Posted by: Shabdsetu | જુલાઇ 25, 2012

“યસ, હી ઇઝ અવેક”

યસ, હી ઇઝ અવેક

રાત્રિના ભોજન પછી હું લેપ-ટોપ ઉપર મારું કામ કરવા લાગ્યો.  લગભગ નવ વાગ્યા હશે.  મને ધીમે ધીમે ઓડકાર આવવા લાગ્યા, સાથે સાથે છાતીના વચ્ચેના ભાગમાં થોડો દુખાવો પણ થવા લાગ્યો.  દુખાવો સામાન્ય હતો, અસહ્ય ન હતો.  દસ-બાર મિનિટ પછી ઓડકાર અપચાના હશે એમ વિચારી અડધી ચમચી ઇનો (ENO) પાણીમાં લીધો.  બેડરૂમમાં જઈ બે-પાંચ મિનીટ આરામ કર્યો પણ કાંઈ ફેર પડ્યો નહીં.  બીજી અડધી ચમચી ઇનો પીધો છતાં ઓડકાર કે દુખાવામાં ફેર પડ્યો નહી.  દુખાવો ફ્ક્ત છાતીના વચ્ચેના ભાગમાં જ હતો.  શરીરના બીજા કોઈ ભાગમાં ન હતો.

મારી પત્ની હસુ સાથે બેઝમેન્ટમાં જઈને અમે બે વખત બ્લડપ્રેસર માપ્યું. (૧) ૧૬૭/૯૯ (૨) ૧૬૩/૯૭ આવ્યું.  સામાન્ય રીતે મારુ બ્લડપ્રેસર સિસ્ટોલિક (Systolic) ૧૩૦થી નીચે અને ડાયોસ્ટોલિક (Diastolic) ૮૦થી નીચે રહેતું.  આજે વધારે આવ્યું એટલે થોડી ચિંતા થઈ પરંતુ આવી વધઘટ, ચડઊતર ડિજિટલ મીટર ઘણી વખત બતાવતું હોય છે.  અમે બંને ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા. હું પગથિયાં પૂરી સરળતાથી ચઢ ઉતર કરી શકતો હતો.  સ્વસ્થપણે હાલીચાલી શકતો હતો.  પૂરી સભાન અવસ્થામાં વાતચીત કરતો હતો.  શું કરવું તે સમજાતું ન હતું.

વીસ-પચ્ચીસ મિનિટ પસાર થઈ ગઈ હશે. હવે ઓડકાર અને દુખાવાની સાથે સાથે કપાળ અને માથાની ફરતે થોડો ઘણો પરસેવો પણ થવા લાગ્યો.  જોકે મને ગભરાટ થતો ન હતો.  કપાળનો થોડો ભાગ સહેજ ભારે લાગતો હતો.  ઊલટી કે બીજી કોઈ જાતની તકલીફ પણ ન હતી.  મને કોઈક વખત ભૂખે પેટે અથવા તો વધારે જમ્યો હોઉં ત્યારે ઓડકાર આવતા પરંતુ આજે હું વધારે પડતું જ્મ્યો પણ ન હતો.  આ રીતે પહેલાં કદી ઓડકાર સાથે છાતીમાં દુખાવો પણ થયો ન હતો.  ત્રણ દિવસ પહેલાં, રવિવારે બપોરે, સખત ગરમીમાં એકાદ કલાક ક્રિકેટ રમ્યા બાદ આ રીતે થોડા ઓડકાર સાથે દુખાવો થયો હતો. પરંતુ પાણી પીવા બાદ દશેક મિનિટમાં શરીર યથાવત થઈ ગયું હતું.

ઘરમાં હું, મારી પત્ની દીકરો અને વહુ હતા.  પૌત્રી સૂતી હતી.  હૉસ્પિટલમાં જવું કે ન જવું, કાર લઈને જવું કે એમ્બ્યુલન્સ બોલાવવી એની ચર્ચા વિચારણા દરમ્યાન મેં જ નિર્ણય લઈ લીધો: “આઈ થીંક ધીસ ઈઝ હાર્ટએટેક, લેટ્સ કોલ ઍમ્બ્યુલન્સ.”  હસુએ ૯૧૧ નંબર જોડ્યો.  થોડી વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. ઍમ્બ્યુલન્સ સેવકે મને છાતીમાં દુખાવાના દર્દની માત્રા પૂછી.  દશમાથી ૬-૭ જેટલી લાગતી હતી.  તુરત ઇસીજી ટેસ્ટ (electrocardiogram) કર્યો, ગ્રાફ જોઈને ડિક્લેઅર કર્યું: “યુ આર હેવીંગ અ હાર્ટ અટેક.”  જલ્દીથી જીભની નીચે ટેરવા આગળ નાઇટ્રોગ્લિસરીનના બેત્રણ સ્પ્રે આપ્યા.  એક ચૂએબલ ઍસ્પિરિન ખવડાવી, ઑક્સીજનની ટ્યૂબ નાકમાં મૂકતાં મને કહ્યું: “ડોન્ટ વરી, યુ આર ઇન ગુડ હેન્ડઝ.”

ઍમ્બ્યુલન્સના એક સેવકે મારો હેલ્થ કાર્ડ લીધો.  ટ્રીલીયમ હૉસ્પિટલના એક ઓન કોલ ડોક્ટરને, જેઓ એમના ઘરે બેઝબોલ ગેમ જોતા હતાં, ફોન કરી મારા હાર્ટએટેકની વિગતો આપી.  એમ્બ્યુલન્સ મને અને હસુને લઈને સ્ટ્રીટલાઇટના ઝાંખા પ્રકાશ અને આસપાસના અંધકારને ભેદતી પૂરજોશમાં દોડી રહી હતી. થોડા થોડા સમયે ઍમ્બ્યુલન્સ સેવક દુખાવાના દર્દનું પ્રમાણ પૂછતો હતો.  દર્દ હવે થોડું ઓછું થયું હતું.

હૉસ્પિટલ પહોંચતા જ મને સીધા ઓપરેશન થીયેટરમાં લઈ ગયા.  ડોક્ટર આવી ગયા હતાં.  મને સહેજ પણ ગભરાટ ન હતો.  હું સભાનપણે અન્ય મેડિકલ સેવકોના માર્ગદર્શનને અનુસરતો હતો.  “યુ આર ઇન ગુડ હેન્ડઝ.”  એ શબ્દો વારંવાર મારા મનમાં ગૂંજતા હતાં.  મને ખાતરી થઈ ગઈ હતી કે જે હૃદય ઉપર હુમલો થયો છે તેનું રક્ષણ કરવા શસ્ત્ર સજ્જ હાથો પહોંચી ગયા છે.

હૃદય ને લોહી પહોંચાડતી બે આર્ટરિઓ બ્લોક હતી.  એક 100 ટકા અને બીજી ૮૦-૯૦ ટકા જેના કારણે મને હાર્ટએટેક આવ્યો હતો.  ત્રણ દિવસ પહેલાં ક્રિકેટ રમ્યા બાદ આવી જ રીતે થયેલા મંદ દુખાવાની વાત ડોક્ટરને જણાવી.  ડોક્ટરના માનવા મુજબ હૃદયરોગના હુમલાની શરૂઆત ત્યારે જ થઈ ચૂકી હતી.  એ પહેલો સંકેત હતો.

ડોક્ટરે મને એંજિઓપ્લાસ્ટીની (angioplasty) પ્રોસેસ વિષે વિગતવાર સમજાવ્યું.  પગની જાંઘ (groin) અથવા હાથના કાડાં (wrist) આગળથી નાનું સરખું કાણું પાડી, તે ભાગને ફ્રીઝ કરી, દરદીને બેભાન કર્યા વગર એક અત્યંત પાતળી ફ્લેક્સીબલ ટ્યૂબ, ફૂલાવ્યા વગરના બલૂન સહીત આર્ટરિમાં નાખીને જ્યાં બ્લોકેજ હોય ત્યાં લઈ જઈને બલૂનને ફૂલાવવામાં આવે છે અને એ જગ્યાએ એક સ્ટેન્ટ (stent), નાની જાળીવાળી ટ્યૂબ મૂકવામાં આવે છે, જેને લીધે આર્ટરિ પહોળી બને છે.  મેં સભાનપૂર્વક આ આખી પ્રક્રિયા વિડીયો સ્ક્રીન ઉપર જોઈ.  હું મનમાં વિચારતો હતો કે આ આધુનિક કોમ્પ્લીકેટેડ કાર્ડિયાક ટેકનોલોજીએ કેટલાંને જીવતદાન બક્ષ્યું હશે!  શું વિજ્ઞાન વિધિના લેખ ખોટા કરી શકે?!  રાત્રે ઇમરજન્સીમાં ઘરથી દોડાવવા બદલ મેં મારા ડોક્ટર દેવદૂતની માફી માગી ને ખરા અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો.  ખરેખર, આ દેવદૂત જીવનદાન આપવા આવ્યો હતો.

હસુ અને દીકરો હિરેન વેઇટિંગરૂમમાં વ્યાકુળતાથી ડોક્ટરની પ્રતીક્ષા કરતા હતા.  હસુ સાથેની વાતચીત હસુના શબ્દોમાં: – કાર્ડિયાક સેન્ટરના વેઇટિંગ રૂમમાં લગભગ બે અઢી કલાકથી હું અને હિરેન બેઠા હતા.  સમય જ્લ્દી જતો ન હતો.  એક એક પળ મિનિટ જેવી લાગતી હતી.  અણધાર્યા અનુચિત સમાચાર ડોક્ટર પાસેથી ના મળે એવી પ્રાર્થના કરતા અમે બન્ને ચૂપ થઈને બેઠા હતા.  વારે ઘડીયે મારુ અધીર મન ઓપરેશન થીયેટરમાં પહોંચી જતું હતું અને મનઘડિત કાલ્પનિક ભયથી બેચેન બનતું હતું.  મનને થોડી શાંતિ હતી કે મનુ આધુનિક એક્ષ્પર્ટોની છત્રછાયામાં છે.

દોઢ વાગ્યાની આસપાસ ડોક્ટર બહાર આવ્યા. મારા હ્રદયના ધબકારા વધવા માંડ્યા. મારી પાસે આવીને બોલ્યા: “મિસિસ પટેલ, વી પર્ફૉર્મડ કોરોનરી એન્જીઓગ્રાફી ઓન યોર હસબન્ડ એન્ડ ફાઉન્ડ ધેટ ફ્રન્ટ આર્ટરી ઇઝ કમ્પ્લીટલી બ્લોક્ડ, સો વી ડીડ એન્જીઓપ્લાસ્ટી એન્ડ પુટ અ સ્ટેન્ટ ઇન ધેટ આર્ટરી.  બ્લોકેજ ઇન અનધર આર્ટરી ઇઝ એબાઉટ ૮૦ તો ૮૫%.  વી વિલ ડુ એન્જીઓપ્લાસ્ટી વિધિન ટુ-થ્રી ડેઝ.  ઇટ ઇઝ ગુડ ધેટ યુ કૉલ્ડ ૯૧૧ રાઇટ અવે એન્ડ બોટ હીમ હીયર ઇન ટાઈમ.  હીઝ હાર્ટ હેસ સફર્ડ માઇનર ડેમેજ ઓન્લી.”  મને સંતોષ થયો.  ખૂબ નિરાંત થઈ. યમદૂતને ભગાડનાર, એ અવ્વલ ઇન્સાનનો હ્રદયપૂર્વક આભાર માનતા મે પૂછ્યું: “કેન આઈ સી હીમ, ઇઝ હી….?”, એમણે સ્મિત સહિત વાક્ય પુરુ કર્યું: “યસ, હી ઇઝ અવેક.”

સજાગ આ વાંસ, ઠાંસીને લીલથી ભરેલી હતી
બલૂનથી ફૂંક મારી, સંગીત કોક આપી ગયું

મનુ ગિજુ


Responses

  1. સરસ… પણ artary 80 થી 95 ટકા બ્લોક ના થાય એ માટે શું આગોતરી કાળજી રાખવી જોઈએ એનો ઉલ્લેખ થાય તો વધુ યોગ્ય

    Like

  2. saras margdarshak lekh.aabhaar.

    Like

  3. મનુભાઈ, ખૂબ સરસ, સરળ અને સચોટ વર્ણન. આ પ્રકારની પરિસ્થિતિમાં મુકાયાં હોય તેમને ઘણી ઉપયોગી, માર્ગદર્શક સત્યકથા. હાર્દિક આભાર.

    Like

  4. હૃદય-હુમલો પાર ઉતારવા બદલ ઘણા ઘણા અભિનંદન અને સ્વસ્થ દીર્ઘાયુની શુભેચ્છા.
    નાજુક પરિસ્થિતિમાં તમ બેઉની સજકતા, સમયસુચકતા અને હિંમતને દાદ ઘટે છે.
    આત્મ-વિશ્વાસ અને પરમાત્મા-શ્રદ્ધાનું આ સહિયારું પરિણામ છે.
    ઘટનાક્રમનું સરળ વર્ણન સૌ કોઈને માર્ગદર્શક છે.
    પ્રેમજી

    Like

  5. સ્વાનુભવની સુંદર રજુઆત આવી પરિસ્થિતિમાં શું કરવું એનું માર્ગદર્શન મળી શકે તેવું વર્ણન્.!

    Like

  6. ઘણી વાર આપને આવા દુખાવાને ગણકારતા નથી. પરંતુ કોઈ પણ જાતનું જોખમ લીધા વિના, વહેલી તકે એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોચાય તો જીવન દોરી તૂટતા તૂટતા સંધાય જાય. સજાગ વાંસમાં ફૂંક મારી એક નવા તાલે જિંદગીને ચલાવનાર સર્જન રૂપી સર્જકનો આભાર માનવાના શબ્દો ઓછા પડે. મનુભાઈ, જલ્દીથી સાજા થાઓ.

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: