Posted by: Shabdsetu | મે 31, 2010

જાગૃતિ

જાગૃતિ

“આપણે આઠ વાગ્યે મુરતિયાના ઘરે પહોંચવાનું છે, ત્યાંથી ધ્વજવંદન માટે સીધા સ્કૂલે જઇશું.” સખી સમી ભાભીએ મલકાતાં મલકાતાં જાગૃતિને કહયું.

પાડોશના ગામમાં એક મુરતિયો અને એના માબાપ કેનેડાથી આવ્યા હતાં. આજે  જાગૃતિ સાથે એમના ઘરે જવાનું હતું. જાગૃતિને જોવે, મળે ને વાતચીત કરે, તો વાત આગળ વધે. ત્યાર બાદ ૨૬મી જાન્યુઆરી હોવાથી ધ્વજવંદન માટે સ્કુલે જવાનાં હતાં. કેનેડાનો મુરતિયો એટલે કન્યાની પસંદ નાપસંદ જેવું ક્યાંથી હોય?  છોકરાને પસંદ પડી છોકરી તો ઝટ મંગની પટ વિવાહ. બેચાર દિવસમાં જ સુશોભિત મંડપ બંધાય,  નાચ ગાન થાય, સાવધાન સાવધાન કરી કન્યા પધરાવાય. રૂપ અને રૂપીયાનો કેવો હસ્તમેળાપ!

“સારું ભાભી, હું દશ મિનિટમાં તૈયાર થઇને આવું છું.” જાગૃતિએ કહયું.

“ધોનીને કલીન બોલ્ડ ઉડાડવાનો છે, એટલે મોડલ બનીને નીકળજે.”

“પહેલા બોલે ઇનજર્ડ અને બીજા બોલે કલીન બોલ્ડ, મારી પ્યારી પ્યારી અમ્પાયર” બેડરૂમમાંથી અવાજ આવ્યો.

જાગૃતિની અભિલાષા કોઇ શિક્ષિત, સંસ્કારી અને ગ્રામ ઉન્નતિમાં રસ ધરાવનાર યુવાનને જીવનસાથી બનાવવાની હતી. જયારે મા બાપને  દિકરી પરદેશ મોકલવી હતી. ભણેલી કન્યા માટે ગામડાંઓમાં યોગ્ય મુરતિયો મેળવવો  સરળ ન હતું, પરદેશ્થી આવતા એન આર આઇ છોકરા છોકરીઓના કારણે ગ્રામ્ય વિસ્તારનું યુવાધન વિણાઇ વિણાઇને વિવાહઅર્થે વિદેશ વહી જતું હતું

જાગૃતિએ આછા પીળા રંગના સાદા સલવાર-કમીઝ પહેરી લીધાં અને મેચિંગ પીળા રંગનો નાનો ચાંદલો કર્યો. બાનો આગ્રહ હોવા છતાં ના કોઇ ભરાવદાર ઘરેણાં પહેર્યા, કે ન ભપકાદાર મેકઅપ કર્યો. એક પાતળો સોનાનો અછોડો અને સાદાં એરિંગ પહેરી લીધાં. રસોડામાં પડેલા ચાના વાસણો જલદી જલદી ધોઇ નાંખ્યા. ઉંબરે અસ્તવ્યસ્ત પડેલાં જોડા ચંપલ વ્યવસ્થિત ગોઠવી દીધાં. બા-બાપુના આશીર્વાદ લીધાં. બન્ને બહાર નીકળ્યા. ફેરિયાએ નાંખેલું છાપુ બાપુને આપી આવી. ઝાડ પર પક્ષીઓએ કલરવ કરી મૂકયો. વાડમાંથી ડોકું બહાર કાઢી જાસુસ નજરે નોળિયાએ જોયું, માથું અર્ધગોળ ફેરવ્યું, ગરદન સંકેલી પાછો વાડમાં સરકી ગયો. પાડોશણ ઇર્ષાકાકીએ ઉંબર આગળ નોળિયાનું અનુકરણ કર્યું.

રીક્ષા પકડી નણંદ ભોજાઇ મુરતિયાના ઘરે જવા નીકળી પડયાં.

બન્ને ચૂપચાપ બેઠાં હતાં ત્યાં જાગૃતિએ મૌન તોડ્યું – “ભાભી, આકાશ સાથે લગ્ન કરવાં કે ન કરવાં એ નિર્ણય હું જ લઇશ.” બા બાપુની ઇચ્છા હોય તો પણ અંતિમ નિર્ણય તો મારો જ હશે.” મુરતિયાનું નામ આકાશ હતું.

“સારુ બાપા સારુ, તારે મરઘે સવાર. આકાશને જોઇ તો લે.” તારા જેવી સો અરજીઓ પડેલી હશે. અને દરેક અરજીઓની સાથે સગાંસબંધીઓના ભલામણપત્રો અને બે-ચાર લાખની પેટીઓ સાથે હશે.”

“આકાશ મને નાપસંદ કરે તો સારું, કેનેડાવાસી માટે મને અણગમો નથી પરંતુ જીવનસાથી જો આપણા વિભાગના ગામોમાંથી મળી જાય તો મારે પરદેશ જવું નથી. બા બાપુના આગ્રહથી અત્યારે તમારી સાથે આવવું પડે છે.”

“અરે ગાંડી, દર વરસે પરદેશથી કેટલીયે કુંવારી કન્યાઓ લગ્ન માટે આવે છે. સારા યુવાનો ઝટપટ ઉપડી જતા હોય છે. તેઓનું લક્ષ-બિંદુ પરદેશ હોય છે. તારી પ્રતીક્ષા કરતા કુંવારા બેસી નથી રહેતા. તારે શું જીંદગીભર કુંવારી રહેવું છે?”.

બન્ને વચ્ચે ચર્ચા ચાલતી રહી. રીક્ષા દોડતી રહી.

આકાશના ઘરની પૂછપરછ માટે ગામના ચોતરા આગળ રીક્ષા ઉભી રખાવી. બન્ને નીચે ઉતર્યા. સ્તબ્ધ ચહેરે સૌ જુવાનિયાની દ્દષ્ટિ જાગૃતિ તરફ હતી. એકના મોઢેથી તો વળી ગુટકાની પિચકારી સાથે શબ્દ સરી પડયોઃ “ઐશ્વર્યારાય”.

ગામની શેરીઓ સ્વચ્છ હતી. રસ્તાની બન્ને બાજુએ આલીશાન મકાનો હતા. મોટે ભાગે તો બંધ બારણે તાળાં લટકતાં હતાં. આકાશે ઓસરીમાંથી ‘વેલકમ વેલકમ’ કહી આવકાર આપ્યો.

જાગૃતિની પ્રગતિ, સંસ્કાર, સ્વભાવ, ચાલચલગત વિષે આકાશના મિત્રોનો અભિપ્રાય ખૂબજ સારો હતો. દેખાવમાં પણ એ સુંદર હતી. પહેલી જ નજરે ગમી જાય એવી. આકાશ પોતાની જાત સાથે મનોમન બોલી ઉઠયો “સાદી અને સરળ, વર્ષોથી જેની રાહ જોતો હતો એવી પોતાની કલ્પનાની અપ્સરા. જીવનસાથીની શોધ અહીં જ પૂરી થાય. છે. ધેટ્સ ઇટ”

કોઇ બાઇ બેઠકરૂમમાં આવીને ચાના બે કપ મૂકીને જતી હતી ત્યારે  નાનું બાળક આવ્યું. મસ્તીમાં આકાશ બેઠો હતો તે તરફ જતું હતું. “આને લઇ જા અહીંથી” એવી રાડ પાડતાં આકાશે બાળકને ઉંચકી પેલી બાઇને પકડાવી દીધું.

પ્રથમ વાર જાગૃતિની સંપૂર્ણ દ્દષ્ટિ આકાશ પર પડી. ત્રીસેકની ઉંમર, સુઘડ બાંધો, સરેરાશ ઊંચાઇ, જમણાં કાને ભેરવેલું એરિંગ, જીન્સ પેન્ટ, બંધ કોલરનું ટી-શર્ટ, ઊલટી દિશામા પહેરેલી કેપ. હાથમાં ભરાવદાર કડું. ગળામાં ૐ નો પેન્ડન્ટવાળો લટકતો હાર.

પહેલી નજરે જ જાગૃતિને પુસ્તકનું કવર અનાકર્ષક લાગ્યું.

ભાભીએ સાસરીયાના સભ્યોનો પરિચય પૂરો કરતાં ગૌરવપૂર્વક ઉમેર્યું: “અમારી જાગૃતિ અંગ્રેજી માધ્યમમાં ફર્સ્ટ કલાસ સાથે ગ્રેજયુએટ થઇ છે. ઓફિસની નોકરી કરે અને સાથે સાથે…”

ભાભીને બોલતાં અટકાવી આકાશે કહ્યું “કેનેડામાં તો બધાં જ મજૂરી કરે. અહીંનું ભણતર ત્યાં કંઇ કામનું નથી.”

જાગૃતિને પુસ્તકના શરૂઆતના પાનાં પણ ના ગમ્યાં.  નમ્રતાથી પૂછયું. “ત્યાં કોઇ કોર્સ કરી લે તો?”

“ત્યાં કોર્સ-બોર્સ કરવાનો ટાઇમ કોને છે?” તાબળતોબ પ્રત્યુત્તર મળ્યો.

જાગૃતિએ ધીમેથી બોલીંગ કરીઃ “શનિ-રવિવારે કોર્સ કરી શકાતો હશેને?”

“શનિ-રવિમાં ઘરના ઘણાં કામો હોય છે. હું તો બન્ને દિવસો ક્રિકેટ રમવામાં બિઝી. વધુમાં વન-ડે, ટ્વેન્ટી-૨૦ જોવામાં આખું વીક કયાં નીકળી જાય ખબર પણ ના પડે. ઘર મિત્રોથી ભરેલું ભરેલું હોય. તેઓના નાસ્તા-પાણી કરવાના હોય. કોર્સ કરીનેય શું ઉકાળવાનું છે? યુ નો, વાઇફને આરામ તો મળવો જોઇએને?”  એકટરની અદાથી આકાશે કહયું.

જાગૃતિને હવે દરેક પ્રકરણનો અભ્યાસ થઇ રહયો હતો. આ બાંકેલાલને ઘરવાળી જોઇએ છે કે કામવાળી?

“શનિવારે પત્નિ કોર્સ કરવા જાય, પતિ ઘરે રહી ઘરકામમાં હાથ લંબાવે અને માત્ર રવિવારે જ ક્રિકેટ રમે તો ન ચાલે?” જાગૃતિએ વચ્ચેનો માર્ગ બતાવતાં સહેલાઇથી રમી શકાય એવી બિનજોખમી બોલીંગ કરી.

“આપણે તો ભાઇ બિન્દાસ, બન્ને દિવસો દરમ્યાન ક્રિકેટ પહેલાં, પછી બીજી વાત.”

જાગૃતિને હવે બોલવું અનુચિત લાગતાં હોઠોને સીવી લીધા.

ભાભીએ વિચાર્યુ  “આ કાગડાના હાથમાંથી દહીંથરૂં ગયું.”

જાગૃતિને તદ્દન શાંત થયેલી જોઇ આકાશને લાગ્યું કે પોતે મેચ જીતી ગયો. હવે યોગ્ય પાત્ર મળી ગયું. એટલે એણે પ્રસ્તાવના મૂકી. “મે લગભગ વીસ છોકરીઓ જોઇ છે. મારી જીવનસાથી તરીકે હું તને પસંદ કરું છું. જાગૃતિ, આઇ લાઇક યુ. યુ આર ધ બેસ્ટ. લગ્ન દશેક દિવસમા લેવું પડશે. મારી પાસે પૂરતી રજા નથી. ચાલો આપણે છૂટાં પડીએ. તમારે ધ્વજવંદન માટે સ્કૂલે જવાનું છે. મારે પણ ઉતાવળ છે. અત્યારે મિત્રો સાથે દમણ જવાનું છે.”

“પરદેશથી જયારે માતૃભૂમિની મુલાકાતે આવ્યા હોય અને ધ્વજવંદનમાં હાજરી આપવાની તક મળતી હોય ત્યારે પણ દમણનું ભ્રમણ?”  એવું સ્વગત બોલતાં જાગૃતિએ પોતાના બા-બાપુ-ભાઇ-ભાભીનો અભિપ્રાય લીધા વગર જ જવાબ આપી દીધોઃ “મિ. આકાશ, તમે મને પસંદ કરી તે બદલ તમારો આભાર માનું છું. તમારા વિચારો જાણ્યા. તમે કહયું કે તમે વીસ છોકરીઓ જોઇ ચૂકયા છો અને હું  એકવીસમી છું. એ વાત ન ભૂલશો કે હું એકવીસમી સદીની છોકરી છું. ‘દિકરી અને ગાય દોરે ત્યાં જાય’ એ વીસમી સદીની કહેવત હતી. એકવીસમી સદીની દેણ છે ‘દિકરી જયાં જાય ત્યાં રળીને ખાય’.  આધુનિક સમાજમાં હવે જાગૃતિ આવી ગઇ છે. મારે મન સુખી અને સંપન્ન દાંપત્યજીવન એટલે બે આત્માઓ વચ્ચે સમજણભરી મિત્રતા અને આદર્શ સંબંધોનું વહેતું પવિત્ર ઝરણું. મને માફ કરજો પણ મારી સાથે લગ્નનો કરેલો તમારો પ્રસ્તાવ મને નામંજુર છે.”

સ્વાતંત્ર્યદિનની ઉજવણી માટે નણંદ ભોજાઇ સ્કૂલ તરફ ચાલી નીકળ્યા.

મનુ ગિજુ


તેણે મારા નામ સામે નામ પોતાનું મૂક્યું
વ્હાણની સામે મૂક્યો દરિયો ને ડૂબવાનું મૂક્યું

રમેશ પારેખ


Responses

  1. ખરેખર હિંમતવાળી…..અને આ પછી આકાશે જે છોકરી પસંદ કરી હશે, એ કેનેડા જઈને તો એના માથાનીજ મળી હશે એની ૧૦૦% ગેરંટી…. ઘરવાળીના રૂપમાં કામવાળીજ જોઈતી હોય તેને એવુંજ મળે… આવા લોકો એનેજ લાયક હોય…

    જાગૃતિ જેવી હજી પણ જો થોડી વધારે છોકરીઓ નીકળે તો મોટો ફાંકો રાખતા પરદેશના છોકરાઓનો ઘમંડ ઉતારી દયે…

    સુંદર વાર્તા….

    Like

  2. Manubhai,

    I read your story I like it. Nice story.

    Like

  3. Really nice story. I wish girls and their parents start looking at the inside chapters of the book, not just book cover with the NRI Title & picture of Passport on the top.

    Like

  4. Very nice story. I liked detailed description of the surrounding in the beginning of this story. The auther has described thoughts of Akaash very well. Great thinking and response Jagruti!!

    Like

  5. મનુભાઈ,
    તમારી વાર્તા વાંચી. ખુબ ગમી. હાર્દીક અભીનંદન.
    “તમે વીસ છોકરીઓ જોઇ ચૂકયા છો અને હું એકવીસમી છું. એ વાત ન ભૂલશો કે હું એકવીસમી સદીની છોકરી છું. ‘દિકરી અને ગાય દોરે ત્યાં જાય’ એ વીસમી સદીની કહેવત હતી. એકવીસમી સદીની દેણ છે ‘દિકરી જયાં જાય ત્યાં રળીને ખાય’. આધુનિક સમાજમાં હવે જાગૃતિ આવી ગઇ છે. મારે મન સુખી અને સંપન્ન દાંપત્યજીવન એટલે બે આત્માઓ વચ્ચે સમજણભરી મિત્રતા અને આદર્શ સંબંધોનું વહેતું પવિત્ર ઝરણું.” બહુ જ સુંદર. “વીસ છોકરીઓ” વીસમી સદી- “એકવીસમી છોકરી” એકવીસમી સદીની છે.
    રુપક પણ જુઓ: “પહેલી નજરે જ જાગૃતિને પુસ્તકનું કવર અનાકર્ષક લાગ્યું.” “જાગૃતિને પુસ્તકનાં શરૂઆતનાં પાનાં પણ ના ગમ્યાં.”
    મનુભાઈ, તમારી ગુજરાતી ભાષાની સમૃદ્ધી પણ ઘણી સારી છે. આશા રાખીએ કે આવી સરસ વાર્તાઓ તમારા તરફથી મળતી રહેશે.

    Like

  6. Nice. I liked use of words from cricket. It made clear.

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: