એ તો હું શાંતિ
“ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણા”. દૈનિક પેપરના આ મુખ્ય સમાચારે મારુ ધ્યાન ખેચ્યું અને એમાં પણ “શાંતિ” શબ્દએ સવારથી જ મને વિચારતો કરી દીધો. આપણે ત્યાં જેમ જૂના રાજકારણીઓના નામ હજી પણ છવાયેલા રહે છે એ રીતે “શાંતિ” શબ્દ આપણા સહુના જીવનમાં વણાયેલો છે. આ “શાંતિ” શબ્દની જાહોજલાલી નિરપવાદ, વિશ્વવ્યાપક છે અને ભારતમાં તો ખરેખર અજોડ છે. આપણે ત્યાં ભાગ્યેજ કોઈક એવી વ્યક્તિ હશે કે જેને પારિવારિક સંબંધોના સંબોધનમાં, દિવસમાં એક બે વાર આ શબ્દ બોલવો કે સાંભળવો ન પડ્યો હોય! આપણા દેશમાં ભાગ્યેજ કોઈક ગામડું એવું હશે કે જ્યાં આઠ દસ શાંતિ રહેતી ન હોય! જો કે એમાંથી નામથી વિપરીત કેટલીક શાંતિ, અશાંતિ પણ ફેલાવતી હોય, એ શક્ય છે પરંતુ એમાં વાંક ફોઈબાનો છે.
આપણા બા બાપુજીના જમાનામાં ફોઈબા આ “શાંતિ” શબ્દનુ મહત્ત્વ જાણતા અને તેમના જન્મસિધ્ધ અધિકારનો ઉપયોગ કરી તે સમયની સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં શાંતિ જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખતા. પરંતુ જ્યારથી મમ્મી પપ્પા કે મોમ ડેડના દિવસો શરુ થયા ત્યારથી નામ પાડવાનો આ અધિકાર ઘણાં ઘરોમાં ફોઈબા પાસેથી છીનવાઈ ગયો અને તેની સીધી અસર થઈ ”શાંતિ”ની બાદબાકી. મોર્ડન જમાનાના મોમ ડેડ પરણ્યા બાદ થોડા વર્ષો પછી જ્યારે ફેમિલી પ્લાનીગનો વિચાર કરે ત્યારે પ્રથમ બાળકનું નામ શું રાખીશુ એની ખાસ ચર્ચા કરે છે અને અલ્ટ્રામોર્ડન, યૂનિક નામ રાખીને આનંદ અને ગર્વ અનુભવે છે. શાંતિ જેવો શબ્દ તેમને જુનવાણી અને ચવાઈ ગયેલો લાગે છે. વળી તેમની ડે ટુ ડે વ્યસ્ત જીંદગીને અનુરૂપ આ શબ્દ ન લાગતા તેને આઊટ ડેટેડ ગણી તિલાંજલિ આપે છે જેનું સીધું પરિણામ આવે છે શાંતિ ની અછત .
ગયા અઠવાડિયે હું જીવણદાદાને દેશ વિદેશના સમાચાર વાંચી સંભળાવતો હતો. તેમાં “શાંતિ માટેનું નોબેલ પારિતોષક અમેરિકાના પ્રમુખ શ્રી ઓબામાને મળ્યુ” એ સમાચાર સાંભળી જીવણદાદા એકદમ દયામણો ચહેરો કરી બોલ્યા, “શું આપણે ત્યાં હવે કોઈ શાંતિ જ નથી રહી કે શાંતિના નામનું ઇનામ છેક અમેરિકાના ઓબામાને આપવું પડે?”. દાદા નિસાસો નાખતા આગળ બોલ્યા, “ભાઈ, તમે બધા ભણેલા ગણેલાઓ આ નવા નવા નામ પાડવા લાગ્યા તેમાં આપણે ત્યાં કોઈ શાંતિ નહી રહી તે જોયું ને, એટલે છેવટે ઓબામાને ઇનામ આપવુ પડ્યું. શું થશે આપણા દેશનું?”.
એંસી વરસના જીવણદાદા ખેડૂત. જિજ્ઞાસુ વૃત્તિવાળા એટલે અમારા જેવા પાસે નવી દુનિયા વિશે જાણકારી મેળવે અને તેમના જીવનના જુના દિવસો સાથે સરખામણી કરે. જીવણદાદાને આ શાંતિ માટેના નોબેલ પારિતોષક વિશે સમજાવવા મેં કલાક બગાડ્યો ત્યારે તેમને સંતોષ થયો. પછી અમે ‘શાંતિ’ શબ્દ વિશે ઘણી વાતો કરી .
જીવણદાદાએ મને રામુકાકા કે જેઓ હાલ કેનેડામાં સ્થાઈ થયેલ છે તેમની વાત કરી. દાદા કહેવા લાગ્યા “અમારો રામુ બહુ જ મજાકિયો, સદા હસતો રહે અને અમને બધાને હસાવતો રહે”. જયારે એને પૂછીએ, “કેમ છે રામુ?” એટલે એ જવાબ આપે “શાંતિ. તમારે કેમ છે?” પછી તરત જ આગળ બોલે “સાંભળો કાકા, મારી બા, ફોઈબા, કાકી, માસી, મામી, પિત્રાઈ બેન અને ઘરે કામવાળી પણ શાંતિ જ. સાચું કહું તો હું શાંતિ થી જ ઘેરાયેલો રહું છું”. રામુ પાસેથી આ એકની એક વાત જીવણ દાદાએ કેટલીએ વાર સાંભળી હશે પણ કોણ જાણે કેમ, એમના મનમાં વિચાર આવ્યા કરે કે આ તેના સાચા દિલની વાત હશે? આપણે એને ગમ્મત ગણીએ પરંતુ રામુનું નિજાનંદી જીવન જોઈને દરેક વખતે સંભળાતી, આ એકની એક વાત જીવણદાદાને તથ્ય વાળી લાગતી.
પછી તો રામુ બાજુના ગામના કેનેડા ગયેલ પરિવારની ‘ડોલી’ નામની છોકરી સાથે લગ્ન કરીને પંદર સત્તર વર્ષ પહેલા કેનેડા ગયેલો. ગયા વર્ષે જ એ એના કુટુંબીજનોને મળવા સહપરિવાર એક મહિના માટે આવેલો. એક દિવસ એ જીવણદાદાને મળવા ગયો. સાથે બેસી વાતો કરી, ચા નાસ્તો કર્યો, પરંતુ રામુનો પહેલા જેવો મજાકિયો સ્વભાવ ન અનુભવતા જીવણદાદાએ એને પૂછ્યું, “ત્યાં કેનેડામાં કેમ છે રામુ? બરાબર છે ને?” રામુને જુના દિવસો યાદ આવી ગયા હશે કે કેમ? તે મોં ઉપર બનાવટી હાસ્ય લાવી બોલ્યો, “જીવણકાકા, અહી ઇન્ડીયામાં હું ઘણી બધી શાંતિથી ઘેરાયેલો રહેતો હતો, પણ કેનેડાની લાલચે, મેં શાંતિને બદલે ડોલીને પકડીને વાઈફ બનાવી ત્યારથી લાઈફ્માં અશાંતિ આવી ગઈ. જીવન શાંતિ વગરનું થઇ ગયું, પરંતુ ચાલો, એ તો ચાલ્યા કરે. ત્યાંની બીઝી લાઇફમાં વિચાર કરવા માટે સમય જ ક્યાં છે? હા, ઇન્ડિયાથી કોઈ સંત, મહાત્મા કે બાપુ આવે અને વિકએન્ડમાં એમની કથા સાંભળવા જઈએ ત્યારે છૂટથી થતા શાંતિ શબ્દના ઉપયોગને સાંભળીને મન મનાવીએ”.
જીવણદાદાની વાત સાંભળ્યા પછી એવું જરૂર લાગે કે સમય પ્રમાણે જગત સાથે કદમ મિલાવવા, માણસ શાંતિ વગર પણ જીવનમાં સમાધાન કરી જીવતા શીખી જતો હશે. કદાચ, એને જ આપણે પ્રગતી કે વિકાસ કહેતા હોઈશું!
ઘણા સમય પછી ગયા રવિવારે અમે ત્રણ મિત્રો ભીખાકાકાને મળવા ગયા. ભીખાકાકા બહુ ભલા માણસ. ગામ આખા ને મદદ કરે. કોઈ અર્ધી રાતે ઉઠાડે તો પણ હસતા ચહેરે ઉભા થઈ કામ કરવા તેયાર. અમે એમને ઘરે પહોંચ્યા ત્યારે ભીખાકાકા હીચકા ઉપર બેસી પેપર વાંચતા હતા. પ્રવીણભાઈએ ભીખાકાકાને પૂછ્યું,”કાકા તમારા જેવા મહેનતુ માણસ, ખેતીની થોડી આવકમાં પણ કેટલી મઝાથી જીવે છે. અમે ભણી ગણી, સારી નોકરી મેળવી ઘણું કમાઈએ, પણ હંમેશા ટેન્શનમાં જ હોઈએ. તમારા જેવા વડીલને મળીએ એટલે અમારો અઠવાડિયાનો થાક ઉતરી જતો હોય એવું અનુભવીએ. આની પાછળનું રહસ્ય શું?”
ભીખાકાકા કાંઈ પણ બોલ્યા વગર અમારી સામે જોઈને શાંત ચહેરે માર્મિક સ્મિત છલકાવતા મલકી રહ્યા ત્યારે મને એમની બાજુમાં કોઈ બેઠેલું અને બોલતું હોય એવો ભાસ થયો. મેં એ આભાસી શબ્દો સાંભળ્યા હોય એવું અનુભવ્યું. એ શબ્દો હતા, “એ તો હું શાંતિ”. હું તો આ જોઈને અવાક થઈ ગયો. આંખો ફાડીને જોતો જ રહ્યો. હથેળીથી માથામાં બે ત્રણ ટપલી મારી. જોરથી માથુ ધૂંણાવ્યું. માનવામા ન આવે એવું ઘટી રહ્યુ હતું. બે દિવસ પહેલા “લગે રહો મુન્નાભાઈ” ફિલ્મ જોઈ હતી એટલે જ્યારે મારી સાથે આવું બન્યું ત્યારે મને ખાતરી થઈ કે આ સત્ય ઘટના જ હોઈ શકે.
પછી મેં જીવણદાદા સાથે શાંતિ વિશે થયેલ વાત કરી. વ્યવસાયે શિક્ષક એવા મનોજભાઈએ કહ્યું કે આજનો માણસ મનની શાંતિ મેળવવા ઘણા જ પ્રયત્નો કરે છે. આજે યોગ, પ્રાણાયામ, ધ્યાનની શિબિરો, સંત મહાત્માઓની કથા જેવી ઘણી પ્રવૃતિઓ જોર શોરથી ચાલે છે. શું આ પ્રવૃતિમાં ભાગ લેનાર માણસ શાંતિ મેળવી શકતો હશે?
થોડા સમય પછી ભીખાકાકા બોલ્યા, ”ભાઈ, તમે ભણેલા ગણેલા લોકો થોથા ઉથલાવીને, મોટી મોટી વાતો કરો અને શાંતિ અંગે ઘણું વિચારો છો, પણ અમારા જમાનામાં એવો સમય જ ક્યાં હતો. સવારથી સાંઝ સુધી કામ. રાત્રે પ્રભુનુ નામ લેતા સુઈ જવાનુ અને સવારે પ્રભુનુ નામ લઈને ઉઠવાનુ. મોટા ભાગના લોકોની જીવનપદ્ધતિ સીધી સાદી. માણસો સંતોષી પણ ખરા. જીવને હંમેશા શાંતિ. અમે લોકો શાંતિ બોલીને કે સાંભળીને સદા તેને યાદ રાખવા માટે જ તો આ નામ પાડતા. આજે તો છોકરા છોકરીઓના નામની ચોપડીઓ વેચાય છે અને એમાંથી શોધીને નામ પાડવામાં આવે છે”.
બાજુમા બેસેલા મગનકાકા ક્યાંથી ચૂપ રહી શકે? મગનકાકાને મોટાભાઈ થવાનુ બહુ ગમે. સલાહ સૂચન આપવામાં એ એકકા અને એમાં પણ જુવાનિયાઓને કાંઈ કહેવાનો મોકો મળે તો ક્યાંથી છૂટે! તરત જ એમણે ડબકો મૂક્યો “આજનો માણસ પહેલા ઉપાધિ ઉભી કરે અને પછી ટેન્શનમાં જીવે. પહેલા ભણીને ડીગ્રી મેળવવાની ચિંતા, પછી સારી નોકરી શોધવાની ચિંતા, ત્યાર બાદ નોકરીમાં સેટ થઈ સારા પૈસા બનાવવાનું ટેન્શન. આખી જુવાની અને અર્ધી જિંદગી વીતી જાય ત્યારે તમને શાંતિ યાદ આવે”. એમણે આગળ ચલાવ્યુ “ભાઈ, તમે લોકો તો પરણો પણ બહુ મોડા. અમારા જમાનામાં પચ્ચીસ વર્ષ પછી કોઈ પરણવા તૈયાર થાય તો એને શાંતિ મળે જ નહી. આજુબાજુ તો ઘણી બધી હોય પણ એ કોઈની રાહ થોડી જુએ? અને સારી શાંતિ તો મળવી જ મુશ્કેલ”.
મગનકાકા મણીકાકીને પરણેલા એટલે મેં મજાકમા પૂછ્યું “કાકા, તમારા જમાનામા તો ઘણી બધી શાંતિ હશે, તો તમે કાકીની પસંદગીમાં ‘શાંતિ’ કેમ ન રાખી? ત્યારે તેમણે ગરીબડાં મોં એ જવાબ આપ્યો “ભાઈ તમારા જેવી જ મારી પણ દશા છે. દુનિયામાં આપણે બીજી શાંતિ કે બીજાની શાંતિ જોઇને જ સંતોષ માનવો રહ્યો”.
મનુભાઈ સામાજિક કાર્યકર્તા, એટલે ભાષણ આપતા હોય એવી લાક્ષણિક છટામાં બોલ્યા “ભાઈઓ, દુઃખી થવાની જરૂર નથી આજે શાળા, મહાશાળા, દવાખાના, પુસ્તકાલય કે સરકારી કચેરી, દરેક જગ્યાએ દિવાલ ઉપર શાંતિ જાળવો ના બોર્ડ તો લટકાવેલા જ હોય છે, હા, એ જુદી વાત છે કે તેને જોવાની દરકાર આપણે કરતા નથી, અને ક્યાંક નજર પડી જાય તો તેની અવગણના કરવાનો અધિકાર પણ છોડતા નથી”.
અંતે અમે બધા એક વાતમાં સહમત થયા કે શાંતિ જેવl નાના શબ્દ વિષે જુદી જુદી રીતે વિચારીએ તો આપણું મગજ જરૂર અશાંત થઈ જાય અને જો તેને વિવેકપૂર્વક અપનાવી લઈએ તો જીવનની અર્ધી ઉપાધિ ઓછી થઈ જાય. વડીલોની વાત સાચી લાગે છે. જો આપણે સંતોષી જીવન જીવવાની કોશિશ કરીએ તો શાંતિને શોધવા જવું ન પડે અને બીજાની શાંતિ જોઇને સંતોષ પણ ન માનવો પડે!.
ઓહ્મ શાંતિ શાંતિ શાંતિ…
આ ચિત્ત શું કોઈ ચબૂતરો કે વિચારપંખી તણી હારમાળા
આવી ચડે ને કરી કલબલાટ ચણી રહે શેષ રહેલ શાંતિ
ને સ્વસ્થતાની સઘળી મિરાત
હરીન્દ્ર દવે
સુંદર લેખ…
LikeLike
By: મનસુખલાલ ગાંધી, on જૂન 6, 2016
at 9:00 પી એમ(pm)