બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
છેલ્લા પંદર વર્ષોમાં “શબ્દસેતુ”એ દેશ વિદેશથી મહેમાન કલાકારોને આમંત્રિને પાંચ થી છ વખત ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમો દરમ્યાન “શબ્દસેતુ”ના સભ્યોએ યાદગીરી માટે વીડિઓ ઉતારેલ છે.
અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.
આદિલ સાહેબની જેમ, યુ. કે. નિવાસી અદમ ટંકારવીનું પણ ટોરોન્ટો એ એમને ગમતું બીજુ ઘર છે. ગુજરાતી મુશાયરાઓમાં આ બન્નેની જોડી એક સાથે જોવા મળતી હતી.
ગુજરાતી ગઝલનો એક પોતાનો ઈતિહાસ છે. એની પોતાની પરંપરા છે. એ પરંપરાના પ્રવાહને વહેતો રાખી, નિત નવા આધુનિક પ્રયોગો અને પ્રતિકો સાથે, આજે એમાં ઘણું જ મોટું પરિવર્તન આવ્યું છે. ગઝલના આ વહેતા પ્રવાહને ધ્યાન ખેંચે એવો નવો વળાંક આપનાર કવિઓની નામાવલીમાં અદમભાઈનું નામ જુદુ તરી આવે છે.
એમનો એક અનોખો અને બેજોડ શેર –
જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી
લીમડાની ડાળ મીઠી થઈ ગઈ
આદિલ સાહેબ એમના એક ઇન્ટરવ્યુમાં આ શેર વિષે જણાવે છે કે આવો ભાવ, આવો ખયાલ, આવો વિચાર ઉર્દુ ગઝલોમાં પણ જોવા મળતો નથી.
અદમ ટંકારવી ‘ગુજલિશ ગઝલો’ ના પ્રણેતા છે. એમણે વેસ્ટર્નાઇઝ્ડ થયેલ આપણી યુવાપેઢીને ગમે એવી ‘ગુજલિશ ગઝલો’ લખી છે. એમણે ઘણા ગુજરાતી ગઝલકારોની રચનાઓનું અંગ્રેજીમાં રૂપાંતર કર્યુ છે.
મુશાયરાના એ જાદુઇ સંચાલક છે. એમને બધી જ ગઝલોના શેર કંઠસ્થ હોય છે. એમની પોતાની ગઝલોના તો હોય, પણ બીજાની ગઝલોના પણ, અને તમે કહેલા શેરને અનુરૂપ, એના અનુસંધાનમાં બીજો શેર એ અચૂક, તરત શોધી કાઢે છે. એમના મગજમાં કોમ્પ્યુટરાઈઝ્ડ મેમરી છે. મુશાયરામાં એમને સાંભળવાની ખૂબ મજા પડે છે અને એમની મુલ્લા નસરુદ્દીનની વાતો… તમને પેટ પકડીને હસતા રાખે છે.
કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા
અદમ ટંકારવીના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો. બાગમાં ક્યાં હવે ફરે છે સનમ – કાવ્યપઠન
બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વેબસાઇટ ઉપર મળે છે સનમ
ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ
મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ
ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ
આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ
શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ
ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ
દિલની ધડકન છે સૉફ્ટવેર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ
લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ
આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ
આપણે નાઈધર હિયર નોર ધેર
એક વોઈડમાં ખોવાઈ ગયા
વાહ.. અદમસાહેબનું લાક્ષણિક ગુજલિશ ગઝલ પઠન.
LikeLike
By: Pancham Shukla on જુલાઇ 19, 2010
at 5:57 પી એમ(pm)