને જે મળ્યો સામે
શું નામ તમારું અને રહેવું ક્યા ગામે

Posted by: Shabdsetu | ઓક્ટોબર 27, 2013

ભુતિયું ઘર-Haunted House

Bootiyu Ghar-JPeg

ભુતિયું ઘર-Haunted House

હાલમાં અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ કરતા રેશનાલિસ્ટ ડોક્ટર નરેદ્ર દાભોળકરની હત્યાના દુ:ખદ સમાચાર વાંચતા મને બીજા એક રેશનાલિસ્ટ ડોક્ટર કોવૂર (Abraham Kovoor) અને એમના પત્નીએ કરેલ ભીમકાર્ય યાદ આવ્યું.  ૧૦ એપ્રિલ ૧૮૯૮ના રોજ કેરાળામાં તિરુવલ ગામે જન્મેલ આ માનસશાસ્ત્રજ્ઞ ડોક્ટરે સામાન્ય પ્રવાહથી અલગ વિચાર, સમાજનાં હિતમાં વહેતો કરવાનું સાહસ કર્યું હતું.  તેમણે વર્ષો સુધી અંધશ્રદ્ધા વિષે ઊંડા ઉતરીને અવલોકન કર્યું.  ભૂતિયા મકાનોમાં રહી ચમત્કારિક અને અલૌકિક શક્તીઓ ધરાવતા હોવાનો ભ્રમ ઉભો કરનાર સમાજના કેટલાયે ઢોંગી પાખંડીઓને ઉઘાડા પાડ્યા.

એકવાર તેઓ પત્રકારો અને પત્ની સાથે શ્રી ડી.વાય.રણસિંગનાં પત્રનાં સંદર્ભમાં કોલંબો (Ceylon-શ્રી લંકા) ગયા.   રણસિંગએ જણાવ્યુ હતું કે કોઈ એરનસિંગ નામની વ્યક્તિના ઘરમાં ભૂત પેઠું હોવાનું માહિતી મળેલ છે.  ડોક્ટર કોવૂર ભૂત, પિશાચ વિગેરે શબ્દોને નિર્બળ મનની ઘેલછા તેમજ ભય ગણતા.  તેમનો આવો અભિગમ રણસિંગ જાણતાય હતા પણ ત્યાં ખરેખર ભૂત હોવાનાં ખાતરીનાં સમાચાર મળેલ એટલે તેમણે ડોક્ટર કોવૂરને ખાસ નિમંત્રિત કર્યાં હતા.  પોતાનાં વિચારો સિદ્ધ કરવાની આવી તકને લહાવો ગણી પડકાર ઝીલવાં માટે તેઓ પૂરી ટીમ લઈ કોલંબો ધસી ગયા.

ડોક્ટર કોવૂરને ભાષણબાજીમાં રસ નહોતો.  તેઓ સન્નિષ્ટ કૃતીમાં માનતા.  ભૂતનાં ચેન-ચાળાં નિર્બળ મનની ઘેલછા છે, એમ કહેવાથી વાત પતતી નથી, એનો એમને પૂરેપૂરો ખ્યાલ હતો. માટે એ વાત સિદ્ધ કરવાં તુરત ઘટનાસ્થળે પહોંચી ગયા.  ભૂત વિષેનો ભય એ સામાન્ય માનવીના નબળા મનનો ભ્રમ છે અને આ વાત ઘણાં લોકોની ઉપસ્થિતીમાં સિદ્ધ કરવાથી સારુ પરિણામ ઉપજશે, એમ એમને લાગ્યું.  વળી એ ઘટના ત્યાં ઉપસ્થિત ન હોય તેવા લોકોય જાણે, એમ વિચારી તેમણે પત્રકારોનું જૂથ સાથે રાખ્યું.

એરનસિંગનાં ઘરમાં તેની પત્ની પોદી ઉપરાંત તેની એકમાત્ર કન્યા હેમી રહેતી હતી.  ભૂતનાં કારનામા છેલ્લાં આઠ મહિનાથી હેરાન કરતાં હતા.  કોઈ માંત્રિકે એરનસિંગને ભૂત ભગાડવાં થોનિલ નામની વિધિ પાંચ વાર કરવાની જરૂર છે, એમ કહેલું.  એ વિધિ ભૂતભૂવાં ભગાડવાં માટે કોલંબોમાં ઘણી પ્રચલિત હતી માટે એરનસિંગે તેય કરાવી પણ ભૂતનો ત્રાસ વધારે વધ્યો.  ઘરમાં ભૂત ઠેર ઠેર રેતી વેરી જતું. ક્યારેક પથરા પાથરતું.  કદી ક્રોકરીનાં કબાટમાંથી કાચનાં વાસણ કાઢી તેનો ખાત્મો બોલાવતું.  કોઈ પ્રસંગે કપડાનાં કબાટમાંથી મોંઘાં કપડાં કાઢી તેનાં ચિથરા કરી આમતેમ ફેંકી જતું તો ક્યારેક રાંધેલ ધાનમાં ધૂળ ને ઢેફાં નાખતું.  ક્યારેક એરનસિંગનાં ઘરની દિવાલો પર ભૂત જાણી અને અજાણી ભાષામાં ભેદી લખાણ લખતું.  કાળા કોલસાથી ઘરની મુખ્ય ભીંત પર એણે ધિસ હાઉસ ઇઝ હાઁટેડ એમ લખેલું.  ટૂંકમાં એરનસિંગનાં કુટુંબને હેરાન કરવાં માટે ભૂત અસંખ્ય નુસ્ખા અજમાવતું.  એરનસિંગનાં પાડોશીય ભૂતથી ડરવાં માંડ્યા હતાં. ક્યાંક આપણું ઘર ભૂતની નજરમાં વસે તો? એ પ્રશ્ન તેમને ડરાવતો.  પૂરું ગામ ભૂતની લપેટમાં હતું.  ભૂતને ડારવાં રણસિંગે ડૉ. કોવૂરને નોંતર્યાં હતાં.

કોલંબોની આસપાસનાં ગામડાંમાંય એરનસિંગનાં ભુતિયા ઘર-હાઁટેડ હાઉસની વાતો ચર્ચાતી.  લોકોના ટોળા ભૂતનાં કારનામા નજરોનજર જોવાં એરનસિંગને ત્યાં જતા.  એ અવર-જવરથીય એરનસિંગ ગળે આવી ગયો હતો.  એવાં સંજોગોમાં ડૉ. કોવૂર તેમનાં કાફલા  સાથે ત્યાં પહોચ્યા.  લોકોની ભીડમાંથી રસ્તો કાઢી ઘરમાં જતાં તેમનાં નાકે નવ આવ્યાં. ઘર અંદરની ભીંતો પર પણ ગંદા અક્ષરોમાં એલફેલ લખાણ હતું.  એ ભૂતનાં હસ્તાક્ષર હોવાનું એરનસિંગે કહ્યું. ભૂત ખાસ તો હેમીને જ પજવે છે, એના જ કપડાં ફાડે છે ને એને ગમતાં વાસણો ફોડે છે, એવી પોદીએ માહિતી આપી.  એરનસિંગે વધુમાં જણાવ્યું કે હેમી ઘણીવાર ચીસાચીસ કરતી ઊંઘમાંથી ઉઠે છે.  આ ઘરમાં ભૂતની સમસ્યા છે, એમ વિચારી મેં તેને થોડાં દિવસ કાકાને ત્યાં રહેવા મોકલી.  એમનાં ઘરમાં એક સુવાવડી બહેન છે.  એક દિવસ ભૂતે બાળકની દૂધની બોટલ ફોડી સૌને ગભરાવી માર્યાં  માટે કાકા હેમીને પાછા ઘરે મૂકી ગયા.  ડૉ. કોવૂરને ઘેરી વળી ઘરનાં તથા બહારનાં લોકો ભૂતનાં કારનામા કહ્યે જતા હતાં.

કોવૂર દંપતી શાંતીથી સૌની વાત સાંભળતું હતું. બધા કહી રહેતા, તેમણે કામ હાથ ધર્યું.  દરેક ઓરડામાં ફરી તેમણે બારીકાઈથી નિરીક્ષણ કર્યું.  દીવાલો પર સિંહલી ભાષામાં અધિક લખાણ હતું.  થોડુ અંગ્રેજીમાંય હતુ.  ભાષા ગમે તે હોય, પણ અક્ષર અત્યંત ગંદા હતાં.  ક્યાંક ક્યાંક ઉલટી ઢબે લખેલ લખાણ હોવાથી, ભાષા અજાણી લાગતી હતી.  લખનાર વ્યક્તી ઠોઠ નિશાળીયો હશે, એવો કોવૂર દંપતીનો તર્ક હતો.  પછી તેઓ એરનસિંગનાં પ્રત્યેક કુટુંબીજનને અલગ – એટલે કે એકલાંને મળ્યા.  સાક્ષી પુરાવો અગત્યનો ગણી તેમણે એક ભારતીય પત્રકાર અને સિંહલી પત્રકાર તિલકરત્નેને સાથે રાખ્યો હતો. એ પ્રયાસથી એમને ઘણું જાણવાં મળ્યું.  તેનો સાર કંઇક એવો હતો…

એરનસિંગ અપુત્ર હતા.  જૂજ વર્ષો પહેલાં તેમણે હેમીને ગોદ લીધી હતી.  હવે એ બાર વર્ષની થઈ હતી.  પણ એની માનસિક ઉંમર ચાર વર્ષની બાળકી જેટલી હતી.  પ્રયત્નોની પરાકાષ્ટા છતાં તે હજુ ત્રીજા ધોરણમાં હતી.  ક્લાસમાં બધી છોકરીઓ તેનાથી ઘણી નાની હોય તે સ્વાભાવિક ઘટના હતી.  સ્કૂલમાં સૌ એની ઠેકડી ઉડાડતા હોવાથી એને સ્કૂલ જવાનું ગમતું નહીં.  ઘરમાંય તે ખૂશ નહોતી કારણ પોદીની શિસ્ત કડકાઇની કક્ષા પાર કરતી હતી.  તેમાં ક્યાંકથી હેમીને તે દત્તક સંતાન હોવાનું જાણવા મળ્યું.  ચાર વર્ષની માનસિક ઉંમર હોય તે બાળકી દત્તક એટલે શું, તે સમજી ન શકે.  હેમીએ વિચાર્યું કે દત્તક એક સણસણતી ગાળ છે.  નબળું માનસ ધરાવતી હેમીનું સંતુલન વધુ ડામાડોળ થવાં માંડ્યું.  તે એરનસિંગ અને પોદીનો તિરસ્કાર કરતી થઈ પણ મનની  વાત હોઠે આણી શકે તેવી કુનેહ તેનામાં નહોતી.  મન મોકળું કરી શકાય તેવું સ્વજન પણ પાસે નહોતું.  હચમચી ઉઠેલ હેમી એલફેલ વર્તી સૌનું ધ્યાન ખેંચતી થઈ.  ભાંગફોડ કરી સૌનું ધ્યાન ખેંચવાનો એને ચસ્કો લાગ્યો હતો.

ડૉ. કોવૂરે બધું જાણી લઈ સૌ ગ્રામજનોને સમજાવ્યું.  ભૂતનાં કારનામા તે વાસ્તવમાં નબળા મનની હેમીના સૌને આકર્ષિત કરવાનાં નુસ્ખા છે.  ભૂત, બાધા, માનતા, માંત્રિક, તાંત્રિક એ બધું તૂત છે, એમ ભારપૂર્વક સમજાવ્યું.  ડૉક્ટરે સમાજ પાસે મનોરુગ્ણ માટે કરુણાની યાચના કરી.  અને હા, હેમીને માનસિક સારવાર પૂરી પાડવાની વ્યવસ્થા કરી.  બધાં કામ સારી રીતે થાળે પડ્યા.  મોટાં જૂથ સમક્ષ અંધશ્રદ્ધા નિર્મૂલનમાટે પ્રયાસ થઈ શક્યો તથા શ્રીલંકન અને ભારતીય પત્રકારોએ એ ઘટનાની વ્યવસ્થિત રજૂઆત કરી, એ માટે એમના મનમાં સંતોષ હતો.

ડૉ. કોવૂરે અંધશ્રદ્ધા નિર્મુલનમાટે આજીવન અપાર શ્રમ કર્યો, છતાં આજેય લોકો આવી વાતોમાં વિશ્વાસ કરી જિંદગી દોજખ બનાવે છે.  વાસ્તવમાં મનપર બાઝેલ પૂર્વગ્રહોનાં જાળાં સાફ કરી સૌએ સ્વચ્છ મને ઘટનાની છણાવટ કરવી જોઈએ. તમને નથી એવું લાગતું?

સ્મિતા ભાગવત.

એ શું કબ્રસ્તાનનું ષડયંત્ર છે?
મુઠ્ઠીઓ ખૂલે તે મડદાં નીકળે!

રમેશ પારેખ

Posted by: Shabdsetu | ઓક્ટોબર 7, 2013

યાદદાસ્ત

Memories-2-JPeg-II

યાદદાસ્ત

ચશ્મા ચોપડી અને ચોકઠું ક્યાં મૂકયાં?
બહુ શોધ્યા, પણ એકે નજરે ના પડ્યા.

ભુલકણો અલ્ઝાઇમર ભલે ન હોય
ઉમ્મર વધતા યાદદાસ્ત ઘટતી જોય

પ્રસંગોની ઘટમાળ એકબીજામાં ગૂંચવાઈ જાય છે
લાગ્યા કરે કે હવે જિંદગીની સાંજ ઢળતી જાય છે

ઈગો’ એ હકીકત સ્વીકારવા જરાએ ન હોય રાજી
પણ ખાઓ બદામ હરરોજ યાદદાસ્ત રહે તાજી

બચપણના મિત્રો અને શિક્ષકો ભૂલાતાજ નથી
પછીથી પ્રવેશેલા મેમરીમાં પણ રહેતા નથી

રીટાયર્ડ પતંગિયું દિલ, ચોતરફ ઉડતું રહે
પણ કાયાની કરચલીઓ તો વધતીજ રહે

ભૂલવાનું ભૂલવાનો સતત પ્રયત્ન કરો
વાંચન વધારો, સુડોકુ સોલ્વ કરો, ક્રોસવર્ડ ભરો,
યાદદાસ્ત સુધરશે.

નિધીશ દલાલ ‘મુસાફિર’

મને ડેન્ચર આપો તો કૈંક બોલું.

પહેલાં તો દાંત ઉપર દુનિયા ઊંચકતો’તો, હવે સ્ટ્રેચરમાં ઊંચકે મને લોકો;
જીવતર આખુંય બહુ ભાષણ ઠોક્યાં, હવે શ્રોતા બનવાનો આવ્યો મોકો,
વાંસળી બનવાના ઘણા ફાંફાં માર્યા, પણ બની ગયો સાંબેલું પોલું.

મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

મને ડેન્ચર આપો તો કૈંક બોલું.

અનિલ જોશી

Posted by: Shabdsetu | ઓગસ્ટ 7, 2013

નિર્વાસિત

ShabdSetu Picture Joint copy

નિર્વાસિત

અંધકારને ચીરીને પ્લેન નીચે ઉતરી રહ્યું હતું અને હું અનાગતભયથી આશંકિત થઈ કંપી રહ્યો હતો.  આજે હું નવી ધરતી પર પગ મૂકી રહ્યો હતો.  નવી દુનિયાના અજાણ્યા પ્રદેશમાં પ્રવેશી રહ્યો હતો.  મારા માટે આ મોટુ સાહસ હતું, પરંતુ યુગાન્ડા છોડ્યા વગર છૂટકો જ ન હતો.  એ યુગાન્ડા, જેને સર વિસ્ટન ચર્ચીલે “જ્વ્યૂઅલ ઓફ આફ્રિકા” કહીને નવાજ્યું હતું.  યુગાન્ડામાં શું ન હોતું?  કામ, ધંધો,  ઘર, પૈસો, નોકર ચાકર, સરસ મઝાની આબોહવા, આપણા પોતીકા લાગે એવા દેશી ભાઈઓનો ભાઈચારો, આપણો સમાજ, આપણું ક્લ્ચર, બધુ જ તો અહીં હતું.

આ આરામ, ચેન, સુખ, શાંતિ બ્રિટિશ રાજ દરમ્યાન, લગભગ ૧૯૬૦ના દાયકાના શરૂઆતના વર્ષો સુધી રહ્યા.  પછી પરિસ્થિતિ બદલાતી ગઈ.  બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો.  ધીરે ધીરે બધા દેશો આઝાદી મેળવતા હતાં.  યુગાન્ડા પણ આઝાદ થયું.  સ્વતંત્ર થયેલ દેશમાં સત્તાધારી બનવા તેમજ આધિપત્ય મેળવવા માટે આંતરિક કલહ વર્ષો સુધી ચાલતો રહ્યો અને ૧૯૭૧માં પ્રેસિડેન્ટ ઓબોટેને ઉથલાવીને ઇદી અમીન સરમુખત્યાર બન્યા.  પોતાની સત્તા ટકાવી રાખવા જુદી જુદી વિરોધી જાતિઓના એક લાખથી પણ વધારે લોકોને ઘાતકી રીતે હણી નાખ્યા બાદ, ઇદી અમીનની આંખમાં આવ્યા આર્થિક સમૃદ્ધિ ધરાવતા એશિયનો.  કદાચ, આ નરસંહારથી પ્રજાનું ધ્યાન બીજે દોરવા અથવા બીજા કોઈ સાચા, ખોટા પ્રચલિત કારણોને લઈને, ઇદી અમીને જાહેર કર્યું કે દેશની આર્થિક વ્યવસ્થાનું નિયંત્રણ યુગાન્ડાની મૂળભૂત હક્ક ધરાવતી કાળી નેટીવ પ્રજાના હાથમાં હોવુ જોઈએ અને માલેતુજાર એશિયનોને આ દેશમાંથી હકાલી કાઢવા જોઈએ.

ઇતિહાસ કદી ભૂલતો નથી, કાળના ચોપડે પુનરાવર્તન કરતો ફરે છે.  માનવીને એની નજર સમક્ષ પૂરેપૂરો ઉઘાડે છે.  લાખો લોકોને મોતને ઘાટ ઉતારનાર એડોલ્ફ હિટલર જેમ ઇદી અમીન પણ સત્તાધીશ્વર બન્યા.  ચોથી ઓગસ્ટ ૧૯૭૨ના એ ગોઝારા દિવસે ઇદી અમીનનો વટહુકમ જારી થયો કે ૯૦ દિવસની અંદર યુગાન્ડા છોડો.

ભગવાને આપણને કાળા તો ન બનાવ્યા પણ ધોળા ય ન બનાવ્યા. બન્ને જાતિઓનું મિશ્રણ કરી “બ્રાઉન કૉક્ટેલ” જેવા બનાવી દીધા, જે ઇદી અમીન માટે અસહ્ય હતું.  ઇદી અમીનને એના જેવા જ કાળા માણસો એના દેશમાં જોઈતા હતા.  અમે એના માટે પૂરતા કાળા ન હતા.  બ્રિટિશરો માટે બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડર હોવા છતાં અમે પૂરતા ધોળા ન હતા અને ભારત માટે અમે ભારતીય ન હતા કારણ કે અમારી પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો, ભારતીય નહીં. આ દેશમાં બેથી ત્રણ પેઢીના સ્થાયી વસવાટ બાદ અમે હિજરતી બન્યા હતાં.

ઓગણીસમી સદીના અંતમાં બ્રિટિશ સામ્રાજ્યના આધિપત્ય હેઠળ કેટલાક સાહસિક ભારતીઓ પોતાના સ્વપ્ના સાકાર કરવા તો કેટલાક દેશની કારમી ગરીબાઈથી કંટાળીને તો કેટલાક નવી દુનિયામાં ધન કમાવવાની લાલચે આફ્રિકાના અંધાર ખંડમાં પોતાનું નસીબ અજમાવવા જઈ ચડ્યા હતાં. ઉત્તરોત્તર વિસ્તરતા બ્રિટિશ સામ્રાજ્યના શાસનની જોગવાઈ માટે આ અંધાર ખંડમાં રેલ્વે લાઇન બાંધતા, ઘણાં ભારતીઓ મહાકાય સિંહોના કોળિયા બની ગયા હતાં, તો કેટલાકે શેરડી, ચા, કોફીના પ્લાન્ટેશનમાં કાળી મજૂરી કરતા દમ તોડ્યો હતો.  આપણા પૂર્વજો અદમ્ય સાહસિક, ખેલદિલ, નીડર તેમજ જાનનિસાર હતાં. એવા પૂર્વજના આ વંશજની આજે નાળ કપાઈ હતી.

આજે હું કેનેડામાં ઉતરી રહ્યો હતો.  ભૂગોળમાં ભણ્યા હતા કે કેનેડા ઉત્તર ધ્રુવનો ભૂભાગ છે, સરોવરોનો દેશ છે અને ત્યાં એસ્કિમો લોકો ઇગ્લૂમાં રહે છે.  કેનેડા વિષે ખાસ કાંઈ જાણકારી નહોતી અને જાણવાની જરૂર પણ જણાઈ નહોતી.  યુગાન્ડામાં અમે અમારી દુનિયામાં જીવતા હતા, ‘કકૂન’ માં રહેતા હતા.

પ્લેન રાત્રે મોન્ટ્રીયલના એરપોર્ટ પર ઉતર્યું.  હું એકલો જ હતો. મારી સાથે મારા કોઈ પણ સંબંધી નહોતા, પણ બીજા ઘણાં બધા એમના છોકરાંછૈયાં, તેમ જ ઘરડા મા બાપ સાથે હતાં.  ઘણા મોટી ઉમ્મરનાં મા બાપો એમના ટીનેજર છોકરા છોકરીઓ જોડે હતાં.  જે દેશમાં જનમ્યાં, જે ધરતીનો ખોળો ખૂંદતા મોટા થયા, એનાજ મૂળિયા કાપી નાખવામાં આવ્યા હતાં.  ઉખાડી નાખેલ છોડોને નવી ધરતી પર, નવી આબોહવામાં, નવા વાતાવરણમાં રોપીને ઉછેરવાના હતાં.  કઠણ કામ હતું પણ કર્યે જ છૂટકો!

અમારામાંથી થોડા લોકોને અલગ લઈ જવામાં આવ્યા. મારા માનવા મુજબ અમે બધા રેફ્યુજી હતાં એટલે ઇમિગ્રેશન જેવું કાંઈ કરવાનું હતું નહીં અને કસ્ટમમાં સાથે હોય શું જે ડીક્લેર કરવું પડે?  બધુ જ છોડીને અહીં આવી લાગ્યા હતાં, ત્યાંના અંજળપાણી તો ઊઠી ગયા હતાં

અમને બધાને એક બસમાં બેસાડી મિલિટરી બેઝ ઉપર લઈ જવાના હતાં.  યુગાન્ડામાં મિલિટરી બેઝ નું નામ સાંભળીને, મન કંપિત થઈ, કંઈ કેટલીયે ભયાનક કલ્પનાઓ કરી બેસતું, મનમાં કમકમાટી આવી જતી, શરીરમાં ધ્રુજારી ભરાઈ જતી.  યુગાન્ડા છોડતા એશિયનોને ચેકપોસ્ટ પર ઈદી અમીનના સૈનિકો ખૂબ હેરાન કરતા. ઘરેણાં, પૈસા, કિમતી વસ્તુઓ, આ બધુ તો લઈ લેતા, પણ ક્યારેક આપણી મા બહેનોને પણ…!   જ્યારે અહીં ડગલે ને પગલે મળતો પ્રેમભર્યો આવકાર મનને હૂંફ બક્ષી રહ્યો હતો.

બસ મોન્ટ્રીયલના મોટા મોટા રસ્તા ઉપર દોડતી હતી, અને હું આંખો ફાડી ફાડીને ચકાચૌંધ કરતી ગગનચુંબી ઇમારતો જોતો હતો. મારા માટે આ સાવ નવો અનુભવ હતો.  અમારા સૌના માટે આ અસાધારણ અનુભવ હતો.  આવતીકાલનો દિવસ શું લઈને આવશે એની ખબર નહોતી, પણ મનમાં એક વિશ્વાસ હતો કે અહીં અમે સુરક્ષિત છે.

બસ મિલિટરી બેઝના નિવાસસ્થાન ઉપર આવી પહોંચી.  અમને સૌને અમારા રહેઠાણ ઉપર લઈ જવામાં આવ્યાં. અહીં ઘણાં ઓરડાઓમાં “બંકબેડ” મૂકવામાં આવ્યા હતાં.  આ બંકબેડની હરોળ જોઈને મને મારી મોમ્બાસાથી મુંબઈ સ્ટીમરની જૂની સફરો યાદ આવી ગઈ.  કેટલી મજા આવતી હતી એ સમયે!  દરિયો ખૂબ વહાલો લાગતો હતો. અનેરા આનંદથી મારી આંખ ભીની થઈ ગઈ.  રાત જૂની યાદોને  વાગોળતા વીતી.

સવાર પડી. ચા નાસ્તાનો સમય થયો.  અહીં કોણ ચા બનાવી આપવાનું હતું?  એ સાહેબી યુગાન્ડા છૂટ્યું એની સાથે જ  છૂટી ગઈ,  હવે જાત મહેનત ઝિંદાબાદ!  ચા બનાવવાની હતી  “કેટલ”માં ગરમ પાણી હતું અને બાજુમાં “ટીબેગ”. ઇન્ડિયા કે યુગાન્ડામાં ક્દી “ટીબેગ” જોઈ નહોતી.  ચા બનાવવી હતી એટલે ગરમ પાણીમાં “ટીબેગ” ફાડીને નાખી દીધી.  થોડા સમય બાદ ચા ગાળવા આજુબાજુ ગરણી શોધી પણ મળી નહી.  દેશીભાઈ આમે શરમાળ અને ઉપરથી એવરેસ્ટ જેવો ઇગો વાળા, એટલે શું કામ મૂરખ બનવા કોઈને પૂછે?  એ જ કપમાં દૂધ અને ખાંડ નાખીને ચાની પત્તી સાથે ચા પી ગયા. મારુ માનવું કે છે મારા જેવો અનુભવ કોઈક્ને તો થયો જ હશે!  આ દેશમાં આવીને કેટલું બધું નવું શિખ્યા છે!  મોટામાં મોટી વાત કે કોઈ પણ કામમાં શરમ અનુભવવી નહી!  ઘરના કામમાં બાદશાહ ગુલામ!

ત્યાર બાદ સૌને “વિન્ટર કોટ, વિન્ટર બૂટ અને વિન્ટર ગ્લ્વઝ” આપવામાં આવ્યા. ઓક્ટોબર મહિનાના અંતના એ દિવસો હતાં. અહીં કેનેડામાં વિન્ટર આવી રહ્યો હતો, પણ અમારા માટે તો ખરેખર વિન્ટર જ હતો.  યુગાન્ડાની સરખામણીમાં વતાવરણ ઘણું ઠંડુ હતું.  જિંદગીમાં પહેલી વાર વિન્ટર કોટ હાથમાં પકડ્યો હતો.  વેસ્ટર્ન મુવીઝમાં કાવબોઇઝને વિન્ટર કોટ પહેરીને શૂટ આઉટ કરતા જોયા હતાં.  આજે વટથી હું પણ ફિલ્મ એક્ટરની જેમ વિન્ટર કોટ, વિન્ટર બૂટ અને વિન્ટર ગ્લ્વઝ પહેરીને ઉભો હતો, કમી હતી ફ્ક્ત હેટની!

કેનેડામાંની છત્રછાયામાં ચાલીસ વર્ષ વીતી ગયા. કેનેડા અમારી કર્મભૂમિ, અમારા બાળકોની જન્મભૂમિ.  આજ ઠંડા પ્રદેશે અમને ગરમાવો બક્ષ્યો અને  હૂંફ આપી છે.  અમારો હાથ પકડીને અમને ઊભા કર્યા અને સમૃદ્ધ બનાવ્યા છે, સાથે સાથે  અમારા બાળકોને વિકાસક્ષમ બનાવ્યા છે.  આજ અમારો દેશ અને વતન છે.  સાચુ કહું તો કેનેડા જેવો બીજો દેશ દુનિયામાં ક્યાંય નથી!

યુગાન્ડા છોડીને આવનાર કેટલાક ભાઈ-બહેનોના મોઢે મેં એ સાંભળ્યું છે કે સારુ થયું ઇદી અમીને આપણને હાંકી કાઢ્યા, જેને લીધે આપણે અહીં આવી શક્યા અને આજે વધારે સમૃદ્ધ થઈ શક્યા!  થોડુ ઘણું તથ્ય આ વાતમાં છે, પરંતુ મારી જેમ સેંકડો લોકોએ મા, બાપ, ભાઈ બહેન, કુટુંબ કબીલાથી વિખૂટા પડીને ભારે કિંમત ચૂકવી છે એ પણ હકીકત છે.  આ વાતનો રંજ આજ દિન સુધી રહ્યો છે અને જિંદગીભર રહેશે.

પ્રવીણ દેસાઈ

નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા, રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં, વતનમાંથી જાણે કે હિજરત કરી છે.

 અમૃત ઘાયલ

Posted by: Shabdsetu | જુલાઇ 6, 2013

છેડો નથી બનતો

Chedo

છેડો નથી બનતો

મત્લો નથી બનતો અને મકતો નથી બનતો,
આ જિંદગીનો એક પણ છેડો નથી બનતો..

ક્ષણો ખસેડો તો સમય પણ વાંઝિયો લાગે,
તોડો સદીના પથ્થરો, રસ્તો નથી બનતો.

પાનખર નું આગમન હો તો પણ વધાવી લો,
વસંતો તણો એના વિના મુદ્દો નથી બનતો.

તું બેસતો લૈને પરબ પણ ઝાંઝવાની અહિ ,
પ્યાસા હરણનો એ થકી દરિયો નથી બનતો.

શમ્આ જલાવી લો હજારો આગિયાઓની,
સૂરજ પણા જેવો વફા દીવો નથી બનતો.

મુહમ્મદઅલી ભૈડુ “વફા”

કોઈ લાંબી લાંબી લખાવટ નથી
ગઝલ છે ઇશારો, છણાવટ નથી

હેમંત પુણેકર

Posted by: Shabdsetu | જૂન 5, 2013

વરસો વહી જાશે

New Picture - AgaNa-Jpeg

વરસો વહી જાશે

રણોની રેતકણ ગણતાં અગણ વરસો વહી જાશે
ક્ષણોની ધડપકડ કરતાં અગણ વરસો વહી જાશે

નિયમસર રોજ આવીને, જગત તેજે જગાવે એ
રવિના ઋણ ચૂકવતાં અગણ વરસો વહી જાશે

દવા હર રોગની મળશે, દરદ મટશે સમય જાતાં
જિગરના ઘાવ રૂઝવતાં અગણ વરસો વહી જાશે

કરમના બીજ વાવી ને, ઊગવશે સફલના વેલા
ઉન્નતિની ફસલ વણતાં અગણ વરસો વહી જાશે

સદા સજતો રહ્યો જે સૃષ્ટિને આરંભથી અબ તક
અનાદિ રૂપને કળતાં અગણ વરસો વહી જાશે

બાબુ પટેલ

મરણને જીવનનો ઇજારો સમર્પી
ફનાને આપી અમરતાની બહાલી
સુરક્ષિત રહે એના સર્જન રહસ્યો
એ ખાતર વિધાતા ગયો ચાલ ચાલી

શૂન્ય પાલનપૂરી

 

 

 

 

 

Posted by: Shabdsetu | મે 14, 2013

અતિ સર્વત્ર વર્જયેત

Davanal-Jpeg

અતિ સર્વત્ર વર્જયેત

બુધ્ધિનો અતિરેક જીરવવો સહેલ નહિ
બુધ્ધિનો બોજ ઊંચકવો પણ સહેલ નહિ
લાગણીનો અતિરેક જીરવવો સહેલ નહિ
હૃદયનો ભાર વહેવો પણ કંઈ સહેલ નહિ

બુધ્ધિની કસોટી પર
લાગણીને નાણી જોઉં
હૃદયના રસાયણથી
બુધ્ધિની કઠોરતા હળવી બનાવી દઉ

પણ આમ ન બને તો?

લાગણીની પોચટ જમીન પર
સ્થિર ઊભા ન રહેવાય
બુધ્ધિની કઠોર ભૂમિ પર
વાગતા અણિયાળા પથ્થરોને
વ્યવહાર-દક્ષતાથી દૂર ન કરાય તો?

તો શું થાય?

દુ:ખનો દાવાનલ ભડકે,
અશાંતિની આગ સળગે,
અને એમાં હોમાઈ જઈએ સૌ,
હું, તું, અને તે, બધાંય!

મધુરી ધનિક

આ સળગે સૃષ્ટિ ભડભડ એની જ્વાળાઓમાં દાઝીને,
આ સઘળો નર્કાગાર લઈને ક્યાં જઈશું તું બોલ હવે!

રમેશ પટેલ ‘ક્ષ’

Posted by: Shabdsetu | એપ્રિલ 19, 2013

મધુરજની

Honeymoon-J-peg

મધુરજની

પરોઢિયે પોઢેલી મસ્ત વિભાવરીને
વિભાકર હળવે ચૂમે અવારનવાર
ઊઘડે નિશાની અધપડિયાળી આંખડી
ને ધીરે ધીરે અરુણિમા ઉજાસે સવાર

ત્યાં જ અનુરાગિણી આગોશમાં લઈ
થાય અર્ધનિદ્રિત શર્વરી મદમાતી
અભિસારિકા પુલકિત કરે રોમ રોમ
ને ભાનુકેશર કરી નાખે રાતી રાતી

અચાનક ઝબકીને જાગે ભાસ્કર
અરે, ઝળઝળું  થઈ ગયું અંતરંગી
શરમાઈને ઊઠી લઈ મીઠી અંગડાઈ
દીપે કમનીય રજની થાય ઉષારંગી

કમને કરી તૈયાર ઝળઝળી સવારી
આદિત્ય પ્રેમી ચાલ્યો આંખમિચકારી
અરુણપ્રિયાથી તો એકાકી ન રહેવાય
વિરહનો તીવ્ર તાપ કેમે ન સહેવાય

દિવસભર વાદળી અધીર થઈ થઈ
વિયોગિની વળગે રવિને વારંવાર
દિવાકર પણ મન મૂકીને ભીંજવે
ઝરમર ઝરમર થઈ મીઠી ફુહાર

પ્રતીક્ષા કરી કરી થાકે તૃષિત સંધ્યા
ને ઉતાવળે થાય લાલચટક પીળી
હાંફી હાંફીને દોડે સૂરજ શુષ્ક થઈ
વિરહિણી સંધિકાને ચૂમે વળી વળી

ધૂંધળો ધૂંધળો ઊતરે ઘેલો અંધકાર
ઉભયના કરે સપ્તરંગી સમણાં સાકાર
અદ્વિતીય તૃપ્તિ અતૃપ્તિના દ્વંદ્વમાં લીન
યુગ્મ આશ્લેષમાં ધીરેથી થાય વિલીન

કિશોર પટેલ

ક્ષિતિજની પાંપણે પીળાં સપનનો ભાર હશે,
ઉદાસ રાતની આંખોમાં અન્ધકાર હશે.

આદિલ મન્સૂરી

Posted by: Shabdsetu | એપ્રિલ 2, 2013

વસંત

Vasant-1

હું વસંત છું
હું અનુભૂતિ છું
શિશિર ને ગ્રીષ્મ વચ્ચેનો
ફસાયેલો ફક્ત સમય જ નથી

મનને માંયલે મને ખોળવી પડે
ઉર ઉમંગે મને કોળવી પડે
હું પંચાંગને પાને પુરાયેલી નથી
હું તો અનુભૂતિ છું, ફક્ત સમય જ નથી

શિશુની પલકમાં, નિર્દોષ સ્મિતમાં
પાંપળે તોળાઈ રહેલ હર્ષાશ્રુમાં
પ્રિયજનની આંગળીને ટેરવે કે
અકારણ હસી પડતા હોઠ વચ્ચે
હું વસું છું

જીવનપથમાં
ક્યાંક ફૂલગુલાબી થઈ ઊગી નીકળું છું
તો કોઈની અટારીએ મોગરો થઈ મહેંકું છું
તો ક્યારેક કોઈકનું આંગણું રાતરાણી થઈ ફોરવું છું
પણ આખું ગુલમહોર તો કોના નસીબમાં હોય!

હું માત્ર સમય નથી
હું અનુભૂતિ છું
હું વસંત છું.

શાંતિલાલ ધનિક

રંગની મારે કશી પરવા નથી
એકલો ફાગણ હશે તો ચાલશે!

ભરત ભટ્ટ ‘તરલ’

Posted by: Shabdsetu | માર્ચ 13, 2013

જે નમે એ ખુદાને ગમે

New Picture-jpeg-1

જે નમે એ ખુદાને ગમે

જે નમે એ ખુદાને ગમે ક્રમ હતો
એટલે હું બધાને જ નમતો હતો

એ બિછાવી ગયા કંટકો બારણે
હું સદા જેમને ફૂલ ધરતો હતો

એમ મારી ગણતરી જ ખોટી પડી
કે બધાને અમારા જ ગણતો હતો

મિત્ર ઊભા રહે હાથ લંબાવતા
મૌન રહી સદા દાન કરતો હતો

ડૂબતી નાવ છોડી ગયા છેવટે
સાગરે આજ નિર્મુક્ત તરતો હતો

આબિદ ઓકડિયા

મિત્ર અંતે ક્યાં ગયા કોને ખબર?
દુશ્મ્નોનું નામ લૈ બેઠા છીએ

અહમદ મકરાણી

Posted by: Shabdsetu | ફેબ્રુવારી 13, 2013

ઢળતી સાંજનો એક સંવાદ – વેલેનટાઇન ડે

Picture for Valentine day

ઢળતી સાંજનો એક સંવાદ – વેલેનટાઇન ડે

“ચાલ પ્રિયે, કાલે આપણે વેલેનટાઇન ડે ઉજવીયે”
“કહુ છું આ ઉમ્મરે આપણે બહુ સારા ન લાગીએ”

“હું તને એક રાતું ગુલાબ અને મસ્ત કિસ આપીશ”
“છોકરાઓ શું કહેશે એનો વિચાર પણ જરા કરીશ”

“કોફીહાઉસમાં જઈ આપણે મજાની ફ્રેન્ચ વેનીલા પીશું”
“આ વેધરમાં બહાર જઈશું તો ઠરીને કુલ્ફી થઇ જશું”

“એક જણે તો એની વેલેનટાઇનને સો ગુલાબ મોકલેલા”
“છોકરીને કાંટા કેટલા વાગ્યા હશે, એ કદી તમે ગણેલા?”

“યાદ છે, ઓફિસેથી પાછા ફરતા લઇ આવતો ડઝન ગુલાબ”
“ક્યાંથી ભૂલું, વગર વેલેનટાઇન ડે એ મળતાતા રાતા ગુલાબ”

“નવા જમાના સાથે જીવવું હોય તો પરિવર્તન જરૂરી છે”
“ના ક્યાં કહું છું, પણ શું એટલા મોર્ડન બનવું ઉચિત છે?”

“મુસાફિરને જિંદગી ભર ઘણો આપ્યો તેં સંગાથ ”
“માટેજ કહું છું, કાલે મોજથી કોફી પીશું સાથ સાથ”

નિધીશ દલાલ ‘મુસાફિર’

સોનેરી કિરણોની મબલક મિલકત જોઈ
લોકો જોને સાચોજૂઠો વહેમ કરે છે
રોજ મઝાની સાંજ નામનો ચેક લખીને
સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

મુકેશ જોષી

Posted by: Shabdsetu | જાન્યુઆરી 19, 2013

તિરાડ તો પૂરાય ના

Blog Picture-Dec-2012

તિરાડ તો પૂરાય ના

દિલ તણી તિરાડ તો પૂરાય ના
આયનો તૂટેલ    છે સંધાય ના

છો પડે એ તીર આઘું લક્ષ થી
આ નયનનાં બાણતો સહેવાય ના

શબ્દ તો ચારો તરફ ગુંજી રહે
મૌનનું આ દર્દ ક્યાં પડઘાય ના

શોર છે આ કેટલો  જીવન તણો
હક તણી કોઈ અઝાં સંભળાય ના

વેદનાના પા’ણ છે હૈયા ઉપર
દર્દ આ કહેવાય ના સહેવાય ના

આપણી મરજી વફા  ત્યાં ક્યાં રહી
મોત ને રોકાય ના- જીવાય ના

અઝાં= અઝાન, બાંગ

મુહમ્મદઅલી ભૈડુ “વફા”

ક્હો તો બધાં પ્રતિબિંબ, હું હમણાં જ ભૂંસી દઉં
અરીસો  ફોડવા બેસું, તો વરસોનાં વરસ લાગે        

મનોજ ખંડેરિયા

Posted by: Shabdsetu | નવેમ્બર 18, 2012

ગઝલ

 

ગઝલ

એકમ છે જે ગીતોમાં એ શેર ચલાવી જાય ગઝલ
એક પછી એક મિસ્રા લઈને એ જ ધપાવી જાય ગઝલ

સારી રાત જગાવે ને સપનામાં પજવી જાય ગઝલ
ટપકીને તનહાઈમાં દિલદાર બનાવી જાય ગઝલ

ગાગાગા લૈ ગીતોમાં, મતલબ સમજાવી ગાય ગઝલ
મ્હેફિલમા લલકાર કરી ઊર્મિ છલકાવી જાય ગઝલ

ગણ માત્રા લયને મેળ કરાવે, બાંધે અક્ષર અક્ષર, ને
પડખે રાખી રદીફ કાફિયા તરજ બનાવી જાય ગઝલ

સુંદર કોમલ ભાવ ભરી મિજાજ ઉમેરી છંદોમાં
શૈલી ચોટ છટા છલકાવી રંગ જમાવી જાય ગઝલ

શેર નશીલી આંખોના મદમસ્ત બનાવી જાય ગઝલ
શેર ઉદાસી રાતોના સાવન વરસાવી જાય ગઝલ

ચંચલ પ્રેમલ રંગ  લગાવી મન મલકાવે આશકના
ને આંસુ સારી માશૂકના દિલદાઝ બુઝાવી જાય ગઝલ

બાબુ પટેલ

ગઝલ લખતાં હજી ક્યાં આવડે છે
જે મનમાં છે વિમાસણ, મોકલું છું

આદિલ મન્સૂરી

Posted by: Shabdsetu | ઓક્ટોબર 26, 2012

કૂવાડીયો – મારુ સ્મૃતિ કાવ્ય

 

કૂવાડીયો – મારુ સ્મૃતિ કાવ્ય

એ દિવસોમાં ઋતુચક્ર ભારે ચોકસાઈથી ફરતું રહેતું.   અષાઢ ને શ્રાવણ ધરતીની સિકલ જ બદલી નાખતા.   મેહુલીયો મન મુકીને વરસતો.   પછી આવે ઓતરાચીતરા.   માથું ચીરી નાખે તેવો તાપ, જમીનમાં ભેજ અને વાતાવરણમાં બાફ.   શૈશવની મનોભૂમિમાં કૂવાડીયાનું વર્ષાવન આજેય જાણે કે ફરી ફૂટી નીકળવાની કોશિશ કરે છે.  વરસાદનું ઝરમર સંગીત, પતંગિયાંનું નૃત્ય, વાડ પરનાં જંગલી ફૂલોનો દેખાવ અને ગીચ વનરાજીમાં સરી જતા સાપનો  ભય.   બધું સાથે મળીને રચાતું કૂવાડીયાનું કાવ્ય.   ચોમાસાના ઉતરાર્ધમાં ઘર પાછળ, ચરામાં અને સીમમાં બધુ જ લીલીછમ વનસ્પતિથી છવાઈ જતું.   આ બધામાં કૂવાડીયાનો ઠઠારો ભારે.   પડતર ભૂમિમાં એમનું જ વર્ચસ્વ.   કેડ સુધી ઉગીને ઊંચા થાય. જાણે નાનકડું ઝાડ જ જોઈ લો.   આવાં હજારો બોન્સાઇ વૃક્ષોનુ વન ઉગી નીકળતું.   વચ્ચે વચ્ચે ધતુરો, આવળ કે ગોખરું જેવા છોડ પણ ખરા.   કેટલાંય વૃક્ષોનું શીશુરૂપ કૂવાડીયાના વનમાં અસ્તિત્વનો જંગ ખેલતું ને કૂવાડિયા એમના પ્રહરી બનતા.

આકાશના વિરાટ કેનવાસ પર વાદળોના વિવિધ આકાર ઉપસાવતો ને સવાર સાંજ ક્ષિતિજે રંગ ભરતો કોઈ અદ્રશ્ય કલાકાર અમને સંમોહિત કર્યે જતો.   વાદળોના આકાર અને અમારી કલ્પનાઓ એકાકાર થઇ જતાં ને એમાંથી નીપજતાં પર્વતો ને પ્રાણીઓ ને પંખીઓ…   વરસાદ હવે થંભી ગયો છે.   નીતરી ચુકેલાં વાદળાં ફરી પાછાં પાણી ભરવા ગયાં છે, તે હવે વરસતાં અને ગરજતાં આવ્યાં જ જાણો.   સાપુતારાના પર્વત ઉપર સાંબેલાધારે વરસતાં વાદળાંઓએ આભ ફાટવાનો અનુભવ કરાવ્યો છે.   તો, માઉન્ટ આબુની હોટેલમાં એમનો સાક્ષાત્કાર પણ થયેલો.   આખેઆખું વાદળ હોટેલના રૂમમાં મળવા આવેલું ને બે હાથ પ્રસારીને એનું સ્વાગતે ય કરેલું. ચાલીસ હજાર ફૂટ ઉંચે ઉડતા વિમાનમાંથી નીચે દેખાતાં રૂના ગોટા જેવાં વાદળો ધરતીથી આટલે ઉંચે (ને ભગવાનથી એટલા નજીક!) હોવાનો ભાસ થવા દેતાં નથી.   જાણો છો ગાંધર્વનગરી ક્યા આવેલી છે?  એક માન્યતા મુજબ ગંધર્વો વાદળાંની ઉપર વસે છે!

પહેલા વરસાદ પછી વાદળછાયા આકાશ તળે ખેતર ખેડાતું જાય અને પાછળ કાબરો અને બગલાનાં ટોળાંની પરેડ થતી હોય એવાં દ્રશ્યો હવે ઓછાં જોવા મળવાનાં છે.   ઢળતી રાત્રિઓના નિબીડ અંધકારમાં તમરાંના દીર્ઘ આલાપ અને દેડકાંના સમૂહગાનનું ઓરકેસ્ટ્રા રાત જામે તેમ જામતું.   એ સંગીતમાં ભળતી શિયાળવાંની લારી.   ઘાસલેટનો દીવો એની ફરજ પૂરી કરે પછી અજાણ્યા ભયની વચ્ચે ગુજરતી અમારી રાત્રીઓ.   હવાઈ ગયેલી દીવાસળી ખરા ટાઇમે જ રીસાતી.   વરસાદની કેટલીક ધારાઓ, અમારી ગમે તેટલી અનિચ્છા છતાં, ઘરમાં પ્રવેશી અમને અભિષિક્ત કરવાનો વિકૃત આનંદ માણતી.   મંકોડા ય જાણે કે આનાથી વિશેષ કોઈ સારો સમય જ ના હોય તેમ રોજ સાંજે અમારા ઘરમાં જેહાદી ઝનૂનથી ત્રાટકતા ને અમે ય એનો જવાબ તાલીબાની ઢબે, ધડથી માથું જુદું કરીને આપતા.  રાત્રીના પ્રગાઢ અંધકારમાં ઉંદરનો કશુંક કાતરવાનો અવાજ કેટલીય જાતના ભયની શંકાઓ જન્માવતો.

કૂવાડીયાના બે ચાર છોડ ઉપાડી તેના વડે રંગબેરંગી પતંગિયાં પકડવા અમે દોડતા રહેતા.  પીળાં પતંગિયાં આપણે પચાસ-સો વરસ પહેલાં હતા તેવાં ભોળાં સ્વભાવનાં.   સફેદ, આપણે અત્યારે છીએ તેવાં ચાલાક.   લાલ પતંગિયાં, આપણે હવે જમીનથી ધીમેધીમે અદ્ધર થવા માંડ્યા છીએ તેમ ભાગ્યે જ કોઈ જગ્યાએ બેસતાં.   કદાચ ગાતાં હોય, ”મારાં રૂપનાં ગુમાન કેરી ગાંસડી, શિરેથી ઉતરાવો હો રાજ!”.  આ પતંગિયાં, ફૂલો પાસેથી બાલિકાઓની કાલી-ઘેલી વાતો, મુગ્ધાઓના અરમાનો અને યૌવનાઓની પ્રણય-કથાઓના રંગ તેમની પાંખોમાં ભરી લાવતાં.   પ્રકૃતિમાં ક્યાંય કદરૂપતા નથી હોતી.   બધું જ એની રીતે સુંદર હોય છે.   ફેર તો આપણી જોવાની દ્રષ્ટિમાં હોય છે.   બહારની દુનિયા અમને તો કવિશ્રી પ્રિયકાંત પરીખની કલ્પનાની જેમ ત્યારે ફૂલમય જ જણાતી:

“ફૂલની નદી, ફૂલનું તળાવ, ફૂલનું નાનું ગામ;
ફૂલનો દીવો, ફૂલ હિંડોળો, ફૂલમાં ફોર્યા રામ!”.

જો કે શેખાદમ આબુવાલા જરા વધારે વાસ્તવવાદી છે.   કહે છે:

“ફૂલોનું સ્વપ્ન આવે ના આવે ખબર નથી,
પાલવમાં પાનખરના, ભરી લો વસંતને”

કૂવાડિયાનો ખરો ઉપયોગ તો શિયાળામાં તાપણી કરવાનો.  ચોમાસું ઉતરતાં જ ઘર પાછળની જગ્યા ચોખ્ખી કરવા માટે આ કૂવાડિયા કાપી લઈએ.   આંગળી જેટલું જાડું તો એનું થડ હોય.   બે ત્રણ મહિનામાં તો સુકાઈ જાય ને ઠંડી શરુ થતાંમાં તો તાપણીમાં સળગવાય માંડે.   ઘરનાં, ને રસ્તે જતાં જેને પણ ઠંડી લાગે તે થોડી વાર આવીને હાથ પગ ગરમ કરી લે.   સાથે સુખદુખની બે વાતો ય કરી લે. સુક્કાભટ્ઠ થઇ ચુકેલા કૂવાડીયાની સીંગોમાંથી નીકળતા બિયાંનાં તડ-તડ અવાજમાં અમારો ‘સ્ટ્રેસ’ પણ સ્વાહા થઇ જતો.   જો કે, ત્યારે તો શાળાના ઘરકામ સિવાય બીજો કયો સ્ટ્રેસ હોય!

કૂવાડિયા, ફૂલો, ઋતુરાજ વસંત, પતંગિયાં અને વર્ષારાણી તો પ્રકૃતિના વાદ્યમાંથી રેલાતા શાસ્વત સુરોનું સંગીત છે.  સંગીતના એ લયમાં આપણું મન પણ લયબદ્ધ થવા માંડે છે.  તેની વિશુદ્ધતાના ઝરણામાં મનના દોષ ધોવાતા રહે છે.   તેની વિશાળતામાં આપણી સંકુચિતતા વિલીન થઇ જાય છે.   જ્યાં કશો ભેદભાવ નથી, ત્યાં અહંકાર ઓગળી જાય છે.  જ્યાં એકમાત્ર તમે છો ત્યાં કૃત્રિમતાનો અંચળો ય સરી પડે છે.   અને કોઈ પુનીત ક્ષણે, જડમાં વિલસી રહેલી સર્જનહારની ચેતનાના આવિર્ભાવનો પ્રારંભ થાય છે…..

છેલ્લે, કુદરતના અદના જણ પેલા કૂવાડીયાને અર્પણ કરીએ કવિશ્રી જયંત પાઠકની આ પંક્તિઓ:

“સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ, ને પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયા, ને અર્ધું તે તમરાંનુ કુળ.
થોડો અંધારે થોડો ઉજાશમાં, થોડો ધરતીમાં થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં…”

પોલ મેકવાન

કભી રોયે તો આપ હી હંસ દીયે હમ
છોટી છોટી ખૂશી છોટે છોટે વો ગમ
હાયે ક્યા દિન થે, વો ભી ક્યા દિન થે…

બચપન કે દિન ભી ક્યા દિન થે
ઉડતે ફીરતે તીતલી બનકે
બચપન…

મજરૂહ સુલતાનપૂરી

Posted by: Shabdsetu | ઓક્ટોબર 10, 2012

સનની સનસનાટી

સનની  સનસનાટી

અંગ્રેજીમાં ‘sun’ એટલે  સૂર્ય અને ‘son’ એટલે પુત્ર.  બન્નેનો ઉચ્ચાર ‘સન’ થાય પણ અર્થ જુદા, અને તેની પાછળ ‘ડે’ લગાવવામાં આવે ત્યારે સનડે થાય.  મિત્રો, સનડે એટલે અમારા કેનેડામાં રજા અને મઝા  માણવાનો દિવસ.  વળી  ઉનાળાનો એટલે કે સમરનો આ દિવસ, એટલે  હરવા, ફરવા, મળવા અને પિક્નિક પર જવાનો દિવસ.  તો ચાલો આજે આવા એક સનના ડેની વાત કરીએ.

ગયા સનડે મોડા ઊઠયા બાદ, અગ્યારેક વાગે અમે સનગ્લાસીસ પહેરીને ખરીદી કરવા અમારા ઘરની     નજીકની મોલમાં ગયા.  મોલમાં આપણા દેશના વડીલો, કેનેડામાં સ્થાયી થયેલ સીનિઅર સિટિઝનો અનાયાસે મળી જાય.  ચાલુ દિવસે એટલે કે વીક ડેઝમાં તો આ લોકોની મોટી મંડળી ભરાય.  બેબી સિટિંગ કરતા આ વડીલો છોકરાઓને સ્કૂલમાં મૂકીને એમની બપોર આવા મોલમાં માણે છે.  દેશમાં ગામને ચોતરે કે કોઈકના ઓટલે, આવા અગણિત દિવાળીઓ જોયેલ અનુભવી વડીલો ભેગા મળી ગામ આખાની ઉથલપાથલ કરતા હોય છે.  અહીં મોલમાં આવા ધુરંધર અનુભવીઓ ઇન્ફર્મેશન બ્યુઅરોની સગવડ પૂરી પાડે છે.  તમારે ઇમિગ્રેશન, વેલ્ફેઅર, હેલ્થ બેનિફિટ, ટેક્સ બેનિફિટ, ગવર્મેન્ટ સોશિઅલ અસિસ્ટન્સ કે આવી અનેક ન કલ્પેલી કે ન સાંભળેલી વાતો વિષે જાણકારી જોઈતી હોય તો વિના વિલંબે આ ઇન્ફર્મેશન બ્યુઅરોનો સંપર્ક સાંધવો.

તે દિવસે  મોલમાં મગનકાકા મળી ગયા. એમણે  એમના મિત્ર ભગુકાકાની ઓળખાણ કરાવી.  ભગુકાકા બારડોલીના વતની અને  અત્યારે  સ્ટેટથી કેનેડા  ફરવા  આવ્યા હતા.  નાયગરા ફોલ્સ, સી એન ટાવર, ઓન્ટારિયો પ્લેસ અને વંડરલેન્ડ જોઈને ભગુકાકા કેનેડાના વખાણ કરતા થાકતાં ન હતા.  ભગુકાકાએ કહ્યું, “મારે બે સન છે.  એક સન સ્ટેટમાં રહે જેનો મોટેલનો બિઝનેશ છે  અને બીજો  સન ઇન્ડીયામાં સરકારી નોકરી કરે અને  સાથે સાથે ગામની જમીન પણ સંભાળે.  બન્ને સન પૈસે ટકે તેમજ બીજી બધી રીતે પણ સધ્ધર.”  બે એક પળ શાંત રહીને ભગુકાકા સંતોષપૂર્વક આનંદથી બોલ્યા, “આપણો પરિવાર સુખી તો આપણે  સુખી, પ્રભુ પાસે  બીજું  શું  જોઈએ?  આ ઘોર કળજુગમાં  વડીલોને  ઠારે તેવા  સન તો ભાગ્યવાનના નસીબમાં  જ  હોય!”

મને ત્યારે સમજાયું  કે ઇન્ડીયામાં સન માટે લોકો કેમ બાધા રાખે છે અને સનના જન્મની  ખુશાલીમાં પેંડા વહેચે છે.  જો કે  કેટલાક  અભાગ્યાઓના  નસીબમાં  વૈશાખ-જેઠની બપોરના પ્રચંડ તપતા સન જેવા સન હોય છે, જે તેઓની  વૃદ્ધાવસ્થાને  લુંગડાની જેમ સુકવી નાખે  છે.  એ  ઋણસંબંધની વાત નહિ તો  બીજું  શું?

ભગુકાકાની  વાત સાંભળીને ઘણોજ  આનંદ થયો.  ઘરે આવીને  જમ્યા બાદ, સનડેના બપોરની મઝા માણવા જરા આડો પડ્યો, ત્યાંજ  અમથાભાઈનો ફોન આવ્યો.  તેમને અગત્યનું કામ હોવાથી મને તરત જ  મળવા બોલાવ્યો.  અમથાભાઈના બધા જ કામ હંમેશા અગત્યના જ હોય, પણ આ “હુ કેર” ના દેશમાં આપણને  કોઈક અંગત  કામ માટે બોલાવે એ આપણુ  અહોભાગ્ય!

તેમના ઘરમાં પ્રવેશતા જ તેઓ બોલી પડ્યા, “આવ  ભાઈ, ગઈકાલથી ઊંઘ પણ નથી  આવતી.  આ બકુએ અને એના લાડકાએ તો મને કાંઈ ટેનસન આપ્યુ છે!”  સવારે  ભગુકાકાના  સન ની વાત સાંભળેલ  એટલે  મારા મગજમાં સન શબ્દ જ રમ્યા કરે, વળી  અમારા દક્ષિણ ગુજરાતની ગામડાની બોલીમાં ‘શ’, ‘ષ’ અને  ‘સ’  બધાનો એકજ  ઉચ્ચાર, મોટાભાગે  ‘સ’ કરવામાં આવે.  તેમાં વળી આ રીતે  આ ટેનસન શબ્દ સાંભળ્યો  એટલે  મારાથી તો હસવાનું ક્યાંથી રોકાય!  અને આમે મારો ટીખળી સ્વભાવ મને ચૂપ રહેવા દે?   હું હસતા હસતા બોલ્યો, “અમથાભાઈ, તમારે તો  એક જ સન છે, કરસન.  આ  ટેન સન ક્યાંથી  લાવ્યા!  કાંઈ  દત્તક બત્તક તો નથી લીધા ને?  અને લીધા હોય તો પણ આટલા બધા?”  અમથાભાઈ એકદમ તપતપતા  સન ની જેમ  ગરમ થઇ ગયા  અને બોલ્યા, “હું  ટેન્સન  એટલે  માનસિક  ત્રાણ ની  વાત કરું છું  અને  તેમાં તને ગમ્મત સુજે છે?  ગઈકાલે આ બકુને એનો લાડકો ઉતારવા ગયો અને પોલીસે બન્નેને ટિકિટ આપી.  બકુને સીટબેલ્ટની અને એના લાડકાને સ્ટોપ સાઈનની.  અવે ઇન્શુઅરન્સના પૈહા કોણ એનો બાપ આપવાનો?” હું મનમાં હસતો હસતો બબડ્યો, હાસ્તો, એનો બાપ જ આપવાનોને!  પણ અમથાભાઈના ગુસ્સાની ગંભિરતા જોઈને ચૂપ રહ્યો.  મેં અમથાભાઈની માફી માંગીને એમને શાંત પાડ્યા.

અમથાભાઈને ત્યાંથી આવીને તુરત આડો પડ્યો, ક્યાંક સનડે ની બપોર એળે ના જાય!  રજાને દિવસે દાળ ભાત ખાઈને આડા પડવાની ટેવ હજી છૂટી નથી.  ચારેક  વાગે  શ્રીમતીજીએ ઊઠાડીને ચા અને ગરમ ગરમ ભજીયાનો નાસ્તો કરાવ્યો.   ભજીયા  ખાતા ખાતા  મેં  શ્રીમતીજીને  સારું  લગાડવા કહ્યું, “આજે  ભજીયા  ખુબ  જ  સરસ બન્યા છે હોં!”  શ્રીમતીજીએ હસતા હસતા  જવાબ આપ્યો, “એ તો  બેસન ની  કમાલ છે.”  હું ફરી વિચારમાં  પડી ગયો.  અમારે  તો  સન  ૨૦૧૨ સુધીમાં  માત્ર  એક  દિકરી જ  છે અને  આજે  વળી આ  કેવા મૂડમાં બે  સનની  વાત કરે છે?  પણ મેં મન મનાવી લીધું, ચાલો  હશે, એ તો  ચાલ્યા કરે.  સનમને  કસમયે ના પુછાય

થોડો  આરામ  કર્યા બાદ  અમે  બાજુના  પાર્કમાં  ફરવા ગયા . ત્યાં ઘણાં સમયથી કેનેડામાં સ્થાયી થયેલ સીનિઅર સિટિઝન  મંગુકાકા  મળ્યા.  મંગુકાકા  નિખાલસ, હસમુખા  થોડા મોર્ડન વડીલ એટલે એમની જોડે વાતો કરવાનું ગમે.  મેં  તેમને  આજે  દિવસ  દરમ્યાન  જુદી જુદી  રીતે  સાંભળેલ તથા  અનુભવેલ  સન  શબ્દ  અને  મારા મન  પર  થયેલ  અસરની  વાત કરી.  મંગુકાકાને ખૂબ મઝા પડી.  એ પણ મારા જેવા ટીખળી એટલે અમે બન્ને ભરપેટ હસ્યા.  મેં હસતા હસતા મંગુકાકાને કહ્યું, “આપણે લોકોના ટેનસન ઓછા કરવા લાફિંગ ક્લબ શરૂ કરવી જોઈએ!”

થોડીવાર પછી મંગુકાકાએ ગજવા માંથી  પેન કાઢી મને  બતાવતા  કહ્યું, “જો, આ સન  મારા માટે  ખુબ જ  ઉપયોગી, તારા અગાઉના  બધા  સન ની વાત છોડ”  હું વિચારમાં પડી ગયો.  અરે! આ પેન બતાવીને  તેઓ  કયા સન ની  વાત  કરે છે?  મંગુકાકા ને  ત્રણ સન, બે  ઇન્ડ્યામાં અને  એક અહી કેનેડામાં.  તેઓ  શું  કહેવા  માંગે  છે?  મારી સામે જોઈ તેઓ  હસતા જ રહ્યા.  થોડી વાર પછી મારી  ટ્યુબલાઈટ સળગી.  પેન બતાવી  તેઓ જે  સન ની  વાત કરવા માંગતા  હતા તે પેનસન ની વાત હતી .

અમે બન્ને ગપ્પા મારતા બેઠા હતાં ત્યાં સુધીમાં થોડે દૂર પચ્ચીસ ત્રીસ દેશી ભાઈઓ એક પછી એક એમના આસન પાથરીને બેસતા હતાં.  આ જોઈ મગુંકાકાએ ટકોર કરી કે જો ભાઈ, આ બેસવા માટે પણ આસન અને આસન પર બેસી યોગાસન કરવા માટે પણ આ સન શબ્દનો પ્રયોગ થાય છે.  અને પછી તો અમે બન્ને વારાફરતી એક્બીજા સાથે આ સન શબ્દ સાથે વળગેલ શબ્દોની રમત રમવા લાગ્યાં.  અધધધ…કેટલાં બધા શબ્દો! ગણ્યા ગણાય નહીં અને વિણ્યા વિણાય નહીં, તારલાઓની જેમ જ સ્તો!

ત્યાં જ મારી  દિકરી આવી અને મને કહે, “ચાલો, પપ્પા  ઘરે જવું  છે.”  મેં  કહ્યું, “ઘણા  વખતે  મંગુકાકા  મળ્યા  છે, જરા  શાંતિથી  વાતચીત તો  કરવા દે.”  તે  એકદમ  બોલી, “પપ્પા, મારે  હજી લેસન કરવાનું બાકી છે.”  આ સાંભળીને હું ચિત્તશૂન્ય થઈ ગયો અને પછી તો મન ચકડોળે ચડ્યું.  આ  સન  શબ્દ  આજે  મારો  પીછો નહીં છોડે એમ  લાગતાં હું  ઘરે આવતો  રહ્યો.  ત્યાં જ સનસેટ થયો, સાંઝ પડી અને સન વગરની સૂનકાર   રાત્રી  શરુ  થઈ.  રાત્રે સૂતા સૂતા સન શબ્દની અટપટી, આંટીઘૂંટીમાં અટવાતો રહ્યો.  આ  સન ડે એટલે  ખરેખર  સન નો જ દિવસ  અને આ સન કોઈને કોઈને શબ્દ સાથે જોડાઈને બહુરૂપી બનીને  વારંવાર  ભટકાતો જ રહે  છે.  રાત આખી અભિમન્યુના ચક્રવ્યૂહની જેમ હું પણ સન શબ્દની માયાજાળમાં ચક્રાવે ચઢ્યો અને છેવટે થાકીને ઢળી પડ્યો બીજા દિવસના સન ની પ્રતીક્ષામાં…

રાજેષ પટેલ

જ્ઞાની સૂરજને એમ હતું કે ઝાકળના વેદ વાંચું
ઝાકળને તો એમ થયું કે અભેદ થઈને રાચું                                             

સુરેશ દલાલ


Posted by: Shabdsetu | સપ્ટેમ્બર 21, 2012

કોઈ કહેશો મને કે આ ધમાલ શાથી છે?

હરીશ મીનાશ્રુ

અકળ કળાથી સકળ નર્તે છે જાણે મદ્યપનો લય પ્રવર્તે છે
માન એણે મૂકાવ્યા મદિરાનાં સર્વ વસ્તુમાં સોમરસ આપી

આવી અર્થસભર, લયબદ્ધ, શબ્દમાધુર્ય ભરી પંક્તિઓ આપનાર કવિ – ગઝલકાર હરીશ મીનાશ્રુનો જન્મ આણંદ જિલ્લાના કંજરી ગામે જાન્યુઆરી ૩, ૧૯૫૩માં થયો હતો.  શાળાનું શિક્ષણ તેમજ કોલેજનો અભ્યાસ આણંદમાં કરેલો.  ૧૯૭૪માં સરદાર પટેલ યુનીવર્સીટી, આણંદમાંથી રસાયણ શાસ્ત્ર સાથે એમ.એસ.સી.ની ડીગ્રી મેળવી.  ત્યાર બાદ બેંકમાં નોકરી લીધી.

શાળામાં હતા ત્યારથી જ કવિતા લખવાની શરૂઆત કરેલી.  તેમની કવિતા શાળાના નોટીસ બોર્ડ પર પણ મૂકાતી. કોલેજકાળ દરમ્યાન ‘કવિતા’ અને ‘કવિલોક’ જેવા સામાયિકો પ્રથમ વખત જોયા ત્યારે તેમને ખબર પડી કે કવિતાના સામાયિક પણ હોય, કવિતા છપાય અને લોકો વાંચે પણ ખરા!  એટલે લખ્યું ‘ચાડિયાનું દુકાળ ગીત’ જે ‘નૂતન શિક્ષણ’ નામના સામાયિકમાં પ્રથમ વખત છપાયું.

ત્યાર પછી તો કવિતાઓનો જાણે કે ધોધ જ શરૂ થયો અને અનેક સામાયિકોમાં તેમની કવિતાઓ છપાવા લાગી.  તેમના સોનેટ ‘કુમાર’માં પણ પ્રસારિત થયેલાં.

તેમના કાવ્યસંગ્રહોમાં ‘ધ્રીબાંગસુંદર એણી પેર ડોલ્યા’, ‘તાંબુલ’, પર્જન્યસૂક્ત’, ‘શબ્દમાં જિનકું ખાસ ખબરાં પડી’, ‘પંખી પદારથ’, ‘દેશાટન’, ‘શેષ વિશેષ’, ‘નખશિખ’, ‘વોંગ વિ નાં કાવ્યોના અનુવાદ’  A tree with thousand wings વગેરે પ્રસિદ્ધ થયેલ છે.

કવિ શ્રી હરીશ મીનાશ્રુને મળેલ નામી પારિતોષિકો અને પુરસ્કારોની સૂચિ આ પ્રમાણે છે .
ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘તખ્તસિંહ પરમાર પારિતોષિક’, ‘જયંત પાઠક કવિતા પુરસ્કાર’, ‘સોહામ સ્મારક પુરસ્કાર’, ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક’ તથા ‘કલાપી’ એવોર્ડ.

બેન્કમાંથી સ્વ નિવૃત્તિ લઇ હાલમાં કવિ શ્રી વલ્લભ વિદ્યાનગર મુકામે કવિતા સાથે સંપૂર્ણ સમય વિતાવે છે.
એમની અતિ પ્રિય કવિતાની બે પંક્તિઓ:

એક મુફલીસની રેવડી જાણે
છે કયામતની આ ઘડી જાણે

છેલ્લા પંદર વર્ષોમાં “શબ્દસેતુ” એ દેશ વિદેશથી મહેમાન કલાકારોને આમંત્રિને પાંચ થી છ વખત ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમો દરમ્યાન “શબ્દસેતુ”ના સભ્યોએ યાદગીરી માટે વીડિઓ ઉતારેલ છે.

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.

આમંત્રિત કલાકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

પ્રીતિ શાહ

હરીશ મીનાશ્રુના સ્વમુખે એમની રચના સાંભળવા અહીં ક્લીક કરો.
કોઈ કહેશો મને કે આ ધમાલ શાથી છે? – કાવ્યપઠન

શાથી છે?

કોઈ કહેશો મને કે આ ધમાલ શાથી છે?
તેજતલવાર ને તરફડતી ઢાલ શાથી છે ?

અઢી અક્ષરની રમત સમજીને હું બેઠો’તો
અઢી પગલાંની સાવ ટેઢી ચાલ શાથી છે?

પડી ગયું છે મૌન ખુદાનુ દેખ દર્પણમાં
છતાં મસ્જિદની ભીંત ખુશખુશાલ શાથી છે?

કોણે ટૂચકો કર્યો છે, કોણે મૂઠ મારી છે
આ દ્વાર, દ્વાર મટીને દીવાલ શાથી છે?

હુતાશનીની ભસ્મ ચોતરફ ઊડે છે હજી,
બધાનાં ચિત્તમાં ચપટી ગુલાલ શાથી છે?

સહુની આંખ સાવ કોરી છે એ સાચું પણ,
સહુના હાથમાં ભીના રૂમાલ શાથી છે?

સવાલી છો તો અદબ જાળવીને ચૂપ બેસો
સવાલ પર સવાલ પર સવાલ શાથી છે?

ફેંકતા ફેંકી દીધો જેમ તમે પંખી પર
એના મનમાં હજી ઊડવાનો ખ્યાલ શાથી છે?

અમે તો હાથ ઉઠાવીશું એ જ પૂરતું છે,
સહુના કરમાં સળગતી મશાલ શાથી છે?

હરીશ મીનાશ્રુ

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
કે હાથ આખે આખો બળે એમ પણ બને

મનોજ ખંડેરિયા

માધવ રામાનુજ

‘હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…’

ફૂલ જેવી સુકોમળ લાગણીઓને કંડારીને કાગળ ઉપર ઉતારનાર માધવ રામાનુજ એક કવિ ઉપરાંત નવલકથાકાર, નાટ્યકાર, ટેલીફિલ્મ લેખક, બાળ સાહિત્યકાર, પત્રકાર અને ચિત્રકાર પણ છે.

કવિ માધવ રામાનુજનો જન્મ ૨૨ એપ્રિલ ૧૯૪૫ના રોજ ગામ પચ્છમ, જિ. અમદાવાદમાં થયો. શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઈન આર્ટસમાં એપ્લાઈડ આર્ટનો અભ્યાસ કરીને એ જ કોલેજ શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઈન આર્ટસમાં અધ્યાપક અને પછી પ્રિન્સીપાલ પણ બન્યા. અત્યારે કિડની ઇન્સ્ટીટ્યુટ એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદમાં હ્યુમન રિસોર્સ વિભાગના વડા છે.

કવિના જ શબ્દોમાં કવિતા વિષે – “…આસપાસ અનેકની આંખોમાંથી ઊભરાતું અઢળક સૌહાર્દ…ક્ષણક્ષણમાં કૉળી ઊઠતું અનંતના ઉત્સવનું અચરજ…અને એ બધાંની વચ્ચે નાજુક-નમણી લજામણી કવિતાનું મૌનસભર સંવેદન…
આપણે હજુ એનો પૂરો મર્મ પામવાનો બાકી છે…
અને એથી હજુ આપણે આપણી આરપાર ક્યાંક પહોંચવાનું બાકી છે.
અને તેથી જ હજુ અપેક્ષા છે શેષયાત્રાને રોમાંચક અને રમણીય બનાવે એવા કોઈ અસલી ટહુકાની…
-કવિતાને સમજવાનો પ્રયત્ન એ, મૌનના એવા કોઈ ટહુકાને પામવાનો પ્રયત્ન પણ હોઈ શકે!”

કવિ શ્રી માધવ રામાનુજની કવિતાઓમાંથી ચૂંટેલી પંક્તિઓ :

એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને
કોઈપણ કારણ વગર શૈશવ મળે!
——————————————
ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે?

છેલ્લા પંદર વર્ષોમાં “શબ્દસેતુ” એ દેશ વિદેશથી મહેમાન કલાકારોને આમંત્રિને પાંચ થી છ વખત ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમો દરમ્યાન “શબ્દસેતુ”ના સભ્યોએ યાદગીરી માટે વીડિઓ ઉતારેલ છે.

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.

આમંત્રિત કલાકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

પ્રીતિ શાહ

માધવ રામાનુજના સ્વમુખે એમની રચના સાંભળવા અહીં ક્લીક કરો.
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર – કાવ્યપઠન

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મુકીને
કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર

પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો;
આમ કોઈ પૂછે તો કહી ના શકાય અને આમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યા છે નુપૂર
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર

ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ;
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર

કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,
એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર.

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે
હથેળીની રેખા જેમ એવી અંકાય
એતો ઊંડી રહે પ્રાણ ભલે ઊડે

સુરેશ દલાલ

 

Posted by: Shabdsetu | ઓગસ્ટ 10, 2012

અવતાર

અવતાર

આ પૃથ્વી ઉપર અવતરવા, શા માટે શોધ્યા કરે છે તું
રાજાના આવાસો યા જાદુઈ કારાવાસો
બ્રાહમણનો ઓછાયો કે પછી ક્ષત્રિયનો પડછાયો
તારે તો અવતાર જ લેવો છે ને?
તો લઇ લે પેલી ઝોપડપટ્ટીની બસ્તીમાં, એક અછૂત અભાગિયા અનાથ માણસનો
અને પછી જો…

અહીં મુલાયમ માખણ ચોરવા નહીં મળે
પસીનો પાડેલા પૈસા ચોરવા પડશે, પૈસા
દિનરાત દોડવું પડશે, બેવફા થઈ બદમાશ બનવું પડશે
અને પકડાઇ જઇશને…
તો માં ના વેલણની જગ્યાએ ડંડા મળશે ડંડા
પોલીસના ડંડા, ભલભલા નિર્દોષને ગૂનેગાર બનાવી દે એવા ડંડા

વાંસળી વગાડીને ગાયો અને ગોપીઓને તું ભલે ભરમાવી શક્યો
પણ અહીં તો ભલભલાને થાપ આપી તારે છેહ દેવા પડશે
ભક્તોએ ગાયેલી તારી અજબ લીલાની જગ્યાએ
હાથ ચાલાકીના ગજબ ખેલ કરી લોકોને લૂંટવા પડશે
કોઇની પ્યાસ તો કોઇની આશ ટૂંપાવવી પડશે
તો કોઇની ભૂખ કે કોઇની કૂખ પણ ઉજાડવી પડશે

અહીં જન્મતા જ સાપના કણાની જેમ ભાગવું પડશે
નહીં તો તીક્ષ્ણ આંખોથી વિંધાવું પડશે
શિકાર કરવો પડશે નહીતર, શિકાર બનવું પડશે
આ ખૂંખાર ટી-રેક્સનુ જંગલ છે સમજ્યો? અહીં જ બધા જ પ્રેડેટર.
અને એટલું ખાસ યાદ રાખજે
કે અહીં બધા જ કોરા હાથ લઇને જન્મે છે છાણના પોદળામાંના કીડાની જેમ!

બત્રીસ લક્ષણો તું, ત્રીસી પાર કરતા તો
રોગિસ્ત દમિયલ થઇને
ઘરડા ડોબાની જેમ ખાંસતો ખાંસતો
લોહીના ગળફા કાઢતો થઇ જઇશ
અહીં તું ચમત્કારો નહીં કરી શકે, ફક્ત અકસ્માતો જ થશે
જિંદગી અકસ્માતોનું બીજુ નામ છે અહીં!

અને જો તું ખરો મર્દનો બચ્ચો હોય ને તો ઓરતનો અવતાર લઇને બતાવ!

ત્યાં સુંવાળા ટોપલામાં વરસાદથી બચવા શેષનાગની છત્રી હતી નહીં?
અહીં ધોધમાર વરસાદમાં ધ્રૂજવું પડશે, ગંદી ગટરોમાં ગબડવું પડશે
અરે, કુમારી બનતા પહેલા તો કૌમાર્ય લૂંટાઇ જશે
દૈત્યો અને દુષ્ટોનો બહુ સંહાર કર્યો છે ને? અહીં આ કાળઝાળ બાજોના પંજામાંથી છટકી જો?
રહેંસી નાખશે તને, જીવતા જીવત ફાડી ખાશે
તારી નગ્નતાને ચૂંથશે અને ચૂંથાવશે, એક દિવસ માટે નહીં, પણ સેંકડો હજારો દિવસો સુધી

તારી યાચના અને યાતના સાંભળવા ચાલીના પત્થરો પણ નવરા નહીં હોય
તારી કોખમાંના પાંગરતા ગર્ભને તારે તારી જાતે જ બહાર ખેંચી કાઢવો પડશે
સૂક્કા કૂવા જેવી લાગણી વિહીન આંખો લઇને
તારે હસવું પડશે ને હસાવવું પડશે, નાચવું પડશે ને નચાવવું પડશે
તારા એ અચેતન દેહના ઉકરડામાં દુનિયા ભરની ગંદકી ભરવી પડશે
સત્તર વર્ષમાં તો તું સિત્તેર વર્ષ જીવી જઇશ અને આટલું ફાસ્ટ જીવતા તને નહીં આવડે…!

અને અખંડ બ્રહ્માંડનો સંચાલક તું, દાર્શનિક થઇ વિચારીશ
કે આ બધુ એક પાપી પેટનો ખાડો પૂરવા
તો સાંભળ,
પેટ પૂરવાની વાત તો બાજુએ રહી
પણ દિવાસ્વપ્ન જોવા માટે અહીં ઊંઘ પણ નહીં મળે સમજ્યો?
તું એક વખત અહીં જન્મી તો જો પછી અવતાર લેવાની ખો ના ભૂલી જાય તો મને કહેજે.

કિશોર પટેલ

દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
વે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

જલન માતરી

Posted by: Shabdsetu | જુલાઇ 25, 2012

“યસ, હી ઇઝ અવેક”

યસ, હી ઇઝ અવેક

રાત્રિના ભોજન પછી હું લેપ-ટોપ ઉપર મારું કામ કરવા લાગ્યો.  લગભગ નવ વાગ્યા હશે.  મને ધીમે ધીમે ઓડકાર આવવા લાગ્યા, સાથે સાથે છાતીના વચ્ચેના ભાગમાં થોડો દુખાવો પણ થવા લાગ્યો.  દુખાવો સામાન્ય હતો, અસહ્ય ન હતો.  દસ-બાર મિનિટ પછી ઓડકાર અપચાના હશે એમ વિચારી અડધી ચમચી ઇનો (ENO) પાણીમાં લીધો.  બેડરૂમમાં જઈ બે-પાંચ મિનીટ આરામ કર્યો પણ કાંઈ ફેર પડ્યો નહીં.  બીજી અડધી ચમચી ઇનો પીધો છતાં ઓડકાર કે દુખાવામાં ફેર પડ્યો નહી.  દુખાવો ફ્ક્ત છાતીના વચ્ચેના ભાગમાં જ હતો.  શરીરના બીજા કોઈ ભાગમાં ન હતો.

મારી પત્ની હસુ સાથે બેઝમેન્ટમાં જઈને અમે બે વખત બ્લડપ્રેસર માપ્યું. (૧) ૧૬૭/૯૯ (૨) ૧૬૩/૯૭ આવ્યું.  સામાન્ય રીતે મારુ બ્લડપ્રેસર સિસ્ટોલિક (Systolic) ૧૩૦થી નીચે અને ડાયોસ્ટોલિક (Diastolic) ૮૦થી નીચે રહેતું.  આજે વધારે આવ્યું એટલે થોડી ચિંતા થઈ પરંતુ આવી વધઘટ, ચડઊતર ડિજિટલ મીટર ઘણી વખત બતાવતું હોય છે.  અમે બંને ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા. હું પગથિયાં પૂરી સરળતાથી ચઢ ઉતર કરી શકતો હતો.  સ્વસ્થપણે હાલીચાલી શકતો હતો.  પૂરી સભાન અવસ્થામાં વાતચીત કરતો હતો.  શું કરવું તે સમજાતું ન હતું.

વીસ-પચ્ચીસ મિનિટ પસાર થઈ ગઈ હશે. હવે ઓડકાર અને દુખાવાની સાથે સાથે કપાળ અને માથાની ફરતે થોડો ઘણો પરસેવો પણ થવા લાગ્યો.  જોકે મને ગભરાટ થતો ન હતો.  કપાળનો થોડો ભાગ સહેજ ભારે લાગતો હતો.  ઊલટી કે બીજી કોઈ જાતની તકલીફ પણ ન હતી.  મને કોઈક વખત ભૂખે પેટે અથવા તો વધારે જમ્યો હોઉં ત્યારે ઓડકાર આવતા પરંતુ આજે હું વધારે પડતું જ્મ્યો પણ ન હતો.  આ રીતે પહેલાં કદી ઓડકાર સાથે છાતીમાં દુખાવો પણ થયો ન હતો.  ત્રણ દિવસ પહેલાં, રવિવારે બપોરે, સખત ગરમીમાં એકાદ કલાક ક્રિકેટ રમ્યા બાદ આ રીતે થોડા ઓડકાર સાથે દુખાવો થયો હતો. પરંતુ પાણી પીવા બાદ દશેક મિનિટમાં શરીર યથાવત થઈ ગયું હતું.

ઘરમાં હું, મારી પત્ની દીકરો અને વહુ હતા.  પૌત્રી સૂતી હતી.  હૉસ્પિટલમાં જવું કે ન જવું, કાર લઈને જવું કે એમ્બ્યુલન્સ બોલાવવી એની ચર્ચા વિચારણા દરમ્યાન મેં જ નિર્ણય લઈ લીધો: “આઈ થીંક ધીસ ઈઝ હાર્ટએટેક, લેટ્સ કોલ ઍમ્બ્યુલન્સ.”  હસુએ ૯૧૧ નંબર જોડ્યો.  થોડી વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. ઍમ્બ્યુલન્સ સેવકે મને છાતીમાં દુખાવાના દર્દની માત્રા પૂછી.  દશમાથી ૬-૭ જેટલી લાગતી હતી.  તુરત ઇસીજી ટેસ્ટ (electrocardiogram) કર્યો, ગ્રાફ જોઈને ડિક્લેઅર કર્યું: “યુ આર હેવીંગ અ હાર્ટ અટેક.”  જલ્દીથી જીભની નીચે ટેરવા આગળ નાઇટ્રોગ્લિસરીનના બેત્રણ સ્પ્રે આપ્યા.  એક ચૂએબલ ઍસ્પિરિન ખવડાવી, ઑક્સીજનની ટ્યૂબ નાકમાં મૂકતાં મને કહ્યું: “ડોન્ટ વરી, યુ આર ઇન ગુડ હેન્ડઝ.”

ઍમ્બ્યુલન્સના એક સેવકે મારો હેલ્થ કાર્ડ લીધો.  ટ્રીલીયમ હૉસ્પિટલના એક ઓન કોલ ડોક્ટરને, જેઓ એમના ઘરે બેઝબોલ ગેમ જોતા હતાં, ફોન કરી મારા હાર્ટએટેકની વિગતો આપી.  એમ્બ્યુલન્સ મને અને હસુને લઈને સ્ટ્રીટલાઇટના ઝાંખા પ્રકાશ અને આસપાસના અંધકારને ભેદતી પૂરજોશમાં દોડી રહી હતી. થોડા થોડા સમયે ઍમ્બ્યુલન્સ સેવક દુખાવાના દર્દનું પ્રમાણ પૂછતો હતો.  દર્દ હવે થોડું ઓછું થયું હતું.

હૉસ્પિટલ પહોંચતા જ મને સીધા ઓપરેશન થીયેટરમાં લઈ ગયા.  ડોક્ટર આવી ગયા હતાં.  મને સહેજ પણ ગભરાટ ન હતો.  હું સભાનપણે અન્ય મેડિકલ સેવકોના માર્ગદર્શનને અનુસરતો હતો.  “યુ આર ઇન ગુડ હેન્ડઝ.”  એ શબ્દો વારંવાર મારા મનમાં ગૂંજતા હતાં.  મને ખાતરી થઈ ગઈ હતી કે જે હૃદય ઉપર હુમલો થયો છે તેનું રક્ષણ કરવા શસ્ત્ર સજ્જ હાથો પહોંચી ગયા છે.

હૃદય ને લોહી પહોંચાડતી બે આર્ટરિઓ બ્લોક હતી.  એક 100 ટકા અને બીજી ૮૦-૯૦ ટકા જેના કારણે મને હાર્ટએટેક આવ્યો હતો.  ત્રણ દિવસ પહેલાં ક્રિકેટ રમ્યા બાદ આવી જ રીતે થયેલા મંદ દુખાવાની વાત ડોક્ટરને જણાવી.  ડોક્ટરના માનવા મુજબ હૃદયરોગના હુમલાની શરૂઆત ત્યારે જ થઈ ચૂકી હતી.  એ પહેલો સંકેત હતો.

ડોક્ટરે મને એંજિઓપ્લાસ્ટીની (angioplasty) પ્રોસેસ વિષે વિગતવાર સમજાવ્યું.  પગની જાંઘ (groin) અથવા હાથના કાડાં (wrist) આગળથી નાનું સરખું કાણું પાડી, તે ભાગને ફ્રીઝ કરી, દરદીને બેભાન કર્યા વગર એક અત્યંત પાતળી ફ્લેક્સીબલ ટ્યૂબ, ફૂલાવ્યા વગરના બલૂન સહીત આર્ટરિમાં નાખીને જ્યાં બ્લોકેજ હોય ત્યાં લઈ જઈને બલૂનને ફૂલાવવામાં આવે છે અને એ જગ્યાએ એક સ્ટેન્ટ (stent), નાની જાળીવાળી ટ્યૂબ મૂકવામાં આવે છે, જેને લીધે આર્ટરિ પહોળી બને છે.  મેં સભાનપૂર્વક આ આખી પ્રક્રિયા વિડીયો સ્ક્રીન ઉપર જોઈ.  હું મનમાં વિચારતો હતો કે આ આધુનિક કોમ્પ્લીકેટેડ કાર્ડિયાક ટેકનોલોજીએ કેટલાંને જીવતદાન બક્ષ્યું હશે!  શું વિજ્ઞાન વિધિના લેખ ખોટા કરી શકે?!  રાત્રે ઇમરજન્સીમાં ઘરથી દોડાવવા બદલ મેં મારા ડોક્ટર દેવદૂતની માફી માગી ને ખરા અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો.  ખરેખર, આ દેવદૂત જીવનદાન આપવા આવ્યો હતો.

હસુ અને દીકરો હિરેન વેઇટિંગરૂમમાં વ્યાકુળતાથી ડોક્ટરની પ્રતીક્ષા કરતા હતા.  હસુ સાથેની વાતચીત હસુના શબ્દોમાં: – કાર્ડિયાક સેન્ટરના વેઇટિંગ રૂમમાં લગભગ બે અઢી કલાકથી હું અને હિરેન બેઠા હતા.  સમય જ્લ્દી જતો ન હતો.  એક એક પળ મિનિટ જેવી લાગતી હતી.  અણધાર્યા અનુચિત સમાચાર ડોક્ટર પાસેથી ના મળે એવી પ્રાર્થના કરતા અમે બન્ને ચૂપ થઈને બેઠા હતા.  વારે ઘડીયે મારુ અધીર મન ઓપરેશન થીયેટરમાં પહોંચી જતું હતું અને મનઘડિત કાલ્પનિક ભયથી બેચેન બનતું હતું.  મનને થોડી શાંતિ હતી કે મનુ આધુનિક એક્ષ્પર્ટોની છત્રછાયામાં છે.

દોઢ વાગ્યાની આસપાસ ડોક્ટર બહાર આવ્યા. મારા હ્રદયના ધબકારા વધવા માંડ્યા. મારી પાસે આવીને બોલ્યા: “મિસિસ પટેલ, વી પર્ફૉર્મડ કોરોનરી એન્જીઓગ્રાફી ઓન યોર હસબન્ડ એન્ડ ફાઉન્ડ ધેટ ફ્રન્ટ આર્ટરી ઇઝ કમ્પ્લીટલી બ્લોક્ડ, સો વી ડીડ એન્જીઓપ્લાસ્ટી એન્ડ પુટ અ સ્ટેન્ટ ઇન ધેટ આર્ટરી.  બ્લોકેજ ઇન અનધર આર્ટરી ઇઝ એબાઉટ ૮૦ તો ૮૫%.  વી વિલ ડુ એન્જીઓપ્લાસ્ટી વિધિન ટુ-થ્રી ડેઝ.  ઇટ ઇઝ ગુડ ધેટ યુ કૉલ્ડ ૯૧૧ રાઇટ અવે એન્ડ બોટ હીમ હીયર ઇન ટાઈમ.  હીઝ હાર્ટ હેસ સફર્ડ માઇનર ડેમેજ ઓન્લી.”  મને સંતોષ થયો.  ખૂબ નિરાંત થઈ. યમદૂતને ભગાડનાર, એ અવ્વલ ઇન્સાનનો હ્રદયપૂર્વક આભાર માનતા મે પૂછ્યું: “કેન આઈ સી હીમ, ઇઝ હી….?”, એમણે સ્મિત સહિત વાક્ય પુરુ કર્યું: “યસ, હી ઇઝ અવેક.”

સજાગ આ વાંસ, ઠાંસીને લીલથી ભરેલી હતી
બલૂનથી ફૂંક મારી, સંગીત કોક આપી ગયું

મનુ ગિજુ

Posted by: Shabdsetu | જુલાઇ 5, 2012

ફકત તું જ રબ છે

ફકત તું જ રબ છે

બધા આ  સબબ છે
ફકત તું જ રબ છે

ઝુકેલા  નયન છે
શરમ છે અદબ છે

હ્ર્દયમાં છે મૃગજળ
નયનમાં પરબ છે

નદીમાં  નહાતી
અમારી તરસ છે

નશાથી પલળશો
નજરનો કળશ છે

કદમને બચાવો
લસરતું મરક છે

કદીના લથડશો
‘વફા’ની સડક છે

‘વફા’ ને કહી દો,
ગઝલ આ સરસ છે

મુહમ્મદઅલી ભૈડુ “વફા”

તુઝમેં રબ દિખતા હૈ, યારા મૈં ક્યા કરું?
સજદે સર ઝૂકતા હૈ, યારા મૈં ક્યા કરું?

જયદીપ સાહની

Posted by: Shabdsetu | જૂન 16, 2012

ફાધર્સ ડે – પિતૃદિન

ફાધર્સ ડે – પિતૃદિન

આપણા ગુજરાતી સમાજમાં અને સાહિત્યમાં મા, બહેન અને ભાઇ વિષે ઘણું બધું લખાયું છે, કહેવાયું છે.  કવિઓએ મુકતકંઠે એમનાં ગુણગાન ગાયાં છે.  પણ પિતા વિષે બહુ આોછું લખાયું છે.  એનો અર્થ એવો નથી કે પિતાનું મૂલ્ય આપણા સાહિત્ય અને સમાજમાં ઓછું અંકાયું છે.  દરેક વ્યકિતને મન અને હૈયે મા અને બાપનું મૂલ્ય સરખું જ હોય છે.  આપણા પૂર્વજોએ યુગોથી માતા અને પિતાને એકસરખું મહત્ત્વ આપતાં ગાયું છે, ‘ત્વમેવ માતા, ચ પિતા ત્વમેવ…’માતાને વંદન ઘટે એમ પિતાને પણ વંદન ઘટે.

મા આજ સુધી ઘરની ચાર દીવાલો વચ્ચે રહેતી એટલે  બાળકને માના સંપર્કમાં આવવાનું વધું બનતું.  બાળકને મન મા એજ સર્વસ્વ હતી. મા પોતાનાં સંતાનોની પૂરી કાળજી લેતી એટલે બાળકોને મન માજ એનું સર્વસ્વ બની રહેતું.  બાપ રોટલો રળવા આખો દિવસ બહાર રહેતો એટલે એના બાળકોના સંપર્કમાં એ આોછો આવતો.  ભલે કહેવાય કે ‘મા એટલે મા, બીજા બધા વગડાના વા.’  કવિઓએ ભલે મુકત કંઠે ગાયું કે ‘જનનીની જોડ જગે નહિ જડે રે લોલ.’  સાચી વાત છે કે માની જોડ સારાય વિશ્વમાં કયાંય ન મળે.  પણ બા જટલાં જ પ્રેમ અને મમતા બાપને હૈયે પણ  હોય છે.  કોઇ  ભલે  મજાકમાં કહેતું  કે ‘બાપા એટલે બાનો પા ભાગનો પ્રેમ. હા, વાસ્તવમાં માને સંતાન માટે જેટલાં પ્રેમ, મમતા અને લાગણી હોય છે એટલાં બાપને કદાચ નથી હોતો. એનું કારણ આપણી સમાજ વ્યવસ્થા છે.  બા જીવન જીવવાનો મંત્ર આપતી રહે છે.  બાપ એ જીવનને સફળ બનાવવાના પાઠ શીખવતો રહે છે.  બાપ એનાં સંતાનોને એના કરતાં સવાયા બનાવવા હંમેશ ઝંખે છે.  કેટલાક એવા બાપ પણ હોય છે જે પોતાનાં સંતાનોના સુખ માટે પોતાના સુખની અને જીવનની કુરબાની આપે છે.  નાનપણમાં જે બાળકની મા ગુજરી ગઇ હોય છે તેવાં સંતાનોને મા અને બાપ બંનેનાં અવિરત પ્રેમ અને સાથ બાપ આપે છે.  સારાય  વિશ્વમાં એવા કેટલાય દાખલા જોવા મળે છે.  પરિણામે મધર્સ ડે જેટલો જ મહત્વનો ફાધર્સ ડે છે.  ફાધર્સ ડેની ઉજવણી બાપ પ્રત્યેનાં સંતાનોના પ્રેમ, લાગણી અને દેખભાળને નવાજવાના ઉત્તમ વિચારમાંથી અસ્તિત્વમાં આવી હતી.

અમેરિકામાં ફાધર્સ ડેનો આરંભ કયારે થયો એ વિષે જુદાં જુદાં મંતવ્યો છે.  કેટલાકને  મતે  એનો  આરંભ ૧૯૦૮માં વેસ્ટ વર્જિનિયામાં ચર્ચની પ્રાર્થનાથી થયો હતો.  કેટલાકના મતે અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા વૉશિંગ્ટન  રાજયના  વેનકુવર શહેરમાં એનો આરંભ થયો હતો.  ત્રીજા મત પ્રમાણે શિકાગોના લાયન્સ કલબના પ્રમુખ હેરી મીકના જન્મ દિનના નજીકના દિવસે ૧૯૧૫ના જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવેલ.  પરંતુ હકીકત એ છે કે અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા વૉશિંગ્ટન રાજયના સ્પોકાનેમાં ૧૯૦૯માં મિસિસ સોનોરા બી ડોડેએ (સોનોરા લુઇસ સ્માર્ટ ડોડે) ફાધર્સ ડેનો આરંભ કર્યો હતો.

એમના પિતા વિલિયમ જેકસન સિવિલ વૉરના લડવૈયા હતા.  એમનાં પત્ની મિસિસ સ્માર્ટે એમના છઠ્ઠા બાળકને જન્મ આપી એમનાં છ બાળકોની જવાબદારી ગામડામાં ખેતરમાં રહેતા મિ. સ્માર્ટને હવાલે સોંપી.  આ સંસારમાંથી પત્નીએ વિદાય લેતાં એ એકાકી વિધુર બાપે માવિહોણા છ બાળકોને માની જરાકે ખોટ ન પડવા દીધી અને બાળકો પર અગાધ પ્રેમ અને લાગણીનો ધોધ વર્ષાવી પૂરી સંભાળ સાથે જે  રીતે ઉછેર્યાં.  એનું મહત્ત્વ મોટી ઉમરે મિસિસ સોનોરા ડોડને સમજાયું હતું.  એક રવિવારે ચર્ચમાં ‘મધર્સ ડે’ વિષે પાદરીની વાત સાંભળતાં એમના પિતાના બલિદાન અને પરિશ્રમની કદર કરવા અને દરેક પિતાને સન્માનવા અને બહુમાન કરવા ફાધર્સ ડે ઉજવવાની હિમાયત કરી.

વિલિયમ જેકસન સ્માર્ટ જેવા પિતાનું સન્માન કરવા સ્પોકાનેના ચર્ચના પાદરી સમક્ષ એમના પિતાના જન્મ દિને એટલે કે જૂન પના રોજ ફાધર્સ ડે તરીકે ઉજવવા વિનંતિ કરી.  પણ એ દિવસ સુધી પૂરતી તૈયારી ન થતાં જૂન ૧૮, ૧૯૦૯ના રોજ ચર્ચમાં ફાધર્સ ડે સર્વિસ રાખવામાં આવી.  એ પછી મિસિસ સોનોરા બી ડોડેના પ્રયાસથી અને વૉશિંગ્ટન પાદરી એસોશિએશન અને તેમની  ય્મ્ચ્અ, સંસ્થાના સહકારથી જૂન મહિનાના ત્રીજા રવિવારે જૂન ૧૯, ૧૯૧૦ના રોજ સ્પોકાનેમાં ફાધર્સ ડે ઉજવી પહેલ વહેલાં ફાધર્સના જાહેર સન્માનનો આરંભ કર્યો.  ધીમે ધીમે ફાધર્સ ડેની ઉજવણી બીજા રાજયોમાં ફેલાતી ગઇ.  ૧૯૧૬માં પ્રેસિડન્ટ વુડરો વિલ્સને આ પ્રથાને અપનાવી.  ૧૯૨૪માં અમેરિકન પ્રેસિડન્ટ કેલ્વિન કુલીજે ફાધર્સ ડેને એક રાષ્ટ્રિય તહેવાર તરીકે ઉજવવાનું નકકી કર્યું. ૧૯૬૬માં પ્રેસિડન્ટ લિન્ડન જહોન્સને ફાધર્સ ડેને રાષ્ટ્રિય દિન તરીકે ઉજવવાના ખરડામાં સેનેટમાં સહી કરી ત્યારથી દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે રાષ્ટ્રિય દિન તરીકે ઉજવાય છે.

ફાધર્સ ડેના પ્રતિક તરીકે ગુલાબના ફૂલની પસંદગી કરવામાં આવી.  અવસાન પામેલા પિતા માટે સફેદ અને જીવંત પિતા માટે લાલ ગુલાબ પસંદ કરવામાં  આવે છે.  પિતા પ્રત્યેના પ્રેમને વાચા  આપતા અનેક પ્રકારના શુભેચ્છા કાર્ડ અને નાની મોટી ભેટ પિતાને આપવાની પ્રથા મધર્સ ડે જેટલી જ મહત્ત્વની બની છે.  ચર્ચમાં પિતા માટે ખાસ પ્રાર્થનાઓ અને કાર્યક્રમો યોજાય છે.  સંતાનો પિતાને રેસ્ટોરન્ટમાં જમવા લઇ જાય છે અથવા ઘર પાછળના યાર્ડમાં બાર્બેકયુની લહેજત સહકુટુંબ સાથે માણે છે. ‘હેપી ફાધર્સ ડે’ના શબ્દોથી પિતાને નવાજવામાં આવતાં પિતા અને સારું કુટુંબ ધન્યતા અનુભવે છે.  પિતા પ્રત્યેનાં પ્રેમ, લાગણી, આદર અને આત્મીયતા પ્રગટ થતાં કુટુંબનાં સર્વ સભ્યો માટે આ એક ભવ્ય અને મહત્વપૂર્ણ દિન બની જાય છે.  ઉત્તર અમેરિકામાં શરૂ થયેલ આ પ્રથા ધીરે ધીરે દુનિયાના બીજા દેશોમાં પ્રસરતી ગઇ.

પિતાનું મહત્ત્વ કુટુંબમાં ઘણું મોટું અને આદરણીય છે.  કુટુંબનો એ મોભ છે.  મોભ તૂટી પડતાં ઘર તૂટી પડે છે એમ પિતા વિનાનું કુટુંબ તૂટી પડે છે, વેર વિખેર થઇ જાય છે.  પ્રેમ, આદર, લાગણી વરસાવનાર કે સંભાળ લેનાર કાકા, મામા, માસા કે મિત્ર જે કોઇએ  પિતા તરીકે ભાગ ભજવ્યો હોય તે સૌનું ફાધર્સ ડેના દિવસે સન્માન કરવામાં આવે છે.  આ વર્ષે ફાધર્સ ડે જૂનની ૧૭ તારીખે છે.

ફાધર્સ ડે વિષે વિચારતાં મારા પૂજય પિતાજી મને યાદ આવી જતાં એ  મારી આંખ સામે રમી રહે છે.  કેવા નમ્ર, મહેનતુ, સેવાભાવી, પરગજુ અને ભગવાન રણછોડરાયના એ ભકત હતા!  પૂજાપાઠ કરતા રહ્યા અને ખૂબ પરિશ્રમ કરી કુટુંબનું ભરણપોષણ કરતા અમને પાંચે ભાઈઓને ભણાવ્યા, કોઈને એન્જિનિયર તો કોઈને પ્રોફેસર બનાવ્યા. ધન્ય છે એ  પિતાને!

જય ગજ્જર

જિન્દગીનો એ જ સાચેસાચ પડઘો છે ‘ગની’
હોય ના વ્યકિત ને એનું નામ બોલાયા કરે                                             

ગની દહીંવાળા

એક વર્ષ પહેલા – ફાધર્સ ડે – ફાધર્સ ડે
બે વર્ષ પહેલા – ફાધર્સ ડે – પટેલ બચ્ચો

સાંકળ મોકળ સિનિયર હોમમાં

કેવી મજા આપણ બેઉ, સાંકળ મોકડ રહીએ
સાંકળ મોકડ નવેસરથી ઘર ઘર રમતાં રહીએ

નાનો અમથો ઘરસંસાર, પણ કારભાર તો મોટો
ડોલરિયા દેશમાં આપણો રૂપિયો નીકળ્યો ખોટો

ત્યાંતો પહેલાં બંગલામાં રમતા સંતાકૂકડી
અહીં એક ઓરડામાં અથડાઅથડી ઝાઝી

ડાબે જમણે ઉપર નીચે ભીંતે સંઘર્યો સામાન
જે જોઈએ એ હાથવગું બધું લાગે બહું આસાન

વારાફરતી આગળ પાછળ ભઈ ડોક્ટરો બહુ દોડે
હોસ્પિટલો પણ હાથવગી ભઈ પીછો કદી ના છોડે

ઉપરથી માંદા પડવાની મજા મફતમાં માણીએ
ટગુમગુ પણ હરતાં ફરતાં નિત નવું કાંઈ જાણીએ

કાળા, ધોળા, પીળા સાથ, કઈ બોલીમાં કહુ હું કલામ
લંબાવી દોસ્તીનો હાથ, હાય બાય ને લટકતી સલામ

લોક ઉભરાય થોક થોક અહીં ચીપકાવી મહોરા
પણ ક્યાંયે નજરે ના પડે એ  ચિરપરિચિત ચહેરા

આવ્યા ને ગયા કેટલાં, ખોયા ને મળ્યા કેટલાં
થયા સ્થાનભ્રષ્ટ જેટલાં, ઊભા અડીખમ એટલાં

સાંકળ મોકડ નવેસરથી ઘર ઘર રમતાં રહીએ
એકલતાને સ્વતંત્રતા કહી મગરૂરીથી જીવીએ!

મધુરી ધનિક

આ મૂંગા શહેરમાં કોઈને કંઈ પુછાય નહીં
ને લાગણીના ચહેરાઓ ઓળખાય નહીં

જવાહર બક્ષી

Posted by: Shabdsetu | મે 14, 2012

માનું ભાથું

માનું ભાથું

જયશ્રી ક્રષ્ણ માય.

વર્ષો બાદ દેશ જઈ રહ્યો હતો.  સાંજે બન્ને સૂટકેશ અને હેન્ડબેગ લઈ એરપોર્ટ પર જવા નીકળ્યો.  માએ ભાથું ધરતાં કહયું: “દિકરા,  મેથીની ભાજીનાં થેપલાં સે અંદર, ભૂખો ની રેતો. બો લાંબી મુસાફરી કરવાની સે. પ્લેનનું ખાવાનું તો ભાવહે ઓની. થેપલાં ખાઈ લેજે.”

પ્લેનની અંદર પ્રવાસીઓની વચ્ચે થેપલાં ખાવાની શરમ લાગે એટલે  મેં ધડ દઇને ના પાડી દીધી.  પરંતુ માની ચિંતા દૂર કરવા મેં કહ્યું: “માય, તને ખબર તો ખરી કે પ્લેનમાં વેજીટેરીયન ખાવાનું તો મળે અને એજન્ટે ટિકિટની સાથે બુકીંગ કરાવી દીધું છે. જયશ્રી ક્રષ્ણ માય.  સવારે ને સાંજે દવા લેવાનું ભૂલીશ નહીં ને મારી જરા પણ ચિંતા ન કરીશ.”  માને હું તું  કહીને જ બોલાવું છું.

“હારુ દિકરા, ગામ હારી રીતે જાયને આવ.  ગામમાં બધ્ધાને મારી યાદ આપજે.  અઇયાં મારી, વોઉ અને પોઇરાંની વોરી નો કરતો. જયસી કસ્ન.”

એકાવન વર્ષની ઉમ્મર અને ત્રણ છોકરાંનો બાપ છું છતાં મા દશે દિશાએથી મારી કાળજી રાખે.  દિકરા શબ્દની અમૃતધારા હંમેશા વહે.  મને એમાં વહેતા રહેવાનું ખૂબ ગમે.

ટોરન્ટોથી સમયસર પ્લેન ઉપડયું.  એકાદ કલાક પછી જમણ આવ્યું.  ડીશમાં નોનવેજીટેરિયન  રસોઇ હતી.  ટ્રાવેલ એજન્ટની ભૂલ થઈ હતી.  વેજીટેરિયન ડીશની નોંધણી કરાવવાનું રહી ગયું હતું.  મારી વિનંતીથી એરહોસ્ટેસે તપાસ કરી પણ વધારાની વેજીટેરિયન ડીશ ન મળી.  મેં બ્રેડ બટરથી કામ ચલાવ્યું.  અર્ધભૂખ્યા પેટે માના થેપલાં યાદ કર્યા. હજી તો ખૂબ લાંબી મુસાફરી કાપવાની હતી.  પેલા થેપલાં લેવા માટે હવે કયાં જાઉં?

લંડનથી મારી સીટ બારી આગળ હતી.  મોટા ભાગના પ્રવાસીઓ ગુજરાતી લાગતા હતા.  હું મારી સીટની હરોળ નજીક પહોચ્યો.  મારી સીટની બાજુવાળી સીટ પરથી બે આંખો મારી તરફ ટગર ટગર જોયા કરતી હતી.  ચહેરા ઉપર કરચલીઓ ડોકિયાં કરતી હતી.  સિત્તેરની આસપાસની ઉમ્મરના લાગતા માજી એક હાથે સીટબેલ્ટ પકડી, વ્યાકુળ આંખોથી મૌન દ્વારા મને કંઈક કહી રહ્યા હતા.  હું સમજી ગયો એટલે એમને પૂછ્યા વિના જ મેં મદદ કરી.  ચહેરા પર ખૂશી સાથે એમણે મારા તરફ આભારની દ્રષ્ટીથી જોયું.  મેં મારી હેન્ડબેગમાંથી એક ગુજરાતી મેગેઝીન કાઢી, હેન્ડબેગ ઉપરના ખાનામાં ગોઠવી, હું મારી સીટ પર ગોઠવાયો.

એકાદ કલાક પછી જમવાની ડીશ આવી.  વળી પાછુ નોનવેજીટેરિયન. બાજુવાળા માજી પોતાની સાથે લાવેલા થેપલાં કાઢી ખાવા લાગ્યાં.  મારા મોંમાં પાણી છૂટવા લાગ્યું.  ફરી મને માના શબ્દો અને થેપલાં યાદ આવી ગયા.  કેકના એક ટૂકડા અને ઓરેન્જ જયુસથી પેટ ભર્યું.  પછી મેગેઝીનમાં ધ્યાનમસ્ત થયો.  માજીને મેગેઝીન તરફ જોતાં મેં જોયા અને અમારી નજર મળી. સહારારૂપ કંઇક હાથમાં આવે અને જેવી ખુશી થાય તેવી ખુશી ગુજરાતી મેગેઝીન જોઈને માજીના ચહેરા પર વર્તાતી હતી.

માજીએ મને પૂછ્યું: “ક્યોં જવાના છો ભઇ?”
મેં કહ્યું: “નવસારી”
“ક્યોંથી આયા છો?”

મેં ધારણાં કરી કે માજી ચરોતર બાજુના હોવાં જોઇએ.  વિદ્યાનગરમાં વિતાવેલું કોલેજ જીવન મને યાદ આવી ગયું.  તે સમયે ત્યાંના મિત્રો  જોડે વાતો કરતા, ચરોતરની તળપદી ભાષાના અમૂક શબ્દોપયોગ કરવાનો  અનેરો આનંદ આવતો.  ત્રીસ વર્ષો પછી એ આનંદ લૂટવાની તક ઝડપી.

ભાંગ્યુંતૂટયું જેવુ યાદ રહ્યું હતું તેવું ગબડાવ્યું: “ટોરન્ટોથી, તમે ક્યોંથી આયા છો?”
“બામટનથી”
“તમે કંઇના છો? ઓણંદના?”
“ઓણંદ મારું પીયર, ઓમ તો ઉં નડીયાદની ભઈ, તમે કશું ખાધું નહીં?”
“ચીકન, માછલી ખાતો નથી.  આ કેક્ને જ્યુસથી હેંડશે.  મુંબઈ ઉતરીને કશુંક ખઇ લઇશ”

માજી મને થેપલાંની ઓફર કરે તો કેવું સારુ!  મેં મોં મલકાવીને માજી તરફ બે એક વાર જોયું, પણ વ્યર્થ.  મારા નસીબમાંજ થેપલાં ન હતા. ફરી મને માના શબ્દો અને થેપલાં યાદ આવી ગયા.  હું માજી સાથે વાતે વળગ્યો.  કયાંક માજી પીગળી જાય અને મને થેપલાં ધરે.  અમારી વાતો ચાલતી રહી.  માજી ચાર ચોપડી ભણ્યાં હતાં.  ટોરન્ટો એમના દિકરાને ત્યાં દિકરો આવ્યો હોવાથી વિઝિટર તરીકે આવ્યા હતાં.  ચાર મહિના રહીને કંટાળી ગયા હતાં.  માજી કહેતા હતાં: “કેનેડામાં નહીં રહેવું, ભઇ, આતો જેલ છે જેલ” આગળ કહે: “મેં તો દીકરી જમઇને કીધું કે બધુ વેચીહાટીને આવતા રિયો આપણાં ગોમમાં, અંઇ કરતાં તો તોં હારું”

મુંબઈ ઉતરવાના એકાદ કલાક પહેલાં કસ્ટમ ડેકલેરેશનનું ફોર્મ ભરવાનું હતું.  માજીનાં ફોર્મમાં “ડેઇટ ઓફ એરાઇવલ”(date of arrival) ભરતો હતો ત્યારે મારાથી સહેજપણે બોલાઇ ગયું. “આજે છવ્વીસ ને શનિવાર”
“ના ભઈ, આજે તો સત્તાઇસ છે.” માજીએ મક્કમપણે કહ્યું.
“ના માજી, આજે છવ્વીસ.” મેં પણ એટલીજ મક્કમતાથી કહ્યું.
“ના ભઇ હોં, સત્તાઇસ છે.” માસીના અવાજમાં ચિંતા હતી.
મેં મુસાફરીના સમયની ગણતરી કરી બતાવી: “પચ્ચીસ ને શુક્રવારે આપણે ટોરન્ટોથી નેકળ્યાં’તાં કે નઇ?” મે મારા ઘડિયાળમાં તારીખ છવ્વીસની ખાતરી કરી લીધી અને માજીને પણ બતાવી.
આગળની હરોળમાં એક ગુજરાતી ભાઇ બેઠા હતા.  માજીએ એમનો હાથ ખેંચીને પૂછ્યુ: “આજે કઇ તારીખ ભઇ? સત્તાઇસને?”
“ના, છવ્વીસ” પેલા ભાઇએ કહ્યું.
“મેં નહો’તું કીધું કે આજે છવ્વીસ છે.” મારો વિજય થયો હોય તેમ મેં માજીને કહ્યું.
“શું કહો છો ભઇ, આજે સત્તાઇસ નઇ?” માજીનો અવાજ એકદમ ઢીલો પડી ગયો.  ચહેરો ચિંતાથી ઝાંખો પડી ગયો.  કપાળ ઉપર ગભરાટની રેખાઓ ઉપસી આવી.  શ્વેતબિંદુ દેખાવા લાગ્યા.

માજીએ એમનું પર્સ ફંફોળ્યું અને અંદરથી એક ચબરખી કાઢી મને આપી.  લખાણ ગુજરાતી અને અંગ્રજીમાં હતું.  મુંબઈના સંબંધીનું સરનામું તથા ફોન નંબર લખ્યા હતાં.

“જુઓ ભઇ, મારા દિકરાએ લખ્યું છે અંઇ સત્તાઇસના રોજ મુંબઇવાળો મારો જમાઇ એરપોર્ટ પર લેવા આવવાનો છે.  તમે કો છો આજે છવ્વીસ છે.  હવે મારું શું થશે?  મને મદદ કરશો ને ભઇ?  મને છોડી ન જતા ભઇ.  મને મારી દિકરી ને જમાઇ ભેગા કરજો ભઇ.  ભગવાન તમારુ ભલુ કરશે”. માજી એક શ્વાસે ગભરાટમાં બધું બોલી ગયા.

મનોમન મેં નક્કી કરી નાંખ્યું કે એમના જમાઇનો સંપર્ક સાધીનેજ હું એરપોર્ટ છોડીશ.

“ચિંતા ના કરશો. તમારા જમાઇને ફોન કરી દઇશું. તમને લેવા આઇ જશે. હું મદદનીશ બન્યો.
“તમે મારા દિકરા જેવા છો હોં ભઇ, ભગવાને જ તમને અહીં મોકલ્યા છે ભઇ.”
“ભગવાન સૌને મદદ કરે છે માજી. છોડોને એ ચિંતા” હું સલાહકાર બન્યો.
“તમે નઇ હોત તો મારું શું થાત?”
“શોના ગભરાવ છો? હું છું ને? મે હું ના?” હું શાહરૂખખાન બન્યો.
“મને છોડીને જતા નઇ ભઇ, તમે મારા દિકરા જેવા છો.”
“માજી, તમારા જમાઈના આવવા પહેલાં હું એરપોર્ટ નહી છોડું.
“ભગવાન તમારું, તમારા કુટુમ્બનું બહુ ભલું કરશે. પૂન લાગશે ભઇ.” એમના ચહેરા ઉપર થોડો સંતોષ દેખાયો.

સવારે એક વાગે મુંબઇ એરપોર્ટ પર ઊતર્યા.  માજીની વ્યવસ્થા વ્હીલચેર પ્રવાસી તરીકે કરવામાં આવી હતી.  એરપોર્ટ પર વ્હીલચેર મદદનીશને પણ માજીએ કહી દીધું કે આ ભઇ મારી જોડે જ આવ્યા છે, પરિણામે મારે કસ્ટમની લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર ન પડી.  અમે અમારી સૂટકેશો ટ્રોલીમાં ગોઠવી.  મેં વ્હીલચેર મદદનીશના મોબાઇલ ફોન પરથી માજીના જમાઇનો સંપર્ક સાધ્યો.  જમાઇ અગાઉથી જ એરપોર્ટ પર આવી ગયા હતા.  સાડા દશ કલાકનો તફાવત એટલે અહીં આપણાં દેશમાં સત્તાવીસ તારીખ થઈ હતી.

માજીને એમના દિકરી જમાઈ મળી ગયા.  માજીએ મને અમીભર્યાં નયને નજીક બોલવ્યો.  મારા હાથમાં નાનું પડિકું મૂકતાં કહયું:
“ભઇ, તમે મારા દિકરા જેવા છો.  થોડા મેથીની ભાજીનાં થેપલાં છે, તમે તો ક્યારના ભૂખ્યા છો!  રસ્તામાં ખાઈને પોંણી  પી લેજો.  જયશ્રી કૃષ્ણ”

મનુ ગિજુ

બા એકલાં જીવે
બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે …..
બા સાવ એકલાં જીવે                                                   
 
મુકેશ જોષી

એક વર્ષ પહેલા – મધર્સ-ડે – કોઈ આવે તો…
બે વર્ષ પહેલા – મધર્સ-ડે – મધર્સ-ડે

ટ્વેલ્વ ઓ’ ક્લોક: આઇ ગો નોક્સવિલ

૧૯૬૦ના દાયકાના છેલ્લાં વર્ષોમાં ગુજરાતના વિધાર્થીઓમાં અમેરિકા ભણવા જવાનો એક વાવડ શરૂ થયો હતો.  સ્ટૂડન્ટ વિઝા ઉપર ભણવા જવાનો એક રાફડો ફાટ્યો હતો.  કોલેજની લોબીઓમાં “મારુ આઈ ટ્વેન્ટી આવી ગયુ” નો હર્ષનાદ ગૂંજતો હતો.

ઓગસ્ટ ૧૯૬૯ની એક વહેલી સવારે હું વડોદરાના સ્ટેશન ઉપર, હારતોરાથી લદાયેલો, દુ:ખ, ભય, આનંદ, રોમાંચ એવી કેટલીયે મિશ્રિત લાગણીઓ અનુભવતો ઊભો હતો.  આટલા હારતોરા તો મેં મારા લગ્નમાં પણ પહેર્યાં નહોતા!  કદાચ આ જ હારતોરાએ, મને અમેરિકામાં શરૂઆતમાં પડેલી મુશ્કેલીઓથી લડતાં લડતાં, હારીને મેદાન છોડી, દેશ પાછા ફરતાં અટ્કાવ્યો હશે!

હું મુંબઈથી નીકળી, લંડન થઈને ન્યૂયોર્ક ઊતર્યો.  મારે ત્યાંથી હાર્ટફોર્ડ કનેક્ટીકટ, અમારા એક સંબંધીને ઘરે જવાનું હતું.  મારે ન્યૂયોર્ક એરપોર્ટ ઉપરથી એમને કલેક્ટ કોલ કરવો એવું જણાવવામાં આવ્યું હતું.  કલેક્ટ કોલ કરવો કેવી રીતે?  કોને પૂછવું?  કોને કહેવું?

મનમા વિચાર્યું, લાવ કોઈ યુનિફોર્મ પહેરેલા માણસને પૂછું.  એરપોર્ટ ઉપર ફ્લોર સાફ કરતા એક બ્લૂ યૂનિફોર્મ પહેરેલા ઊંચા, પડછંદ, કાળા માણસને ફોન નંબર બતાવી ઇશારતથી સમજાવ્યું કે મારે કલેક્ટ કોલ કરવો છે.  એ સમયે કાળા-ધોળા રંગની ખબર હતી; રંગભેદ કે રંગદ્વેષની ખબર નહોતી.  મગજની પાટી સાવ કોરી કટ હતી. આજે એના પર ઘણું બધું સાચું ખોટું લખાઈ ગયું છે.

“ડૂ યુ હેવ એ ડાઈમ?” તેણે સામો પ્રશ્ન કર્યો.  મેં તુરત ગજવામાંથી પરચૂરણ કાઢી હથેળીમાં ધરી દીધું.  ક્વાર્ટર, ડાઈમ, કે નિકલ ઓળખવામાં ગરબડ થતી હતી.  એણે એક ડાઈમ લઈને કલેક્ટ કોલ જોડી આપ્યો.

હાર્ટફોર્ડ, કનેક્ટીકટમાં હું એક અઠવાડિયુ રોકાયો. દરમ્યાનમાં હ્યૂસ્ટન, ટેક્સાસમાં રહેતા મારા એક મિત્રને ફોન કર્યો.  એક ફોન ઉપર હું સાંભળતો હતો; બીજા પર માર સંબંધી.  એ મિત્રે મારા સંબંધીને કહ્યું કે હું નોક્સવિલ, ટેનેસી બપોર સુધીમાં પહોંચી જાઉં એ રીતે મને બસમાં બેસાડી દે.  અને મને કહ્યું કે બસ સ્ટેન્ડ ઉપરથી, ટેલિફોન ડિરેક્ટરીમાં જોઈને કોઈ પટેલ કે શાહને ફોન કરજે, તને આવીને લઈ જશે અને બધી વ્યવસ્થા કરશે.  એ સમયે દેશી ભાઈઓમાં એક્બીજા પ્રત્યે કેટલો આત્મવિશ્વાસ હતો!

રાત્રે અગિયાર વાગ્યે મને હાર્ટફોર્ડથી ગ્રેહાઉન્ડ બસમાં બેસાડ્યો.  રાત્રે ત્રણ વાગ્યે મારે ન્યૂયોર્કથી બીજી બસ બદલવાની હતી જે બપોરે બાર વાગે મને નોક્સવિલ  પહોંચાડવાની હતી.  બરાબર તપાસ કરી,  ડ્રાઈવરને પૂછીને હું મળસ્કે ત્રણ વાગ્યે નોક્સવિલ જતી બસમાં ચઢ્યો.  બધુ સમયસર બરાબર થયું.  બસ ફૂલ સ્પીડમાં દોડતી હતી અને હું બાર વાગવાની રાહ જોતો ગ્રેહાઉન્ડ બસમાં બેઠો હતો.  બાર થયા, સાડા બાર થયા, એક થયો પણ બસ ઊભી જ ન રહે.  ઊભા થઈ, ભાંગી તૂટી ઇંગ્લિશમાં, બસ ડ્રાઇવરને ઘડિયાળ બતાવી મેં કહ્યું, “ટ્વેલ્વ ઓ’ ક્લોક: આઇ ગો ક્નોક્સવિલ.”  વડોદરા યુનિવર્સિટીમાં ઇંગ્લિશ માધ્યમમાં ભણ્યા હોવા છતાં ઇંગ્લિશ બોલતાં પૂરું આવડતું નહોતું.  ગુજરાતમાંથી આવતા ઘણાં વિધાર્થીઓની આજ મોટી મુશ્કેલી હતી.  ગુજ્જુભાઈઓ ઇંગ્લિશને લીધે માર ખાઈ ગયા.

બસ ડ્રાઇવરે સહેજ હસીને કહ્યું “વી વીલ રીચ નોક્સવિલ એટ ટ્વેલ્વ ઓ’ ક્લોક, મિડનાઇટ!” આ સાંભળીને મારા તો મોતિયા મરી ગયા.  ગભરાટ અને નિરાશાથી હું સાવ ઢીલો થઈ ગયો.  હવે શું કરવું?  સીટ ઉપર પાછો ફરીને થોડી વાર સુધી રડતો રહ્યો.  રાતના બાર વાગ્યે, એક અજાણ્યા શહેરમાં?  હવે શું થશે?  હું ઠંડોગાર થઈ ગયો.  ગજવામાં ફ્ક્ત થોડા ડોલરની હૂંફ હતી.

હું વડોદરામાં હતો ત્યારે યુનિવર્સિટી ઓફ ટેનેસીમાં એડમિશન મળ્યા બાદ રાજ મહેતા નામના એક સિનિયર સ્ટુડન્ટનો ‘વેલકમ’ કરતો પત્ર મળ્યો હતો.  પત્ર ઉપર ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ હાઉસનું એડ્રેસ તેમજ ફોન નંબર હતા.  આ સાથે યુનિવર્સિટીની ઓફિસ ઓફ એડમિશનમાંથી થોડી લેખિત માહિતી, જાણકારી, પણ મળી હતી જેવી કે જો તમે પ્લેનમાં કે બસમાં આવો તો ક્યાં અને કેવી રીતે વાય એમ સી એ માં પહોંચવું.  હું આ બધી માહિતી ત્રણ ચાર વાર વાંચી ગયો.  છેવટે ‘પડશે એવા દેવાશે’  એમ વિચારી મનોમન હિંમત ભેગી કરી બેસી રહ્યો.

બસ ફૂલ સ્પીડમાં દોડી રહી હતી.  એકાએક મારા મનમાં વિચાર આવ્યો કે લાવને પેલા ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ હાઉસના ફોન નંબર ઉપર ફોન કરું.  બસ જ્યારે રોનોક, વર્જિનિયા ઊભી રહી ત્યારે મેં કલેક્ટ કોલ જોડ્યો.  હવે મને કલેક્ટ કોલ કરતા આવડી ગયું હતું.

ઓપરેટર નંબર જોડીને સામે છેડે હજી તો પૂછે છે કે “વિલ યુ એક્સેપ્ટ ધ ચાર્જ?” એ પહેલાં તો હું ગભરાયેલો દેશીભાઈ જ્લ્દીથી બોલી પડ્યો કે, “આઇ એમ કિશોર પટેલ, કમિંગ બાય ગ્રેહાઉન્ડ બસ, ટ્વેલ્વ ઓ’ ક્લોક, મિડનાઇટ ટુ ડે!”  ઓપરેટર મને રોકતી ઠપકારતી રહી કે ચાર્જ એક્સેપ્ટ થાય પછી જ વાતો કરી શકાય.  ફરી ઓપરેટરે ફોન જોડ્યો પણ સામે છેડે એક્સેપ્ટ ના થયો એટલે મને પૈસા નાખીને ફોન જોડવા કહ્યું.  બસ ઉપડવાની તૈયારીમાં હતી એટલે હું દોડીને તુરત બસમાં બેસી ગયો.

રાતના બાર વાગ્યે નોક્સવિલ આવ્યું.  મારે તો હવે ટેક્સી કરીને વાય એમ સી એ માં જવાનું હતું એટલે ગભરાતા ગભરાતા બસમાંથી હું છેલ્લે ઊતર્યો.  ત્યાં જ એક દેશીભાઈએ આવીને શેક હેન્ડ કરતાં પૂછ્યું, “આર યુ કિશોર પટેલ?”  મેં માથુ નમાવીને ‘યસ’ કહ્યું.  પેલા ભાઈ આગળ બોલ્યા, “આઈ એમ રાજ મહેતા, કિશોર, યુ આર રિયલી સ્માર્ટ, યુ સી આઈ કેનનોટ એક્સેપ્ટ યોર કલેક્ટ કોલ બિકોઝ વી હેવ અ પબ્લિક ફોન ઇન ધ ઇન્ટરનેશનલ હાઉસ. બટ યુ સી, યુ ગેવ મી ધ મેસેજ, યુ આર રિયલી અ સ્માર્ટ ગાય!”

હું મનમાં વિચારતો હતો કે આ ગાય જેવા ગરીબડા ગુજ્જુભાઈને પૂરું ઇંગ્લિશ બોલતાં આવડતું નથી તો સ્માર્ટ થતાં તો ક્યાંથી આવડે?  દેશીભાઈ ગભરાઈ ગયેલા એટલે  ઉતાવળમાં ફોન ઉપર “આઇ એમ કિશોર પટેલ, કમિંગ બાય ગ્રેહાઉન્ડ બસ, ટ્વેલ્વ ઓ’ ક્લોક, મિડનાઇટ ટુ ડે!” એવું બોલી ગયા અને એના સારા નસીબે એ સમયે મહેતા સાહેબ ઇન્ટરનેશનલ હાઉસમાં તમે જ ફોન ઊંચક્યો!   આ બધી ઉપરવાળાની લીલા છે!

રાત રાજ મહેતાને ત્યાં ગાળી. સવારે એમણે દૂધમાં રેઝીનબ્રાન સીરીયલ અને કેળા નાખીને બ્રેક્ફાસ્ટ કરાવ્યો.  ત્યાર બાદ મને ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ હાઉસમાં લઈ ગયા.  હું વહેલો આવી ગયો હોવાથી થોડા દિવસ માટે મારી રહેવાની વ્યવસ્થા ડોર્મિટરી-હોસ્ટેલમાં કરી હતી.

આ દિવસો દરમિયાન હું કેફેટેરિયામાં જમતો હતો.  મોળું મોળું અને બાફેલું ખાવાનુ, મને સહેજ પણ ભાવે નહીં પણ શું કરું?  પોટેટો ચિપ્સ અને સિંગદાણાથી પેટ ભરતો હતો.  અમારા જેવા નવા આવેલા હોમસિક દેશી ભાઈઓ ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ હાઉસમાં ભેગા મળતાં, પોતાના દુ:ખડાં રડતા અને દરરોજ નવું નવું કાંઈક શિખતાં.  નવા આવેલા દેશી ભાઈઓ સૂટ પહેરીને ફરતાં હોવાથી, તેમજ તેમની વાતચીતની ઢબથી તુરત ઓળખાઈ જતાં.  એક દિવસ બ્લુ જીન્સમાં જગદીશભાઈ મળ્યા.  મને પૂછ્યું, “દેશી ગુજરાતી છો? વેજિટેરિઅન?” મેં હા કહી તો કહે “આજે સાંજે છ વાગ્યે મને અહીં જ મળજો. મારા ઘરે જમવા લઈ જઈશ.

સાંજે એમને ત્યાં જમ્યો.  દેશ યાદ કરાવે એવી ખીચડી, કઢી અને બટકાનું શાક!  એ ખીચડીનો સ્વાદ આટલાં વર્ષો પછી પણ મારા મોંમાં રમે છે.  આજે એ જગદીશભાઈ ક્યાં હશે એની મને ખબર નથી પરંતુ હું જગદીશભાઈને કદી ભૂલ્યો નથી.

ત્યાર બાદ હું જ્યાં સુધી નોક્સવિલ, ટેનેસીમાં રહ્યો ત્યાં સુધી દર વર્ષે નવા આવેલા દેશી વેજિટેરિઅન ભાઈઓને ઘરે લઈ જઈને જમાડતો રહ્યો.

કિશોર પટેલ.

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં                               

રમેશ પારેખ

Posted by: Shabdsetu | એપ્રિલ 10, 2012

નિસર્ગ અને અમે

નિસર્ગ અને અમે

કાકાસાહેબ કાલેલકર ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકમાં લખે છે, ”આ દુનિયામાં જો કંઈ શાશ્વત હોય તો તે છે ભૂતકાળ.  પણ ભૂતકાળમાં પાછા જવા માટે ભૂત જેવા અવળા પગ જોઈએ!”

સવળા પગ સાથે અવળુ ચાલવાના પ્રયોગો અમે કરતા તે ભૂતકાળની આ વાત છે.  ગામડાનું અમારું એ વિશ્વ સવારની તાજગીથી ભર્યું ભર્યું હતું.  વિસ્મયના અશ્વને સાહસની પાંખો ફૂટે એ ઉંમર હતી.  પુસ્તકોમાંની કવિતાઓ તો અમે પછી ભણ્યા.  એ પહેલાં તો નિસર્ગનાં અદ્ભુત કાવ્યો જ જીવવા માંડેલા.  તારા બની રાત આખી ટમટમવાની, વરસાદનાં ફોરાં બની શ્રાવણી મધ્યાન્હે ઝરમરવાની ને પંખી બની નિરાતે કલરવવાની કલ્પનાઓમાં મન રાચ્યા કરતુ.  પ્રકૃતિના સામીપ્યે અમારા જીવન ઘડતરને એક વિશિષ્ટ આયામ આપ્યો છે.

પચાસેક વર્ષો પહેલાંના ગ્રામ્ય પરિવેશમાં ધબકતા સુખાનુભૂતિના એ દિવસોની સ્મરણપટ પર અંકાયેલી યાદો અમારા ભાવવિશ્વનો એક મૂલ્યવાન હિસ્સો બની ગઈ છે.  જીવન વહેતું જાય છે તેમ જગતની ઠોકરો ખાતું ખાતું સંવેદન તંત્ર એવું તો બધિર બની જાય છે કે જીવનના સુક્ષ્મ આનંદોના તરંગો ઝીલવાનું સામર્થ્ય જ ગુમાવી બેસે છે.  પછી તો વિશાળ આવાસો અને આધુનિક સગવડોના મોઘાદાટ આનંદો ય અલ્પજીવી નીવડે છે!

સુમસામ વગડાના સાત્વિક સ્વરૂપે અમને જબરજસ્ત મોહિની લગાડેલી.  માનવીની દુર્વૃત્તિઓનો પડછાયો ન પડ્યો હોય તેવી ભૂમિનું દૈવત કંઈક ઓર હોય છે. પ્ રવાસ લેખિકા પ્રીતિ સેનગુપ્તા લખે છે:રણની રેતીનાં મસૃણ આકારોમાં, જંગલોની હરિત-શ્યામ ગીચતામાં અને સાગરની કિનારે પહોચતી કોઈ છાલકમાં એટલી જ દૈવી ઉપસ્થિતિ છે જેટલી કે આપણે હિમાલયનાં ઊંચાં શિખરો પર આરોપીએ છીએ.” 

એ દિવસોમાં ઘરની પાછળનાં ખંડિયેરોને સ્પર્શતા લીલાંછમ ખેતરો અનંત ફલક પર વિસ્તરતાં.  માનવવસ્તીથી દુર, ખેતરોના લહેરાતા પાક, ઢાળિયાનાં ખળખળ વહેતાં પાણી, ઘટાદાર ફળાઉ વૃક્ષો, હોલાના ગળામાંથી ઘુંટાઈને આવતું ઘુઘુઘુ, તેતરનાં ટોળાંની દોડાદોડ અને આકાશમાં સમડીના ચકરાવા વચ્ચે વહેતી અમારી બપોર.  વચ્ચે વચ્ચે લેલાંની તોફાની ટોળી ધમાલ મચાવી જતી કે પોપટ- સૂડાની ગેંગ કોઈ શરારત કરીને પલાયન થઇ જતી.  લહેરી જુવાન જેવો લીમડો, ખાનદાન પરિવારની ગૃહિણી જેવી રાયણ, જડ જેવો બાવળ કે ઠરેલ ગૃહસ્થ જેવો આંબો, એ બધાં અમારાં સ્વજનો.  ગામના મુખી જેવા વડની અમે થોડી આમન્યા જાળવતા.  પાગલની જેમ ખડ ખડ હસતો પીપળો તો અમને દુર જ રાખતો.  ગમે ત્યાં ઉગીને ટકી રહેવાની એની પોતાની જીજીવિષા તો ખરી જ, સાથે યુગોથી ચાલી આવેલી સ્ત્રીજગતની તિતિક્ષા ય દોરા ધાગા બનીને તેના થડે વીંટળાતી.  એક પગ પર ઉભેલા ઋષિની જેમ આ વૃક્ષો આકાશગમ પોતાની ડાળીઓ ફેલાવી જાણે કે ઈશ્વરને અર્ધ્ય અર્પતાં અને સતત ઈશ્વરસ્તવન કરતાં.

ધોમ ધખતા તાપમાં રચાયેલા પ્રકૃતિના માંડવે અમને આહલાદક શાંતિનો અનુભવ થતો.  અનંત વિશ્વના કોઈ ખૂણેથી આવતાં સંવેદનો અમારા અંતરને શીતળતા બક્ષતાં.  કદાચ, નજીકમાં તથાગત બુદ્ધ જેવા કોઈ મહાત્મા ધ્યાનસ્થ હોય કે પછી કોઈ ગરીબ ખેડુનું ખેતર સાચવવા ઈશ્વરનો ફરિશ્તો ઉભો હોય. અન્યથા આવી અને આટલી શાંતિ સંભવે શી રીતે?

વસંત અમારી પ્રિયતમ ઋતુ.  એનાં પગલાં અમને ઇજન આપે; અમારાં હૃદય થનગનાટ અનુભવે.  આંબાની ડાળે મૉર બેસે ને આમ્રકુંજોમાંથી કોયલના ટહુકા વહેતા થાય.  મન નાચી ઉઠતું કે કાચી કેરીમાં જીરું અને મીઠુ- મરચું નાંખીને ખાવાના ખાટા, મીઠા ને તીખા દિવસો આવી રહ્યા છે!

ઘરના આંગણે આવતી પેલી લંગડી કાબરનો ઠસ્સો પણ ક્યાં ઓછો હતો!  વાડાના લીમડા પર રોજ રાત્રીનિવાસ માટે આવતા બગલાનાં આસમાની ઝાંયવાળા ઈંડાં તો મોટેભાગે નીચે પડીને તૂટી જતાં.  સંધ્યાના રંગો, લીમડા પર ઉડાઉડ કરતા બગલાના ટોળાનો અવાજ અને વાડામાં ચૂલા પર મુકેલી ખીચડીની સુગંધ એ બધું સાથે મળીને અમારા કિશોર મનને તરબતર કરી દેતું.  બાપડાં પંખીઓ ક્યારેય ખોરાક મળ્યો કે ના મળ્યો તેની ફરીઆદ આપણને કરતાં નથી.  બીમાર હોય તોય એમની ખબર કોણ પૂછે?  ઝેરી જંતુનાશકોથી કાબર જેવાં ઘણાં પક્ષીઓનું નિકંદન નીકળી ગયું છે.  ઘણાં વૃક્ષો અને છોડ હવે ભાગ્યે જ જોવા મળે છે.  નાના શહેરમાં મળસ્કે જાવ તો ખબર પડે કે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં કેટકેટલાં વૃક્ષોની અડધી લટકતી લાશો પોતાનું વજન કરાવવાની રાહ જોતી ઉભી હોય છે!  ક્યાં સુધી આપણે સંતાનો જ માતા પ્રકૃતિના ચહેરાને આમ વેરાન બનાવતા રહીશું?  છતાંય, ધરતીના હૈયે શ્રદ્ધાના અંકુર, આશાની કુંપળો અને વાત્સલ્યની કળીઓ તો ફૂટતી જ રહે છે!

વીજળીએ આવીને ચાંદની રાતોનું અવમુલ્યન કરી નાખ્યું ના હોત તો ઉનાળાની અજવાળી રાતોની મઝા જ જુદી હતી.  સાંજે જમીને પરવારીએ એટલામાં તો પૂર્વાકાશે તેજની ટશરો ફૂટી નીકળે.  રાત ઢળતી જાય તેમ ચંદ્રમાના તેજપ્રભાવે આકાશ છવાતું જાય.  વડીલો થાક્યાં-પાક્યાં હળવી વાતોમાં પરોવાય. ચંદ્રનાં તેજકિરણો પૃથ્વીને સ્પર્શે ને ફળિયાની ધૂળ પણ સોનેરી-રૂપેરી રંગે રંગાઈ જાય. ખુલ્લી હવા, નીરવ રાત્રી અને શીતલ ચાંદનીમાં અમે ઘરનાં નેવાં કે ઓશરીના પડછાયે ‘તડકો -છાંયો’ રમીએ.  આજે હવે ક્યાં શોધવું એવું ‘વૈભવી’ જીવન? ભૌતિક સગવડોના કળણમાં એવા તો ફસાયા છીએ કે નવી પેઢીનું બાળપણેય છીનવી લીધું આપણે.

શિયાળો ભારે ઠંડી લઈને આવતો.  પથારીમાંથી ઉઠવાનું મન જ ના થાય.  રાતના અંધારામાં જન્મેલાં ઝાકળ બિંદુઓ સૂર્યકિરણોના સ્પર્શે અલ્પજીવી નીવડતાં.  થીજી ગયેલી હવાનો હાથ પકડી, માઈલો દૂરથી પસાર થઇ રહેલી એક્ષ્પ્રેસ ટ્રેનનો મર્દાના ઘુઘવાટ અમને કહેતો જતો: ‘’ઉઠો ભાઈ, ઉઠો

કુદરતનો અભિગમ જુઓ.  પશુ-પંખીઓ ખોરાક સંઘરતાં નથી અને છતાં આપણા કરતા વધારે તંદુરસ્ત હોય છે.  એક વૃક્ષ બીજા વૃક્ષને પોતાની બાજુમાં ઉગવાનો અધિકાર આપી દે છે અને તેમને કદી કોર્ટે જવાનો દિવસ આવતો નથી.  સૂર્ય અને ચંદ્ર કદી એકબીજાની હરીફાઈ કરતા નથી જેથી કોઈ જીતતું નથી કે કોઈ હારતું પણ નથી.  સુનામી થકી મહાસાગરોનાં અથાગ જળરાશીને હચમચાવી નાખનાર પૃથ્વીને પોતાના પરીભ્રમણમાં અડધી સેકંડનોય ફેરફાર કરવાની છૂટ નથી!

‘શરીર-મન સ્વાસ્થ્ય’નાં ક્ષેત્રે યુરોપ અને નોર્થ અમેરિકામાં અગ્રણી ડો.દીપક ચોપરાના પુસ્તકોનો વિશ્વની ૩૫ ભાષાઓમાં અનુવાદ થયેલ છે.  તેમના પુસ્તક “સફળતાના સાત આધ્યાત્મિક નિયમો”માં તેઓ લખે છે: Spending time in Nature will also give you access to the qualities inherent in the field of all possibilities: Infinite Creativity, Freedom and Bliss.

તમને પણ નથી લાગતું કે પ્રકૃતિ પાસે પાછા જવાના દિવસો આવી પહોંચ્યા છે?

પોલ મેકવાન

ક્યાં ખોવાયુ બચપણ મારું ક્યાંક્થી શોધી કાઢો
મીઠા મીઠા સ્વપ્નાઓની દુનિયા પાછી લાવો
મોટર બંગલા લઇ લો મારા, લઇલો વૈભવ પાછો
પેન લખોટી ચાકના ટૂકડા મુજને પાછા આપો….મુજને પાછા આપો….     

કૈલાસ પંડિત

Posted by: Shabdsetu | માર્ચ 23, 2012

શેરબજાર

શેરબજાર  હસાવે,  રડાવે,  ચડાવે,  પડાવે,  ગબડાવે.
કોઈ અભાગિયાને ચૌદમે  માળથી કુદાવે કે પંખે લટકાવે.

ક્યારેક  કલાર્કમાંથી કોઈને કરોડપતિ બનાવે.
તો ઘણાને   કરોડપતિમાંથી  રોડપતિ બનાવે.

કોઈને ચાલીમાંથી ‘મઢુલી’માં મહાલતા બનાવે.
તો  ઘણા  મેન્શનવાળાને    ટેન્શનમાં  લાવે.

લેહમેને તો પુરેપુરી  દુનીયાની જ લગાડી દીધી વાટ.
ઘરડાઓને પણ ન છોડ્યા રવડાવીને કરાવી દીધો કકળાટ .

મુક્યાતા મ્યુચ્યુઅલ ફંડમાં, કે પાછળની જિંદગી સુધારશું .
લાખના થઈ ગયા બાર હજાર, ક્યાં ખબર હતી કે ધોવાઈ જઈશું.

જોબ છૂટ્યા, ઘર તૂટ્યા, ધંધા પડ્યા ને લાખો થયા હેરાન.
પૈસા કમાવાની આંધળી દોડમાં લોકોના જીવન થયા વેરાન.

ગાડરિયો પ્રવાહ જોઇને ‘મુસાફિર’ ને  વિચાર થાય.
લાંબા સાથે ટુંકો  જાય  મરે નહીં પણ માંદો થાય.

નિધીશ દલાલ ‘મુસાફિર’

મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

જવાહર બક્ષી

Greed is good.  Greed is right.  Greed works.  Greed clarifies, cuts through, and captures, the essence of the evolutionary spirit.

Greed, in all of its forms; greed for life, for money, for love, knowledge, has marked the upward surge of mankind.

Stanley Weiser and Oliver Stone

Posted by: Shabdsetu | માર્ચ 8, 2012

ફાગણ

ફાગણ

ધબક  ધબક ધબ  ઢોલ  બજાવ
છલક છલક  છલ   ધૂમ  મચાવે
અંગ   મરોડી    ઝમક    જમાવી
ફક્ક્ડ   ફાંકડો    ફાગણ    આયો

મદ   જોબન   ગુલાલ     ઉડાવે
રંગ     ભરી     પીચકારી    મારે
ચંચલ   કોમલ  મન   મલકાવી
ફક્ક્ડ   ફાંકડો    ફાગણ    આયો

મહેક    મહેકતી    મંજરી    ડાળે
કોકિલ      કુંજ    નિકુંજન     ટહુકે
સંગ   વસંત    સુવાસ   મિલાવી
ફક્ક્ડ    ફાંકડો   ફાગણ    આયો

રૂમઝૂમ    રૂમઝૂમ   રાસ   રમાડી
રુદિયે    રેલમ     છેલ     છલાવે
રાજ    કસુંબલ     રંગ    લગાવી
ફક્ક્ડ   ફાંકડો    ફાગણ     આયો

બાબુ પટેલ

દિલદડૂલો સમાલજે ગોરી
ફાગણવાયુ કમાલ છે હોરી
બા’ર જો ડોકાશે બારી ઉઘાડી
વાગશે કો’કના નેણની ગેડી!

બાલમુકુંદ દવે

Posted by: Shabdsetu | ફેબ્રુવારી 24, 2012

માંડ્ડો મારો હબાડ્ડો ગાંડો

માન્ડો મારો હબાડ્ડો ગાંડો

કે’ય કેટલુ ને કરે કેટલુ, માન્ડો મારો, હબાડ્ડો ગાંડો
કે’ય પાહેર ને ઢીંચે હેર, માન્ડો મારો, હબાડ્ડો ગાંડો

પૈહાની કમાણી ઓયની, ને વાત લાખે લાખની
ખાવહુ મરઘી માસલી કાલે, ડંફાહ હાંકે રોજની
બેન, ખા’યે રોજ રોટલો ને ચટની,
કે’ય હુ ને ખવળાવે હુ? માન્ડો મારો, હબાડ્ડો ગાંડો

પેલા બા’રવારાના હાથે હાથે ગીયુ એનુ ચહકી
ચણા પાપળના ચાખણા હાથે, ચાલુ કરી વ્હિસ્કી
બેન, કરાવહે હરાજિ, બાપના જમીનની,
કે’ય હુ ને કરે હુ, માન્ડો મારો, હબાડ્ડો ગાંડો

બારી બાન્ના બંધ કરે, જો કોઇ મરદ વાળામા આવી પળે
ફાટી મુઓ ફટકારે મને, જો મારી નજર તીફા જઇ પળે
બેન, મરહે વે’મમાં ને વે’મમાં એક દા’ળો
વા’લ થોળો ને વે’મનો ઢગલો, માન્ડો મારો, હબાડ્ડો ગાંડો

હાંખલામા ની ઓગરે દારુ, સોમલીના ઘેર વગર
ખાટલામા ની હુએ પાધરુ, મા બેનની ગાર વગર
બેન, હોધે દુધ ગામ્મા, ને ભેંહ તો ઘેરમા
મુઓ ફરે કાં ને ચરે કાં? માન્ડો મારો, હબાડ્ડો ગાંડો

બેન, એક દા’ળો એ ગાંડો મને હમજાવે
વાણિયા, બામણ, દેહાઇ, દુબરા, બધા જ હરખા
કીળી, મકોળા, કૂતરા બિલાળા, બધાં જ મરતા
બેન, વેદ ભણાવે મને, ની કોઈ મોટા કે નાલ્લા,
નાત કેવી ને જાત કેવી? માન્ડો મારો, બો તો ની ગાંડો

મનુ ગિજુ

માન્ડો = પતિ        હબાડ્ડો = સાવ, બિલકુલ        કે’ય = કહે
ઓયની = હોય નહીં     બા’રવારા = બહારવાળા, પરદેશીઓ     ખાવહુ = ખાઇશું
તીફા = તે તરફ     વે’મ = વહેમ, શંકા         દા’ળો = દિવસ
વા’લ = વહાલ, પ્રેમ     હાંખલામા = ગળામાં        ઓગરે = ઉતરે
પાધરુ = સરખું     હોધે = શોધે             ગાર = ગાળ
ની કોઈ = નહીં કોઈ     નાલ્લા = નાના         બો = બહુ

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની

ડો. રઇશ મનીયાર

Posted by: Shabdsetu | ફેબ્રુવારી 13, 2012

સાથોસાથ

હજી પણ અમે એક બીજાના હાથ પકડીને જ ચાલીએ છીએ
પણ હવે દિનપ્રતિદિન જરૂર પડે છે એક્મેકના ટેકાની

હજી પણ અમે કદમ મિલાવી સાથે જ બહાર જઈએ છીએ
પણ હવે બેની વચ્ચે વોકીંગ-સ્ટીક અટવાય છે ટેકાની

હજી પણ અમે ગમતી ગઝલો મોટેથી સાથે જ સાંભળીએ છીએ
પણ હવે જરૂર પડે છે કાનોમાં હીયરીંગ એઇડની

હજી પણ અમે ઝરમર સ્નો ઝીલવાની મજા સાથે જ માણીએ છીએ
પણ હવે સપ્તપદીનાં પગલાંની જેમ ધીમે ધીમે સાચવી સાચવીને

હજી પણ અમે શોપીંગ કરવા એક સાથે જ નીકળીએ છીએ
પણ હવે બીલ પે કરવા જરૂર પડે છે એની આંખોની
સવારે છાપુ વંચાવવા, સમયસર ગોળીઓ ગણવા
જરૂર પડે છે એની આંખોની

હજી પણ આદત મુજબ હું જ એને બંગડી પહેરાવું છું
પણ હવે એના જકડાઈ ગયેલ કાંડાને જરૂર છે મારા હાથોની
બ્રાના હુક્સ ઉઘાડ-બંધ કરવા, માથાના વાળ ઓળવા
જરૂર પડે છે મારા હાથોની

હજી પણ સવારની અમારી દોઢ કપ ચા સાથે બેસીને જ પીએ છીએ
પરંતુ “પ્રશમ” ના ફૂલઝાડથી સજાવેલ ચોતરાને બદલે
સીનીયર હોમના પીજીયન હોલમાં પુરાઈને

હજી પણ અમે સાથે જ રહીને જીવીશું ક્યાં સુધી…?
પ્રાર્થીએ છીએ બે સમન્સ સાથે આવે ત્યાં સુધી…!

શાંતિલાલ ધનિક

‘શબ્દસેતુ’ના હમસફર ધનિક દંપતીની યાદમાં……………………………………’વેલેનટાઇન ડે’

    કોના સાનિધ્યમાં હૈયું એવું તો ખુલ્લી જાય છે
     જેવું એકાંતમાં ખુલ્લે પોતાની પણ પાસ ના

ઉમાશંકર જોશી

‘લખતાં લખતાં લહિયો થવાય’ની જેમ જ આજુબાજુ સતત ગઝલો અને છંદો અને એના માટે જરૂરી વિચારો ને શબ્દો સાંભળી સાંભળીને જ બિસ્મીલ મન્સૂરી ગઝલો લખતાં થયાં છે.

શરૂઆતના દિવસોમાં તેઓ આપણા લાડીલા ગઝલકાર આદિલ મન્સૂરીના પત્ની તરીકે જ ઓળખાણ પામ્યાં.  આદિલજીની સાથે દેશ-વિદેશના કાર્યક્રમોમાં એમને પણ આમંત્રણો મળતા હતા અને હવે તો બિસ્મીલ મન્સૂરીને સ્વતંત્ર રૂપે એક સર્જક તરીકેની ઓળખાણ મળી ચૂકી છે.

૧૯૪૨માં અમદાવાદમાં એક રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં બિસ્મીલબહેનનો જન્મ થયો, અમદાવાદમાં જ ઉછેર અને ૧૯૬૪માં આદિલ મન્સૂરી સાથે લગ્ન થયા.  ત્યાર બાદ તેઓ એક ઘરરખ્ખુ ગૃહિણી જ બની રહ્યાં અને પાંચ બાળકોના ઉછેરમાં જ પૂરેપૂરો સમય વિતાવ્યો,  જો કે આદિલજીના કારણે ભાષા તેમ જ સાહિત્યકારો સાથે સતત સંપર્ક જળવાઈ રહ્યો.

૧૯૯૮માં ઈંગ્લેન્ડમાં યોજાયેલ દ્વિભાષી કાર્યક્રમમાં અમુક વક્તાઓને સાંભળ્યા પછી બિસ્મીલબહેને આદિલભાઈને કહ્યું કે, “આવું બધું તો હું પણ લખી શકું…”  આદિલજીના પરિચયમાં આવનારા જાણે છે કે તેઓ હંમેશા બધાને જ લખવા માટે પ્રોત્સાહન આપતા રહેતા, જ્યારે આ તો ઘરની જ વાત!  એમણે તરત જ એ વિચાર વધાવી લઈને બિસ્મીલબહેનને શિસ્તબધ્ધ છંદો શીખવા જણાવ્યું.  આ તાલીમ બાદ બિસ્મીલબહેને ગુજરાતી તેમ જ ઉર્દૂમાં લખવાની શરૂઆત કરી.

સૌ પ્રથમ એક નાનકડી અછાંદસ રચના અવતરી અને એ પણ નમાજ પઢતી વખતે!   ત્યાર બાદ… અને હવે તો આ કવિયત્રી પોતાના મનના ભાવોને સરળ ભાષામાં સાહજિકતાથી દર્શાવતાં આગળ વધી રહ્યાં છે.   મનના અગાધ ઊંડાણમાંથી આવતી એમની એક રચના.

કળ વળે

વીતેલી જીર્ણશીર્ણ યાદોના શબ
ખભે લટકાવી ભટકું અહીં તહીં
શ્વાસના સ્પર્શે પડઘાઉં અંધકાર મહીં
ઊંડાણે સળવળતી સ્મૃતિ કણસતી
ડોકિયું કરી સમયના દર્પણ બેચેન બનાવે
મને કળ વળે પળવાર જો હવે…

નીતા દવે – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા

‘અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

બિસ્મીલ મન્સૂરીના સ્વમુખે એમની રચના સાંભળવા અહીં ક્લીક કરો.
સવાર સાંજના આ પડછાયા – કાવ્ય પઠન

સવાર સાંજના આ પડછાયા
સુખ દુખની ફેલાતી માયા

આંખ મિલાવે હાથ મિલાવે
પણ મનમાં અંતર પથરાયા

માથાપર તોળાતો સૂરજ
રેબઝેબ પરસેવે કાયા

સમય સમયની બલિહારી
પોતીકા પણ થાય પારકા

વર્ષો વિત્યા તો પણ બિસ્મિલ
ભેદ જીવનના ક્યાં સમજાયા

મન હતુ ખુદનું ક્યાં યે પરાયુ હતું
કોઈથી યે છતાં ક્યાં કળાયુ હતું
કોણ ડોકાતુ બિસ્મિલ અહીં દર્પણે
જે ન ક્યારે પણ ઓળખાયુ હતું

Older Posts »

શ્રેણીઓ