Posted by: Shabdsetu | ફેબ્રુવારી 9, 2016

પ્રિયે

Priye

પ્રિયે, તારા વગર જીવી નહીં શકું!
એવું તેં કહેલું અને મને પણ લાગેલું
એ સમયે, જ્યારે તને અને મને
શોખ હતો

કળીઓને ખીલવવાનો
તાજા ફૂલોને સજાવવાનો
ઊર્મિઓને ઉકસાવવાનો
લાગણીઓને બહેલાવવાનો
વળાંકો ઉપર એકદિલી વળવાનો
ગળવાનો, ઢળવાનો ને ડૂબવાનો
આકંઠ આનંદ લૂંટતા રહેવાનો
આજીવન છલોછલ જીવવાનો

તને ખીલવનારા સઘળાં સ્પર્શ
મારી આ આંગળીઓ માણે
મને મરોડનાર મીઠા મટકલાં
તારી તોફાની નજરો જાણે
કેટલા સરળ હતા
એકમેકના સમીકરણોને ઉકેલવા
અને કેટલા સહજ હતા
ઉભયના અહમને સંકેલવા!

પરંતુ આ કાચ-કૉંક્રીટના જંગલમાં
રોજ રોબૉટીક જીવાતા દંગલમાં
સંજોગને આધીન
પારંપરિક પ્રજનન કરતાં
ધન ઉપાર્જન મનન કરતાં
ભૂલકાઓની તરફદારીનું
દોષારોપણ જવાબદારીનું
એકબીજાને માથે ઢોળતાં
શબ્દોનું અર્થઘટન કરતાં
ક્યાંક મહેણાંટોણાં મારતાં
દૂર છતાં સાથોસાથ રહેતાં
અરસપરસ પરાણે સહેતાં

સમયના પ્રવાહમાં
એકમેકની આહમાં
એક જ રાહમાં
તોયે ખબર ન પડી કે ક્યારે પેલો
લાગણીઓને પંપાળવાનો શોખ
લાગણીઓને ચૂંથવાની નિરર્થક
ટેવ બની ગયો
સડેલા માંસને ચૂંથતી ગીધડાની તીક્ષ્ણ ચાંચ જેવો!

મને ગમે હૂંફાળા માળાની સવલત
પણ તારી ઊંચે આકાશે ઊડવાની ટેવ
તને કર્ણપ્રિય શબ્દોના આસવની લત
મને મૌનનો મીઠો નશો માણવાની ટેવ
મારા ભાગ્યે જે જે આવ્યું એમાં હું તુષ્ટ
ને તારી ભાગ્યવિધાતાને ભાંડવાની ટેવ
સામે કિનારે દેખંતું રંગીન મેઘધનુષ જોઈ
એ આભાસી રંગોથી ઘર રંગવાની ટેવ

પછી તો પળે પળે ખંડેરાતી
કચકડાની કતરાતી જિંદગીમાં
તું ‘તું ’ થઇ ગઇ અને હું ‘હું’  બની ગયો
અને છેવટે
ઘસાઇ ગયેલા પગથિયાં જેવા ચહેરા લઈને
એકબીજા સામે ઘૂરકીયાં કરવાની રોજ ઊઠીને
આદત પડી ગઈ

વર્ષો વીત્યાં, પંખી ઊડ્યાં
ને માળે આવ્યો સૂનકાર
ન ટહુકો ન કલરવ આંગણે
ઊતર્યો અબોલો ભેંકાર
બંધ ઓરડા ને ખાલી મકાન
ખાલીપો, ઝુરાપો ને છે ગુમાન
સોગિયું જીવન ને સોરાતો સંબંધ
શું નિયતિનો આજ છે પ્રબંધ?

ભીતરનો ભૂતકાળ ઉલેચતાં
યાદદાસ્તના પોપડા ઉખેડતાં
કડવા મીઠા સ્મરણો કોતરતાં
એકલતામાં અવલોકન કરતાં
બેઉ બંધ ઓરડે ચૂપચાપ જીવે
સાવ એકલાઅટૂલાં આંસુ પીવે

ક્યાંક હળવેકથી પગરવ થાય
ને ઓરડો આખો પડઘાય
બારણે ટકોરા પડશે
ને હમણાં સાદ કરશે
એ આશમાં મન હરખાય
ને શક્યતામાં ઝોલાં ખાય

હૈયે હતી બેઉ તરફ
દિલોજાનથી જીવવાની ચાહ
પણ પ્રથમ કોણ લગાડે
અહંકારના ઉંબરે દાહ?
કાશ, એકવાર, બસ એકવાર કહી શકીએ
પ્રિયે, તારા વગર જીવી નહીં શકું!

કિશોર પટેલ

એવી જગાએ આવી થંભી ગયા છીએ કે,
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.
અનિલ ચાવડા


પ્રતિભાવો

  1. I love your shabdshetu. Love to read more about it. Poems and stories are superb.

    Like

  2. superb …..

    Like

  3. very nice …

    Like

  4. સુંદર કવિતા જીવનની.

    pravinash

    Like

  5. વાહ! સુંદર રજુઆત.
    જીવનના વહેણમાં ઉમંગ જાળવી રાખવાં અહંમને એક કોર મુકતાં દાંપત્યમાં સંગીત ગુંજતુ રહે. સરયૂ પરીખ

    Like

  6. સરસ, કિશોરભાઈ. એક સુચનઃ અનિલ ચાવડાની છેલ્લી પંક્તિનો છેલ્લો શબ્દ ‘પાછુ’ ને બદલે ‘પાછળ’ મુકવાથી શબ્દ ‘આગળ’ સાથે પ્રાસમાં આવી જાય છે.

    Like

  7. Nice

    Like

  8. પ્રિયે તારા વગર જીવી ના શકું. કેવી સરસ ઈચ્છા, કામના. કાશ બધાની આ ઈચ્છા પૂરી થઈ શકી હોત. પણ દુર્ભાગ્યે આવું થતું નથી. ઍક બીજા વગર પણ જીવવું તો પડે છે.

    Like

  9. સરસ કિશોરભાઈ, હાર્દીક અભીનંદન.

    Like


Leave a comment

શ્રેણીઓ