અહેવાલ – આમંત્રિત મહેમાનો

‘શબ્દસેતુ’ સંસ્થાના આમંત્રિત મહેમાનો

ટોરોન્ટોની સાહિત્યિક સંસ્થા શબ્દસેતુના ઉપક્રમે ગુજરાતી મુશાયરો

ટોરોન્ટોની સાહિત્યિક સંસ્થા શબ્દસેતુના ઉપક્રમે ગુજરાતી ગઝલો તથા કાવ્યોનો એક મોટો મુશાયરો ૨૫મી જુલાઈ ૨૦૧૦ના રોજ ચર્ચ ઓફ સેન્ટ કોલુમ્બાના હૉલમાં ગઝલ રસિયાઓની વચ્ચે તાળીઓના ગડગડાટ અને ‘દુબારા”ના પોકારો સાથે ઉજવાઈ ગયો.

મુશાયરાની શરૂઆતમાં આબિદ ઓકડિયાએ શબ્દસેતુ સંસ્થાનો પરિચય આપ્યો અને આમંત્રિત મહેમાનોની ઓળખાણ કરાવી. ત્યાર બાદ

સૂરજની વાત છોડ પતંગાની વાત કર, ચમકી શક્યા ન એવા સિતારાની વાત કર

એ શેર કહી એમણે શબ્દસેતુના ઉગતા કવિઓને પોતાની એક એક રચના રજૂ કરવા સ્ટેજ પર બોલાવ્યા.

રસિદા દામાણી, મહમદઅલી વફા, બાબુ પટેલ, મનુ પટેલ, શૈલેશ દેસાઈ, નીતા દવે, આબિદ ઓકડિયા, કિશોર પટેલ તથા કેનેડાની મૂલાકાતે આવેલા પ્રવાસી કિર્તિકાન્ત પુરોહિત તેમજ  સતીષ દણાકે  પોતાની રમ્ય રચનાઓ રજૂ કરી મહેફિલનો રંગ જમાવ્યો.

‘શબ્દ્સેતુ’નો સૌથી પહેલો ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ ૧૯૯૬માં આદિલ સાહેબને હસ્તે શરૂ થયો હતો, એટલે કિશોર પટેલે આદિલ સાહેબનો એક શેર કહી મુશાયરાને આગળ ધપાવ્યો.

મને ન શોધજો કોઈ હવે હું ક્યાંય નથી, ને જુઓ તો તમારી જ આસપાસમાં છું

ત્યાર બાદ લંડન નિવાસી અદમ ટંકારવીને જે ‘ગુજલિશ ગઝલો’ના પ્રણેતા છે અને જેમણે આપણી વેસ્ટર્નાઇઝ્ડ થયેલ યુવાપેઢીને ગમે એવી ગુજલિશ ગઝલો લખી છે એમને બોલાવ્યા. એમણે એમની વિશિષ્ટ અદાથી પઠન કરીને  શ્રોતાઓને ગુજલીશ ગઝલોના મહાસાગરમાં તરબોળ કર્યા અને  રમૂજભર્યું વાતાવરણ ઊભું કર્યું.  આ વેસ્ટન કન્ટ્રીઝમાં લાડી કેવાં કેવાં રંગ દેખાડે છે એનુ એક ઉદાહરણ આપ્યું.

આ ખીજાવું ને રીઝાવું તારું, લાગે ઈન્ગલેન્ડના વેધર જેવું

અને ગુજરાતી ગઝલ ઈંગ્લેન્ડમાં આવીને કેવી બદલાઈ ગઈ એનો આછો ચિતાર આપતો બીજો એક શેર –

ગુજરાતીમાં આ ગઝલ હતી ગોળપાપડી, ઈંગ્લેન્ડમાં આવી ને ચોકલેટ થઈ ગઈ.

મહેફિલને આગળ વધારતા કિશોર પટેલે મુખ્ય મહેમાન ચિનુ મોદીની ઓળખાણ આ રીતે આપી. આધુનિક ગુજરાતી ગઝલકારોમાં ચિનુ મોદી એક અગ્રણી અને પ્રયોગાત્મક ગઝલકાર છે. ગુજરાતી ગઝલના પરંપરાના પ્રવાહને વહેતો રાખી, એની વિકાસ યાત્રાને આગળ ધપાવનાર ધૂરંધરોની યાદીમાં ચિનુ મોદીનુ નામ ગર્વથી લેવાય છે. સાહિત્ય સર્જનમાં પણ અવનવા અને કદીક વિવાદાસ્પદ પ્રયોગો એમણે કર્યા છે. એમના ૮૦ થી ઉપર પુસ્તકો પ્રકાશિત થયા છે અને એમણે ઘણાં નામી એવોર્ડ્સ મેળવ્યા છે. એમનો એક અર્થસભર શેર –

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે, થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

જીવન જીવવાની ટેવની બાબતમાં એમનો બીજો એક શેર –

પ્રથમ ક્ષણથી આદત પડી શ્વાસની, પડી ટેવ સાલી ટળી ના શકી
કરે જિંદગી લાખ યત્નો ભલે, મરણને છતાં એ છળી ના શકી

બે ત્રણ વખત વારાફરતી આવીને બન્ને ગઝલકારોએ મહેફિલમાં રંગત લાવી ચાર ચાંદ લગાવ્યા. શ્રોતાજનોએ બન્ને મહેમાન કલાકારોને તાળીઓથી ખૂબ વધાવ્યા.

આ પ્રસંગે જય ગજજરના નવા નવલિકા સંગ્રહ ‘પુનિત પગલાં’નું લોકાર્પણ ચિનુ મોદીના હસ્તે કરવામાં આવ્યું. પ્રકાશ મોદીએ જય ગજજરનો પરિચય આપી એમના નવલિકા સંગ્રહનો  રસાસ્વાદ કરાવ્યો. વળી બીજા સભ્ય મુહમદઅલી વફાના કાવ્યસંગ્રહ ‘કોને મળું?’નું લોકાર્પણ અદમ ટંકારવીના હસ્તે કરવામાં આવ્યું. જય ગજજરે વફાનો પરિચય આપી એમના કાવ્યસંગ્રહનું મૂલ્યાંકન કરી એમને બિરદાવ્યા.

અંતમાં શબ્દસેતુના રસિદા દામાણીએ આમંત્રિત મહેમાનો અને શ્રોતાઓનો, તેમજ આ કાર્યક્રમમાં હાથ અને સાથ આપનાર સહુનો આભાર માન્યો.

શબ્દસેતુવતી કિશોર પટેલ

કવિશ્રી આસીમ રાંદેરીને ૧૦૦મા જન્મદિન પ્રસંગે

કવિશ્રી આસીમ રાંદેરી ગુજરાતી ગઝલ સાહિત્યનું અણમોલ રત્નછે. ગુજરાતમાં અને ગુજરાતના સીમાડા  બહાર દુનિયાના દેશોમાં ઘરે ઘરે આસીમ રાંદેરીની નજમ – “લીલા” ગુંજતી થઈ છે.

લગભગ આઠ દાયકાથી ગઝલ, શાયરી અને કાવ્યોના ગુંજનથી કવિ સંમેલન, મુશાયરા, ગીતગઝલોના વિવિધ કાર્યક્રમોની મહેફિલમાં લોકરંજન કરી લોકહૈયાં તમે જીત્યાં છે. તમારી ગઝલોના શેર ગુજરાતી યુવાનોના હૃદય સુધી એમની માશૂકાના નામની જેમ ધબકતા રહ્યા છે અને ધબકતા રહેશે. આપના જેવા ગઝલશિલ્પી પાસેથી મળેલી ગઝલો ગુજરાતી ગઝલ સાહિત્યનું મહામૂલું નજરાણું બની રહેલ છે.

તમે યુવાનીનો રંગ ઝીલ્યો છે, યુવાનીનો રંગ માણ્યો છે, યુવાનીનો રંગ ગઝલોમાં ગૂંથ્યો છે એ જ બતાવે છે કે તમે ભલે સો વર્ષ પૂરાં કર્યાં પણ જિંદગીમાં હંમેશ યૌવનની સૌરભ માણી છે અને મણાવી છે. તમારા જ શબ્દો ટાંકીએઃ

યુવાની ગઈ છતાં પણ એ જીવન-શણગાર લાગે છે,
કળી  કરમાઈ ગઈ છે તોય ખુશબૂદાર લાગે છે.’

આસીમભાઈ તમે સો વટાવી ચૂકયા પણ અમારે તો હજુ તમારા મુખે અનેક  તાજગીભરી ગઝલો ટોરોન્ટોમાં સાંભળવી છે.

નજર તમને જોવાને તલસી રહી છે, અને અશ્રુધારાય વરસી રહી છે,
ફરી  ઈદના  ચાંદ  થઈને  પધારો  કે  મુદતથી  સૂની  પડી  છે  અટારી.

આસીમભાઈ તમારી વાણીનો રસાસ્વાદ કરવાની અમારી અને અનેક ગઝલ રસિકોની ઝંખના તૃપ્ત કરવા તમે લખતા રહો. તમને ભગવાન સુખ, શાંતિ અને તંદુરસ્ત દીઘાર્યુ બક્ષે એજ પ્રભુને પ્રાર્થના  અને અલ્લાહને બંદગી.

શબ્દસેતુના સભ્યો વતી પ્રકાશ મોદી અને જય ગજજર

લોકકલા અને લોકસંસ્કૃતિના ધૂરંધર લોકપ્રિય અભ્યાસી શ્રી જોરાવરસિંહ જાદવ

ગુજરાતની લોકકલા અને લોકસંસ્કૃતિને ફરી નવજીવન આપવાનું મહામૂલું કામ કરનાર શ્રી જોરાવરસિંહજી જાદવનું નામ કોણ નથી જાણતું? ગુજરાત અને ભારતના ખૂણેખૂણેથી ભૂલાતા જતા કલારસિકોને ઊંડા અંધારે કો’ક ખૂણે દટાતા જતા કેટલાય સ્ત્રી પુરોષોના જીવનમાં પ્રકાશ પાથરવાનું મહામૂલું કામ હાલ જો કોઈએ કર્યું હોય અને કરી રહ્યા હોય તો તે વિરલ વ્યકિત એટલે શ્રી જોરાવરસિંહજી જાદવ. આપણે જેમના માટે ગૌરવ લઈ શકીએ એવા શ્રી જોરાવરસિંહજી જાદવને સાંભળવા કે મળવાનું થાય એ કલારસિક કે સહિત્યરસિક માટે સદભાગ્ય ગણાય. એવું મજાનું સદભાગ્ય ગયા રવિવારે શબ્દસેતુની ટોરોન્ટોમાં દર મહિને મળતા સાહિત્યકારો અને કલારસિકોને સાંપડયું હતું. શ્રી કિશોર પટેલે શબ્દસેતુની આ સભાનું સંચાલન કર્યું હતું.

આરંભમાં શ્રી જય ગજજરે શ્રી જોરાવરસિંહજી જાદવનો પરિચય આપતાં કહેલું, ‘ડૉ. મફત ઓઝાના આ શબ્દો સાંભળો,

‘મેઘાણી તમે લોકસાહિત્યના અચલ હિમાલય છો,
કાંચનજંગાસમા જાદવ ગુજરાતનું ગરવું શિખર છે.

મેઘાણી પછી ગુજરાતની લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને લોકકલાને જીવંત રાખનાર અને એનો ચોતરફ ડંકો વગાડી ગુજરાતની ભૂમિને ધબકતી રાખનાર શ્રી જોરાવરસિંહજીએ આ ક્ષેત્રે એમનું મહામૂલું જીવન સમર્પી દીધું છે. આજ એમનું જીવન એક મહાન સંસ્થા બની ગઈ છે.

ધંધુકા તાલુકાના આકરુ ગામમાં ખેડૂત કુટુંબમાં જન્મેલા શ્રી જોરાવરસિંહજીએ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે એમ.એ. કર્યું. થોડાં વર્ષ નોકરી કરી પણ એને તિલાંજલી આપી આવતીકાલ કેવી જશે એનો જરાકે વિચાર કર્યા વિના લોકસંસ્કૃતિ અને લોકકલાને ક્ષેત્રે જીવન ઝંપલાવ્યું અને આજે ગુજરાતને એમણે આ ક્ષેત્રે નેવુ જેટલા ગ્રંથો આપી અને ગુજરાત સમાચાર, ગુજરાત ટાઈમ્સ, કુમાર, અખંડઆનંદ, નવનીત જેવાં માતબર વર્તમાનપત્રો કે સામયિકોમાં નિયમિત કટાર કે લેખો લખી અપૂલ અને અમૂલ્ય સાહિત્યની અનોખી ભેટ આપી છે. એટલું જ નહિ ગુજરાત અને દેશને ખૂણે ખૂણેથી રસ્તે રઝળતાં કે ખોવાઈ ગયેલાં સાચાં મોતી શોધી એને સમાજ સામે લાવી એક અનોખું જીવન ઘડતર કરવાની દિશા ચીંધી છે.

ખૂબ સાદાઈથી જીવન જીવતા શ્રી જોરાવરસિંહજી જાદવને અનેક એવૉર્ડ મળ્યા છે, અનેક સંસ્થાઓ સાથે જોડાયા છે અને અમૂલ્ય સેવા આપી લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને લોકકલાને આજ ગુજરાતમાં ધબકતું કર્યું છે અને કરતા રહે છે. એમના ઘરની મૂલાકાત લો તો ચારે બાજુ લોકકલાનાં જ દર્શન થાય અને એમની મીઠી વાતોમાં લોકસાહિત્યના અનેરા પડઘા જ સંભળાય. આવા લોકસાહિત્યના પ્રતિનિધિ શ્રી જોરાવરસિંહજીભાઈ જાદવને આપ સૌ વચ્ચે આવકારતાં એક પ્રકારની ધન્યતા અનુભવું છું.

શ્રી જોરાવરસિંહજી જાદવે એમના વાર્તાલાપમાં ગુજરાતની લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને લોકકલા કેવાં ભૂલાઈ ગયાં છે અને એમણે એને સજીવન કરવા કેવા પ્રયાસો કર્યા એની રસમય વાતો કરી. એકલે હાથે અને સમાજલક્ષી સજજનોના અપૂર્વ સહકારથી કેવા કેવા કાર્યક્રમો ગોઠવ્યા અને કેવા કેવા લોકોને આગળ લાવ્યા એની વિસ્તારથી કરેલ એમની વાતોમાં સમાજસેવા અને સંસ્કૃતિના વિકાસમાં એમના ફાળાનાં સ્પષ્ટ દર્શન થતાં હતાં. એમણે કરેલી કેટલીક વાતો રસપ્રદ અને હેતુલક્ષી હતી. પુષ્કરના મેળામાં રસ્તા પર નાચનારી મદારણ ગુલાબોમાં છૂપાયેલ ગુણ અને પ્રતિભા જોતાં ૨૭ વર્ષ પહેલાં ગુજરાતમાં બોલાવી એને સ્ટેજ આપી  પ્રોત્સાહન  આપ્યું.  આ પછી એમણે વિશ્વના પચાસ દેશોમાં કાર્યક્રમો આપ્યા અને આજ વિશ્વવિખ્યાત બની ગયાં છે. દિવાળીના દિવસોમાં શરણાઈ વગાડીને અમદાવાદમાં માગવા નીકળતો પૂનમ આજે કેસેટ સીડીઓમાં સંગીતના સૂર રેલાવી ગણનાપાત્ર કલાકાર બની ગયો. રણમાં  ઊંટ  ચરાવનાર  અને સીમનું રખોપું કરનાર કચ્છી કલાકાર સીદીકભાઈ   જત  અને  મુસા  ગુલામ  જતને  એમની  કલા  વિકસાવવા પ્રોત્સાહન આપતાં બંને રશિયા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે દેશોમાં જઈ આવ્યા. મોરબી પાસેના ખાખરાળા ગામના વિવેકાનંદ ભવાઈ કલા મંડળના કલાકારો ઇરાન, ઇરાક જઈ આવ્યા, કઠપૂતળીના કલાકાર રાણાજી અમેરિકા જઈ આવ્યા. આવા અનેક દષ્ટાંતો આપી એમના કાર્યની ઝાંખી કરાવી. વળી ભવાઈ, ગરબા, લોકનૃત્યોના કલાકારોને કેવી રીતે શોધી એમને સમાજમાં ઉચ્ચ કક્ષાએ કેવી રીતે પહોંચાડયાં અને કેટલીક ભાંગી પડેલ સંસ્થાઓને કેવી રીતે ઊભી કરી અગ્રગણ્ય સંસ્થા બનાવી સિધ્ધિને શિખરે પહોંચાડી એ બધી વાતોએ સૌ શ્રોતાઓને રસ તરબોળ કરી દીધા. કર્ણાવતી અને રાજપથ જેવી કલબોમાં કાર્યક્રમો ગોઠવી કલબની નામના વધારી એટલું જ નહિ લુપ્ત જતી કલા, સંસ્કૃતિ અને લોકસાહિત્યને આમ જનતા સુધી પહોંચાડી લોકભોગ્ય બનાવવાનું અને ગામડાઓની ધરતીની ધૂળમાં રમતાં લોકકલાકારોને નવજીવન આપવાનું મહામૂલું કામ કરનાર શ્રી જોરાવરસિંહજી જાદવમાં એક વ્યકિત નહિ એક સંસ્થાનાં દર્શન થાય છે.

એમણે અંતમાં જણાવ્યું કે, ‘ગુજરાત ભારતનું એક સંસ્કૃતિપ્રિય રાજય છે. જયાં સુધી ગુજરાતને ખૂણે ખાંચરે નાના મોટા કલાકારો છે અને ધનના ઢગ પર બેસીને પણ સંસ્કૃતિના પોષક ઉદાર સખાવત આપનાર કલારસિકો અને કલાને પોષનારા ઉદાર હૃદય અને મન ધરાવતા શ્રીમંતો છે ત્યાં સુધી ગુજરાતની અને ભારતની લોકકલા, લોકસંસ્કૃતિ અને લોકસાહિત્ય ધબકતાં રહેશે એ  માટે જરૂર રહેશે કોઈ મેઘાણીની, કોઈ યુનિવર્સિટી સંશોધનકારની, કોઈ ભેખધારીની, કોઈ દાનવીરની.” એ પછી શ્રી જોરાવરસિંહજીએ શ્રોતાઓના વિવિધ સવાલોના સસ્મિત સરસ જવાબો આપ્યા હતા. એમના આ ભગીરથ કાર્યમાં સરકાર તરફથી કંઈ સહાય મળી રહે છે? એના જવાબમાં એમણે સરસ વાત કરી કે હજુ સુધી સરકારે કોઈ સીધી મદદ નથી કરી પણ ગુજરાતમાં ઉદાર અને સંસ્કૃતિપોષક લોકોની કોઈ ઉણપ નથી એટલે એની જરૂર નથી પડી. અંતમાં જય ગજજરે શ્રી જોરાવરસિંહજી જાદવનો આભાર માની એમના પ્રવચને એક યાદગાર સાંજ બનાવ્યાનું જણાવ્યું હતું.

શબ્દસેતુ વતી જય ગજજર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: