Posted by: Shabdsetu | જાન્યુઆરી 12, 2012

હવે આંખ સામે સૂર્યો જ સૂર્યો

હવે આંખ સામે સૂર્યો જ સૂર્યો
અહીં બસ પણે ત્યાં સૂર્યો જ સૂર્યો

કિલ્લા બૂરજની દિવારો પછી થઈ
ધરાની ભિતર પણ સૂર્યો જ સૂર્યો

પવનની આંખો હવે તો ચકાચોંધ
કીકીમાં જુઓ તો સૂર્યો જ સૂર્યો

સવારે જુઓ તો સુગંધી ફૂલોના
રંગોમાં વ્યાપ્યા સૂર્યો જ સૂર્યો

જંગલ, પહાડો, ખીણો ને ગૂફાઓ
ધરી ચાલ્યા રસ્તે સૂર્યો જ સૂર્યો

જળમાં ચલાવી છે કાગળની હોડી
હલેસે હલેસે સૂર્યો જ સૂર્યો

હવે ફેફસામાં ભરી લો હવાઓ
હવે શ્વાસે શ્વાસે સૂર્યો જ સૂર્યો

સતિષ ડણાક ના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો.
હવે આંખ સામે સૂર્યો જ સૂર્યો – કાવ્યપઠન

‘ફના’ મેં સાંભળ્યો નહિ કેમ કોઈ છમકારો!
બધા કહે છે કે સૂરજ ડૂબ્યો છે દરિયામાં.

જવાહર બક્ષી

હું ગોતું છું પોતે મને

પવન પૂછે અતાપતા, મંજિલો ખુદ ગોતે મને
સમયની ઝીણી ચારણમાં હું ગોતું છું પોતે મને.

ગભરુ  કેડી શેરીની  ખોવાઇ  ગઇ’તી ભીડમાં,
શ્વાસ ભરતી લયગતિ પ્રોવાઇ ગઇ’તી ભીડમાં,
ટહુકા શોધે વનવનમાં, ક્યાંથી ભલા એ જોતે મને,
સમયની ઝીણી ચારણમાં હું ગોતું છું પોતે મને.

હયાતિ વેતાળ ખભે, પૂરવ-સૂરીનો ભાર ખભે,
અમલ ઘોળેલી હવામાં નશીલા ઓથાર નભે,
સવાલોના ગળે ટૂંપા શરતને સમજોતે મને,
સમયની ઝીણી ચારણમાં હું ગોતું છું પોતે મને.

મેં ધર્યું તરણું તો સાગર ઓળઘોળ ઓવારી ગયો,
ઉચકી મુજને  હળવેથી  કિનારા સુધી તારી ગયો,
મેં કેમ માન્યું કે જગતમાં કોઇ ના ખોતે મને,
સમયની ઝીણી ચારણમાં હું ગોતું છું પોતે મને.

કરમ નામે ભરમ પાળ્યો, ભરમ નામે પડછાયો,
જનમનાં વાઘાં પહેર્યાં વિણ પરમ નામે પરખાયો,
પરગટ થઇ સામે આવે તો એની પરખ હોતે મને,
સમયની ઝીણી ચારણમાં હું ગોતું છું પોતે મને.

કીર્તિકાન્ત પુરોહિત

કીર્તિકાંત પુરોહિતના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો.
સમયની ઝીણી ચારણમાં હું ગોતું છું પોતે મને – કાવ્યપઠન

તમે એકવાર એનામાં ખોવાયા બાદ
કદી પોતાની જાતને જડ્યા છો?

મુકેશ જોષી

ગહનતા ઘાવની માપી શકું, એવું ગજું ક્યાં છે? – અહમદ ‘ગુલ’

બહુ જ સૌમ્ય વાણી વાળા ‘ગુલ’ સાહેબ બેટલી, યુ. કે. ના એક જાણીતા અને માનિતા શાયર છે.  ગુજરાતી સાહિત્ય-સર્જનની પ્રવ્રુત્તિને આગળ ધપાવવા એમણે બેટલી, યુ. કે. માં ‘ગુજરાતી રાઇટર્સ ક્લબ’ ની સ્થાપના કરી છે.

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.

આમંત્રિત કલાકારો અથવા કોઈ પણ સભ્યને કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા

અહમદ ‘ગુલ’ના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
એવું ગજું ક્યાં છે? – કાવ્યપઠન

ગહનતા ઘાવની માપી શકું, એવું ગજું ક્યાં છે?
વળી હર ઝખ્મ પંપાળી શકું, એવું ગજું ક્યાં છે?

સતત ઝરતી રહે છે લૂ, છતાં પણ ચાલવું તો છે,
ઘડીભર છાંયડો પામી શકું, એવું ગજું ક્યાં છે?

પડી છે વીજળી માળા ઉપર એની ખબર છે પણ,
તણખલાંઓ હવે લાવી શકું, એવું ગજું ક્યાં છે?

અમારી દુર્દશાની વાત હર મહફીલમાં ચર્ચાઇ,
જરા હું આયનો ઝાંખી શકું, એવું ગજું ક્યાં છે?

ઘણી લાંબી બની ગઇ છે હવે ઝખ્મો તણી યાદી,
બધાં નામો ભલા વાંચી શકું , એવું ગજું ક્યાં છે?

હવે એકાંતની ઝાલી જ લીધી આંગળીઓ ‘ ગુલ’
ફરીથી ભીડમાં ચાલી શકું, એવું ગજું ક્યાં છે?

અહમદ ‘ગુલ’

હવે ના શબ્દ છંછેડું,
મને છે મૌનનું તેડું.

કવિ જેમ ઉઘડી શકાતુ નથી હોં – ચિનુ મોદી ‘ઈર્શાદ’

ચિનુ મોદી આદિલ સાહેબના જીગરી દોસ્ત.  ૨૦૧૦ના શબ્દસેતુના મુશાયરામાં આદિલ સાહેબની ખોટ વર્તાતી હતી.  ચિનુભાઈના શબ્દોમાં “મયખાનુ સાવ ખાલી ખાલી લાગે છે.”

એમના શેરોમાં અપનાપન – આપણાપણું ડોકાય છે જાણે આપણા જ મનની વાતોને વાચા ન આપતા હોય!  ચિનુભાઇ સાચું કહેવામાં ક્દી અચકાતા નથી. એમની વાતો સાચી અને સચોટ હોય છે પણ કેટલાંકના દિલને કઠે છે.

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈ પણ સભ્યને કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા

 ચિનુ મોદી ‘ઈર્શાદ’ના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
કવિ જેમ ઉઘડી શકાતુ નથી હોં – કાવ્યપઠન

થોડા મુક્તકો

કવિ જેમ ઉઘડી શકાતુ નથી હોં
સમયસર નિખાલસ થવાતુ નથી હોં
તને ભૂલવાના હતા કંઈક રસ્તા
પણ હવે આપણાથી ચલાતુ નથી હોં

ક્રૂરતા ક્યાં કદી બતાવે છે
માત્ર એ જીવતા ચણાવે છે
મખમલી મોજડી અપાવે છે
પગ વગરના પછી બનાવે છે

ધબકવા ન દે, શાંત પડવા ન દે
કમાડો ઉઘાડે, નીકળવા ન દે
ઘણી વાર વરસાદ એવો પડે
ચિતા પર ચઢો ને સળગવા ન દે

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

જ્યારે જ્યારે તું હની ખિજાય છે – અદમ ટંકારવી

આદિલ સાહેબની જેમ, યુ. કે. નિવાસી અદમ ટંકારવીનું પણ ટોરોન્ટો એ એમને ગમતું બીજુ ઘર છે. ગુજરાતી મુશાયરાઓમાં આ બન્નેની જોડી એક સાથે જોવા મળતી હોય છે.

અદમ ટંકારવી ‘ગુજલિશ ગઝલો’ ના પ્રણેતા છે. એમણે વેસ્ટર્નાઇઝ્ડ થયેલ આપણી યુવાપેઢીને ગમે એવી ‘ગુજલિશ ગઝલો’ લખી છે.

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈ પણ સભ્યને કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા

અદમ ટંકારવીના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
જ્યારે જ્યારે તું હની ખિજાય છે – કાવ્ય પઠન

જ્યારે જ્યારે તું હની ખિજાય છે
ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે

સાવ નિર્મમ ના કહીશ ગુડબાય તું
ગુજરાતીમાં આવજો કહેવાય છે

તું મને પાલવનું ઇન્ગ્લીશ પૂછ ના
અહિંયા આંસુ ટીશ્યુથી લુછાય છે

વાતે વાતે બોલતી બુલશીટ તું
તારું મોંઢુ એટલે ગંધાય છે

લાગણી એચ આઈ વી પોસિટીવ છે
લાગણીને ક્યાં હવે અડકાય છે

મોનિકા જેવી જ ભાષા છે ‘અદમ’
સહેજ અડીએ ને ભવાડા થાય છે

જાણે કે બીજી છોકરી નથી

છે તોર એનો એવો કોઈની પડી નથી
આ ગામમાં જાણે કે બીજી છોકરી નથી

અધ્ધર ઉપાડી કોઈએ સપનામાં એકવાર
બસ ત્યારથી ધરતી ઉપર પગ મૂકતી નથી

પંડિતજી પોથીમાં શું શોધો છો ક્યારના?
ત્યાં સ્વર્ગથી અપ્સરા કોઈ ઊતરી નથી

એને તેં એટલી તો ફટાવી દીધી ’અદમ’
કે આ ગઝલ કોઈને હવે ગાંઠતી નથી

ગઝલ લખી દો સીધીસાદી, અદમ
જીવીકાકીની સવિતા જેવી.

Posted by: Shabdsetu | ઓક્ટોબર 17, 2011

પીપળાનુ પાન

પીપળાનુ પાન

પાંસઠ મિણબત્તીઓ બુઝાવી
હવે, કેટલી બુઝાવવાની બાકી રહી?

ચાલુ ચીલાની પાર્ટી પૂરી થઈ,
સહુ વિખેરાયા, અને હું
ઘરના ખૂણે આવેલ પુસ્તકાલયમાં
પાંસઠ વર્ષોનું સરવૈયું કાઢવા બેઠો.

રુદિયાના એક ખૂણે, વર્ષોથી ટૂંટીયું વળીને થીજી ગયેલી દેશદાઝનો રોષ
વરજીન જુવાનીનો ધરબાઇ ગયેલો ફૂટયા વગરના બોમ્બ જેવો આક્રોશ
મરવા વાંકે જીવી રહેલા નપુસંક જેવા અધમરા ઓગળી રહેલા આર્દશ
આ બધાની એક પછી એક બાદબાકી કરી
માંયલાને મારીને કરેલા સમજોતાઓનો સરવાળો કર્યો
જાણે અજાણે, ભૂલથી થઇ ગયેલી ભૂલોનો ભાગાકાર કર્યો.

હાથ ખાલી હતા ત્યારે, પણ ઘણું બધુ હતું
આજે બે હાથે ભેગુ કરેલું ઘણું છે
તેમ છતાં સાવ ખાલી ખાલી લાગે છે
કંઇક ખૂટે છે, ખૂંચે છે, ખોટ વર્તાય છે
રોજ સવારે દાઢી કરતા આયનામાં
ઘણી વખત આંખ નથી મેળવી શકાતી

કાંત, કલાપી, મેઘાણી, મુનશી, પ્રેમચંદ
ગાલીબ, ઇકબાલ, ફૈઝ, ટાગોર, શરદ
હ્યુગો, હેમીંગ્વે, વોલ્તેર, ટોલ્સ્ટોય
પડયા હતા સૌ ધૂળ ખાતા અભરાઇએ
ધૂળ ખંખેરી એક પુસ્તક કાઢ્યું
“કલાપીનો કેકારવ”
એક જમાનાનું મારુ અતિપ્રિય
કોઈકે મને ભેટ આપેલું
ખૂબ જ પ્રેમથી, યાદગીરી માટે
અનેરા મીઠા સંભારણાં સહિત

પાના ફેરવતા, મળી આવ્યું
એક સૂકાઈ ગયેલું પીપળાનું પાન
અનાયાસ મારો હાથ ફરી ગયો.
ને હું બે ઘડી ફરી જીવી ગયો
કેવુ લીલુછમ હતું, આ એક સમયે!
આજે કંતાઈને જર્જરિત થઈ ગયું છે!

તમે મંઝિલ નજર સમક્ષ રાખી દોડો પૂર્વમાં
અને ખબર પડે કે પહોંચી ગયા છો પશ્ચિમમાં
એનુ નામ નસીબ!

જ્યોર્જ બર્નાડ શોનું પેલુ કોટેશન વિચારવા જેવું છે –
“જે ગમે એ કરો, નહી તો જે કરશો એ ગમવા માંડશે”.

કિશોર પટેલ

હો સકા ના કુછ મગર શામ બન ગઈ સહર
વહ ઉઠી લહરકી ઢહ ગયે કિલે બિખર-બિખર
ઓર હુમ ઝુકે-ઝુકે, મોડ પર રુકે-રુકે
ઉમ્ર કે ચઢાવ કા ઉતાર દેખતે રહે
કારવાં ગુઝર ગયા, ગુબાર દેખતે રહે!

કવિ નીરજ

નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ – આદિલ મન્સૂરી

‘આદિલ’ સાહેબ અને ‘શબ્દસેતુ’ – ઘરોબો.  ટોરોન્ટો એ આદિલ સાહેબનુ ‘કોટેજ’.
‘શબ્દસેતુ’ નો પહેલો મુશાયરો ૧૯૯૬ – આ પગદંડી આદિલ સાહેબે પાડેલી.  આજે પથ બની ગયો છે.

ત્રણ વર્ષ વીતી ગયા પણ હજી ગઈ કાલની જ વાત હોય એમ લાગે છે. આદિલ સાહેબ આપણી સાથે જ છે. એમના જ શબ્દોમાં –

મને ન શોધજો કોઈ હવે હું ક્યાંય નથી
ને જુઓ તો તમારી જ આસપાસમાં છું    

આદિલ સાહેબને ‘શબ્દસેતુ’ની હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી અને ખૂબ ખૂબ નમન…
પ્રભુ એમના આત્માને શાંતિ આપે.  ખુદા એમની રૂહને જન્નત બક્ષે.  એમના ચંદ શેરો એમની યાદમાં…

આ બધા લાચાર થઈ જોતાં રહ્યાં
હાથમાંથી જિંદગી સરકી રહી

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે

ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા
ખૂશ્બુથી કિંતુ આપનો પાલવ ભરી ગયા

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે

આદિલ હંમેશા આદિલ જ હતા અને આદિલ જ રહેશે…

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈ પણ સભ્યને કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા

આદિલ મન્સૂરીના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
સૂર્યની આંખોથી છલકાતી ગઝલ – કાવ્યપઠન

સૂર્યની આંખોથી છલકાતી ગઝલ
ચાંદની – સર્વત્ર પથરાતી ગઝલ

લીલી પીળી વાદળી રાતી ગઝલ
છેવટે તો શ્વેત થૈ જાતી ગઝલ

ક્ષણમાં સિદ્ધિના શિખર પર જઈ ચડે
એ જ સદીઓથી ઉવેખાતી ગઝલ

મૌન વચ્ચે મૌન વચ્ચે બૂમ થૈ
મનનાં ઊંડાણોમાં પડઘાતી ગઝલ

વહી જતી પથ્થર ઉપરથી વહી જતી
કાળે જે પાણીના કોરાતી ગઝલ

જ્યારે આદિલ શ્વાસ પણ ડૂબી જતો
ત્યારે રોમ રોમ સંભળાતી ગઝલ

જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે
નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ

આ મત્લા મક્તા રદીફને કાફિયાઓ વચ્ચે
હું ખુદથી વાતો કર્યા કરું છું ગઝલના ઘરમાં

Posted by: Shabdsetu | સપ્ટેમ્બર 28, 2011

મૂડી

મૂડી

મનજીત પંદર વર્ષથી શ્યામલાલ અને મનોરમાનો  વિશ્વાસુ ડ્રાઈવર હતો.  પતિપત્ની કારમાં ઘણી અંગત વાતો કરતાં.  એટલે ઘણું બધું એ જાણતો હતો.  પણ અહીંનું તહીં કરવાની એનામાં ટેવ નહોતી.

શ્યામલાલની એક બહુ અંગત વાત પણ એ જાણતો હતો.  શ્યામલાલ અવારનવાર કોઠાની મૂલાકાત લેતા.  એક વાર શ્યામલાલ એ સ્ત્રીને એક ડૉકટર પાસે લઈ ગયા હતા.  એટલે કોઈ સ્ત્રી સાથે આડ સંબંધ હોવાની એને ખાત્રી થઈ હતી.  મોટા લોકોનાં મોટાં રહસ્યો એમ માની આંખ આડા કાન કરતો.

બેચાર વાર મનજીત સાથે એકલા દવાખાને જવાનું થતાં નિરુપમાનો પરિચય થયો.  મનોરમા એ રહસ્ય જાણે તો ઘરમાં મહાભારત સર્જાવાની અને પોતાની કાયમી આવક જતી રહેવાની બીકને કારણે મનજીતને ચૂપ રહેવા દર મહિને એને બસો રૂપિયા આપવાનું નકકી કર્યું.

એક વાર મનજીતે એના દીકરાના ઓપરેશન માટે શ્યામલાલ પાસે વીસ હજાર રૂપિયાની લોન માગી.  શ્યામલાલે ગુસ્સે થઈને કહ્યું, “એટલી મોટી રકમ તું આ જન્મે તો પરત નહિ કરી શકે.  સોરી, બેપાંચ હોય તો જુદી વાત.”
“શેઠજી, મારા દિકરાની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડોકટરને સાત દિવસમાં પૈસા ચૂકવવાના છે.”
“સોરી, હું તને મદદ નહિ કરી શકું.”

મનજીત ચિંતામાં વ્યગ્ર હતો .  એને નિરુપમા યાદ આવતાં  નિરુપમા પાસે જઈ આજીજી કરી.
“જો શ્યામલાલ સાથેના અમારા સંબંધની વાત તું કદી કોઈને ન કરે તો હું તને મદદ કરીશ. પણ માસિક ભથ્થુ બંધ.”
“તમે મને મદદ કરતાં હો તો મને એ મંજૂર છે.” કહેતાં એને નમી પડયો.
“તારા ડૉકટરનું નામ સરનામું આપ.  બે દિવસ પછી મને મળજે.”
મનજીતે સરનામું આપ્યું.

બીજે દિવસે નિરુપમા ડૉકટરને મળવા ગઈ.  એની ચાલાક આંખો ડૉકટરના આંતર મનને પારખી ગઈ.  એણે ડૉકટરને એની જાળમાં ફસાવ્યા.  દર મહિને મળવાનું વચન આપી મનજીતના દિકરાના ઓપરેશન માટે બાંધી લીધા.

બીજે દિવસે મનજીત મળવા આવ્યો ત્યારે કહ્યું, “તારું કામ પતી ગયું.  આવતા સોમવારે ડૉકટર ઓપરેશન કરશે.”
“તમે પૈસા આપી દેશો ને?” મનજીતે ભોળાભાવે પૂછયું.
“એ તારે નહિ જોવાનું. તારું કામ પતી જશે.  તારું વચન પાળજે .”

મનજીત નિરુપમાની વાત સમજી ગયો.  એની એક મહત્વની મૂડીનો વિચાર કરતો એના દિકરાની ખુશીમાં ગરકાવ થઈ ગયો.

જય ગજ્જર

કોઈ હમદર્દ આવે છે, કોઈ ગમખ્વાર આવે છે
હજારો દર્દ લઈને લોક મારે દ્વાર આવે છે

કવિ નઝ


Posted by: Shabdsetu | સપ્ટેમ્બર 3, 2011

ગાંધીની રાખમાંથી

ગાંધીની રાખમાંથી

ગાંધીની રાખમાંથી આજે ધુમાડો નીકળ્યો
છ દાયકા પછી રાજઘાટ પર જ્વાળામુખી ફાટ્યો
અહિંસાની લડાઈ તો ક્યારની ભુલાઈ  ગઈ
શ્વેત ખાદીના વસ્ત્રોની લજ્જા પણ હણાઈ ગઈ

રજવાડાથી પણ વધુ સાલીયાણા મેળવતા નેતાઓ
છતાંએ ધન ભૂખ્યા રહેતા ચૂંટાએલા પ્રતિનિધિઓ
સત્ય, અહિંસા, ઈમાનદારી ને દેશદાઝ ખોવાઈ ગયા
કટકી, સ્કેમ અને લાંચથી  સ્વીસ બેન્કના ખાતા ભરાઈ ગયા

ક્યારે ક વાચ્યું છે દેશમાં ફરતી ટ્રકોની પાછળ
‘સો મેસે નબ્બે બેઈમાન ફિર ભી મેરા ભારત મહાન’

આઝાદીની લડત કાજે

આઠ હજાર છસ્સો રૂપિયા લુંટેલા કાકોરી કાંડમાં
એમાં ચાર ક્રાંતિકારીઓને ચડાવી દીધા ફાંસીના ફંદામાં
આજે તો કરોડોની ઉચાપત સ્વતંત્ર ભારતમાં થાય છે
ને નિર્લજ્જ સફેદ ઠગો બિન્ધાસ થઈ ફરે છે

ત્યારે ગાંધીની રાખમાંથી ધુમાડો નીકળે છે.

નિધીશ દલાલ  ‘મુસાફિર’

ભારતના નભ પરથી જયારે તેજ તારલા ખરતા દીઠા;
અને આગિયા અગણિત જયારે ઊચા આભે ચડતા દીઠા
સત્તાના સિંહાસન કાજે લડતા અને ઝઘડતા દીઠા
તે દિ’ મેં તો રાજઘાટ પર રાષ્ટ્રપિતાને રડતા દીઠા

દુલેરાય કારાણી


Posted by: Shabdsetu | ઓગસ્ટ 18, 2011

કોણ માનશે

કોણ માનશે

એ સમય વ્યથાનો હતો કોણ માનશે
રુદનનો જમાનો હતો કોણ માનશે

ભટકી જતે હું યે લપસણા પથ ઉપર
એહસાન ખુદાનો હતો કોણ માનશે

ભેગા થયા તબીબો નિદાનના કાજે
ને વકત એ દુવાનો હતો કોણ માનશે

સમજતો હતો હું વફા મારો ઈજારો
એ ખુદા બધાનો હતો કોણ માનશે

આખરે એ ઉભય બેઉ એક થઈ ગયાં
ઝઘડો એક અના નો હતો કોણ માનશે

ને અમે સહજથી એને મેળવી લીધો
રસ્તો એ ફનાનો હતો કોણ માનશે

આમ સરળતાથી એ પ્રાપ્ત ક્યાં થતે
અણસાર વફાનો હતો કોણ માનશે?

અના=અહઁકાર

મોહમ્મદઅલી ભૈડુવફા

ફક્ત ડોઝ તો દવાનો હતો કોણ માનશે?
ચમત્કાર બસ દુવાનો હતો કોણ માનશે?

સુલેમાન દેસાઇ ‘જિદ્દી લુવારવી’

Posted by: Shabdsetu | ઓગસ્ટ 3, 2011

સીતાની અગ્નિપરીક્ષા

સીતાની અગ્નિપરીક્ષા

ક્યાં સુધી ધવલશીલા જાનકીની
અગ્નિપરીક્ષા થતી રહેશે આમ?
હૈયાનું હીર નીચોવી નીચોવીને
જુવાન બનાવી લવ-કુશની જોડી
અંતે જીવન-કર્તવ્ય પૂરું થયું માની
મા-ધરતીમાં સમાઈ ગયાં સીતાજી.

લાચારી હતી શું એ એની?
ના,- ના,

એ તો હતો ત્યારની સુપ્રીમ કોર્ટે
આપેલા ચુકાદા જેવો
એક જોરદાર તમાચો,
રાજા રામના ગાલ ઉપર!

અને અલોપ થતાં થતાં
ચિત્કાર કરી ઊઠ્યાં હશે
ભરી સભામાં જાનકી.

પલકવારમાં માને ખોળે
સમાઈ જાઉં હું
ને તમે જોતા જ રહી જશો
જોતા જ રહી જશો
હે રાજન!

મધુરી ધનિક

તું કોઈ, અમેરિકન પત્નીની જેમ મને છોડીને, ચાલી તો ન ગઈ.
તેં મને અનેક માણસોની વચ્ચે, વકીલોને સહારે
કોર્ટમાં, બદનામ પણ ન કર્યો.
ન તો ક્યારે, આક્રોશ ર્ક્યો, ન ફરિયાદ કરી.
માત્ર એક દિવસ, વાતવાતમાં, તું આટલું જ બોલી ગઈ.
આવતે ભવે પતિ તરીકે તમે તો નહીં જ !

વિપીન પરીખ

Posted by: Shabdsetu | જુલાઇ 20, 2011

એ હું જ


એ હું જ

પુસ્તકો મારી અભરાઈ પરનાં
નહિ હોય, કદાચ મારાં,
વિચારો પણ મૌલિક
નહિ હોય કદાચ મારાં,

તોયે મૂઠી ઊંચો છું
કારણ, ઊભો છું ચઢી અનેક પૂર્વજોના ખભા ઉપર.

હશે આ પિંડ
પાણીનો પોણા ભાગનો,
બીજા પંદર સત્તર હિસ્સા
હશે હાડ, માંસ અને મજ્જાના.

ભળી ગયા છે વળી
બુદ્ધ, ગાંધી ને મેકીઆવેલી
બે ત્રણ બાકીના હિસ્સામાં.

પણ હિસ્સો બચેલો એક
એ જ હું, પ્રતીક પ્રગતિનું, નથી કોઈ ક્લોન કોપી જેની,
મગરૂર છું હું,
એ જ હું, એ જ હું.

શાંતીલાલ ધનિક

આ પ્રુથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે.
પહેલો પુરુષ એક્વચન છે, એ બીજો નથી,
એ અદ્વિતીય હોય અથવા ન હોઈ શકે
પણ એનો દ્વિતીય નથી.
હું એક જ છું.
મારા જેવો બીજો નથી.

ચંદ્રકાંત બક્ષી

Posted by: Shabdsetu | જુલાઇ 4, 2011

સમય બદલાય તો જાશે

સમય બદલાય તો જાશે

જગાડી જગત પરભાતે સમય બદલાય તો જાશે
ઢળી આરામ લઈ રાતે સમય બદલાય તો જાશે

વહે વણઝાર રણ વગડે સબંધોના ભરી ઘરબાર
મજલ જો ના મળે વાટે સમય બદલાય તો જાશે

ચિરાડો પ્યારની સંધાય છે વિશ્વાસ ને ધાગે
ગળું કાપે દગલ બાજે સમય બદલાય તો જાશે

જવાની જામ દોલતનો નશો એક મીણ જેવો છે
ખુમારી પીગળી જાશે સમય બદલાય તો જાશે

વસંતો લાવશે રંગત ખુશી ને ઢોળશે બાગે
પડે જો પાંડદાં ઘાતે સમય બદલાય તો જાશે

જનમ ને મરણ વચ્ચે જે જીવનના હાલ છે આજે
જનાજો ઊઠતાં સાથે સમય બદલાય તો જાશે

બાબુ પટેલ

વક્ત સે દિન ઔર રાત, વક્ત સે કલ ઔર આજ
વક્ત કી હર શૈ ગુલામ, વક્ત કા હર શૈ પે રાજ
આદમી કો ચાહિયે, વક્ત સે ડર કર રહે
કૌન જાને કિસ ઘડી, વક્ત કા બદલે મિઝાજ…

સાહિર લુધિયાન્વી

Posted by: Shabdsetu | જૂન 15, 2011

‘ફાધર્સ ડે’

ફાધર્સ ડે

આ રવિવારે ‘ફાધર્સ ડે’ આવી રહ્યો છે.  ‘ફાધર્સ ડે’ હોય કે ‘મધર્સ ડે’, એ દિવસે સ્તવન બહુ જ ઉદાસ થઈ જાય.  વર્ષોના અગણિત ઉપકારોને યાદ કરવા માટે આખા વર્ષમાં આવતો આ એક માત્ર દિવસ!  પણ આ દિવસ એને ખૂબ વિહ્વળ બનાવી દે. એક લાચારીનો અહેસાસ કરાવે.  એ અહીં પરદેશમાં અને ઘરડા બા બાપુજી દેશમાં.  ઘણી વાર એ વિચારે, શું પરદેશમાં વસતા બધા જ પુત્રો મારી જેમ  આવી ‘ગિલ્ટી ફીલ’ કરતા હશે!

સ્તવન એક નો એક દીકરો.  વર્ષોથી કેનેડામાં સ્થાયી થયો છે.  એક મોટી કંપનીનો એ પ્રેસીડન્ટ છે.  સુંદર પત્ની અને બે બાળકોનો સંસાર છે, પૈસો પણ અપાર છે.  કશાની ખોટ નથી તોયે મનને એક ખૂણે ખૂબ ખૂંચે છે.  આજે જ્યારે એના ઘરડા મા બાપને એની ખાસ  જરૂર છે ત્યારે એ અહીંથી જઈ નથી શકતો.  મા બાપને  લાકડી બનીને ટેકો આપવો છે.  હાથ પકડીને હૂંફ આપવી છે.  એમની સેવા કરીને સંતોષ મેળવવો છે પણ એ એવું નથી કરી શકતો  બસ, વર્ષમાં બે ત્રણ વાર દેશ જઈને મળી આવે છે.  અઠવાડિયામાં બે ચાર ફોન કરીને મન મનાવે છે.

એ જાતે આ સુખ સાહ્યબી છોડીને જવા તૈયાર છે.  પત્નીને પણ કદાચ સમજાવી શકે પરંતુ બાળકોને એ કેવી રીતે મનાવી શકે?  એમને એક નવા અજાણ્યા દેશમાં, અપરિચિત વાતાવરણમાં કેવી રીતે લઈ જઈ શકે?  ડાંગરના ધરુને એક ક્યારામાંથી ઉખેડીને નજીકના બીજા ક્યારામાં રોપવામાં આવે છે ત્યારે એ પાકે છે પણ અહીં તો નાના અમસ્તા છોડને એક ભોમમાંથી ખેંચીને બીજી ભોમમાં, જુદી જ આબોહવામાં લઈ જઈને રોપવાનો?  અને એ છોડ મોટો થઈને પાંગરે ત્યારે એને પરદેશ મોકલવાનો?  અને પછી પોતાની જેમ જ આખી જિંદગી દેશ-પરદેશ કલ્ચરના ઘર્ષણમાં રહેંસાતા રહેવાનું?  જે ભણતર, જ્ઞાન, સુખ, સાહ્યબી, પૈસો મેળવવા પોતે અહીં પરદેશ આવ્યા, એનાથી જ એમને વંચિત રાખવાના?

સ્તવનના બાપુજી આઝાદીની લડાઈના એક લડવૈયા હતા.  ૧૯૪૨ની ‘ક્વીટ ઈન્ડિયા મુવમેન્ટ’ માં લાઠીઓ ખાઇને જેલ જઈ આવેલા. પૂરેપૂરા દેશભક્ત અને ગાંધીબાપુના સાચા અનુયાયી.  આઝાદી પછી એ ડોક્ટર બન્યા અને ગાંધીજીના આદર્શ પ્રમાણે ગ્રામસેવા કરવા ડાંગના જંગલમાં આદિવાસીઓની વચ્ચે જઈને વસ્યા.  ગ્રામોદ્ધાર કરતા કરતા ઘણાં ગામડાંઓને એમણે ઉપવન બનાવી દીધા.  સ્તવનનુ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ આદિવાસીઓની શાળામાં જ  થયેલું.  સ્તવનના બાપુજી કોઈ મોટા શહેરમાં પ્રેક્ટીસ કરીને ખૂબ કમાઈ શક્યા હોત પણ આદર્શના પંથે ચાલનાર માટે તો જીવન જરૂરિયાતથી  વધારેનો પૈસો એ પથ્થર બરાબર.

સ્તવન ભણવામાં બહુ જ હોશિયાર.  એસ.એસ. સી બોર્ડની પરિક્ષામાં એનો પહેલો નંબર હતો.  આગળ ભણવા એ મુંબઈ ગયો.  બાપુજીની કમાણી ખાસ કાંઈ નહોતી  બા બાપુજી કરકસર કરીને થોડા પૈસા બચાવી એને ભણાવતા હતા.  ઘરમાં પૈસાની તંગી હંમેશા રહેતી પણ સેવાના ભેખધારી માટે તો પૈસો એ પાપનુ મૂળ!  કેટલી મુસીબત, કેટલી તકલીફ વેઠીને બા બાપુએ  એને ભણાવ્યો હતો!  સ્તવન એ કદી ભૂલ્યો નહોતો.

બાપુજી ઇચ્છતા કે સ્તવન એમની જેમ ડોક્ટર બનીને ગરીબ લોકોની સેવા કરે.  ગ્રામ વિકાસમાં સહભાગી બને, પણ સ્તવનને ડોક્ટર નહોતુ બનવું.  એને તો એંજિનિયર થવું હતું અને એ ઇલેક્ટ્રોનિક એંજિનિયર થયો.  આખી યુનિવર્સિટીમાં એ પહેલે નંબરે આવ્યો.  વધુ અભ્યાસ માટે પરદેશ જવાની સ્કોલરશિપ મળી અને એ કેનેડા આવીને સ્થાયી થઈ ગયો.

વર્ષો બાદ ઉમ્મર થતા સ્તવનના બાપુજી માટે ગામે ગામે ફરવાનું અશક્ય થવા લાગ્યું એટલે તેઓ દક્ષિણ ગુજરાતના એક નાના શહેરમાં આવીને સ્થાયી થયા.  સેવાભાવી માણસ માટે તો સબ ભૂમી ગોપાલ કી.  અહીં પણ એમનું નાનુ દવાખાનું હંમેશા ભરાયેલું જ રહેતું.  મનુષ્ય જીવનના સારા પાસાઓનો ગુણાકાર કરતા રહેવુ અને નબળાઈઓની બાદબાકી, એ એમનો જીવન મંત્ર હતો.

શરૂઆતના વર્ષોમાં સ્તવન થોડું કમાઈને પાછા દેશ જવાનું વિચારતો પરંતુ ધીરે ધીરે એ આકર્ષણ ઘટતું ગયું.  બા બાપુજીને કેનેડા બોલાવી ને સાથે રાખવાનો એને ખૂબ ઉમળકો હતો.  બાપુજીએ આખી જિંદગી દોડધામ કરી હતી.  હવે એ પાછલા વર્ષો સુખમાં, આરામથી વિતાવે  એમ એ ઇચ્છતો હતો.  બાને જે જોઈએ એ મળ્યુ નહોતુ.  હવે એ આપી શકશે એટલે એણે બન્ને ને સ્પોન્સર કરી દીધા.

બા બાપુજી આવ્યા પણ અહીં ક્યાંથી ગમે!  રાતદિવસ કાર્યરત રહેલા માણસને આરામ હરામ લાગે.  બા પણ થોડા દિવસમાં કંટાળી ગઈ.  બા દેશમાં સામાજિક કાર્યકર્તા રહેલી.  અનાથ આશ્રમમાં એ સેવા આપતી.  અહીં ચાર દિવાલોમાં એને ગૂંગળામણ થવા લાગી.  પૌત્રોનું થોડુ આકર્ષણ ખરું પણ નાનપણથી સાથે રહેલા નહીં એટલે થોડી અતડાઈ પણ રહે.  ધીરે ધીરે ઘર એક જેલ જેવુ લાગવા માડ્યું.  છેવટે બા અને બાપુજી દેશ પાછા ગયા

સ્તવનની બા પૈસાદાર ઘરમાંથી આવી હતી.  અહીં મન મનાવીને આદર્શવાદી પતીના પંથે ચાલવાનું હતુ.  ક્યારેક એ જીવનની મુશ્કેલીઓથી કંટાળતી ત્યારે બાપુજીને એ અચૂક સંભળાવતી – “તમારા ઘરમાં આવીને મેં જોયું છે શું?”.  સ્તવન એ ભૂલી નહોતો શકતો.  બાને મોટા ઘરનો ખૂબ અભરખો એટલે સ્તવને દેશમાં, સોસાયટીમાં એક બંગલો બંધાવ્યો.  જાતજાતની ચીજોથી ઘર ભરી દીધું પણ વ્યર્થ.  પૈસો આવ્યો પણ પારકો બનીને!  બાપુજી મહોલ્લો છોડીને સોસાયટીના નવા ઘરમાં જવા તૈયાર નહોતા.  જીવનભર વસ્તુઓના અભાવથી જીવવાની ટેવ કેવી રીતે બદલાય!  સ્તવન ઘણું સમજાવે, દલીલો કરે પણ બાપુજી ન માને!   ઉલટા બાપુજી સ્તવનને હંમેશા સમજાવતા રહે “ભાઈ, અમારી ચિંતા તુ ના કર. તુ તારા સંસારમાં ત્યાં સુખી છે અને અમે પણ અહીં ખૂબ સુખી છે”.

વર્ષો વિતતા જાય છે અને બા બાપુજી દિવસે દિવસે દુર્બળ થતા જાય છે.  આ વર્ષે બાપુજીને મોટો હાર્ટ એટેક આવ્યો.  શરીરે લકવા થઈ ગયો.  આ મરણાંત હવે પથારીવશ રહેવાના.  હલન ચલન સદંતર બંધ થઈ ગયું છે.  આંખો ચકળવકળ ફેરવ્યા કરે છે અને થોડું થોડું તોતડું બોલી શકે છે.  બા હવે બહુ જ ઓછુ સાંભળે છે અને સાવ સુકાઇ ગઈ છે.  સ્તવને ચોવીસ ક્લાક સાથે રહેવા એક નર્સ રાખી છે પણ હવે બન્નેની હાલત જોવાતી નથી.  દર બે ત્રણ મહિને એ દેશ જઈ થોડા દિવસ બા બાપુજી સાથે રહી એમની સેવા ચાકરી કરે છે પરંતુ કાયમનું રહેવું અશ્ક્ય છે.  આગળ શું કરવું એ સમઝાતું નથી.  સગાસંબંધીઓ જાતજાતના સલાહ સૂચનો, વણમાગી શિખામણો આપી ચાલતા થાય છે.  કોઈક વળી સામે નહીં તો પાછળ સંભળાવી પણ જાય છે – “શું નસીબ છે! બાપ મરણ પથારીએ અને દિકરો પરદેશમાં”

સ્તવન વિચારે કે આ માણસ જીવનભર જંગલમાં જઈ આદિવાસીઓની વચ્ચે વસી લોકોની સેવા કરતા રહ્યા તોયે અંત સમયે આવી પરિસ્થિતિમાં?  આવી દયનીય દશા?  આ તે કેવો ન્યાય?  અને આવો ન્યાય કરનાર કોણ?  ભગવાન?  આ કેવો ભગવાન!  કે પછી કર્મના સિધ્ધાંત પ્રમાણે આ પૂર્વ જન્મોના કર્મનુ ફળ છે એમ મન મનાવવાનુ કે પછી નસીબનો દોષ કાઢવાનો?   આ જન્મમાં કરેલા કર્મના ફળ લૉજિકલ રીતે આવા હોઈ જ ના શકે એટલે પૂર્વ જન્મોમાં કરેલા કર્મના ફળ ભોગવવાનાં એમ માનીને સંતોષ મેળવવાનો?

બાથી પણ હવે બાપુજીનુ દુ:ખ જોવાતુ નથી  આ પીડા, આ કષ્ટ સહેવાતા નથી.  એ એના લાલજીના ફોટા સામે બેસી બબડ્યા કરે છે -“શું આવા સારા માણસની તને જરૂર નથી?”.  નિરંતર ઈશ્વરને પ્રાર્થના કરતી રહે છે કે બસ થયુ!  હવે તુ એમને બોલાવી લે!  સ્તવનને થાય ઈશ્વર ના બોલાવે તો  ઈશ્વરને ત્યાં જલ્દી જવામા આધુનિક વૈજ્ઞાનિક જગતની સગવડો તેમ જ એના કર્તા હર્તા મદદ ના કરી શકે?  ‘ડોક્ટર આસિસ્ટેડ સુસાઈડ – યૂથનેઝિઆ’ જેવુ કાંઈ ના થઈ શકે?

યુ.એસ.એ.ના ડોક્ટર જેક કેવોર્કિઅન, જે યૂથનેઝિઆ એક્ટીવિસ્ટ હતા અને જેમણે જાહેરમાં ટર્મીનલી ઇલ દર્દીઓને મરવા માટે મદદ કરી, વર્ષો જેલ ભોગવી હતી.  તેઓ માનતા કે જીવલેણ, અસાધ્ય રોગથી પીડાતા માનવી માટે મરવું એ ગુનો નથી અને એમને ડેથ વિથ ડિગ્નિટિ બક્ષવી એ એક ડોક્ટરની ફરજ છે.  પરંતુ ધર્મના ધૂરંધરો તેમ જ સમાજનો એક મોટો ભાગ એમની આ વાત સાથે સહમત નથી.  પશ્ચીમના કેટલાક દેશોમાં, જ્યાં હેલ્થ કેરનો બોજ ગવર્મેન્ટ ઉપાડી રહી છે એ આ રીતે ઓછો પણ થઈ શકે.

આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં પણ ઇચ્છા પ્રમાણે દેહત્યાગ કર્યાના ઉલ્લેખો જોવા મળે છે.  તત્ત્વજ્ઞાનીની દષ્ટિએ વિવેક બુદ્ધિથી જોતાં, આત્યંતિક દુ:ખથી છુટકારો એ જ શું મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ ના હોવો જોઈએ?!   પ્રશ્નો અનેક છે પણ ઉત્તર નથી.

કિશોર પટેલ

એનો ક્યો મુકામ હશે કંઇ ખબર નથી
રઝળ્યા કરે છે આખી વસાહત વિચારની  

રમેશ પારેખ

 

Posted by: Shabdsetu | જૂન 4, 2011

જય હો સેલફોન

જય હો સેલફોન

લટકતા ચાવીના ઝુમખાંને ખીંટી ઉપરથી લઇ બારણા તરફ જતો હતો ત્યાંજ કિચનમાંથી અવાજ આવ્યો “સાંભળો છો?  પાછા વળતાં દૂધ લેતા આવજો. અને હા, તમારા સેલફોનને સાથે લઇ જવાનું ભૂલશો નહીં.”

મેં બધાં ખિસ્સાં ફંફોસ્યા. આમ તેમ નજર ફેરવી પણ સેલફોન મળ્યો નહીં.  હું ચાવીના ઝુમખાંને જોઈને સ્વગત બબડયો “આ નાનો  સરખો ઝુમખાંનો અવાજ કિચનમાં ચાલતા એગ્ઝોસ્ટ ફેનનો ઘોંઘાટિયા અવાજમાં સંભળાય ખરો? વાહ રે કુદરત! કેવા આપ્યા છે તેં એને ચામાચીડિયા જેવા કાન!”

મેં સેલફોન શોધવા માટે ફેમિલી રૂમમાં જઇ કોર્ડલેસ ફોન ઊંચક્યો.  ડાયલ કરું તે પહેલાં જ શ્રીમતીજી જોરથી ખિજાઈને બોલ્યા, “આ કોર્ડલેસ ફોન લઈને ક્યાં રખડવા જવાના? હું તો સેલફોન, તમારા સેલફોનને સાથે લઇ જવાનું કહું છું, કોર્ડલેસ ફોન નહીં. હાય હાય હાય હાય તોબા!”  આપણાં જમાનાની દેવીઓ રજ નુ ગજ કરી પતિદેવોને તતડાવવામાં ખૂબ મજા માણે અને એમાં ય પતિદેવ ફિલ્મી ઓમપ્રકાશની જેમ જો ગભરાતા ફરે તો જરૂર એમનો આનંદ બેવડાય.

મેં ચૂપચાપ કોર્ડલેસ ફોન ઊંચક્યો.  મારા સેલફોનનો નંબર ડાયલ કર્યો અને સેલફોન શોધી કાઢયો.  બાળકોએ શીખવેલી આ યુકિતનો સફળતાપૂર્વક ઉપયોગ કરવા બદલ પ્રશંસા થશે એવું વિચારતો હતો ત્યાં જ મારા કાન પર શબ્દો અથડાયા “સેલફોન કયાં મૂકો છો ભૂલકણાના સરદાર? હંમેશાં ભૂલી જાઓ છો. સારું છે કે હાથપગ શરીર સાથે જોડાયેલા છે નહીંતર તે પણ કોઇ જગ્યાએ ભૂલીને આવ્યા હોત.  હવે જયાં રખડવા જતા હો ત્યાં જાઓ, પાછા વળતાં દૂધ લાવવાનું ભૂલશો નહીં.”

જયારે સેલફોન મળે નહી ત્યારે અચૂક આવા શબ્દપ્રહાર થાય, પણ સાચુ કહું, સેલફોન મને મારા બાળકોની જેમ અતિશય પ્રિય છે.  જયારથી સેલફોનની શોધ થઇ છે ત્યારથી પૃથ્વી ઉપર જયજયકાર થઇ ગયો છે.  પહેલાં ડાયલફોન આવ્યો, પછી કોર્ડલેસફોન અને હાલ  સેલફોન કે જે “સેલ”ના હુલામણાં નામથી ઓળખાય છે.  હવે તો ઘરના ખૂણામાં ધૂળ ખાતો ડાયલફોન એક જાડી, કાળી બિલાડી જેવો બિહામણો લાગે છે.

મારો સેલફોન ઘણો જુનો છે. મને હજી પૂરેપૂરો વાપરતા આવડતું નથી.  બાળકો એક દિવસ શિખવાડવાના છે પરંતુ અત્યારે સમય નથી એમ કહીને હંમેશા ટાળતા રહે છે અને એટલે જ હું નવો સોફિસ્ટિકેઇટેડ ફોન લેવાનું ટાળુ છું.  શરૂઆતમાં તો હું શૂન્યથી નવ સુધીના દશ નંબરો ડાયલ કરવા માટે જુદી જુદી દશે દશ આંગળીઓનો ઉપયોગ કરતો.  જયારે પણ ફોનની ઘંટડી રણકે ત્યારે હું હાંફળો હાંફળો થઇ જાઉં છું અને ઘણી વાર ઉતાવળમાં ભળતું જ બટન દબાવી દઉં છું.  મેં સેલફોનની સાથે બ્લ્યુ ટૂથ પણ લઈ લીધુ છે એટલે કાર ચલાવતાં ગૉસિપ કરવાની મજા પડે છે. પહેલા ગૉસિપ કરવી એ મારો જન્મસિદ્ધ અધિકાર હતો જે સેલ વસાવ્યા બાદ પરમ ધર્મ થઈ ગયો છે.  સેલ ઉપર વાત કરતી વેળા દૂર જઈ આરામથી અસત્ય બોલી શકાય, અમથું અમથું હસી શકાય, અરે! ગંભીર થઈને આપણી વાક્છટા પણ આજુબાજુના લોકોને બતાવી શકાય.

આજે સેલની બોલબાલા છે. દુનિયાનાં દરેક ખૂણામાં એ ઘૂસી ગયો છે. આજ કાલ ઘણાં ગામડાંઓમાં ગામ દીઠ માત્ર બારેક જેટલા જ કાગડાઓ નજરે ચડે છે જ્યારે બારસો જેટલા મોબાઇલ મળે છે.  મરણપ્રસંગે સતત બાર દિવસ સુધી ‘કા’ ‘કા’ કરતા કાગડાના અવાજથી પણ વધુ મોબાઇલની ઘંટડીના રણકાર સાંભળવા મળે છે.  જયાં જુઓ ત્યાં એક હાથ કાન પર જ ચોંટેલો હોય! ભવિષ્યની પેઢી એક હાથ કાન પર ચોંટેલો લઈને જન્મે તો નવાઈ નહીં.

સેલફોને માનવી પર ગજબનો કબજો કરી લીધો છે. જો કોઇને નિરાંત હોય તો તે માત્ર હનીમૂન પર ગયેલા બે યુવાન હૈયાને. કારણ મૂન ઉપર ગયેલા કોઈ પણ હની પાસે સેલફોનનું કનેક્શન હોતું નથી.  આજે મોટે ભાગે ભા ભા ભા અર્થાત્ ભારતથી ભાગેલા ભારતીયો પાસે સેલ હોય છે અને એજ ભા ભા ભા જયારે સ્વદેશ જાય ત્યારે કહેવાતા એન આર આઈ અર્થાત્ નવરા રખડતા ઈન્ડિયન્સ થઈને દેશ પહોંચતા પહેલા જ મોબાઈલની વ્યવસ્થા કરતા હોય છે.  ગામડાંઓમાં ઘણી વાર નબળા રિસેપ્શન ને કારણે ઘરની બહાર કે છત પર જઇ વાતચીત કરવી પડે છે જયારે શહેરોમાં ઘોંઘાટને કારણે બીજા કાન પર હથેળી દબાવીને જોર જોરથી બરાડા પાડી વાત કરવી પડે છે.

દેશમાં નામ છે મોબાઈલ અને પરદેશમાં સેલ. પૂર્વમાં લાંબા લાંબા નામોથી માણસની ઓળખાણ આપવામાં આવે છે જ્યારે પશ્ચિમમાં બોલતા ફાવે એવા ટૂંકાટચ નામથી.  વસ્તુ એક જ છે પણ નામ જુદા, જેમકે દેશમાં નામ બલ્લુભાઈ હોય પણ પરદેશમાં બીલથી ઓળખાય, મણીબેનનું થઈ જાય મોનિકા.  બન્ને જગ્યા પર અંદર વાગતી ઘંટડીનો રણકાર એકસરખો અને અંદરથી ઊઠતા વાઈબ્રેશન પણ એકસરખા. આજે સેલ એટલો બધો સગવડિયો થઈ ગયો છે કે લોહીના સગાં કરતાં પણ વધુ વહાલો લાગે છે. દુનિયામાં ગમે ત્યાંથી સગાંવહાલાં સાથે સુખદુ:ખની વાતો કરી શકાય. કોઈકવાર તો વાતમાં ને વાતમાં લાત મારવાની વાત પણ ચાલે. વાયરલેસ વાત ને લેગ લેસ લાત.

આમ તો હું ઘણો કંજૂસ છું. મારો સેલ બાવા આદમના જમાનાનો અને તે પણ એક કલાક ડ્રાઇવ કરીને દશ ટકા ડિસ્કાઉન્ટના ભાવે ખરીદેલો.  હું હંમેશા ડિસ્કાઉન્ટ મળતું હોય ત્યાંથી ખરીદી કરું છું, એટલી હદ સુધી કે જીવનસાથીની પસંદગી કરતી વેળા મે દસમાંથી જે વધુમાં વધુ મંદ બુદ્ધિવાળી હતી તેના ઉપર પસંદગી ઉતારેલી, જેથી મને પોતાને ત્રીસેક ટકા ડિસ્કાઉન્ટ મળ્યાનો સંતોષ થાય.  પરંતુ મિત્રના સમયસર સેલફોને મને વાકેફ કરેલો કે મારી પસંદગીની એ છોકરી તો પૈસાની ઉડાઉ છે. હું કંજૂસ આબાદ બચી ગયેલો.  બાકીના નવ ઉમેદવારોમાંથી આ એક, જેના અનેક સેલફોન આવેલા.  પ્રથમ સેલફોનથી જ હું શરમનો માર્યો લાલપીળો થઇ ગયેલો અને પછી ઉપરા ઉપરી સેલફોનથી આખો પીગળી ગયેલો.  ત્યાર બાદ અમે પતિ-પત્નિ કહેવાયેલા. આ ઘટનાથી હું સેલફોનને દેવીની જેમ પૂજુ છું.  જોકે લગ્નનાં થોડાં વર્ષો પછી મને એક છૂપા રહસ્યની જાણ થયેલી કે મારી પત્ની પણ મારી જેમ ત્રીસેક ટકા ડિસ્કાઉન્ટ વાળા જીવન સાથીની પસંદગી કરવામાં માનતી હતી.

સેલ ખૂબજ  ઉપયોગી અને ફાયદાકારક છે.  સલામતી અને માહિતીની આપલે કરવા માટે ઉત્તમ છે. કેમેરા કે મુવી કેમેરાની ગરજ સારે છે.  મ્યુઝિક, યુ ટયૂબ, ફેઈસ બુક જેવી ઈન્ટરનેટ સુવિધા પણ એમાં ઉપલબ્ધ છે.  અને તેમ છતાં એનું કદ હાથની હથેળીમાં બંધ કરી શકાય એટલું ટચૂકડું છે.  એ ટચૂકડો સેલ પ્રિયજનની છબી કેદ કરી શકે છે અને ગુનેગારને પકડાવી કેદી બનાવી શકે છે.  સેલફોનમાં ઘંટડીના ટિળીંગ ટિળીંગ અવાજની જગ્યાએ પર્સનલાઇઝડ રેકોર્ડિંગ કરવાની સુવિધા પણ હોય છે. જેવી કે ફિલ્મી ગીતો, ફિલ્મી ડાયાલોગ, સંગીત, આરતી, રાષ્ટ્રગીત, પ્રાણીઓનો અવાજ , વિગેરે, વિગેરે.

“ટિળીંગ ટિળીંગ, ટિળીંગ ટિળીંગ, ટિળીંગ ટિળીંગ, ટિળીંગ ટિળીંગ”, એક મિનિટ, હું જરા જોઈ લઉં. અરે! આ તો મારી ઘરવાળીનો ફોન, જવા દો એને મેસેજમાં. હા, તો હું શું કહેતો હતો? યાદ નથી આવતું. તમે જોયુંને, આ ઘરવાળીનો ફોન આવે ને બધુ ભૂલી જવાય. પણ હું એનો મેસેજ ચેક કરી લઉં.

“આ ફોન ઉપાડતા શું થાય છે? તાવ આવે છે? કોઈનો ઇમ્પૉર્ટન્ટ કોલ હોય તો? ઇમર્જન્સી આવી હોય તો? ફોન ઉપાડોને? કેટલી વાર લાગે છે ? ક્યાં મૂકી દીધો છે? પિક અપ ધ ફોન, યુ ઍબ્સન્ટ માઇન્ડેડ, કમ ઓન, પીક અપ ધ ફોન, ઇટ ઇઝ વેરી ઇન્પોર્ટન્ટ કોલ. એની વે, આપણા ઘરની પાસે જે શોપર્સ ડ્રગ માર્ટ છે ને ત્યાં દૂધ સેલ ઉપર છે, ટુ નાઈન્ટી નાઈને. ચાર બેગ લાવવાનું ભૂલતા નહીં, શું સમજ્યા? યાદ રહેશેને?”

જય હો, જય હો સેલફોન!

મનુ ગિજુ


મેરે પિયા ગયે રંગૂન, કિયા હૈ વહાંસે ટેલીફૂન
તુમ્હારી યાદ સતાતી હૈ, જીયામેં આગ લગાતી હૈ

રાજેન્દ્ર ક્રિશન

માઇનસ ૧૬ ડિગ્રી  સેન્ટિગ્રેડ

આ  કેવી સુંદર જેલ છે, જેમાં સળિયા નથી.
સેન્ટ્રલ હિટીંગ છે, પણ તાજી હવા નથી.

બહાર વૃક્ષો દેખાય છે, ઉપર એક પણ પાંદડું  નથી.
કુદરતે સફેદ ચાદર પાથરી છે, બીજો કોઈ રંગ પણ નથી.

રસ્તા પર માણસો જોવા છે, પણ બહાર ચકલુંય નથી.
નાહીને તૈયાર થવું છે, પણ નહાવાનું મન નથી

પેરોલ પર ફરવા નીકળવું છે, પણ નીકળાતું નથી.
એકસ્ટ્રીમ  કોલ્ડ એલર્ટ  છે, જવાય તેમ પણ નથી.

આખો  દિવસ  ટીવી સામે બેસું છું, પણ મજા નથી.
સરાઊંડ સાઊન્ડ છે,  પણ પંખીઓના કલરવ નથી.

આ વેધરમાં જામ છલકાવા માટે  પણ કોઈ કંપની નથી.
ગોદડા ઘરણ  સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

શૂન્યમાંથી સર્જન કરવા ‘મુસાફિર’ ને કવિતા લખવી  છે.
કાગળ છે, પણ અસહ્ય ઠંડીમાં કલમ પકડાતી  નથી.

નિધીશ  દલાલ ‘મુસાફિર’

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

 મનોજ ખંડેરિયા

Posted by: Shabdsetu | મે 4, 2011

કોઈ આવે તો… યાદ છે

છેલ્લા પંદર વર્ષોમાં શબ્દસેતુ” એ દેશ વિદેશથી મહેમાન કલાકારોને આમંત્રિને પાંચ થી છ વખત ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમો દરમ્યાન “શબ્દસેતુ”ના સભ્યોએ યાદગીરી માટે વીડિઓ ઉતારેલ છે.

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.

આમંત્રિત કલાકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

અહમદ યુસુફ લુણાત.  ‘ગુલ’ એ એમનું ઉપનામ (તખલ્લુસ) છે. બહુ જ સૌમ્ય વાણી વાળા ‘ગુલ’ સાહેબ બેટલી, યુ. કે. ના એક જાણીતા અને માનિતા શાયર છે.

એમણે પંદર વર્ષની ઉમ્મરે સાહિત્ય સર્જનની શરૂઆત કરી હતી. આટલી નાની  ઉમ્મરે એમની કવિતા અને ટૂંકી વાર્તાઓ ગુજરાતી સામાયિકોમાં છપાતી હતી.

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થઈ ૧૯૬૩માં તેઓ યુ. કે. આવ્યા.  અહીં આવી ગુજરાતી સાહિત્ય-સર્જનની પ્રવ્રુત્તિને આગળ ધપાવવા એમણે બેટલી (બાટલી) માં ‘ગુજરાતી રાઇટર્સ ક્લબ’ ની સ્થાપના કરી.

ત્યાર બાદ  યુ. કે. ની વિવિધ રાજ્કીય, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓમાં સેવા આપી એક ઉચ્ચ નાગરિક તરીકેની પ્રતીતિ કરાવી.  આ સર્વાંગી સેવાની કદર રૂપે યુ. કે. સરકાર તરફથી તેમણે ૧૯૯૯માં ઑફિસર ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (ઓ.બી.ઈ) નો માનપ્રદ ખિતાબ મેળવ્યો.  અત્યાર સુધીમા એમના પાંચ ગઝલ સંગ્રહો પ્રકાશિત થયા છે,

કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા

રવિવાર તારીખ ૮ મે ૨૦૧૧ ના રોજ “મધર્સ ડે” આવી રહ્યો છે, તો ચાલો સાંભળીએ માના ઝુરાપાની વાત, કદી ના ભૂલાય એવી યાદ ‘ગુલ’ સાહેબના હોઠે.

 અહમદ ‘ગુલ’ના સ્વમુખે એમની રચના તેમજ ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.           
કોઈ આવે તો… યાદ છે – કાવ્યપઠન

કોઈ આવે તો

મા…..
હવે જો કોઇ
દેશથી આવે તો
મોકલાવજે,
પરોઢિયે ઊઠી
ઘંટીના મધુર તાલ પર
તુજ હસ્તથી
દળેલો મીઠો લોટ
ત્યાં સુધી બ્રેડના ડૂચા
ગળે ઉતારતો રહીશ હું

ને
તુજ હાથથી
કૂવે જઈ ધોએલાં
મારા લૂગડાનું પોટલું
મોકલાવજે
ત્યાં સુધી લોન્ડ્રીના
ધોએલાં કપડાં
મુજ શરીર પર
ટીંગાડતો રહીશ

ને
મા
મોકલાવજે
તારા ખોળાની
હૂંફ
ત્યાં સુધી હીટરના તાપમાં
બાળતો રહીશ
શરીર મારું

જો
મા
કોઈ આવે તો…

યાદ છે

કોઇ પાસેથી ગયાનું યાદ છે
ને સજળ આંખો થયાનું યાદ છે

અવસરોના તોરણોને શું કરું
મંડપો સળગી ગયાનું યાદ છે

તું ય તારું નામ બદલીને આવજે
હું મને ભૂલી ગયાનું યાદ છે

આંસુઓ મારા હશે નક્કી જલદ
પાલવો સળગી ગયાનું યાદ છે

નામ એનું હોઠ પર રમતું રહ્યું
ને ગઝલ પૂરી થયાનું યાદ છે

ગુલ પછી હું ત્યાં કદી ન જઇ શક્યો
હર જખમ તાજા થયાનું યાદ છે

દાસ્તાને ‘ગુલ’ હો યા મહકતે ચમન કી બાત
એક પીસ જાતા હૈ ઔર એક કો ઉજડના હૈ
ફીર ભી દામન ખુશ્બુકા ભરતે હૈં દોનો સાથ
જાનતે હૈં યે દોનો એક દિન બિછડના હૈ

મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

Posted by: Shabdsetu | એપ્રિલ 20, 2011

હું કોઈ કવિ કે લેખક નથી

હું કોઈ કવિ કે લેખક નથી

હું કોઈ કવિ કે લેખક નથી
લેખન તો મારો વ્યવસાય છે માત્ર
હું શબ્દોનો સ્વામી, શબ્દો રમાડી ને વેચી જાણું
પેટ પકડીને હસાવી જાણું, દરિયો ભરીને રડાવી જાણું
કોઈની આસ છુપાવી જાણું તો કોઈની ટૂંપાવી પણ જાણું

કલાના બીજા ફલકમાં નટ નટીઓ
અગણિત મહોરાંઓ પહેરી કલાનો વેપાર જ કરે છે ને?
મનમાં આનંદના ઓઘ તોયે રૂદાલી રડાવી શકે
ખોબે આંસુએ રડતું મન તો યે નટ હસાવી શકે
જેટલાં વધારે મહોરાં, એટલો મોટો કલાવંત.

હું તો સુખી જીવ, ભગ્નહ્રદયી ગઝલો લલકારું
સચ્ચાઈનો ઇજારદાર નથી એટલે ખરું ખોટું પણ લખું
વાપરી જાણું, વેચી જાણું, નાણી જાણું, નાણામાં જોખી જાણું
મૌલિક, ચતુરાઈથી ચોરેલા કે રદ્દી શબ્દો, ગદ્યના કે પદ્યના, જથ્થાબંધ વેચું
કારણકે કે હું કોઈ કવિ કે લેખક નથી, શબ્દોનો વેપારી છું, ફ્ક્ત વેપારી જ.

શાંતિલાલ ધનિક

વિવેચક તો નાહક ગમે તે કહે,
અહીં તો અમે જે લખ્યું તે ખરું

ખલીલ ધનતેજવી

Posted by: Shabdsetu | એપ્રિલ 5, 2011

એ તો હું શાંતિ

એ તો હું શાંતિ

 

“ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણા”.  દૈનિક પેપરના આ મુખ્ય સમાચારે મારુ ધ્યાન ખેચ્યું અને એમાં પણ “શાંતિ” શબ્દએ સવારથી જ મને વિચારતો કરી દીધો.  આપણે ત્યાં જેમ જૂના રાજકારણીઓના નામ હજી પણ છવાયેલા રહે છે એ રીતે “શાંતિ” શબ્દ આપણા સહુના જીવનમાં વણાયેલો છે.  આ “શાંતિ” શબ્દની જાહોજલાલી નિરપવાદ, વિશ્વવ્યાપક છે અને ભારતમાં તો ખરેખર અજોડ છે.  આપણે ત્યાં  ભાગ્યેજ કોઈક એવી  વ્યક્તિ હશે કે જેને પારિવારિક સંબંધોના સંબોધનમાં, દિવસમાં એક બે વાર આ  શબ્દ બોલવો કે સાંભળવો ન પડ્યો હોય!  આપણા દેશમાં ભાગ્યેજ  કોઈક ગામડું એવું હશે કે જ્યાં આઠ દસ  શાંતિ રહેતી ન હોય!  જો કે એમાંથી નામથી વિપરીત કેટલીક શાંતિ, અશાંતિ પણ ફેલાવતી હોય, એ શક્ય છે પરંતુ એમાં વાંક ફોઈબાનો છે.

આપણા બા બાપુજીના જમાનામાં ફોઈબા આ “શાંતિ” શબ્દનુ મહત્ત્વ જાણતા અને તેમના જન્મસિધ્ધ અધિકારનો ઉપયોગ કરી તે સમયની સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં શાંતિ જળવાઈ રહે તેની ખાસ કાળજી  રાખતા.  પરંતુ જ્યારથી મમ્મી પપ્પા કે મોમ ડેડના દિવસો શરુ થયા ત્યારથી નામ પાડવાનો આ અધિકાર ઘણાં ઘરોમાં ફોઈબા પાસેથી છીનવાઈ ગયો અને તેની સીધી અસર થઈ ”શાંતિ”ની બાદબાકી.  મોર્ડન જમાનાના મોમ ડેડ પરણ્યા બાદ થોડા વર્ષો પછી જ્યારે ફેમિલી પ્લાનીગનો વિચાર કરે ત્યારે પ્રથમ બાળકનું નામ શું રાખીશુ એની ખાસ ચર્ચા કરે છે અને અલ્ટ્રામોર્ડન, યૂનિક નામ રાખીને આનંદ અને ગર્વ અનુભવે છે.   શાંતિ જેવો શબ્દ તેમને જુનવાણી અને ચવાઈ ગયેલો લાગે છે.  વળી તેમની ડે ટુ ડે વ્યસ્ત જીંદગીને અનુરૂપ આ શબ્દ ન લાગતા તેને આઊટ ડેટેડ ગણી તિલાંજલિ આપે છે જેનું સીધું પરિણામ આવે છે શાંતિ ની અછત .

ગયા અઠવાડિયે  હું જીવણદાદાને દેશ વિદેશના સમાચાર વાંચી સંભળાવતો હતો.  તેમાં “શાંતિ માટેનું નોબેલ પારિતોષક અમેરિકાના પ્રમુખ શ્રી ઓબામાને મળ્યુ”  એ સમાચાર સાંભળી જીવણદાદા એકદમ દયામણો ચહેરો કરી બોલ્યા, “શું  આપણે ત્યાં હવે કોઈ શાંતિ જ  નથી રહી કે શાંતિના નામનું ઇનામ છેક અમેરિકાના ઓબામાને  આપવું પડે?”.  દાદા નિસાસો  નાખતા આગળ  બોલ્યા, “ભાઈ, તમે બધા ભણેલા ગણેલાઓ આ  નવા નવા નામ પાડવા લાગ્યા તેમાં આપણે ત્યાં કોઈ શાંતિ નહી રહી તે જોયું ને, એટલે છેવટે ઓબામાને ઇનામ આપવુ પડ્યું.  શું થશે આપણા દેશનું?”.

એંસી વરસના જીવણદાદા ખેડૂત.  જિજ્ઞાસુ વૃત્તિવાળા એટલે અમારા જેવા પાસે નવી દુનિયા વિશે જાણકારી મેળવે અને તેમના જીવનના જુના દિવસો સાથે સરખામણી કરે.  જીવણદાદાને આ શાંતિ માટેના નોબેલ પારિતોષક વિશે  સમજાવવા મેં કલાક બગાડ્યો ત્યારે તેમને સંતોષ થયો.  પછી અમે ‘શાંતિ’ શબ્દ વિશે ઘણી વાતો કરી .

જીવણદાદાએ  મને રામુકાકા કે જેઓ હાલ કેનેડામાં સ્થાઈ થયેલ છે તેમની વાત કરી.  દાદા કહેવા લાગ્યા “અમારો રામુ બહુ જ  મજાકિયો, સદા હસતો રહે અને અમને બધાને  હસાવતો રહે”.  જયારે એને પૂછીએ, “કેમ છે  રામુ?” એટલે એ જવાબ  આપે “શાંતિ.  તમારે કેમ છે?” પછી તરત જ  આગળ બોલે “સાંભળો  કાકા, મારી બા, ફોઈબા, કાકી, માસી, મામી, પિત્રાઈ બેન અને ઘરે  કામવાળી પણ  શાંતિ જ.  સાચું  કહું તો હું શાંતિ થી જ ઘેરાયેલો રહું છું”. રામુ પાસેથી આ એકની એક વાત જીવણ દાદાએ  કેટલીએ વાર સાંભળી હશે પણ કોણ જાણે કેમ, એમના મનમાં વિચાર આવ્યા કરે કે આ  તેના સાચા દિલની વાત હશે?   આપણે એને ગમ્મત  ગણીએ  પરંતુ રામુનું  નિજાનંદી  જીવન જોઈને દરેક વખતે સંભળાતી, આ એકની એક વાત જીવણદાદાને તથ્ય વાળી લાગતી.

પછી તો રામુ બાજુના ગામના  કેનેડા ગયેલ પરિવારની ‘ડોલી’  નામની છોકરી સાથે લગ્ન કરીને પંદર સત્તર વર્ષ પહેલા કેનેડા ગયેલો.  ગયા વર્ષે જ એ એના કુટુંબીજનોને મળવા સહપરિવાર એક મહિના માટે આવેલો.  એક દિવસ એ જીવણદાદાને મળવા ગયો.  સાથે બેસી વાતો કરી, ચા નાસ્તો કર્યો, પરંતુ રામુનો પહેલા જેવો મજાકિયો સ્વભાવ ન અનુભવતા જીવણદાદાએ  એને પૂછ્યું, “ત્યાં  કેનેડામાં કેમ છે રામુ? બરાબર છે ને?”  રામુને જુના દિવસો યાદ આવી ગયા હશે કે કેમ?  તે મોં ઉપર બનાવટી હાસ્ય લાવી બોલ્યો, “જીવણકાકા, અહી ઇન્ડીયામાં હું ઘણી બધી શાંતિથી ઘેરાયેલો  રહેતો હતો, પણ કેનેડાની લાલચે, મેં શાંતિને બદલે ડોલીને પકડીને વાઈફ બનાવી ત્યારથી લાઈફ્માં અશાંતિ આવી ગઈ.  જીવન શાંતિ વગરનું થઇ ગયું, પરંતુ ચાલો, એ તો ચાલ્યા કરે.  ત્યાંની બીઝી  લાઇફમાં વિચાર કરવા માટે સમય જ ક્યાં છે?  હા, ઇન્ડિયાથી કોઈ સંત, મહાત્મા કે બાપુ આવે અને વિકએન્ડમાં  એમની કથા સાંભળવા જઈએ ત્યારે છૂટથી થતા શાંતિ શબ્દના ઉપયોગને સાંભળીને મન મનાવીએ”.

જીવણદાદાની વાત સાંભળ્યા પછી એવું જરૂર લાગે કે સમય પ્રમાણે જગત સાથે કદમ મિલાવવા, માણસ શાંતિ વગર પણ જીવનમાં સમાધાન કરી જીવતા શીખી જતો હશે. કદાચ, એને જ આપણે પ્રગતી કે વિકાસ  કહેતા હોઈશું!

ઘણા સમય પછી ગયા રવિવારે અમે ત્રણ મિત્રો ભીખાકાકાને મળવા ગયા.  ભીખાકાકા બહુ ભલા માણસ. ગામ આખા ને મદદ કરે. કોઈ અર્ધી રાતે ઉઠાડે તો પણ હસતા ચહેરે ઉભા થઈ કામ કરવા તેયાર.  અમે એમને ઘરે પહોંચ્યા ત્યારે ભીખાકાકા હીચકા ઉપર બેસી પેપર વાંચતા હતા.  પ્રવીણભાઈએ  ભીખાકાકાને પૂછ્યું,”કાકા તમારા જેવા મહેનતુ માણસ, ખેતીની થોડી આવકમાં પણ કેટલી મઝાથી જીવે છે.  અમે ભણી ગણી, સારી નોકરી મેળવી ઘણું કમાઈએ, પણ હંમેશા ટેન્શનમાં જ હોઈએ. તમારા જેવા વડીલને મળીએ એટલે અમારો અઠવાડિયાનો થાક ઉતરી જતો હોય એવું અનુભવીએ. આની પાછળનું રહસ્ય શું?”

ભીખાકાકા કાંઈ પણ બોલ્યા વગર અમારી સામે જોઈને શાંત ચહેરે માર્મિક સ્મિત છલકાવતા મલકી રહ્યા ત્યારે મને એમની બાજુમાં કોઈ બેઠેલું અને બોલતું હોય એવો ભાસ થયો. મેં એ આભાસી શબ્દો  સાંભળ્યા હોય એવું અનુભવ્યું. એ શબ્દો હતા, “એ તો હું શાંતિ”.  હું તો આ જોઈને અવાક થઈ ગયો.  આંખો ફાડીને જોતો જ રહ્યો.  હથેળીથી માથામાં બે ત્રણ ટપલી મારી.  જોરથી માથુ ધૂંણાવ્યું. માનવામા ન આવે એવું ઘટી રહ્યુ હતું.  બે દિવસ પહેલા “લગે રહો મુન્નાભાઈ” ફિલ્મ જોઈ હતી એટલે જ્યારે મારી સાથે આવું બન્યું ત્યારે મને ખાતરી થઈ કે આ સત્ય ઘટના જ હોઈ શકે.

પછી મેં જીવણદાદા સાથે શાંતિ વિશે થયેલ વાત કરી.  વ્યવસાયે શિક્ષક એવા મનોજભાઈએ  કહ્યું  કે આજનો માણસ મનની શાંતિ મેળવવા ઘણા જ પ્રયત્નો  કરે છે. આજે યોગ, પ્રાણાયામ, ધ્યાનની શિબિરો, સંત મહાત્માઓની કથા જેવી ઘણી પ્રવૃતિઓ જોર શોરથી ચાલે છે.  શું આ પ્રવૃતિમાં ભાગ લેનાર માણસ શાંતિ મેળવી શકતો હશે?

થોડા સમય પછી ભીખાકાકા બોલ્યા, ”ભાઈ, તમે ભણેલા ગણેલા લોકો થોથા ઉથલાવીને, મોટી મોટી વાતો કરો અને શાંતિ અંગે ઘણું વિચારો છો, પણ અમારા જમાનામાં એવો સમય જ ક્યાં હતો. સવારથી સાંઝ સુધી કામ.  રાત્રે પ્રભુનુ નામ લેતા સુઈ જવાનુ અને સવારે પ્રભુનુ નામ લઈને ઉઠવાનુ.  મોટા ભાગના લોકોની જીવનપદ્ધતિ  સીધી સાદી.  માણસો સંતોષી પણ ખરા. જીવને હંમેશા શાંતિ.  અમે લોકો શાંતિ બોલીને કે સાંભળીને સદા તેને યાદ રાખવા માટે જ તો આ નામ પાડતા. આજે તો છોકરા છોકરીઓના નામની ચોપડીઓ વેચાય છે અને એમાંથી શોધીને નામ પાડવામાં આવે છે”.

બાજુમા બેસેલા મગનકાકા ક્યાંથી ચૂપ રહી શકે?  મગનકાકાને મોટાભાઈ થવાનુ બહુ ગમે.  સલાહ સૂચન આપવામાં એ એકકા અને એમાં પણ જુવાનિયાઓને કાંઈ કહેવાનો મોકો મળે તો ક્યાંથી છૂટે! તરત જ એમણે ડબકો મૂક્યો “આજનો માણસ પહેલા ઉપાધિ  ઉભી કરે અને પછી ટેન્શનમાં જીવે.  પહેલા ભણીને ડીગ્રી મેળવવાની ચિંતા, પછી સારી નોકરી શોધવાની ચિંતા, ત્યાર બાદ નોકરીમાં  સેટ થઈ સારા પૈસા બનાવવાનું  ટેન્શન.  આખી જુવાની અને અર્ધી  જિંદગી વીતી જાય ત્યારે તમને શાંતિ યાદ આવે”.  એમણે આગળ ચલાવ્યુ “ભાઈ, તમે લોકો તો પરણો પણ બહુ મોડા.  અમારા જમાનામાં પચ્ચીસ વર્ષ પછી કોઈ પરણવા તૈયાર થાય તો એને શાંતિ મળે જ નહી.  આજુબાજુ  તો ઘણી બધી હોય પણ એ કોઈની રાહ થોડી જુએ?  અને સારી શાંતિ તો મળવી જ મુશ્કેલ”.

મગનકાકા મણીકાકીને પરણેલા એટલે મેં મજાકમા પૂછ્યું “કાકા, તમારા જમાનામા તો ઘણી બધી શાંતિ હશે, તો તમે કાકીની પસંદગીમાં ‘શાંતિ’ કેમ ન રાખી?  ત્યારે તેમણે ગરીબડાં મોં એ જવાબ આપ્યો “ભાઈ તમારા જેવી જ મારી પણ દશા છે. દુનિયામાં આપણે બીજી શાંતિ કે બીજાની શાંતિ જોઇને જ સંતોષ માનવો રહ્યો”.

મનુભાઈ સામાજિક કાર્યકર્તા, એટલે ભાષણ આપતા હોય એવી લાક્ષણિક છટામાં બોલ્યા “ભાઈઓ, દુઃખી થવાની જરૂર નથી  આજે  શાળા, મહાશાળા, દવાખાના, પુસ્તકાલય કે સરકારી કચેરી, દરેક જગ્યાએ દિવાલ ઉપર શાંતિ જાળવો ના બોર્ડ તો લટકાવેલા જ  હોય છે, હા, એ જુદી વાત છે  કે તેને  જોવાની દરકાર આપણે  કરતા નથી, અને ક્યાંક નજર પડી જાય તો તેની અવગણના કરવાનો અધિકાર પણ છોડતા નથી”.

અંતે  અમે બધા  એક  વાતમાં  સહમત થયા કે શાંતિ જેવl નાના  શબ્દ વિષે  જુદી જુદી રીતે  વિચારીએ  તો આપણું મગજ જરૂર  અશાંત  થઈ જાય અને  જો તેને  વિવેકપૂર્વક અપનાવી લઈએ તો જીવનની અર્ધી  ઉપાધિ ઓછી થઈ જાય.  વડીલોની વાત સાચી લાગે છે.  જો  આપણે સંતોષી જીવન  જીવવાની કોશિશ  કરીએ તો શાંતિને શોધવા જવું ન પડે અને બીજાની શાંતિ જોઇને સંતોષ પણ ન માનવો પડે!.

ઓહ્મ  શાંતિ શાંતિ શાંતિ…    

રાજેષ પટેલ

 

આ ચિત્ત શું કોઈ ચબૂતરો કે વિચારપંખી તણી હારમાળા
આવી ચડે ને કરી કલબલાટ ચણી રહે શેષ રહેલ શાંતિ
ને સ્વસ્થતાની સઘળી મિરાત

હરીન્દ્ર દવે

 

Posted by: Shabdsetu | માર્ચ 23, 2011

જિંદગી મિજાજ બદલે છે

જિંદગી મિજાજ બદલે છે

રોજ એ લિબાસ બદલે છે
જિંદગી મિજાઝ બદલે છે

ફૂલને ખરી જવું પડ્યું
રૂપ આ બહાર બદલે છે

આંખમાં વહે એજ અશ્રુઓ
દિલ કદી વિષાદ બદલે છે

દર્દની ઘણી કથાઓ છે
લાગણી હિજાબ બદલે છે

વારતા ન થૈ શકી પૂરી
નિત નવા  વિચાર બદલે છે

સબક જયાં થયો  જરા પાકો
એ ફરી સવાલ બદલે છે

એક તો હતો ફકત પ્રશ્ન
રોજ એ જવાબ બદલે છે

આ વફા તણી સરકતી કેડી
કદમ ક્યા ધરાર બદલે છે?

મુહમ્મદઅલી ભૈડુ “વફા”

મુહમદઅલી ભૈડુ ના સ્વમુખે આ ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
જિંદગી મિજાઝ બદલે છે – કાવ્યપઠન

તમને સમય નથી અને મારો સમય નથી
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી

બાપુભાઈ ગઢવી

 

 

Posted by: Shabdsetu | માર્ચ 9, 2011

ઋણાનુબંધ

ઋણાનુબંધ

શ્રાવણની કાળી મેઘલી રાતે
ગાંડીતૂર જમનાના જળમાં
છાતી પર પથ્થર મૂકી જનેતાએ પાર કરી દીધો
નિજ નવજાત શિશુને જીવતદાન આપવા જ ને!

અને પારકી થાપણને પોતાની કરી
અદકેરાં લાડકોડથી ફટવી માર્યો
નંદ-જશોદાએ બાલ-કૃષ્ણને એવો
કે માથે લીધું એણે ગોકળિયું ગામ.

ને નટખટ કનૈયાએ ઘેલાં કીધાં
ને નચવ્યાં આસપાસ
રાધા અને ગોપી કેરાં વૃંદ

પણ એ વાતો બધી ભુલાઈ ગઈ!

હવે બન્યા તમે યોગેશ્વર કૃષ્ણ
ને ગીતા પ્રબોધતાં અર્જુન-સખા

પણ તમે ક્યારેક…
ગોકુળ-વૃંદાવનને મારગ ભૂલા પડો તો!
ઓળખી શકો જનેતા દેવકીને?
કે માતા જશોદાને કે સખી રાધાને?
કલ્પી શકો એ સૌના ઉદાસ
વિરહથી ઉઝરડાયેલા ચહેરાને?

એમ તો તમારી અગણિત નામાવલિમાં
તમે કદીક બન્યા વાસુદેવ ને દેવકી-નંદન
તો ક્યારેક નંદ-જશોદાના કુંવર
કે પછી રાધાના કૃષ્ણ
એ ગમે તે હોય તોયે –
તમને પૂર્ણપુરુષ બનાવવામાં
આ સૌનો કેટલો ફાળો છે!
શું તમને એ યાદ છે?

આ બધા પ્રશ્નોના જવાબ મને જડતા નથી
ને હું ખૂબ મૂંઝાઈ મરું છું
કારણ કે – કારણ કે
હું પણ આવી જ એક મા છું!

મધુરી ધનિક

તારા ગયા પછી સહેલ કેટલો અમે
સહરાનો ઉલ્કાપાત, તને શી ખબર પડે?

મનહર તળપદા

Posted by: Shabdsetu | ફેબ્રુવારી 24, 2011

જેની ચા બગડી એની સવાર બગડી

કહેવાય છે : “જેની ચા બગડી એની સવાર બગડી, દાળ બગડી એનો દિવસ બગડ્યો, પાપડ બગડ્યો એનો મહિનો બગડ્યો, અથાણું બગડ્યુ એનુ વરસ બગડ્યુ અને સાસુ બગડી એની જિંદગી બગડી.”

મને બે મુંઝવણો થાય છે. પહેલી એ કે જેની ચા બગડી એની સવાર બગડી તો સાંજ ક્યારે બગડે? બીજી એ કે જેની સાસુ બગડી એની જિંદગી બગડી શા માટે? જેની પત્નિ બગડી કે જેનો પતિ બગડ્યો એની જિંદગી બગડી કેમ નહી?

અહીં ચા, દાળ, પાપડ ને અથાણાની સરખામણી સાસુ જોડે કરવામા આવી છે. કદાચ વર કે કન્યાની સાસુ ચા જેવી મીઠી હોય અથવા દાળ પાપડ ને અથાણા જેવી ખારી, ખાટી ને તીખી હોય શકે. મારી એ બીજી મુંઝવણનો ઉકેલ તો જેની પત્નિ બગડી હોય અથવા જેનો પતિ બગડ્યો હોય તેવા અનુભવી જ આપી શકે. અહીં સાસુ અને જિંદગીની વાત કરી વિષયાન્તર કરવું નથી. પહેલી મૂંઝવણ છે ચાની, માટે ચા વિશે વાત કરવી છે. ચાનો સ્વભાવ છે ઊકળવાનો. ઊકળે પછી રંગ બદલે, ઉભરા મારે અને કડક બને. મારા કાકી મને વારંવાર યાદ આવે. ઊકળી ઊકળીને એવા ઉભરા મારે કે કાકાને તો શું આસપાસ અન્યને પણ દઝાડી નાંખે.

બ્લેક ટી (દૂધ વગરની ચા) ની ગણતરી આયુર્વેદિક દવા તરીકે થાય છે. બ્લેક ટી અને તેમાં દુધ ભેગું થતાં જે ચા બને તે આજે આખી દુનિયામાં પ્રખ્યાત છે. ભારતીય સ્પાઈસીસ નાંખીને તૈયાર થયેલી મસાલા ચા ઠેર ઠેર અને ઘડી ઘડી પીવાય છે. વતનમાં ભિખારી, મજૂર, મિલમાલિક કે ધનવાન લારી આગળ એક સાથે ઉભા રહીને ચાની મઝા માણે છે. લારીવાળી ચાની તપેલી કદાચ રાત્રે એક જ વખત ધોવાતી હશે. મારો એક મિત્ર ચા મફતની હોયતો ચોવીસે કલાક પીવે. પૈસા ચૂકવતી વેળા ખિસ્સામાં હાથ રાખી પાછળ ઉભો રહે. એની જીભ માથી ચાના જેવી મીઠી મીઠી વાણી વહે. એવા મખ્ખીચૂસને અડધો કપ પણ ચાલે. વળી ગુંટડાને સબડકા મારી પીવે અને તપેલી ભરીને મઝા લૂંટે. માખી જો આકસ્મિક ચાના કપમા પડે તો હળવેથી ઉઠાવી કચરાપેટીમાં ફેંકી દે અને ચા પીવાનો કાર્યક્રમ ચાલુ રાખે.

મારા સેંકડો બગાસાની દવા ચા છે. ચા જોઈને મારા બગાસા વરાળ બની જાય છે. મારી પરેશાનીનો ઉપાય પણ ચા. સચીન તેંડુલકરને સેકન્ડ ડાઉન (ચોથા ક્રમે) મોકલે ત્યારે મારી પરેશાની વધી જાય છે. ચા મળે તો પરેશાની ગાયબ. પત્નિ પિયર ગઈ હોય ને પૂર્વ નિર્ધારિત દિવસ કરતાં વહેલી પરત થાય તો હું અપસેટ થઈ જાઉં છુ. પરંતુ પિયરથી આવેલા બ્રાન્ડ ન્યુ ટીસેટમાં ચા મળે એટલે મારો ગુસ્સો છાણના પોદરા જેવો ઠંડોગાર થઈ જાય. કોઈ મને ઇડિયટ કે સ્ટુપિડ કહે તો હું ચલાવી લઉ છું પણ ચા વગર કદી નહી. ગરમી ખૂબ હોય તો પણ મારે ચા જોઈએ જ. ગરમીમાં ગરમ ચા મને ઠંડક આપે. ચા પીતી વેળા મારી ભીતર રાજામહારાજા જેવી બાદશાહી લાગણી ઉભરા મારે છે. ચાની કુટેવનો મને ગેરલાભ પણ છે. મીઠી મીઠી ચા પી પીને મારા દાંતો બગડી ગયા છે ને પેઢાં (gum) કહોવાય ગયા છે. ડેન્ટીસ્ટના ખર્ચા અત્યન્ત વધી ગયા છે. એક વાર મારી પત્નિએ ડેન્ટીસ્ટ આગળ રમુજ પણ કરેલી કે એટલા ડોલર્સમાં તો વતનથી સારા દાંતોવાળો બીજો પતિ લાવી શકાય. મારી પાચનશક્તિ નબળી પડી ગઈ છે. પેટમા ખોરાક પડે ને રબરના ફુગ્ગાની જેમ પેટ ફુલે છે. દરેક જમણ બાદ ઉપસેલુ પેટ બંધ થેલીમા લપેટાયલા સુરણના ગાંઠકંદ જેવુ લાગે છે. પરદેશમાં બપોર પછી ચાનું સ્થાન બીયરે લીધું હોય છે. પરિણામે કેટલાકને સાંજના જમણબાદ ઈલાસ્ટિકવાળી જોગિંગ પેન્ટ ચઢાવવી પડે છે.

મારા કાકા ડાયાબિટીશના દરદી પણ મીઠી ચાના બંધાણી. દવાની ટેબલેટ ગળવાની પણ ચા તો ગળી જ પીવાની. એ એમનો સિધ્ધાંત. મરઘો કૂકડે કૂક બોલતાં જ કાકાને ચા જોઈએ. કોઈકવાર તો કાકા બેડરુમમાંથી કૂકડે કૂક…. કૂકડે કૂક નો અવાજ કરી કાકીને ચા બનાવવાનો સંકેત કરે. આ મરઘાકાકાની ચા હંમેશા કાકી જ બનાવે. એકવાર કાકાએ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દુધની જગ્યાએ છાશ નાંખી હતી. ચા બગડી તો બગડી પણ કાકી બગડ્યાં હતાં ને આખી સવાર બગડી હતી. કાકાની એક કુટેવ છે. જો સવારની પહોરમાં ગરમાગરમ ચા ન મળી તો એમની સવાર બગડી. કાકા ડિક્લેર કરે કે કબજિયાત-એટેક માર્યો. હાર્ટ-એટેક માર્યો હોય એવા ચિંતાગ્રસ્ત થઈ જાય. એમની અક્કલ કામ કરતી બંધ પડી જાય. હાંફળાફાફળા થઈ ઘરમાં જ આમતેમ આંટાફેરા મારે. કાકાને કોણ સમજાવે કે ચા નહીં પણ ચામાં રહેલું ગરમ પાણી દબાણ કરે છે. ગરમ પાણીનો ઉપાય કોઈ સમજાવે તોયે એ માને ખરા? એમને તો ઉઠીને તરત ચા પીવી છે. કાકી પણ મસાલેદાર ચાના જબરા શોખીન. પોતાની ચામાં સ્વબનાવટનો મસાલો જ વાપરે. મસાલાની ડબ્બી જીવની જેમ સાચવી પર્સમાં લઈને ફરે. રેસ્ટોરન્ટ કે યજમાનના ઘરની ચામાં પણ પોતાનો સ્પેસિયલ મસાલો નંખાવે ને પેટ ભરીને સંતોષ અનુભવે.

ક્યારેક લોકો ચા પીવડાવી કાકાને બનાવી જાય છે. લગ્ન પહેલાં ચાનું આમંત્રણ આપી કાકી અને એમના મમ્મીએ કાકાને જાળમાં ફસાવ્યા હતા. કાકા કાકીની શરાબી આંખોમાં નહીં પણ સ્વાદિષ્ટ ચામાં ડૂબ્યા હતા. કાકીએ ટીના મુનિમની અદાથી ફિલ્મગીત પણ ગાયું હશે.: “શાયદ મેરી શાદીકા ખયાલ દિલમેં આયા હૈ ઇસી લીયે મમ્મીને મેરી તુમ્હેં ચાય પે બુલાયા હૈ.” સાસરે આવ્યા પછી જેમ નવીસવી કાકીને વારેઘડી પિયર સાંભરતું તેમ કાકાને પેલી ચા સાંભરતી.

અત્યારે કાકા એકલા એકલા કેનેડા ફરવા આવ્યા છે. દરરોજ સવારે આશરે ૬ વાગે ચા પીવે છે. તે સમયે કાકીનો ૩ ઘંટડી વગાડતો વતનથી લોન્ગ ડિસ્ટન્ટ મિસકોલ આવે છે. વતનમાં બપોરના આશરે ૪ વાગે કાકી ચા પીવે છે. દૂર દૂર રહીને પણ કાકા કાકી આ રીતે સંગ સંગ ચા પીવાનો રોમાન્ટિક આનંદ માણે છે. કાકા વતનથી ચણાદાણા કે મીઠાઈ નહીં પણ એક કિલો ચા સાથે લઈ આવ્યા છે. અહીંયા આવીને બે જ દિવસમાં ફરિયાદ કરવા લાગ્યા હતા કે ચાની લારી તો દેખાતી જ નથી. મેં રસ્તાના કોર્નર પરની કોફીશોપ બતાવી કહ્યું હતું: “ત્યાં પેલું …ઘર જેવું દેખાય છે તેમાં ચા મળે. ખાલીકપ કન્ટેનરના નળ નીચે મૂકો એટલે ભરાય જાય.” કાકાના ચહેરા પર અવિસ્મર્ણિય સ્મિત છવાય ગયેલું. મે આગળ કહ્યું હતું: “એક કપના ૫ચાસ સાંઠ રુપિયા થાય.” કિંમત સાંભળી કાકા આખલાની જેમ ભડકેલા. ત્યારથી કાકાએ કોફીશોપ તરફ આંખો ઉઠાવીને જોયું નથી. હવે જ્યારે અમે ટુરિસ્ટ સ્થળો જોવા જઈએ છીએ ત્યારે ભત્રિજી પાસે થર્મોસ ભરીને ચા બનાવડાવી લે છે. તે પણ સ્પેશિયલ આદુવાળી.

અમે સાંજે  જ્યારે સોશિયલ વિઝીટે જઈએ ત્યારે કાકાએ જોયુંકે મહેમાનને બીયર પીવડાવીને યજમાન પોતે ખાનદાની વ્યવહાર કર્યાનો સંતોશ માનતા હોય છે. કાકાની સૌથી વ્હાલી ચા પરંતુ અહિં તો સાંજનો સમય હોય તો બીયરનો આગ્રહ પ્રથમ. માટે રસ્તામાં જ કાકા કહેતા કે યજમાન જો ચાની ઓફર કરે તો ના નહીં પાડવાની. જો બીયરનો આગ્રહ કરે તો કાકાનું મોં પડી જાય. ચા લાવે તો મોં પર રોનક આવી જાય અને પોતાના માટે ખૂબ આદરભાવ છે એવું માને. યજમાનના કુટુમ્બ સાથેનો વર્ષો પુરાણો સંબંધ યાદ કરે. વળી મગ(mug)માં નહીં પણ કપ-પ્લેટમાં પીવડાવે તો ગામડાંનો હેતભર્યો દરિયો પીતા હોય એવી કલ્પના કરે. કાકા બીયર પીવાની અનિચ્છા દર્શાવે ત્યારે યજમાનને આશ્ચર્ય થાય. કાકાના એક ખાદીધારી મિત્ર (વતનમાં) તો વળી સમજાવતા કે પરદેશમાં તો આ સાંજે પિવાતી બીયર સોડા કહેવાય.

કાકા કાલે વતન પરત થવાના છે. પેલી ૧ કિલો ચા પણ ખલાસ થઈ ગઈ છે. એમને ખૂબ ફેરવ્યા. ઘણાં મિત્રો, સગાંવહાલાં, સબંધીઓની મુલાકાત કરી લીધી. લગ્નરિસેપ્સન, છઠ્ઠી, બર્થડે , લગ્ન, લગ્નએનિવર્સરી જેવા પ્રસંગોમાં ગયા. કાકાએ સૌને ખાણીપીણી તથા આનંદપ્રમોદ કરતા જોયા.

આજે અમે ચા પીતા હતા ત્યારે પોતાના પરદેશ પ્રવાસ દરમ્યાન કરેલા નિરીક્ષ્ણનો નિચોડ આપતાં કાકા મને કહે: “અહીંતો સાંજ પડવા માંડે ને બીયર-બોટલના ઢાંકણાં ખૂલવા માંડે. હજારો માઈલની પરદેશ મુસાફરી બાદ જેમ વતનની સાઈકલ વટલાઈને કાર બની ગઈ છે તેમ સાંજે પીવાતી ‘ચા’, વટલાઈને ‘બીયર’ બની ગઈ છે. જેની ચા બગડી એની સવાર બગડી અને જેની બીયર બગડી એની સાંજ બગડી.”

મનુ ગિજુ

 

ચા મળી તો ચાહત જડી
ત્યાં મજાની હાજત મળી

કિશોર નિજાનંદ

 

Posted by: Shabdsetu | જાન્યુઆરી 13, 2011

વળગણ

વળગણ

રાતના બાર વાગવામાં બે મિનિટની વાર અને હું ખોડીબાવાને ટેકરે!

અંધાર ઘોર અમાસી રાત ને એકલી અટૂલી માણસજાત
ભૂતિયો પીપળો ને ધ્રૂજતી અટકળો, ઉપરથી કિકિયારી કરતો વાયરો
પાન ખખડે ને હૈડિયો ગળામાં આવી જાય
ડસુ ડસુ કરતો, લબકારા લેતો, સાપણ જેવો સૂમસામ રસ્તો
ને ડરતો, ફફડતો હનુમાન ચાલીસા બોલતો, ધીરે ધીરે હું આગળ ચાલતો.

ત્યાંજ ઓચિંતો એ જ મારો ઓળો, કાળો પહાડ થઇને મને જ વીંટળાઈ વળ્યો.
માથે સગડી, અવળા પગ, પોલો વાંસો ને હાથમાં ફાંસો
ઊભી રહી ગઈ એ તો હવામાં અધ્ધર
હા..હા..હા..હા..હા…. હસીને બોલી – કેમ છે દોસ્ત, હાથ મિલાવ હાથ!

હું શું કરું?
ઉપર જોઉં તો આકાશ સળગે, નીચે જોઉં તો પાતાળ પીગળે
મારાથી તો ન હલાય કે ન ચલાય,
ગળામાં મણિયાનો ભાર, આંખો ચશ્માની બહાર
કાનમાં ઉતરી ગઈ ઊંડી ટીસ, ને હોઠ પર આવી ગઇ મૂંગી ચીસ
થઇ ગયો હું તો આખે આખો બીકથી લથબથ

હવે શું કરું?
મનમાં રટવા લાગ્યો…હનુમાનદાદા…હનુમાનદાદા…હનુમાનદાદા…
અને મારા સુપરમેને  સંકટ સમયે મને ખરેખર સાથ આપ્યો.

પછી શું, પળ ભરમાં મુઠ્ઠીઓ વળી ગઈ સધ્ધર ને પગ થઈ ગયા અધ્ધર
રેડી, એક બે ને ત્રણ…ને હું ફાસ્ટેસ મેન ઓન ધ રન…
પવન મારી પૂંઠ પાછળ, ને હું આગળ ને આગળ
ક્યારે રસ્તો કપાયો, ને હું ઘરમાં લપાયો, પૂંછ માં.

પહોંચતા જ મેં કીધા બંધ
ધડાધડ બારણાં, ભડાભડ સાંકળ, સટાસટ બારીઓ, ને ફટાફટ કડીઓ

હાશ…જાન છૂટી, ઓ..બજરંગબલી, જય બજરંગબલી,
આજે  ખરેખર મુકાવી તેં મોતની ગલી
આજથી દર શનિવારે ચઢાવીશ, તારા માથે સવા શેર તેલ
અને સોગન તારા રામના, એમાં કદી નહીં થાઉ ફેલ!

પછી થાક ખાવા હું ખાટલે ચડ્યો અને આંખો ભીડી આડો પડ્યો
ત્યાંજ ઓચિંતો હવામાંથી આવીને મારા ગળે એક હાથ પડ્યો.
દાંત માંડ્યા કકડવા, હોઠ માંડ્યા ફફડવા, તન મારું ધ્રુજે ને ઘર આખું ગૂંજે
થઇ ગયો હું તો પૂરેપૂરો ભયથી રેબઝેબ,
ને છેવટે મારો લેંઘો પલળી જ ગયો!

એમ રડ નહીં, મરદ છું ને, તો ગભરાય છે શાનો?—પેલીએ કહયું
સાંભળ, હું તો પૂછીને વળગું, સમજ્યો?
હું છું કવિતાનું ભૂત, ભૂત નહીં, કવિતા સુંદરી, શું કહયું? કવિતા સુંદરી!
જેને વળગું એનો બેડો પાર…

એક વાર તું ને હું એક પથારીએ, પછી જો….
તું ગમના દરિયા પી જઇશ, ને સુખના સાગર ઉલેચીશ
વૈભવના પાથરણાં પાથરીશ, ને કીર્તિના કોટડા ચણીશ
ચાંદ તારા ને સૂરજ ઉગાડીશ, ઝંઝાવાતો ને પ્રપાતો લાવીશ
ને પછી તારી કલમમાં આવશે ઇન્કિલાબ
ને આવશે મરવા માટે જીવતી લાશોમાં ઇન્કિલાબ
દુનિયાના નકશા બદલાઇ જશે ને વિશ્વની કાયા પલટાઇ જશે
એક ઈતિહાસ બનાવીને થઇશ તુ, આવતી કાલનો તારણહાર!

કવિવર, બોલ, હવે હું વળગું તને? ગભરાઇશ નહીં, વિચારીને જવાબ આપ.
હું તો પૂછીને જ વળગુ, સમજ્યો?
અને એ પોરો  ખાવા મારા ખાટલે બેઠી.

હું શું જવાબ આપું?
મારા તો હોશકોશ ઉડી ગયા!
મેં હળવેકથી, બહુ જ ધીમેથી, ગભરાતા ગભરાતા, હિમ્મત ભેગી કરીને કહ્યું-
આ જનમે તો તારી ભાભી વળગી છે, પણ આવતા જનમે જો…
અને ત્યાંજ મારી આંખ ખૂલી ગઈ…….
જોઉં છું, તો પાસમાં પડી છે,
તમારી ભાભી, જોરથી ગળે વળગીને!

કિશોર પટેલ

કિશોર પટેલના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. વળગણ – કાવ્યપઠન

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

અમૃત ‘ઘાયલ’

Posted by: Shabdsetu | ડિસેમ્બર 30, 2010

ગૂઢ રહસ્ય

ગૂઢ રહસ્ય

દશ દિવસથી ઘરમાં કલ્પાંત કરતો મહમદ દશમા દિવસે હિંમત કરી ઘર બહાર નીકળી નમાઝ પઢવા મસ્જિદે ગયો. દસ દિવસ પહેલાં ગુમ થયેલ એની વહાલસોયી દીકરીનો પત્તો લગાડવા, સહાય કરવા માટે અલ્લાહને પ્રાર્થના કરી. નમાઝ પઢી પાછો ફરતો હતો ત્યાં રસ્તામાં કાળકામાનું મંદિર આવ્યું. બહાર એક બોર્ડ હતું, ‘આજની પૂનમના દિવસે જે શ્રધ્ધાથી કાળકામાની પૂજા કરી સંકલ્પ કરે એની મનોકામના પૂર્ણ થાય છે.’

એ પાકો મુસલમાન હતો પણ હિંદુ મંદિરમાં જઈ એણે પ્રાર્થના કરી, “હે મહાકાળી મા, મને મારી દીકરી પાછી મેળવી આપશો તો હું સવાસો રૂપિયાના પેંડા ધરાવીશ અને તમને ચૂંદડી ચઢાવીશ.” સંકલ્પ કરી એ પાછો ફરતો હતો ત્યાં એના કાને શબ્દો પડયા, “હે માડીના ભકત, એકાદ સારું કામ કરીશ તો તારી મનોકામના પૂર્ણ થશે.” એણે ખિસામાંથી પાંચ રૂપિયા કાઢી એની સામે પડેલી ચાદરમાં નાખ્યા.

ઘેર પહોંચી ઉદ્વિગ્ન મને ખાટલામાં આડો પડયો. વિચારે ચઢયો, “મારી પંદર વર્ષની દીકરીને કોણ ઉપાડી ગયું હશે? હે અલ્લાહ, એના વિના હું જીવી નહિ શકું.” અને કલ્પાંત કરવા લાગ્યો. વીશ વર્ષ પહેલાંનો એ દિવસ એને યાદ આવ્યો. ભૂતકાળ યાદ આવતાં એ બબડયો, “મારી દીકરીને કોઈએ એવા નાલાયક એજન્ટ પાસે તો નહિ પહોંચાડી હોય?” એ વિચાર મનમાં ઝબૂકતાં એ ધ્રૂજી ઉઠયો. વધુ વિચાર્યા વિના પહેલી ટ્રેઈન પકડી મુંબઈ પેલા એજન્ટને ઘેર પહોંચી ગયો. એના ઘેર  તાળું  હતું. પૂંઠ ફેરવી તો એક પાડોશીએ કહ્યું, “રાજારામનું કામ છે? એ તમને  ફોકલેન્ડના એમના હડ્ડા પર મળશે.”

એ તરત જ ફોકલેન્ડ પહોંચી ગયો. પાનના એક ગલ્લાવાળાને રાજારામ વિષે પૂછતાં એણે એક વિશાળ કંપાઉન્ડ તરફ આંગળી ચીંધી. કંપાઉન્ડમાં દોડી જઈ અંદરના એક ઘરના બારણે બેલ મારતાં એક ત્રીસેક વર્ષની યુવતીએ દરવાજો ખોલી પૂછયું, “કોનું કામ છે?” સામે મહમદને જોતાં રંભા પળભર તો એને નખશીખ નિરખી રહી. સ્મૃતિપટ પર ઝબકારો થતાં એણે પૂછયું,  “રાજારામને શોધો છો? કેમ કોઈ નવી છોકરીને ઉપાડી લાવ્યા છો?”

“ના બહેન, મારે જાણવું છે કે મારી વહાલી દીકરીને કોઈ અહીં તો નથી લાવ્યું?”

“તમે કયાંથી આવો છો?” મનની ખાત્રી કરવા એણે પૂછયું.

“અમદાવાદથી.”

“વીશ વર્ષ પહેલાં માંડવીની પોળની એક છોકરીને તમે તો અહીં નહોતા લાવ્યા?”

મહમદ એની સામે તાકી રહ્યો. ચહેરો કંઈક યાદ આવતાં ગભરાટને કારણે એનાં અંગે અંગ ધ્રૂજવા લાગ્યાં. એક હરફે ઉચ્ચારી ન શકયો. શું જવાબ આપવો એના વિચારમાં સ્તબ્ધ બની ગયો. શરમથી એનું મસ્તક નીચે ઢળી ગયું. એને ચૂપ જોઈ રંભા બોલી, ” છેલ્લા પંદર દિવસમાં પાંચ છોકરીઓ આવી છે.  ઉપર આવો,  તમારી દીકરી જો અહીં હોય તો લઈ જઈ શકો છો.”

પસ્તાવાનાં આંસુ છૂપાવી  આશાભર્યો મહમદ ઉપર ગયો. ચારે બાજુ દેવદેવીઓ અને વિશ્વની મહાન સન્નારીઓના ફોટાજોઈ એનું હૈયું અને મન નાચી ઉઠયાં. એણે ચારે બાજુ નજર ફેરવી. એ ખંડમાં પચાસેક યુવતીઓને એક આધેડ વયની બહેન સંસ્કારના પાઠ શીખવતાં હતાં. એકાએક વચ્ચેથી એક છોકરી દોડી આવી. “ડેડી, તમે અહીં કયાંથી?” મહમદની દીકરી પાસે દોડી આવી એને ભેટી પડી.

મહમદનું હૈયું પીગળી ગયું. એના માથે હાથ ફેરવતાં એ બોલ્યો, “હા, બેટા હું તને લેવા આવ્યો છું. ચાલ, સંસ્કારની આ મહાદેવીને નમસ્કાર કરી એમના આશીર્વાદ લઈ ઘેર ચાલ. તારા વિના હું જીવી નહિ શકું.” અને પૂંઠ ફેરવી રંભાને બે હાથ જોડી વંદન કરી ઉમેર્યું, “આપના જેવી મહાન મહાદેવીને નરકવાડે લાવનાર કયો કાળમુખો અભાગી હશે? સાત ભવ એ નરકમાં સબડયા કરશે!”

રંભા અને મહમદની આંખો મળી પણ બેમાંથી એકેયે એ ગૂઢ રહસ્ય ન ઉકેલવામાં ડહાપણ માન્યું.

જય ગજજર

 

સતાવે છે મને નાહક જગતના લોક એવા છે
ભલા મર્દો વિષે ઓરતને શું પૂછો છો કેવા છે!
બધાએ બાપ જેવા છે, બધાએ ભાઈ જેવા છે
છતાં મજબૂર છું ખુદને હું એક એક જનને વેચુ છું
ફક્ત એક પેટને ખાતર હું આખા તનને વેચુ છું

 

કવિ નઝ

Posted by: Shabdsetu | ડિસેમ્બર 24, 2010

મિલન જેવું નથી હોતું

1433671809_37e0fd7b41- Milan Jevu

મિલન જેવું  નથી હોતું

જગતમા  સર્વના  ભાગે   લખન  જેવું  નથી હોતું
નિકટમા  હોય  પ્રેમી પણ  મિલન જેવું  નથી હોતું

અડે   છે   એક   બીજાને   કિનારા  જલ  તરંગોથી
સમાગમ   એ  કદી  એનું  મદન   જેવું  નથી  હોતું

નજર બે  રોજ મળતી હોય છે પલકો તણી છાયે
હ્રદયની આપ  લે વિણ તો સનમ જેવું નથી હોતું

મળે  જે  રોજ સપનામા,  જગાડે  એ  જ  રાતોમા
છતાં એ  વાસ્તવિકતામા  ઘટન  જેવું  નથી  હોતું

વચન  આપી  અદાલતને ભલે  એ બાંધશે  નાતો
કરારો  લાખ લખશે પણ  લગન  જેવું  નથી હોતું

રહે  નજદીક  સંગે  જળ કમળ  આ  જિંદગી આખી
અલગ  જીવન અહિં  એનું પવન જેવું નથી  હોતું

બાબુ પટેલ

બાબુ પટેલના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. નથી હોતું  – કાવ્યપઠન

અમારા સ્વપ્નનું એ સદભાગ્ય ક્યાંથી?
સ્વપ્નમાં રહેલાં સુખો થાય સાચા
કે આ વાસ્તવિક જગતના સાચા સુખો પણ
અમારા નસીબે સ્વપ્ન થઈ ગયાં છે.

બરકત વિરાણી – ‘બેફામ’

Posted by: Shabdsetu | ડિસેમ્બર 11, 2010

આ હવા બેફામ છે કંઈ બોલ તું

સતીષ ડણાક

દેશથી અહીં ટોરોન્ટો, કેનેડા દિકરાને મળવા આવ્યા હતા. આ દિકરા દિકરીઓ પરદેશમાં વસતા હોવાને લઈને ‘શબ્દસેતુ’ના સભ્યોને આવા સાહિત્યકારોને મળવાનો મોકો મળે છે.

કીર્તિકાંતભાઈની જેમ સતીષભાઈએ પણ મારો સંપર્ક સાંધ્યો અને અહીં ટોરોન્ટો આવીને અમારી શબ્દસેતુની માસિક બેઠકમાં ભાગ લઈ સહુ સાહિત્યરસિક મિત્રોને મળ્યા. આ બન્ને સાહિત્યપ્રેમીઓને મળીને શબ્દસેતુના સભ્યોએ ખૂબ આનંદ અનુભવ્યો.  આ દરમ્યાન શબ્દસેતુએ જુલાઈ માસમાં ચિનુભાઈ મોદીનો ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો એટલે એમાં પણ ભાગીદાર થયા.

સતીષભાઈએ એમના જીવનમાં શિક્ષણ અને સાહિત્યને પ્રાધાન્ય આપ્યું છે. કોલેજમાં ભણાવવાની સાથે સાથે સાહિત્ય ક્ષેત્રે એમનુ યોગદાન નોંધપાત્ર રહ્યું છે.

અત્યાર સુધીમાં ૨૫ જેટલા એમના પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને ૨૦૦૫માં એમના કાવ્યસંગ્રહ  ‘માછલીની આંખમાં આકાશ’ ને ઉમાશંકર જોષી એવોર્ડ પણ મળ્યો હતો.

અમદાવાદની ‘કાવ્યગોષ્ઠી’ અને વડોદરાની ‘અક્ષરા’ તેમ જ ‘શબ્દસેતુ’ નામની સાહિત્યિક સંસ્થાઓમાં ઘણી સેવા આપતા રહ્યા છે. અને હાલ ‘જલારામ દીપ’ નામનુ એક ટૂંકી વાર્તાઓનુ સામયિક ચલાવી રહ્યાં છે.  આશા રાખીએ  કે એ ટોરોન્ટો દર વર્ષે આવતા રહે.

કિશોર પટેલ.

કંઈ બોલ તું

આ હવા બેફામ છે કંઈ બોલ તું,
તુ જ વિનાની શામ છે કંઈ બોલ તું.

સૂની હવેલી ને હવાની આવ-જા,
શ્વાસ પણ સૂમસામ છે કંઈ બોલ તું.

થાકી ગયો વેઢા ગણીને આંગણીના,
શબ્દો વિનાનાં નામ છે કંઈ બોલ તું.

મણકા પછી મણકો ફરે માળા વિષે,
ઉજ્જડ થયેલાં ગામ છે કંઈ બોલ તું.

ઝાખાં પડેલા દ્રશ્યને લઈ ચાલતાં,
સ્વપ્નનો પયગામ છે કંઈ બોલ તું.

ઘા પડ્યો તલવારનો ને ધડ અલગ,
ખૂન ભરેલાં જામ છે કંઈ બોલ તું.

બાણ વાગ્યાં શબ્દવેધી તે પછી,
સૂનાં પડેલાં ધામ છે કંઈ બોલ તું.

સતીષ ડણાક

સતીષ ડણાક ના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. કંઈ બોલ તું કાવ્યપઠન

 

ઊગતું’તું બધે જ તારું નામ
શ્વાસમાં વાતમાં કે ખ્વાબોમાં

શોભિત દેસાઈ

 

Posted by: Shabdsetu | નવેમ્બર 24, 2010

એ વતનના પ્યારને અકબંધ રાખજે

કીર્તિકાંત પુરોહિત

દેશથી ટોરોન્ટો, કેનેડા દિકરીને મળવા આવ્યા હતા.  અમારો શબ્દસેતુનો બ્લોગ એમણે વડોદરામાં જોયો.   આ ઇન્ટરનેટને લઇને ચોપડીઓ કરતા માણસોના ઘરમાં જલ્દી ઘૂસી જવાય છે.  ખરેખર, આ ઇન્ટરનેટ સીમા રહિત મોટી ખાણ છે.   એમણે વડોદરાથી મારો સંપર્ક સાંધ્યો અને અહીં ટોરોન્ટો આવીને અમારી શબ્દસેતુની માસિક બેઠકમાં ભાગ લઈ સહુ સાહિત્યરસિક મિત્રોને મળ્યા.   ખૂબ આનંદ થયો.   આ દરમ્યાન શબ્દસેતુએ જુલાઈ માસમાં ચિનુભાઈ મોદીનો ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો એટલે એમાં પણ ભાગીદાર થયા.

કીર્તિકાંત પુરોહિત – અભ્યાસે એન્જિનિયર, વ્યવસાયે બિઝનેસમેન, ને ઉપરથી સાહિત્યના પ્રેમમાં, એટલે કવિતા કરે, ગઝલ રચે, સાથે સાથે સાંપ્રત સમાજના પ્રશ્નોને લઇને ટૂંકી વાર્તા તેમ જ લેખ, નિબંધ  પણ લખે.

એમના લેખ ગુજરાતના ઘણાં બધા મેગેઝીનમાં પ્રગટ થાય છે.  બહુમુખી પ્રતિભા ધરાવતા કીર્તિકાંતભાઈ પુરોહિતના બે પુસ્તકો પ્રકાશિત થયા છે.  એક ગઝલ સંગ્રહ અને એક કાવ્ય સંગ્રહ.  આશા રાખીએ  કે એ ટોરોન્ટો દર વર્ષે આવતા રહે.

કિશોર પટેલ.

રાખજે

વિશ્વની સાથે ભલે સંબંધ રાખજે
આગણે પાછો ફરે પ્રબંધ રાખજે

જ્યાં ગુલાંટો ખાઈ બેઠા થયા હતા
એ વતનના પ્યારને અકબંધ રાખજે

વીંટળાઈ જોખમો પગમાં નડે ભલે
તું વિસામો શોધવાનું બંધ રાખજે

એનું છે અસ્તિત્વ જો તારી હયાતિ છે
નાળ જોડી રાખજે અનુબંધ રાખજે

સળવળે માળો થતાં ચી ચી બખોલમાં
બારીઓ ખોલી હવા નિર્બંધ રાખજે

દેહ માટીનો ઘડો છે એ કબૂલ છે
પણ ઘડાને તું ટકોરાબંધ રાખજે

‘કીર્તિ’ને અપકીર્તિ બે સિક્કાની બાજુઓ
લોક ઉછાળે નહિ પ્રતિબંધ રાખજે

કીર્તિકાંત પુરોહિત.

કીર્તિકાંત પુરોહિતના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. રાખજે – કાવ્યપઠન

કેમ ના વંદેમાતરમ કહીએ,
યાર ! ધરતી અમારી માડી છે.

ખલીલ ધનતેજવી

Posted by: Shabdsetu | નવેમ્બર 11, 2010

આંખને ખૂણે હજીયે ભેજ છે

 

આંખને ખૂણે હજીયે ભેજ છે

છેલ્લા પંદર વર્ષોમાં શબ્દસેતુએ દેશ વિદેશથી મહેમાન કલાકારોને આમંત્રિને પાંચ થી છ વખત ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમો દરમ્યાન “શબ્દસેતુ”ના સભ્યોએ યાદગીરી માટે વીડિઓ ઉતારેલ છે.

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.

આમંત્રિત કલાકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

ગુજરાતી ગઝલમાં અવનવા આધુનિક અને કદીક વિવાદાસ્પદ પ્રયોગો કરી, નિત નવા પ્રતિકો સાથે, ગઝલનું પોત જાળવીને, એ પરંપરાના પ્રવાહને સતત વહેતો રાખી, એને આગળ ધપાવનારાઓની યાદીમાં ચિનુ મોદીનું નામ ગર્વથી લેવાય છે.

ચિનુ મોદી આદિલ સાહેબ અને મનહર મોદીના જીગરી દોસ્ત. ‘રે’મઠના રાજેન્દ્ર શુકલ, લાભશંકર ઠાકર, રાવજી પટેલ વગેરેના સહાધ્યાયી. આધુનિક અને પ્રયોગાત્મક કવિતાના અગ્રણી કવિ. તસ્બી અને ક્ષણિકા કાવ્યપ્રકારોના અનેરા સર્જક.

ચિનુભાઇની ગઝલોનો એક પોતીકો અવાજ છે. એ માત્ર ગઝલકાર નથી રહ્યા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે. એમણે કવિતા, નવલિકા, નવલકથા, નાટક, વિવેચન ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે અને સિધ્ધિ પ્રાપ્ત કરી છે. એમના ૬૦ થી ઉપર પુસ્તકો પ્રકાશિત થયા છે અને એમણે ઘણાં નામી એવોર્ડ્સ મેળવ્યા છે. હાલમાં ૨૮મી ઓક્ટોબર ૨૦૧૦ નાં રોજ એમને ‘વલી  ગુજરાતી ગઝલ એવોર્ડ’ થી નવાજ્યા છે.

ચિનુભાઇ સાચું કહેવામાં ક્દી અચકાતા નથી.  બીજાની પીઠ થાબડવા ખોટેખોટા વખાણ પણ નથી કરતા. મિત્રોને માર્ગદર્શન પ્રેમથી આપે છે અને સારા સર્જનને હંમેશા બિરદાવે છે.

કિશોર પટેલ

ચિનુ મોદીના સ્વમુખે એમની ગઝલના શેર સાંભળવા અહીં ક્લીક કરો.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે – કાવ્યપઠન

 

થોડા શેર

આંખને ખૂણે હજીયે ભેજ છે
આ ગઝલ લખવાનું કારણ એ જ છે

જાત ઝાકળની પણ કેવી ખુમારી હોય છે
કે પુષ્પ જેવા પુષ્પ પર મારી સવારી હોય છે.

કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

મુક્તક

દ્રશ્યો છે બે સુમાર છે
આંખો છે કે વખાર છે
નામ જવા દે ઈશ્વરનું
ગામ આખાનો ઉતાર છે

ફોન પણ કરતો નથી ફેક્સ પણ કરતો નથી
ક્યાં વસે છે એ કહી રીલેક્સ પણ કરતો નથી

જીવું છું આમ ને શું કામ છું હું ?
સૂરાલય માં પૂછાતું નામ છું હું.
હશે બેમાંથી કોની બદનસીબી ?
તમે અડક્યાં નહીં તે જામ છું હું.

 

Posted by: Shabdsetu | ઓક્ટોબર 30, 2010

રથયાત્રા

રથયાત્રા

દર વરસે તારી રથયાત્રાની કાગ ડોળે રાહ જોવાય છે
અરે! તને તો એ ખબર જ હશે નહીં?
કારણ કે  તું તો ત્રિકાળજ્ઞાની, અંતરયામી.

તારે હજાર હાથ છે એમ આંખ, કાન, નાક પણ હશેજ ને!
નથી સંભળાતી એ ચીસો તને?
કેમ તને પાલખીમાં બેસીને મહાલવુ જ ગમે છે?

હવે બસ કર! બહુ મહાલ્યો, દૂધ દહીંથી ખૂબ નાહ્યો
તારી પાલખીમાંથી હેઠો ઉતર

આવ અમારી વચ્ચે આવ અને ચલાવ તારું સુદર્શનચક્ર
કે પછી તને ય હવે દૂધ દહીંને બદલે
લોહીથી સ્નાન કરવાની ટેવ પડી ગઈ છે!!!

નીતા દવે

નીતા દવેના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. રથયાત્રા – કાવ્યપઠન

ગગનવાસી ! ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો,
જીવનદાતા ! જીવન કેરો અનુભવ તું કરી તો જો.

નાઝિર દેખૈયા

Posted by: Shabdsetu | ઓક્ટોબર 22, 2010

વાત છે

વાત છે

સત્ય સાથે બાથ ભીડવાની વાત છે
હોલિકાના ખોળે જઈને બેસવાની વાત છે

વાત પાણી ભરવાની ચંડાળના આવાસ જઈ
જાતને ઊભી બજારે વેચવાની વાત છે

વાત છે પાતાળમાં પહોંચી જવાની છેવટે
ત્રિજુ પગલું શીશ ઉપર ઝીલવાની વાત છે

વાત છે પહેલાં કે સામે ચાલીને જુગટુ રમો
ને પછી વરસો વરસ વન વેઠવાની વાત છે

છાતીમાં ગોળી ને હે રામના શબ્દો
પ્રથમ ટ્રેઈનમાંથી ફેંકાઈ જવાની વાત છે.

શૈલેષ દેસાઈ

શૈલેષ દેસાઈના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. વાત છે – કાવ્યપઠન

ગોદડી કૈં અમથી સંધાતી નથી ભૈ
સાત પડ વીંધીને સોઈ નીકળે છે

મંગળ રાઠોડ

Posted by: Shabdsetu | ઓક્ટોબર 14, 2010

વતન અને ગુજરાતી ભાષાનું જતન

વતન અને ગુજરાતી ભાષાનું જતન – રજનીકુમાર પંડ્યા

છેલ્લા પંદર વર્ષોમાં “શબ્દસેતુ”એ દેશ વિદેશથી મહેમાન સાહિત્યકારોને  આમંત્રિને એમના કાર્યક્રમો યોજ્યા છે. આ કાર્યક્રમો દરમ્યાન “શબ્દસેતુ”ના સભ્યોએ યાદગીરી માટે વીડિયો ઉતારેલ છે.

અહીં રજૂ થતી વીડિયો ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.

આમંત્રિત સાહિત્યકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાનિ  થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

‘શબ્દ્સેતુ’ અને રજનીકુમાર પંડ્યાને નાળનો સંબંધ. અમારી સાહિત્યિક સંસ્થાનું નામકરણ આજથી પંદર વરસ પહેલાં રજનીભાઈએ કરેલું. એમની જોડે સાહિત્ય સમાગમનો લાભ અમને બે વાર મળ્યો છે.

જીવનના પૂર્વાર્ધમાં એ વ્યવસાયે બેન્કર-બેન્કમેનેજર રહ્યા પણ દિલથી સદા હતા એ એક સંગીતપ્રેમી. હિંદી ફિલ્મ સંગીતના એ ભારે દીવાના. જૂના હિંદી ગીતો સાંભળવાના અત્યંત શોખીન. અસીમ તૃષા. સાથે સાથે સારી ફિલ્મોનો જાણકાર અને ઊંડા અભ્યાસી પણ ખરા.

જીવનની ઢળતી બપોરે એ એક સિદ્ધ લેખક, સાહિત્યકાર, અને અનોખા સર્જક, રીસર્ચર બન્યા.

સાહિત્ય જગતમાં ઘણું જાણીતું નામ. નવીનતા એમની નસ નસમાં ભરેલી એટલે હંમેશા એમની નજર કાંઈક નવું શોધતી રહે, સૂક્ષ્મ અવલોકન કરતી રહે. મન હંમેશા જીવનના જુદા જુદા પાસાઓનું અધ્યયન કરતુ રહે, અને જ્યાં કાંઈક હૈયાને સ્પર્શી જાય એવું દેખાય તો અચૂક એની નોંધ લઈ, વિચાર વિમર્શ સહિત વાચકો સમક્ષ મૂકી દે.

સત્યઘટના પર આધારિત “કુંતી” અને “પુષ્પદાહ” જેવી ડોક્યુનોવેલ અને એના ઉપરથી તૈયાર થયેલ ટીવી સીરીયલે તેમને ઘણી પ્રસિદ્ધિ અપાવી.

એમણે ઉદ્યોગપતિ, સમાજસેવક, શાયર, સંગીતકાર, અને કળાકારના જીવન ઉપર અધ્યયન કરી, સત્ય ઘટનાઓ, તેમજ પ્રેરણાદાયક પ્રસંગો ટાંકી, એમના કથા ચરિત્રો આલેખી વીડિઓ ફિલ્મ્સ અને ડોક્યુમેન્ટરીઝ બનાવી.

મહાકવિ કાલિદાસની અમર કૃતિ ‘મેઘદૂત’ને પ્રાધ્યાપકોના પ્રવચનમાંથી કાઢીને, સરળ શબ્દોમાં વિવરણ સાથે, પ્રણય, શૃંગાર, વિરહ, આસક્તિ, આવેશ જેવા ભાવોને સંગીતમાં સજાવીને રસિક જનો સુધી પહોંચાડી.

એક જમાનાનાં, હિંદી ફિલ્મના સિલ્વર સ્ક્રીનના ફલક ઉપર ચમકતા સિતારાઓ, પણ હાલ ખરી પડેલા, વિસરાઈ ગયેલા, આગિયાની જેમ ટમટમી રહેલા કલાકારોના અંગત જીવનના પ્રસંગોને પ્રકાશમાં લાવીને એમને માન સન્માન અપાવ્યા.

એમને પોતાને મળેલા માન સન્માન વિષે શું કહીએ? સાહિત્ય જગતનાં અને પત્રકારીત્વનાં મોટા ભાગના નામી એવોર્ડઝ તેઓ મેળવી ચૂક્યા છે.

પોતાને વિષે જણાવતાં એક ઈન્ટરવ્યુમાં એ કહે છે કે મારે બનવું હતું ગાયક-સંગીતકાર, પણ બની ગયો એક બેન્કર-બેન્કમેનેજર.

એટલે નવી પેઢીને એ સૂચન કરે છે કે તમારે જે બનવું હોય, જેમાં તમને રસ પડે એવા ક્ષેત્રમાં જ જજો અને જૂની પેઢીને એ વિનંતી કરે છે કે જો તમને સાચી લગન દેખાય તો જરૂરથી પડખે ઉભા રહી એમને એમની કેડી કંડારવા દેજો.

અહીં જ્યોર્જ બર્નાડ શોનું પેલુ કોટેશન યાદ આવે છે – “જે ગમે એ કરો, નહી તો જે કરશો એ ગમવા માંડશે”.

કિશોર પટેલ

 

રજનીકુમાર પંડ્યાના સ્વમુખે એમની વાતો સાંભળવા અહીં ક્લીક કરો.
વતન અને ગુજરાતી ભાષાનું જતન – સાહિત્ય ગોષ્ઠી

 

જીવવા જેવું જ જિવાયું નહીં
જીવવાની આવડત મોંઘી પડી

જવાહર બક્ષી

Posted by: Shabdsetu | ઓક્ટોબર 8, 2010

મણકા સુખના

મણકા સુખના

સુખ, સપ્તરંગી મેઘધનુષ જેવું,
સંપૂર્ણ, સળંગ, સદૈવ,
હશે કોઈ ને ય મળ્યું એવું?

ન પ્રાપ્ત થતો સુખનો અવિરત અવસર,
એવો જ હશે ક્રમ કુદરત તણો?

તેથી જ તો હું પળ બે પળના
સમયના મણકા પાડી
બનાવી રહ્યો છું એક સળંગ માળા.

મણકા – કોઈ મખમલિયા,
મણકા – કોઈ સપ્તરંગી,
મણકા – કોઈ સ્નેહભીના
તો કોઈ પોણી સદીથી ય જુના,
અને કોઈ તો પ્રથમ વર્ષાના ઘાસની કૂંપળો જેવા લીલાકુંજાર,
બસ મણકા જ મણકા, સૌ સુખનાં સંભારણાં.

હજીય કદીક કોઈ મણકા લઈ પંપાળું,
એકલો, અધમીંચી આંખે, સ્વપ્ન જોતો,
તો વળી કોઈ મણકા બેસી સજોડે આપ-લે કરી,
પંપાળતો, વીતી સુંવાળી પળ બે પળ.

હજી પણ શોધું છું
નીત નવા સપ્તરંગી મણકા,
નથી બાંધી હજી મેં છેલ્લી ગાંઠ,
ક્યાં આવ્યો છે હજી મારી માળાનો મેર!
કણ કણના રચેલા મારા મેઘધનુષનો ક્યાં આવ્યો છે હજી બીજો છેડો?

શાંતિલાલ ધનિક

શાંતીલાલ ધનિકના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. મણકા સુખના – કાવ્યપઠન

વર્ષો વીત્યાં તો ય ભીંજાઉં
યાદ જ્યાં આવે વર્ષા-હેલી

રશીદ મીર

Posted by: Shabdsetu | ઓક્ટોબર 1, 2010

જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

યુવાની મુહબ્બતના દમ લઈ રહી છે,
મને દિલની ધડકન ખબર દઈ રહી છે,
પ્રણય રૂપના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે.
જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે

કમલ જેવા કરમાં એ પુસ્તક ઉઠાવી,
પ્રણય ઉર્મિઓ મનની મનમાં શમાવી,
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી,
મને અવનવી પ્રેરણા દઈ રહી છે છે
જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે

લાલિત્યમાં જે લચકતી લલિતા,
ગતિ એવી, જાણે સરકતી સરિતા,
કલાથી વિભૂષિત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભાની ઝલક દઈ રહી છે
જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે

‘શબ્દસેતુ’ ના સભ્ય કિરીટ મિસ્ત્રીએ આસિમ સાહેબની આ રચનાને કંઠ આપ્યો છે.
તબલા ઉપર અનિલ પુરોહિત અને હારમોનિયમ ઉપર જાતે સંગત આપી રહ્યા છે.

કિરીટ મિસ્ત્રીના કંઠે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો.
જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે – કિરીટ મિસ્ત્રી

કદીક ફૂલ છીએ તો કદી તુષાર છીએ
દરેક હાલે જીવન-બાગનો શુંગાર છીએ
ભલે પરાઈ વ્યથામાં અમે ખુવાર છીએ
યુગોના હૈયે વસી જાય એવો પ્યાર છીએ

શૂન્ય પાલનપૂરી

Posted by: Shabdsetu | સપ્ટેમ્બર 23, 2010

અલબેલી નગરી સૂરત !

અલબેલી નગરી સૂરત !

અદા છે, નાઝ છે, યૌવન તહીં છે,
પરમ સૌન્દર્યનું ઉપવન તહીં છે,
ભલે મુંબઈમાં છું, પણ મન તહીં છે,
ગજબની મોહિની સૂરત મહીં છે!

અતિ મનહર છે ત્યાં મન મોહનારા,
હજારો ચાંદ છે લાખો સિતારા,
ઘણાયે સૂર્યસમ રોશન તહીં છે,
અનુપમ દિવ્યતા સૂરત મહીં છે!

ઘણી લલના ત્યાં છે નાજુક ને નમણી,
છે ફૂલોના હિસાબે રમ્ય, રમણી,
કલા ને રૂપનાં સર્જન તહીં છે,
‘મધુવન’ ની છબી સૂરત મહીં છે!

કોઈ છે હૂર, કોઈ અપ્સરા ત્યાં,
અનોખું એક છે ‘ગોપીપુરા’ ત્યાં,
ખરેખર સ્વર્ગનું દર્શન તહીં છે,
અનેરી રમ્યતા સૂરત મહીં છે!

છે મારી એક ‘ગોપી’ ત્યાં જ ગુણિયલ,
અનોખા રૂપવાળી મનની નિર્મલ,
સિંહાસન છે અહીં, આસન તહીં છે,
પ્રણયની સલ્તનત સૂરત મહીં છે!

પ્રણયના નામને અજવાળવાને,
જવાનો ત્યાં, વચનને પાળવાને,
કે ‘લીલા’નું પ્રણય-ભુવન તહીં છે,
જીવનની જ્યોત તો સૂરત મહીં છે!

ન એને ધ્યાન છે જગનું ન ઘરનું,
સ્મરણ ‘આસિમ’ કરે છે એ નગરનું,
અહીં છે ચિત્ત ને ચિંતન તહીં છે,
રે! એની શાયરી સૂરત મહીં છે!

‘શબ્દસેતુ’ ના સભ્ય કિશોર દેસાઈએ આસિમ સાહેબની આ રચનાને સ્વર બધ્ધ કરી કંઠ આપ્યો છે. હારમોનિયમ ઉપર કિરીટ મિસ્ત્રી અને તબલા ઉપર અનિલ પુરોહિત સાથ આપી રહ્યા છે.

કિશોર દેસાઈના કંઠે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો.
અલબેલી નગરી સૂરત – કિશોર દેસાઈ

મનોહર એ તાપી કિનારાને વંદન,
એ મંદિર, એ મસ્જિદ-મિનારાને વંદન,
ઓ રાંદેર  સૌ તારી રંગતને વંદન,
ખુશી-ગમથી ભરપૂર સંગતને વંદન.

આસિમ રાંદેરી

Posted by: Shabdsetu | સપ્ટેમ્બર 16, 2010

વરસ બાવીસમું તે લાવું ક્યાંથી?

વરસ બાવીસમું તે લાવું ક્યાંથી?

છેલ્લા પંદર વર્ષોમાં “શબ્દસેતુ”એ દેશ વિદેશથી મહેમાન કલાકારોને આમંત્રિને પાંચ થી છ વખત ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમો દરમ્યાન “શબ્દસેતુ”ના સભ્યોએ યાદગીરી માટે વીડિઓ ઉતારેલ છે.

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.

આમંત્રિત કલાકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

મોહબ્બતથી રંગી ગયા, જે ગઝલને
એ આસીમ હતા કોઇ, રાંદેરવાલા.

આ એ જ રાંદેર છે જ્યાં ૧૯૩૦ ના ગાળામાં પ્રથમ મુસ્લિમ-ગુજરાતી સાહિત્ય મંડળ સ્થપાયું. અને ત્યાર બાદ ઘણાં મુશાયરાઓ યોજાયા. આસિમ રાંદેરી, ગની દહીવાળા, બેકાર, રતિલાલ અનિલ, મનહર ચોકસી, ભગવતીકુમાર શર્મા, મુકુલ ચોકસી નયન દેસાઈ, રઈશ મણિયાર, વિવેક ટેલર, અને બીજા ઘણાં બધા…

આ બધા જ,  કવિ નર્મદના સુરતના નબીરાઓ. રાંદેર-સુરત એ એમની ગઝલભૂમિ.

આસિમ સાહેબનો જ્ન્મ તાપી કિનારે આવેલા રાંદેરમાં ઈ.સ.૧૯૦૪ના ૧૫મી ઓગસ્ટે થયો હતો. ‘આસિમ’ એ એમનું તખલ્લુસ-ઉપનામ છે. રંગીન ગઝલકાર તરીકે ખ્યાતિ પામેલા, આસિમ સાહેબ સેન્ચૂરી બેટ્સમૅન હતા. રોમેન્ટિક કવિ હતાં, સદાબહાર દિલથી જવાન ગઝલકાર હતાં.  એમને સાંભળતા એવી પ્રતીતિ જરૂર થાય છે કે એ જીવનભર બાવીસ વરસના જ રહ્યાં હતાં.  અને તમે એમનું કાવ્ય પઠન સાંભળશો ત્યારે આ વાત સાથે જરૂર સહેમત થશો.

તેઓ આ જીવન તેમની ગઝલલીલાનો વ્યાપ વિસ્તારતા રહ્યા. તેમનું  રહસ્યમય પાત્ર લીલા, ખરેખર, એક ઈતિહાસ બની ગયું. ઊર્મિથી ઉભરતી, પ્રણય-રંગી, મસ્તી ભરી ગઝલો અને નઝમો, તેઓ છેલ્લા આંઠ દાયકાથી આપતા રહયાં છે.

૧૯૯૯માં જ્યારે આસિમ સાહેબ  ૯૪ વરસના હતા ત્યારે શબ્દસેતુએ ટોરોન્ટોમાં એમનો કાર્યક્રમ યોજ્યો હતો અને એમને જણાવ્યું હતું કે એમની ૧૦૦મી વર્ષગાંઠ અહીં ટોરાન્ટોમાં ઉજવીશું અને આવો જ કાર્યક્રમ આપણે ફરી રાખીશું.

પરંતુ એ ઈચ્છા પૂરી ના થઈ શકી.  તેઓ માદરે વતન જતા રહ્યાં હતાં.

જીવનના ઉતરાર્ધના વર્ષો એમણે અમેરિકામાં ગુજાર્યા પણ માટીની માયા કેવી રીતે ભૂલાવી શકાય?  દિકરો આખરે મા ના ખોળામાં જ શાંતિ અનુભવે છે.  ૧૦૪ વર્ષની ઊંમરે ૦૫-૦૨-૨૦૦૯ ના રોજ  રાંદેર, સુરત મુકામે એમણે  એમની “લીલા” સંકેલી…

પ્રભુ એમના આત્માને શાંતિ આપે. ખુદા એમની રૂહને જન્નત બક્ષે.

કિશોર પટેલ

પ્રેમનો મહિમા ગાતાં રહેવું,
જ્યાં લગી ‘આસિમ’ શ્વાસ ન અટકે.

મને જોઈ તમે એવું રખે કહેતા હશો દિલમાં
આ ડોસો ક્યાં ભૂલો પડ્યો જવાન લોકોની મહેફિલમાં
મુઝ પર હજી યે મારો ખુદા મહેરબાન છે
છે એ જ રંગ, એ જ છટા, એ જ શાન છે
છાયુ છે એવુ લીલાનું યૌવન ખ્યાલ પર
અરે દિલ પણ હજી યુવાન છે અને નજર પણ યુવાન છે.

મુક્તકો

પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી
છતાં મારા જીવનનું આજ ‘આસિમ’
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી?

યુવાની ગઈ છતાં પણ એ જીવન સંગ્રામ લાગે છે
કળી કરમાઈ ગઈ છે તોય ખુશબૂદાર લાગે છે
મહોબત ગઈ પરંતુ એના પ્રત્યાઘાત બાકી છે
સુકાયેલો છે દરિયો તોય ઝંઝાવાત બાકી છે

તારલા છે કે ફૂલ વીખરાયેલા
કોની માળા ગગનમાં તૂટી ગઈ
ચાંદ બિંદી છે કોના માથાની
રાત કોનો સુહાગ લૂટી ગઈ

કેવા નિર્દય છે લોક, કહે છે
કે તોડી લો ફૂલ, ફૂલ છોડો માં
દોસ્તો હું તો આ વિચારનો છું
જોઈ લો ફૂલ, ફૂલ તોડો માં

સવાલ કોઈ હો હરગીજ જવાબ દેશોમાં
કોઈને આપના દુખનો હિસાબ દેશોમાં
સમસ્ત જીવનની એ પૂંજી ભલેને લઈ જાય
પરંતુ કોઈને દિલની કિતાબ દેશોમાં

યે દિલ હૈ, હર એક કો દિયા જાયે ના
ઔર જીસે દે દિયા ફિર લીયા જાયે ના

આસિમ રાંદેરીના સ્વમુખે એમની રચનાઓ સાંભળવા અહીં ક્લીક કરો.
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી? – કાવ્યપઠન

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

Posted by: Shabdsetu | સપ્ટેમ્બર 11, 2010

જિંદગી મારી

જિંદગી મારી

બરાબર દબદબાવી મેં મનાવી જિંદગી મારી
પળે પળ ને વટાવી મેં સજાવી જિંદગી મારી

સફર કીધી સમંદરમાં વમળમાં ને તુફાનોમાં
કિનારે છીછરા જળ મહિ ડુબાવી જિંદગી મારી

નદી જાણી ભલા ઝાંઝવ કને દોડી ગયો રણમા
છિપાવી ના તરસ મારી જલાવી જિંદગી મારી

રણાંગણમા હરાવી દુશમનો ચંદ્રક લગાવ્યા ત્યાં
અહીં ઘર આંગણે આવી છુપાવી જિંદગી મારી

બનાવી ને નનામી, ઘોર પણ જાતે જ ખોદી મે
કફન ઓઢી બખોલે મેં શમાવી જિંદગી મારી

બાબુ પટેલ


સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.

અમૃત ઘાયલ

Posted by: Shabdsetu | સપ્ટેમ્બર 2, 2010

હું ભગવાન

ઈશ્વરનું માર્મિક સ્મિત

હું ભગવાન

હું ભગવાન
ખોડાઈને બેઠો છું મંદિરમાં
દરરોજ દૂધ ઘીથી નાહવાનું
પછી સુગંધીદાર ચંદનનો લેપ
સવાર સાંજ નિત નવા વાઘા પહેરવાના
ઢોલ વગાડાય, શંખનાદ થાય, રૂમઝૂમ ઘંટડી ઓ રણકે
મારે વાંસળી પણ વગાડવી ન પડે
અને મીઠું મધુર સંગીત સંભળાય

ન ખાવાની ખોટ કે ન પૈસાની ઓટ
બધા જ આપે મન મૂકીને
જે આવે એ જાય ખિસ્સા ખાલી કરીને

પણ ભાઈ, આ લોકો બહુ માગે હો!
હાથ ઊંચા કરીને માગે, પગ લાંબા કરીને માગે
અરે, માથુ ખાઇ જાય માગી માગીને

પણ હું આપું, બોલ્યા વગર આપું, બધાને આપું
મારે ક્યાં ગજવામાંથી કાઢીને આપવાનું છે?
મેળવે સૌ સૌના નસીબે, એમની આવડત પ્રમાણે
પણ પાછા વળીને પગે લાગે મને હો!

હું મૂછમાં હસું, મનમાં મલકાઉં!

આ બધાને તો એમ જ કે
હું આ જીવ સૃષ્ટિનો તારણહાર
સૂરજ, તારા, નક્ષત્રોને દોરનાર
અખંડ બ્રહ્માંડનો સંચાલક

પણ હું આમાનું કશું જ કરતો નથી
હું નિષ્ક્રિય છું
સાચુ કહું ખાનગીમાં
તો હું છું જ નહીં, મારુ અસ્તિત્વ જ નથી

પણ શું થાય
વર્ષો પહેલા લોકોને જરૂર પડી
એટલે એમણે મને બનાવ્યો
અને ત્યારથી
હું એમને બનાવ્યા કરુ છું.

કિશોર પટેલ

કિશોર પટેલના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. હું ભગવાન – કાવ્યપઠન

હું એટલા જ માટે તો નાસ્તિક નથી થયો
ઈશ્વર હશે તો કોઈ દિવસ કામ આવશે

જલન માતરી

હવે બે પુરુષો પણ પરણતા મળે છે

હવે જગતમા માણસ ભલા ક્યાં મળે છે
કે પોતાને ઈશ્વર સમજતા મળે છે

કદી ના ભરમાશો ચહેરા ઉપરથી
જુઓ ભીતરે સૌ તડપતા મળે છે

હવે માર્ગમાં મિત્રો કંટક બિછાવે
ને શત્રુઓ ફૂલ ધરતા મળે છે

જરા ધ્યાનથી જો જો કંકોત્રીને
હવે બે પુરુષો પણ પરણતા મળે છે

જુઓ ધૂન લાગી છે આબિદને કેવી
હવે એ ગઝલો લખતા મળે છે

આબિદ ઓકડિયા

આબિદ ઓકડિયાના સ્વમુખે રચના સાંભળવા અહીં ક્લીક કરો.

હવે બે પુરુષો પણ પરણતા મળે છે કાવ્યપઠન

સારો અગર નઠારો ગણો મરજી આપની
કલ્પી શકો છો મુજને તમારા વિચારની જેમ

નાઝિર દેખૈયા

Posted by: Shabdsetu | ઓગસ્ટ 20, 2010

કંઇ નથી કહેતા

Aishwarya_Rai_99-S-2

કંઇ નથી કહેતા

તમારી આંખડીના આ  ઇશારા કંઇ નથી કહેતા
થયું છે શું હવે આ બોલનારા કંઇ નથી કહેતા

અમે આ આંગળીઓ ડાળકીએ જઇ જરામૂકી,
અમારી યાદના ગુલ ખાળનારા કંઇ નથી કહેતા

રહી છે ચુપ આ આંખો ને હોઠે મૌનના ડુંગર,
રગે રગમા આ તણખા વાવનારા કંઈનથી કહેતા

બધી અફવા રચાઇ છે રહી આ મૌનના હોઠે,
છતાં એ તહોમતોને ઓઢનારા કંઇ નથી કહેતા

કદી તો એક ખામોશી દિયે આખો ભરમ ચીરી,
કદી શબ્દો તણા શ્રુંગ તોડનારા કંઇ નથી કહેતા

ગયા ટહુકા, ગયા ગીતો, ગયા ગુલશન, ગયા ફૂલો,
જુઓ બુલબુલની આંખો લુંછનારા કંઇ નથી કહેતા

બધા ખામોશ છે આજે બધી આંખે દરદભીના,
ગયું છે કોઇ હમણા પણ જનાર કંઇ નથી કહેતા

“વફા”મા જિઁદગી ની મ્હેક ને ફેલાવવા કાજે
દિલોને ધુપ સળી થૈ બાળનારા કંઇ નથી કહેતા

મુહમ્મદઅલી “વફા”

મુહમદઅલી ભૈડુ ના સ્વમુખે આ ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો. – કંઇ નથી કહેતા– કાવ્યપઠન

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ
ભોંયરાંઓ એનાં ક્યાં ક્યાં નીકળે

રમેશ પારેખ

Posted by: Shabdsetu | ઓગસ્ટ 15, 2010

આ જિંદગી અમારી…

આ જિંદગી અમારી…

હાદસા ના હિલોળા ને
દાસ્તાનની દુનિયા આ જિંદગી અમારી…

પળ પળ છળતી પળતી
ડૂબતીને તરતી આ જીંદગી અમારી…

સંજોગને ક્યારે આવી છે દયા કોઈ ઉપર
ને મજબૂર છે જાણે આ જીંદગી અમારી…

હર પળ વિહ્વળ, વેદના
ને વિરહને વાગોળતી આ જીંદગી અમારી…

મંઝિલ અને રસ્તા વચ્ચે
મઝધારની સફર આ જીંદગી અમારી…

સમય બદલાશે શ્રદ્ધા છે અમારી
પ્રેમની શક્તિ આ જીંદગી અમારી….

મળશે જરૂર એ ન્યામત “રોશની”ને
દુઆ માંગે છે રાજ, આ જીંદગી અમારી…

રશીદા દામાણી

રશીદા દામાણીના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. આ જિંદગી અમારી… કાવ્ય પઠન

લીલા અને સૂકા પાન ખરે છે ઉદાસીના
ને શૂન્યતાના ઘટમાં ઊગી જાય જંગલો!

મણિલાલ દેસાઇ

Posted by: Shabdsetu | ઓગસ્ટ 4, 2010

કદાચ

૧૯૧૧ માં નાયગરા ફોલ્સ પૂરેપૂરો થીજી ગયો હતો.

કદાચ?

હું અને અમે બધાં
પવન વેગે અહીં આવી તો પડ્યાં
પણ મારું મન તો ત્યાં જ ચોંટી રહ્યું!

ઘરવખરી, પુસ્તકો, આલ્બમો સંગીત વગેરે
મુશ્કેલીએ ઊંચકી લાવ્યા અને
મહામહેનતે અહીં સમાવ્યાં પણ ખરાં
પણ મારા સ્મરણો ત્યાં નાં ત્યાં જ રહ્યાં!

કઠણ મન કરી
કિલ્લોલતાં ઘર પર તાળું ય લગાવી દીધું
પણ બા બાપુજીના સુખડના હારવાળા
ફોટા તો ત્યાં બંધ ઘરમાં જ લટકી રહ્યાં!

કુટુંબકબીલો તો સુપેરે આવી પહોંચ્યો
પરંતુ મિત્રોથી વિખૂટાં પડી ગયાં

ગમે તેમ હું તો આવી શકી
પણ ‘મારા-પણું’ તો હજી યે ન જ લાવી શકી
આ હું અને આ ‘મારા-પણું’
જો અહીં જ મળી જાય
તો કદાચ હું સાચી કેનેડિયન બની શકું!

મધુરી ધનિક

મળી  આજીવન  કેદ,  ધ્રુવના  પ્રદેશે,
હતા  આપણે  મૂળ,  તડકાના માણસ.

ભગવતીકુમાર શર્મા,

Posted by: Shabdsetu | જુલાઇ 19, 2010

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

બાગમાં  ક્યાં  હવે  ફરે  છે સનમ

છેલ્લા પંદર વર્ષોમાં “શબ્દસેતુ”એ દેશ વિદેશથી મહેમાન કલાકારોને આમંત્રિને પાંચ થી છ વખત ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમો દરમ્યાન “શબ્દસેતુ”ના સભ્યોએ યાદગીરી માટે વીડિઓ ઉતારેલ છે.

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.

આમંત્રિત કલાકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

આદિલ સાહેબની જેમ, યુ. કે. નિવાસી અદમ ટંકારવીનું પણ ટોરોન્ટો એ એમને ગમતું બીજુ ઘર છે. ગુજરાતી મુશાયરાઓમાં આ બન્નેની જોડી એક સાથે જોવા મળતી હતી.

ગુજરાતી ગઝલનો એક પોતાનો ઈતિહાસ છે. એની પોતાની પરંપરા છે. એ પરંપરાના પ્રવાહને વહેતો રાખી, નિત નવા આધુનિક પ્રયોગો અને પ્રતિકો સાથે, આજે એમાં ઘણું જ મોટું પરિવર્તન આવ્યું છે. ગઝલના આ વહેતા પ્રવાહને ધ્યાન ખેંચે એવો નવો વળાંક આપનાર કવિઓની નામાવલીમાં અદમભાઈનું નામ જુદુ તરી આવે છે.

એમનો એક અનોખો અને બેજોડ શેર –

જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી
લીમડાની ડાળ મીઠી થઈ ગઈ

આદિલ સાહેબ એમના એક ઇન્ટરવ્યુમાં આ શેર વિષે જણાવે છે કે આવો ભાવ, આવો ખયાલ, આવો વિચાર ઉર્દુ ગઝલોમાં પણ જોવા મળતો નથી.

અદમ ટંકારવી ‘ગુજલિશ ગઝલો’ ના પ્રણેતા છે. એમણે વેસ્ટર્નાઇઝ્ડ થયેલ આપણી યુવાપેઢીને ગમે એવી ‘ગુજલિશ ગઝલો’ લખી છે. એમણે ઘણા ગુજરાતી ગઝલકારોની રચનાઓનું  અંગ્રેજીમાં રૂપાંતર કર્યુ છે.

મુશાયરાના એ જાદુઇ સંચાલક છે. એમને બધી જ ગઝલોના શેર કંઠસ્થ હોય છે. એમની પોતાની ગઝલોના તો હોય, પણ બીજાની ગઝલોના પણ, અને તમે કહેલા શેરને અનુરૂપ, એના અનુસંધાનમાં બીજો શેર એ અચૂક, તરત શોધી કાઢે છે. એમના મગજમાં કોમ્પ્યુટરાઈઝ્ડ મેમરી છે.  મુશાયરામાં એમને સાંભળવાની ખૂબ મજા પડે છે અને એમની મુલ્લા નસરુદ્દીનની વાતો… તમને પેટ પકડીને હસતા રાખે છે.

કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા

અદમ ટંકારવીના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો. બાગમાં ક્યાં હવે ફરે છે સનમ કાવ્યપઠન

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વેબસાઇટ ઉપર મળે છે સનમ

ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ

ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવેર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ

આપણે નાઈધર હિયર નોર ધેર
એક વોઈડમાં ખોવાઈ ગયા

 

Posted by: Shabdsetu | જુલાઇ 14, 2010

નમી હું ગયો

મુક્તક


સફળતાના પાયામાં સદા પૈસો નથી હોતો
અતીશય લોભ જીવનમાં સારો નથી હોતો
“આબિદ” કહી દો એક કડવુ સત્ય જીવનનું
મિત્રોનો સહારો પણ સો ટકા સાચો નથી હોતો

નમી હું ગયો


જીવનના દુ:ખોને સ્મરી હું ગયો
સુખોના પ્રસંગે ડરી હું ગયો

છે ભૂલો ઘણી ને ઘણાં પાપ પણ
પણ કોઈની દુઆથી બચી હું ગયો

આ ઝેરી હવા હુલ્લડોની કોણ ફેલાવતુ
કે ઘર, ગામ ને મિત્રો ત્યજી હું ગયો

હવે કોઈ જ્વાળાનો ડર ક્યાં રહ્યો
કે ચીનગારી જોઈ બળી હું ગયો

ભલે શેખ જન્નતની ચર્ચા કરે
કે દોજખની વાતે રડી હું ગયો

છે “આબિદ”નુ જીવન કોઈ વ્રુક્ષ સમ
વધ્યો ભાર ફળનો નમી હું ગયો

આબિદ ઓકડિયા

આબિદ ઓકડિયાના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. નમી હું ગયો કાવ્યપઠન


કે વરસતાં વાદળાં જેવા બધા મિત્રો મળ્યા,
પ્યાસ મારી ના બૂઝી, નાહકનું ભીંજાવું પડ્યું

કૈલાસ પંડિત

કેનેડાનો જન્મદિન એટલે કેનેડા ડે

ભારતમાં ૧૫મી ઑગષ્ટ સ્વાતંત્ર્યદિન તરીકે ઉજવાય છે તેમ કેનેડામાં જુલાઈની પહેલી તારીખ કેનેડાનો જન્મદિન  ‘કેનેડા ડે’ તરીકે સારાય દેશમાં ધામધૂમથી બહુ સારી રીતે ઉજવાય છે.

કેનેડા કોઈ એક પ્રજાનો કે એક ધર્મનો  દેશ નથી. એ મલ્ટિકલ્ચરલ એટલે કે અનેક સંસ્કૃતિઓ, અનેક ધર્મ, અનેક પ્રજાનો બનેલો દેશ છે.  દુનિયાના નકશા પર આ એક જ દેશ એવો છે જે ‘ઈમિગ્રન્ટસ કન્ટ્રી’ એટલે કે અન્ય દેશોમાંથી અહીં આવીને વસેલા લોકોના દેશ તરીકે ઓળખાય છે. આજે એના ઈતિહાસ પર દષ્ટિપાત કરીએ.

લગભગ સત્તર હજાર વર્ષ પહેલાં ઉત્તર અમેરિકામાં માનવ વસાહત હોવાનું મનાય છે.  દસથી બાર હજાર વર્ષ પહેલા ‘આઇસ એજ’ દરમ્યાન સાઇબેરિયા  અને અલાસ્કા એક બીજા સાથે જોડાયેલા હતાં. ભૂસ્તરશાસ્ત્રીઓ અને આદિવાસીઓના અભ્યાસીઓના મતે રશિયા અને આસપાસના વિસ્તારમાં ભટકતી જાતિઓ  સ્થળાન્તર કરતી રહી અને કાળ ક્રમે  ધીરે ધીરે સાઇબેરિયા – અલાસ્કા થઇને ઉત્તર કેનેડામા આવી. લગભગ એક હજાર વર્ષ પહેલાં ‘વાયકીન્ગ્સ’ લોકો પણ ગ્રીનલેન્ડ થઇને ઉત્તર પૂર્વ કેનેડામાં ઉતર્યા હતાં.

કેનેડાનો આજનો ઇતિહાસ પંદરમી સદીથી આરંભ થયાનું મનાય છે. આમ કેનેડા દુનિયાના નકશા પર વર્ષોથી છે પણ એક નવા દેશ તરીકે ઓળખાતો આ દેશ થોડાં વર્ષોથી જ  જાણીતો થયો છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ઈંડિયાની શોધમાં નીકળેલો કોલમ્બસ અમેરિકાના કિનારે પહોંચી ગયો હતો એ તો સૌ કોઇ જાણે છે. યુરોપિયન મુસાફરો પંદરમી સદીના અંતમાં દુનિયાની સફરે નીકળી પડયા હતા. ઇ.સ. ૧૪૯૭માં જહોન કેબટ નામનો એક ઇટાલિયન કેનેડાના પૂર્વ કિનારે, ન્યુ ફાઉન્ડલેન્ડની હાલની રાજધાની સેન્ટ જહોન્સ બંદરે પહોંચ્યો હોવાનું મનાય છે. એ વખતે જહોન કેબટે અમેરિકાના એક કિનારા તરીકે આ નવી ભૂમિને ઓળખાવ્યાનું નોંધાયું છે. એ પછી કેટલાક યુરોપિયન મુસાફરો નવા દેશની શોધમાં આ દેશમાં આવ્યાનું મનાય છે. ઇ.સ. ૧૫૩૪માં ફ્રાન્સનો વતની જેકસ કાર્ટિયર કયૂબેક અને આસપાસના મુલકમાં આવ્યો હતો અને આસપાસના પ્રદેશોમાં ઘૂમ્યો. ઇ.સ. ૧૫૩૫માં “કેનેડા” શબ્દ વાપરનાર એ પહેલો યુરોપિયન મુસાફર હતો. એ પછી આસપાસના બધા પૂર્વના રાજયોનું એકીકરણ  કેનેડા તરીકે ઓળખાયું. આ સમયથી ફ્રેન્ચ ભાષા અને ફ્રેન્ચ સામ્રાજ્યની અસર કેનેડા પર થઈ.

ઇ.સ. ૧૭૭૩-૧૭૮૩ની અમેરિકન ક્રાંતિના વર્ષો દરમિયાન અમેરિકામાંથી લગભગ ચાલીસ હજાર લોકોએ ઉત્તરમાં એટલે કે કેનેડામાં સ્થળાંતર કર્યું.  ઇ.સ. ૧૮૧૨માં ગ્રેટ બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સના યુધ્ધ વખતે કેનેડા યુધ્ધનું મેદાન બન્યું. આ સમયે અમરિકાએ  કેનેડાને પોતાના દેશનો એક ભાગ બનાવવા પ્રયત્ન કર્યો હતો પણ કેનેડાની અંગ્રેજ અને ફ્રેન્ચ પ્રજાએ જરાકે નમતું ન જોખ્યું. પરિણામે જુલાઇ  ૧, ૧૮૬૭માં બ્રિટિશ નોર્થ અમેરિકન એક્ટ અનુસાર કેનેડા  બ્રિટિશ રાજયના એક ભાગ રૂપે સ્વાયત્ત દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો.

૨૦મી જૂન, ૧૮૬૮એ ગવર્નર જનરલ લોર્ડ મોન્કે બ્રિટિશ નોર્થ અમેરિકાના કેનેડાના આ બધા રાજયોના જોડાણની પ્રથમ સંવત્સરી દર પહેલી જુલાઈએ ‘કેનેડા’ નામે ઉજવવાનો આદેશ આપ્યો. ૧૮૭૯માં ‘ડોમિનિયન ડે’ તરીકે સરકારી કાયદા અનુસાર કાયદેસર  રજાના  દિવસ તરીકે અમલમાં આવ્યો. કેનેડાની પ્રથમ સંવત્સરી પછી જાહેર ઉજવણી થયાનું નોંધાયું નથી. છેક ૧૯૧૭માં પ્રથમ વાર પચાસમી સંવત્સરી ઉજવાઈ. સારાય દેશમાં સૌથી નોંધપાત્ર ઉજવણી ૧૯૬૭માં ‘શતાબ્દિ સંવત્સરી’ સેન્ટેનિયલ સેલિબ્રેશન પ્રસંગે બ્રિટનનાં મહારાણી કવીન એલિઝાબેથ સેકન્ડની હાજરીમાં ભવ્ય રીતે ઉજવાઈ.

જો કે વર્ષો સુધી ‘ડોમિનિયન ડે’ તરીકે ઓળખાતો જુલાઈ પહેલીનો દિવસ ઓકટોબર ૨૭, ૧૮૮૨થી “કેનેડા ડે” તરીકે અમલી બન્યો. કેન્દ્ર સરકારે ૧૮૮૫થી દેશના દરેક ભાગમાં ‘કેનેડા દિન’ની ઉજવણી માટે આયોજન કરવા અને ઉજવવા ‘કેનેડા દિન સમિતિ’ રચી. સમિતિના આયોજન અને ઉજવણી માટે કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ આપવાનો આરંભ કર્યો.

હાલ, કેનેડામાં કુલ દશ રાજયો અને ત્રણ ટેરીટરી છે.  આ દશ રાજયો ન્યુ ફાઉન્ડલેન્ડ, નોવા સ્કોસિયા, ન્યુ બ્રન્સવિક,  પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, કયૂબેક, ઓન્ટારિયો, મેનિટોબા, સાસ્કેચવાન, આલ્બર્ટા, બ્રિટિશ કોલમ્બિયા છે. ત્રણ ટેરિટરીમાં નોર્થ વેસ્ટ ટેરિટરી, યુકોન અને ન્યુનાવટ છે.

આ બધા રાજયોની રાજધાની અનુક્રમે સેન્ટ જહોન્સ, હેલિફેકસ, ફેડરિકટન, ચારલોટટાઉન, કયૂબેક સિટી, ટોરોન્ટો, વિનિપેગ, રજાઇના, એડમન્ટન, વિકટોરિયા અને યલો નાઇફ, વ્હાઇટ હોર્સ અને ઇકાલુઇટ છે.

Canada is formed of ten provinces and three territories – Newfoundland, Nova Scotia, New Brunswick, Prince Edward Island. Quebec, Ontario, Manitoba, Saskatchewan, Alberta, British Columbia, and three territories – Northwest Territories, Yukon and Nunavut

Their capital cities are: St. John’s, Halifax, Fredericton, Charlottetown Quebec City, Toronto, Winnipeg, Regina, Edmonton, Victoria, Yellowknife, Whitehorse, Iqaluit

કેનેડાનું મુખ્ય પાટનગર એટલે કે કેપિટલ સિટી ઓટાવા છે. દેશની પાર્લામેન્ટ અને ગવર્નર જનરલ હાઉસ ઓટાવામાં છે. આપણા દેશના રાષ્ટ્ર પ્રમુખની જેમ ગવર્નર જનરલ દેશના વડા છે. કેનેડામાં લોકશાહી સરકાર છે. ચૂંટાયેલા લોકસભાના સભ્યોમાંથી બહુમતિ પક્ષના નેતા પ્રાઈમ મિનિસ્ટર બને છે. નિયુકત થયેલા સભ્યોની બનેલી સેનેટ પણ મહત્ત્વનો ભાગ ભજવે  છે.

આખાય દેશમાં જુલાઇ ૧, જાહેર રજાનો દિવસ મનાય છે અને કેનેડા દિન તરીકે બહુ ભવ્ય રીતે  ઉજવાય છે. આખો દિવસ જાહેર સ્થળોએ  વિવિધ કાર્યક્રમો યોજાય છે. લોકોમાં રાષ્ટ્રિય ભાવના કેળવવા અને દેશનું ગૌરવ વધારવાના અનેક પ્રયાસો થાય છે. કેનેડાનો રાષ્ટ્ર ધ્વજ ઠેર ઠેર જોવા મળે છે. મધ્યાહ્ને જાહેર સ્થળે ધ્વજવંદન થાય છે અને રાત્રે ઠેર ઠેર દારૂખાનું ફોડાય છે અને રોશની કરવામાં આવે છે.

કેનેડાના રાષ્ટ્રધ્વજે તબકકે તબકકે જુદા જુદા આકાર લીધા છે. જુદી જુદી સમિતિઓની અનેક ભલામણો પછી આજે જે રાષ્ટ્રધ્વજ બન્યો છે  તે રાષ્ટ્રધ્વજમાં બે બાજુ બે લાલ પટ્ટા છે અને વચ્ચે મેપલ લીફ છે. આ નવો ધ્વજ કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર લેસ્ટર પીઅર્સન, ગવર્નર જનરલ જયોર્જ વેનિયર, કેનેડાના મંત્રીઓ અને હજારો કેનેડિયનની હજરીમાં ૧૫ ફેબ્રુઆરી, ૧૯૬૫માં કેનેડાની રાજધાની ઓટાવામાં પાર્લામેન્ટ હિલ પર સૌ પ્રથમ ફરકાવવામાં આવ્યો હતો.

કનેડાના વર્તમાન રાષ્ટ્રગીતનો ઇતિહાસ પણ બહુ લાંબો છે. જુદા જુદા તબકકે એમાં પણ ઘણા ફેરફારો થતા રહ્યા છે. સૌ પ્રથમ ફ્રેન્ચ કવિ કેલિક્ષા લવાલીએ ૨૪ જૂન, ૧૮૮૦માં ગાયેલ ગીત પછી બરાબર સો વર્ષે ‘ઓ કેનેડા’ આજના સ્વરૂપે રાષ્ટ્રગીત તરીકે ૧ જુલાઈ, ૧૯૮૦થી સ્વીકારાયેલ છે.

O Canada!
Our home and native land!

True patriot love in all thy sons command.

With glowing hearts we see thee rise,
The True North strong and free!

From far and wide,
O Canada, we stand on guard for thee.

God keep our land glorious and free!
O Canada, we stand on guard for thee.

O Canada, we stand on guard for thee.

દુનિયાના એક મહાન દેશ અને આપણા દેશના લાખો લોકોની કર્મભૂમિ બનેલ કેનેડાને આપણા સૌના લાખ લાખ વંદન.

જય ગજ્જર


વિવિધ રંગો, ધર્મોનો સાથ છે કેનેડા
અનેક આંગળીઓનો હાથ છે કેનેડા

કિશોર નિજાનંદ

Posted by: Shabdsetu | જુલાઇ 3, 2010

ચાલટો જાવાનો

ચાલટો જાવાનો

ચાલટો જાવાનો, કામે ચાલટો ઉં જાવાનો
રોજ પગાર લાવવાનો, ખર્ચી બધ્ધો ઉં લાખવાનો
ચાલટો જાવાનો, નવહારી ચાલટો ઉં જાવાનો…..…..ચાલટો જાવાનો

રૂપિયા બચાવવા ચાર, ની બસમાં ઉં જાવાનો
હેર દારૂ રૂપિયા ચારનો, પીટો પીટો ઉં આવવાનો
ચાલટો ચાલટો જાવાનો, નવહારી ચાલટો ઉં જાવાનો…..…..ચાલટો જાવાનો

ભલે કાઇળો ઘેરમાંથી, ની ગામમાંથી ભાગી ઉં જાવાનો
લાયબેરીની છટ પર હુવાનો, ના’વા ટરાવે ઉં જાવાનો
ઓંહટો ઓંહટો જાવાનો, કામે રમટો ઉં જાવાનો……….ચાલટો જાવાનો

ભાઇ મારે ટો નાહી જાવાનો, બેન વઢે ટો હન્ટાઇ ઉં જાવાનો
ફોટાની હામે બા-બાપુના, ડૂમો ભરી ભરી ઉં રડવાનો
રડટો રડટો જાવાનો, ઉધાર પીટો પીટો ઉં આવવાનો……….ચાલટો જાવાનો

લગન ની કરવાનો, લાપસી ઝાપટવા લગનમાં ઉં જાવાનો
પગે ટો ની લાગવાનો, પેટની પૂજા કરવા મંદિરે ઉં જાવાનો
બીડી પીટો પીટો ગાવાનો, ને ગાટો ગાટો ઉં જાવાનો…..…..ચાલટો જાવાનો

ની’ઓય પૈહા ટે દા’ળે, આમલી-બોર-કેરી હીમનાં ઉં ખાવાનો
બધ્ધું જ દુઃખ મારું, દારૂવાળી સોમલીને ઉં કે’વાનો
ભૂખો ભૂખો ભટકવાનો, ભજીયાં સોમલીનાં ઉં ખાવાનો……….ચાલટો જાવાનો

શનિવારે ચડ્ડી પે’રી, પેન્ટ-સટ ઉં ધોઇ લાખવાનો
રઇવારે ચોટરે બેહી, બધ્ધાને કેમસો કેમસો ઉં કરવાનો
ઉં ટો બીડી પીવાનો,
ઉં ટો દારૂ પીવાનો,
ભજીયાં ટો સોમલીના જ ઉં ખાવાનો,
પણ, કામે ટો બધ્ધા દા’ળા ઉં જાવાનો

ચાલટો જાવાનો, કામે ચાલટો ઉં જાવાનો
ચાલટો જાવાનો, નવહારી ચાલટો ઉં જાવાનો

મનુ ગિજુ

મનુ ગિજુના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. ચાલતો જાવાનો – કાવ્યપઠન


ટોળાની શૂન્યતા છું જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી

જવાહર બક્ષી

 

Posted by: Shabdsetu | જૂન 27, 2010

આઇ. સી. સી. યુ. ની બેડ પરથી

આઇ. સી. સી. યુ. ની બેડ પરથી

પરવા નહીં હવે જીતની કે હારની, બાથ ભરી મેં મ્રુત્યુ સાથ
બચપણમાં જેમ રમ્યાં બહુ, કરી ગડમથલ ભાંડુઓ સાથ

કહે યમદૂત, “ચાલ ભાઈ, ચાલ કર ઉતાવળ”
મેં કહ્યું ભાઈ બંધવા,  થોડો ધીરો પડ, ધીરો પડ
જા લઈ આવ બે સમન્સ ને પાછો આવ એક વાર.

અરે, તું તો પીળું પાન ને પત્ની તારી લીલી કુંજાર
ક્યાંથી લાવું હું સમન્સ એનો, જરા તો કર વિચાર?

ઓછાં વરસો પડે એનાં તો ઢગલો એક છે મારા
કરી નાખ સરવાળો પાકો, તુ લઇ ને થોડાં મારા
જા લઈ આવ બે સમન્સ ને પાછો આવ એક વાર.

ચાંદલો, ચૂડી ને લાલચટક ચૂંડદી ઓઢી, ચાલે એ  સપ્તપદીની ચાલ
ઠસ્સો એનો જોઈને એક વાર, તુ પણ ખરેખર થઇ જઇશ ન્યાલ.
જા લઈ આવ બે સમન્સ તું ને પાછો આવ એક વાર.

શાંતિલાલ ધનિક

જીવન તો ખૂબ માંણ્યું, ચાલ મ્રુત્યુની મજા લઈએ,
હવે મન થાય છે કે આપણે અહીંથી જતા રહીએ.


જલન માતરી

Posted by: Shabdsetu | જૂન 17, 2010

પટેલ બચ્ચો

પટેલ બચ્ચો

એ બહુ ભણ્યો નહોતો, ડબ્બો હતો ભણવામાં એ
બાપના પૈસા બગાડવા નહોતા એટલે એ કોલેજ ગયો નહી
અને ત્રણ ટ્રાયેલે નનમેટ્રિક થઇને રેલ્વેમાં કારકૂની કરતો થઇ ગયો.

એક વિચારવા જેવી વાત છે –
પટેલ કાયમ ફેલ થાય અંગ્રેજીમાં અને કેટલુ બધુ વાંચે અંગ્રેજીમાં!
ઉપરથી વિચારે પણ અંગ્રેજીમાં, તોયે પાસ ના થાય અંગ્રેજીમાં.
શું થાય, નસીબ એનું ઇન્ડિયન!

પણ પટેલ અંગ્રેજી બોલે બહુ ફ્ક્ક્ડ અને ચાલે પણ અક્ક્ડ.
અંગ્રેજની જેમ સૂટ બૂટ પહેરે, માથે ટોપો મૂકે, સિગારેટ ફૂકેં
દારૂ પીએ,  ને ગોટ પીટ કરે,  સેક્સપીયર વાંચે,  નાટક કરે
ક્રિકેટ રમે, ને ક્લબમાં જાય, ઉપરથી હોર્સરેસીંગમાં જાય
અરે, શ્વાસ લે તો પણ અક્કડ થઇ અંગ્રેજની જેમ!
આમ કાળો ને બટકો, પણ વટનો કટકો
પારસીઓની જેમ પટેલ સમજે જાતને પૂરો નહી તો અર્ધો અંગ્રેજ.

આવો પટેલ, પછી પરણ્યો, લેડીને નહીં પણ લેડી જેવી જ
લીસ્સી લીસ્સી, ધોળી ધોળી, રૂપાળી મજાની ગામડાની ગોરીને
ગોરી ગામડ, ભૂલી પડી ગઇ મુંબઇમાં, પણ પટેલ ભોમિયો, ર્બોન એન્ડ રેઈઝ્ડ મુંબઇમાં.

પટેલના બે મેઇન પ્રિન્સીપલ્સ –
ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલીસી ને સીમ્પલ લીવીંગ હાય થીન્કીંગ.

અને પટેલ થીન્ક કરવા લાગ્યો અંગ્રેજીમાં કે આ ગામડાની ગોરીને લેડી કેમ બનાવવી?
જો અંદરથી જ થીન્કીંગ ચેઇન્જ થાય તો કેવું!
અને પટેલ જામી પડયો ગોરીને અંદરથી થીન્ક કરાવવા ને સમજાવવા
ને માંડયો ડે ટુ ડે ભણાવવા, ને ચાલ્યો ચોપડીઓ વંચાવવા
અને જોતજોતામાં આ ગામડાની ગોરી, પોલીશ થઇને બની ગઇ શહેરની છોરી
અને કરવા લાગી ગોટ પીટ અંગ્રેજીમાં!
પ્રાઉડ પટેલ કહે જોયુ મારુ એચિવમેન્ટ!

સમય જતાં ગોરીએ આપ્યા પટેલને ગુલાબ અને ગલગોટા જેવાં બે સરસ મજાના ફૂલ.
પટેલ ફેમીલી પ્લાનીંગમાં સો ટકા માને અને ડીસીપ્લીનમાં તો એક સો ને દસ ટકા!
હેલ્થ, સ્પોટસ, ને એકસરસાઇઝ જાણે, નાટક, સિનેમા અને આર્ટસ પણ માણે.
આમ પટેલ હતો પૂરો ઓલરાઉન્ડર.

પટેલને ચાલુ ચિલામાં ચાલવાનુ ન ગમે, એને તો ચિલો ચાતરવાનુ ગમે.
પગદંડી પાડવાનુ ગમે.
ટૂંકમાં હતો પટેલ, એના જમાનાથી આગળનો, લાંબી નજરવાળો માણસ!

રોજ સવારે પટેલ ગુલાબ અને ગલગોટાને લઇને દોડવા જાય,
કસરત કરાવે, ને દરિયા કિનારે ફેરવે
અને પછી એક બદામ આપે ને શિંઘોડાવાળુ દૂધ પીવડાવે.
પટેલનુ બેલેન્સ બજેટ, આવક એટલી જ જાવક
એક પૈસો પણ વધારે ખર્ચવાનો નહીં, કે બચાવવાનો નહી.

પટેલ ટાબરીયાઓને ક્દિક
કાવસજી જહાંગીર હોલમાં બોક્સીંગ જોવા લઇ જાય
તો કદિક મેટ્રોમાં અને ઇરોઝમાં અંગ્રેજી ફિલમ બતાવે,
જાતજાતની ચોપડી વંચાવે અને દેશ વિદેશની વાતો કરે.
કાર્લ ર્માક્સ અને લેનીનની, હીટલર અને સ્ટાલીનની
ટોલ્સટોય અને ટાગોરની, સુભાષ અને સરદારની
પટેલ ઓર્ડીનરી પણ જીવે એક્સ્ટ્રાઓર્ડીનરી!

હા, એક બીજી વાત –
આમ હતો એ અરધો અંગ્રેજ, પણ અંદરથી આખે આખો દેશભક્ત!

પટેલ ગાંડો, પૂરો પ્રમાણિક ને ઉપરથી આદર્શવાદી.
ઘડિયાળના કાંટે જીવનાર માણસ,
આઝાદી પછીના ભ્રષ્ટાચારમાં પેટિયુ રળનાર માણસ,
ટોળામાંનો એક અનૂઠો માણસ!

એટલે વારે ઘડિયે થાય દલીલો, ઉપર નીચે જાય દલીલો
બહેરી ભિંતે અથડાય દલીલો, એક પછી એક પછડાય દલીલો
ર્ફ્જ અને કાનૂનની વાતો, હક્ક્ અને ઝનૂનની વાતો
નાના માણસની મોટી વાતો, ગાંડા માણસની ખોટી વાતો
સરકારી પગથિયા ઘસતી વાતો, વીસમી સદીની વસમી વાતો

પટેલ અકળાય, અંદર કકળાય, દિલમાં રુંઘાય ને મનમાં મુંઝાય
આઝાદી આવી ને લોકશાહી લાવી પણ લોકોના હક્કો ખાદી ગઇ ચાવી

પટેલ વિચારે, ગઇકાલના આ નેતાઓ
આઝાદી માટે સત્યાગ્રહ કરતા, ભૂખે મરતા, ને જેલમાં જતા
અને આજે ખુરશીએ ચોંટી, પેઢીઓ ભરી, ભ્રષ્ટાચાર વધારે?

એમ કેમ બને? આવુ કેવી રીતે થાય? પટેલને કાંઇ નહીં સમજાય.
પટેલ બહુ વિચારે, વિચાર કરીને વિચારે, ફરિયાદ કરીને વિચારે
અને વિચારતા વિચારતા પટેલ એક દિવસ ઘરડો થઇ ગયો
અને ભિંતે ટિંગાઇ ગયો ગાંધી ડોસાની જેમ
પેલા ગુલાબ અને ગલગોટાને મન!

કિશોર પટેલ

પપ્પા ભિંતે ટિંગાઇ ગયાને આજે એકત્રીસ વરસ વીતી ગયા………………………….ફાધર્સ ડે

કિશોર પટેલના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. પટેલ બચ્ચો – કાવ્યપઠન


કેવો તું કીમતી હતો સસ્તો બની ગયો,
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો!
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો!

શેખાદમ આબુવાલા

Posted by: Shabdsetu | જૂન 11, 2010

કોને મળું?

કોને મળું?

ભીડના દરબારમા કોને મળું.
રેતની વણઝારમા કોને મળું

લોક કીનારા ઉપર મળતાં ડરે,
હું હવે મઝધારમા કોને મળું.

મૌનના હોઠો તણી ઝુંબીશ લૈ,
શબ્દની જંજાળમા કોને મળું.

અજનબી થૈને મળે મિત્રો બધા
ખોખરા સંસારમા કોને મળું.

સાથમા વરસો રહ્યાપણ નામળ્યા
હું હવે પળવારમા કોને મળું.

કોઇ મળતુ પણ નથી ઘરમા હવે,
તો પછી પરસાળમા કોને મળું.

મુહમ્મદઅલી ભૈડુ “વફા”

મુહમદઅલી ભૈડુ ના સ્વમુખે આ ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો. કોને મળું?–કાવ્યપઠન

આ મૂંગા શહેરમાં કોઈને કંઈ પુછાય નહીં
ને લાગણીના ચહેરાઓ ઓળખાય નહીં

જવાહર બક્ષી

Posted by: Shabdsetu | મે 31, 2010

જાગૃતિ

જાગૃતિ

“આપણે આઠ વાગ્યે મુરતિયાના ઘરે પહોંચવાનું છે, ત્યાંથી ધ્વજવંદન માટે સીધા સ્કૂલે જઇશું.” સખી સમી ભાભીએ મલકાતાં મલકાતાં જાગૃતિને કહયું.

પાડોશના ગામમાં એક મુરતિયો અને એના માબાપ કેનેડાથી આવ્યા હતાં. આજે  જાગૃતિ સાથે એમના ઘરે જવાનું હતું. જાગૃતિને જોવે, મળે ને વાતચીત કરે, તો વાત આગળ વધે. ત્યાર બાદ ૨૬મી જાન્યુઆરી હોવાથી ધ્વજવંદન માટે સ્કુલે જવાનાં હતાં. કેનેડાનો મુરતિયો એટલે કન્યાની પસંદ નાપસંદ જેવું ક્યાંથી હોય?  છોકરાને પસંદ પડી છોકરી તો ઝટ મંગની પટ વિવાહ. બેચાર દિવસમાં જ સુશોભિત મંડપ બંધાય,  નાચ ગાન થાય, સાવધાન સાવધાન કરી કન્યા પધરાવાય. રૂપ અને રૂપીયાનો કેવો હસ્તમેળાપ!

“સારું ભાભી, હું દશ મિનિટમાં તૈયાર થઇને આવું છું.” જાગૃતિએ કહયું.

“ધોનીને કલીન બોલ્ડ ઉડાડવાનો છે, એટલે મોડલ બનીને નીકળજે.”

“પહેલા બોલે ઇનજર્ડ અને બીજા બોલે કલીન બોલ્ડ, મારી પ્યારી પ્યારી અમ્પાયર” બેડરૂમમાંથી અવાજ આવ્યો.

જાગૃતિની અભિલાષા કોઇ શિક્ષિત, સંસ્કારી અને ગ્રામ ઉન્નતિમાં રસ ધરાવનાર યુવાનને જીવનસાથી બનાવવાની હતી. જયારે મા બાપને  દિકરી પરદેશ મોકલવી હતી. ભણેલી કન્યા માટે ગામડાંઓમાં યોગ્ય મુરતિયો મેળવવો  સરળ ન હતું, પરદેશ્થી આવતા એન આર આઇ છોકરા છોકરીઓના કારણે ગ્રામ્ય વિસ્તારનું યુવાધન વિણાઇ વિણાઇને વિવાહઅર્થે વિદેશ વહી જતું હતું

જાગૃતિએ આછા પીળા રંગના સાદા સલવાર-કમીઝ પહેરી લીધાં અને મેચિંગ પીળા રંગનો નાનો ચાંદલો કર્યો. બાનો આગ્રહ હોવા છતાં ના કોઇ ભરાવદાર ઘરેણાં પહેર્યા, કે ન ભપકાદાર મેકઅપ કર્યો. એક પાતળો સોનાનો અછોડો અને સાદાં એરિંગ પહેરી લીધાં. રસોડામાં પડેલા ચાના વાસણો જલદી જલદી ધોઇ નાંખ્યા. ઉંબરે અસ્તવ્યસ્ત પડેલાં જોડા ચંપલ વ્યવસ્થિત ગોઠવી દીધાં. બા-બાપુના આશીર્વાદ લીધાં. બન્ને બહાર નીકળ્યા. ફેરિયાએ નાંખેલું છાપુ બાપુને આપી આવી. ઝાડ પર પક્ષીઓએ કલરવ કરી મૂકયો. વાડમાંથી ડોકું બહાર કાઢી જાસુસ નજરે નોળિયાએ જોયું, માથું અર્ધગોળ ફેરવ્યું, ગરદન સંકેલી પાછો વાડમાં સરકી ગયો. પાડોશણ ઇર્ષાકાકીએ ઉંબર આગળ નોળિયાનું અનુકરણ કર્યું.

રીક્ષા પકડી નણંદ ભોજાઇ મુરતિયાના ઘરે જવા નીકળી પડયાં.

બન્ને ચૂપચાપ બેઠાં હતાં ત્યાં જાગૃતિએ મૌન તોડ્યું – “ભાભી, આકાશ સાથે લગ્ન કરવાં કે ન કરવાં એ નિર્ણય હું જ લઇશ.” બા બાપુની ઇચ્છા હોય તો પણ અંતિમ નિર્ણય તો મારો જ હશે.” મુરતિયાનું નામ આકાશ હતું.

“સારુ બાપા સારુ, તારે મરઘે સવાર. આકાશને જોઇ તો લે.” તારા જેવી સો અરજીઓ પડેલી હશે. અને દરેક અરજીઓની સાથે સગાંસબંધીઓના ભલામણપત્રો અને બે-ચાર લાખની પેટીઓ સાથે હશે.”

“આકાશ મને નાપસંદ કરે તો સારું, કેનેડાવાસી માટે મને અણગમો નથી પરંતુ જીવનસાથી જો આપણા વિભાગના ગામોમાંથી મળી જાય તો મારે પરદેશ જવું નથી. બા બાપુના આગ્રહથી અત્યારે તમારી સાથે આવવું પડે છે.”

“અરે ગાંડી, દર વરસે પરદેશથી કેટલીયે કુંવારી કન્યાઓ લગ્ન માટે આવે છે. સારા યુવાનો ઝટપટ ઉપડી જતા હોય છે. તેઓનું લક્ષ-બિંદુ પરદેશ હોય છે. તારી પ્રતીક્ષા કરતા કુંવારા બેસી નથી રહેતા. તારે શું જીંદગીભર કુંવારી રહેવું છે?”.

બન્ને વચ્ચે ચર્ચા ચાલતી રહી. રીક્ષા દોડતી રહી.

આકાશના ઘરની પૂછપરછ માટે ગામના ચોતરા આગળ રીક્ષા ઉભી રખાવી. બન્ને નીચે ઉતર્યા. સ્તબ્ધ ચહેરે સૌ જુવાનિયાની દ્દષ્ટિ જાગૃતિ તરફ હતી. એકના મોઢેથી તો વળી ગુટકાની પિચકારી સાથે શબ્દ સરી પડયોઃ “ઐશ્વર્યારાય”.

ગામની શેરીઓ સ્વચ્છ હતી. રસ્તાની બન્ને બાજુએ આલીશાન મકાનો હતા. મોટે ભાગે તો બંધ બારણે તાળાં લટકતાં હતાં. આકાશે ઓસરીમાંથી ‘વેલકમ વેલકમ’ કહી આવકાર આપ્યો.

જાગૃતિની પ્રગતિ, સંસ્કાર, સ્વભાવ, ચાલચલગત વિષે આકાશના મિત્રોનો અભિપ્રાય ખૂબજ સારો હતો. દેખાવમાં પણ એ સુંદર હતી. પહેલી જ નજરે ગમી જાય એવી. આકાશ પોતાની જાત સાથે મનોમન બોલી ઉઠયો “સાદી અને સરળ, વર્ષોથી જેની રાહ જોતો હતો એવી પોતાની કલ્પનાની અપ્સરા. જીવનસાથીની શોધ અહીં જ પૂરી થાય. છે. ધેટ્સ ઇટ”

કોઇ બાઇ બેઠકરૂમમાં આવીને ચાના બે કપ મૂકીને જતી હતી ત્યારે  નાનું બાળક આવ્યું. મસ્તીમાં આકાશ બેઠો હતો તે તરફ જતું હતું. “આને લઇ જા અહીંથી” એવી રાડ પાડતાં આકાશે બાળકને ઉંચકી પેલી બાઇને પકડાવી દીધું.

પ્રથમ વાર જાગૃતિની સંપૂર્ણ દ્દષ્ટિ આકાશ પર પડી. ત્રીસેકની ઉંમર, સુઘડ બાંધો, સરેરાશ ઊંચાઇ, જમણાં કાને ભેરવેલું એરિંગ, જીન્સ પેન્ટ, બંધ કોલરનું ટી-શર્ટ, ઊલટી દિશામા પહેરેલી કેપ. હાથમાં ભરાવદાર કડું. ગળામાં ૐ નો પેન્ડન્ટવાળો લટકતો હાર.

પહેલી નજરે જ જાગૃતિને પુસ્તકનું કવર અનાકર્ષક લાગ્યું.

ભાભીએ સાસરીયાના સભ્યોનો પરિચય પૂરો કરતાં ગૌરવપૂર્વક ઉમેર્યું: “અમારી જાગૃતિ અંગ્રેજી માધ્યમમાં ફર્સ્ટ કલાસ સાથે ગ્રેજયુએટ થઇ છે. ઓફિસની નોકરી કરે અને સાથે સાથે…”

ભાભીને બોલતાં અટકાવી આકાશે કહ્યું “કેનેડામાં તો બધાં જ મજૂરી કરે. અહીંનું ભણતર ત્યાં કંઇ કામનું નથી.”

જાગૃતિને પુસ્તકના શરૂઆતના પાનાં પણ ના ગમ્યાં.  નમ્રતાથી પૂછયું. “ત્યાં કોઇ કોર્સ કરી લે તો?”

“ત્યાં કોર્સ-બોર્સ કરવાનો ટાઇમ કોને છે?” તાબળતોબ પ્રત્યુત્તર મળ્યો.

જાગૃતિએ ધીમેથી બોલીંગ કરીઃ “શનિ-રવિવારે કોર્સ કરી શકાતો હશેને?”

“શનિ-રવિમાં ઘરના ઘણાં કામો હોય છે. હું તો બન્ને દિવસો ક્રિકેટ રમવામાં બિઝી. વધુમાં વન-ડે, ટ્વેન્ટી-૨૦ જોવામાં આખું વીક કયાં નીકળી જાય ખબર પણ ના પડે. ઘર મિત્રોથી ભરેલું ભરેલું હોય. તેઓના નાસ્તા-પાણી કરવાના હોય. કોર્સ કરીનેય શું ઉકાળવાનું છે? યુ નો, વાઇફને આરામ તો મળવો જોઇએને?”  એકટરની અદાથી આકાશે કહયું.

જાગૃતિને હવે દરેક પ્રકરણનો અભ્યાસ થઇ રહયો હતો. આ બાંકેલાલને ઘરવાળી જોઇએ છે કે કામવાળી?

“શનિવારે પત્નિ કોર્સ કરવા જાય, પતિ ઘરે રહી ઘરકામમાં હાથ લંબાવે અને માત્ર રવિવારે જ ક્રિકેટ રમે તો ન ચાલે?” જાગૃતિએ વચ્ચેનો માર્ગ બતાવતાં સહેલાઇથી રમી શકાય એવી બિનજોખમી બોલીંગ કરી.

“આપણે તો ભાઇ બિન્દાસ, બન્ને દિવસો દરમ્યાન ક્રિકેટ પહેલાં, પછી બીજી વાત.”

જાગૃતિને હવે બોલવું અનુચિત લાગતાં હોઠોને સીવી લીધા.

ભાભીએ વિચાર્યુ  “આ કાગડાના હાથમાંથી દહીંથરૂં ગયું.”

જાગૃતિને તદ્દન શાંત થયેલી જોઇ આકાશને લાગ્યું કે પોતે મેચ જીતી ગયો. હવે યોગ્ય પાત્ર મળી ગયું. એટલે એણે પ્રસ્તાવના મૂકી. “મે લગભગ વીસ છોકરીઓ જોઇ છે. મારી જીવનસાથી તરીકે હું તને પસંદ કરું છું. જાગૃતિ, આઇ લાઇક યુ. યુ આર ધ બેસ્ટ. લગ્ન દશેક દિવસમા લેવું પડશે. મારી પાસે પૂરતી રજા નથી. ચાલો આપણે છૂટાં પડીએ. તમારે ધ્વજવંદન માટે સ્કૂલે જવાનું છે. મારે પણ ઉતાવળ છે. અત્યારે મિત્રો સાથે દમણ જવાનું છે.”

“પરદેશથી જયારે માતૃભૂમિની મુલાકાતે આવ્યા હોય અને ધ્વજવંદનમાં હાજરી આપવાની તક મળતી હોય ત્યારે પણ દમણનું ભ્રમણ?”  એવું સ્વગત બોલતાં જાગૃતિએ પોતાના બા-બાપુ-ભાઇ-ભાભીનો અભિપ્રાય લીધા વગર જ જવાબ આપી દીધોઃ “મિ. આકાશ, તમે મને પસંદ કરી તે બદલ તમારો આભાર માનું છું. તમારા વિચારો જાણ્યા. તમે કહયું કે તમે વીસ છોકરીઓ જોઇ ચૂકયા છો અને હું  એકવીસમી છું. એ વાત ન ભૂલશો કે હું એકવીસમી સદીની છોકરી છું. ‘દિકરી અને ગાય દોરે ત્યાં જાય’ એ વીસમી સદીની કહેવત હતી. એકવીસમી સદીની દેણ છે ‘દિકરી જયાં જાય ત્યાં રળીને ખાય’.  આધુનિક સમાજમાં હવે જાગૃતિ આવી ગઇ છે. મારે મન સુખી અને સંપન્ન દાંપત્યજીવન એટલે બે આત્માઓ વચ્ચે સમજણભરી મિત્રતા અને આદર્શ સંબંધોનું વહેતું પવિત્ર ઝરણું. મને માફ કરજો પણ મારી સાથે લગ્નનો કરેલો તમારો પ્રસ્તાવ મને નામંજુર છે.”

સ્વાતંત્ર્યદિનની ઉજવણી માટે નણંદ ભોજાઇ સ્કૂલ તરફ ચાલી નીકળ્યા.

મનુ ગિજુ


તેણે મારા નામ સામે નામ પોતાનું મૂક્યું
વ્હાણની સામે મૂક્યો દરિયો ને ડૂબવાનું મૂક્યું

રમેશ પારેખ

Posted by: Shabdsetu | મે 22, 2010

સાંભળશો કે…..

સાંભળશો કે…..

પા પા પગલે ચાલી ચાલી
કાલુ કાલુ બોલી બોલી
કહેવું છે દિલ ખોલી ખોલી,
આ બક બક કરતા બાલિશ શબ્દો
સાંભળશો કે …..

વ્હાલે ખોળે મ્હાલી મ્હાલી
આંગળીઓ ને ઝાલી ઝાલી
ઘમ્મર ઘમ્મર ઘર ગજવતા
ઘુઘરિયે છલકાતા શબ્દો
સાંભળશો કે …..

આ નાનકડાં મનડાંની વાતો
જાગેલાં સપનાની વાતો
ને તૂટક તૂટક ટહુકો કરતા
ગૂંગળાતા તોતડાતા શબ્દો
સાંભળશો કે …..

બાલિશ ઉમ્મર પાછળ મેલી
બાલમ ઘરમા પગલાં પાડી
ત્યાં છાના માના મનમા રમતાં
યૌવનના મલકાતા શબ્દો
સાંભળશો કે …..

ત્યાં કાળે માજમરાત બિછાવી
માતમની ત્યાં ઘાત જમાવી
એ દોજખમા પડઘાતા છાના
અબળાના અકળાતા શબ્દો
સાંભળશો કે …..

આ આકુળ વ્યાકુળ ઊર્મિઓના
એકલતામા ડૂસકા ભરતા
આહ ભરેલા ડગમગ કરતા
અબળાના વણબોલ્યા શબ્દો
સાંભળશો કે …..

ખંડિત થયા ભવ ચાલી ચાલી
હાંફ ચડી ગઈ ખાલી ખાલી
હવે લૂખા સૂકા મર મર કરતા
થાકેલા થર થરતા શબ્દો
સાંભળશો કે …..

બાબુ પટેલ


શ્વાસ, સંબંધો, સન્દર્ભો, સૌ વેરણ છેરણ,
ક્ષણે ક્ષણે હું જીવી લઉં છું ઉભડક જેવું

ભગવતીકુમાર શર્મા

Posted by: Shabdsetu | મે 14, 2010

જર્સીમાં વરસો કાઢ્યાં

જર્સીમાં વરસો કાઢ્યાં – આદિલ સાહેબ

છેલ્લા પંદર વર્ષોથી ટોરોન્ટો, એ આદિલ સાહેબને ગમતું એમનું બીજુ ઘર હતું.

આ પંદર વર્ષોમાં “શબ્દસેતુ”એ આદિલ સાહેબને બીજા મહેમાન કલાકારોની સાથે આમંત્રિને પાંચ થી છ વખત ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમો દરમ્યાન “શબ્દસેતુ”ના સભ્યોએ યાદગીરી માટે વીડિઓ ઉતારેલ છે.

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.

આમંત્રિત કલાકારો અથવા કોઈ પણ સભ્યને કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

આદિલ સાહેબે “શબ્દસેતુ” ના સભ્યોને લખવા માટે હંમેશા ઉત્સાહીત કર્યા છે, વહાલ પૂર્વક દબાણ કર્યું છે, અને કદિક સભ્યોની રચનાઓને માર્ગદર્શન આપી મઠારી પણ છે.

ગુજરાતી ગઝલ ઉર્દૂની ઓથમાં રમી ઉછરીને મોટી થઇ છે.

હિન્દી ફિલ્મોના મશહુર શાયર-કવિ-નિર્દેશક, ગુલઝારનુ કહેવું છે કે ગઝલનુ જેટલું ખેડાણ-કલ્ટીવેશન, ગુજરાતી ભાષામાં થયું છે એટલું ભારતની બીજી કોઈ પણ ભાષામાં થયું નથી. નિત નવા પ્રયોગો અને પ્રતિકો સાથે, ગુજરાતી ગઝલ પરંપરામાં, ઘણું જ મોટું પરિવર્તન આવ્યું છે. આદિલ મન્સૂરી અને ગુજરાતી સાહિત્યના અન્ય ધૂરંધરોનો ફાળો એમાં નોંધપાત્ર છે.

પોતાનો દેશ, પારકો પરદેશ, નવું વાતાવરણ, નવા અનુભવો, તેમજ  જૂની યાદો, જૂના સ્મરણો, અને એની સાથે સતત સંકળાયેલો જૂનો વતન ઝુરાપો, બધુ જ જીવી જાય છે આદિલ સાહેબ એમની ગઝલોમાં.  તેઓ લખે છે. –

જી હા, આદિલ તો તખલ્લુસ માત્ર છે
નામ, ધંધો, ધર્મ અને જાતિ ગઝલ

ન્યુ જર્સીના એક ખૂંણામાં એ અમદાવાદ ધબકતુ રાખે છે. –

ગુજરાતીમાં ગઝલો લખતાં જર્સીમાં વરસો કાઢ્યાં
આદિલજીએ હસતાં રમતાં જર્સીમાં વરસો કાઢ્યાં

આદિલ સાહેબ સાહિત્યના એક અદના પૂજારી હતા. ગઝલ એમની ઇબાદત હતી.  ગઝલની પઠનશૈલી પર એમનું પ્રભુત્વ અદભૂત હતુ. મુશાયરામાં એમને સાંભળવા એ એક લ્હાવો હતો.

આદિલ સાહેબ એક ઉમદા મોખરેના ગઝલકાર હતા, પણ એથી યે વધારે એ એક ઉત્તમ – બહેતરીન ઇન્સાન હતા.  આ બાબતમાં બે મત નથી.  પ્રભુ એમના આત્માને શાંતિ આપે. ખુદા એમની રૂહને જન્નત બક્ષે.

કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા

આદિલ મન્સૂરીના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો. જર્સીમાં વરસો કાઢ્યા કાવ્યપઠન

જરસીમાં વરસો કાઢ્યાં

ગુજરાતીમાં ગઝલો લખતાં જરસીમાં વરસો કાઢ્યાં
આદિલજીએ હસતાં રમતાં જરસીમાં વરસો કાઢ્યાં

ભીંતો સાથે વાતો કરતાં જરસીમાં વરસો કાઢ્યાં
ભીંતોની વાતો સાંભળતાં જરસીમાં વરસો કાઢ્યાં

‘રે મઠ’ના મિત્રોને સ્મરતાં જરસીમાં વરસો કાઢ્યાં
‘સાંઠ દિવસ’માં હાજરી ભરતાં જરસીમાં વરસો કાઢ્યાં

આટલી બધ્ધી ઠંડી ભાઈ આટલો બધ્ધો બર્રરફ
મોસમની ફરિયાદો કરતાં જરસીમાં વરસો કાઢ્યાં

ચિનુ સાથે મનોજ સાથે ઉદયન સાથે અનિલ…
શોભિતની ગઝલો સાંભળતાં જરસીમાં વરસો કાઢ્યાં

અમદાવાદમાં જન્મ મળ્યો ને બચપણ છેક કરાંચી
પાછા અમદાવાદ, ને ફરતાં જરસીમાં વરસો કાઢ્યાં

કાલે પાછા ચાલ્યા જાશું નક્કી કાલે પાછા
કાલે કાલે કરતાં કરતાં જરસીમાં વરસો કાઢ્યાં

‘આદિલ’ કિસે બુલાયે મરમ્મત કે વાસ્તે
પત્થર ઉખડ ગયા હૈ ગઝલ કે મઝાર કા.

Posted by: Shabdsetu | મે 6, 2010

“મધર્સ ડે”

“મધર્સ ડે”

બહુ વ્હાલી છે મને મારી મા,
કેટલાં દુ:ખો વેઠ્યાં મારે માટે
એને તો કેમ ભુલાય!

આજે “મધર્સ ડે” ને દિવસે
વર્ષમાં એક વખત તેને મળવા જવાની
ફરજ છે મારી

નર્સીન્ગ હોમમાં છે બિચારી
સાવ અપંગ, મારી મા

ગુલાબનું આ એક ફૂલ આપીને
પછી જ જઈશ હું મિત્રો સાથે
“લોન્ગ વીકએન્ડ” ઊજવવા!

વિચારે મા

દીકરા, વર્ષમાં એક જ વખત આવ્યો
ને તારા બાળકોનેય સાથે ના લાવ્યો
કાંઈ ખાવાનું ભલે હોય વાસી

એક વાર તો મને ખવડાવ
તારા ઘરનું અન્ન!

મધુરી ધનિક


મધુરી ધનિક્ના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો.  મધર્સ ડે કાવ્યપઠન


હું મારી હયાતી નિભાવ્યા કરું છું,
સમયની દિવાલે ચણાયા કરું છું

બકુલ રાવળPosted by: Shabdsetu | એપ્રિલ 28, 2010

તું અને હું

તું અને હું

જે આરંભથી અંત સુધી
એકબીજાની સાથે સમાંતરે દોડવા સર્જાયેલા છે

અને જે દૂર ક્ષિતિજ ઉપર મળતા ભાસે છે
પણ કદી મળતા નથી

એવા બે રેલગાડીના પાટા
તું અને હું.

જીવન

જે હાથમાં છે  તેને તું નથી કહી શકતી જીવન
જે હાથથી પર છે એને હું કેવી રીતે કહું જીવન?
શ્વાસ ભરવાને જ જો કહી શકાતુ હોત જીવન તો…?!

કિશોર પટેલ

જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત !
એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો !

મનસુખલાલ ઝવેરી

Posted by: Shabdsetu | એપ્રિલ 22, 2010

શરદ તારું ગુલાબ

શરદ તારું ગુલાબ


ઘણા દિવસોનો એ ક્રમ હતો. શરદ બસમાં ચડે. લેડીઝ સીટ પર બેઠેલી સમતા સામે નજર નાખે અને બંને સ્મિત વેરે. બસ ગતિ પકડે – અને બનેનાં મન પણ.

માઉન્ટ કાર્મેલના બસ સ્ટેન્ડે સમતા ઊતરે, શરદ આગળ જાય. બંને છૂટાં પડે -મધુરા મિલનની અનેરી સોડમ અનુભવીને.

સમય વહેતાં બંને પરસ્પરનાં હૈયાંના ભાવો સમજી ગયાં. પુસ્તકો મારફત ચિઠ્ઠીઓ પહોંચતી થઇઃ ‘તને હું ચાહું છું. લગ્ન કરીશ તો બસ એક તારી જ સાથે.’ શરદે એકરાર કર્યો.

સમતાએ પ્રત્યુત્તર  વાળ્યો, ‘તમને પતિ તરીકે મેળવીશ તો હું ધન્યતા અનુભવીશ.’

પછી તો શરદ પાર્કમાં મળવા વિનંતી કરે, સમતા એવું મિલન ટાળે. છેવટે એ હારી ગઈ. રવિવારે પાંચ વાગ્યે વિકટોરિયા ગાર્ડન જવું પડયું.

સમતાના હાથમાં ગુલાબનું ફૂલ મૂકતાં શરદ પ્રશંસા કરવા લાગ્યો, ‘તું મારા જીવનનું કેન્દ્ર છે. તારા સિવાય હું….’. શરદ બોલ્યે જતો હતો. સમતા એકચિત્તે સાંભળી રહી હતી. શરદ જોઈ શકયો કે એ એની વાણી પર મુગ્ધ થઈ હતી. સમતાને સૂનમૂન જોઈ શરદે પૂછયું, ‘મારી વાતોમાં તને વિશ્વાસ છે ને,સમતા? કેમ શાંત છે?’

સમતા કશું જ ન બોલી – અનિમિષ નયને શરદ ભણી તાકી રહી. એ નયનોમાં ઊભરાતો પ્રેમ શરદ જોઈ શકયો. એના બેઉ હાથ પકડી એ બોલ્યો, ‘કંઈક તો બોલ સમતા?’

સમતાએ પર્સમાંથી પેન અને કાગળ કાઢી લખ્યું, ‘મને પણ તારા પર ખૂબ પ્રેમ છે. એક નહિ, સાતસાત ભવ તને પતિ તરીકે ઝંખું છું, પણ મારા હૈયાની વાતો તારી જેમ કેવી રીતે કહી શકું? હું તો મૂંગી છું.’

શરદ ચોંકી ઊઠયો. સ્તબ્ધ બની પળેક કંઈ વિચારી પીઠ ફેરવી એ ચાલી નીકળ્યો. સમતા ઘડીભર એને જતો જોઈ રહી. પછી મોટેથી બૂમ પાડી , ‘પણ શરદ, આ તારું ગુલાબ તો લેતો જા.’

જય ગજજર


દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે

રમેશ પારેખ

Posted by: Shabdsetu | એપ્રિલ 16, 2010

મીરાં ખામોશ છે

મીરાં ખામોશ છે

તૂફાનની આંધી ઉઠી ને શમા ખામોશ છે
વેરાન સહુ ધરતી થઈ ને હવા ખામોશ છે

મોસમ વરસવાની રહી તો યે વરસતાં નથી
ખામોશ છે આ મેઘલો ને ઘટા ખામોશ છે

માંડી ઘણાં બેઠા અહીં જુલમો તણી હાટડી
તો યે છતાં  આ બોલનારી  જબાં ખામોશ છે

બૂઝાય  રહેલી છે બધે પ્રેમની જલતી શમાં
સેવે અહીં ચુપકી કબીરો ને મીરાં ખામોશ છે.

ચારો તરફથી પથ્થરો જુલ્મના વરસી રહ્યા
સૌ બેવફા ખામોશ છે ને વફા ખામોશ છે

મહમદઅલી ભૈડુ – “વફા”

મૌન રહી મિત્રતાનુ ગૌરવ કર
કોણે ચાલી તી ચાલ ભૂલી જા

મનોજ ખંડેરિયા

Posted by: Shabdsetu | એપ્રિલ 10, 2010

રમીએ જુનૂં જુનૂં

રમીએ જુનૂં જુનૂં

કહે ડોસી ડોસાને એક વાર, ચાલ રમીએ કાંઈ જુનૂં જુનૂં ફરીને એક વાર

ચાલ્યો ડોસો, ખોલી પેટી, કાઢી ધોતી, મોટી કોર લાલમલાલ
કાઢ્યો ઘડીબંધ કોટ રેશમનો, ખેસ જરીનો, ઝગમગ જોડા, ડોસી બોલી, ભૂલ્યા દાંત

માજી ચાલ્યાં, ખોલી પેટી, પહેર્યું પટોળુ રંગ કસુંબી
અસલી ચૂડી રંગ મજીઠી, ચાંદલીયો કપાળે રાતો મોટો મસ

નીકળ્યુ જોડું જોવા જેવુ જાય પક્ડીને બેય હાથ

“ટેક્સી લાવું” ડોસા બોલ્યા બોલ્યાં માજી, “હોય અરે કાંઇ આજ”
“જૂનાં વખતે ઘોડે ચઢી આવ્યા આજ વિક્ટોરિયા બોલાવો રાજ”

બેઠાં બંને સાવ અડોઅડ પગ ચઢાવી માજી બોલ્યાં, “ચાલો ભઈલા રાણીને બાગ”
દરવાજેથી લીધો નાસ્તો, ગપસપ કરતા બેઠાં બગીચે હરીયાળીમાં લીધાં પડીકાં હાથ

આવી પોરી ઍક ચબુકલી, હસતી રમતી કહે માજીને, “લગન કર્યાં શું આજ?”

માજી કહે, “આવ દીકરી, બેસ જો આ ચૂડી, અસલ મણિયારાની, નહીં પ્લાસ્ટીકની
ને આ ચાંલ્લો, ને આ પટોળુ જો આ માટીડો, સાંઠ વરસથી, અંબામાંની મહેર”

ચાલી ચબુકલી પર્સ ઝુલાવી બોલે ઍક જ Guy ને સાંઠ વરસ! No Way!
ઍક સાડી તો બે વરસમાં સાવ થઈ જાય Old!”

શાંતિલાલ ધનિક

ફાડી નથી શકાતુ પાનું વીત્યા વરસનું
મનને છે કેવું ઘેલુ આ જર્જરિત જણસનું

મુકુલ ચોકસી

Posted by: Shabdsetu | ફેબ્રુવારી 19, 2010

સંસ્થાના હમસફરો

મિત્રો,

આજથી પંદર વર્ષ પહેલા બે ચાર મિત્રો સાથે ભેગા મળીને  નિજાનંદની મસ્તી માટે “શબ્દસેતુ” નામની એક સાહિત્યિક સંસ્થા શરૂ કરી હતી.  આપ સૌ એના સાક્ષી છો, સહભાગી છો.  શબ્દસેતુને પંદર વર્ષથી જીવન્ત રાખવામાં, એને આગળ લઈ આવવામાં, જુદા જુદા તબક્કે આપ સહુ એ સારી એવી જહેમત ઉઠાવી, મન મૂકીને કામ કર્યુ છે, અને યથાશક્તિ પ્રમાણે યોગદાન આપ્યું છે. એ માટે શબ્દસેતુ તરફથી હું આપ સૌનો આભાર માનું છું.  મારા વતી હું શું કહું? આપ સૌનો ઋણી છું.

આજે જ્યારે હું શબ્દસેતુ સંસ્થાનો બ્લોગ શરૂ કરી રહ્યો છું ત્યારે શૈલેશને ગમતો અને મારો મનપસંદ મરીઝ સાહેબનો આ શેર યાદ આવે છે.

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

કોઈ પણ સંસ્થા, એના સભ્યો અને કાર્યકર્તાઓની અતૂટ મહેનત, એકતા અને અવલંબન ઉપર ચાલતી હોય છે.  શબ્દસેતુની આ લાંબી દડમજલમાં ઘણા બધા હમસફરો ભાગીદાર બન્યા છે. કોઈએ હાથ તો કોઈએ સાથ આપ્યો છે.  કોઈએ સાંભળવા કાન તો કોઈએ સંસ્થાને શાન અપાવી છે.  કોઈએ શબ્દો વહાવ્યા તો કોઈએ સેતુ બાંધ્યો છે. દરેક સભ્યે દિલથી પોતપોતાનો ફાળો નોંધાવ્યો છે.  તો આ પ્રસંગે હું સર્વેને વિનંતી કરુ છું કે શબ્દસેતુના આ ભગીરથ કાર્યમાં સહભાગી બને.

બ્દસેતુની વેબસાઇટનુ એડ્રેસ છે – https://shabdsetutoronto.wordpress.com

હું આ ક્ષેત્રમાં નવો નિશાળીયો છું,પા પા પગલી ભરી રહ્યો છું એટલે વેબસાઇટ જોયા બાદ આપના સૂચનો તેમ જ પ્રતિભાવ જરૂરથી જણાવશો. ઈ-મેલ એડ્રેસ છે – shabdsetu@hotmail.com અથવા  kishore46@hotmail.com

વેબ સાઇટ ઉપર જઇ સભ્યોની યાદીમાં આપનુ નામ જોવાનું ચૂકશો નહીં.  આપનુ નામ ક્લીક કરવાથી આપનો પરિચય જોવા મળે એ માટે તમે તમારો ટૂંકો પરિચય ગુજરાતી યુનિકોડ ફોન્ટમાં લખીને મારા ઈ-મેલ એડ્રેસ ઉપર જરૂરથી મોકલી આપશો. સાથે બે ફોટોગ્રાફસ મોકલવા ખાસ વિનંતી. એક બ્લેક ઍન્ડ વાઈટ ફોટોગ્રાફ, સ્વ્પ્નીલ આંખોવાળો, તદ્દન ફ્રેશ, તાજગી ભરેલો રોમાની ચહેરો,  જ્યારે જિંદગી “ઓન ધ રૉક્સ” જીવાતી હતી અને બીજો કલર ફોટોગ્રાફ, અત્યારનો, ક્દી ઘરડી ન થતી આંખોવાળો, સમયની થપાટોથી કંડારાયેલો ચહેરો, ઢળતી બપોરનો.

ગુજરાતી યુનિકોડ ફોન્ટમાં લખવા માટે શબ્દસેતુની વેબસાઇટ ઉપર જઇ ગુજરાતીમાં લખવુ છે? એ લીન્ક ઉપર ક્લીક કરો. બધી માહિતી મળી રહેશે. તો મિત્રો, આપ સૌને આપનો પરિચય તેમ જ બે ફોટોગ્રાફસ મોકલવા હું ફરી એક વાર હાર્દિક વિનતી કરું છું.

શબ્દસેતુ એ એક નાની અમસ્તી સાહિત્યિક સંસ્થા અને આંગણીને વેઢે ગણાય એટલા એના સભ્યો પણ એમની આકાંક્ષા આકાશ ફાડી નાખે એવી અને અત્યાર સુધીમાં ચાર સભ્યો આકાશ ફાડી નાખવા અવકાશમાં જતા રહ્યા છે.

અહીં જ વિરમુ છું.  વધુ આપના સહકાર બાદ……

કિશોર પટેલ – શબ્દસેતુ
જાન્યુઆરી ૨૦૧૦« Newer Posts

શ્રેણીઓ