મૂડી
મનજીત પંદર વર્ષથી શ્યામલાલ અને મનોરમાનો વિશ્વાસુ ડ્રાઈવર હતો. પતિપત્ની કારમાં ઘણી અંગત વાતો કરતાં. એટલે ઘણું બધું એ જાણતો હતો. પણ અહીંનું તહીં કરવાની એનામાં ટેવ નહોતી.
શ્યામલાલની એક બહુ અંગત વાત પણ એ જાણતો હતો. શ્યામલાલ અવારનવાર કોઠાની મૂલાકાત લેતા. એક વાર શ્યામલાલ એ સ્ત્રીને એક ડૉકટર પાસે લઈ ગયા હતા. એટલે કોઈ સ્ત્રી સાથે આડ સંબંધ હોવાની એને ખાત્રી થઈ હતી. મોટા લોકોનાં મોટાં રહસ્યો એમ માની આંખ આડા કાન કરતો.
બેચાર વાર મનજીત સાથે એકલા દવાખાને જવાનું થતાં નિરુપમાનો પરિચય થયો. મનોરમા એ રહસ્ય જાણે તો ઘરમાં મહાભારત સર્જાવાની અને પોતાની કાયમી આવક જતી રહેવાની બીકને કારણે મનજીતને ચૂપ રહેવા દર મહિને એને બસો રૂપિયા આપવાનું નકકી કર્યું.
એક વાર મનજીતે એના દીકરાના ઓપરેશન માટે શ્યામલાલ પાસે વીસ હજાર રૂપિયાની લોન માગી. શ્યામલાલે ગુસ્સે થઈને કહ્યું, “એટલી મોટી રકમ તું આ જન્મે તો પરત નહિ કરી શકે. સોરી, બેપાંચ હોય તો જુદી વાત.”
“શેઠજી, મારા દિકરાની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડોકટરને સાત દિવસમાં પૈસા ચૂકવવાના છે.”
“સોરી, હું તને મદદ નહિ કરી શકું.”
મનજીત ચિંતામાં વ્યગ્ર હતો . એને નિરુપમા યાદ આવતાં નિરુપમા પાસે જઈ આજીજી કરી.
“જો શ્યામલાલ સાથેના અમારા સંબંધની વાત તું કદી કોઈને ન કરે તો હું તને મદદ કરીશ. પણ માસિક ભથ્થુ બંધ.”
“તમે મને મદદ કરતાં હો તો મને એ મંજૂર છે.” કહેતાં એને નમી પડયો.
“તારા ડૉકટરનું નામ સરનામું આપ. બે દિવસ પછી મને મળજે.”
મનજીતે સરનામું આપ્યું.
બીજે દિવસે નિરુપમા ડૉકટરને મળવા ગઈ. એની ચાલાક આંખો ડૉકટરના આંતર મનને પારખી ગઈ. એણે ડૉકટરને એની જાળમાં ફસાવ્યા. દર મહિને મળવાનું વચન આપી મનજીતના દિકરાના ઓપરેશન માટે બાંધી લીધા.
બીજે દિવસે મનજીત મળવા આવ્યો ત્યારે કહ્યું, “તારું કામ પતી ગયું. આવતા સોમવારે ડૉકટર ઓપરેશન કરશે.”
“તમે પૈસા આપી દેશો ને?” મનજીતે ભોળાભાવે પૂછયું.
“એ તારે નહિ જોવાનું. તારું કામ પતી જશે. તારું વચન પાળજે .”
મનજીત નિરુપમાની વાત સમજી ગયો. એની એક મહત્વની મૂડીનો વિચાર કરતો એના દિકરાની ખુશીમાં ગરકાવ થઈ ગયો.
કોઈ હમદર્દ આવે છે, કોઈ ગમખ્વાર આવે છે
હજારો દર્દ લઈને લોક મારે દ્વાર આવે છે
કવિ નઝ
પ્રતિસાદ આપો