અહેવાલ – શ્રધ્ધાંજલિ

શ્રધ્ધાંજલિ

૧.   ‘શબ્દસેતુ’ ના  સભ્ય કવિ અને  સર્જક ડૉ. શાન્તિલાલ ધનિકનું  ટોરોન્ટોમાં નિધન


ટોરોન્ટો કેનેડાની સાહિત્યિક સંસ્થાના સક્રિય સભ્ય શ્રી શાન્તિલાલ ધનિકનું ૨૦૦૬ના સપ્ટેમ્બરની પાંચમી તારીખે ટોરોન્ટોની સ્કારબોરો જનરલ હોસ્પિટલમાં ટૂંકી માંદગી દરમ્યાન અવસાન થયું હતું. શાન્તિલાલ ધનિકે  સ્વેચ્છાએ એમની શરીર સંપત્તિનું યુનિવિર્સિટીના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દાન કર્યું હતું.

ધનિક સાહેબનો જન્મ સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં તારીખ રજી મે, ૧૯૧૫ના રોજ થયો હતો. મુંબઈમાં અભ્યાસ કરી ૧૯૪૨માં એમ.બી.બી.એસ. થયા. એ પછી ૧૯૪૮માં યુકે ગયા ત્યાં ટીબી અને ચેસ્ટ ડીસીઝની ડીગ્રી મેળવી.  ૧૯૪૯માં યુ.એસ.એ. ગયા અને ત્યાં પણ આ ક્ષેત્રે ઉચ્ચ જ્ઞાન મેળવી ન્યુ યોર્ક અને ટેકસાસની હોસ્પિટલોમાં સેવા આપી. ૧૯૫૩માં સ્વદેશ એટલે કે મુંબઇ પાછા ફર્યા.

ડીસેમ્બર ૧૯૫૪માં મધુરીબહેન સાથે લગ્ન કર્યાં. એ પછી પંચગની ટીબી હોસ્પિટલમાં બે એક વર્ષ સેવા આપી તેઓ સુરત આવ્યા જયાં ૫૫ વર્ષ તબીબ તરીકે સેવાઓ આપી.

રિટાયર્ડ થઇ તેઓ ૧૯૮૮માં કેનેડા આવ્યા અને મધુરીબહેન સાથે નિવૃત જીવન જીવતા હતા. એમણે અંગ્રેજીમાં “Cry My Beloved” નામની જીવનકથા લખી અને  એજ કથા ‘સ્થાન ભ્રષ્ટ’ નામે ગુજરાતીમાં પણ લખી છે. એમણે એમના સહચરી-સહધર્મિણી મધુરીબેન સાથે ‘સાથોસાથ’ નામનો સહિયારો કાવ્યસંગ્રહ પણ પ્રગટ કર્યો છે. આમ આ સાહિત્યિક અને કવિ જીવ સાહિત્યમાં ખૂબ રસ હોવાથી ટોરોન્ટોની સાહિત્યિક સંસ્થા ‘શબ્દસેતુ’ના વર્ષોથી સક્રિય સભ્ય હતા.

તેમને  શ્રધ્ધાંજલિ  અર્પવા શબ્દસેતુના સભ્યો અને થોડા મિત્રોએ ભેગા મળીને એક શોકસભા ટોરોન્ટોના એમના  સિનિયર નિવાસસ્થાનના હૉલમાં શનિવાર તારીખ ૧૦ સપ્ટેમ્બર ૨૦૦૬ ના  રોજ આયોજી હતી.

આ પ્રસંગે રામધૂન બાદ શ્રી કિશોર પટેલ, શૈલેષ દેસાઇ, નીતા દવે, જય ગજજર, આબિદ ઓકડિયા, રસીદા દામાણી, સ્મિતા ભાગવત, રેશમા અને ચાંદની પટણી, ભાસ્કરભાઇ પટણી, જયેશ આશર વગેરેએ એમને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં એમના જીવન, કાર્ય અને સાહિત્યિક સેવાઓનો ઉલ્લેખ કરી એક પ્રેમાળ, હસમુખા, અને માનવતાવાદી સ્વજન અને મિત્ર ગુમાવ્યાનું દુઃખ વ્યકત કર્યું હતું અને મધુરીબહેનને હિંમત રાખી જીવનને આગળ ધપાવવા હૂંફ અને આશ્વાસન આપ્યાં હતાં.

અંતે કિશોર પટેલના શબ્દોમાં – “એ હતો મુલાયમ રેશમી શબ્દોનો માલિક, લાગણીઓથી ઉભરાતો,  હૈયે હર ઘડી, ઉમળકો લાવીને મળતો માણસ, ધ્યાનથી સૌની વાતો સાંભળતો માણસ, ટોળામાંનો એક અનૂઠો માણસ. શબ્દસેતુએ ડૉ. પૂર્ણિમાબેન ભટ્ટ પછી એક બીજા મોટા ગજાના સભ્ય ગુમાવ્યા છે અને મેં – મેં એક પડછાયા જેવો, મારો અંગત, ગપ્પા મારનાર મિત્ર  ગુમાવ્યો છે.”

શબ્દસેતુ વતી જય ગજજર.


. ‘શબ્દસેતુનાં સભ્ય કવયિત્રી અને સર્જક મધુરીબહેન ધનિકનું ટોરોન્ટોમાં નિધન


ટોરોન્ટો કેનેડાની સાહિત્યિક સંસ્થા ‘શબ્દસેતુ’ના સક્રિય સભ્ય શ્રીમતિ મધુરીબેન ધનિકનું ૨૦૦૯નાનવેમ્બરની ત્રીજી તારીખે સવારે છ વાગે ટોરોન્ટોની હોસ્પિટલમાં માંદગી ભોગવી અવસાન થયું હતું. મધુરીબહેને સ્વેચ્છાએ એમની શરીર સંપત્તિનું યુનિવિર્સિટીના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે  દાન કર્યું હતું.

તેઓ  ડૉકટર શાન્તિલાલ ધનિકનાં પત્ની હતાં. મધુરીબહેનનો જીવ સાહિત્યિક અને કવિ હતો. મધુરીબહેન ડૉ. ધનિકના સાહિત્યસર્જનમાં સાચા અર્થમાં અર્ધાંગિની હતાં.  તેમના પતિ ડૉ. શાંતિલાલ ધનિક અવસાન બાદ  પણ મધુરીબેન ‘શબ્દસેતુ’ના સક્રિય સભ્ય હતાં. જીવન ના કપરા આઘાતો અને બનાવોનો સામનો કરીને ધનિક દંપતિ હસતે વદને જિંદગી જીવતાં હતાં. પતિની જીવનકથા ‘સ્થાન ભ્રષ્ટ’ માં પ્રથમ પાને કવિશ્રી રમેશ પારેખના શબ્દો ટાંકયા છે, ‘હે મિત્ર મારા, કર ઘા, હું ઝાડ ને તું કુહાડી’. આ એક પંકિતમાં આ દંપતીના  હૈયાની બધી વેદનાઓ વ્યકત થાય છે. એ જીવનકથાને શ્રીમતિ સ્મિતાબહેન ભાગવતે ‘ન જાણ્યું જાનકીનાથે’ નામે નવલકથાનુ રૂપ આપ્યું છે.

ધનિકદંપતી ઊર્મિલ હતાં. ઉરમાં ઉઠતાં ઝરણાંને કાવ્યમાં શબ્દબધ્ધ કરી સહિયારા સાથની અનોખી અભિવ્યકિત દાખવી છે. આ દંપતીનો સાથ સહિયારો હતો, સર્જન સહિયારું હતું એટલે એમના કાવ્ય સર્જનના પુસ્તકને નામ પણ ‘સાથોસાથ’ આપ્યુ છે. આ ‘સાથોસાથ’ પ્રકટ કરવાની મનીષા પણ અદભૂતહતી – એક વૃધ્ધ દંપતીને પોંખવાની-સન્માનવાની. ‘સાથોસાથ’ ઉપરાંત આ દંપતીએ ‘વિશ્વવ્યાપીની સંસ્કૃતિ’ નામે એક અનુવાદ પણ ગુજરાતીમાં પ્રગટ કર્યો છે.

ધનિકદંપતીને સાહિત્યમાં ખૂબ રસ હોવાથી ટોરોન્ટોની સાહિત્યિક સંસ્થા ‘શબ્દસેતુ’ના ઘણાં વર્ષોથી સક્રિય સભ્ય હતાં. ડૉ. શાન્તિલાલ ધનિકના અવસાન પછી પણ મધુરીબહેન ‘શબ્દસેતુ’ના સક્રિય સભ્ય રહેલ. શારીરિક દુર્બળતાને ભૂલી તેઓ ‘શબ્દસેતુ’ની માસિક સભામાં નિયમિત આવવા ઉત્સુક રહેતાં હતાં.

‘શબ્દસેતુ’ના સભ્યોએ એમને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં એમના જીવન, કાર્ય અને સાહિત્યિક સેવાઓનો ઉલ્લેખ કરી એક પ્રેમાળ તેમજ હસમુખા સભ્ય ગુમાવ્યાનું દુઃખ વ્યકત કર્યું હતું. એમના કાવ્યસંગ્રહ ‘સાથોસાથ’માંથી બે કાવ્યોનું કિશોર પટેલે પઠન પણ કર્યું હતું.

શબ્દસેતુ વતી જય ગજજર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: