અહેવાલ – પુસ્તક વિમોચન

પુસ્તક વિમોચન

 

૧.   ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે’ – સ્મિતા ભાગવત


ટોરોન્ટોની સાહિત્યિક સંસ્થા ‘શબ્દસેતુ’ના ઉપક્રમે રવિવાર જૂન ૯, ૨૦૦૮ના રોજ એક વિશિષ્ટ સાહિત્યિક કાર્યક્રમ યોજાઈ ગયો. ‘શબ્દસેતુ’ના એક સક્રિય સભ્ય અને સાહિત્યકાર શ્રી સ્મિતા ભાગવતના પુસ્તક ‘ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે’ નું વિમોચન થયું.

ટોરોન્ટોના જાણીતા ડૉકટર શાંતિલાલ ધનિકની અંગત નોંધને આધારિત આ પુસ્તકને એક પ્રેરણાદાયી નવલકથા બનાવવાનો સુભગ પ્રયાસ કર્યો છે. ‘માતૃભૂમિ સેવા ટ્રસ્ટ, વડોદરા તરફથી આ પુસ્તક પ્રગટ થતાં ટ્રસ્ટે એના ઉદેશનો ઉલ્લેખ કરતાં નોંધ્યું છે કે ‘…. કાંટા દૂર કરવાની પેરવી સાથે,  કુટુંબસંસ્થાના ‘ગુલાબ’નાં દુનિયાને દર્શન કરાવવાં…’ એ રીતે આ પુસ્તક  એક દીવાદાંડી રૂપ છે. વળી લેખિકા પણ જણાવે છે કે, ‘આ કૃતિ છે સજજનતાને કારણે દુઃખી અને હાંસીપાત્ર ઠરી હતાશાનો ભોગ બનેલ દંપતિની. પત્નીએ સજ્જન પતિની કરેલ પ્રતારણાની અને બાળકોએ જરાજર્જર પિતાનું શોષણ કરી આચરેલ નૃશંસતાની!’ આમ સજ્જનતા, દુર્જનતા, વિશ્વાસ અને અવિશ્વાસ વચ્ચેના દ્વંદ્વની મનોવેદનાભરી આ કથા સમાજને કંઈક પાઠ શીખવવા મથતી હૈયાવરાળની એક કરુણ કથની છે.

જીવાતા જીવનનાં સાચકલાં પાત્રો આસપાસ વહેતી સમગ્ર કથાનાં પાત્રો અહીં જુદા નામે લેખિકાએ અવતાર્યાં છે. પણ કોઈ બંધબેસતી પાઘડી પહેરી કોઈના રહ્યાસહ્યા જીવનને હતઃપ્રાય કરી કાદવ ન ઉડાડે એ બીક લેખિકાને કથાની નાયિકાને ઊંડેઊંડે છે જ. એટલે જ લેખિકાએ કબૂલ કર્યું છે, ‘આ હેતુલક્ષી નવલકથાનું નિર્માણ કોઈને બદનામ કરવા માટે થયું નથી.’ ખેર અંતે તો લેખિકા ‘ફેમિલી કાઉન્સિલ’નું કામ કરે છે એટલે સમાજને, આપણી યુવાન પેઢીને સાચો માર્ગ બતાવી સન્માર્ગે દોરવા સદબુધ્ધિ આપવાનો હોઈ શકે. જેમને

પાળી પંપાળી પોષ્યાં, મોટાં કર્યાં, પ્રેમનો ધોધ સતત વહાવી, ઉજજવળ જીવન ઘડે અને સંસ્કારી બની ઘરડાની લાકડી બની રહેવાને બદલે એ સંતાનો જ ઘરડાં માબાપને નરકની ઊંડી ખાઈમાં ધકેલી દે ત્યારે એ માબાપનાં રડતાં હૃદયની આંતરડી કકળી ઉઠી લમણે હાથ દઈ ઉભરો કાઢે ‘જનની જણે તો જણજે કાં દાતા કાં સૂર નહિ તો રહે જે વાંઝણી મત ગુમાવીશ નૂર.’ આ પડઘા સાંભળી એ નાપાક સંતાનોની આંખો ખૂલશે ખરી? આ જ આપણા સમાજમાં છોરું કછોરું થયાના દષ્ટાન્તો ઠેર ઠેર છે. કોને દોષ દેવો?  આપણી સમાજ વ્યવસ્થાને, આપણા કહેવાતા સુધરેલા સમાજને, આપણા ઘડતરની કોઈ ઉણપને, આપણા પ્રેમની ઉણપ ને, કે આપણા પ્રારબ્ધના ઊંધાં પડેલ પાસાંઓ ને? ‘સફળતા અને નિષ્ફળતા બંને પ્રયત્ન અને પ્રારબ્ધનું સંયુકત પરિણામ છે છતાં સ્વજનની હાંસી ઉડાડવી, પોતિકાંને નરકની ખાણમાં ધકકેલી દેવા એમાં માનવતા નથી કે સજજનતા નથી. એ ઘટના જ માનવતાને કલંક કરતી અસહ્ય અને અકલ્પિત ઘટના છે.

આવા બધા સવાલો આ કૃતિના વાચકને થાય છે, એનો ઉકેલ શોધવા મનોમંથન કરે છે, અને જીવનનો સાચો મર્મ સમજાતાં એ ખોવાયેલા કે તરછોડાયેલા સ્વજજનને શોધવા કે પામવા આંધળી દોટ મૂકે ત્યારે એને સત્ય સમજાય છે કે ‘હવે બહુ મોડું થઈ ગયું.’ સમજો. ઉચ્છ્રંખલ સંતાનો એવો દિવસ તામારા જીવનમાં ન આવે એ માટે આજથી જ વિચારતા થજો. લેખિકા નમ્રભાવે લખે છે, ‘ન હું લેખક છું કે શિક્ષક’ પણ આ આખી નવલકથા ઉપદેશપ્રધાન છે. એટલે જ સલાહ આપે છે, ‘સંતાન પર પ્રેમ કરો અને વિશ્વાસ રાખો, પણ છેલ્લા શ્વાસ સુધી માનભેર જીવવું હોય તો જુવાનીમાં ભેગી કરેલી બચતને જીવનભર પ્રવાસની ટિકિટ ગણો. એ જ અગત્યતા એને બક્ષો.’ એમાં ઉમેરો કરવાનું મન થાય છે કે ખુમારીથી જીવન જીવતાં પણ વિનમ્ર બની દૂધમાં સાકર જેમ ભળી જાઓ. બાળકોને ગળથૂથીમાંથી જ એ સત્ય સમજાવતાં રહેજો કે સ્વજનનો પ્રેમ એ જ સાચી અને સૌથી મહાન મૂડી છે, એને સમજતાં અને જીરવતાં શીખજો. આવા જીવનમંત્રો આ પુસ્તકમાં ઠેર ઠેર પથરાયેલાં છે જે માણી આનંદ અનુભવજો.

જય ગજજર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: