છેલ્લા પંદર વર્ષોમાં “શબ્દસેતુ” એ દેશ વિદેશથી મહેમાન કલાકારોને આમંત્રિને પાંચ થી છ વખત ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમો દરમ્યાન “શબ્દસેતુ”ના સભ્યોએ યાદગીરી માટે વીડિઓ ઉતારેલ છે.
અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.
અહમદ યુસુફ લુણાત. ‘ગુલ’ એ એમનું ઉપનામ (તખલ્લુસ) છે. બહુ જ સૌમ્ય વાણી વાળા ‘ગુલ’ સાહેબ બેટલી, યુ. કે. ના એક જાણીતા અને માનિતા શાયર છે.
એમણે પંદર વર્ષની ઉમ્મરે સાહિત્ય સર્જનની શરૂઆત કરી હતી. આટલી નાની ઉમ્મરે એમની કવિતા અને ટૂંકી વાર્તાઓ ગુજરાતી સામાયિકોમાં છપાતી હતી.
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થઈ ૧૯૬૩માં તેઓ યુ. કે. આવ્યા. અહીં આવી ગુજરાતી સાહિત્ય-સર્જનની પ્રવ્રુત્તિને આગળ ધપાવવા એમણે બેટલી (બાટલી) માં ‘ગુજરાતી રાઇટર્સ ક્લબ’ ની સ્થાપના કરી.
ત્યાર બાદ યુ. કે. ની વિવિધ રાજ્કીય, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓમાં સેવા આપી એક ઉચ્ચ નાગરિક તરીકેની પ્રતીતિ કરાવી. આ સર્વાંગી સેવાની કદર રૂપે યુ. કે. સરકાર તરફથી તેમણે ૧૯૯૯માં ઑફિસર ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (ઓ.બી.ઈ) નો માનપ્રદ ખિતાબ મેળવ્યો. અત્યાર સુધીમા એમના પાંચ ગઝલ સંગ્રહો પ્રકાશિત થયા છે,
કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા
રવિવાર તારીખ ૮ મે ૨૦૧૧ ના રોજ “મધર્સ ડે” આવી રહ્યો છે, તો ચાલો સાંભળીએ માના ઝુરાપાની વાત, કદી ના ભૂલાય એવી યાદ ‘ગુલ’ સાહેબના હોઠે.
અહમદ ‘ગુલ’ના સ્વમુખે એમની રચના તેમજ ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
કોઈ આવે તો… યાદ છે – કાવ્યપઠન
કોઈ આવે તો
મા…..
હવે જો કોઇ
દેશથી આવે તો
મોકલાવજે,
પરોઢિયે ઊઠી
ઘંટીના મધુર તાલ પર
તુજ હસ્તથી
દળેલો મીઠો લોટ
ત્યાં સુધી બ્રેડના ડૂચા
ગળે ઉતારતો રહીશ હું
ને
તુજ હાથથી
કૂવે જઈ ધોએલાં
મારા લૂગડાનું પોટલું
મોકલાવજે
ત્યાં સુધી લોન્ડ્રીના
ધોએલાં કપડાં
મુજ શરીર પર
ટીંગાડતો રહીશ
ને
મા
મોકલાવજે
તારા ખોળાની
હૂંફ
ત્યાં સુધી હીટરના તાપમાં
બાળતો રહીશ
શરીર મારું
જો
મા
કોઈ આવે તો…
યાદ છે
કોઇ પાસેથી ગયાનું યાદ છે
ને સજળ આંખો થયાનું યાદ છે
અવસરોના તોરણોને શું કરું
મંડપો સળગી ગયાનું યાદ છે
તું ય તારું નામ બદલીને આવજે
હું મને ભૂલી ગયાનું યાદ છે
આંસુઓ મારા હશે નક્કી જલદ
પાલવો સળગી ગયાનું યાદ છે
નામ એનું હોઠ પર રમતું રહ્યું
ને ગઝલ પૂરી થયાનું યાદ છે
ગુલ પછી હું ત્યાં કદી ન જઇ શક્યો
હર જખમ તાજા થયાનું યાદ છે
દાસ્તાને ‘ગુલ’ હો યા મહકતે ચમન કી બાત
એક પીસ જાતા હૈ ઔર એક કો ઉજડના હૈ
ફીર ભી દામન ખુશ્બુકા ભરતે હૈં દોનો સાથ
જાનતે હૈં યે દોનો એક દિન બિછડના હૈ
મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’
પ્રતિસાદ આપો