Posted by: Shabdsetu | એપ્રિલ 30, 2012

ટ્વેલ્વ ઓ’ ક્લોક: આઇ ગો નોક્સવિલ

ટ્વેલ્વ ઓ’ ક્લોક: આઇ ગો નોક્સવિલ

૧૯૬૦ના દાયકાના છેલ્લાં વર્ષોમાં ગુજરાતના વિધાર્થીઓમાં અમેરિકા ભણવા જવાનો એક વાવડ શરૂ થયો હતો.  સ્ટૂડન્ટ વિઝા ઉપર ભણવા જવાનો એક રાફડો ફાટ્યો હતો.  કોલેજની લોબીઓમાં “મારુ આઈ ટ્વેન્ટી આવી ગયુ” નો હર્ષનાદ ગૂંજતો હતો.

ઓગસ્ટ ૧૯૬૯ની એક વહેલી સવારે હું વડોદરાના સ્ટેશન ઉપર, હારતોરાથી લદાયેલો, દુ:ખ, ભય, આનંદ, રોમાંચ એવી કેટલીયે મિશ્રિત લાગણીઓ અનુભવતો ઊભો હતો.  આટલા હારતોરા તો મેં મારા લગ્નમાં પણ પહેર્યાં નહોતા!  કદાચ આ જ હારતોરાએ, મને અમેરિકામાં શરૂઆતમાં પડેલી મુશ્કેલીઓથી લડતાં લડતાં, હારીને મેદાન છોડી, દેશ પાછા ફરતાં અટ્કાવ્યો હશે!

હું મુંબઈથી નીકળી, લંડન થઈને ન્યૂયોર્ક ઊતર્યો.  મારે ત્યાંથી હાર્ટફોર્ડ કનેક્ટીકટ, અમારા એક સંબંધીને ઘરે જવાનું હતું.  મારે ન્યૂયોર્ક એરપોર્ટ ઉપરથી એમને કલેક્ટ કોલ કરવો એવું જણાવવામાં આવ્યું હતું.  કલેક્ટ કોલ કરવો કેવી રીતે?  કોને પૂછવું?  કોને કહેવું?

મનમા વિચાર્યું, લાવ કોઈ યુનિફોર્મ પહેરેલા માણસને પૂછું.  એરપોર્ટ ઉપર ફ્લોર સાફ કરતા એક બ્લૂ યૂનિફોર્મ પહેરેલા ઊંચા, પડછંદ, કાળા માણસને ફોન નંબર બતાવી ઇશારતથી સમજાવ્યું કે મારે કલેક્ટ કોલ કરવો છે.  એ સમયે કાળા-ધોળા રંગની ખબર હતી; રંગભેદ કે રંગદ્વેષની ખબર નહોતી.  મગજની પાટી સાવ કોરી કટ હતી. આજે એના પર ઘણું બધું સાચું ખોટું લખાઈ ગયું છે.

“ડૂ યુ હેવ એ ડાઈમ?” તેણે સામો પ્રશ્ન કર્યો.  મેં તુરત ગજવામાંથી પરચૂરણ કાઢી હથેળીમાં ધરી દીધું.  ક્વાર્ટર, ડાઈમ, કે નિકલ ઓળખવામાં ગરબડ થતી હતી.  એણે એક ડાઈમ લઈને કલેક્ટ કોલ જોડી આપ્યો.

હાર્ટફોર્ડ, કનેક્ટીકટમાં હું એક અઠવાડિયુ રોકાયો. દરમ્યાનમાં હ્યૂસ્ટન, ટેક્સાસમાં રહેતા મારા એક મિત્રને ફોન કર્યો.  એક ફોન ઉપર હું સાંભળતો હતો; બીજા પર માર સંબંધી.  એ મિત્રે મારા સંબંધીને કહ્યું કે હું નોક્સવિલ, ટેનેસી બપોર સુધીમાં પહોંચી જાઉં એ રીતે મને બસમાં બેસાડી દે.  અને મને કહ્યું કે બસ સ્ટેન્ડ ઉપરથી, ટેલિફોન ડિરેક્ટરીમાં જોઈને કોઈ પટેલ કે શાહને ફોન કરજે, તને આવીને લઈ જશે અને બધી વ્યવસ્થા કરશે.  એ સમયે દેશી ભાઈઓમાં એક્બીજા પ્રત્યે કેટલો આત્મવિશ્વાસ હતો!

રાત્રે અગિયાર વાગ્યે મને હાર્ટફોર્ડથી ગ્રેહાઉન્ડ બસમાં બેસાડ્યો.  રાત્રે ત્રણ વાગ્યે મારે ન્યૂયોર્કથી બીજી બસ બદલવાની હતી જે બપોરે બાર વાગે મને નોક્સવિલ  પહોંચાડવાની હતી.  બરાબર તપાસ કરી,  ડ્રાઈવરને પૂછીને હું મળસ્કે ત્રણ વાગ્યે નોક્સવિલ જતી બસમાં ચઢ્યો.  બધુ સમયસર બરાબર થયું.  બસ ફૂલ સ્પીડમાં દોડતી હતી અને હું બાર વાગવાની રાહ જોતો ગ્રેહાઉન્ડ બસમાં બેઠો હતો.  બાર થયા, સાડા બાર થયા, એક થયો પણ બસ ઊભી જ ન રહે.  ઊભા થઈ, ભાંગી તૂટી ઇંગ્લિશમાં, બસ ડ્રાઇવરને ઘડિયાળ બતાવી મેં કહ્યું, “ટ્વેલ્વ ઓ’ ક્લોક: આઇ ગો ક્નોક્સવિલ.”  વડોદરા યુનિવર્સિટીમાં ઇંગ્લિશ માધ્યમમાં ભણ્યા હોવા છતાં ઇંગ્લિશ બોલતાં પૂરું આવડતું નહોતું.  ગુજરાતમાંથી આવતા ઘણાં વિધાર્થીઓની આજ મોટી મુશ્કેલી હતી.  ગુજ્જુભાઈઓ ઇંગ્લિશને લીધે માર ખાઈ ગયા.

બસ ડ્રાઇવરે સહેજ હસીને કહ્યું “વી વીલ રીચ નોક્સવિલ એટ ટ્વેલ્વ ઓ’ ક્લોક, મિડનાઇટ!” આ સાંભળીને મારા તો મોતિયા મરી ગયા.  ગભરાટ અને નિરાશાથી હું સાવ ઢીલો થઈ ગયો.  હવે શું કરવું?  સીટ ઉપર પાછો ફરીને થોડી વાર સુધી રડતો રહ્યો.  રાતના બાર વાગ્યે, એક અજાણ્યા શહેરમાં?  હવે શું થશે?  હું ઠંડોગાર થઈ ગયો.  ગજવામાં ફ્ક્ત થોડા ડોલરની હૂંફ હતી.

હું વડોદરામાં હતો ત્યારે યુનિવર્સિટી ઓફ ટેનેસીમાં એડમિશન મળ્યા બાદ રાજ મહેતા નામના એક સિનિયર સ્ટુડન્ટનો ‘વેલકમ’ કરતો પત્ર મળ્યો હતો.  પત્ર ઉપર ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ હાઉસનું એડ્રેસ તેમજ ફોન નંબર હતા.  આ સાથે યુનિવર્સિટીની ઓફિસ ઓફ એડમિશનમાંથી થોડી લેખિત માહિતી, જાણકારી, પણ મળી હતી જેવી કે જો તમે પ્લેનમાં કે બસમાં આવો તો ક્યાં અને કેવી રીતે વાય એમ સી એ માં પહોંચવું.  હું આ બધી માહિતી ત્રણ ચાર વાર વાંચી ગયો.  છેવટે ‘પડશે એવા દેવાશે’  એમ વિચારી મનોમન હિંમત ભેગી કરી બેસી રહ્યો.

બસ ફૂલ સ્પીડમાં દોડી રહી હતી.  એકાએક મારા મનમાં વિચાર આવ્યો કે લાવને પેલા ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ હાઉસના ફોન નંબર ઉપર ફોન કરું.  બસ જ્યારે રોનોક, વર્જિનિયા ઊભી રહી ત્યારે મેં કલેક્ટ કોલ જોડ્યો.  હવે મને કલેક્ટ કોલ કરતા આવડી ગયું હતું.

ઓપરેટર નંબર જોડીને સામે છેડે હજી તો પૂછે છે કે “વિલ યુ એક્સેપ્ટ ધ ચાર્જ?” એ પહેલાં તો હું ગભરાયેલો દેશીભાઈ જ્લ્દીથી બોલી પડ્યો કે, “આઇ એમ કિશોર પટેલ, કમિંગ બાય ગ્રેહાઉન્ડ બસ, ટ્વેલ્વ ઓ’ ક્લોક, મિડનાઇટ ટુ ડે!”  ઓપરેટર મને રોકતી ઠપકારતી રહી કે ચાર્જ એક્સેપ્ટ થાય પછી જ વાતો કરી શકાય.  ફરી ઓપરેટરે ફોન જોડ્યો પણ સામે છેડે એક્સેપ્ટ ના થયો એટલે મને પૈસા નાખીને ફોન જોડવા કહ્યું.  બસ ઉપડવાની તૈયારીમાં હતી એટલે હું દોડીને તુરત બસમાં બેસી ગયો.

રાતના બાર વાગ્યે નોક્સવિલ આવ્યું.  મારે તો હવે ટેક્સી કરીને વાય એમ સી એ માં જવાનું હતું એટલે ગભરાતા ગભરાતા બસમાંથી હું છેલ્લે ઊતર્યો.  ત્યાં જ એક દેશીભાઈએ આવીને શેક હેન્ડ કરતાં પૂછ્યું, “આર યુ કિશોર પટેલ?”  મેં માથુ નમાવીને ‘યસ’ કહ્યું.  પેલા ભાઈ આગળ બોલ્યા, “આઈ એમ રાજ મહેતા, કિશોર, યુ આર રિયલી સ્માર્ટ, યુ સી આઈ કેનનોટ એક્સેપ્ટ યોર કલેક્ટ કોલ બિકોઝ વી હેવ અ પબ્લિક ફોન ઇન ધ ઇન્ટરનેશનલ હાઉસ. બટ યુ સી, યુ ગેવ મી ધ મેસેજ, યુ આર રિયલી અ સ્માર્ટ ગાય!”

હું મનમાં વિચારતો હતો કે આ ગાય જેવા ગરીબડા ગુજ્જુભાઈને પૂરું ઇંગ્લિશ બોલતાં આવડતું નથી તો સ્માર્ટ થતાં તો ક્યાંથી આવડે?  દેશીભાઈ ગભરાઈ ગયેલા એટલે  ઉતાવળમાં ફોન ઉપર “આઇ એમ કિશોર પટેલ, કમિંગ બાય ગ્રેહાઉન્ડ બસ, ટ્વેલ્વ ઓ’ ક્લોક, મિડનાઇટ ટુ ડે!” એવું બોલી ગયા અને એના સારા નસીબે એ સમયે મહેતા સાહેબ ઇન્ટરનેશનલ હાઉસમાં તમે જ ફોન ઊંચક્યો!   આ બધી ઉપરવાળાની લીલા છે!

રાત રાજ મહેતાને ત્યાં ગાળી. સવારે એમણે દૂધમાં રેઝીનબ્રાન સીરીયલ અને કેળા નાખીને બ્રેક્ફાસ્ટ કરાવ્યો.  ત્યાર બાદ મને ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ હાઉસમાં લઈ ગયા.  હું વહેલો આવી ગયો હોવાથી થોડા દિવસ માટે મારી રહેવાની વ્યવસ્થા ડોર્મિટરી-હોસ્ટેલમાં કરી હતી.

આ દિવસો દરમિયાન હું કેફેટેરિયામાં જમતો હતો.  મોળું મોળું અને બાફેલું ખાવાનુ, મને સહેજ પણ ભાવે નહીં પણ શું કરું?  પોટેટો ચિપ્સ અને સિંગદાણાથી પેટ ભરતો હતો.  અમારા જેવા નવા આવેલા હોમસિક દેશી ભાઈઓ ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ હાઉસમાં ભેગા મળતાં, પોતાના દુ:ખડાં રડતા અને દરરોજ નવું નવું કાંઈક શિખતાં.  નવા આવેલા દેશી ભાઈઓ સૂટ પહેરીને ફરતાં હોવાથી, તેમજ તેમની વાતચીતની ઢબથી તુરત ઓળખાઈ જતાં.  એક દિવસ બ્લુ જીન્સમાં જગદીશભાઈ મળ્યા.  મને પૂછ્યું, “દેશી ગુજરાતી છો? વેજિટેરિઅન?” મેં હા કહી તો કહે “આજે સાંજે છ વાગ્યે મને અહીં જ મળજો. મારા ઘરે જમવા લઈ જઈશ.

સાંજે એમને ત્યાં જમ્યો.  દેશ યાદ કરાવે એવી ખીચડી, કઢી અને બટકાનું શાક!  એ ખીચડીનો સ્વાદ આટલાં વર્ષો પછી પણ મારા મોંમાં રમે છે.  આજે એ જગદીશભાઈ ક્યાં હશે એની મને ખબર નથી પરંતુ હું જગદીશભાઈને કદી ભૂલ્યો નથી.

ત્યાર બાદ હું જ્યાં સુધી નોક્સવિલ, ટેનેસીમાં રહ્યો ત્યાં સુધી દર વર્ષે નવા આવેલા દેશી વેજિટેરિઅન ભાઈઓને ઘરે લઈ જઈને જમાડતો રહ્યો.

કિશોર પટેલ.

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં                               

રમેશ પારેખ


Responses

  1. Dear Kishore,
    Today i read your experience in the year of 1969 and after i feel that i was with u on that time when u travelling in bus, i also miss u very much on those past days,now this is the time for express our feelings with each other.It is very inspire that for new immigrants about passed your initial difficulties.Very nice and heart touching.

    By : Amrut Prajapati
    Bharuch

    Like

  2. અમેરિકામાં શરૂઆતમાં આવેલ દરેક વ્યક્તિઓએ કઠીન પરિસ્થિતિઓનો સામનો
    કરેલ છે છતાં પણ એ સમયે ભાઈચારો હતો,એકબીજાને મદદ રૂપ થતા હતા.
    આજે પરિસ્થિતી જુદી છે.

    Like

  3. http://on.fb.me/J5gAUp?55JRRHH

    Like

  4. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.

    Like

  5. ૩૦, ૩૫ વર્ષ પહેલાના પ્રેમ ભાવ હવે દેશીઓમાં જોવા મળતા નથી,દુઃખની વાત છે કે હરિફાઇ અને દેખાદેખીએ તેનુ સ્થાન લીધુ છે

    Like

  6. કિશોરભાઇઃ
    ૭૦ ના દાયકા મા જે પ્રેમ ભાવ, અને લાગણી હતા તે હવે રહ્યા નથી એ સ્વીકારવુ જ રહ્યુ. પ્રેમભાવ જરૂર હતો. કપરા દિવસો રડીને દેશને યાદ્દ કરીને ગાળ્યા પરંતુ સંઘર્ષને અંતે સૌ સારા વાના થયા. એ દિવસો પણ વહી ગયા. આજે એના સુખદ સંભારણા સૌ પરદેશીઓ વાગોળૅ ચે એ આનન્દ ની વાત ચ્હે..

    Like

  7. Kishore bhai, Very nice and inspiring. That time new immigrants were helped by old ones. But now the scenario has changed. No, I don’t say no one helps. There are people helping others but their number is few.

    Like

  8. કિશોરભાઈ : અમેરિકા કેનેડામાં ૬૦ – ૭૦ ના ગાળામાં તમારા જેવા ઘણા આવ્યા અને ત્યારે એ પ્રેમભાવ જરૂર હતો. કપરા દિવસો રડીને દેશને યાદ્દ કરીને ગાળ્યા પરંતુ સંઘર્ષને અંતે સૌ સારા વાના થયા. એ દિવસો પણ વહી ગયા. આજે એના સુખદ સંભારણા સૌ પરદેશીઓના માનસ પટે અંકિત છે.

    Like

  9. ખુબ સરસ………..મજા આવી. વારસો વીતી ગયા પણ જાણે હમણા જ તમે બસમાંથી ઉતારીને લખ્યું હોય તેવું લાગ્યું.

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: