આપણે ઉપર જઈએ અને નીચે આપણા વિષે શું બોલાય છે એ જાણવું હોય તો પહેલા આપણે મરવું પડે.
એટલે હું મરી ગયો.
હું મરી ગયો ને શહેર ભરમાં કાગડાઓએ ચાડી ખાધી… ભાઈએ ઉઠામણું કર્યું છે!
ને ઘર આખું કીડી મકોડાથી ઊભરાઈ ગયું.
વર્ષોથી જેમને ટોરાન્ટોમાં શોધતા ફરતા હતા સાથ લેવા
એ બધા જ લેભાગુઓ પધાર્યા હતા અહીં હાથ દેવા
અવસર મારો જ હતો ને આટલા બધા ચાહકો વગર ઇન્વિટેશને!
મારી છાતી સિંહની જેમ ફુલાઈ ગઈ.
ત્યાં કોઈ શિયાળની ઠાવકાઈથી બોલ્યું –
ભાઈએ, આમ અચાનક માયાને છોડી દીધી? ભાઈ અને માયાને છોડે?
બાજુમાં બેસેલા માયાબેને, ભાઈના કરન્ટ બેટરહાફે
સહુને સંભળાય એવો જોરથી મૂકયો ઠૂંઠવો!
ત્યાં ગરીબડી ગાયની જેમ કોઈ ભાંભર્યું –
ભાઈ, માયાથી તો રૂઠી ગયા પણ સાથે અમને ય લૂટી ગયા
ચપટીમાં પચાસ હજાર ઊઠી ગયા ને અકાળે અમારા નસીબ ફૂટી ગયા
થોડી વારના મૌન પછી એક બટકબોલી બુલબુલ બટકી – ભાઈ, આજે તો ખરેખર જામે છે હોં!
સફેદ સુરવાલ કુડતા અને આંખે કાળા ગોગલ્સ
જાણે ફ્યૂનરલમાં આવતા કોઈ ફેમસ ફિલ્મી મોગલ્સ
ભાઈએ પહેર્યા છે આ દાબડા પણ પૂર્યા છે કોઈના ગાબડા
ભાઈએ કાઢી આપી છે આંખ દૂર કરવા અંધારાની ઝાંખ
ત્યાંજ એક ચિબાવલી ચીબરી ચરકી – પણ ભાઈએ, બીજુ કાંઈ દાનમાં કેમ ન આપ્યું?
અપાય એવું અને લેવાય તેવું બીજુ રહયું શું હોય સારુ, જો ભાઈ દાનમાં આપે? એક દોઢડાહ્યાએ ડબકો મૂકયો –
ભાઈને સ્ટ્રેચેબલ સ્ટમકમાં વારે ઘડીએ કચરો સીંચવાની ટેવ, સવાર સાંજ ઢીંચવાની ટેવ
બબ્બે મિનિટે ફૂંકવાની ટેવ, ઉપરથી બજર ચાવી થૂંકવાની ટેવ
હવે તમે જ કહો, આ ઉકરડા જેવા શરીરમાં રહયું શું હોય સારુ, જો ભાઈ દાનમાં આપે?
પણ ભાઈ હતા બહુ શોખીન માણસ હોં! ભાઈનો એક ચાહક આગળ આવ્યો –
ભાઈને ખાવા-ખવડાવવાનો શોખ, પીવા-પીવડાવવાનો શોખ,
નાચવા-નચાવવાનો શોખ, ફરવા-ફેરવવાનો શોખ
ભાઈને આંખ મારવાનો, આઇમીન ઇશ્ક ફરમાવવાનો શોખ ખરો કે? એક વંઠેલ વાંદરો વાચાળ બન્યો
તમને ખબર નથી? ભાઈ, બહુ લકી માણસ!
પહેલી વારની બેટરહાફ જુવાનીમાં જ પ્રભુને પ્યારી થઇ ગઈ અને બીજી વારની કોઈ કેનેડીયનને!
પેલા ખૂણામાં, સફેદ સાડીમાં બેઠા છે ને એ સીમાબેન, ભાઈના અંગત સેક્રેટરી
ભાઈનો એમની જોડે અંગત સંબંધ
અને સામે કાળા સલવાર કમીઝમાં ઊભા છે ને એ સલમાબેન
ભાઈનો એમની જોડે સગવડીઓ સંબંધ
ભાઈ બડા દિલફેંક આદમી, ઉમ્મરની સાથે સાથે શરીર પણ વધારતા જાય અને સંબંધો પણ!
પણ ભાઈ ને આજે જ જવાનુ કેમ સૂઝયુ? એકે અવળચંડા ઊંટની જેમ વાતને વળાંક આપતા ફરિયાદ કરી –
ભાઈ બે દિવસ રોકાઈને, વીકએન્ડમાં ગયા હોત તો આપણો એક દિવસનો પગાર તો બચ્યો હોત ને!
ત્યાં પેલો મશ્કરો વાંદરો ફરી ટપકયો – મોટા ભાઈ, તમે તો વીકએન્ડમાં જ પ્રસ્થાન કરશો ને?
ના, હું લોંગ વીકએન્ડમાં જઈશ
ત્યાં એક નટખટ નવવિવાહિત, ગધેડાની નફ્ફટાઈથી ગુસ્સામાં બોલ્યો –
તમને લોકોને વીકએન્ડ અને લોંગ વીકએન્ડની પડી છે
અરે, અમારો તો વિચાર કરો, અમારુ તો હવાઈમાં હની સાથેનું હનીમૂન હવાઈ ગયું છે
હવે બે ટીકીટો પડી છે ઇન્સ્યોરન્સ વગરની, એના પૈસા શું ભાઇનો બાપ આપશે?
એક વયસ્ક મોટાભાઈએ, હાથીની ધીર ગંભીરતાથી, ભાઈનુ વીલ ખોલી વાંચવા માંડ્યું –
દોસ્તો, જ્યારે હું તમારી જાન છોડુ, ત્યારે મારી જાનનો ખરખરો કરવા,
મારી ફેરવેલ પાર્ટીમાં અચૂક આવવું
આવવું, જરૂરથી આવવું પણ સાથે ખાવા-પીવાનું યે લાવવું
જે ગયા એનુ નામ બહુ રટવું નહીં અને આવનારને બહુ ભેટવું નહીં
જનાર માટે ખોટે ખોટું રડવું નહીં ને પાછળ ભૂલથી પણ સડવું નહીં
ગીતા-બીતાના પાઠ ભણવા નહીં અને ભજન-બજન કરવા નહીં
ભૂલથી યે બ્રાહ્મણને બોલાવવો નહીં ને એક પણ દીવો સળગાવવો નહીં
સદા ભાઈની ભૂલોને ભૂલતા રહેજો ને એમાંથી કાંઈક શોધતા રહેજો
ખાવો પીવો ને કરો ઊજાણી, ભાઈની છે બસ આટલી જ કહાણી!
અંતે ભાઈના ખાસ નજીકના, એક બુદ્ધિજીવી મિત્ર આગળ આવ્યા અને બોલ્યા –
આપણા ભાઈ થોડા સ્વાર્થી પણ ખરા અને નિસ્વાર્થ સેવાભાવી યે ખરા
ભાઈ સાચાબોલા પણ હતા અને થોડા આખાબોલા પણ
ભાઈ આ લોકમાં જ માનતા ને સદા પરલોકને પડકારતા
ભાઈ કદી આસ્તિક નહોતા પણ પૂરા નાસ્તિક યે નહોતા
ટૂંકમાં ભાઈ, સારા માણસ પણ નહોતા અને ખરાબ માણસ યે નહોતા
ભાઇ ફ્કત માણસ હતા માણસ!
કિશોર પટેલ
કિશોર પટેલના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. માણસ છે ભાઈ માણસ – કાવ્યપઠન
મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !
ઓજસ પાલનપુરી
આભાર કિશોરભાઇ, આ અંક પણ ગમ્યો. યાદ કરીને મોકલો છો આભારી છું. જે કોઇ કેનેડા આવે છે તેને તમારો સંંપર્ક આપું છું, હાલમાં જ ડિવાઇન પબ્લીકેશનવાળા અમૃત ચૌધરી ત્યાં આવ્યા હતા તેમનેય આપ્યો હતો. કુશળ હશો આપનો રજનીકુમાર *RAJNIKUMAR PANDYA *
My Blog link: http://zabkar9.blogspot.com/ http://rajnikumarpandya.wordpress.co
*Rajnikumar Pandya* *B-3/GF-11, Akanksha Flats, Jaymaala Chowk,* *Maninagar-Isanpur Road,*
*AHMEDABAD-380050Gujarat.INDIA.Contact: +91 79 253 237 11(R) Mobile and WhatsApp- 095580 62711* *E Mial-rajnikumarp@gmail.com * *PLEASE AVOID CALLING FROM 2 TO 4.30 PM *
LikeLike
By: Rajnikumar Pandya on માર્ચ 30, 2019
at 10:04 એ એમ (am)
Very nice. Now virtual goodbye is there too, like Facebook and whatsapp!
LikeLike
By: Mera Tufan on માર્ચ 28, 2019
at 10:31 એ એમ (am)
ગજબનાક કલ્પના. વાસ્તવિકતાનું બેમિસાલ શબ્દાંકન . ગમી ગયું .
આ ગઝલ યાદ આવી ગઈ –
સન્માન કેવું પામશો? મૃત્યુ પછી ‘ગની’ ?
જોવા તમાશો એક વાર ગુજરી જવું પડે!
LikeLike
By: સુરેશ on માર્ચ 28, 2019
at 8:56 એ એમ (am)