‘લખતાં લખતાં લહિયો થવાય’ની જેમ જ આજુબાજુ સતત ગઝલો અને છંદો અને એના માટે જરૂરી વિચારો ને શબ્દો સાંભળી સાંભળીને જ બિસ્મીલ મન્સૂરી ગઝલો લખતાં થયાં છે.

શરૂઆતના દિવસોમાં તેઓ આપણા લાડીલા ગઝલકાર આદિલ મન્સૂરીના પત્ની તરીકે જ ઓળખાણ પામ્યાં.  આદિલજીની સાથે દેશ-વિદેશના કાર્યક્રમોમાં એમને પણ આમંત્રણો મળતા હતા અને હવે તો બિસ્મીલ મન્સૂરીને સ્વતંત્ર રૂપે એક સર્જક તરીકેની ઓળખાણ મળી ચૂકી છે.

૧૯૪૨માં અમદાવાદમાં એક રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં બિસ્મીલબહેનનો જન્મ થયો, અમદાવાદમાં જ ઉછેર અને ૧૯૬૪માં આદિલ મન્સૂરી સાથે લગ્ન થયા.  ત્યાર બાદ તેઓ એક ઘરરખ્ખુ ગૃહિણી જ બની રહ્યાં અને પાંચ બાળકોના ઉછેરમાં જ પૂરેપૂરો સમય વિતાવ્યો,  જો કે આદિલજીના કારણે ભાષા તેમ જ સાહિત્યકારો સાથે સતત સંપર્ક જળવાઈ રહ્યો.

૧૯૯૮માં ઈંગ્લેન્ડમાં યોજાયેલ દ્વિભાષી કાર્યક્રમમાં અમુક વક્તાઓને સાંભળ્યા પછી બિસ્મીલબહેને આદિલભાઈને કહ્યું કે, “આવું બધું તો હું પણ લખી શકું…”  આદિલજીના પરિચયમાં આવનારા જાણે છે કે તેઓ હંમેશા બધાને જ લખવા માટે પ્રોત્સાહન આપતા રહેતા, જ્યારે આ તો ઘરની જ વાત!  એમણે તરત જ એ વિચાર વધાવી લઈને બિસ્મીલબહેનને શિસ્તબધ્ધ છંદો શીખવા જણાવ્યું.  આ તાલીમ બાદ બિસ્મીલબહેને ગુજરાતી તેમ જ ઉર્દૂમાં લખવાની શરૂઆત કરી.

સૌ પ્રથમ એક નાનકડી અછાંદસ રચના અવતરી અને એ પણ નમાજ પઢતી વખતે!   ત્યાર બાદ… અને હવે તો આ કવિયત્રી પોતાના મનના ભાવોને સરળ ભાષામાં સાહજિકતાથી દર્શાવતાં આગળ વધી રહ્યાં છે.   મનના અગાધ ઊંડાણમાંથી આવતી એમની એક રચના.

કળ વળે

વીતેલી જીર્ણશીર્ણ યાદોના શબ
ખભે લટકાવી ભટકું અહીં તહીં
શ્વાસના સ્પર્શે પડઘાઉં અંધકાર મહીં
ઊંડાણે સળવળતી સ્મૃતિ કણસતી
ડોકિયું કરી સમયના દર્પણ બેચેન બનાવે
મને કળ વળે પળવાર જો હવે…

નીતા દવે – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા

‘અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

બિસ્મીલ મન્સૂરીના સ્વમુખે એમની રચના સાંભળવા અહીં ક્લીક કરો.
સવાર સાંજના આ પડછાયા – કાવ્ય પઠન

સવાર સાંજના આ પડછાયા
સુખ દુખની ફેલાતી માયા

આંખ મિલાવે હાથ મિલાવે
પણ મનમાં અંતર પથરાયા

માથાપર તોળાતો સૂરજ
રેબઝેબ પરસેવે કાયા

સમય સમયની બલિહારી
પોતીકા પણ થાય પારકા

વર્ષો વિત્યા તો પણ બિસ્મિલ
ભેદ જીવનના ક્યાં સમજાયા

મન હતુ ખુદનું ક્યાં યે પરાયુ હતું
કોઈથી યે છતાં ક્યાં કળાયુ હતું
કોણ ડોકાતુ બિસ્મિલ અહીં દર્પણે
જે ન ક્યારે પણ ઓળખાયુ હતું

હવે આંખ સામે સૂર્યો જ સૂર્યો
અહીં બસ પણે ત્યાં સૂર્યો જ સૂર્યો

કિલ્લા બૂરજની દિવારો પછી થઈ
ધરાની ભિતર પણ સૂર્યો જ સૂર્યો

પવનની આંખો હવે તો ચકાચોંધ
કીકીમાં જુઓ તો સૂર્યો જ સૂર્યો

સવારે જુઓ તો સુગંધી ફૂલોના
રંગોમાં વ્યાપ્યા સૂર્યો જ સૂર્યો

જંગલ, પહાડો, ખીણો ને ગૂફાઓ
ધરી ચાલ્યા રસ્તે સૂર્યો જ સૂર્યો

જળમાં ચલાવી છે કાગળની હોડી
હલેસે હલેસે સૂર્યો જ સૂર્યો

હવે ફેફસામાં ભરી લો હવાઓ
હવે શ્વાસે શ્વાસે સૂર્યો જ સૂર્યો

સતિષ ડણાક ના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો.
હવે આંખ સામે સૂર્યો જ સૂર્યો – કાવ્યપઠન

‘ફના’ મેં સાંભળ્યો નહિ કેમ કોઈ છમકારો!
બધા કહે છે કે સૂરજ ડૂબ્યો છે દરિયામાં.

જવાહર બક્ષી

હું ગોતું છું પોતે મને

પવન પૂછે અતાપતા, મંજિલો ખુદ ગોતે મને
સમયની ઝીણી ચારણમાં હું ગોતું છું પોતે મને.

ગભરુ  કેડી શેરીની  ખોવાઇ  ગઇ’તી ભીડમાં,
શ્વાસ ભરતી લયગતિ પ્રોવાઇ ગઇ’તી ભીડમાં,
ટહુકા શોધે વનવનમાં, ક્યાંથી ભલા એ જોતે મને,
સમયની ઝીણી ચારણમાં હું ગોતું છું પોતે મને.

હયાતિ વેતાળ ખભે, પૂરવ-સૂરીનો ભાર ખભે,
અમલ ઘોળેલી હવામાં નશીલા ઓથાર નભે,
સવાલોના ગળે ટૂંપા શરતને સમજોતે મને,
સમયની ઝીણી ચારણમાં હું ગોતું છું પોતે મને.

મેં ધર્યું તરણું તો સાગર ઓળઘોળ ઓવારી ગયો,
ઉચકી મુજને  હળવેથી  કિનારા સુધી તારી ગયો,
મેં કેમ માન્યું કે જગતમાં કોઇ ના ખોતે મને,
સમયની ઝીણી ચારણમાં હું ગોતું છું પોતે મને.

કરમ નામે ભરમ પાળ્યો, ભરમ નામે પડછાયો,
જનમનાં વાઘાં પહેર્યાં વિણ પરમ નામે પરખાયો,
પરગટ થઇ સામે આવે તો એની પરખ હોતે મને,
સમયની ઝીણી ચારણમાં હું ગોતું છું પોતે મને.

કીર્તિકાન્ત પુરોહિત

કીર્તિકાંત પુરોહિતના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો.
સમયની ઝીણી ચારણમાં હું ગોતું છું પોતે મને – કાવ્યપઠન

તમે એકવાર એનામાં ખોવાયા બાદ
કદી પોતાની જાતને જડ્યા છો?

મુકેશ જોષી

ગહનતા ઘાવની માપી શકું, એવું ગજું ક્યાં છે? – અહમદ ‘ગુલ’

બહુ જ સૌમ્ય વાણી વાળા ‘ગુલ’ સાહેબ બેટલી, યુ. કે. ના એક જાણીતા અને માનિતા શાયર છે.  ગુજરાતી સાહિત્ય-સર્જનની પ્રવ્રુત્તિને આગળ ધપાવવા એમણે બેટલી, યુ. કે. માં ‘ગુજરાતી રાઇટર્સ ક્લબ’ ની સ્થાપના કરી છે.

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.

આમંત્રિત કલાકારો અથવા કોઈ પણ સભ્યને કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા

અહમદ ‘ગુલ’ના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
એવું ગજું ક્યાં છે? – કાવ્યપઠન

ગહનતા ઘાવની માપી શકું, એવું ગજું ક્યાં છે?
વળી હર ઝખ્મ પંપાળી શકું, એવું ગજું ક્યાં છે?

સતત ઝરતી રહે છે લૂ, છતાં પણ ચાલવું તો છે,
ઘડીભર છાંયડો પામી શકું, એવું ગજું ક્યાં છે?

પડી છે વીજળી માળા ઉપર એની ખબર છે પણ,
તણખલાંઓ હવે લાવી શકું, એવું ગજું ક્યાં છે?

અમારી દુર્દશાની વાત હર મહફીલમાં ચર્ચાઇ,
જરા હું આયનો ઝાંખી શકું, એવું ગજું ક્યાં છે?

ઘણી લાંબી બની ગઇ છે હવે ઝખ્મો તણી યાદી,
બધાં નામો ભલા વાંચી શકું , એવું ગજું ક્યાં છે?

હવે એકાંતની ઝાલી જ લીધી આંગળીઓ ‘ ગુલ’
ફરીથી ભીડમાં ચાલી શકું, એવું ગજું ક્યાં છે?

અહમદ ‘ગુલ’

હવે ના શબ્દ છંછેડું,
મને છે મૌનનું તેડું.

કવિ જેમ ઉઘડી શકાતુ નથી હોં – ચિનુ મોદી ‘ઈર્શાદ’

ચિનુ મોદી આદિલ સાહેબના જીગરી દોસ્ત.  ૨૦૧૦ના શબ્દસેતુના મુશાયરામાં આદિલ સાહેબની ખોટ વર્તાતી હતી.  ચિનુભાઈના શબ્દોમાં “મયખાનુ સાવ ખાલી ખાલી લાગે છે.”

એમના શેરોમાં અપનાપન – આપણાપણું ડોકાય છે જાણે આપણા જ મનની વાતોને વાચા ન આપતા હોય!  ચિનુભાઇ સાચું કહેવામાં ક્દી અચકાતા નથી. એમની વાતો સાચી અને સચોટ હોય છે પણ કેટલાંકના દિલને કઠે છે.

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈ પણ સભ્યને કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા

 ચિનુ મોદી ‘ઈર્શાદ’ના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
કવિ જેમ ઉઘડી શકાતુ નથી હોં – કાવ્યપઠન

થોડા મુક્તકો

કવિ જેમ ઉઘડી શકાતુ નથી હોં
સમયસર નિખાલસ થવાતુ નથી હોં
તને ભૂલવાના હતા કંઈક રસ્તા
પણ હવે આપણાથી ચલાતુ નથી હોં

ક્રૂરતા ક્યાં કદી બતાવે છે
માત્ર એ જીવતા ચણાવે છે
મખમલી મોજડી અપાવે છે
પગ વગરના પછી બનાવે છે

ધબકવા ન દે, શાંત પડવા ન દે
કમાડો ઉઘાડે, નીકળવા ન દે
ઘણી વાર વરસાદ એવો પડે
ચિતા પર ચઢો ને સળગવા ન દે

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

જ્યારે જ્યારે તું હની ખિજાય છે – અદમ ટંકારવી

આદિલ સાહેબની જેમ, યુ. કે. નિવાસી અદમ ટંકારવીનું પણ ટોરોન્ટો એ એમને ગમતું બીજુ ઘર છે. ગુજરાતી મુશાયરાઓમાં આ બન્નેની જોડી એક સાથે જોવા મળતી હોય છે.

અદમ ટંકારવી ‘ગુજલિશ ગઝલો’ ના પ્રણેતા છે. એમણે વેસ્ટર્નાઇઝ્ડ થયેલ આપણી યુવાપેઢીને ગમે એવી ‘ગુજલિશ ગઝલો’ લખી છે.

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈ પણ સભ્યને કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા

અદમ ટંકારવીના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
જ્યારે જ્યારે તું હની ખિજાય છે – કાવ્ય પઠન

જ્યારે જ્યારે તું હની ખિજાય છે
ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે

સાવ નિર્મમ ના કહીશ ગુડબાય તું
ગુજરાતીમાં આવજો કહેવાય છે

તું મને પાલવનું ઇન્ગ્લીશ પૂછ ના
અહિંયા આંસુ ટીશ્યુથી લુછાય છે

વાતે વાતે બોલતી બુલશીટ તું
તારું મોંઢુ એટલે ગંધાય છે

લાગણી એચ આઈ વી પોસિટીવ છે
લાગણીને ક્યાં હવે અડકાય છે

મોનિકા જેવી જ ભાષા છે ‘અદમ’
સહેજ અડીએ ને ભવાડા થાય છે

જાણે કે બીજી છોકરી નથી

છે તોર એનો એવો કોઈની પડી નથી
આ ગામમાં જાણે કે બીજી છોકરી નથી

અધ્ધર ઉપાડી કોઈએ સપનામાં એકવાર
બસ ત્યારથી ધરતી ઉપર પગ મૂકતી નથી

પંડિતજી પોથીમાં શું શોધો છો ક્યારના?
ત્યાં સ્વર્ગથી અપ્સરા કોઈ ઊતરી નથી

એને તેં એટલી તો ફટાવી દીધી ’અદમ’
કે આ ગઝલ કોઈને હવે ગાંઠતી નથી

ગઝલ લખી દો સીધીસાદી, અદમ
જીવીકાકીની સવિતા જેવી.

Posted by: KishoreCanada | October 17, 2011

પીપળાનુ પાન

પીપળાનુ પાન

પાંસઠ મિણબત્તીઓ બુઝાવી
હવે, કેટલી બુઝાવવાની બાકી રહી?

ચાલુ ચીલાની પાર્ટી પૂરી થઈ,
સહુ વિખેરાયા, અને હું
ઘરના ખૂણે આવેલ પુસ્તકાલયમાં
પાંસઠ વર્ષોનું સરવૈયું કાઢવા બેઠો.

રુદિયાના એક ખૂણે, વર્ષોથી ટૂંટીયું વળીને થીજી ગયેલી દેશદાઝનો રોષ
વરજીન જુવાનીનો ધરબાઇ ગયેલો ફૂટયા વગરના બોમ્બ જેવો આક્રોશ
મરવા વાંકે જીવી રહેલા નપુસંક જેવા અધમરા ઓગળી રહેલા આર્દશ
આ બધાની એક પછી એક બાદબાકી કરી
માંયલાને મારીને કરેલા સમજોતાઓનો સરવાળો કર્યો
જાણે અજાણે, ભૂલથી થઇ ગયેલી ભૂલોનો ભાગાકાર કર્યો.

હાથ ખાલી હતા ત્યારે, પણ ઘણું બધુ હતું
આજે બે હાથે ભેગુ કરેલું ઘણું છે
તેમ છતાં સાવ ખાલી ખાલી લાગે છે
કંઇક ખૂટે છે, ખૂંચે છે, ખોટ વર્તાય છે
રોજ સવારે દાઢી કરતા આયનામાં
ઘણી વખત આંખ નથી મેળવી શકાતી

કાંત, કલાપી, મેઘાણી, મુનશી, પ્રેમચંદ
ગાલીબ, ઇકબાલ, ફૈઝ, ટાગોર, શરદ
હ્યુગો, હેમીંગ્વે, વોલ્તેર, ટોલ્સ્ટોય
પડયા હતા સૌ ધૂળ ખાતા અભરાઇએ
ધૂળ ખંખેરી એક પુસ્તક કાઢ્યું
“કલાપીનો કેકારવ”
એક જમાનાનું મારુ અતિપ્રિય
કોઈકે મને ભેટ આપેલું
ખૂબ જ પ્રેમથી, યાદગીરી માટે
અનેરા મીઠા સંભારણાં સહિત

પાના ફેરવતા, મળી આવ્યું
એક સૂકાઈ ગયેલું પીપળાનું પાન
અનાયાસ મારો હાથ ફરી ગયો.
ને હું બે ઘડી ફરી જીવી ગયો
કેવુ લીલુછમ હતું, આ એક સમયે!
આજે કંતાઈને જર્જરિત થઈ ગયું છે!

તમે મંઝિલ નજર સમક્ષ રાખી દોડો પૂર્વમાં
અને ખબર પડે કે પહોંચી ગયા છો પશ્ચિમમાં
એનુ નામ નસીબ!

જ્યોર્જ બર્નાડ શોનું પેલુ કોટેશન વિચારવા જેવું છે -
“જે ગમે એ કરો, નહી તો જે કરશો એ ગમવા માંડશે”.

કિશોર પટેલ

હો સકા ના કુછ મગર શામ બન ગઈ સહર
વહ ઉઠી લહરકી ઢહ ગયે કિલે બિખર-બિખર
ઓર હુમ ઝુકે-ઝુકે, મોડ પર રુકે-રુકે
ઉમ્ર કે ચઢાવ કા ઉતાર દેખતે રહે
કારવાં ગુઝર ગયા, ગુબાર દેખતે રહે!

કવિ નીરજ

નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ – આદિલ મન્સૂરી

‘આદિલ’ સાહેબ અને ‘શબ્દસેતુ’ – ઘરોબો.  ટોરોન્ટો એ આદિલ સાહેબનુ ‘કોટેજ’.
‘શબ્દસેતુ’ નો પહેલો મુશાયરો ૧૯૯૬ – આ પગદંડી આદિલ સાહેબે પાડેલી.  આજે પથ બની ગયો છે.

ત્રણ વર્ષ વીતી ગયા પણ હજી ગઈ કાલની જ વાત હોય એમ લાગે છે. આદિલ સાહેબ આપણી સાથે જ છે. એમના જ શબ્દોમાં -

મને ન શોધજો કોઈ હવે હું ક્યાંય નથી
ને જુઓ તો તમારી જ આસપાસમાં છું    

આદિલ સાહેબને ‘શબ્દસેતુ’ની હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી અને ખૂબ ખૂબ નમન…
પ્રભુ એમના આત્માને શાંતિ આપે.  ખુદા એમની રૂહને જન્નત બક્ષે.  એમના ચંદ શેરો એમની યાદમાં…

આ બધા લાચાર થઈ જોતાં રહ્યાં
હાથમાંથી જિંદગી સરકી રહી

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે

ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા
ખૂશ્બુથી કિંતુ આપનો પાલવ ભરી ગયા

સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઇને ‘આદિલ’
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે

આદિલ હંમેશા આદિલ જ હતા અને આદિલ જ રહેશે…

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.
આમંત્રિત કલાકારો અથવા કોઈ પણ સભ્યને કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા

આદિલ મન્સૂરીના સ્વમુખે એમની ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
સૂર્યની આંખોથી છલકાતી ગઝલ – કાવ્યપઠન

સૂર્યની આંખોથી છલકાતી ગઝલ
ચાંદની – સર્વત્ર પથરાતી ગઝલ

લીલી પીળી વાદળી રાતી ગઝલ
છેવટે તો શ્વેત થૈ જાતી ગઝલ

ક્ષણમાં સિદ્ધિના શિખર પર જઈ ચડે
એ જ સદીઓથી ઉવેખાતી ગઝલ

મૌન વચ્ચે મૌન વચ્ચે બૂમ થૈ
મનનાં ઊંડાણોમાં પડઘાતી ગઝલ

વહી જતી પથ્થર ઉપરથી વહી જતી
કાળે જે પાણીના કોરાતી ગઝલ

જ્યારે આદિલ શ્વાસ પણ ડૂબી જતો
ત્યારે રોમ રોમ સંભળાતી ગઝલ

જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે
નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ

આ મત્લા મક્તા રદીફને કાફિયાઓ વચ્ચે
હું ખુદથી વાતો કર્યા કરું છું ગઝલના ઘરમાં

Posted by: KishoreCanada | September 28, 2011

મૂડી

મૂડી

મનજીત પંદર વર્ષથી શ્યામલાલ અને મનોરમાનો  વિશ્વાસુ ડ્રાઈવર હતો.  પતિપત્ની કારમાં ઘણી અંગત વાતો કરતાં.  એટલે ઘણું બધું એ જાણતો હતો.  પણ અહીંનું તહીં કરવાની એનામાં ટેવ નહોતી.

શ્યામલાલની એક બહુ અંગત વાત પણ એ જાણતો હતો.  શ્યામલાલ અવારનવાર કોઠાની મૂલાકાત લેતા.  એક વાર શ્યામલાલ એ સ્ત્રીને એક ડૉકટર પાસે લઈ ગયા હતા.  એટલે કોઈ સ્ત્રી સાથે આડ સંબંધ હોવાની એને ખાત્રી થઈ હતી.  મોટા લોકોનાં મોટાં રહસ્યો એમ માની આંખ આડા કાન કરતો.

બેચાર વાર મનજીત સાથે એકલા દવાખાને જવાનું થતાં નિરુપમાનો પરિચય થયો.  મનોરમા એ રહસ્ય જાણે તો ઘરમાં મહાભારત સર્જાવાની અને પોતાની કાયમી આવક જતી રહેવાની બીકને કારણે મનજીતને ચૂપ રહેવા દર મહિને એને બસો રૂપિયા આપવાનું નકકી કર્યું.

એક વાર મનજીતે એના દીકરાના ઓપરેશન માટે શ્યામલાલ પાસે વીસ હજાર રૂપિયાની લોન માગી.  શ્યામલાલે ગુસ્સે થઈને કહ્યું, “એટલી મોટી રકમ તું આ જન્મે તો પરત નહિ કરી શકે.  સોરી, બેપાંચ હોય તો જુદી વાત.”
“શેઠજી, મારા દિકરાની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડોકટરને સાત દિવસમાં પૈસા ચૂકવવાના છે.”
“સોરી, હું તને મદદ નહિ કરી શકું.”

મનજીત ચિંતામાં વ્યગ્ર હતો .  એને નિરુપમા યાદ આવતાં  નિરુપમા પાસે જઈ આજીજી કરી.
“જો શ્યામલાલ સાથેના અમારા સંબંધની વાત તું કદી કોઈને ન કરે તો હું તને મદદ કરીશ. પણ માસિક ભથ્થુ બંધ.”
“તમે મને મદદ કરતાં હો તો મને એ મંજૂર છે.” કહેતાં એને નમી પડયો.
“તારા ડૉકટરનું નામ સરનામું આપ.  બે દિવસ પછી મને મળજે.”
મનજીતે સરનામું આપ્યું.

બીજે દિવસે નિરુપમા ડૉકટરને મળવા ગઈ.  એની ચાલાક આંખો ડૉકટરના આંતર મનને પારખી ગઈ.  એણે ડૉકટરને એની જાળમાં ફસાવ્યા.  દર મહિને મળવાનું વચન આપી મનજીતના દિકરાના ઓપરેશન માટે બાંધી લીધા.

બીજે દિવસે મનજીત મળવા આવ્યો ત્યારે કહ્યું, “તારું કામ પતી ગયું.  આવતા સોમવારે ડૉકટર ઓપરેશન કરશે.”
“તમે પૈસા આપી દેશો ને?” મનજીતે ભોળાભાવે પૂછયું.
“એ તારે નહિ જોવાનું. તારું કામ પતી જશે.  તારું વચન પાળજે .”

મનજીત નિરુપમાની વાત સમજી ગયો.  એની એક મહત્વની મૂડીનો વિચાર કરતો એના દિકરાની ખુશીમાં ગરકાવ થઈ ગયો.

જય ગજ્જર

કોઈ હમદર્દ આવે છે, કોઈ ગમખ્વાર આવે છે
હજારો દર્દ લઈને લોક મારે દ્વાર આવે છે

કવિ નઝ


Posted by: KishoreCanada | September 16, 2011

હિંદ છોડો

હિંદ છોડો

મુઠ્ઠી ભરી મીઠું ઉપાડ્યું ને ડોલવા લાગ્યું અંગ્રેજોનું શાસન
કરેંગે યા મરેંગે, હિન્દુસ્તાન હમારા હૈ.
૭૩વર્ષિય વયોવૃધ્ધ ગાંધી બાપુએ ૧૯૪૨માં અંગ્રજોને હાકલ કરી:
“હિંદ છોડો”
ને દેશને મળી અહિંસક આઝાદી
“જયહિંદ ! વંદે માતરમ્ ! ભારત માતાકી જય !” ના નારા સાથે.

આઝાદી આવી઼, સત્તા અને સૂત્રો લાવી
અમે બે અમારાં બે, કરાવો નસબંધી
આરામ હરામ હૈ! હઠાવો ગરીબી!
જય જવાન, જય કિશાન; મેરા દેશ મહાન
ને દેશને મળી અસીમ ગરીબી
“જયહિંદ ! વંદે માતરમ્ ! ભારત માતાકી જય !” ના નારા સાથે.

નેતાગીરી ને ગુંડાગીરી આવી, પુષ્કળ પોકળ ભાષણો લાવી.
સગાંવાદ ને વંશવાદ આવ્યો, ખુરસીવાદ ને આતંકવાદ લાવ્યો.
લાંચરુશવત ને ભ્રષ્ટાચાર આવ્યા, અસહય મોંઘવારી ને ભૂખમરો લાવ્યા.
ઠગનારા સાધુસંતો ને ધાર્મિક  માફિયાઓ, નેતા-અભિનેતા ને શિક્ષિત ઘેટાંઓ,
રૂઢિચુસ્ત રિવાજો ને ધર્માંધતાએ દેશની કરી બેહદ બરબાદી
“જયહિંદ ! વંદે માતરમ્ ! ભારત માતાકી જય !” ના નારા સાથે.

આજે ૭૩વર્ષિય વયોવૃધ્ધ અમારા બાપુએ પ્રતિજ્ઞા લેવડાવી
પરદેશમાં રહી દેશ સેવા કરવાની
એ સાચા ગાંધીવાદી સૈનિકે,
પાષાણ બની, ભારે હૈયે,
બેદિલ શરમિંદી સાથે, ગળગળા કંઠે કહ્યું:
“હિંદ છોડો”

મનુ પટેલ

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
            અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.            

આદિલ મન્સૂરી

 

Posted by: KishoreCanada | September 3, 2011

ગાંધીની રાખમાંથી

ગાંધીની રાખમાંથી

ગાંધીની રાખમાંથી આજે ધુમાડો નીકળ્યો
છ દાયકા પછી રાજઘાટ પર જ્વાળામુખી ફાટ્યો
અહિંસાની લડાઈ તો ક્યારની ભુલાઈ  ગઈ
શ્વેત ખાદીના વસ્ત્રોની લજ્જા પણ હણાઈ ગઈ

રજવાડાથી પણ વધુ સાલીયાણા મેળવતા નેતાઓ
છતાંએ ધન ભૂખ્યા રહેતા ચૂંટાએલા પ્રતિનિધિઓ
સત્ય, અહિંસા, ઈમાનદારી ને દેશદાઝ ખોવાઈ ગયા
કટકી, સ્કેમ અને લાંચથી  સ્વીસ બેન્કના ખાતા ભરાઈ ગયા

ક્યારે ક વાચ્યું છે દેશમાં ફરતી ટ્રકોની પાછળ
‘સો મેસે નબ્બે બેઈમાન ફિર ભી મેરા ભારત મહાન’

આઝાદીની લડત કાજે

આઠ હજાર છસ્સો રૂપિયા લુંટેલા કાકોરી કાંડમાં
એમાં ચાર ક્રાંતિકારીઓને ચડાવી દીધા ફાંસીના ફંદામાં
આજે તો કરોડોની ઉચાપત સ્વતંત્ર ભારતમાં થાય છે
ને નિર્લજ્જ સફેદ ઠગો બિન્ધાસ થઈ ફરે છે

ત્યારે ગાંધીની રાખમાંથી ધુમાડો નીકળે છે.

નિધીશ દલાલ  ‘મુસાફિર’

ભારતના નભ પરથી જયારે તેજ તારલા ખરતા દીઠા;
અને આગિયા અગણિત જયારે ઊચા આભે ચડતા દીઠા
સત્તાના સિંહાસન કાજે લડતા અને ઝઘડતા દીઠા
તે દિ’ મેં તો રાજઘાટ પર રાષ્ટ્રપિતાને રડતા દીઠા

દુલેરાય કારાણી


Posted by: KishoreCanada | August 18, 2011

કોણ માનશે

કોણ માનશે

એ સમય વ્યથાનો હતો કોણ માનશે
રુદનનો જમાનો હતો કોણ માનશે

ભટકી જતે હું યે લપસણા પથ ઉપર
એહસાન ખુદાનો હતો કોણ માનશે

ભેગા થયા તબીબો નિદાનના કાજે
ને વકત એ દુવાનો હતો કોણ માનશે

સમજતો હતો હું વફા મારો ઈજારો
એ ખુદા બધાનો હતો કોણ માનશે

આખરે એ ઉભય બેઉ એક થઈ ગયાં
ઝઘડો એક અના નો હતો કોણ માનશે

ને અમે સહજથી એને મેળવી લીધો
રસ્તો એ ફનાનો હતો કોણ માનશે

આમ સરળતાથી એ પ્રાપ્ત ક્યાં થતે
અણસાર વફાનો હતો કોણ માનશે?

અના=અહઁકાર

મોહમ્મદઅલી ભૈડુવફા

ફક્ત ડોઝ તો દવાનો હતો કોણ માનશે?
ચમત્કાર બસ દુવાનો હતો કોણ માનશે?

સુલેમાન દેસાઇ ‘જિદ્દી લુવારવી’

Posted by: KishoreCanada | August 3, 2011

સીતાની અગ્નિપરીક્ષા

સીતાની અગ્નિપરીક્ષા

ક્યાં સુધી ધવલશીલા જાનકીની
અગ્નિપરીક્ષા થતી રહેશે આમ?
હૈયાનું હીર નીચોવી નીચોવીને
જુવાન બનાવી લવ-કુશની જોડી
અંતે જીવન-કર્તવ્ય પૂરું થયું માની
મા-ધરતીમાં સમાઈ ગયાં સીતાજી.

લાચારી હતી શું એ એની?
ના,- ના,

એ તો હતો ત્યારની સુપ્રીમ કોર્ટે
આપેલા ચુકાદા જેવો
એક જોરદાર તમાચો,
રાજા રામના ગાલ ઉપર!

અને અલોપ થતાં થતાં
ચિત્કાર કરી ઊઠ્યાં હશે
ભરી સભામાં જાનકી.

પલકવારમાં માને ખોળે
સમાઈ જાઉં હું
ને તમે જોતા જ રહી જશો
જોતા જ રહી જશો
હે રાજન!

મધુરી ધનિક

તું કોઈ, અમેરિકન પત્નીની જેમ મને છોડીને, ચાલી તો ન ગઈ.
તેં મને અનેક માણસોની વચ્ચે, વકીલોને સહારે
કોર્ટમાં, બદનામ પણ ન કર્યો.
ન તો ક્યારે, આક્રોશ ર્ક્યો, ન ફરિયાદ કરી.
માત્ર એક દિવસ, વાતવાતમાં, તું આટલું જ બોલી ગઈ.
આવતે ભવે પતિ તરીકે તમે તો નહીં જ !

વિપીન પરીખ

Posted by: KishoreCanada | July 20, 2011

એ હું જ


એ હું જ

પુસ્તકો મારી અભરાઈ પરનાં
નહિ હોય, કદાચ મારાં,
વિચારો પણ મૌલિક
નહિ હોય કદાચ મારાં,

તોયે મૂઠી ઊંચો છું
કારણ, ઊભો છું ચઢી અનેક પૂર્વજોના ખભા ઉપર.

હશે આ પિંડ
પાણીનો પોણા ભાગનો,
બીજા પંદર સત્તર હિસ્સા
હશે હાડ, માંસ અને મજ્જાના.

ભળી ગયા છે વળી
બુદ્ધ, ગાંધી ને મેકીઆવેલી
બે ત્રણ બાકીના હિસ્સામાં.

પણ હિસ્સો બચેલો એક
એ જ હું, પ્રતીક પ્રગતિનું, નથી કોઈ ક્લોન કોપી જેની,
મગરૂર છું હું,
એ જ હું, એ જ હું.

શાંતીલાલ ધનિક

આ પ્રુથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે.
પહેલો પુરુષ એક્વચન છે, એ બીજો નથી,
એ અદ્વિતીય હોય અથવા ન હોઈ શકે
પણ એનો દ્વિતીય નથી.
હું એક જ છું.
મારા જેવો બીજો નથી.

ચંદ્રકાંત બક્ષી

Posted by: KishoreCanada | July 4, 2011

સમય બદલાય તો જાશે

સમય બદલાય તો જાશે

જગાડી જગત પરભાતે સમય બદલાય તો જાશે
ઢળી આરામ લઈ રાતે સમય બદલાય તો જાશે

વહે વણઝાર રણ વગડે સબંધોના ભરી ઘરબાર
મજલ જો ના મળે વાટે સમય બદલાય તો જાશે

ચિરાડો પ્યારની સંધાય છે વિશ્વાસ ને ધાગે
ગળું કાપે દગલ બાજે સમય બદલાય તો જાશે

જવાની જામ દોલતનો નશો એક મીણ જેવો છે
ખુમારી પીગળી જાશે સમય બદલાય તો જાશે

વસંતો લાવશે રંગત ખુશી ને ઢોળશે બાગે
પડે જો પાંડદાં ઘાતે સમય બદલાય તો જાશે

જનમ ને મરણ વચ્ચે જે જીવનના હાલ છે આજે
જનાજો ઊઠતાં સાથે સમય બદલાય તો જાશે

બાબુ પટેલ

વક્ત સે દિન ઔર રાત, વક્ત સે કલ ઔર આજ
વક્ત કી હર શૈ ગુલામ, વક્ત કા હર શૈ પે રાજ
આદમી કો ચાહિયે, વક્ત સે ડર કર રહે
કૌન જાને કિસ ઘડી, વક્ત કા બદલે મિઝાજ…

સાહિર લુધિયાન્વી

Posted by: KishoreCanada | June 15, 2011

‘ફાધર્સ ડે’

ફાધર્સ ડે

આ રવિવારે ‘ફાધર્સ ડે’ આવી રહ્યો છે.  ’ફાધર્સ ડે’ હોય કે ‘મધર્સ ડે’, એ દિવસે સ્તવન બહુ જ ઉદાસ થઈ જાય.  વર્ષોના અગણિત ઉપકારોને યાદ કરવા માટે આખા વર્ષમાં આવતો આ એક માત્ર દિવસ!  પણ આ દિવસ એને ખૂબ વિહ્વળ બનાવી દે. એક લાચારીનો અહેસાસ કરાવે.  એ અહીં પરદેશમાં અને ઘરડા બા બાપુજી દેશમાં.  ઘણી વાર એ વિચારે, શું પરદેશમાં વસતા બધા જ પુત્રો મારી જેમ  આવી ‘ગિલ્ટી ફીલ’ કરતા હશે!

સ્તવન એક નો એક દીકરો.  વર્ષોથી કેનેડામાં સ્થાયી થયો છે.  એક મોટી કંપનીનો એ પ્રેસીડન્ટ છે.  સુંદર પત્ની અને બે બાળકોનો સંસાર છે, પૈસો પણ અપાર છે.  કશાની ખોટ નથી તોયે મનને એક ખૂણે ખૂબ ખૂંચે છે.  આજે જ્યારે એના ઘરડા મા બાપને એની ખાસ  જરૂર છે ત્યારે એ અહીંથી જઈ નથી શકતો.  મા બાપને  લાકડી બનીને ટેકો આપવો છે.  હાથ પકડીને હૂંફ આપવી છે.  એમની સેવા કરીને સંતોષ મેળવવો છે પણ એ એવું નથી કરી શકતો  બસ, વર્ષમાં બે ત્રણ વાર દેશ જઈને મળી આવે છે.  અઠવાડિયામાં બે ચાર ફોન કરીને મન મનાવે છે.

એ જાતે આ સુખ સાહ્યબી છોડીને જવા તૈયાર છે.  પત્નીને પણ કદાચ સમજાવી શકે પરંતુ બાળકોને એ કેવી રીતે મનાવી શકે?  એમને એક નવા અજાણ્યા દેશમાં, અપરિચિત વાતાવરણમાં કેવી રીતે લઈ જઈ શકે?  ડાંગરના ધરુને એક ક્યારામાંથી ઉખેડીને નજીકના બીજા ક્યારામાં રોપવામાં આવે છે ત્યારે એ પાકે છે પણ અહીં તો નાના અમસ્તા છોડને એક ભોમમાંથી ખેંચીને બીજી ભોમમાં, જુદી જ આબોહવામાં લઈ જઈને રોપવાનો?  અને એ છોડ મોટો થઈને પાંગરે ત્યારે એને પરદેશ મોકલવાનો?  અને પછી પોતાની જેમ જ આખી જિંદગી દેશ-પરદેશ કલ્ચરના ઘર્ષણમાં રહેંસાતા રહેવાનું?  જે ભણતર, જ્ઞાન, સુખ, સાહ્યબી, પૈસો મેળવવા પોતે અહીં પરદેશ આવ્યા, એનાથી જ એમને વંચિત રાખવાના?

સ્તવનના બાપુજી આઝાદીની લડાઈના એક લડવૈયા હતા.  ૧૯૪૨ની ‘ક્વીટ ઈન્ડિયા મુવમેન્ટ’ માં લાઠીઓ ખાઇને જેલ જઈ આવેલા. પૂરેપૂરા દેશભક્ત અને ગાંધીબાપુના સાચા અનુયાયી.  આઝાદી પછી એ ડોક્ટર બન્યા અને ગાંધીજીના આદર્શ પ્રમાણે ગ્રામસેવા કરવા ડાંગના જંગલમાં આદિવાસીઓની વચ્ચે જઈને વસ્યા.  ગ્રામોદ્ધાર કરતા કરતા ઘણાં ગામડાંઓને એમણે ઉપવન બનાવી દીધા.  સ્તવનનુ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ આદિવાસીઓની શાળામાં જ  થયેલું.  સ્તવનના બાપુજી કોઈ મોટા શહેરમાં પ્રેક્ટીસ કરીને ખૂબ કમાઈ શક્યા હોત પણ આદર્શના પંથે ચાલનાર માટે તો જીવન જરૂરિયાતથી  વધારેનો પૈસો એ પથ્થર બરાબર.

સ્તવન ભણવામાં બહુ જ હોશિયાર.  એસ.એસ. સી બોર્ડની પરિક્ષામાં એનો પહેલો નંબર હતો.  આગળ ભણવા એ મુંબઈ ગયો.  બાપુજીની કમાણી ખાસ કાંઈ નહોતી  બા બાપુજી કરકસર કરીને થોડા પૈસા બચાવી એને ભણાવતા હતા.  ઘરમાં પૈસાની તંગી હંમેશા રહેતી પણ સેવાના ભેખધારી માટે તો પૈસો એ પાપનુ મૂળ!  કેટલી મુસીબત, કેટલી તકલીફ વેઠીને બા બાપુએ  એને ભણાવ્યો હતો!  સ્તવન એ કદી ભૂલ્યો નહોતો.

બાપુજી ઇચ્છતા કે સ્તવન એમની જેમ ડોક્ટર બનીને ગરીબ લોકોની સેવા કરે.  ગ્રામ વિકાસમાં સહભાગી બને, પણ સ્તવનને ડોક્ટર નહોતુ બનવું.  એને તો એંજિનિયર થવું હતું અને એ ઇલેક્ટ્રોનિક એંજિનિયર થયો.  આખી યુનિવર્સિટીમાં એ પહેલે નંબરે આવ્યો.  વધુ અભ્યાસ માટે પરદેશ જવાની સ્કોલરશિપ મળી અને એ કેનેડા આવીને સ્થાયી થઈ ગયો.

વર્ષો બાદ ઉમ્મર થતા સ્તવનના બાપુજી માટે ગામે ગામે ફરવાનું અશક્ય થવા લાગ્યું એટલે તેઓ દક્ષિણ ગુજરાતના એક નાના શહેરમાં આવીને સ્થાયી થયા.  સેવાભાવી માણસ માટે તો સબ ભૂમી ગોપાલ કી.  અહીં પણ એમનું નાનુ દવાખાનું હંમેશા ભરાયેલું જ રહેતું.  મનુષ્ય જીવનના સારા પાસાઓનો ગુણાકાર કરતા રહેવુ અને નબળાઈઓની બાદબાકી, એ એમનો જીવન મંત્ર હતો.

શરૂઆતના વર્ષોમાં સ્તવન થોડું કમાઈને પાછા દેશ જવાનું વિચારતો પરંતુ ધીરે ધીરે એ આકર્ષણ ઘટતું ગયું.  બા બાપુજીને કેનેડા બોલાવી ને સાથે રાખવાનો એને ખૂબ ઉમળકો હતો.  બાપુજીએ આખી જિંદગી દોડધામ કરી હતી.  હવે એ પાછલા વર્ષો સુખમાં, આરામથી વિતાવે  એમ એ ઇચ્છતો હતો.  બાને જે જોઈએ એ મળ્યુ નહોતુ.  હવે એ આપી શકશે એટલે એણે બન્ને ને સ્પોન્સર કરી દીધા.

બા બાપુજી આવ્યા પણ અહીં ક્યાંથી ગમે!  રાતદિવસ કાર્યરત રહેલા માણસને આરામ હરામ લાગે.  બા પણ થોડા દિવસમાં કંટાળી ગઈ.  બા દેશમાં સામાજિક કાર્યકર્તા રહેલી.  અનાથ આશ્રમમાં એ સેવા આપતી.  અહીં ચાર દિવાલોમાં એને ગૂંગળામણ થવા લાગી.  પૌત્રોનું થોડુ આકર્ષણ ખરું પણ નાનપણથી સાથે રહેલા નહીં એટલે થોડી અતડાઈ પણ રહે.  ધીરે ધીરે ઘર એક જેલ જેવુ લાગવા માડ્યું.  છેવટે બા અને બાપુજી દેશ પાછા ગયા

સ્તવનની બા પૈસાદાર ઘરમાંથી આવી હતી.  અહીં મન મનાવીને આદર્શવાદી પતીના પંથે ચાલવાનું હતુ.  ક્યારેક એ જીવનની મુશ્કેલીઓથી કંટાળતી ત્યારે બાપુજીને એ અચૂક સંભળાવતી – “તમારા ઘરમાં આવીને મેં જોયું છે શું?”.  સ્તવન એ ભૂલી નહોતો શકતો.  બાને મોટા ઘરનો ખૂબ અભરખો એટલે સ્તવને દેશમાં, સોસાયટીમાં એક બંગલો બંધાવ્યો.  જાતજાતની ચીજોથી ઘર ભરી દીધું પણ વ્યર્થ.  પૈસો આવ્યો પણ પારકો બનીને!  બાપુજી મહોલ્લો છોડીને સોસાયટીના નવા ઘરમાં જવા તૈયાર નહોતા.  જીવનભર વસ્તુઓના અભાવથી જીવવાની ટેવ કેવી રીતે બદલાય!  સ્તવન ઘણું સમજાવે, દલીલો કરે પણ બાપુજી ન માને!   ઉલટા બાપુજી સ્તવનને હંમેશા સમજાવતા રહે “ભાઈ, અમારી ચિંતા તુ ના કર. તુ તારા સંસારમાં ત્યાં સુખી છે અને અમે પણ અહીં ખૂબ સુખી છે”.

વર્ષો વિતતા જાય છે અને બા બાપુજી દિવસે દિવસે દુર્બળ થતા જાય છે.  આ વર્ષે બાપુજીને મોટો હાર્ટ એટેક આવ્યો.  શરીરે લકવા થઈ ગયો.  આ મરણાંત હવે પથારીવશ રહેવાના.  હલન ચલન સદંતર બંધ થઈ ગયું છે.  આંખો ચકળવકળ ફેરવ્યા કરે છે અને થોડું થોડું તોતડું બોલી શકે છે.  બા હવે બહુ જ ઓછુ સાંભળે છે અને સાવ સુકાઇ ગઈ છે.  સ્તવને ચોવીસ ક્લાક સાથે રહેવા એક નર્સ રાખી છે પણ હવે બન્નેની હાલત જોવાતી નથી.  દર બે ત્રણ મહિને એ દેશ જઈ થોડા દિવસ બા બાપુજી સાથે રહી એમની સેવા ચાકરી કરે છે પરંતુ કાયમનું રહેવું અશ્ક્ય છે.  આગળ શું કરવું એ સમઝાતું નથી.  સગાસંબંધીઓ જાતજાતના સલાહ સૂચનો, વણમાગી શિખામણો આપી ચાલતા થાય છે.  કોઈક વળી સામે નહીં તો પાછળ સંભળાવી પણ જાય છે – “શું નસીબ છે! બાપ મરણ પથારીએ અને દિકરો પરદેશમાં”

સ્તવન વિચારે કે આ માણસ જીવનભર જંગલમાં જઈ આદિવાસીઓની વચ્ચે વસી લોકોની સેવા કરતા રહ્યા તોયે અંત સમયે આવી પરિસ્થિતિમાં?  આવી દયનીય દશા?  આ તે કેવો ન્યાય?  અને આવો ન્યાય કરનાર કોણ?  ભગવાન?  આ કેવો ભગવાન!  કે પછી કર્મના સિધ્ધાંત પ્રમાણે આ પૂર્વ જન્મોના કર્મનુ ફળ છે એમ મન મનાવવાનુ કે પછી નસીબનો દોષ કાઢવાનો?   આ જન્મમાં કરેલા કર્મના ફળ લૉજિકલ રીતે આવા હોઈ જ ના શકે એટલે પૂર્વ જન્મોમાં કરેલા કર્મના ફળ ભોગવવાનાં એમ માનીને સંતોષ મેળવવાનો?

બાથી પણ હવે બાપુજીનુ દુ:ખ જોવાતુ નથી  આ પીડા, આ કષ્ટ સહેવાતા નથી.  એ એના લાલજીના ફોટા સામે બેસી બબડ્યા કરે છે -”શું આવા સારા માણસની તને જરૂર નથી?”.  નિરંતર ઈશ્વરને પ્રાર્થના કરતી રહે છે કે બસ થયુ!  હવે તુ એમને બોલાવી લે!  સ્તવનને થાય ઈશ્વર ના બોલાવે તો  ઈશ્વરને ત્યાં જલ્દી જવામા આધુનિક વૈજ્ઞાનિક જગતની સગવડો તેમ જ એના કર્તા હર્તા મદદ ના કરી શકે?  ‘ડોક્ટર આસિસ્ટેડ સુસાઈડ – યૂથનેઝિઆ’ જેવુ કાંઈ ના થઈ શકે?

યુ.એસ.એ.ના ડોક્ટર જેક કેવોર્કિઅન, જે યૂથનેઝિઆ એક્ટીવિસ્ટ હતા અને જેમણે જાહેરમાં ટર્મીનલી ઇલ દર્દીઓને મરવા માટે મદદ કરી, વર્ષો જેલ ભોગવી હતી.  તેઓ માનતા કે જીવલેણ, અસાધ્ય રોગથી પીડાતા માનવી માટે મરવું એ ગુનો નથી અને એમને ડેથ વિથ ડિગ્નિટિ બક્ષવી એ એક ડોક્ટરની ફરજ છે.  પરંતુ ધર્મના ધૂરંધરો તેમ જ સમાજનો એક મોટો ભાગ એમની આ વાત સાથે સહમત નથી.  પશ્ચીમના કેટલાક દેશોમાં, જ્યાં હેલ્થ કેરનો બોજ ગવર્મેન્ટ ઉપાડી રહી છે એ આ રીતે ઓછો પણ થઈ શકે.

આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં પણ ઇચ્છા પ્રમાણે દેહત્યાગ કર્યાના ઉલ્લેખો જોવા મળે છે.  તત્ત્વજ્ઞાનીની દષ્ટિએ વિવેક બુદ્ધિથી જોતાં, આત્યંતિક દુ:ખથી છુટકારો એ જ શું મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ ના હોવો જોઈએ?!   પ્રશ્નો અનેક છે પણ ઉત્તર નથી.

કિશોર પટેલ

એનો ક્યો મુકામ હશે કંઇ ખબર નથી
રઝળ્યા કરે છે આખી વસાહત વિચારની  

રમેશ પારેખ

 

Posted by: KishoreCanada | June 4, 2011

જય હો સેલફોન

જય હો સેલફોન

લટકતા ચાવીના ઝુમખાંને ખીંટી ઉપરથી લઇ બારણા તરફ જતો હતો ત્યાંજ કિચનમાંથી અવાજ આવ્યો “સાંભળો છો?  પાછા વળતાં દૂધ લેતા આવજો. અને હા, તમારા સેલફોનને સાથે લઇ જવાનું ભૂલશો નહીં.”

મેં બધાં ખિસ્સાં ફંફોસ્યા. આમ તેમ નજર ફેરવી પણ સેલફોન મળ્યો નહીં.  હું ચાવીના ઝુમખાંને જોઈને સ્વગત બબડયો “આ નાનો  સરખો ઝુમખાંનો અવાજ કિચનમાં ચાલતા એગ્ઝોસ્ટ ફેનનો ઘોંઘાટિયા અવાજમાં સંભળાય ખરો? વાહ રે કુદરત! કેવા આપ્યા છે તેં એને ચામાચીડિયા જેવા કાન!”

મેં સેલફોન શોધવા માટે ફેમિલી રૂમમાં જઇ કોર્ડલેસ ફોન ઊંચક્યો.  ડાયલ કરું તે પહેલાં જ શ્રીમતીજી જોરથી ખિજાઈને બોલ્યા, “આ કોર્ડલેસ ફોન લઈને ક્યાં રખડવા જવાના? હું તો સેલફોન, તમારા સેલફોનને સાથે લઇ જવાનું કહું છું, કોર્ડલેસ ફોન નહીં. હાય હાય હાય હાય તોબા!”  આપણાં જમાનાની દેવીઓ રજ નુ ગજ કરી પતિદેવોને તતડાવવામાં ખૂબ મજા માણે અને એમાં ય પતિદેવ ફિલ્મી ઓમપ્રકાશની જેમ જો ગભરાતા ફરે તો જરૂર એમનો આનંદ બેવડાય.

મેં ચૂપચાપ કોર્ડલેસ ફોન ઊંચક્યો.  મારા સેલફોનનો નંબર ડાયલ કર્યો અને સેલફોન શોધી કાઢયો.  બાળકોએ શીખવેલી આ યુકિતનો સફળતાપૂર્વક ઉપયોગ કરવા બદલ પ્રશંસા થશે એવું વિચારતો હતો ત્યાં જ મારા કાન પર શબ્દો અથડાયા “સેલફોન કયાં મૂકો છો ભૂલકણાના સરદાર? હંમેશાં ભૂલી જાઓ છો. સારું છે કે હાથપગ શરીર સાથે જોડાયેલા છે નહીંતર તે પણ કોઇ જગ્યાએ ભૂલીને આવ્યા હોત.  હવે જયાં રખડવા જતા હો ત્યાં જાઓ, પાછા વળતાં દૂધ લાવવાનું ભૂલશો નહીં.”

જયારે સેલફોન મળે નહી ત્યારે અચૂક આવા શબ્દપ્રહાર થાય, પણ સાચુ કહું, સેલફોન મને મારા બાળકોની જેમ અતિશય પ્રિય છે.  જયારથી સેલફોનની શોધ થઇ છે ત્યારથી પૃથ્વી ઉપર જયજયકાર થઇ ગયો છે.  પહેલાં ડાયલફોન આવ્યો, પછી કોર્ડલેસફોન અને હાલ  સેલફોન કે જે “સેલ”ના હુલામણાં નામથી ઓળખાય છે.  હવે તો ઘરના ખૂણામાં ધૂળ ખાતો ડાયલફોન એક જાડી, કાળી બિલાડી જેવો બિહામણો લાગે છે.

મારો સેલફોન ઘણો જુનો છે. મને હજી પૂરેપૂરો વાપરતા આવડતું નથી.  બાળકો એક દિવસ શિખવાડવાના છે પરંતુ અત્યારે સમય નથી એમ કહીને હંમેશા ટાળતા રહે છે અને એટલે જ હું નવો સોફિસ્ટિકેઇટેડ ફોન લેવાનું ટાળુ છું.  શરૂઆતમાં તો હું શૂન્યથી નવ સુધીના દશ નંબરો ડાયલ કરવા માટે જુદી જુદી દશે દશ આંગળીઓનો ઉપયોગ કરતો.  જયારે પણ ફોનની ઘંટડી રણકે ત્યારે હું હાંફળો હાંફળો થઇ જાઉં છું અને ઘણી વાર ઉતાવળમાં ભળતું જ બટન દબાવી દઉં છું.  મેં સેલફોનની સાથે બ્લ્યુ ટૂથ પણ લઈ લીધુ છે એટલે કાર ચલાવતાં ગૉસિપ કરવાની મજા પડે છે. પહેલા ગૉસિપ કરવી એ મારો જન્મસિદ્ધ અધિકાર હતો જે સેલ વસાવ્યા બાદ પરમ ધર્મ થઈ ગયો છે.  સેલ ઉપર વાત કરતી વેળા દૂર જઈ આરામથી અસત્ય બોલી શકાય, અમથું અમથું હસી શકાય, અરે! ગંભીર થઈને આપણી વાક્છટા પણ આજુબાજુના લોકોને બતાવી શકાય.

આજે સેલની બોલબાલા છે. દુનિયાનાં દરેક ખૂણામાં એ ઘૂસી ગયો છે. આજ કાલ ઘણાં ગામડાંઓમાં ગામ દીઠ માત્ર બારેક જેટલા જ કાગડાઓ નજરે ચડે છે જ્યારે બારસો જેટલા મોબાઇલ મળે છે.  મરણપ્રસંગે સતત બાર દિવસ સુધી ‘કા’ ‘કા’ કરતા કાગડાના અવાજથી પણ વધુ મોબાઇલની ઘંટડીના રણકાર સાંભળવા મળે છે.  જયાં જુઓ ત્યાં એક હાથ કાન પર જ ચોંટેલો હોય! ભવિષ્યની પેઢી એક હાથ કાન પર ચોંટેલો લઈને જન્મે તો નવાઈ નહીં.

સેલફોને માનવી પર ગજબનો કબજો કરી લીધો છે. જો કોઇને નિરાંત હોય તો તે માત્ર હનીમૂન પર ગયેલા બે યુવાન હૈયાને. કારણ મૂન ઉપર ગયેલા કોઈ પણ હની પાસે સેલફોનનું કનેક્શન હોતું નથી.  આજે મોટે ભાગે ભા ભા ભા અર્થાત્ ભારતથી ભાગેલા ભારતીયો પાસે સેલ હોય છે અને એજ ભા ભા ભા જયારે સ્વદેશ જાય ત્યારે કહેવાતા એન આર આઈ અર્થાત્ નવરા રખડતા ઈન્ડિયન્સ થઈને દેશ પહોંચતા પહેલા જ મોબાઈલની વ્યવસ્થા કરતા હોય છે.  ગામડાંઓમાં ઘણી વાર નબળા રિસેપ્શન ને કારણે ઘરની બહાર કે છત પર જઇ વાતચીત કરવી પડે છે જયારે શહેરોમાં ઘોંઘાટને કારણે બીજા કાન પર હથેળી દબાવીને જોર જોરથી બરાડા પાડી વાત કરવી પડે છે.

દેશમાં નામ છે મોબાઈલ અને પરદેશમાં સેલ. પૂર્વમાં લાંબા લાંબા નામોથી માણસની ઓળખાણ આપવામાં આવે છે જ્યારે પશ્ચિમમાં બોલતા ફાવે એવા ટૂંકાટચ નામથી.  વસ્તુ એક જ છે પણ નામ જુદા, જેમકે દેશમાં નામ બલ્લુભાઈ હોય પણ પરદેશમાં બીલથી ઓળખાય, મણીબેનનું થઈ જાય મોનિકા.  બન્ને જગ્યા પર અંદર વાગતી ઘંટડીનો રણકાર એકસરખો અને અંદરથી ઊઠતા વાઈબ્રેશન પણ એકસરખા. આજે સેલ એટલો બધો સગવડિયો થઈ ગયો છે કે લોહીના સગાં કરતાં પણ વધુ વહાલો લાગે છે. દુનિયામાં ગમે ત્યાંથી સગાંવહાલાં સાથે સુખદુ:ખની વાતો કરી શકાય. કોઈકવાર તો વાતમાં ને વાતમાં લાત મારવાની વાત પણ ચાલે. વાયરલેસ વાત ને લેગ લેસ લાત.

આમ તો હું ઘણો કંજૂસ છું. મારો સેલ બાવા આદમના જમાનાનો અને તે પણ એક કલાક ડ્રાઇવ કરીને દશ ટકા ડિસ્કાઉન્ટના ભાવે ખરીદેલો.  હું હંમેશા ડિસ્કાઉન્ટ મળતું હોય ત્યાંથી ખરીદી કરું છું, એટલી હદ સુધી કે જીવનસાથીની પસંદગી કરતી વેળા મે દસમાંથી જે વધુમાં વધુ મંદ બુદ્ધિવાળી હતી તેના ઉપર પસંદગી ઉતારેલી, જેથી મને પોતાને ત્રીસેક ટકા ડિસ્કાઉન્ટ મળ્યાનો સંતોષ થાય.  પરંતુ મિત્રના સમયસર સેલફોને મને વાકેફ કરેલો કે મારી પસંદગીની એ છોકરી તો પૈસાની ઉડાઉ છે. હું કંજૂસ આબાદ બચી ગયેલો.  બાકીના નવ ઉમેદવારોમાંથી આ એક, જેના અનેક સેલફોન આવેલા.  પ્રથમ સેલફોનથી જ હું શરમનો માર્યો લાલપીળો થઇ ગયેલો અને પછી ઉપરા ઉપરી સેલફોનથી આખો પીગળી ગયેલો.  ત્યાર બાદ અમે પતિ-પત્નિ કહેવાયેલા. આ ઘટનાથી હું સેલફોનને દેવીની જેમ પૂજુ છું.  જોકે લગ્નનાં થોડાં વર્ષો પછી મને એક છૂપા રહસ્યની જાણ થયેલી કે મારી પત્ની પણ મારી જેમ ત્રીસેક ટકા ડિસ્કાઉન્ટ વાળા જીવન સાથીની પસંદગી કરવામાં માનતી હતી.

સેલ ખૂબજ  ઉપયોગી અને ફાયદાકારક છે.  સલામતી અને માહિતીની આપલે કરવા માટે ઉત્તમ છે. કેમેરા કે મુવી કેમેરાની ગરજ સારે છે.  મ્યુઝિક, યુ ટયૂબ, ફેઈસ બુક જેવી ઈન્ટરનેટ સુવિધા પણ એમાં ઉપલબ્ધ છે.  અને તેમ છતાં એનું કદ હાથની હથેળીમાં બંધ કરી શકાય એટલું ટચૂકડું છે.  એ ટચૂકડો સેલ પ્રિયજનની છબી કેદ કરી શકે છે અને ગુનેગારને પકડાવી કેદી બનાવી શકે છે.  સેલફોનમાં ઘંટડીના ટિળીંગ ટિળીંગ અવાજની જગ્યાએ પર્સનલાઇઝડ રેકોર્ડિંગ કરવાની સુવિધા પણ હોય છે. જેવી કે ફિલ્મી ગીતો, ફિલ્મી ડાયાલોગ, સંગીત, આરતી, રાષ્ટ્રગીત, પ્રાણીઓનો અવાજ , વિગેરે, વિગેરે.

“ટિળીંગ ટિળીંગ, ટિળીંગ ટિળીંગ, ટિળીંગ ટિળીંગ, ટિળીંગ ટિળીંગ”, એક મિનિટ, હું જરા જોઈ લઉં. અરે! આ તો મારી ઘરવાળીનો ફોન, જવા દો એને મેસેજમાં. હા, તો હું શું કહેતો હતો? યાદ નથી આવતું. તમે જોયુંને, આ ઘરવાળીનો ફોન આવે ને બધુ ભૂલી જવાય. પણ હું એનો મેસેજ ચેક કરી લઉં.

“આ ફોન ઉપાડતા શું થાય છે? તાવ આવે છે? કોઈનો ઇમ્પૉર્ટન્ટ કોલ હોય તો? ઇમર્જન્સી આવી હોય તો? ફોન ઉપાડોને? કેટલી વાર લાગે છે ? ક્યાં મૂકી દીધો છે? પિક અપ ધ ફોન, યુ ઍબ્સન્ટ માઇન્ડેડ, કમ ઓન, પીક અપ ધ ફોન, ઇટ ઇઝ વેરી ઇન્પોર્ટન્ટ કોલ. એની વે, આપણા ઘરની પાસે જે શોપર્સ ડ્રગ માર્ટ છે ને ત્યાં દૂધ સેલ ઉપર છે, ટુ નાઈન્ટી નાઈને. ચાર બેગ લાવવાનું ભૂલતા નહીં, શું સમજ્યા? યાદ રહેશેને?”

જય હો, જય હો સેલફોન!

મનુ પટેલ

મેરે પિયા ગયે રંગૂન, કિયા હૈ વહાંસે ટેલીફૂન
તુમ્હારી યાદ સતાતી હૈ, જીયામેં આગ લગાતી હૈ

રાજેન્દ્ર ક્રિશન

માઇનસ ૧૬ ડિગ્રી  સેન્ટિગ્રેડ

આ  કેવી સુંદર જેલ છે, જેમાં સળિયા નથી.
સેન્ટ્રલ હિટીંગ છે, પણ તાજી હવા નથી.

બહાર વૃક્ષો દેખાય છે, ઉપર એક પણ પાંદડું  નથી.
કુદરતે સફેદ ચાદર પાથરી છે, બીજો કોઈ રંગ પણ નથી.

રસ્તા પર માણસો જોવા છે, પણ બહાર ચકલુંય નથી.
નાહીને તૈયાર થવું છે, પણ નહાવાનું મન નથી

પેરોલ પર ફરવા નીકળવું છે, પણ નીકળાતું નથી.
એકસ્ટ્રીમ  કોલ્ડ એલર્ટ  છે, જવાય તેમ પણ નથી.

આખો  દિવસ  ટીવી સામે બેસું છું, પણ મજા નથી.
સરાઊંડ સાઊન્ડ છે,  પણ પંખીઓના કલરવ નથી.

આ વેધરમાં જામ છલકાવા માટે  પણ કોઈ કંપની નથી.
ગોદડા ઘરણ  સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

શૂન્યમાંથી સર્જન કરવા ‘મુસાફિર’ ને કવિતા લખવી  છે.
કાગળ છે, પણ અસહ્ય ઠંડીમાં કલમ પકડાતી  નથી.

નિધીશ  દલાલ ‘મુસાફિર’

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

 મનોજ ખંડેરિયા

Posted by: KishoreCanada | મે 4, 2011

કોઈ આવે તો… યાદ છે

છેલ્લા પંદર વર્ષોમાં શબ્દસેતુ” એ દેશ વિદેશથી મહેમાન કલાકારોને આમંત્રિને પાંચ થી છ વખત ગુજરાતી મુશાયરાનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમો દરમ્યાન “શબ્દસેતુ”ના સભ્યોએ યાદગીરી માટે વીડિઓ ઉતારેલ છે.

અહીં કાવ્યપઠનમાં રજૂ થતી વીડિઓ ક્લિપ્સ વાચકો સાથે વહેંચવા પૂરતી છે.

આમંત્રિત કલાકારો અથવા કોઈને પણ કોપી રાઈટ, માનભંગ, કે માનહાની થયાની ફરિયાદ હોય તો અમને જણાવે, અમે એ વીડિયો ક્લિપ અમારી વેબસાઇટ ઉપરથી તરત ઉતારી લઇશું.

અહમદ યુસુફ લુણાત.  ‘ગુલ’ એ એમનું ઉપનામ (તખલ્લુસ) છે. બહુ જ સૌમ્ય વાણી વાળા ‘ગુલ’ સાહેબ બેટલી, યુ. કે. ના એક જાણીતા અને માનિતા શાયર છે.

એમણે પંદર વર્ષની ઉમ્મરે સાહિત્ય સર્જનની શરૂઆત કરી હતી. આટલી નાની  ઉમ્મરે એમની કવિતા અને ટૂંકી વાર્તાઓ ગુજરાતી સામાયિકોમાં છપાતી હતી.

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થઈ ૧૯૬૩માં તેઓ યુ. કે. આવ્યા.  અહીં આવી ગુજરાતી સાહિત્ય-સર્જનની પ્રવ્રુત્તિને આગળ ધપાવવા એમણે બેટલી (બાટલી) માં ‘ગુજરાતી રાઇટર્સ ક્લબ’ ની સ્થાપના કરી.

ત્યાર બાદ  યુ. કે. ની વિવિધ રાજ્કીય, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓમાં સેવા આપી એક ઉચ્ચ નાગરિક તરીકેની પ્રતીતિ કરાવી.  આ સર્વાંગી સેવાની કદર રૂપે યુ. કે. સરકાર તરફથી તેમણે ૧૯૯૯માં ઑફિસર ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (ઓ.બી.ઈ) નો માનપ્રદ ખિતાબ મેળવ્યો.  અત્યાર સુધીમા એમના પાંચ ગઝલ સંગ્રહો પ્રકાશિત થયા છે,

કિશોર – શબ્દસેતુ, ટોરોન્ટો, કેનેડા

રવિવાર તારીખ ૮ મે ૨૦૧૧ ના રોજ “મધર્સ ડે” આવી રહ્યો છે, તો ચાલો સાંભળીએ માના ઝુરાપાની વાત, કદી ના ભૂલાય એવી યાદ ‘ગુલ’ સાહેબના હોઠે.

 અહમદ ‘ગુલ’ના સ્વમુખે એમની રચના તેમજ ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.           
કોઈ આવે તો… યાદ છે – કાવ્યપઠન

કોઈ આવે તો

મા…..
હવે જો કોઇ
દેશથી આવે તો
મોકલાવજે,
પરોઢિયે ઊઠી
ઘંટીના મધુર તાલ પર
તુજ હસ્તથી
દળેલો મીઠો લોટ
ત્યાં સુધી બ્રેડના ડૂચા
ગળે ઉતારતો રહીશ હું

ને
તુજ હાથથી
કૂવે જઈ ધોએલાં
મારા લૂગડાનું પોટલું
મોકલાવજે
ત્યાં સુધી લોન્ડ્રીના
ધોએલાં કપડાં
મુજ શરીર પર
ટીંગાડતો રહીશ

ને
મા
મોકલાવજે
તારા ખોળાની
હૂંફ
ત્યાં સુધી હીટરના તાપમાં
બાળતો રહીશ
શરીર મારું

જો
મા
કોઈ આવે તો…

યાદ છે

કોઇ પાસેથી ગયાનું યાદ છે
ને સજળ આંખો થયાનું યાદ છે

અવસરોના તોરણોને શું કરું
મંડપો સળગી ગયાનું યાદ છે

તું ય તારું નામ બદલીને આવજે
હું મને ભૂલી ગયાનું યાદ છે

આંસુઓ મારા હશે નક્કી જલદ
પાલવો સળગી ગયાનું યાદ છે

નામ એનું હોઠ પર રમતું રહ્યું
ને ગઝલ પૂરી થયાનું યાદ છે

ગુલ પછી હું ત્યાં કદી ન જઇ શક્યો
હર જખમ તાજા થયાનું યાદ છે

દાસ્તાને ‘ગુલ’ હો યા મહકતે ચમન કી બાત
એક પીસ જાતા હૈ ઔર એક કો ઉજડના હૈ
ફીર ભી દામન ખુશ્બુકા ભરતે હૈં દોનો સાથ
જાનતે હૈં યે દોનો એક દિન બિછડના હૈ

મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

Posted by: KishoreCanada | April 20, 2011

હું કોઈ કવિ કે લેખક નથી

હું કોઈ કવિ કે લેખક નથી

હું કોઈ કવિ કે લેખક નથી
લેખન તો મારો વ્યવસાય છે માત્ર
હું શબ્દોનો સ્વામી, શબ્દો રમાડી ને વેચી જાણું
પેટ પકડીને હસાવી જાણું, દરિયો ભરીને રડાવી જાણું
કોઈની આસ છુપાવી જાણું તો કોઈની ટૂંપાવી પણ જાણું

કલાના બીજા ફલકમાં નટ નટીઓ
અગણિત મહોરાંઓ પહેરી કલાનો વેપાર જ કરે છે ને?
મનમાં આનંદના ઓઘ તોયે રૂદાલી રડાવી શકે
ખોબે આંસુએ રડતું મન તો યે નટ હસાવી શકે
જેટલાં વધારે મહોરાં, એટલો મોટો કલાવંત.

હું તો સુખી જીવ, ભગ્નહ્રદયી ગઝલો લલકારું
સચ્ચાઈનો ઇજારદાર નથી એટલે ખરું ખોટું પણ લખું
વાપરી જાણું, વેચી જાણું, નાણી જાણું, નાણામાં જોખી જાણું
મૌલિક, ચતુરાઈથી ચોરેલા કે રદ્દી શબ્દો, ગદ્યના કે પદ્યના, જથ્થાબંધ વેચું
કારણકે કે હું કોઈ કવિ કે લેખક નથી, શબ્દોનો વેપારી છું, ફ્ક્ત વેપારી જ.

શાંતીલાલ ધનિક

વિવેચક તો નાહક ગમે તે કહે,
અહીં તો અમે જે લખ્યું તે ખરું

ખલીલ ધનતેજવી

Posted by: KishoreCanada | April 5, 2011

એ તો હું શાંતિ

એ તો હું શાંતિ

“ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણા”.  દૈનિક પેપરના આ મુખ્ય સમાચારે મારુ ધ્યાન ખેચ્યું અને એમાં પણ “શાંતિ” શબ્દએ સવારથી જ મને વિચારતો કરી દીધો.  આપણે ત્યાં જેમ જૂના રાજકારણીઓના નામ હજી પણ છવાયેલા રહે છે એ રીતે “શાંતિ” શબ્દ આપણા સહુના જીવનમાં વણાયેલો છે.  આ “શાંતિ” શબ્દની જાહોજલાલી નિરપવાદ, વિશ્વવ્યાપક છે અને ભારતમાં તો ખરેખર અજોડ છે.  આપણે ત્યાં  ભાગ્યેજ કોઈક એવી  વ્યક્તિ હશે કે જેને પારિવારિક સંબંધોના સંબોધનમાં, દિવસમાં એક બે વાર આ  શબ્દ બોલવો કે સાંભળવો ન પડ્યો હોય!  આપણા દેશમાં ભાગ્યેજ  કોઈક ગામડું એવું હશે કે જ્યાં આઠ દસ  શાંતિ રહેતી ન હોય!  જો કે એમાંથી નામથી વિપરીત કેટલીક શાંતિ, અશાંતિ પણ ફેલાવતી હોય, એ શક્ય છે પરંતુ એમાં વાંક ફોઈબાનો છે.

આપણા બા બાપુજીના જમાનામાં ફોઈબા આ “શાંતિ” શબ્દનુ મહત્ત્વ જાણતા અને તેમના જન્મસિધ્ધ અધિકારનો ઉપયોગ કરી તે સમયની સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં શાંતિ જળવાઈ રહે તેની ખાસ કાળજી  રાખતા.  પરંતુ જ્યારથી મમ્મી પપ્પા કે મોમ ડેડના દિવસો શરુ થયા ત્યારથી નામ પાડવાનો આ અધિકાર ઘણાં ઘરોમાં ફોઈબા પાસેથી છીનવાઈ ગયો અને તેની સીધી અસર થઈ ”શાંતિ”ની બાદબાકી.  મોર્ડન જમાનાના મોમ ડેડ પરણ્યા બાદ થોડા વર્ષો પછી જ્યારે ફેમિલી પ્લાનીગનો વિચાર કરે ત્યારે પ્રથમ બાળકનું નામ શું રાખીશુ એની ખાસ ચર્ચા કરે છે અને અલ્ટ્રામોર્ડન, યૂનિક નામ રાખીને આનંદ અને ગર્વ અનુભવે છે.   શાંતિ જેવો શબ્દ તેમને જુનવાણી અને ચવાઈ ગયેલો લાગે છે.  વળી તેમની ડે ટુ ડે વ્યસ્ત જીંદગીને અનુરૂપ આ શબ્દ ન લાગતા તેને આઊટ ડેટેડ ગણી તિલાંજલિ આપે છે જેનું સીધું પરિણામ આવે છે શાંતિ ની અછત .

ગયા અઠવાડિયે  હું જીવણદાદાને દેશ વિદેશના સમાચાર વાંચી સંભળાવતો હતો.  તેમાં “શાંતિ માટેનું નોબેલ પારિતોષક અમેરિકાના પ્રમુખ શ્રી ઓબામાને મળ્યુ”  એ સમાચાર સાંભળી જીવણદાદા એકદમ દયામણો ચહેરો કરી બોલ્યા, “શું  આપણે ત્યાં હવે કોઈ શાંતિ જ  નથી રહી કે શાંતિના નામનું ઇનામ છેક અમેરિકાના ઓબામાને  આપવું પડે?”.  દાદા નિસાસો  નાખતા આગળ  બોલ્યા, “ભાઈ, તમે બધા ભણેલા ગણેલાઓ આ  નવા નવા નામ પાડવા લાગ્યા તેમાં આપણે ત્યાં કોઈ શાંતિ નહી રહી તે જોયું ને, એટલે છેવટે ઓબામાને ઇનામ આપવુ પડ્યું.  શું થશે આપણા દેશનું?”.

એંસી વરસના જીવણદાદા ખેડૂત.  જિજ્ઞાસુ વૃત્તિવાળા એટલે અમારા જેવા પાસે નવી દુનિયા વિશે જાણકારી મેળવે અને તેમના જીવનના જુના દિવસો સાથે સરખામણી કરે.  જીવણદાદાને આ શાંતિ માટેના નોબેલ પારિતોષક વિશે  સમજાવવા મેં કલાક બગાડ્યો ત્યારે તેમને સંતોષ થયો.  પછી અમે ‘શાંતિ’ શબ્દ વિશે ઘણી વાતો કરી .

જીવણદાદાએ  મને રામુકાકા કે જેઓ હાલ કેનેડામાં સ્થાઈ થયેલ છે તેમની વાત કરી.  દાદા કહેવા લાગ્યા “અમારો રામુ બહુ જ  મજાકિયો, સદા હસતો રહે અને અમને બધાને  હસાવતો રહે”.  જયારે એને પૂછીએ, “કેમ છે  રામુ?” એટલે એ જવાબ  આપે “શાંતિ.  તમારે કેમ છે?” પછી તરત જ  આગળ બોલે “સાંભળો  કાકા, મારી બા, ફોઈબા, કાકી, માસી, મામી, પિત્રાઈ બેન અને ઘરે  કામવાળી પણ  શાંતિ જ.  સાચું  કહું તો હું શાંતિ થી જ ઘેરાયેલો રહું છું”. રામુ પાસેથી આ એકની એક વાત જીવણ દાદાએ  કેટલીએ વાર સાંભળી હશે પણ કોણ જાણે કેમ, એમના મનમાં વિચાર આવ્યા કરે કે આ  તેના સાચા દિલની વાત હશે?   આપણે એને ગમ્મત  ગણીએ  પરંતુ રામુનું  નિજાનંદી  જીવન જોઈને દરેક વખતે સંભળાતી, આ એકની એક વાત જીવણદાદાને તથ્ય વાળી લાગતી.

પછી તો રામુ બાજુના ગામના  કેનેડા ગયેલ પરિવારની ‘ડોલી’  નામની છોકરી સાથે લગ્ન કરીને પંદર સત્તર વર્ષ પહેલા કેનેડા ગયેલો.  ગયા વર્ષે જ એ એના કુટુંબીજનોને મળવા સહપરિવાર એક મહિના માટે આવેલો.  એક દિવસ એ જીવણદાદાને મળવા ગયો.  સાથે બેસી વાતો કરી, ચા નાસ્તો કર્યો, પરંતુ રામુનો પહેલા જેવો મજાકિયો સ્વભાવ ન અનુભવતા જીવણદાદાએ  એને પૂછ્યું, “ત્યાં  કેનેડામાં કેમ છે રામુ? બરાબર છે ને?”  રામુને જુના દિવસો યાદ આવી ગયા હશે કે કેમ?  તે મોં ઉપર બનાવટી હાસ્ય લાવી બોલ્યો, “જીવણકાકા, અહી ઇન્ડીયામાં હું ઘણી બધી શાંતિથી ઘેરાયેલો  રહેતો હતો, પણ કેનેડાની લાલચે, મેં શાંતિને બદલે ડોલીને પકડીને વાઈફ બનાવી ત્યારથી લાઈફ્માં અશાંતિ આવી ગઈ.  જીવન શાંતિ વગરનું થઇ ગયું, પરંતુ ચાલો, એ તો ચાલ્યા કરે.  ત્યાંની બીઝી  લાઇફમાં વિચાર કરવા માટે સમય જ ક્યાં છે?  હા, ઇન્ડિયાથી કોઈ સંત, મહાત્મા કે બાપુ આવે અને વિકએન્ડમાં  એમની કથા સાંભળવા જઈએ ત્યારે છૂટથી થતા શાંતિ શબ્દના ઉપયોગને સાંભળીને મન મનાવીએ”.

જીવણદાદાની વાત સાંભળ્યા પછી એવું જરૂર લાગે કે સમય પ્રમાણે જગત સાથે કદમ મિલાવવા, માણસ શાંતિ વગર પણ જીવનમાં સમાધાન કરી જીવતા શીખી જતો હશે. કદાચ, એને જ આપણે પ્રગતી કે વિકાસ  કહેતા હોઈશું!

ઘણા સમય પછી ગયા રવિવારે અમે ત્રણ મિત્રો ભીખાકાકાને મળવા ગયા.  ભીખાકાકા બહુ ભલા માણસ. ગામ આખા ને મદદ કરે. કોઈ અર્ધી રાતે ઉઠાડે તો પણ હસતા ચહેરે ઉભા થઈ કામ કરવા તેયાર.  અમે એમને ઘરે પહોંચ્યા ત્યારે ભીખાકાકા હીચકા ઉપર બેસી પેપર વાંચતા હતા.  પ્રવીણભાઈએ  ભીખાકાકાને પૂછ્યું,”કાકા તમારા જેવા મહેનતુ માણસ, ખેતીની થોડી આવકમાં પણ કેટલી મઝાથી જીવે છે.  અમે ભણી ગણી, સારી નોકરી મેળવી ઘણું કમાઈએ, પણ હંમેશા ટેન્શનમાં જ હોઈએ. તમારા જેવા વડીલને મળીએ એટલે અમારો અઠવાડિયાનો થાક ઉતરી જતો હોય એવું અનુભવીએ. આની પાછળનું રહસ્ય શું?”

ભીખાકાકા કાંઈ પણ બોલ્યા વગર અમારી સામે જોઈને શાંત ચહેરે માર્મિક સ્મિત છલકાવતા મલકી રહ્યા ત્યારે મને એમની બાજુમાં કોઈ બેઠેલું અને બોલતું હોય એવો ભાસ થયો. મેં એ આભાસી શબ્દો  સાંભળ્યા હોય એવું અનુભવ્યું. એ શબ્દો હતા, “એ તો હું શાંતિ”.  હું તો આ જોઈને અવાક થઈ ગયો.  આંખો ફાડીને જોતો જ રહ્યો.  હથેળીથી માથામાં બે ત્રણ ટપલી મારી.  જોરથી માથુ ધૂંણાવ્યું. માનવામા ન આવે એવું ઘટી રહ્યુ હતું.  બે દિવસ પહેલા “લગે રહો મુન્નાભાઈ” ફિલ્મ જોઈ હતી એટલે જ્યારે મારી સાથે આવું બન્યું ત્યારે મને ખાતરી થઈ કે આ સત્ય ઘટના જ હોઈ શકે.

પછી મેં જીવણદાદા સાથે શાંતિ વિશે થયેલ વાત કરી.  વ્યવસાયે શિક્ષક એવા મનોજભાઈએ  કહ્યું  કે આજનો માણસ મનની શાંતિ મેળવવા ઘણા જ પ્રયત્નો  કરે છે. આજે યોગ, પ્રાણાયામ, ધ્યાનની શિબિરો, સંત મહાત્માઓની કથા જેવી ઘણી પ્રવૃતિઓ જોર શોરથી ચાલે છે.  શું આ પ્રવૃતિમાં ભાગ લેનાર માણસ શાંતિ મેળવી શકતો હશે?

થોડા સમય પછી ભીખાકાકા બોલ્યા, ”ભાઈ, તમે ભણેલા ગણેલા લોકો થોથા ઉથલાવીને, મોટી મોટી વાતો કરો અને શાંતિ અંગે ઘણું વિચારો છો, પણ અમારા જમાનામાં એવો સમય જ ક્યાં હતો. સવારથી સાંઝ સુધી કામ.  રાત્રે પ્રભુનુ નામ લેતા સુઈ જવાનુ અને સવારે પ્રભુનુ નામ લઈને ઉઠવાનુ.  મોટા ભાગના લોકોની જીવનપદ્ધતિ  સીધી સાદી.  માણસો સંતોષી પણ ખરા. જીવને હંમેશા શાંતિ.  અમે લોકો શાંતિ બોલીને કે સાંભળીને સદા તેને યાદ રાખવા માટે જ તો આ નામ પાડતા. આજે તો છોકરા છોકરીઓના નામની ચોપડીઓ વેચાય છે અને એમાંથી શોધીને નામ પાડવામાં આવે છે”.

બાજુમા બેસેલા મગનકાકા ક્યાંથી ચૂપ રહી શકે?  મગનકાકાને મોટાભાઈ થવાનુ બહુ ગમે.  સલાહ સૂચન આપવામાં એ એકકા અને એમાં પણ જુવાનિયાઓને કાંઈ કહેવાનો મોકો મળે તો ક્યાંથી છૂટે! તરત જ એમણે ડબકો મૂક્યો “આજનો માણસ પહેલા ઉપાધિ  ઉભી કરે અને પછી ટેન્શનમાં જીવે.  પહેલા ભણીને ડીગ્રી મેળવવાની ચિંતા, પછી સારી નોકરી શોધવાની ચિંતા, ત્યાર બાદ નોકરીમાં  સેટ થઈ સારા પૈસા બનાવવાનું  ટેન્શન.  આખી જુવાની અને અર્ધી  જિંદગી વીતી જાય ત્યારે તમને શાંતિ યાદ આવે”.  એમણે આગળ ચલાવ્યુ “ભાઈ, તમે લોકો તો પરણો પણ બહુ મોડા.  અમારા જમાનામાં પચ્ચીસ વર્ષ પછી કોઈ પરણવા તૈયાર થાય તો એને શાંતિ મળે જ નહી.  આજુબાજુ  તો ઘણી બધી હોય પણ એ કોઈની રાહ થોડી જુએ?  અને સારી શાંતિ તો મળવી જ મુશ્કેલ”.

મગનકાકા મણીકાકીને પરણેલા એટલે મેં મજાકમા પૂછ્યું “કાકા, તમારા જમાનામા તો ઘણી બધી શાંતિ હશે, તો તમે કાકીની પસંદગીમાં ‘શાંતિ’ કેમ ન રાખી?  ત્યારે તેમણે ગરીબડાં મોં એ જવાબ આપ્યો “ભાઈ તમારા જેવી જ મારી પણ દશા છે. દુનિયામાં આપણે બીજી શાંતિ કે બીજાની શાંતિ જોઇને જ સંતોષ માનવો રહ્યો”.

મનુભાઈ સામાજિક કાર્યકર્તા, એટલે ભાષણ આપતા હોય એવી લાક્ષણિક છટામાં બોલ્યા “ભાઈઓ, દુઃખી થવાની જરૂર નથી  આજે  શાળા, મહાશાળા, દવાખાના, પુસ્તકાલય કે સરકારી કચેરી, દરેક જગ્યાએ દિવાલ ઉપર શાંતિ જાળવો ના બોર્ડ તો લટકાવેલા જ  હોય છે, હા, એ જુદી વાત છે  કે તેને  જોવાની દરકાર આપણે  કરતા નથી, અને ક્યાંક નજર પડી જાય તો તેની અવગણના કરવાનો અધિકાર પણ છોડતા નથી”.

અંતે  અમે બધા  એક  વાતમાં  સહમત થયા કે શાંતિ જેવl નાના  શબ્દ વિષે  જુદી જુદી રીતે  વિચારીએ  તો આપણું મગજ જરૂર  અશાંત  થઈ જાય અને  જો તેને  વિવેકપૂર્વક અપનાવી લઈએ તો જીવનની અર્ધી  ઉપાધિ ઓછી થઈ જાય.  વડીલોની વાત સાચી લાગે છે.  જો  આપણે સંતોષી જીવન  જીવવાની કોશિશ  કરીએ તો શાંતિને શોધવા જવું ન પડે અને બીજાની શાંતિ જોઇને સંતોષ પણ ન માનવો પડે!.

ઓહ્મ  શાંતિ શાંતિ શાંતિ…    

રાજેષ પટેલ

આ ચિત્ત શું કોઈ ચબૂતરો કે વિચારપંખી તણી હારમાળા
આવી ચડે ને કરી કલબલાટ ચણી રહે શેષ રહેલ શાંતિ
ને સ્વસ્થતાની સઘળી મિરાત

હરીન્દ્ર દવે

Posted by: KishoreCanada | March 23, 2011

જિંદગી મિજાજ બદલે છે

જિંદગી મિજાજ બદલે છે

રોજ એ લિબાસ બદલે છે
જિંદગી મિજાઝ બદલે છે

ફૂલને ખરી જવું પડ્યું
રૂપ આ બહાર બદલે છે

આંખમાં વહે એજ અશ્રુઓ
દિલ કદી વિષાદ બદલે છે

દર્દની ઘણી કથાઓ છે
લાગણી હિજાબ બદલે છે

વારતા ન થૈ શકી પૂરી
નિત નવા  વિચાર બદલે છે

સબક જયાં થયો  જરા પાકો
એ ફરી સવાલ બદલે છે

એક તો હતો ફકત પ્રશ્ન
રોજ એ જવાબ બદલે છે

આ વફા તણી સરકતી કેડી
કદમ ક્યા ધરાર બદલે છે?

મુહમ્મદઅલી ભૈડુ “વફા”

મુહમદઅલી ભૈડુ ના સ્વમુખે આ ગઝલ સાંભળવા અહીં ક્લીક કરો.
જિંદગી મિજાઝ બદલે છે – કાવ્યપઠન

 

તમને સમય નથી અને મારો સમય નથી
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી

બાપુભાઈ ગઢવી

Posted by: KishoreCanada | March 9, 2011

ઋણાનુબંધ

ઋણાનુબંધ

શ્રાવણની કાળી મેઘલી રાતે
ગાંડીતૂર જમનાના જળમાં
છાતી પર પથ્થર મૂકી જનેતાએ પાર કરી દીધો
નિજ નવજાત શિશુને જીવતદાન આપવા જ ને!

અને પારકી થાપણને પોતાની કરી
અદકેરાં લાડકોડથી ફટવી માર્યો
નંદ-જશોદાએ બાલ-કૃષ્ણને એવો
કે માથે લીધું એણે ગોકળિયું ગામ.

ને નટખટ કનૈયાએ ઘેલાં કીધાં
ને નચવ્યાં આસપાસ
રાધા અને ગોપી કેરાં વૃંદ

પણ એ વાતો બધી ભુલાઈ ગઈ!

હવે બન્યા તમે યોગેશ્વર કૃષ્ણ
ને ગીતા પ્રબોધતાં અર્જુન-સખા

પણ તમે ક્યારેક…
ગોકુળ-વૃંદાવનને મારગ ભૂલા પડો તો!
ઓળખી શકો જનેતા દેવકીને?
કે માતા જશોદાને કે સખી રાધાને?
કલ્પી શકો એ સૌના ઉદાસ
વિરહથી ઉઝરડાયેલા ચહેરાને?

એમ તો તમારી અગણિત નામાવલિમાં
તમે કદીક બન્યા વાસુદેવ ને દેવકી-નંદન
તો ક્યારેક નંદ-જશોદાના કુંવર
કે પછી રાધાના કૃષ્ણ
એ ગમે તે હોય તોયે -
તમને પૂર્ણપુરુષ બનાવવામાં
આ સૌનો કેટલો ફાળો છે!
શું તમને એ યાદ છે?

આ બધા પ્રશ્નોના જવાબ મને જડતા નથી
ને હું ખૂબ મૂંઝાઈ મરું છું
કારણ કે – કારણ કે
હું પણ આવી જ એક મા છું!

મધુરી ધનિક

તારા ગયા પછી સહેલ કેટલો અમે
સહરાનો ઉલ્કાપાત, તને શી ખબર પડે?

મનહર તળપદા

Posted by: KishoreCanada | February 24, 2011

જેની ચા બગડી એની સવાર બગડી

કહેવાય છે : “જેની ચા બગડી એની સવાર બગડી, દાળ બગડી એનો દિવસ બગડ્યો, પાપડ બગડ્યો એનો મહિનો બગડ્યો, અથાણું બગડ્યુ એનુ વરસ બગડ્યુ અને સાસુ બગડી એની જિંદગી બગડી.”

મને બે મુંઝવણો થાય છે. પહેલી એ કે જેની ચા બગડી એની સવાર બગડી તો સાંજ ક્યારે બગડે? બીજી એ કે જેની સાસુ બગડી એની જિંદગી બગડી શા માટે? જેની પત્નિ બગડી કે જેનો પતિ બગડ્યો એની જિંદગી બગડી કેમ નહી?

અહીં ચા, દાળ, પાપડ ને અથાણાની સરખામણી સાસુ જોડે કરવામા આવી છે. કદાચ વર કે કન્યાની સાસુ ચા જેવી મીઠી હોય અથવા દાળ પાપડ ને અથાણા જેવી ખારી, ખાટી ને તીખી હોય શકે. મારી એ બીજી મુંઝવણનો ઉકેલ તો જેની પત્નિ બગડી હોય અથવા જેનો પતિ બગડ્યો હોય તેવા અનુભવી જ આપી શકે. અહીં સાસુ અને જિંદગીની વાત કરી વિષયાન્તર કરવું નથી. પહેલી મૂંઝવણ છે ચાની, માટે ચા વિશે વાત કરવી છે. ચાનો સ્વભાવ છે ઊકળવાનો. ઊકળે પછી રંગ બદલે, ઉભરા મારે અને કડક બને. મારા કાકી મને વારંવાર યાદ આવે. ઊકળી ઊકળીને એવા ઉભરા મારે કે કાકાને તો શું આસપાસ અન્યને પણ દઝાડી નાંખે.

બ્લેક ટી (દૂધ વગરની ચા) ની ગણતરી આયુર્વેદિક દવા તરીકે થાય છે. બ્લેક ટી અને તેમાં દુધ ભેગું થતાં જે ચા બને તે આજે આખી દુનિયામાં પ્રખ્યાત છે. ભારતીય સ્પાઈસીસ નાંખીને તૈયાર થયેલી મસાલા ચા ઠેર ઠેર અને ઘડી ઘડી પીવાય છે. વતનમાં ભિખારી, મજૂર, મિલમાલિક કે ધનવાન લારી આગળ એક સાથે ઉભા રહીને ચાની મઝા માણે છે. લારીવાળી ચાની તપેલી કદાચ રાત્રે એક જ વખત ધોવાતી હશે. મારો એક મિત્ર ચા મફતની હોયતો ચોવીસે કલાક પીવે. પૈસા ચૂકવતી વેળા ખિસ્સામાં હાથ રાખી પાછળ ઉભો રહે. એની જીભ માથી ચાના જેવી મીઠી મીઠી વાણી વહે. એવા મખ્ખીચૂસને અડધો કપ પણ ચાલે. વળી ગુંટડાને સબડકા મારી પીવે અને તપેલી ભરીને મઝા લૂંટે. માખી જો આકસ્મિક ચાના કપમા પડે તો હળવેથી ઉઠાવી કચરાપેટીમાં ફેંકી દે અને ચા પીવાનો કાર્યક્રમ ચાલુ રાખે.

મારા સેંકડો બગાસાની દવા ચા છે. ચા જોઈને મારા બગાસા વરાળ બની જાય છે. મારી પરેશાનીનો ઉપાય પણ ચા. સચીન તેંડુલકરને સેકન્ડ ડાઉન (ચોથા ક્રમે) મોકલે ત્યારે મારી પરેશાની વધી જાય છે. ચા મળે તો પરેશાની ગાયબ. પત્નિ પિયર ગઈ હોય ને પૂર્વ નિર્ધારિત દિવસ કરતાં વહેલી પરત થાય તો હું અપસેટ થઈ જાઉં છુ. પરંતુ પિયરથી આવેલા બ્રાન્ડ ન્યુ ટીસેટમાં ચા મળે એટલે મારો ગુસ્સો છાણના પોદરા જેવો ઠંડોગાર થઈ જાય. કોઈ મને ઇડિયટ કે સ્ટુપિડ કહે તો હું ચલાવી લઉ છું પણ ચા વગર કદી નહી. ગરમી ખૂબ હોય તો પણ મારે ચા જોઈએ જ. ગરમીમાં ગરમ ચા મને ઠંડક આપે. ચા પીતી વેળા મારી ભીતર રાજામહારાજા જેવી બાદશાહી લાગણી ઉભરા મારે છે. ચાની કુટેવનો મને ગેરલાભ પણ છે. મીઠી મીઠી ચા પી પીને મારા દાંતો બગડી ગયા છે ને પેઢાં (gum) કહોવાય ગયા છે. ડેન્ટીસ્ટના ખર્ચા અત્યન્ત વધી ગયા છે. એક વાર મારી પત્નિએ ડેન્ટીસ્ટ આગળ રમુજ પણ કરેલી કે એટલા ડોલર્સમાં તો વતનથી સારા દાંતોવાળો બીજો પતિ લાવી શકાય. મારી પાચનશક્તિ નબળી પડી ગઈ છે. પેટમા ખોરાક પડે ને રબરના ફુગ્ગાની જેમ પેટ ફુલે છે. દરેક જમણ બાદ ઉપસેલુ પેટ બંધ થેલીમા લપેટાયલા સુરણના ગાંઠકંદ જેવુ લાગે છે. પરદેશમાં બપોર પછી ચાનું સ્થાન બીયરે લીધું હોય છે. પરિણામે કેટલાકને સાંજના જમણબાદ ઈલાસ્ટિકવાળી જોગિંગ પેન્ટ ચઢાવવી પડે છે.

મારા કાકા ડાયાબિટીશના દરદી પણ મીઠી ચાના બંધાણી. દવાની ટેબલેટ ગળવાની પણ ચા તો ગળી જ પીવાની. એ એમનો સિધ્ધાંત. મરઘો કૂકડે કૂક બોલતાં જ કાકાને ચા જોઈએ. કોઈકવાર તો કાકા બેડરુમમાંથી કૂકડે કૂક…. કૂકડે કૂક નો અવાજ કરી કાકીને ચા બનાવવાનો સંકેત કરે. આ મરઘાકાકાની ચા હંમેશા કાકી જ બનાવે. એકવાર કાકાએ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દુધની જગ્યાએ છાશ નાંખી હતી. ચા બગડી તો બગડી પણ કાકી બગડ્યાં હતાં ને આખી સવાર બગડી હતી. કાકાની એક કુટેવ છે. જો સવારની પહોરમાં ગરમાગરમ ચા ન મળી તો એમની સવાર બગડી. કાકા ડિક્લેર કરે કે કબજિયાત-એટેક માર્યો. હાર્ટ-એટેક માર્યો હોય એવા ચિંતાગ્રસ્ત થઈ જાય. એમની અક્કલ કામ કરતી બંધ પડી જાય. હાંફળાફાફળા થઈ ઘરમાં જ આમતેમ આંટાફેરા મારે. કાકાને કોણ સમજાવે કે ચા નહીં પણ ચામાં રહેલું ગરમ પાણી દબાણ કરે છે. ગરમ પાણીનો ઉપાય કોઈ સમજાવે તોયે એ માને ખરા? એમને તો ઉઠીને તરત ચા પીવી છે. કાકી પણ મસાલેદાર ચાના જબરા શોખીન. પોતાની ચામાં સ્વબનાવટનો મસાલો જ વાપરે. મસાલાની ડબ્બી જીવની જેમ સાચવી પર્સમાં લઈને ફરે. રેસ્ટોરન્ટ કે યજમાનના ઘરની ચામાં પણ પોતાનો સ્પેસિયલ મસાલો નંખાવે ને પેટ ભરીને સંતોષ અનુભવે.

ક્યારેક લોકો ચા પીવડાવી કાકાને બનાવી જાય છે. લગ્ન પહેલાં ચાનું આમંત્રણ આપી કાકી અને એમના મમ્મીએ કાકાને જાળમાં ફસાવ્યા હતા. કાકા કાકીની શરાબી આંખોમાં નહીં પણ સ્વાદિષ્ટ ચામાં ડૂબ્યા હતા. કાકીએ ટીના મુનિમની અદાથી ફિલ્મગીત પણ ગાયું હશે.: “શાયદ મેરી શાદીકા ખયાલ દિલમેં આયા હૈ ઇસી લીયે મમ્મીને મેરી તુમ્હેં ચાય પે બુલાયા હૈ.” સાસરે આવ્યા પછી જેમ નવીસવી કાકીને વારેઘડી પિયર સાંભરતું તેમ કાકાને પેલી ચા સાંભરતી.

અત્યારે કાકા એકલા એકલા કેનેડા ફરવા આવ્યા છે. દરરોજ સવારે આશરે ૬ વાગે ચા પીવે છે. તે સમયે કાકીનો ૩ ઘંટડી વગાડતો વતનથી લોન્ગ ડિસ્ટન્ટ મિસકોલ આવે છે. વતનમાં બપોરના આશરે ૪ વાગે કાકી ચા પીવે છે. દૂર દૂર રહીને પણ કાકા કાકી આ રીતે સંગ સંગ ચા પીવાનો રોમાન્ટિક આનંદ માણે છે. કાકા વતનથી ચણાદાણા કે મીઠાઈ નહીં પણ એક કિલો ચા સાથે લઈ આવ્યા છે. અહીંયા આવીને બે જ દિવસમાં ફરિયાદ કરવા લાગ્યા હતા કે ચાની લારી તો દેખાતી જ નથી. મેં રસ્તાના કોર્નર પરની કોફીશોપ બતાવી કહ્યું હતું: “ત્યાં પેલું …ઘર જેવું દેખાય છે તેમાં ચા મળે. ખાલીકપ કન્ટેનરના નળ નીચે મૂકો એટલે ભરાય જાય.” કાકાના ચહેરા પર અવિસ્મર્ણિય સ્મિત છવાય ગયેલું. મે આગળ કહ્યું હતું: “એક કપના ૫ચાસ સાંઠ રુપિયા થાય.” કિંમત સાંભળી કાકા આખલાની જેમ ભડકેલા. ત્યારથી કાકાએ કોફીશોપ તરફ આંખો ઉઠાવીને જોયું નથી. હવે જ્યારે અમે ટુરિસ્ટ સ્થળો જોવા જઈએ છીએ ત્યારે ભત્રિજી પાસે થર્મોસ ભરીને ચા બનાવડાવી લે છે. તે પણ સ્પેશિયલ આદુવાળી.

અમે સાંજે  જ્યારે સોશિયલ વિઝીટે જઈએ ત્યારે કાકાએ જોયુંકે મહેમાનને બીયર પીવડાવીને યજમાન પોતે ખાનદાની વ્યવહાર કર્યાનો સંતોશ માનતા હોય છે. કાકાની સૌથી વ્હાલી ચા પરંતુ અહિં તો સાંજનો સમય હોય તો બીયરનો આગ્રહ પ્રથમ. માટે રસ્તામાં જ કાકા કહેતા કે યજમાન જો ચાની ઓફર કરે તો ના નહીં પાડવાની. જો બીયરનો આગ્રહ કરે તો કાકાનું મોં પડી જાય. ચા લાવે તો મોં પર રોનક આવી જાય અને પોતાના માટે ખૂબ આદરભાવ છે એવું માને. યજમાનના કુટુમ્બ સાથેનો વર્ષો પુરાણો સંબંધ યાદ કરે. વળી મગ(mug)માં નહીં પણ કપ-પ્લેટમાં પીવડાવે તો ગામડાંનો હેતભર્યો દરિયો પીતા હોય એવી કલ્પના કરે. કાકા બીયર પીવાની અનિચ્છા દર્શાવે ત્યારે યજમાનને આશ્ચર્ય થાય. કાકાના એક ખાદીધારી મિત્ર (વતનમાં) તો વળી સમજાવતા કે પરદેશમાં તો આ સાંજે પિવાતી બીયર સોડા કહેવાય.

કાકા કાલે વતન પરત થવાના છે. પેલી ૧ કિલો ચા પણ ખલાસ થઈ ગઈ છે. એમને ખૂબ ફેરવ્યા. ઘણાં મિત્રો, સગાંવહાલાં, સબંધીઓની મુલાકાત કરી લીધી. લગ્નરિસેપ્સન, છઠ્ઠી, બર્થડે , લગ્ન, લગ્નએનિવર્સરી જેવા પ્રસંગોમાં ગયા. કાકાએ સૌને ખાણીપીણી તથા આનંદપ્રમોદ કરતા જોયા.

આજે અમે ચા પીતા હતા ત્યારે પોતાના પરદેશ પ્રવાસ દરમ્યાન કરેલા નિરીક્ષ્ણનો નિચોડ આપતાં કાકા મને કહે: “અહીંતો સાંજ પડવા માંડે ને બીયર-બોટલના ઢાંકણાં ખૂલવા માંડે. હજારો માઈલની પરદેશ મુસાફરી બાદ જેમ વતનની સાઈકલ વટલાઈને કાર બની ગઈ છે તેમ સાંજે પીવાતી ‘ચા’, વટલાઈને ‘બીયર’ બની ગઈ છે. જેની ચા બગડી એની સવાર બગડી અને જેની બીયર બગડી એની સાંજ બગડી.”

મનુ પટેલ


ચા મળી તો ચાહત જડી
ત્યાં મજાની હાજત મળી

કિશોર નિજાનંદ

Posted by: KishoreCanada | January 13, 2011

વળગણ

વળગણ

રાતના બાર વાગવામાં બે મિનિટની વાર અને હું ખોડીબાવાને ટેકરે!

અંધાર ઘોર અમાસી રાત ને એકલી અટૂલી માણસજાત
ભૂતિયો પીપળો ને ધ્રૂજતી અટકળો, ઉપરથી કિકિયારી કરતો વાયરો
પાન ખખડે ને હૈડિયો ગળામાં આવી જાય
ડસુ ડસુ કરતો, લબકારા લેતો, સાપણ જેવો સૂમસામ રસ્તો
ને ડરતો, ફફડતો હનુમાન ચાલીસા બોલતો, ધીરે ધીરે હું આગળ ચાલતો.

ત્યાંજ ઓચિંતો એ જ મારો ઓળો, કાળો પહાડ થઇને મને જ વીંટળાઈ વળ્યો.
માથે સગડી, અવળા પગ, પોલો વાંસો ને હાથમાં ફાંસો
ઊભી રહી ગઈ એ તો હવામાં અધ્ધર
હા..હા..હા..હા..હા…. હસીને બોલી – કેમ છે દોસ્ત, હાથ મિલાવ હાથ!

હું શું કરું?
ઉપર જોઉં તો આકાશ સળગે, નીચે જોઉં તો પાતાળ પીગળે
મારાથી તો ન હલાય કે ન ચલાય,
ગળામાં મણિયાનો ભાર, આંખો ચશ્માની બહાર
કાનમાં ઉતરી ગઈ ઊંડી ટીસ, ને હોઠ પર આવી ગઇ મૂંગી ચીસ
થઇ ગયો હું તો આખે આખો બીકથી લથબથ

હવે શું કરું?
મનમાં રટવા લાગ્યો…હનુમાનદાદા…હનુમાનદાદા…હનુમાનદાદા…
અને મારા સુપરમેને  સંકટ સમયે મને ખરેખર સાથ આપ્યો.

પછી શું, પળ ભરમાં મુઠ્ઠીઓ વળી ગઈ સધ્ધર ને પગ થઈ ગયા અધ્ધર
રેડી, એક બે ને ત્રણ…ને હું ફાસ્ટેસ મેન ઓન ધ રન…
પવન મારી પૂંઠ પાછળ, ને હું આગળ ને આગળ
ક્યારે રસ્તો કપાયો, ને હું ઘરમાં લપાયો, પૂંછ માં.

પહોંચતા જ મેં કીધા બંધ
ધડાધડ બારણાં, ભડાભડ સાંકળ, સટાસટ બારીઓ, ને ફટાફટ કડીઓ

હાશ…જાન છૂટી, ઓ..બજરંગબલી, જય બજરંગબલી,
આજે  ખરેખર મુકાવી તેં મોતની ગલી
આજથી દર શનિવારે ચઢાવીશ, તારા માથે સવા શેર તેલ
અને સોગન તારા રામના, એમાં કદી નહીં થાઉ ફેલ!

પછી થાક ખાવા હું ખાટલે ચડ્યો અને આંખો ભીડી આડો પડ્યો
ત્યાંજ ઓચિંતો હવામાંથી આવીને મારા ગળે એક હાથ પડ્યો.
દાંત માંડ્યા કકડવા, હોઠ માંડ્યા ફફડવા, તન મારું ધ્રુજે ને ઘર આખું ગૂંજે
થઇ ગયો હું તો પૂરેપૂરો ભયથી રેબઝેબ,
ને છેવટે મારો લેંઘો પલળી જ ગયો!

એમ રડ નહીં, મરદ છું ને, તો ગભરાય છે શાનો?—પેલીએ કહયું
સાંભળ, હું તો પૂછીને વળગું, સમજ્યો?
હું છું કવિતાનું ભૂત, ભૂત નહીં, કવિતા સુંદરી, શું કહયું? કવિતા સુંદરી!
જેને વળગું એનો બેડો પાર…

એક વાર તું ને હું એક પથારીએ, પછી જો….
તું ગમના દરિયા પી જઇશ, ને સુખના સાગર ઉલેચીશ
વૈભવના પાથરણાં પાથરીશ, ને કીર્તિના કોટડા ચણીશ
ચાંદ તારા ને સૂરજ ઉગાડીશ, ઝંઝાવાતો ને પ્રપાતો લાવીશ
ને પછી તારી કલમમાં આવશે ઇન્કિલાબ
ને આવશે મરવા માટે જીવતી લાશોમાં ઇન્કિલાબ
દુનિયાના નકશા બદલાઇ જશે ને વિશ્વની કાયા પલટાઇ જશે
એક ઈતિહાસ બનાવીને થઇશ તુ, આવતી કાલનો તારણહાર!

કવિવર, બોલ, હવે હું વળગું તને? ગભરાઇશ નહીં, વિચારીને જવાબ આપ.
હું તો પૂછીને જ વળગુ, સમજ્યો?
અને એ પોરો  ખાવા મારા ખાટલે બેઠી.

હું શું જવાબ આપું?
મારા તો હોશકોશ ઉડી ગયા!
મેં હળવેકથી, બહુ જ ધીમેથી, ગભરાતા ગભરાતા, હિમ્મત ભેગી કરીને કહ્યું-
આ જનમે તો તારી ભાભી વળગી છે, પણ આવતા જનમે જો…
અને ત્યાંજ મારી આંખ ખૂલી ગઈ…….
જોઉં છું, તો પાસમાં પડી છે,
તમારી ભાભી, જોરથી ગળે વળગીને!

કિશોર પટેલ

કિશોર પટેલના સ્વમુખે આ રચના સાંભળવા અહીં ક્લીક કરો. વળગણ – કાવ્યપઠન

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

અમૃત ‘ઘાયલ’

Older Posts »

Categories

Follow

Get every new post delivered to your Inbox.