Posted by: Shabdsetu | ઓક્ટોબર 10, 2012

સનની સનસનાટી

સનની  સનસનાટી

અંગ્રેજીમાં ‘sun’ એટલે  સૂર્ય અને ‘son’ એટલે પુત્ર.  બન્નેનો ઉચ્ચાર ‘સન’ થાય પણ અર્થ જુદા, અને તેની પાછળ ‘ડે’ લગાવવામાં આવે ત્યારે સનડે થાય.  મિત્રો, સનડે એટલે અમારા કેનેડામાં રજા અને મઝા  માણવાનો દિવસ.  વળી  ઉનાળાનો એટલે કે સમરનો આ દિવસ, એટલે  હરવા, ફરવા, મળવા અને પિક્નિક પર જવાનો દિવસ.  તો ચાલો આજે આવા એક સનના ડેની વાત કરીએ.

ગયા સનડે મોડા ઊઠયા બાદ, અગ્યારેક વાગે અમે સનગ્લાસીસ પહેરીને ખરીદી કરવા અમારા ઘરની     નજીકની મોલમાં ગયા.  મોલમાં આપણા દેશના વડીલો, કેનેડામાં સ્થાયી થયેલ સીનિઅર સિટિઝનો અનાયાસે મળી જાય.  ચાલુ દિવસે એટલે કે વીક ડેઝમાં તો આ લોકોની મોટી મંડળી ભરાય.  બેબી સિટિંગ કરતા આ વડીલો છોકરાઓને સ્કૂલમાં મૂકીને એમની બપોર આવા મોલમાં માણે છે.  દેશમાં ગામને ચોતરે કે કોઈકના ઓટલે, આવા અગણિત દિવાળીઓ જોયેલ અનુભવી વડીલો ભેગા મળી ગામ આખાની ઉથલપાથલ કરતા હોય છે.  અહીં મોલમાં આવા ધુરંધર અનુભવીઓ ઇન્ફર્મેશન બ્યુઅરોની સગવડ પૂરી પાડે છે.  તમારે ઇમિગ્રેશન, વેલ્ફેઅર, હેલ્થ બેનિફિટ, ટેક્સ બેનિફિટ, ગવર્મેન્ટ સોશિઅલ અસિસ્ટન્સ કે આવી અનેક ન કલ્પેલી કે ન સાંભળેલી વાતો વિષે જાણકારી જોઈતી હોય તો વિના વિલંબે આ ઇન્ફર્મેશન બ્યુઅરોનો સંપર્ક સાંધવો.

તે દિવસે  મોલમાં મગનકાકા મળી ગયા. એમણે  એમના મિત્ર ભગુકાકાની ઓળખાણ કરાવી.  ભગુકાકા બારડોલીના વતની અને  અત્યારે  સ્ટેટથી કેનેડા  ફરવા  આવ્યા હતા.  નાયગરા ફોલ્સ, સી એન ટાવર, ઓન્ટારિયો પ્લેસ અને વંડરલેન્ડ જોઈને ભગુકાકા કેનેડાના વખાણ કરતા થાકતાં ન હતા.  ભગુકાકાએ કહ્યું, “મારે બે સન છે.  એક સન સ્ટેટમાં રહે જેનો મોટેલનો બિઝનેશ છે  અને બીજો  સન ઇન્ડીયામાં સરકારી નોકરી કરે અને  સાથે સાથે ગામની જમીન પણ સંભાળે.  બન્ને સન પૈસે ટકે તેમજ બીજી બધી રીતે પણ સધ્ધર.”  બે એક પળ શાંત રહીને ભગુકાકા સંતોષપૂર્વક આનંદથી બોલ્યા, “આપણો પરિવાર સુખી તો આપણે  સુખી, પ્રભુ પાસે  બીજું  શું  જોઈએ?  આ ઘોર કળજુગમાં  વડીલોને  ઠારે તેવા  સન તો ભાગ્યવાનના નસીબમાં  જ  હોય!”

મને ત્યારે સમજાયું  કે ઇન્ડીયામાં સન માટે લોકો કેમ બાધા રાખે છે અને સનના જન્મની  ખુશાલીમાં પેંડા વહેચે છે.  જો કે  કેટલાક  અભાગ્યાઓના  નસીબમાં  વૈશાખ-જેઠની બપોરના પ્રચંડ તપતા સન જેવા સન હોય છે, જે તેઓની  વૃદ્ધાવસ્થાને  લુંગડાની જેમ સુકવી નાખે  છે.  એ  ઋણસંબંધની વાત નહિ તો  બીજું  શું?

ભગુકાકાની  વાત સાંભળીને ઘણોજ  આનંદ થયો.  ઘરે આવીને  જમ્યા બાદ, સનડેના બપોરની મઝા માણવા જરા આડો પડ્યો, ત્યાંજ  અમથાભાઈનો ફોન આવ્યો.  તેમને અગત્યનું કામ હોવાથી મને તરત જ  મળવા બોલાવ્યો.  અમથાભાઈના બધા જ કામ હંમેશા અગત્યના જ હોય, પણ આ “હુ કેર” ના દેશમાં આપણને  કોઈક અંગત  કામ માટે બોલાવે એ આપણુ  અહોભાગ્ય!

તેમના ઘરમાં પ્રવેશતા જ તેઓ બોલી પડ્યા, “આવ  ભાઈ, ગઈકાલથી ઊંઘ પણ નથી  આવતી.  આ બકુએ અને એના લાડકાએ તો મને કાંઈ ટેનસન આપ્યુ છે!”  સવારે  ભગુકાકાના  સન ની વાત સાંભળેલ  એટલે  મારા મગજમાં સન શબ્દ જ રમ્યા કરે, વળી  અમારા દક્ષિણ ગુજરાતની ગામડાની બોલીમાં ‘શ’, ‘ષ’ અને  ‘સ’  બધાનો એકજ  ઉચ્ચાર, મોટાભાગે  ‘સ’ કરવામાં આવે.  તેમાં વળી આ રીતે  આ ટેનસન શબ્દ સાંભળ્યો  એટલે  મારાથી તો હસવાનું ક્યાંથી રોકાય!  અને આમે મારો ટીખળી સ્વભાવ મને ચૂપ રહેવા દે?   હું હસતા હસતા બોલ્યો, “અમથાભાઈ, તમારે તો  એક જ સન છે, કરસન.  આ  ટેન સન ક્યાંથી  લાવ્યા!  કાંઈ  દત્તક બત્તક તો નથી લીધા ને?  અને લીધા હોય તો પણ આટલા બધા?”  અમથાભાઈ એકદમ તપતપતા  સન ની જેમ  ગરમ થઇ ગયા  અને બોલ્યા, “હું  ટેન્સન  એટલે  માનસિક  ત્રાણ ની  વાત કરું છું  અને  તેમાં તને ગમ્મત સુજે છે?  ગઈકાલે આ બકુને એનો લાડકો ઉતારવા ગયો અને પોલીસે બન્નેને ટિકિટ આપી.  બકુને સીટબેલ્ટની અને એના લાડકાને સ્ટોપ સાઈનની.  અવે ઇન્શુઅરન્સના પૈહા કોણ એનો બાપ આપવાનો?” હું મનમાં હસતો હસતો બબડ્યો, હાસ્તો, એનો બાપ જ આપવાનોને!  પણ અમથાભાઈના ગુસ્સાની ગંભિરતા જોઈને ચૂપ રહ્યો.  મેં અમથાભાઈની માફી માંગીને એમને શાંત પાડ્યા.

અમથાભાઈને ત્યાંથી આવીને તુરત આડો પડ્યો, ક્યાંક સનડે ની બપોર એળે ના જાય!  રજાને દિવસે દાળ ભાત ખાઈને આડા પડવાની ટેવ હજી છૂટી નથી.  ચારેક  વાગે  શ્રીમતીજીએ ઊઠાડીને ચા અને ગરમ ગરમ ભજીયાનો નાસ્તો કરાવ્યો.   ભજીયા  ખાતા ખાતા  મેં  શ્રીમતીજીને  સારું  લગાડવા કહ્યું, “આજે  ભજીયા  ખુબ  જ  સરસ બન્યા છે હોં!”  શ્રીમતીજીએ હસતા હસતા  જવાબ આપ્યો, “એ તો  બેસન ની  કમાલ છે.”  હું ફરી વિચારમાં  પડી ગયો.  અમારે  તો  સન  ૨૦૧૨ સુધીમાં  માત્ર  એક  દિકરી જ  છે અને  આજે  વળી આ  કેવા મૂડમાં બે  સનની  વાત કરે છે?  પણ મેં મન મનાવી લીધું, ચાલો  હશે, એ તો  ચાલ્યા કરે.  સનમને  કસમયે ના પુછાય

થોડો  આરામ  કર્યા બાદ  અમે  બાજુના  પાર્કમાં  ફરવા ગયા . ત્યાં ઘણાં સમયથી કેનેડામાં સ્થાયી થયેલ સીનિઅર સિટિઝન  મંગુકાકા  મળ્યા.  મંગુકાકા  નિખાલસ, હસમુખા  થોડા મોર્ડન વડીલ એટલે એમની જોડે વાતો કરવાનું ગમે.  મેં  તેમને  આજે  દિવસ  દરમ્યાન  જુદી જુદી  રીતે  સાંભળેલ તથા  અનુભવેલ  સન  શબ્દ  અને  મારા મન  પર  થયેલ  અસરની  વાત કરી.  મંગુકાકાને ખૂબ મઝા પડી.  એ પણ મારા જેવા ટીખળી એટલે અમે બન્ને ભરપેટ હસ્યા.  મેં હસતા હસતા મંગુકાકાને કહ્યું, “આપણે લોકોના ટેનસન ઓછા કરવા લાફિંગ ક્લબ શરૂ કરવી જોઈએ!”

થોડીવાર પછી મંગુકાકાએ ગજવા માંથી  પેન કાઢી મને  બતાવતા  કહ્યું, “જો, આ સન  મારા માટે  ખુબ જ  ઉપયોગી, તારા અગાઉના  બધા  સન ની વાત છોડ”  હું વિચારમાં પડી ગયો.  અરે! આ પેન બતાવીને  તેઓ  કયા સન ની  વાત  કરે છે?  મંગુકાકા ને  ત્રણ સન, બે  ઇન્ડ્યામાં અને  એક અહી કેનેડામાં.  તેઓ  શું  કહેવા  માંગે  છે?  મારી સામે જોઈ તેઓ  હસતા જ રહ્યા.  થોડી વાર પછી મારી  ટ્યુબલાઈટ સળગી.  પેન બતાવી  તેઓ જે  સન ની  વાત કરવા માંગતા  હતા તે પેનસન ની વાત હતી .

અમે બન્ને ગપ્પા મારતા બેઠા હતાં ત્યાં સુધીમાં થોડે દૂર પચ્ચીસ ત્રીસ દેશી ભાઈઓ એક પછી એક એમના આસન પાથરીને બેસતા હતાં.  આ જોઈ મગુંકાકાએ ટકોર કરી કે જો ભાઈ, આ બેસવા માટે પણ આસન અને આસન પર બેસી યોગાસન કરવા માટે પણ આ સન શબ્દનો પ્રયોગ થાય છે.  અને પછી તો અમે બન્ને વારાફરતી એક્બીજા સાથે આ સન શબ્દ સાથે વળગેલ શબ્દોની રમત રમવા લાગ્યાં.  અધધધ…કેટલાં બધા શબ્દો! ગણ્યા ગણાય નહીં અને વિણ્યા વિણાય નહીં, તારલાઓની જેમ જ સ્તો!

ત્યાં જ મારી  દિકરી આવી અને મને કહે, “ચાલો, પપ્પા  ઘરે જવું  છે.”  મેં  કહ્યું, “ઘણા  વખતે  મંગુકાકા  મળ્યા  છે, જરા  શાંતિથી  વાતચીત તો  કરવા દે.”  તે  એકદમ  બોલી, “પપ્પા, મારે  હજી લેસન કરવાનું બાકી છે.”  આ સાંભળીને હું ચિત્તશૂન્ય થઈ ગયો અને પછી તો મન ચકડોળે ચડ્યું.  આ  સન  શબ્દ  આજે  મારો  પીછો નહીં છોડે એમ  લાગતાં હું  ઘરે આવતો  રહ્યો.  ત્યાં જ સનસેટ થયો, સાંઝ પડી અને સન વગરની સૂનકાર   રાત્રી  શરુ  થઈ.  રાત્રે સૂતા સૂતા સન શબ્દની અટપટી, આંટીઘૂંટીમાં અટવાતો રહ્યો.  આ  સન ડે એટલે  ખરેખર  સન નો જ દિવસ  અને આ સન કોઈને કોઈને શબ્દ સાથે જોડાઈને બહુરૂપી બનીને  વારંવાર  ભટકાતો જ રહે  છે.  રાત આખી અભિમન્યુના ચક્રવ્યૂહની જેમ હું પણ સન શબ્દની માયાજાળમાં ચક્રાવે ચઢ્યો અને છેવટે થાકીને ઢળી પડ્યો બીજા દિવસના સન ની પ્રતીક્ષામાં…

રાજેષ પટેલ

જ્ઞાની સૂરજને એમ હતું કે ઝાકળના વેદ વાંચું
ઝાકળને તો એમ થયું કે અભેદ થઈને રાચું                                             

સુરેશ દલાલ



Responses

  1. Very nice Artical
    Thanks

    Like

  2. Thank you,i am now making the time to relearn Gujarati, and enjoyed reading the play onthe word, “sun”
    Aruna

    Like

  3. આદરણીયશ્રી. કિશોરભાઈ

    આપનો ખુબ જ વિસ્તૃ લેખ વાંચ્યો અને ખુબ જ મજા પડી સાહેબ.

    આપે સુંદર બ્લોગ બનાવેલ છે.

    Like

  4. સનના આટલા રમુજી શબ્દ પ્રયોગ!! આપના રમુજી લેખે ખૂબ હસાવી

    Like

  5. હળવી શૈલીમાં સરસ લેખ.. તે આ રાજેશભાઇ તેમનુ નામ ‘રાજેષ’ કેમ લખે છે ??!!

    Like

  6. વાહ! સનન વ્યંગભરી રંગતભરી ‘સન’ કથા…મજાથી માણી.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  7. very nice. I laughed too.
    Thanks

    Like

  8. શબ્દસેતુમાં રાજેષભાઈના મોઢેથી આ લેખ સાંભળ્યો ત્યારે પણા મઝા પડેલી.વાચવાથી વધુ મઝા પડી.’
    ‘મને ત્યારે સમજાયું કે ઇન્ડીયામાં સન માટે લોકો કેમ બાધા રાખે છે અને સનના જન્મની ખુશાલીમાં પેંડા વહેચે છે. જો કે કેટલાક અભાગ્યાઓના નસીબમાં વૈશાખ-જેઠની બપોરના પ્રચંડ તપતા સન જેવા સન હોય છે, જે તેઓની વૃદ્ધાવસ્થાને લુંગડાની જેમ સુકવી નાખે છે. એ ઋણસંબંધની વાત નહિ તો બીજું શું? ‘

    છૂરી બન, કાંટા બન ઓ માય સન
    સબ કૂછ બના કીસીકા ચમચા મતા બન.(અજ્ઞાત)
    રાજેષભાઈને.ઘણાં અભિનંદન.
    કલમ જારી રહે.

    Like


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: