કહેવાય છે : “જેની ચા બગડી એની સવાર બગડી, દાળ બગડી એનો દિવસ બગડ્યો, પાપડ બગડ્યો એનો મહિનો બગડ્યો, અથાણું બગડ્યુ એનુ વરસ બગડ્યુ અને સાસુ બગડી એની જિંદગી બગડી.”
મને બે મુંઝવણો થાય છે. પહેલી એ કે જેની ચા બગડી એની સવાર બગડી તો સાંજ ક્યારે બગડે? બીજી એ કે જેની સાસુ બગડી એની જિંદગી બગડી શા માટે? જેની પત્નિ બગડી કે જેનો પતિ બગડ્યો એની જિંદગી બગડી કેમ નહી?
અહીં ચા, દાળ, પાપડ ને અથાણાની સરખામણી સાસુ જોડે કરવામા આવી છે. કદાચ વર કે કન્યાની સાસુ ચા જેવી મીઠી હોય અથવા દાળ પાપડ ને અથાણા જેવી ખારી, ખાટી ને તીખી હોય શકે. મારી એ બીજી મુંઝવણનો ઉકેલ તો જેની પત્નિ બગડી હોય અથવા જેનો પતિ બગડ્યો હોય તેવા અનુભવી જ આપી શકે. અહીં સાસુ અને જિંદગીની વાત કરી વિષયાન્તર કરવું નથી. પહેલી મૂંઝવણ છે ચાની, માટે ચા વિશે વાત કરવી છે. ચાનો સ્વભાવ છે ઊકળવાનો. ઊકળે પછી રંગ બદલે, ઉભરા મારે અને કડક બને. મારા કાકી મને વારંવાર યાદ આવે. ઊકળી ઊકળીને એવા ઉભરા મારે કે કાકાને તો શું આસપાસ અન્યને પણ દઝાડી નાંખે.
બ્લેક ટી (દૂધ વગરની ચા) ની ગણતરી આયુર્વેદિક દવા તરીકે થાય છે. બ્લેક ટી અને તેમાં દુધ ભેગું થતાં જે ચા બને તે આજે આખી દુનિયામાં પ્રખ્યાત છે. ભારતીય સ્પાઈસીસ નાંખીને તૈયાર થયેલી મસાલા ચા ઠેર ઠેર અને ઘડી ઘડી પીવાય છે. વતનમાં ભિખારી, મજૂર, મિલમાલિક કે ધનવાન લારી આગળ એક સાથે ઉભા રહીને ચાની મઝા માણે છે. લારીવાળી ચાની તપેલી કદાચ રાત્રે એક જ વખત ધોવાતી હશે. મારો એક મિત્ર ચા મફતની હોયતો ચોવીસે કલાક પીવે. પૈસા ચૂકવતી વેળા ખિસ્સામાં હાથ રાખી પાછળ ઉભો રહે. એની જીભ માથી ચાના જેવી મીઠી મીઠી વાણી વહે. એવા મખ્ખીચૂસને અડધો કપ પણ ચાલે. વળી ગુંટડાને સબડકા મારી પીવે અને તપેલી ભરીને મઝા લૂંટે. માખી જો આકસ્મિક ચાના કપમા પડે તો હળવેથી ઉઠાવી કચરાપેટીમાં ફેંકી દે અને ચા પીવાનો કાર્યક્રમ ચાલુ રાખે.
મારા સેંકડો બગાસાની દવા ચા છે. ચા જોઈને મારા બગાસા વરાળ બની જાય છે. મારી પરેશાનીનો ઉપાય પણ ચા. સચીન તેંડુલકરને સેકન્ડ ડાઉન (ચોથા ક્રમે) મોકલે ત્યારે મારી પરેશાની વધી જાય છે. ચા મળે તો પરેશાની ગાયબ. પત્નિ પિયર ગઈ હોય ને પૂર્વ નિર્ધારિત દિવસ કરતાં વહેલી પરત થાય તો હું અપસેટ થઈ જાઉં છુ. પરંતુ પિયરથી આવેલા બ્રાન્ડ ન્યુ ટીસેટમાં ચા મળે એટલે મારો ગુસ્સો છાણના પોદરા જેવો ઠંડોગાર થઈ જાય. કોઈ મને ઇડિયટ કે સ્ટુપિડ કહે તો હું ચલાવી લઉ છું પણ ચા વગર કદી નહી. ગરમી ખૂબ હોય તો પણ મારે ચા જોઈએ જ. ગરમીમાં ગરમ ચા મને ઠંડક આપે. ચા પીતી વેળા મારી ભીતર રાજામહારાજા જેવી બાદશાહી લાગણી ઉભરા મારે છે. ચાની કુટેવનો મને ગેરલાભ પણ છે. મીઠી મીઠી ચા પી પીને મારા દાંતો બગડી ગયા છે ને પેઢાં (gum) કહોવાય ગયા છે. ડેન્ટીસ્ટના ખર્ચા અત્યન્ત વધી ગયા છે. એક વાર મારી પત્નિએ ડેન્ટીસ્ટ આગળ રમુજ પણ કરેલી કે એટલા ડોલર્સમાં તો વતનથી સારા દાંતોવાળો બીજો પતિ લાવી શકાય. મારી પાચનશક્તિ નબળી પડી ગઈ છે. પેટમા ખોરાક પડે ને રબરના ફુગ્ગાની જેમ પેટ ફુલે છે. દરેક જમણ બાદ ઉપસેલુ પેટ બંધ થેલીમા લપેટાયલા સુરણના ગાંઠકંદ જેવુ લાગે છે. પરદેશમાં બપોર પછી ચાનું સ્થાન બીયરે લીધું હોય છે. પરિણામે કેટલાકને સાંજના જમણબાદ ઈલાસ્ટિકવાળી જોગિંગ પેન્ટ ચઢાવવી પડે છે.
મારા કાકા ડાયાબિટીશના દરદી પણ મીઠી ચાના બંધાણી. દવાની ટેબલેટ ગળવાની પણ ચા તો ગળી જ પીવાની. એ એમનો સિધ્ધાંત. મરઘો કૂકડે કૂક બોલતાં જ કાકાને ચા જોઈએ. કોઈકવાર તો કાકા બેડરુમમાંથી કૂકડે કૂક…. કૂકડે કૂક નો અવાજ કરી કાકીને ચા બનાવવાનો સંકેત કરે. આ મરઘાકાકાની ચા હંમેશા કાકી જ બનાવે. એકવાર કાકાએ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દુધની જગ્યાએ છાશ નાંખી હતી. ચા બગડી તો બગડી પણ કાકી બગડ્યાં હતાં ને આખી સવાર બગડી હતી. કાકાની એક કુટેવ છે. જો સવારની પહોરમાં ગરમાગરમ ચા ન મળી તો એમની સવાર બગડી. કાકા ડિક્લેર કરે કે કબજિયાત-એટેક માર્યો. હાર્ટ-એટેક માર્યો હોય એવા ચિંતાગ્રસ્ત થઈ જાય. એમની અક્કલ કામ કરતી બંધ પડી જાય. હાંફળાફાફળા થઈ ઘરમાં જ આમતેમ આંટાફેરા મારે. કાકાને કોણ સમજાવે કે ચા નહીં પણ ચામાં રહેલું ગરમ પાણી દબાણ કરે છે. ગરમ પાણીનો ઉપાય કોઈ સમજાવે તોયે એ માને ખરા? એમને તો ઉઠીને તરત ચા પીવી છે. કાકી પણ મસાલેદાર ચાના જબરા શોખીન. પોતાની ચામાં સ્વબનાવટનો મસાલો જ વાપરે. મસાલાની ડબ્બી જીવની જેમ સાચવી પર્સમાં લઈને ફરે. રેસ્ટોરન્ટ કે યજમાનના ઘરની ચામાં પણ પોતાનો સ્પેસિયલ મસાલો નંખાવે ને પેટ ભરીને સંતોષ અનુભવે.
ક્યારેક લોકો ચા પીવડાવી કાકાને બનાવી જાય છે. લગ્ન પહેલાં ચાનું આમંત્રણ આપી કાકી અને એમના મમ્મીએ કાકાને જાળમાં ફસાવ્યા હતા. કાકા કાકીની શરાબી આંખોમાં નહીં પણ સ્વાદિષ્ટ ચામાં ડૂબ્યા હતા. કાકીએ ટીના મુનિમની અદાથી ફિલ્મગીત પણ ગાયું હશે.: “શાયદ મેરી શાદીકા ખયાલ દિલમેં આયા હૈ ઇસી લીયે મમ્મીને મેરી તુમ્હેં ચાય પે બુલાયા હૈ.” સાસરે આવ્યા પછી જેમ નવીસવી કાકીને વારેઘડી પિયર સાંભરતું તેમ કાકાને પેલી ચા સાંભરતી.
અત્યારે કાકા એકલા એકલા કેનેડા ફરવા આવ્યા છે. દરરોજ સવારે આશરે ૬ વાગે ચા પીવે છે. તે સમયે કાકીનો ૩ ઘંટડી વગાડતો વતનથી લોન્ગ ડિસ્ટન્ટ મિસકોલ આવે છે. વતનમાં બપોરના આશરે ૪ વાગે કાકી ચા પીવે છે. દૂર દૂર રહીને પણ કાકા કાકી આ રીતે સંગ સંગ ચા પીવાનો રોમાન્ટિક આનંદ માણે છે. કાકા વતનથી ચણાદાણા કે મીઠાઈ નહીં પણ એક કિલો ચા સાથે લઈ આવ્યા છે. અહીંયા આવીને બે જ દિવસમાં ફરિયાદ કરવા લાગ્યા હતા કે ચાની લારી તો દેખાતી જ નથી. મેં રસ્તાના કોર્નર પરની કોફીશોપ બતાવી કહ્યું હતું: “ત્યાં પેલું …ઘર જેવું દેખાય છે તેમાં ચા મળે. ખાલીકપ કન્ટેનરના નળ નીચે મૂકો એટલે ભરાય જાય.” કાકાના ચહેરા પર અવિસ્મર્ણિય સ્મિત છવાય ગયેલું. મે આગળ કહ્યું હતું: “એક કપના ૫ચાસ સાંઠ રુપિયા થાય.” કિંમત સાંભળી કાકા આખલાની જેમ ભડકેલા. ત્યારથી કાકાએ કોફીશોપ તરફ આંખો ઉઠાવીને જોયું નથી. હવે જ્યારે અમે ટુરિસ્ટ સ્થળો જોવા જઈએ છીએ ત્યારે ભત્રિજી પાસે થર્મોસ ભરીને ચા બનાવડાવી લે છે. તે પણ સ્પેશિયલ આદુવાળી.
અમે સાંજે જ્યારે સોશિયલ વિઝીટે જઈએ ત્યારે કાકાએ જોયુંકે મહેમાનને બીયર પીવડાવીને યજમાન પોતે ખાનદાની વ્યવહાર કર્યાનો સંતોશ માનતા હોય છે. કાકાની સૌથી વ્હાલી ચા પરંતુ અહિં તો સાંજનો સમય હોય તો બીયરનો આગ્રહ પ્રથમ. માટે રસ્તામાં જ કાકા કહેતા કે યજમાન જો ચાની ઓફર કરે તો ના નહીં પાડવાની. જો બીયરનો આગ્રહ કરે તો કાકાનું મોં પડી જાય. ચા લાવે તો મોં પર રોનક આવી જાય અને પોતાના માટે ખૂબ આદરભાવ છે એવું માને. યજમાનના કુટુમ્બ સાથેનો વર્ષો પુરાણો સંબંધ યાદ કરે. વળી મગ(mug)માં નહીં પણ કપ-પ્લેટમાં પીવડાવે તો ગામડાંનો હેતભર્યો દરિયો પીતા હોય એવી કલ્પના કરે. કાકા બીયર પીવાની અનિચ્છા દર્શાવે ત્યારે યજમાનને આશ્ચર્ય થાય. કાકાના એક ખાદીધારી મિત્ર (વતનમાં) તો વળી સમજાવતા કે પરદેશમાં તો આ સાંજે પિવાતી બીયર સોડા કહેવાય.
કાકા કાલે વતન પરત થવાના છે. પેલી ૧ કિલો ચા પણ ખલાસ થઈ ગઈ છે. એમને ખૂબ ફેરવ્યા. ઘણાં મિત્રો, સગાંવહાલાં, સબંધીઓની મુલાકાત કરી લીધી. લગ્નરિસેપ્સન, છઠ્ઠી, બર્થડે , લગ્ન, લગ્નએનિવર્સરી જેવા પ્રસંગોમાં ગયા. કાકાએ સૌને ખાણીપીણી તથા આનંદપ્રમોદ કરતા જોયા.
આજે અમે ચા પીતા હતા ત્યારે પોતાના પરદેશ પ્રવાસ દરમ્યાન કરેલા નિરીક્ષ્ણનો નિચોડ આપતાં કાકા મને કહે: “અહીંતો સાંજ પડવા માંડે ને બીયર-બોટલના ઢાંકણાં ખૂલવા માંડે. હજારો માઈલની પરદેશ મુસાફરી બાદ જેમ વતનની સાઈકલ વટલાઈને કાર બની ગઈ છે તેમ સાંજે પીવાતી ‘ચા’, વટલાઈને ‘બીયર’ બની ગઈ છે. જેની ચા બગડી એની સવાર બગડી અને જેની બીયર બગડી એની સાંજ બગડી.”
ચા મળી તો ચાહત જડી
ત્યાં મજાની હાજત મળી
કિશોર નિજાનંદ
હળવી શૈલીમાં ચા પુરાણ ગમ્યું… કાકાની ચા વિના કથળતી હાલત અને બગડતો મૂડ રમુજ કરાવી ગયું
LikeLike
By: મનસુખલાલ ગાંધી, on જૂન 6, 2016
at 7:23 પી એમ(pm)
Good. I am addicted to a pint of tea in the morning . alterantely prepared by me and my inspiration- Prerana.
LikeLike
By: Dr. Mayur Kehavlal Pandya on એપ્રિલ 6, 2011
at 12:08 એ એમ (am)
” હજારો માઈલની પરદેશ મુસાફરી બાદ જેમ વતનની સાઈકલ વટલાઈને કાર બની ગઈ છે તેમ સાંજે પીવાતી ‘ચા’, વટલાઈને ‘બીયર’ બની ગઈ છે. જેની ચા બગડી એની સવાર બગડી અને જેની બીયર બગડી એની સાંજ બગડી.”
શરુઆતમાં મુકેલા સાંજ બગડવાના પ્રશ્નનો સરસ મેળ પાડ્યો મનુભાઈ. સરસ હાસ્યલેખ. ધન્યવાદ.
LikeLike
By: ગાંડાભાઈ વલ્લભ on ફેબ્રુવારી 28, 2011
at 4:20 પી એમ(pm)
I am one of them whose day gets ruined if a good cup of tea is not available. Anything can be done without but must have morning tea.
Pravin Desai
LikeLike
By: Pravin Desai on ફેબ્રુવારી 26, 2011
at 3:10 પી એમ(pm)
nice thanks.
LikeLike
By: Gangji Gala on ફેબ્રુવારી 26, 2011
at 9:06 એ એમ (am)
હળવી શૈલીમાં ચા પુરાણ ગમ્યું… કાકાની ચા વિના કથળતી હાલત અને બગડતો મૂડ રમુજ કરાવી ગયું
LikeLike
By: અશોક જાની ' આનંદ' on ફેબ્રુવારી 25, 2011
at 2:39 એ એમ (am)