આરંભ

“શબ્દ્સેતુ” સંસ્થાના સહિયારા બ્લોગનો આરંભ

સંસ્થાના હમસફરો – મિત્રો,

આજથી પંદર વર્ષ પહેલા બે ચાર મિત્રો સાથે ભેગા મળીને નિજાનંદની મસ્તી માટે “શબ્દસેતુ” નામની એક સાહિત્યિક સંસ્થા શરૂ કરી હતી. આપ સૌ એના સાક્ષી છો, સહભાગી છો. શબ્દસેતુને પંદર વર્ષથી જીવન્ત રાખવામાં, એને આગળ લઈ આવવામાં, જુદા જુદા તબક્કે આપ સહુ એ સારી એવી જહેમત ઉઠાવી, મન મૂકીને કામ કર્યુ છે, અને યથાશક્તિ પ્રમાણે યોગદાન આપ્યું છે. એ માટે શબ્દસેતુ તરફથી હું આપ સૌનો આભાર માનું છું. મારા વતી હું શું કહું? આપ સૌનો ઋણી છું.

આજે જ્યારે હું શબ્દસેતુ સંસ્થાનો બ્લોગ શરૂ કરી રહ્યો છું ત્યારે શૈલેશને ગમતો અને મારો મનપસંદ મરીઝ સાહેબનો આ શેર યાદ આવે છે.

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

કોઈ પણ સંસ્થા, એના સભ્યો અને કાર્યકર્તાઓની અતૂટ મહેનત, એકતા અને અવલંબન ઉપર ચાલતી હોય છે. શબ્દસેતુની આ લાંબી દડમજલમાં ઘણા બધા હમસફરો ભાગીદાર બન્યા છે. કોઈએ હાથ તો કોઈએ સાથ આપ્યો છે. કોઈએ સાંભળવા કાન તો કોઈએ સંસ્થાને શાન અપાવી છે. કોઈએ શબ્દો વહાવ્યા તો કોઈએ સેતુ બાંધ્યો છે. દરેક સભ્યે દિલથી પોતપોતાનો ફાળો નોંધાવ્યો છે. તો આ પ્રસંગે હું સર્વેને વિનંતી કરુ છું કે શબ્દસેતુના આ ભગીરથ કાર્યમાં સહભાગી બને.

શબ્દસેતુની વેબસાઇટનુ એડ્રેસ છે – https://shabdsetutoronto.wordpress.com

હું આ ક્ષેત્રમાં નવો નિશાળીયો છું,પા પા પગલી ભરી રહ્યો છું એટલે વેબસાઇટ જોયા બાદ આપના સૂચનો તેમ જ પ્રતિભાવ જરૂરથી જણાવશો. ઈ-મેલ એડ્રેસ છે – shabdsetu@hotmail.com અથવા kishore46@hotmail.com અથવા kishorecanada1@gmail.com

વેબ સાઇટ ઉપર જઇ સભ્યોની યાદીમાં આપનુ નામ જોવાનું ચૂકશો નહીં. આપનુ નામ ક્લીક કરવાથી આપનો પરિચય જોવા મળે એ માટે તમે તમારો ટૂંકો પરિચય, તમારા જ શબ્દોમાં ગુજરાતી યુનિકોડ ફોન્ટમાં લખીને મારા ઈ-મેલ એડ્રેસ ઉપર જરૂરથી મોકલી આપશો. સાથે બે ફોટોગ્રાફસ મોકલવા ખાસ વિનંતી. એક બ્લેક ઍન્ડ વાઈટ ફોટોગ્રાફ, સ્વ્પ્નીલ આંખોવાળો, તદ્દન ફ્રેશ, તાજગી ભરેલો રોમાની ચહેરો, જ્યારે જિંદગી “ઓન ધ રૉક્સ” જીવાતી હતી અને બીજો કલર ફોટોગ્રાફ, અત્યારનો, ક્દી ઘરડી ન થતી આંખોવાળો, સમયની થપાટોથી કંડારાયેલો ચહેરો, ઢળતી બપોરનો.

ગુજરાતી યુનિકોડ ફોન્ટમાં લખવા માટે શબ્દસેતુની વેબસાઇટ ઉપર જઇ ગુજરાતીમાં લખવુ છે? એ લીન્ક ઉપર ક્લીક કરો. બધી માહિતી મળી રહેશે. તો મિત્રો, આપ સૌને આપનો પરિચય તેમ જ બે ફોટોગ્રાફસ મોકલવા હું ફરી એક વાર હાર્દિક વિનતી કરું છું.

શબ્દસેતુ એ એક નાની અમસ્તી સાહિત્યિક સંસ્થા અને આંગણીને વેઢે ગણાય એટલા એના સભ્યો પણ એમની આકાંક્ષા આકાશ ફાડી નાખે એવી અને અત્યાર સુધીમાં ચાર સભ્યો આકાશ ફાડી નાખવા અવકાશમાં જતા રહ્યા છે.

અહીં જ વિરમુ છું. વધુ આપના સહકાર બાદ……

કિશોર પટેલ – શબ્દસેતુ
જાન્યુઆરી ૨૦૧૦

Advertisements
%d bloggers like this: