વરસ બાવીસમું તે લાવું ક્યાંથી?
છેલ્લા પંદર વર્ષોમાં “શબ્દસેતુ”એ દેશ વિદેશથી મહેમાન કલાકારોને આમંત્રિને પાંચ થી છ વખત ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમો દરમ્યાન “શબ્દસેતુ”ના સભ્યોએ યાદગીરી માટે વીડિઓ ઉતારેલ છે.
અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.
મોહબ્બતથી રંગી ગયા, જે ગઝલને
એ આસીમ હતા કોઇ, રાંદેરવાલા.
આ એ જ રાંદેર છે જ્યાં ૧૯૩૦ ના ગાળામાં પ્રથમ મુસ્લિમ-ગુજરાતી સાહિત્ય મંડળ સ્થપાયું. અને ત્યાર બાદ ઘણાં મુશાયરાઓ યોજાયા. આસિમ રાંદેરી, ગની દહીવાળા, બેકાર, રતિલાલ અનિલ, મનહર ચોકસી, ભગવતીકુમાર શર્મા, મુકુલ ચોકસી નયન દેસાઈ, રઈશ મણિયાર, વિવેક ટેલર, અને બીજા ઘણાં બધા…
આ બધા જ, કવિ નર્મદના સુરતના નબીરાઓ. રાંદેર-સુરત એ એમની ગઝલભૂમિ.
આસિમ સાહેબનો જ્ન્મ તાપી કિનારે આવેલા રાંદેરમાં ઈ.સ.૧૯૦૪ના ૧૫મી ઓગસ્ટે થયો હતો. ‘આસિમ’ એ એમનું તખલ્લુસ-ઉપનામ છે. રંગીન ગઝલકાર તરીકે ખ્યાતિ પામેલા, આસિમ સાહેબ સેન્ચૂરી બેટ્સમૅન હતા. રોમેન્ટિક કવિ હતાં, સદાબહાર દિલથી જવાન ગઝલકાર હતાં. એમને સાંભળતા એવી પ્રતીતિ જરૂર થાય છે કે એ જીવનભર બાવીસ વરસના જ રહ્યાં હતાં. અને તમે એમનું કાવ્ય પઠન સાંભળશો ત્યારે આ વાત સાથે જરૂર સહેમત થશો.
તેઓ આ જીવન તેમની ગઝલલીલાનો વ્યાપ વિસ્તારતા રહ્યા. તેમનું રહસ્યમય પાત્ર લીલા, ખરેખર, એક ઈતિહાસ બની ગયું. ઊર્મિથી ઉભરતી, પ્રણય-રંગી, મસ્તી ભરી ગઝલો અને નઝમો, તેઓ છેલ્લા આંઠ દાયકાથી આપતા રહયાં છે.
૧૯૯૯માં જ્યારે આસિમ સાહેબ ૯૪ વરસના હતા ત્યારે શબ્દસેતુએ ટોરોન્ટોમાં એમનો કાર્યક્રમ યોજ્યો હતો અને એમને જણાવ્યું હતું કે એમની ૧૦૦મી વર્ષગાંઠ અહીં ટોરાન્ટોમાં ઉજવીશું અને આવો જ કાર્યક્રમ આપણે ફરી રાખીશું.
પરંતુ એ ઈચ્છા પૂરી ના થઈ શકી. તેઓ માદરે વતન જતા રહ્યાં હતાં.
જીવનના ઉતરાર્ધના વર્ષો એમણે અમેરિકામાં ગુજાર્યા પણ માટીની માયા કેવી રીતે ભૂલાવી શકાય? દિકરો આખરે મા ના ખોળામાં જ શાંતિ અનુભવે છે. ૧૦૪ વર્ષની ઊંમરે ૦૫-૦૨-૨૦૦૯ ના રોજ રાંદેર, સુરત મુકામે એમણે એમની “લીલા” સંકેલી…
પ્રભુ એમના આત્માને શાંતિ આપે. ખુદા એમની રૂહને જન્નત બક્ષે.
કિશોર પટેલ
પ્રેમનો મહિમા ગાતાં રહેવું,
જ્યાં લગી ‘આસિમ’ શ્વાસ ન અટકે.
મને જોઈ તમે એવું રખે કહેતા હશો દિલમાં
આ ડોસો ક્યાં ભૂલો પડ્યો જવાન લોકોની મહેફિલમાં
મુઝ પર હજી યે મારો ખુદા મહેરબાન છે
છે એ જ રંગ, એ જ છટા, એ જ શાન છે
છાયુ છે એવુ લીલાનું યૌવન ખ્યાલ પર
અરે દિલ પણ હજી યુવાન છે અને નજર પણ યુવાન છે.
મુક્તકો
પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી
છતાં મારા જીવનનું આજ ‘આસિમ’
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી?
યુવાની ગઈ છતાં પણ એ જીવન સંગ્રામ લાગે છે
કળી કરમાઈ ગઈ છે તોય ખુશબૂદાર લાગે છે
મહોબત ગઈ પરંતુ એના પ્રત્યાઘાત બાકી છે
સુકાયેલો છે દરિયો તોય ઝંઝાવાત બાકી છે
તારલા છે કે ફૂલ વીખરાયેલા
કોની માળા ગગનમાં તૂટી ગઈ
ચાંદ બિંદી છે કોના માથાની
રાત કોનો સુહાગ લૂટી ગઈ
કેવા નિર્દય છે લોક, કહે છે
કે તોડી લો ફૂલ, ફૂલ છોડો માં
દોસ્તો હું તો આ વિચારનો છું
જોઈ લો ફૂલ, ફૂલ તોડો માં
સવાલ કોઈ હો હરગીજ જવાબ દેશોમાં
કોઈને આપના દુખનો હિસાબ દેશોમાં
સમસ્ત જીવનની એ પૂંજી ભલેને લઈ જાય
પરંતુ કોઈને દિલની કિતાબ દેશોમાં
યે દિલ હૈ, હર એક કો દિયા જાયે ના
ઔર જીસે દે દિયા ફિર લીયા જાયે ના
આસિમ રાંદેરીના સ્વમુખે એમની રચનાઓ સાંભળવા અહીં ક્લીક કરો.
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી? – કાવ્યપઠન
અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
પ્રતિસાદ આપો