અહેવાલ – પુસ્તક પરિચય

પુસ્તક પરિચય

૧.   ‘તુલસીનો છોડ’ એક અવલોકન – ડૉ. પૂર્ણિમા ભટ્ટ

‘ટૂંકી વાર્તા એટલે અનુભૂતિકરણ’ ટૂંકી વાર્તાના સ્વરૂપ માટેનું શ્રી ઉમાશંકર જોષીનું મંતવ્ય તેના હાર્દને પ્રગટ કરે છે. ટૂંકી વાર્તામાં કોઈ એક માર્મિક અનુભવ શબ્દબધ્ધ બનીને પાણીદાર મોતીની જેમ એકત્ત્વ ધારણ કરે છે. એમાં નવલકથા રૂપી હીરા જેટલો ઝગમગાટ નથી પણ એના ઘૂંટાયેલા અનુભવથી સહૃદયના મનમાં વાર્તા વાંચ્યા પછી એક તૃપ્તિનો ભાવ જન્મે છે. તેથી તે કયારેક  નવલકથાકાર કરતાં પણ વિશેષ ગુંજાસ વાર્તાકાર પાસે માગી લે છે. સિધ્ધહસ્ત વાર્તાકારની વાર્તાઓમાં આવા માર્મિક અનુભવ સ્વાભાવિક ક્રમે થાય છે. જેમકે ધૂમકેતુ, રા.વિ. પાઠક, સુન્દરમ, ચુનીલાલ મડિયા, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર અને બીજા ઘણા વાર્તાકારોની વાર્તાઓમાં.

‘તુલસીનો છોડ’ વાર્તાસંગ્રહની ૧૮ વાર્તાઓના વિષયવસ્તુમાં વૈવિધ્ય છે. આ વાર્તાસંગ્રહની વાર્તાઓની પશ્ચાદભૂમિ ભારત તથા કેનેડા-અમેરિકા છે. ટૂંકી વાર્તાઓમાં કથાનક, પાત્રોનાં આલેખન, વર્ણન, સંવાદ, અને ભાવનિરૂપણ બધાને એક સરખો જ અવકાશ છે. કેમ કે આગળ જણાવ્યું તેમ તેનો ફલક નાનકડો અને સીમિત છે. આ સંગ્રહના લેખક શ્રી જય ગજજર પોતાના જીવનના શરૂઆતનાં વર્ષો ભારતમાં એન પછીનાં વર્ષો કેનેડામાં પસાર કરી રહ્યા છે. તેથી ભારતીય સમાજ-સંસ્કૃતિ તથા પાશ્ચાત્ય સમાજ-સંસ્કૃતિ એમ બન્નેના અનુભવો આ વાર્તાઓમાં કામે લગાડયા છે. એટલે જ સંગ્રહની ઘણી વાર્તાઓ બંને ભૂમિનાં સમાજ-સંસ્કૃતિને જોડે છે.

આ સંગ્રહની  બધી જ વાર્તાઓનાં વિષયવસ્તુ, કથાનક અલગ અલગ છે. બહુધા બધી જ વાર્તાઓ સામાજિક પ્રકારની છે.  તેમાં કુટુંબપ્રેમ, નર અને નારી વચ્ચેનો પ્રેમ- પ્રેમભંગ, વેપાર, તેની સફળતા, નિષ્ફળતા, તેમાંથી જન્મતી સાહ્યબી, સંતાનો દ્વારા અવગણાયેલ માવતરની દુર્દશાની વાર્તાઓ જોવા મળે છે. અહીં ‘તુલસીનો છોડ’, ‘અપેક્ષા’, ‘ગળફો’, ‘પડછાયો’, અને ‘સથવારો’માં ભારતીય વાતાવરણ, ‘બ્લેકજેક’, ‘ધાડપાડુ’, ‘અંજળપાણી’, ‘દિલાવર દિલ’, અને ‘ધન્ય ઘડી’માં પાશ્ચાત્ય સંસ્કૃતિનું વાતાવરણ રજૂ થયું છે. ‘અનોખી ભેટ’ અને ‘અનામત’ જેવામાં બંને સંસ્કૃતિનાં વાતાવરણ ભળી ગયાં છે. તો ‘બનવાકાળ’માં ભારતના કસ્ટમવાળાઓની હેરાનગતિ અને એરપોર્ટનું વાતાવરણ આલેખાયું છે. સંગ્રહમાં વાતાવરણ પણ  બહુવિધ હોવાથી તે વાચકોને જકડી રાખે છે.

મારી દષ્ટિએ આ સંગ્રહનું સમૃધ્ધ પાસું તેનું પાત્રાલેખન છે. એક એક પાત્રની રેખાઓ અલગ  અલગ આલેખી છે. મોટા ભાગનાં પાત્રો જીવંત બન્યાં છે. જેમકે ‘અલ્લડ છોકરી’માં દામિનીનું પાત્ર, “એ મહાકાળી હતી એને સતાવવી એ વાઘણની બોડમાં માથું નાખવા બરાબર હતું.” વીજળી જેવી ચમકતી અને દઝાડતી આલેખી છે. ‘તુલસીનો છોડ’માં પત્ની કોકિલાને કાળ ભરખી જતાં દર્દ પામતા અને દીકરીનું જીવતર રોળાઈ ન જાય એ ડરે કાળજું કઠણ કરતા અવિનાશ, પુત્રી નેહા અને નીલમ પણ માનવ સહજ પાત્રો છે. ‘અનોખી ભેટ’ના ડૉ. પંકજ, નવનીતલાલ અને સારિકાજે વર્ષો પછી મળે છે તે મિલન પણ સ્વાભાવિક ક્રમે ગોઠવાયું છે. જયારે ‘અપેક્ષા’ વાર્તાના સતીષભાઈ જે પોતાના ભાંડુઓને વડલાની જેમ છાયા આપે છે અને જે કર્ણ જેવા ઉદાર છે છતાં તેમના જ કુટુંબીજનોનું નગુણાપણું વાચકોને સ્પર્શી જાય છે. આ વાર્તા ભારતીય કુટુંબવ્યવસ્થાના પાયા કેવા  હચમચી ગયા છે તેનું પ્રતિબિંબ પાડે છે. ‘બ્લેકજેક’નો અજય જયારે એની સારી છાપ હતી ત્યારે કલબના માલિક અને નોકર ‘પીવો અજયબાબુ પીવો…… પૈસા કાલે આપજો…..” એમ કહેતા અને જયારે એનાં ખિસ્સાં ખાલી થયાં ત્યારે નસીબની બલિહારીથી મળેલો મિત્ર મલય મિત્રતાની મિસાલ કાયમ રાખે છે. ‘ધાડપાડુ’ના કેશવલાલ વેપારી સહજ ડરપોક માનસ ધરાવે છે, પણ વાણિયા છે એટલે વદન પરની શોકની છાયા છુપાવી, દુકાન સંભાળે છે. ધાડપાડુ પીટરને  લોટરીની ટિકિટ પર ઈનામ લાગ્યું ત્યારે તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં અને ધાડપાડુમાંથી તે મહેનત કશ અને ધગશવાળો માનવી બન્યો. તે વખતે કેશવલાલ તેને “વાલિયામાંથી વાલ્મીકિ બની ગયો” એમ કહી અભિનિંદન આપે છે તે દશ્ય તાદશ બન્યું છે. ‘ધન્ય ઘડી’ વાર્તાના ચાર્લી અને જૂલી, જેણે પુત્રી ગુમાવી છે છતાં પુત્ર પામ્યાનો  આનંદ એના વદન પર વરતાતાં, જીવનની ધન્ય ઘડીનો અનુભવ તે કરે છે. ‘અંજળપાણી’માં બાલુ અને રોના, આમ તો બંને એકલાં પડી ગયેલાં હતાં પણ મૈત્રીની હૂંફ … માનવ માનવ પ્રત્યની હૂંફ તેમને મળી અને તેમનું જીવન મહોરવા લાગ્યું. કયારેક અસાધારણ માનવતા ધરાવતાં પાત્રો આલેખાયાં છે. જેને જોઈને એમ થાય કે આજની દુનિયામાં આવા માણસો  ખરેખર હશે? દા.ત. ‘ખેલાડી’ વાર્તાની પુત્રવધૂ તરુબેન જે પોતાના સસરા માટે પોતાની એક કીડનીનું દાન  આપે છે. ‘ભાગેડુ’ વાર્તાના દરિયાવ દિલ હરિલાલ જે પારકી નિશાને દીકરી બનાવી ઘરમાં રાખે છે.

આ સંગ્રહની વાર્તાઓનાં વર્ણનોમાં સામાન્ય રીતે દરેક વાર્તાના આરંભમાં ટૂંકાં વર્ણનો છે જેનાથી કયારેક પરિસ્થિતિનો તો કયારેક વાતાવરણ કે કયારેક પાત્રના માનસ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. દા.ત. ‘દિલાવર દિલ’માં રાજન અને પાર્કમાંની પ્રવૃત્તિઓનાં વર્ણનો છે. ‘પડછાયો’માં રીખવચંદ શેઠ, તેમનો બંગલો, તેમની સાહ્યબી, અને શેઠ અને સમરથના વ્યકિત તરીકેનાં વર્ણનો સારાં છે. તો ‘અંજળપાણી’, ‘ત્યાગ’, ‘ભાગેડુ’ જેવી ઘણી વાર્તાઓમાં વર્ણનો ટૂંકાં અને મુદાસરનાં છે.

આ સંગ્રહની વાર્તાઓમાં  સંવાદો ટૂંકા અને માર્મિક છે. બિનજરૂરી વર્ણન કયાંય નથી, જેમકે ‘ધાડપાડુ’ માં “માનવી ખરાબ નથી, સંજોગો એને ખરાબ બનાવે છે.”, ‘અંજળપાણી’માં “એક ભૂખ એવી છે કે માણસ નાત-જાત, કાળી-ધોળી, બધું જ ભૂલી જાય છે…” ‘અલ્લડ છોકરી’માં “એ એક મહામાયા છે. પુરુષ  જાતને  ધિકકારે છે.”  આવા  અનેક  દાખલા  આપી શકાય. શ્રી ગજજરની ભાષા સંસ્કારી છે. પાત્રની નબળાઈ આલેખવામાં પણ થોડાક શબ્દોમાં સૂચન કરી દે છે. ભાષામાં કયાંય સુરુચિભંગ થતો નથી.

ટૂંકી વાર્તામાં આરંભ, મધ્ય અને અંત એમ ત્રિવિધ એકતા હોય છે. આ દષ્ટિએ પણ ઘણી બધી વાર્તાઓ ત્રિવિધ એકતાને જાળવી રાખે છે. ઘણી વાર્તાઓનો આરંભ જિજ્ઞાસા પ્રેરે, મધ્ય પ્રસ્તુત કથનને વિકસાવે અને અંત ચોટદાર બની રહે છે. દા.ત. ‘તુલસીનો છોડ’, ‘દિલાવર દિલ’, ‘બ્લેક જેક’ ‘અંજળપાણી’, ‘અનોખી ભેટ’, ‘અલ્લડ છોકરી’, ‘ત્યાગ’ અને ‘ખેલાડી’ના અંત નોંધપાત્ર છે. બહુધા બધી જ વાર્તાઓના અંતે ચમત્કૃતિ સધાય છે, એ ગજજરની વાર્તાઓની સફળતા અને સિધ્ધિ છે. છેલ્લે, ‘એક અજબ ઘટમાળ’ મારી દષ્ટિએ થોડીક નબળી  વાર્તા છે. કોઈને કોઈ પાત્રોના સંવાદ રૂપે ભૂતકાળ જ વાગોળાય છે. વાર્તામાં કંઈક ઘટના બનવી જોઈએ, તે આરંભ બિન્દુથી આગળ વધવી જોઈએ તેવું અહીં બનતું નથી. આ દષ્ટિએ અન્ય વાર્તા જેવી ઘાટીલી બની શકી નથી. અલબત્ત અભય અને મિલાનં પાત્રો ઠીક ઠીક ઉપસ્યાં છે.

ટૂંકમાં શ્રી ગજજરની નવલિકાઓ વિષય, વસ્તુ અને પાત્રોના વૈવિધ્યથી રસપ્રદ  અને  ચોટદાર  બની  રહી  છે. શ્રી ગજજર ભવિષ્યમાં આવા અનેક વાર્તાસંગ્રહો ગુજરાતી  ભાષા સાહિત્યને અર્પી તેને સમ઼ધ્ધ બનાવે એજ મનોકામના સાથે વિરમું છું. અસ્તુ.

ડૉ. પૂર્ણિમા ભટ્ટ

ભૂતપૂર્વ આચાર્ય, એસ.એલ.યુ. આર્ટસ એન્ડ ઠાકોર કોમર્સ કોલેજ, અમદાવાદ.
(“કુમાર” ઓકટોબર, ૨૦૦૪ના સૌજન્યથી)

‘તુલસીનો છોડ’ – નવલિકા સંગ્રહ.  લેખકઃ  જય ગજજર
પ્રકાશકઃ રન્નાદે પ્રકાશન, ગાંધી રોડ, અમદાવાદ
પૃષ્ઠઃ  ૨૧૬     કિંમતઃ રૂપિયા ૧૧૫.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: