સતીષ ડણાક
દેશથી અહીં ટોરોન્ટો, કેનેડા દિકરાને મળવા આવ્યા હતા. આ દિકરા દિકરીઓ પરદેશમાં વસતા હોવાને લઈને ‘શબ્દસેતુ’ના સભ્યોને આવા સાહિત્યકારોને મળવાનો મોકો મળે છે.
કીર્તિકાંતભાઈની જેમ સતીષભાઈએ પણ મારો સંપર્ક સાંધ્યો અને અહીં ટોરોન્ટો આવીને અમારી શબ્દસેતુની માસિક બેઠકમાં ભાગ લઈ સહુ સાહિત્યરસિક મિત્રોને મળ્યા. આ બન્ને સાહિત્યપ્રેમીઓને મળીને શબ્દસેતુના સભ્યોએ ખૂબ આનંદ અનુભવ્યો. આ દરમ્યાન શબ્દસેતુએ જુલાઈ માસમાં ચિનુભાઈ મોદીનો ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો એટલે એમાં પણ ભાગીદાર થયા.
સતીષભાઈએ એમના જીવનમાં શિક્ષણ અને સાહિત્યને પ્રાધાન્ય આપ્યું છે. કોલેજમાં ભણાવવાની સાથે સાથે સાહિત્ય ક્ષેત્રે એમનુ યોગદાન નોંધપાત્ર રહ્યું છે.
અત્યાર સુધીમાં ૨૫ જેટલા એમના પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને ૨૦૦૫માં એમના કાવ્યસંગ્રહ ‘માછલીની આંખમાં આકાશ’ ને ઉમાશંકર જોષી એવોર્ડ પણ મળ્યો હતો.
અમદાવાદની ‘કાવ્યગોષ્ઠી’ અને વડોદરાની ‘અક્ષરા’ તેમ જ ‘શબ્દસેતુ’ નામની સાહિત્યિક સંસ્થાઓમાં ઘણી સેવા આપતા રહ્યા છે. અને હાલ ‘જલારામ દીપ’ નામનુ એક ટૂંકી વાર્તાઓનુ સામયિક ચલાવી રહ્યાં છે. આશા રાખીએ કે એ ટોરોન્ટો દર વર્ષે આવતા રહે.
કિશોર પટેલ.
કંઈ બોલ તું
આ હવા બેફામ છે કંઈ બોલ તું,
તુ જ વિનાની શામ છે કંઈ બોલ તું.
સૂની હવેલી ને હવાની આવ-જા,
શ્વાસ પણ સૂમસામ છે કંઈ બોલ તું.
થાકી ગયો વેઢા ગણીને આંગણીના,
શબ્દો વિનાનાં નામ છે કંઈ બોલ તું.
મણકા પછી મણકો ફરે માળા વિષે,
ઉજ્જડ થયેલાં ગામ છે કંઈ બોલ તું.
ઝાખાં પડેલા દ્રશ્યને લઈ ચાલતાં,
સ્વપ્નનો પયગામ છે કંઈ બોલ તું.
ઘા પડ્યો તલવારનો ને ધડ અલગ,
ખૂન ભરેલાં જામ છે કંઈ બોલ તું.
બાણ વાગ્યાં શબ્દવેધી તે પછી,
સૂનાં પડેલાં ધામ છે કંઈ બોલ તું.
સતીષ ડણાક
સતીષ ડણાક ના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. કંઈ બોલ તું – કાવ્યપઠન
ઊગતું’તું બધે જ તારું નામ
શ્વાસમાં વાતમાં કે ખ્વાબોમાં
શોભિત દેસાઈ
પ્રતિસાદ આપો